કોઇ સેનાના ટોચના અફસરોને એક ખતમ કરી નાંખવાનું સફળ કાવતરું થાય અને એ પાર પડ્યા પછી સેના સામે યુદ્ધનો પડકાર ફેંકાય તો શું થાય? આવી સેનાપતિ વગરની સેનાથી દેશને કોઇ દુશ્મનથી ન બચાવી શકાય. દેશની આજુબાજુ રહેલા દુશ્મનો લાગ જોઇને મન ફાવે એમ હુમલો કરવા લાગે અને બોડીબામણીના ખેતર જેવી દેશની હાલત કરી નાંખે.
વીસમી સદીના મહાભયાનક રોગ 'એઇડ્સ'માં આપણાં શરીરરક્ષક દળની હાલત અદ્લ સેનાપતિ વગરના સેૈન્ય જેવી થઇ જાય છે. એક્વાયર્ડ (AQUIRED) ઇમ્યૂનો (IMMUNO) ડેફિસિયન્સી (DEFICIENCY) સિન્ડ્રોમ (SYNDROME) તરીખે નામ પામેલા અને એ ચારે શબ્દોના પહેલા અક્ષર જોડીને ટૂંકમાં એઇડ્સ (AIDS) તરીકે ઓળખાતા આ તદ્ન નવા જ પણ ખતરનાક રોગે લોકોમાં ખૂબ કૂતહલ અને બીક ફેલાવ્યાં છે.
આજથી દશ-બાર વર્ષ પહેલા જે રોગને કોઇ જાણતું પણ ન હોતું, જેનું નામ પણ કોઇ તબીબી ચોપડામાં ન હોતું, એ રોગ આખી દુનિયામાં કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ઇ.સ. ૧૯૮૧ થી ૧૯૯૧ સુધી માત્ર દશ જ વર્ષમાં એઇડ્સના કુલ ત્રણ લાખ છાસઠ હજાર દર્દીઓ વિશ્વ આરોગ્ય સંસ્થાના ચોપડે નોંધાયા છે. નોંધાયેલા દર્દીઓ કરતાં વણનોંધાયેલ દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે, એવું વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતો જ માને છે. એમના અંદાજ પ્રમાણે આજે આખા વિશ્વમાં પંદર લાખથી વધારે લોકો એઇડ્સ રોગનો શિકાર બની ગયા છે. અને જો કોઇ ઉપાય ન મળે તો આ સદીના અંત સુધીમાં એઇડ્સથી સબડતા દર્દીઓની સંખ્યા એક કરોડનો આંકડો વટાવી જશે એવું અનુમાન છે!!
૧૯૮૧ની આસપાસ સર્વપ્રથમ અમેરિકામાં નોંધાયેલ એઇડ્સ આખી દુનિયામાં બહુ ઝડપભેર ફેલાઇ ચૂક્યો છે અને આપણું ભારત પણ આ રોગથી બાકાત રહી શક્યું નથી. ભારતમાં ૧૯૮૫માં એઇડ્સનો પહેલવહેલો કેસ નોંધાયેલો. એ પછી ઉત્તરોત્તર એઇડ્સના કેસમાં વધારો થતો રહ્યો છે. અત્યારે (૧૯૯૪માં) દેશભરમાં ૧૦,૮૫૬ વ્યક્તિના શરીરમાં એઇડ્સના વાઇરસ પ્રવેશી ચૂક્યા છે.
શરીરરક્ષક દળના સેનાપતિ ઉર્ફે ટી-લિમ્ફોસાઇટ પર વાઇરસનો ચેપ લાગવાથી એઇડ્સ થાય છે. શરૂઆતમાં એઇડ્સ કરતાં વાઇરસને HILV-III એવું નામ અપાયું. એ પછી કેટલાંક લોકો એને LAV તરીકે ઓળખતા. પણ હવે વૈજ્ઞાનિકોએ એઇડ્સ કરતાં વાઇરસને હ્યુમન ઇમ્યૂનો-ડેફિસિયન્સી વાઇરસ (HIV) એવું નામ આપ્યું છે. શરૂઆતમાં એવું મનાતું હતું કે એઇડ્સ માત્ર એક જ વાઇરસથી થતો રોગ છે, પણ પહેલો વાઇરસ શોધાયો એ પછી ચારેક વાઇરસમાં જ એઇડ્સ કરી શકે એવા બીજા વાઇરસની શોધ થઇ એટલે હવે એઇડ્સ કરતાં વાઇરસ HIV-1 અને HIV-2 એ રીતે ઓળખાય છે.
માનવજાતના હજારો વર્ષોના ઇતિહામાં અચાનક, આ HIV વાઇરસ ક્યાંથી ફૂટી નીકળ્યા એ એક કોયડો છે. કેટલાંક વૈજ્ઞાનિકો એવું માને છે કે વાંદરાઓમાં ઘણાં વખતથી એઇડ્સ જેવો રોગ થાય છે અને વાંદરાઓમાં આવો રોગ કરતાં વાઇરસના જનીનમાં કોઇક કારણે ફેરફાર (મ્યુટેશન) થવાથી એ વાઇરસોએ માણસમાં પણ રોગ કરવાનું શરૂ કરી દીધું હોય! આવું મ્યુટેશન કાં તો કુદરતી થયું હોય અથવા આજના જનીન ઇજનેરીના યુગમાં કુબુદ્ધિવાળા વૈજ્ઞાનિકનું પરાક્રમ હોય!!
એઇડ્સના વાઇરસ માનવસર્જિત (જનીન ઇજનેરીનું પરિણામ) છે એવો વિવાદ ઘણાં વખતથી ચાલે છે. અમેરિકાના લશ્કરી રિસર્ચ અને ટેકનોલોજીના ડેપ્યુટી ડાયરેક્ટરે છેક ૧૯૬૮ માં અમેરિકન કોન્ગ્રેસની સબકમિટી આગળ નીચે મુજબની રજૂઆત કરી હતી : ''આવતાં ૫ થી ૧૦ વર્ષની અંદર કદાચ એવું શક્ય બનશે કે આપણે એવું ચેપી સૂક્ષ્મજંતુ બનાવી શકીએ જે બીજા સૂક્ષ્મજંતુઓથી અમુક અગત્યની બાબતમાં જુદું પડતું હોય - ખાસ તો ઇમ્યૂનોલોજિકલ અને થેરાપ્યૂટિક બાબતોમાં તે અજેય હશે!''
આ રજુઆત પછી અમેરિકન કોન્ગ્રેસે એક કરોડ ડોલર જેવી માતબર ગ્રાંટ અમેરિકાના લશ્કરે આવું જંતુ વિકસાવવા માટે આપી. અને આ પછીના દશ-બાર વર્ષોમાં જ અઇડ્સના કેસ ધ્યાન પર આવવા લાગ્યા!! જિનીવા કરાર પ્રમાણે યુદ્ધમાં જીવાણું અને રાસાયણિક શસ્ત્રો વાપરવાં એ ગુનો છે. પણ એ છતાં અમેરિકા આવાં અખતરાઓ કર્યા કરે છે અને એઇડ્સ માટે પણ એ જ કારણભૂત હોય એવું બને; જો કે આ અંગે કોઇ પુરાવા કે સાબિતી છે નહીં.
આ સિવાય, કેટલાંક વૈજ્ઞાનિકોના મત પ્રમાણે વાઇરસનું કુદરતી મ્યુટેશન થઇને આફિ્રકાના લોકોમાં એઇડ્સની શરૂઆત થઇ અને ત્યાંથી એ આખા વિશ્વમાં ફેલાયો. જ્યાંથી આ વાઇરસરૂપી ભૂત ઊભું થયું હોય ત્યાંથી પણ હવે એને પાછુ બાટલીમાં પૂરી દેવું શક્ય નથી રહ્યું. અને પરિણામે એઇડ્સનો રોગ બેરોકટોક ફેલાયા જ કરે છે.
એઇડ્સના દર્દીમાં પ્રવેશેલા વાઇરસ લોહી વાટે આખા શરીરમાં પહોંચી જાય છે. રોગપ્રતિકારક તંત્રના અફસરો (ટી-લિમ્ફોસાઇટ) પૈકી યુદ્ધ શરૂ કરવાનો આદેશ આપતાં અને યુદ્ધના દરેક તબક્કે મદદગાર બનતા પ્રેરક ટી-લિમ્ફોસાઇટને તો એઇડ્સના વાઇરસો પોતાનું હરતું-ફરતું ઘર બનાવી દે છે!
આગળ, ટી-લિમ્ફોસાઇટની વાત કરી ત્યારે જ આપણે જોઇ ગયેલા કે જુદા જુદા ટી-લિમ્ફોસાઇટ જુદા જુદા કામમા પ્રવીણ (સ્પેશ્યાલાઇઝ્ડ) થયેલા હોય છે. શ્વેતસૈનિકોને યુદ્ધ શરૂ કરવાનો આદેશ પ્રેરક-લિમ્ફોસાઇટ આપે છે અને દુશ્મન પર સીધો વાર મારક-લિમ્ફોસાઇટ કરે છે. આ દરેક જાતના લિમ્ફોસાઇટ ઉપર જુદાં જુદાં ઓળખપત્ર (એન્ટિજન) હોય છે. પ્રેરક-લિમ્ફોસાઇટ પરના એન્ટિજન T8 તરીકે ઓળખાય છે.
શરીરમાં પ્રવેશેલ HIV વાઇરસને T4 એન્ટિજન પ્રત્યે ખાસ આકર્ષણ છે. એટલે આ વાઇરસ શરીરના અન્ય કોઇ એન્ટિજનને બદલે T4 એન્ટિજન સાથે જોડાય છે અને આ રીતે જોડાયા પછી લિમ્ફોસાઇટની અંદર બહુ સહેલાઇથી ઘૂસી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો HIV વાઇરસ પાસે પ્રેરક-ટી-લિમ્ફોસાઇટમાં ઘૂસી જવા માટે T4 એન્ટિજનરૂપી તાળું ખોલવાની ખાસ ચાવી છે. તમને યાદ હશે જ કે દરેક વાઇરસ અમુક ચોક્કસ કોષમાં જ ઘૂસવા માટે સર્જાયા હોય છે- હીપેટાઇટીસના વાઇરસ લીવરના જ અને શરદીના વાઇરસ નાકના કોષમાં ઘૂસી જઇ શકે છે. એ જ રીતે એઇડ્સના વાઇરસ પ્રેરક-ટી લિમ્ફોસાઇટમાં જ ઘૂસીને રોગની શરૂઆત કરે છે.
બીજા બધા વાઇરસની જેમ એઇડ્સના વાઇરસ પણ આંતરિક ન્યુક્લિઇક એસિડ અને બાહ્ય આવરણના બનેલાં હોય છે. આ ન્યુક્લિઇક એસિડ RNA પ્રકારનું હોય છે. (જ્યારે માનવશરીરના કોષકેન્દ્રમાં DNA પ્રકારના ન્યુક્લિઇક એસિડ હોય છે.) HIV વાઇરસના RNA સાથે અએક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ નામનો ઉત્સેચક હોય છે. જ્યારે T4-લિમ્ફોસાઇટમાં વાઇરસ પહોંચી જાય ત્યારે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ ઉત્સેચકની મદદથી, આ વાઇરસ પોતાનું RNA કઇ રીતે બનાવવું એ માહિતી લિમ્ફોસાઇટના કોષકેન્દ્રમાં ભરી દે છે. સામાન્ય રીતે કોષકેન્દ્રમાં જુદા જુદા અનેક પ્રોટીન કઇ રીતે બનાવવા એની માહિતી સમાયેલી હોય છે. હવે આ માહિતીમાં HIV વાઇરસનું RNA કઇ રીતે બનાવવું, એના ઉત્સેચકો અને આવરણ કઇ રીતે બનાવવા એની માહિતી પણ કાયમ માટે ઉમેરાઇ જાય છે. આવાં ટી-લિમ્ફોસાઇટ એકમાંથી બે અને બેમાંથી ચાર બનીને વંશવૃદ્ધિ કરે ત્યારે દરેકેદરેક નવજાત કોષમાં પણ આ માહિતી ઊતર્યા કરે છે. આમ, જે લિમ્ફોસાઇટમાં એઇડ્સનો આ ચેપ લાગ્યો હોય એ લિમ્ફોસાઇટની દરેકે દરેક પેઢીમાં ચેપ ચાલુ રહે છે.
વધુ ને વધુ HIV વાઇરસ લિમ્ફોસાઇટમાં બનતાં જાય છે અને લિમ્ફોસાઇટમાંથી બહાર આવીને અન્ય T4-લિમ્ફોસાઇટને ચેપ લગાવ્યા કરે છે. જ્યારે એક લિમ્ફોસાઇટમાંથી ઘણાં બધા નવા HIV વાઇરસ પેદા થાય ત્યારે એ લિમ્ફોસાઇટ મૃત્યુ પામે છે. અને એમ, લાંબે ગાળે T4-લિમ્ફોસાઇટની સંખ્યા ઘટવા લાગે છે.
જ્યારે T4 (પ્રેરક)-લિમ્ફોસાઇટનું પ્રમાણ ખૂબ ઓછુ થઇ જાય ત્યારે આપણું શરીરરક્ષક દળ સાચા અર્થમાં સેનાપતિ વગરની સેના જેવું બની જાય છે. શરીર પર રોજેરોજ ચડી આવતાં અનેક દુશ્મનોનો બહાદુરી અને સફળતાપૂર્વક સામનો કરવા માટે T4 -લિમ્ફોસાઇટની પ્રેરણા અને આદેશની જરૂર પડે છે. જ્યારે એઇડ્સના વાઇરસ એક પછી એક T4-લિમ્ફોસાઇટને જ નિષ્ક્રિય અથવા ખતમ કરી નાંખે છે ત્યારે નાના-મોટા રોગોના જંતુઓ સામે કયા વ્યૂહથી યુદ્ધ કરવું કયા સૈનિક યુદ્ધ કરવુ અને કેટલી તીવ્રતાથી યુદ્ધ કરવું એનુ સંકલન ખોરવાઇ જાય છે અને એઇડ્સના દર્દી (સામાન્ય માણસમાં જવલ્લે જ જોવા મળતાં) 'માયકાંગલાં' જંતુઓને પણ લડત આપી શક્તા નથી અને આવા 'તકવાદી' ચેપનો શિકાર બન્યા કરે છે.
જો કે શરીરમાં એઇડ્સના HIV વાઇરસ પ્રવેશે એ પછી રોગપ્રતિકારક તંત્રની કામગીરી ખોરવાઇ ત્યાં સુધીમાં ચાર મહિનાથી માંડીને વર્ષોના વર્ષો જેટલો લાંબો સમય લાગતો હોય છે. એઇડ્સના વાઇરસ જ્યારે લિમ્ફોસાઇટને ચેપ લગાવવાની શરૂઆત કરે છે ત્યાં બાકીના શ્વેતસૈનિકો આ ચેપને શરીરમાં વધતો અટકાવવાની કામગીરી શરૂ કરી જ દે છે અને આ કામગીરી થોડી ઘણી પણ સફળ થાય તો ઘણાં વર્ષો સુધી શરીરમાં એઇડ્સના વાઇરસ હોવા છતાં એનાં કોઇ લક્ષણો દેખાતા નથી. તેથી એઇડ્સનો ચેપ તેનામાં હોવા છતાં તેની ખબર પડતી નથી. પરિણામે આવા લોકો અજાણપણે એઇડ્સનો ફેલાવો કરવામાં ચાવીરૂપ બની જાય છે, જેઓ એઇડ્સના દર્દી નહી પણ કેરિયર(વાહક) તરીકે ઓળખાય છે !
એઇડ્સના દર્દીનું લોહી કે લોહીના અમુક ઘટક જ્યારે તંદુરસ્ત વ્યક્તિના લોહી સુધી પહોંચે ત્યારે એઇડ્સનો ફેલાવો થાય છે. જો એઇડ્સ-વાઇરસયુક્ત લોહી તંદુરસ્ત માણસના લોહી સુધી પહોંચી જાય તો એમાંથી ૯૦% તંદુરસ્ત માણસને એઇડ્સનો ચેપ લાગી જાય છે. આમ જે લોકોને વારંવાર લોહીની કે લોહીના અમુક ઘટકની જરૂર પડતી હોય એ લોકોને એઇડ્સ થવાની શક્યતા ખુબ વધારે રહે છે. હિમોફિલિયા નામના રક્તસ્રાવી રોગમાં કે વાંરવાર ડાયાલીસીસની જરૂર પડતી હોય એવાં કિડનીના રોગોમાં દર્દીને વારંવાર લોહી કે એના અમુક ઘટકની જરૂર પડતી હોય છે અને એટલે જ આવાં લોકો એઇડ્સનો જલદી શિકાર બની જાય છે.
આ ઉપરાંત, એઇડ્સના દર્દી કે વાહકના લોહીને અડેલ નીડલ-સીરીંજનો ઉપયોગ બીજા લોકોને પણ ઇંજેક્શન આપવા માટે થાય તો પણ એઇડ્સનો ફેલાવો થઇ શકે છે. નસમાં ઇંજેક્શન વાટે હેરોઇન કે અન્ય નશીલી ડ્રગ્સ લેતા નશાખોરો ઘણા બધા મિત્રો વચ્ચે એક જ નીડલ-સીરીંજ વાપરતાં હોય છે. જો મિત્રોના એ જૂથમાંથી એકાદને પણ એઇડ્સ લાગુ પડ્યો હોય તો બાકીના ને પણ સહેલાઇથી લાગુ પડી શકે છે. સ્ટરીલાઇઝ કર્યા વગર, એકની એક નીડલ-સીરીંજ વાપરનાર ડોક્ટરના દર્દીઓ પણ આ જ રીતે એઇડ્સનો ભોગ બની શકે છે.
આ સિવાય એઇડ્સનો ફેલાવો કરવામાં અત્યંત મહત્ત્વનું પરિબળ જાતિય સંબંધ છે. એઇડ્સના વાઇરસ દર્દીના લોહીમાં વીર્ય અથવા યોનિસ્રાવમાં આવે છે. એટલે વિજાતિય સંબંધ દરમિયાન સ્ત્રી-પુરૂષ કોઇને પણ એઇડ્સ હોય તો બીજા પાર્ટનરને એઇડ્સનો ચેપ લાગી જાય છે. જે સ્ત્રી કે પુરૂષ એક કરતાં વધારે પાર્ટનર સાથે જાતિય સંબંધ રાખતા હોય એને સ્વાભાવિક જ એઇડ્સવાળી વ્યક્તિના સંબંધમાં આવવાની અને પરિણામે એઇડ્સ થવાની શક્યતા વધારે હોય છે. વળી આવી વ્યક્તિને કોઇ એક પાર્ટનર સાથે ચેપ લાગે છે એટલે એ બીજા ઘણાં પાર્ટનરને ચેપ લગાવી દેશે. એટલે જ ભારતાના મોટા ભાગના એઇડ્સના દર્દી વેશ્યાઓમાં કે વેશ્યાગૃહોમાં જનાર લોકોમાં જોવા મળ્યા છે. પશ્ચિમના દેશોમાં આ સિવાય સજાતીય સંબંધ ધરાવતાં લોકોમાં પણ એઇડ્સનો ફેલાવો વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યો છે.
આમ, પુખ્ત ઉંમરે એઇડ્સનો ફેલાવો લોહી કે એના કોઇ ઘટકથી, દર્દીના લોહીથી દૂષિત થયેલ નીડલ-સીરીંજ-ચપ્પુ-બ્લેડ કે સજાતિય, વિજાતીય સંબંધથી થાય છે. આ ઉપરાંત, એઇડ્સવાળી સગર્ભા માતાનો એઇડ્સ એના બાળક સુધી ફેલાઇ શકે છે. એઇડ્સની દર્દી હોય એવી માતાના ૩૦ થી ૫૦ ટકા બાળકોનો જન્મ જ એઇડ્સ સાથે થાય છે !! આમાંના મોટા ભાગના બાળકો એક-બે વર્ષમાં જ મરણ પામે છે !
એઇડ્સના વાઇરસ જ્યારે પહેલવહેલા શરીરમાં પ્રવેશે ત્યારે, જે તે માણસને એની ખબર પણ નથી પડતી અને મોટા ભાગના લોકોને આઠ-દશ વર્ષ પછી જ્યારે એઇડ્સના રોગના ચિન્હો દેખાવા લાગે ત્યારે જ એની જાણ થાય છે. જો કે કેટલાંક લોકોમાં એઇડ્સના વાઇરસ શરીરમાં પ્રવેશ્યા પછી ત્રણ થી છ અઠવાડિયાની અંદર સામાન્ય શરદી, તાવ, હાથ-પગ-માથું-કમ્મરનો દુખાવો, શરીર પર ચાંઠા પડી જવા, ઝાડા થવા વગેરે સામાન્ય ફરિયાદો થોડાક દિવસો કે અઠવાડિયા સુધી રહે છે પણ આવી તકલીફ તો અનેક જાતના વાઇરસોથી થઇ શકે એટલે દર્દી કે ડોક્ટર સ્વાભાવિકપણે જ એ પર ધ્યાન આપતા નથી અને દર્દી આપોઆપ જ આ તકલીફોમાંથી બહાર આવી જાય છે અને વર્ષો પછી, જ્યારે ખરેખર એઇડ્સની પૂરેપૂરી અસર થાય ત્યારે દર્દી આવી મામૂલી તકલીફ ભૂલી ગયેલ હોય છે !
એઇડ્સના વાઇરસ શરીરપ્રવેશ પછી, આ મામૂલી તકલીફને બાદ કરતાં, સરેરાશ આઠ થી દશ વર્ષ સુધી જે તે માણસમાં કોઇ જાતના રોગના ચિન્હો દેખાતા નથી અને એ માણસ એકદમ તંદુરસ્ત જ લાગે છે. આ તબક્કાને એઇડ્સનો ઇનક્યૂબેશન સમય કહેવાય છે અને ચેપ લાગેલ માણસ 'દર્દી' ને બદલે એઇડ્સના 'વાહક' તરીકે ઓળખાય છે (જેની એ માણસને તો ખબર જ નથી હોતી)!
જ્યારે એઇડ્સનો પૂર્ણવિકસિત રોગ થાય (આઠ-દશ વર્ષે) ત્યારે પણ એવું કોઇ સ્પષ્ટ લક્ષણ નથી દેખાતું જે માત્ર એઇડ્સના દર્દી પુરતું જ સિમીત હોય !! એઇડ્સની શંકા ઉભી કરે એવા કેટલાંક લક્ષણો દેખાય છે; જેમ કે:
૧. એક મહિના કરતાં વધુ સમયથી સતત આવતો તાવ.
૨. એક મહિના કરતાં વધુ સમયથી થતાં ઝાડા.
૩. શરીરના વજનમાં અચાનક ૧૦% થી વધુ ઘટાડો.
૪. જલદી થાકી જવું. બેચેની લાગવી.
૫. શરીરની લસિકગ્રંથિઓ મોટી થઇ જવી.
૬. લાંબા સમય સુધી મોઢામાં ચાંડા પડવાં, શરીર પર ચાંઠા પડીને ખંજવાળ આવવી.
૭. લાંબા સમય સુધી ખાંસી આવવી.
આ લક્ષણોમાંથી પહેલાં ત્રણ લક્ષણો એઇડ્સના નિદાન માટે વધુ મહત્ત્વના છે. આ લક્ષણો એઇડ્સ-રિલેટેડ કોમ્પ્લેક્ષ તરીકે ઓળખાય છે અને આવાં લક્ષણો ધરાવતાં દર્દીઓમાંથી આશરે ૨૫% દર્દીઓ ત્રણેક વર્ષમાં પૂર્ણવિકસિત એઇડ્સના શિકાર બની જાય છે.
ફરી એકવાર ધ્યાન દોરી દંઉ કે ઉપર જણાવેલ લક્ષણો એઇડ્સ માટે જ ખાસ નથી. આવાં લક્ષણો બીજા અનેક રોગમાં આવી શકે. આ તો માત્ર એઇડ્સને રોગની શરૂઆતમાં જ ઓળખી કાઢવા માટે ધ્યાનમાં રહે એ માટેના માર્ગદર્શક જ છે.
જ્યારે દર્દીને સંપૂર્ણપણે એઇડ્સ લાગુ પડી જાય ત્યારે દર્દીની જુદા જુદા રોગો સામે લડવાની તાકાત (રોગપ્રતિકારક શક્તિ/ઇમ્યૂીનટી) એકદમ ક્ષીણ થઇ જાય છે અને આ દર્દી વારે ઘડીએ, જુદા જુદા, સામાન્ય રીતે ન જોવા મળતાં 'તકવાદી' ચેપી રોગોનો શિકાર થયા કરે છે. આવાં રોગોમાં ન્યૂમોસીસ્ટીસ કેરીની ન્યૂમોનિયા, સાઇટોમેગાલો વાઇરસ ઇન્ફેક્શન, ક્ષય, કે(ન્ડડાયાસીસ, હર્પસ સિમ્પ્લેકસ ઇન્ફેકશન, ક્રીપ્ટોકોકલ મેનિન્જાઇટીસ વગેરે બહુ સામાન્ય થઇ જાય છે. T4-લિમ્ફોસાઇટના નાશથી રોગપ્રતિકારક શક્તિ જેટલી ઓછી થઇ જાય છે કે સામાન્ય શરદી-ખાંસીમાંથી ગંભીર ન્યૂમોનિયા થઇ જતાં વાર નથી લાગતી.
એઇડ્સના દર્દીમાં આવાં 'તકવાદી' ચેપી રોગો ઉપરાંત એક કપોસી સાર્કોમા તરીકે ઓળખાતું કેન્સર પણ ૩૫ થી ૪૦ % દર્દીઓમાં જોવા મળે છે. આ કેન્સરને કારણે ચામડી પર કે અન્ય કોઇ અવયવમાં ગાંઠો થવા લાગે છે અને જે તે અવયવનું કામકાજ ખોરવાઇ જાય છે.
આ સિવાય એઇડ્સના અમુક દર્દીઓમાં મગજને નુકશાન પહોંચે છે અને પરિણામે દર્દીની માનસિક ક્ષમતા ઘટી જાય છે અને ક્યારેક ગાંડપણની અસર પણ આવવા લાગે છે.
આમ, એઇડ્સ જુદા જુદા અનેક પ્રકારે દેખા દઇ શકે છે. જો કે, માત્ર દર્દીના લક્ષણો પરથી જ એને એઇડ્સનો રોગ છે કે નહીં તે ચોક્કચપણે ન કહી શકાય. એઇડ્સનું ચોક્કસ નિદાન કરવા માટે કેટલીક લેબોરેટરી તપાસ કરાવવી જરૂરી હોય છે.
એઇડ્સના HIV વાઇરસ શરીરમાં દાખલ થાય એ પછી આશરે ત્રણથી પાંચ મહિનાની અંદર અંદર રોગપ્રતિકારક તંત્રના, બી-લિમ્ફોસાઇટ અને પ્લાઝ્મા સેલ HIV-વિરોધી એન્ટિબોડી બનાવીને લોહીમાં ફરતાં કરી દે છે. એન્ટિબોડી એ રોગપ્રતિકારક તંત્રનું એક અદભૂત શસ્ત્ર છે એ અંગે આપણે અગાઉના પ્રકરણમાં જોઇ ગયા છે. લોહીમાં HIV-વિરોધી એન્ટિબોડીની હાજરી પરથી એવું અનુમાન થઇ શકે કે આ માણસમાં કોઇક તબક્કે એઇડ્સ માટે કારણભૂત HIV વાઇરસ પ્રવેશ્યો હશે. લોહીમાં સીધા વાઇરસ શોધવા એ બહુ મુશ્કેલ અને ખર્ચાળ કામ હોવાથી એઇડ્સના ચેપનું નિદાન HIV-વિરોધી એન્ટિબોડી પર જ આધાર રાખે છે. વળી, એ એન્ટિબોડી વાઇરસ શરીરમાં પ્રવેશે એ પછી ત્રણથી પાંચ મહિનાની અંદર જ લોહીમાં આવી જતાં હોવાથી આઠ-દશ વર્ષે પૂર્ણવિકસિત એઇડ્સનો રોગ થાય એ પહેલા જ એઇડ્સના ચેપનું નિદાન થઇ શકે છે.
આમ, એઇડ્સના ચેપની (રોગની નહીં) ઝડપી જાણકારી માટે HIV-વિરોધી એન્ટિબોડીની તપાસ ઉપયોગી થાય છે. આ એન્ટિબોડી શોધી કાઢવા માટે ઘણાં પ્રકારના ટેસ્ટ નીકળ્યા છે. પણ આમાના બે ટેસ્ટની વપરાશ ખૂબ વધારે થાય છે. એ ટેસ્ટનું નામ છે (એલિસા) ટેસ્ટ અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. એલિસા ટેસ્ટ સસ્તો અને સરળ હોવાથી સામાન્ય વપરાશમાં એ જ વપરાય છે. પણ ક્યારેક જેને એઇડ્સનો ચેપ પણ ન હોય એવી વ્યક્તિમાં એ ટેસ્ટ પોઝિટિવ આવી જાય છે એટલે જેમાં એલિસા પોઝિટિવ આવે એ દર્દીના લોહી પર વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ નિદાન પાકું કરવા માટે વપરાય છે.
૧૯૯૧ સુધીમાં ભારતમાં ૯,૦૧,૪૬૮ લોહીના નમૂનાઓ પર આ ટેસ્ટ કરવામાં આવેલાં, જેમાથી ૭,૮૭૦ નમૂના એલિસા ટેસ્ટથી પોઝિટિવ નીકળેલા અને પૈકી ૫,૧૩૧ નમૂના વેસ્ટર્ન બ્લોટ પરથી પણ પોઝિટિવ સાબિત થયેલા. એઇડ્સ પોઝિટિવ નમૂનાની સંખ્યા આટલી મોટી હોવા છતાં, આમાંથી માત્ર ૬૮ જ પૂર્ણવિકસિત દર્દી હતા અને બાકીના બધા થોંડા વર્ષ પછી એઇડ્સના દર્દી બની શકે. (તેમના શરીરમાં હજી બધા T4-લિમ્ફોસાઇટનો ખાત્મો નથી થયો; માત્ર એની શરૂઆત થઇ છે.)
આમ, પોઝિટિવ ટેસ્ટ આવે એટલે જે તે માણસ એઇડ્સનો રોગી નથી બની જતો. પોઝિટિવ ટેસ્ટ તો એટલું જ જણાવે છે કે આ માણસને HIV નો 'ચેપ' લાગી ગયો છે. અને વહેલો-મોડો એ એઇડ્સ 'રોગ'નો શિકાર બની જશે અને એ દરમ્યાન HIV નો ચેપ ફેલાવ્યા કરશે.
આ બે ટેસ્ટ ઉપરાંત લોહીમાંથી સીધા HIV ના વાઇરસ શોધવાની હાઇટેક તપાસ પણ અમુક દેશોમાં થાય છે. એ જ રીતે T4-લિમ્ફોસાઇટના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડાથી અને T4/T8 લિમ્ફોસાઇટના રેશિયો (ગુણોત્તર)માં ફેરફારથી પણ એઇડ્સના દર્દી કન્ફર્મ થાય છે.
એઇડ્સની દવા શોધવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલતાં હોવા છતાં હજી સુધી એવી કોઇ દવા શોધી નથી શકાય જે એઇડ્સના દર્દીને એઇડ્સમુક્ત કરી દે! આમ પણ મોટા ભાગના વાઇરસથી થતા રોગો સામે આધુનિક તબીબી શાસ્ત્ર કોઇ દવા શોધી શક્યુ નથી. એ તો આપણું સદભાગ્ય છે કે વાઇરસજન્ય રોગોમાંથી મોટા ભાગના રોગો આપોઆપ મટી જાય એવા (સેલ્ફ-લિમિટિંગ) હોય છે. એટલે આ બધા રોગોમાં તો કોઇ ખાસ દવા વગર જ ચાલી જાય છે, પણ એઇડ્સ કે હડકવા જેવા જીવલેણ રોગોમાં તબીબી વિજ્ઞાનની આ ઊણપ ઊડીને આંખે વળગે છે.
એઇડ્સના વાઇરસની વૃદ્ધિ અટકાવવા માટે પ્રયોગશાળામાં ત્રણ-ચાર જુદી જુદી દવાઓ ઉપયોગી સાબિત થઇ છે. પણ માણસની અંદર રહેલ વાઇરસ અને પ્રયોગશાળામાં રેહલાં વાઇરસમાં જમીન-આસમાનનો ફરક હોય છે. આ દવા માનવશરીરની અંદર કેટલી ઉપયોગી છે અને કેટલું નુકશાન કરે છે એ અંગેના સંશોધનો બાકી છે.
એઝોથાયમીડીન (AZT), સુરામીણ, રીબાવીરીન, ડાયરી ઓક્ષીસાઇટીડીન વગેરે દવાઓનો આમાં સમાવેશ થાય છે. એઝોથાઇમીડીન, (AZT) તો એઇડ્સના દર્દીઓમાં પણ વપરાવા લાગી છે, પણ આ દવા દર્દીને એઇડ્સમાંથી મુક્ત કરવામાં સફળ નથી થઇ; એ માત્ર રોગની ગતિને ધીમી કરી શકે અને એઇડ્સના દર્દીની રિબાતી જીંદગી થોડી લંબાવી આપે-બસ.
જ્યારે રોગને સારો કરવા માટે કોઇ દવા ન હોય ત્યારે સ્વાભાવિક જ રોગને થતો અટકાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. શીતળા જેવા મહાભયાનક રોગ સામે પણ કોઇ દવા ન હોવા છતાં માત્ર રોગ વિરોધી રસીથી વિજય મેળવી શકાયેલો- આ વાતને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો અત્યારે એઇડ્સ વિરોધી રસી શોધવા મંડી પડ્યા છે. એઇડ્સના HIV વાઇરસને પ્રયોગશાળામાં ઉછેરવાનું શક્ય બન્યું છે અને બે પ્રકારની રસીઓ બનાવવા માટે જુદી જુદી પ્રયોગશાળાઓમાં કામ ચાલી રહ્યું છે. એક રસી, શીતળાની રસીની જેમ જ જીવંત પણ નબળા પડેલ વાઇરસથી બનાવવાનો પ્રયત્ન ચાલે છે, જેના ચિમ્પાન્ઝીઓ પરના પ્રાથમિક પ્રયોગો આશાસ્પદ રહ્યા છે. જ્યારે બીજી રસીમાં વાઇરસને મારી નાંખી એના મૃત ભાગો (એન્ટિજનો) નું ઇંજેક્શન તૈયાર કરવામાં આવે છે. જો કે આ બંને પ્રકારની રસીઓ અત્યારે તદ્ન પ્રાથમિક અવસ્થામાં છે અને ખરેખર અસરકારક રસી શોધાતાં અનેક વર્ષો વીતી જાય તો નવાઇ નહીં.
આમ, એઇડ્સની દવા કે રસી જ્યારે કલ્પનાની જ વાતો હોય ત્યારે એઇડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય એનો ફેલાવો અટકાવવામાં જ રહેલો હોય છે. આપણે જાણીએ છીએ કે પુખ્તવયના માણસમાં એઇડ્સનો ફેલાવો માત્ર (૧) જાતીય સંબંધ (૨) લોહીથી થઇ શકે છે.
એટલે એઇડ્સથી બચવું હોય તો માત્ર એક જ વફાદાર સાથી સાથે જાતીય સંબંધ રાખવો જોઇએ. જે દેશોમાં ફ્રી સેક્સની હીમાયત થતી રહી છે ત્યાં એઇડ્સનો પ્રશ્ન ખતરનાક બની ગયો છે. આવી ફ્રી-સેક્સમાં માનતાં દેશોમાં એઇડ્સનો ફેલાવો ઘટાડવા માટે જાતીય સંબંધ દરમ્યાન કોન્ડોમ-(નિરોધ) નો ઉપયોગ કરવા પર ખાસ ભાર અપાય છે. જો કે કોન્ડોમથી એઇડ્સ સામે સંપૂર્ણ સુરક્ષા નથી મળતી, એનાથી માત્ર એઇડ્સ લાગુ પડવાની શક્યતાઓ ઘટે છે. આ જ રીતે એઇડ્સથી બચવા સજાતીય સંબંધોનો સંપૂર્ણ ત્યાગ કરવો હિતાવહ્ છે.
એઇડ્સ લાગવાનું બીજુ અગત્યનું ભયસ્થાન લોહી, લોહીની પેદાશો અને લોહીથી દૂષિત થયેલ સાધનો છે. જ્યારે પણ કોઇ કારણસર તમારે કે તમારા કોઇ સગાને લોહીનો બાટલો લેવાની જરૂર ઉભી થાય ત્યારે લોહી એઇડ્સમુક્ત છે એવું પ્રમાણપત્ર લેવું ખૂબ જરૂરી છે. આ જ રીતે હીમોફીલીયા જેવા રોગોમાં લોહીના અમુક ઘટકનાં ઇંજેક્શન વારેવારે લેવા પડતાં હોય ત્યારે પણ આ ઘટક એઇડ્સમુક્ત છે એવી ચકાસણી થયા પછી જ એમની વપરાશ કરવા જોઇએ. જ્યાં આવી ચકાસણી ન થતી હોય અથવા તો એવો સમય ન હોય ત્યારે હંમેશા ધંધાદારી રક્તદાતાઓનું લોહી લેવાને બદલે નજીકના સગાઓ, જેમને એઇડ્સ લાગુ પડવાની શક્યતા નહીંવત્ હોય, એમની પાસે રક્રદાન કરાવી તાજુ લોહી જ લેવું જોઇએ.
આ જ રીતે કોઇના લોહીને અડેલાં (એક વખત વપરાયેલા) નીડલ (સોય), સીરીંજ, બ્લેડ કે અસ્ત્રો તમને ન અડે એનો ખાસ ખ્યાલ રાખો. ડોક્ટર ઇંજેક્શન આપે ત્યારે પણ, ૨૦ મિનિટ સુધી ઉકાળેલ પાણીમાં વ્યવસ્થિત સ્ટરીલાઇઝ કરેલ અથવા તો પિ્રસ્ટરીલાઇડઝ્ ડિસ્પોઝેબલ (વાપરીને ફેંકી દેવાય એવી) નીડલ-સીરીંજ વાપરવાનો આગ્રહ રાખો. એક જ નીડલ કે સીરીંજથી (વચ્ચે સ્ટરીલાઇઝ કર્યા વગર) અનેક દર્દીઓને ઇંજેક્શન આપનારને ત્યાં ને ત્યાં પડકારીને આ રીતે ઇંજેક્શન લેવાની સાફ ના પાડી દેવી જોઇએ. નીડલ-સીરીંજ જેટલું જ મહત્ત્વ કાન-નાક વીંધનાર અને એક્યુપંક્ચર કરનાર સાધનોનું છે. આ બધા સાધનો પણ તમને અડે એ પહેલાં સ્ટરીલાઇઝ થઇ ગયા છે એની ખાતરી કરી લેજો. હજામના અસ્ત્રામાં પણ જો એકની બ્લેડ એક કરતાં વધારે લોકોની હજામત કરવામાં વપરાય તો ક્યારેક એઇડ્સનો ફેલાવો થઇ શકે છે એટલે ત્યાં પણ દર વખતે નવી બ્લેડ વાપરવાનો આગ્રહ રાખવો જોઇએ.
આ દરેક જગ્યાએ માણસે પોતાની તંદુરસ્તી માટે ચીવટ અને આગ્રહ રાખવા જરૂરી છે. નાની સરખી બેદરકારી ક્યારેક જીવન-મરણનો ફેંસલો કરી નાંખતી હોય છે.
એઇડ્સ અંગે આટલી તકેદારી રાખી હોય તો પછી એઇડ્સનો ખોટો ભય રાખવાની ખોટી જરૂર નથી હોતી. એક વસ્તુ બધાએ સમજી લેવાની જરૂર છે કે એઇડ્સ આપણામાંથી કોઇને પણ કોઇ પણ કારણે થઇ શકે છે એટલે એઇડ્સના દર્દીને કદી હડધૂત કરશો નહીં કે એનાથી ગભરાશો નહીં. એઇડ્સ માત્ર જાતીય સંબંધ અને લોહી દ્વારા જ પુખ્યવયના માણસમાં ફેલાઇ શકે છે.
એઇડ્સના દર્દી સાથે સામાન્ય હળવા-મળવાથી, હાથ મિલાવવાથી, એક જ ભાણે જમવાથી, એક જ ઘરમાં રહેવાથી, એક જ સ્વીમીંગ પૂલમાં તરવાથી, રમવાથી, કપડાં અદલબદલ કરવાથી, ગાલ પર હળવું ચુંબન કરવાથી એઇડ્સ ફેલાતો નથી. એઇડ્સના દર્દીની ખાંસી-છીંકથી કે એને કરડેલું મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી એઇડ્સ થતો નથી. આમ, એઇડ્સના દર્દી સાથે જાતીય સંબંધ સિવાય બીજી બધી રીતે સામાજિક વર્તણૂક જ રાખવી, એનાથી તમને કોઇ પ્રકારનું નુકશાન થવાની શક્યતા નથી. એઇડ્સ અંગે ખોટો હાઉ ઊભો કરી, દર્દીને સમાજથી અલગ પાડી નાખવો એ માનવતા પ્રત્યેનો ગુનો છે.
એઇડ્સ અંગે જાગૃત રહો, તકેદારી રાખો પણ ખોટો ભય ન રાખો- ખોટો 'હાઉ' ન ફેલાવો.