અસ્વચ્છ ટેવો અને અસ્વચ્છ પર્યાવરણ સદીઓથી માનવ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ સાબિત થયા છે. આપણાં દેશમાં માત્ર સ્વચ્છ પાણી અને પર્યાવરણીય સ્વચ્છતા વધે તો અનેક ચેપી રોગો થતાં જ અટકી જાય છે.
અંગત સ્વચ્છતામાં સૌથી વધુ અગત્યતા શરીર સફાઇની છે. માત્ર ઘસીને હાથ ધોવાની કાળજી શરદીથી માંડીને આંખ આવવા સુધી અને ઝાડા થી માંડી કૃમિ સુધીની અનેક બિમારીઓ ઘટાડી દે છે.
પીયૂષ અને મીનાનું યુગલ એક આદર્શ પતિ-પત્નીના જોડકા જેવું હતું. બંને એકબીજાને કોલેજકાળથી ઓળખતા અને એમણે માતાપિતાની સંમતિથી સ્નેહલગ્ન કરેલાં. એક જણને કંઇ પણ તકલીફ પડે, જરૂર પડે તો બીજાને તરત એનો ખ્યાલ આવી જતો અને એકબીજાને સહારો આપીને, છેલ્લે પંદરેક વર્ષથી સુખી જીવન વિતાવતાં હતાં.
ગયા મહિને અચાનક વાહન અકસ્માતમાં મીના પર ટ્રક ફરી વળી. પીયૂષને અકસ્માતની ખબર પડીને એનું સમગ્ર શરીર ખળભળી ઉઠ્યું. એકદમ સૂનમૂન થઇને એ બેસી રહેતો. કામકાજમાં જરાય ચિત્ત ન ચોટતું. પીયૂષને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મીના એને આમ છોડીને જતી રહેશે. એ અંદરથી ભાંગી પડ્યો.
ગયા અઠવાડિયે એ પથારીમાંથી ઊઠ્યો ત્યારે એણે જોયુ કે એના હાથની આંગળીઓ સૂજી ગઇ છે અને અકડાઇ ગઇ છે. જમણો ઘૂંટણ પણ જરીકેય હલાવવાથી સખત દુ:ખતો હતો. અડધો એક કલાક પથારીમાં બેઠા પછી થોડું ચાલી શકાયું. પીયૂષ તો દંગ જ રહી ગયો કે અચાનક આ હાથ-પગ કેમ દુ:ખવા માંડ્યા. ન તો એણે કોઇ ખાસ શ્રમ પડે એવું કામ આગલે દિવસે કરેલું, ન તો કંઇ વાગ્યાનો અણસાર હતો. થોડુંઘણું ફર્યા પછી દુ:ખાવો બપોર સુધીમાં થોડો ઘટ્યો પણ રાત પડતાં દુ:ખાવાએ પાછી પોતાની યાદ અપાવી. હવે ડાબો ખભો પણ અકડાઇ ગયો હતો. અને જાતજોતામાં બે ત્રણ દિવસમાં એની હાલત એટલી બગડી ગઇ કે પથારીમાંથી ઊઠવું જ લગભગ અશક્ય થઇ ગયું.
શરૂઆતના એક-બે દિવસ તો એમ ને એમ પેઇન-કિલર દવા લઇને પીયૂષે ખેંચ્યે રાખ્યું પણ જ્યારે પથારીમાંથી ઉઠી શકાય એવી સ્થિતિ ન રહી ત્યારે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે બધી તપાસ કરી લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા અને છેવટે નિદાન કર્યુ ર્હ્યુમેટોઇડ આથ્રાઇટીસ. આમ અચનાક ગંભીર ર્હ્યુમેટોઇડ આથ્રાઇટિસનો હુમલો કઇ રીતે શેને કારણે આવ્યો એ ડોક્ટર પણ સમજી ન શક્યા. આ રોગમાં શરીરનું ઇન્યૂનતંત્ર શરીરના જ અન્ય કોષો સામે બળવો કરે છે એ આપણે આગલા પ્રકરણમાં જોઇ ગયા.
આજકાલ વૈજ્ઞાનિકો પણ આ અને આની જેવા અનેક કિસ્સા પાછળ રહેલું વિજ્ઞાન શોધવા માટે કમ્મર કસી રહ્યા છે. એક આંકડાકીય માહિતીના પૃથકરણ પરથી જાણવા મળ્યું છે કે પુરુષ, ગમે તે ઉંમરે, જો પોતાની પત્નીને કાયમ માટે ગુમાવે તો એ પછી બારેક મહિનામાં એ પુરુષનું પણ મૃત્યુ થવાની શક્યતા અન્ય પુરુષો કરતાં ચૌદગણી વધી જાય છે. આવું શું કામ થાય છે એ કોઇ જાણી શક્યું નથી. અન્યમનસ્ક થઇને આ લોકો અકસ્માતોનો ભોગ બને છે કે તેમની ઇમ્યૂનિટી ઘટી જઇને રોગોનો ભોગ બને છે તે અંગે હજી સુધી કોઇ માહિતી મળી શક્તી નથી. એક બીજા અભ્યાસ પ્રમાણે જેની પત્ની તાજેતરમાં મૃત્યુ પામી હોય એવા પુરુષના ઇમ્યૂનતંત્રની કામગીરીમાં ઘટાડો, એને પોતાના મા વિનાના બાળકોને ઉછેરવામાં પડતી તકલીફના પ્રમાણમાં હોય છે !! એટલે કે જેમ વધુ માનસિક તકલીફ પડે એમ વધુ ઇમ્યૂનતંત્રની કામગીરી ખોરવાય છે !
માનસિક તાણને કારણે શરીરમાં જાતજાતના ફેરફારો થઇ જાય છે. તમે રસ્તો ઓળંગતા હો ત્યારે ધસમસતી ટ્રક તમારી ઉપર આવતી જુઓ ત્યારે શું થાય છે? સૌથી પહેલાં તમે ગભરાઇ જાઓ છો. ગભરાટમાં મગજ એકમદ ઝડપભેર ચાલવા લાગે છે. મગજમાં જાતજાતના વિચારો આવી જાય છે. આગળ જવાથી બચી શકાશે કે પાછા ફરી જવાથી બચાશે એની ગણતરી પળભરમાં થઇ જાય છે. તરત તમારૂ મગજ ચેતાતંતુઓ મારફતે પગના સ્નાયુઓને હુકમ આપે છે કે ઝડપથી કૂદકો મોરીને ટ્રકના રસ્તામાંથી દૂર થઇ જા. કેટલે દૂર કૂદકો મારવો પડશે એ તમારી આંખ મગજને કહી દે છે અને મગજ એ પ્રમાણે સ્નાયુઓને સંદેશ આપે છે. આની સાથે સાથે જ મગજના હાઇપોથેલેમસમાંથી કેટલાંક રસાયણ નીકળે છે, જે મગજ પાસે આવેલી પિટ્યૂટરી નામની ગ્રંથિને ઉત્તેજિત કરે છે. આ ઉપરાંત, હાઇપોથેલેમસમાંથી કેટલીક ચેતાઓ પેટમાં કિડનીની ઉપર આવેલ એડ્રીનલ મેડ્યૂલા નામની ગ્રંથિને ઉત્તેજિત કરે છે. આ ગ્રંથિમાંથી એડિ્રનાલીન અને નોરએડિ્રનાલીન નામના અંત:સ્રાવ ઝરે છે. જે આવી સંકટની સ્થિતિમાં લોહીનો વધુ ને વધુ પ્રવાહ સ્નાયુ સુધી પહોંચે એવાં પ્રયાસ કરે છે. આને કારણે ચામડી પર લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છે. ચામડી ફીકી પડી જાય છે અને જાણે 'કાપો તો લોહી ન નીકળે' એવી સ્થિતિ થઇ જાય છે. આમ, માત્ર એક ક્ષણિક સંકટની સ્થિતિ આખા શરીરના અનેક તંત્રોને સાબદા કરી મૂકે છે અને આ બધા તંત્રોની સુમેળભરી કામગીરીના પરિણામ સ્વરૂપે જ તમે સંકટથી બચી શકો છો.
આ તો અચાનક આવતી ક્ષણભરની માનસિક તાણની વાત થઇ પણ આ જ રીતે જ્યારે માનસિક તાણ લાંબા સમય સુધી ચાલે ત્યારે એની લાંબા ગાળાની અસરો થતી રહે છે. વળી લાંબા ગાળાના તણાવથી થતી અસરોનો અભ્યાસ પણ પ્રમાણમાં સહેલાઇથી થઇ શકે છે. જે રીતે મગજના ચેતાતંતુઓ પગના સ્નાયુ કે એડિ્રનલ ગ્રંથિ સુધી પહોંચે છે એ જ રીતે મગજથી થાઇમસ ગ્રંથિ સુધી ચેતાતંતુઓનું સીધુ જોડાણ હોય છે. આપણે જાણીએ છીએ કે થાઇમસ ગ્રંથિ જ ઇમ્યૂનતંત્રનો આત્મા છે. ઇમ્યૂનતંત્રના ઉચ્ચ અફસરો ઉર્ફે ટી-લિમ્ફોસાઇટ થાઇમસ ગ્રંથિમાં જ તાલીમ પામે છે. (ટી-થાઇમસ). આમ મગજ અને ઇમ્યૂનતંત્ર વચ્ચે એક ''હોટ-લાઇન'' જોડાણ કાયમી હોય છે.
આ ઉપરાંત, મગજ સાથે જોડાયેલ જુદી જુદી અંત:સ્રાવી ગ્રંથિઓના અંત:સ્રાવો ''વાયરલેસ'' સંદેશાવાહકનું કામ કરે છે. શરીરના કોઇ પણ ભાગમાં પેટ્રોલિગ કરતાં શ્વેતસૈનિકનો સંપર્ક કરવો હોય તો એ માટે ચેતાતંતુ ઉપયોગી ન થઇ શકે પણ લોહી વાટે આખા શરીરમાં ફરી વળતાં અંત:સ્રાવો એ કામ બહુ સહેલાઇથી કરી શકે છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે પણ શરીરના દરેક લિમ્ફોસાઇટ પર અંત:સ્રાવરૂપી ''વાયરલેસ'' સંદેશા ઝીલવા માટે ખાસ પ્રકારના રિસેપ્ટર આવેલાં હોય છે. ઇન્સ્યુલીન, સ્ટીરોઇડ, એડિ્રનાલીન વગેરે અંત:સ્રાવોના રિસેપ્ટર લિમ્ફોસાઇટ પર જોવા મળ્યા છે. અને સંદેશા ઝીલવા ઉપરાંત લિમ્ફોસાઇટ પોતે ઘણાં રસાયણો (દા.ત. ઇન્ટરલ્યૂકીન) લોહીમાં વહેતાં મૂકે છે, જેને ઝીલવા માટે અન્ય શ્વેતસૈનિકો પર અને મગજમાં 'રિસેપ્ટર' હોય છે. આમ, મન-મગજ-ચેતાતંતુ-અંત:સ્રાવો અને ઇમ્યૂનતંત્ર એકબીજા સાથે સંકળાયેલ હોય છે. આ બધા વચ્ચે કઇ જાતના સંદેશાની ક્યારે અને કેવી રીતે આપ-લે થાય છે તે આપણા વૈજ્ઞાનિકો 'ઇન્ટરસેપ્ટ' નથી કરી શક્યા (સંદેશા ઝડપી નથી શક્યા), પણ આ અંગે વ્યવસ્થિત અભ્યાસ થઇ રહ્યો છે. અભ્યાસની આ શાખાનું નામ છે સાયકો-ન્યૂરો-એન્ડોક્રીનો-ઇમ્યૂનોલોજી! ચૌદ અક્ષરનું આ નામ મન-મગજ-અંત:સ્રાવ અને ઇમ્યૂનિટી વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે.
આ અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, માનવ મગજમાં આવેલ એક પીનીયલ ગ્લેન્ડને નિયંત્રક-ટી-લિમ્ફોસાઇટ સાથે કંઇક સંબંધ છે. આમ તો પીનીયલ ગ્લેન્ડનું કામ માણસની આંતરિક ઘડિયાળ જેવું છે, જે દિવસ-રાતની સાથે સાથે ઊંઘ અને જાગ્રતાવસ્થાનો સુમેળ સાધે છે. જો આ ગ્લેન્ડેને નુકશાન પહોંચે તો 'આંતરિક ઘડિયાળ' ખોટકાવાની સાથે સાથે નિયંત્રક-ટી-લિમ્ફોસાઇટનું કામકાજ પણ ખોરવાઇ જાય છે. પીનીયલ ગ્રંથિની અસર લિમ્ફોસાઇટ પર કઇ રીતે થાય છે તે હજી જાણી શકાયું નથી.
મગજના હાઇપોથેલેમસ નામના ભાગને ઇજા પહોંચે તો શરીરના ઘણા બધા અંત:સ્રાવોનું કામકાજ ખોરવાઇ જાય છે અને સાથે સાથે ટી-લિમ્ફોસાઇટની લોહીમાં ફરીને ક્યાંક પણ પહોંચી જવાની અને આયોજનબદ્ધ હુમલો કરવાની શક્તિ પણ હણાઇ જાય છે ! એટલું જ નહીં શરીરના પોલીસમેન જેવા મેક્રોફેઝ પણ દુશ્મનને પકડી પકડીને ટી-લિમ્ફોસાઇટને બતાવવાનું કામ બરાબર કરી શક્તા નથી. આ જ રીતે જો મગજનો ડાબો ભાગ નુકશાન પામે અને જમણો ભાગ બરાબર કામ કરતો હોય તો નેચરલ કિલર તરીકે ઓળખાતા મારક-લિમ્ફોસાઇટની કામગીરી અટવાઇ જાય છે. ડાબેરી વ્યક્તિઓમાં એલર્જિક અને ઓટોઇમ્યૂન ડિસીઝનું પ્રમાણ જમણેરીઓ કરતાં વધારે હોય છે !
માનસિક સ્થિતિઓના અભ્યાસ પરથી એવું સાબિત થઇ ચૂક્યું છે કે માનસિક હતાશા (ડિપ્રેશન)ને કારણે ઇમ્યૂનતંત્રનું કામ શિથિલ થઇ જાય છે. ડે(ન્ટસ્ટ બનવા માટેની પરિક્ષામાં બેઠેલા ઉમેદવારોનો એક અભ્યાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે જે ઉમેદવારોની તૈયારી ઓછી હતી, જેને તૈયારી માટે ખૂબ તણાવભરી સ્થિતિમાંથી પસાર થવું પડેલું અને પરિણામે જે પરીક્ષામાં ખરાબ દેખાવ કરી શકેલા એ ઉમેદવારોમાં પરીક્ષા પછી તરત જ શરદી-ખાંસી જેવાં નાક-ગળાના ચેપનું પ્રમાણ અન્ય ઉમેદવારો કરતાં વધારે હતું. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આવા ઉમેદવારોમાં lgA પ્રકારના મોં-નાક-ગળાની રક્ષા કરતાં એન્ટિબોડીનું પ્રમાણ ઘટી ગયેલું. આથી ઉલટું અન્ય એક અભ્યાસમાં એવું જાણવા મળેલું કે જે લોકો સારા પરોપકારના કામ સાથે સંકળાયેલ હોય છે તેમના શરીરમાં અન્ય લોકો કરતાં lgA નું પ્રમાણ વધી જાય છે. મધર ટેરેસાની ફિલ્મ જોતા યુવાનોમાં તે ફિલ્મ જોતી વખતે લાળમાં રહેલ lgA એન્ટિબોડીનું પ્રમાણ ઢિશૂમ-ઢિશૂમની ફિલ્મ જોતા યુવાનો કરતાં વધારે હતું !
આવો જ એક બીજો દાખલો મિલિટરી કે ડોક્ટરીની તણાવભરી તાલીમ લેવા આવતાં તાલીમાર્થીઓમાં જોવા મળે છે. આવી જગ્યાએ ઘણીવાર તાલીમાર્થીઓમા-બાપના આગ્રહને કારણે અનિચ્છાએ આવી જતાં હોય છે. મિલિટરી તાલીમાર્થીઓના એક શિબિરમાં થોડા વર્ષો પહેલાં એક વાઇરસનો રોગચાળો ફાટી નીકળેલો. આ રોગચાળાનો ભાગ બનનારાઓમાં અનિચ્છાએ તાલીમ લેવા આવેલાં, પોતાની કારકિર્દી અંગે શંકાશીલ તાલીમાર્થીઓનું પ્રમાણ ખૂબ મોટુ હતું, જ્યારે પોતાની ઇચ્છાથી આવેલ અને પોતાની સિદ્ધિથી સંતુષ્ટ તાલીમાર્થીઓ, ચેપ લાગવા છતાં વાઇરસને મારી હઠાવવામાં સફળ થતાં અને રોગનો ભાગ નહોતા બનતા ! આમ માનસિક સંતોષ અને સબળ ઇમ્યૂનતંત્ર વચ્ચે પણ કોઇક કડી છે.
આવા જાતજાતના અનેક અભ્યાસો પરથી ઇમ્યૂનતંત્ર અને માનસિક સ્થિતિ વચ્ચેનો સંબધ પ્રસ્થાપિત થઇ ચૂક્યો છે પણ આમા શરીરના એટલા બધા તંત્રો સંકળાયેલાં છે કે કરોળિયાના જાળાની જેમ કયા તંત્રની અસર કેટલી તીવ્રતાથી અન્ય તંત્ર પર થાય છે એનો ક્યાસ કાઢવો મુશ્કેલ છે. પણ એટલું નક્કી છે કે નીરોગી રહેવા માટે સબળ ઇમ્યૂનતંત્ર જરૂરી છે અને સબળ ઇમ્યૂનતંત્ર માટે પ્રફુ(લ્લત, આનંદિત, સંતુષ્ઠ, સેવાભાવી 'મન' જરૂરી છે !
છેલ્લે કેન્સરના દર્દીઓ પર માનસિક સ્થિતિ અને ઇમ્યૂનીટી અંગેના અભ્યાસની વાત કરી લઇએ. આપણે આગળ જોઇ ગયા કે કેન્સર થાય ત્યારે કેન્સરવાળા ઘણાં કોષોના એન્ટિજન બદલાઇ જાય છે અને જો સાબૂત ઇમ્યૂનતંત્ર હોય તો આવા બદલાયેલ એન્ટિજનવાળા કોષોને ત્યાં ને ત્યાં જ પતાવી દઇને કેન્સરરૂપી ત્રાવસાદને ઉગતો જ ડામી દે છે. આ વાત કેન્સરના દર્દીઓને સ્લાઇડ અને ફિલ્મ દ્વારા સમજાવીને તેમના મગજ દ્વારા એવો નિષ્ચય કરવા જણાવાયું કે પોતાના લિમ્ફોસાઇટ પણ કેન્સરના કોષોને પકડી પકડીને ખલાસ કરી નાંખે. આવુ દ્દઢ મનોબળ કેળવાય એ દર્દીઓ અન્ય દર્દીઓ કરતાં કેન્સરને સારી લડત આપી શકેલા. જો કે આ તો માત્ર પ્રાથમિક પરિણામ છે. આ અભ્યાસ ચાલુ છે અને છેવટના પરિણામ સુધી આપણે દ્દઢ મનોબળ રાખીને રાહ જોવી રહે !
આ તબક્કે ફરી એકવાર ચોખવટ કરી લઇએ કે મન અને ઇમ્યૂનિટીનો સંબંધ વૈજ્ઞાનિકો પૂરેપૂરો સમજી શક્યા નથી અને અહીં જણાવેલ અભ્યાસો માત્ર પ્રાથમિક તારણ સુધી પહોંચી શક્યા છે. છેવટનું તારણ કદાચ બીજુ કંઇ પણ નીકળે! અને મન ઉપરાંત અન્ય આંતરિક, બાહ્ય અને પરિબળો પણ ઇમ્યૂનિટીના કામકાજમાં ખલેલ પહોંચાડી શકે.
જુદા જુદા રોગો, ખોરાકો અને ઝેરી તતત્વો ઇમ્યૂનિટીનું કામકાજ ખોરવી શકે છે. સૌથી જાણીતું ઉદાહરણ લઇએ તો ડાયાબિટીસમાં માણસની ચેપ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. આની પાછળ ઘણાં બધાં પરિબળો કામ કરી શકે પણ મુખ્યત્વે ઇમ્યૂનતંત્રની ખરાબી જ જવાબદાર હોય છે. ડાયાબિટીસના દર્દીમાં ન્યૂટ્રોફીલ અને મેક્રોફેઝની દુશ્મનને ખતમ કરી નાંખવાની અને પોતાની મદદે અનેક બીજા શ્વેતસૈનિકોને બોલાવી શકવાની તાકાત ઘટી જાય છે. પરિણામે ડાયાબિટીસના દર્દીમાં કોઇ ચેપ લાગે તો એ ચેપ, તંદુરસ્ત માણસને લાગેલા ચેપની સરખામણીએ વધુ ખતરનાક બની રહે છે.
ઘણાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓરી નીકળ્યા પછી એટલી બધી ઓછી થઇ જાય છે કે ઓરીમાંથી માંડ સારો થાય ત્યાં સુધીમાં ટી.બી. જેવા ભયંકર રોગનો શિકાર બની જાય છે !!