પ્રોટીન અને શક્તિથી આપણાં દેશમાં કરોડો લોકો પીડાય છે. જો ખોરાકમાં દૂધ કે દૂધની બનાવટો, તેમજ દાળ કઠોળ અને અનાજનો સપ્રમાણ ઉપયોગ કરવામાં આવે તો પ્રોટીનની ઉણપથી બચી શકાય છે.
બે ભાગ અનાજ અને એક ભાગ કઠોળ કે દાળ વાપરીને ખવાતી વાનગીઓ દા.ત. દાળ-ભાત, ખીચડી, ઇડલી-સંભાર, દાલ-રોટી, દાલ-બાટી, વગેરે સારી ગુણવત્તાવાળા પ્રોટીન મેળવવા ઉપયોગી છે.
આપણું રોગપ્રતિકારક તંત્ર જ્યારે વ્યવસ્થિત કામ કરતું હોય ત્યારે આપણાં શરીરને કેવું જડબેસલાક સંરક્ષણ મળે છે એ આપણે અત્યાર સુધીની ચર્ચામાં જોઇ ગયાં. આવું સુવ્યવસ્થિત તંત્ર ખોટકાય ત્યારે કેવા કેવા અનર્થો સર્જી શકે એનો પણ ખ્યાલ મેળવી લઇએ. આ રોગપ્રતિકારક તંત્રમાં ત્રણ પ્રકારની મુખ્ય ખામીઓ ઉદભવી શકે છે.
૧. જરૂર કરતાં વધારે બળપ્રયોગ કરે.આ ત્રણે ખામીઓને લીધે જુદા જુદા અનેક રોગો શરીરમાં થાય છે. રોગપ્રતિકારક તંત્ર જરૂર કરતાં વધારે બળપ્રયોગ કરે ત્યારે શાં પરિણામો આવે તે અંગે આ પ્રકરણમાં જોઇશું.
કોઇ શહેરમાં હુલ્લડ થાય કે રમખાણ થાય ત્યારે પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ફોજ ત્યાં ઉતરી આવે છે. હુલ્લડને કડક હાથે ડાબી દેવાના જોશમાં ને જોશમાં ઘણીવાર આ દળ જરૂર કરતાં વધારે બળપ્રયોગ કરવા લાગે છે, પરિણામે હુલ્લડખોર કે તોફાની માણસોની સાથે સામાન્ય શાંતિપિ્રય માણસ પણ વિના વાંકે કુટાઇ જાય છે. દર વખતે તોફાનો દરમિયાન આવાં અનેક કિસ્સાઓ આપણાં ધ્યાનમાં આવે છે. પોલીસનું સાચુ કામ તો શાંતિપિ્રય માણસને સંપૂર્ણ રક્ષણ આપવાનું જ છે. પણ પોલીસને તોફાનોની એવી ''એલર્જી'' છે કે, તેઓ એ પ્રત્યે વધુ પડતી સંવેદનશીલતા રાખે છે, જેને પરિણામે એ સમયે જરૂર કરતાં વધુ બળપ્રયોગ કરીને પોલીસ વાંકગુના વગરના માણસોને પણ હેરાન કરી નાંખે છે.
શરીરના રક્ષકો-શ્વેતસૈનિકોની બાબતમાં પણ આવું જ બની શકે છે. ઘણાં મોણસોનું રોગપ્રતિકારક તંત્ર અમુક પદાર્થો પ્રત્યે વધુ પડતું સંવેદનશીલ હોય છે. પરિણામે આ પદાર્થોની હાજરી માત્રથી આખા શરીરમાં મોટી ઉથલપાથલ મચી જાય છે, જે એલર્જિક રોગ તરીકે બહાર દેખાય છે. બે ગેંડાની લડાઇમાં જેમ ઝાડનો ખો નીકળી જાય છે એમ એલર્જીથી શરીરના કોષોને નુકશાન થાય છે.
આમ, એલર્જી એટલે અમુક પદાર્થો પ્રત્યે વધુ પડતાં સંવેદનશીલ રોગપ્રતિકારક તંત્રનો એ પદાર્થો સામે જરૂર કરતાં વધારે બળપ્રયોગ. આ વધારાના બળપ્રયોગને પરિણામે શરીરના કોઇને કોઇ કોષો પર હંમેશા વિપરિત અસર થાય છે. દા.ત. કોઇને ઘરની ધૂળની એલર્જી હોય તો ધૂળનો એકાદ કણ નાકમાં ઘૂસતાની સાથે શરીરરક્ષક દળ એની પર બેરહમીથી તૂટી પડે છે અને આ વધુ પડતાં બળપ્રયોગને કારણે દર્દીને છીંક પર છીંક અને નાક ગળવાનું શરૂ થઇ જશે. આ જ રીતે જુદા જુદા પદાર્થોથી એલર્જીક અસ્થમાં (દમ), હાથ-પગ સૂજી જવા, ચકામાં પડવાં, ખંજવાળ આવવી વગેરે જાતજાતના રિએક્શન આવી શકે.
હકીકતમાં આ પ્રકારની ઉપર જણાવેલ એલર્જી કરવામાં IgE પ્રકારનાં એન્ટિબોડી અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે પણ એલર્જી કરતો પદાર્થ શરીરમાં પ્રવેશે ત્યારે બીજા કોઇ પણ બાહ્ય પદાર્થની જેમ એ પદાર્થનું ઓળખપત્ર અર્થાત્ એન્ટિજન શરીરરક્ષક દળના સૈનિકો તપાસે છે. સામાન્ય રીતે હાનિકારક એન્ટિજન શરીરમાં પ્રવેશે ત્યારે IgE એન્ટિબોડીનું કામ તેની સાથે લાગેલા માસ્ટ સેલમાંથી હીસ્ટામીન અને અન્ય રસાયણો મુક્ત કરવાનું હોય છે. આ રસાયણોની અસર થવાથી જે તે જગ્યાએ રક્તવાહિનીઓ પહોળી થાય છે. પરિણામે એ દુશ્મન એન્ટિજનને માત કરવા માટે અન્ય એન્ટિબોડી (IgE) તથા શ્વેતસૈનિકોનો મોટો કાફલો એ જગ્યા સુધી પહોંચી શકે.
એલર્જીથી પીડાતા દર્દીમાં, આ જ પ્રક્રિયા મોટા પાયે પ્રમાણભાન વીસરીને થાય છે. જે એન્ટિજન સામે એલર્જી હોય એ એન્ટિજન સામે કામ કરે એવાં IgE એન્ટિબોડીનું પ્રમાણ આવા દર્દીઓમાં ખૂબ વધી ગયુ હોય છે. એટલે જ્યાં માત્ર લાઠીથી કામ ચાલી ગયું હોય એવાં કિસ્સામાં શરીરરક્ષક દળ તોપ લઇને હાજર થઇ જાય છે! પરિણામે આપણી જાણ બહાર જે એન્ટિજનનો સહજપણે નિકાલ થઇ શક્યો હોત એ એન્ટિજનનો નિકાલ શરદી, અસ્થમા, ચકામા કે ઝાડા જેવાં વધારાના બિનજરૂરી લક્ષણો સાથે થાય છે. આ દરેક લક્ષણ જુદી જુદી જાત ના એન્ટિજન (જે આવા કિસ્સામાં એલર્જન તરીકે પણ ઓળખાય છે) થી થતાં હોય છે અને દરેકનું જુદુ જુદુ મહત્ત્વ હોય છે. એટલે આપણે દરેક રિએક્શનની અલગ અલગ ચર્ચા કરીશું. પણ એ વાત યાદ રહેવી જોઇએ કે આ બધા રિએક્શનમાં IgE એન્ટિબોડી મુખ્વત્વે જવાબદાર હોય છે.
એલર્જી વિશે આટલી સામાન્ય જાણકારી પછી હવે એલર્જીથી થતી શરદી(એલર્જીક ર્હાઇનાટિસ) વિશે વિગતે જોઇએ.
આપણને ઘણાં લોકો એવાં મળતા હોય છે, જેને વરસના અડધોઅડધ દિવસ નાક ગળવાનું અને છીંક આવવાનું ચાલુ હોય છે. ઘણાં લોકો એવું કહેતા પણ સંભળાય છે કે મારે તો શરદીનો કોઠો જ છે. શરીરમાં કાયમી થઇ ગયેલ શરદીનું અગત્યનું કારણ એ એલર્જી છે. દર દશ માણસે એકથી બે માણસ એલર્જીથી થતી શરદીનો ભોગ બન્યા હોય છે.
અમુક જ વસ્તુથી એલર્જી થાય છે એવું કહી શકાય નહીં પરતું નાકમાં થતી એલર્જી કરવા માટે મોટા ભાગના કેસમાં થોડાક ચોક્કસ પદાર્થો જ જવાબદાર હોય છે એવું જોવા મળ્યું છે.
નાકમાં એલર્જી કરનાર પદાર્થોમાં ઘણો મોટો ફાળો ઘાસ કે છોડની પરાગરજનો છે. ઘાસ કે છોડની પરાગરજ એક છોડમાંથી બીજા છોડ સુધી પહોંચે તો જ એની વંશવૃદ્ધિ ચાલુ રહે. સુંદર ફૂલવાળા છોડમાં પરાગરજના ટ્રાન્સપોર્ટનું કામ પતંગિયા જેવાં જીવજંતુઓ કરતાં હોય છે. પણ ઘાસ નિંદામણ તથા અન્ય કેટલાંક છોડમાં આ ટ્રાન્સપોર્ટનું કામ પવન કરે છે. પવનનો સપાટો પરાગરજને વાતાવરણમાં દૂર સુધી લઇ જાય છે અને વજનમાં હલકી હોવાથી આ પરાગરજ લાંબા સમય સુધી હવામાં તરતી રહે છે. શ્વાસ લેતી વખતે નાકમાં જવાથી આ પરાગરજના એન્ટિજન નાકની શ્લેષ્મત્વચા પર રહેલ માસ્ટ સેલ સાથે સંકળાયેલ IgE એન્ટિબોડી સાથે જોડાય છે જે તરત એલર્જીનું રિએક્શન શરૂ કરી દે છે.
પરાગરજ ઉપરાંત નાકમાં એલર્જી કરતો બીજો અગત્યનો પદાર્થ એટલે ઘરની જૂની ધૂળ (ડસ્ટ)!! ગાદલાં, શેતરંજી, જાજમ, તકિયા, પડદા વગેરેમાંથી જૂની ધૂળ ઊડે ત્યારે એ ધૂળમાં નાના નાના અનેક જંતુઓ હોય છે. આ જંતુની અઘાર એલર્જી કરવા માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત પાલતું કૂતરા, બિલાડાં જેવાં રુવાટીવાળાં પ્રાણીઓના વાળ કે પક્ષીઓના પીછામાંથી ઊડતાં રજકણો પણ ઘણીવાર એલર્જી કરતાં હોય છે. ઘરમાં પથારી કરતી વખતે કે કચરો વાળતી વખતે ધૂળ અને રજકણ ઊડવાથી એલર્જીક શરદીની શરૂઆત થઇ જાય છે.
ઘરની બહાર સડતા પદાર્થો કે મરેલાં પ્રાણીઓ પર થતી ફૂગ ઘણીવાર પવનના સપાટામાં આવીને હવામાં ફરવા લાગે છે. આ ફૂગથી પણ એલર્જી થતી હોય છે. ક્યારેક એરક(ન્ડશન મશીન પર ફૂગ લાગી ગઇ હોય તો આ મશીનમાંથી ફૂંકાતી હવાની સાથે ફૂગ પણ રૂમમાં તરવા લાગે છે અને અતિસંવેદનશીલ માણસને તરત શરૂ થઇ જાય છે.
આમ, નાકમાં એલર્જી કરવા માટે મુખ્યત્વે
(૧) પરાગરજ
(૨) ઘરની ધૂળ (એમાં રહેલ જંતુની અઘાર)
(૩) વાળ-પીંછામાંથી ઉડતાં રજકણો અને
(૪) ફૂગ જવાબદાર હોય છે.
એલર્જી કરતાં પદાર્થો ઉપરાંત બીજાં કેટલાંક પરિબળો પણ શરદી વધારવામાં ભાગ ભજવતા હોય છે. જો માણસ વધુ પડતા માનસિક તણાવ હેઠળ હોય તો શરદી વધુ પ્રબળ બની જાય છે. આ જ રીતે ધૂમાડાથી પ્રદુષિત વાયુઓ તાપમાનમાં અચાનક પરિવર્તનથી, લાંબો સમય ભીના રહેવાથી કે પંખા નીચે બેસવાથી અમુક લોકોમાં શરદી વધી જાય છે. જો કે આવું બધા લોકોમાં જોવા નથી મળતું અને ઇમ્યૂનિટી આ પ્રકારની શરદી માટે જવાબદાર નથી હોતી.
સામાન્ય તંદુરસ્ત માણસના નાકમાં કોઇ પદાર્થ જાય તો નાકનું સ્વાભાવિક રિએક્શન એ પદાર્થને નાક બહાર કાઢી નાંખવાનું હોય છે અને એકાદ છીંક કે અન્ય કોઇ રીતે શરીરને ખાસ કંઇ જાણ પણ ન થાય એ રીતે જે તે પદાર્થનો નિકાલ થઇ જાય છે. પણ જેને એલર્જી થતી હોય એવાં માણસના નાકમાં એલર્જી કરતો પદાર્થ જાય ત્યારે એ પદાર્થ એમ ને એમ પડ્યો રહે તો જેટલું નુકશાન થાય એથી વધારે નુકશાન શરીરરક્ષક દળના બળપ્રયોગને કારણે થાય છે.
નાકમાં, એલર્જન અને IgE એન્ટિબોડીનો મેળાપ થતાં જ માસ્ટ સેલમાંથી હીસ્ટામીન અને અન્ય રસાયણો નીકળવા લાગે છે. આ રસાયણોથી નાકમાં ખંજવાળ આવવી અને છીંક આવવી શરૂ થઇ જાય છે અને નાકની ગ્રંથિઓનો સ્રાવ વધવા લાગે છે (નાક ગળવા લાગે છે). મોટા ભાગના દર્દીઓને સવાર સવારમાં જ પંદર-વીસ-પચ્ચીસ છીંકો આવી જાય છે. આ ઉપરાંત જ્યારે જ્યારે એલર્જ કરતો પદાર્થ નાકમાં જાય ત્યારે છીંકવાના હુમલાઓ આવે છે. અને એ દશ-પંદર મિનિટ માટે દર્દી હેરાનપરેશાન થઇ જાય છે. વળી, નાકમાં, ગળામાં કે આંખમાં ખંજવાળ આવવાથી પણ દર્દી અસ્વસ્થતા અનુભવે છે.
હીસ્ટામીનની અસર હેઠળ નાકમાંથી, લીક થતાં નળની માફક, પાણી જેવું પાતળું પ્રવાહી ગળવા લાગે છે. દિસવમાં એક-બે રૂમાલ ભીના થવા એ ઘણાં દર્દીઓ માટે સામાન્ય વાત હોય છે. હીસ્ટામીન માસ્ટ સેલમાં બનીને તૈયાર પડ્યું હોય છે. એટલે એલર્જીમાં સૌથી પહેલી અસર એની દેખાય છે.પણ આની સાથે સાથે એલર્જીની શરૂઆત થતાં જ પ્રોસ્ટાગ્લેન્ડીન અને લ્યૂકોટ્રીન જેવાં અન્ય રસાયણો પણ બનવાના શરૂ થઇ જાય છે, જેની અસર શરૂ થતાં સમય લાગે છે પણ એ અસર લાંબા સમય સુધી રહે છે. આ રસાયણો મુખ્યત્વે નાકની રક્તવાહિનીઓ પહોળી કરવાનું કામ કરે છે, જેથી ત્યાં વધુ પ્રમાણમાં લોહી પહોંચી શકે. આમ આ રસાયણો નાકમાં ઇન્ફ્લેમેશન (ર્હાઇનાઇટિસ) કરી મૂકે છે અને નાકની અંત:ત્વચા પર સોજો આવી જાય છે. નાકની અંદર મર્યાદિત જગ્યામાં રક્તવાહિનીઓ પહોળી થવાથી તેમ નાકની અંદરની ત્વચા પર સોજો આવવાથી, શ્વાસોચ્છ્વાસ માટે હવાની અવરજવરનો માર્ગ સાંકડો થઇ જાય છે અને ઘણીવાર આ કારણે નાક બંધ થઇ જાય છે.
નાનાં બાળકોમાં જો કાયમી શરદીને કારણે લાંબો વખત નાક બંધ રહે તો એને મોં વાટે શ્વાસ લેવાની ટેવ પડી જાય છે, પરિણામે મોં ખુલ્લું રહે છે, જેને કારણે નીચેનું જડબું ઉપરના જડબા કરતાં પાછળ રહે અને દાંત એકબીજા પર બરાબર ગોઠવાય નહીં એવું બને. વળી, મોંનું પોલાણ મોટું અને ઊંડું રહે છે અને મોંનુ તળિયું ઊંચું ચડી જાય છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી સતત નાકમાં ખંજવાળ અને સ્રાવને લીધે બાળક નાકના ટેરવાને હથેળી વડે ઉપર તરફ ધકેલતું રહે છે, જેથી ટેરવા પર આડો સળ પડી જાય છે. કેટલાંક છોકરાઓમાં કાયમી શરદીને લીધે આંખની નીચે કાળા ધબ્બા પડી ગયેલા જોવા મળે છે. કાયમી શરદીને કારણે માણસની ગંધ પારખવાની શક્તિ ઓછી થઇ જાય છે. ક્યારેક કાયમી શરદીને લઇને મોંમાંથી દુર્ગંધ પણ આવે છે. આ ઉપરાંત, એલર્જીક શરદીથી કાનમાં દુ:ખે, ધાક પડી જાય કે બહેરાશ આવી જાય એવું પણ બનતું હોય છે.
શરદીના લક્ષણોથી જ એલર્જીક શરદીના નિદાન પર પહોંચવું મુશ્કેલ છે પણ કોઇ ચોક્કસ પદાર્થની હાજરીથી થતી શરદી કે કોઇ ચોક્કસ ઋતુમાં થતી શરદી કે વારંવાર થયા કરતી અથવા ચાલુ ને ચાલુ જ રહેતી શરદી એલર્જીક શરદીની તરફેણ કરે છે.
એલર્જીથી થતાં બધા રોગોના ચોક્કસ નિદાન સુધી પહોંચવા માટે જુદા જુદા ટેસ્ટ વિશે પાછળથી (પ્રકરણ-૨૦માં) વિગતવાર વાત કરીશું. આ ટેસ્ટથી કઇ વસ્તુ ખરેખર એલર્જી કરવા માટે જવાબદાર છે એ જાણી શકાય છે.
એલર્જીક શરદીનો એક માત્ર કાયમી ઉપાય એલર્જી કરતી વસ્તુથી દૂર રહેવામાં જ છે!! આમ તો આ ઇલાજ એકદમ સીધો સાદો લાગે, પણ એલર્જી કરતી વસ્તુના લિસ્ટ પર ફરીથી નજર નાંખો તો ખ્યાલ આવશે કે એમાંની દરેક વસ્તુથી દૂર રહેવાનું કેટલું અઘરું છે. ગામડામાં રહેતા કોઇ પણ માણસ માટે પરાગરજની મોસમ દરમિયાન એનાથી દૂર રહેવું લગભગ અશક્ય છે. સિવાય કે દરેક વસંતઋતુમાં દર્દી ગામ છોડીને જતો રહે! આ જ રીતે ઘરમાં, ઘરની ધૂળની એલર્જીવાળા માણસને, સાફસફાઇ વખતે કે પથારી કરતી વખતે એલર્જીક શરદી ચાલુ થઇ જાય છે. એનાથી બચાવ માટે એટલો સમય ઘરમાંથી બહાર જતાં રહેવું પડે કે પછી એટલા સમય માટે નાક પર ભીનો રૂમાલ અથવા ફિલ્ટર બાંધીને ચલાવવું પડે. ભીના રૂમાલ પર હવાના રજકણ ચોંટી જાય છે. એ જ રીતે આધુનિક ફિલ્ટર ખાસ એલર્જીથી પીડતા દર્દીઓ માટે શોધાયું છે જે પહેરી લેવાથી એલર્જી કરતાં બધા પદાર્થોથી બચી શકાય છે પણ આવું ફિલ્ટર લાંબા સમય સુધી પહેરવું અગવડદાયક બને છે.
જ્યારે એલર્જીક શરદીને કારણે ખૂબ વધારે તકલીફ થતી હોય અથવા એલર્જી કરતો પદાર્થ શોધી ન શકાયો હોય અથવા એ પદાર્થથી દૂર રહેવાનું અશક્ય હોય ત્યારે દવાઓ વાપરવાની જરૂર પડે છે. એલર્જીમાં વપરાતી બધી દવાઓ એલર્જીને મૂળમાંથી નાબૂદ નથી કરી શક્તી. એ બધી દવાઓ માત્ર એલર્જીના લક્ષણોને દબાવવા પૂરતી જ ઉપયોગી થાય છે.
એલર્જીની પ્રક્રિયા શરૂ થાય ત્યારે હીસ્ટામીન નામનું રસાયણ માસ્ટ સેલમાંથી મુક્ત થાય છે અને એલર્જીના શરૂઆતના લક્ષણો માટે આ હીસ્ટામીન જ જવાબદાર હોય છે એ વાત આપણે આગળ જોઇ ગયા. આ હીસ્ટામીન નાકની રક્તવાહિનીઓને પહોળી થવાનો અને પહોળી થયેલી રક્તવાહિનીમાંથી વધુ શ્વેતસૈનિકો અને એમના શસ્ત્રો (એન્ટિબોડી) એલર્જી કરતાં પદાર્થ સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા કરવાનો સંદેશ આપે છે. આ સંદેશ ઝીલવા માટે શરીરના ઘણાં બધા અવયવોમાં હીસ્ટામીન-રિસેપ્ટર આવેલા હોય છે, જે ટી.વી-રેડિયોના એન્ટેનાની જેમ કામ કરે છે. (ફરક એટલો જ કે ટી.વી ને રેડિયોના એન્ટેનાના રિસેપ્ટર વિદ્યુતચુંબકીય મોજાઓ ઝીલે છે.) હીસ્ટામીન રિસેપ્ટરનું કામ કોષ પર લાગેલ તાળા જેવું છે. આ તાળામાં હીસ્ટામીનરૂપી ચાવી લાગે તો જ કોષ હીસ્ટામીનનું કહેલું કામ કરે છે.
હીસ્ટામીન-રિસેપ્ટરના આ અભ્યાસ પછી વૈજ્ઞાનિકોએ એવી દવાઓ શોધી કાઢી છે જે તાળા પર ભળતી જ ચાવી લગાવી દે છે, જેનાથી તાળું ખૂલે પણ નહીં અને સાચી ચાવી (હીસ્ટામીન) ત્યાં લાગે પણ નહીં!! હીસ્ટામીન-રિસેપ્ટર બ્લોકર (અથવા એન્ટિહીસ્ટામીન)ના નામ હેઠળ મળતી આવી દવાઓ એલર્જીક શરદીના લક્ષણો કાબૂમાં લેવા માટે છૂટથી વપરાય છે. આ એન્ટિહીસ્ટામીન જૂથની દવાઓ છીંક, ખંજવાળ અને નાક ગળવાની તકલીફમાં સારી એવી રાહત આપે છે પણ આ જૂથની મોટા ભાગની દવાઓથી ઘેનની અસર આવે છે અને ક્યારેક એને કારણે કામ પર અકસ્માત થવાની શક્યતા રહે છે. જો કે હવે ઘેન ન ચડે એવી પણ એન્ટિહીસ્ટામીન દવાઓ શોધાઇ છે, જે અલબત્ત, જૂની દવાઓ કરતાં અનેકગણી મોંઘી છે.
ફેનીરેમાઇન (એવીલ), ક્લોર ફેનીરેમાઇન (સી.પી.એમ) ડાયફેન હાઇડ્રોમાઇન (બેનાડ્રીલ/હીસ્ટલ) વગેરે બહુ જાણીતી જૂની એન્ટિહીસ્ટામીન દવાઓના ઉદાહરણ છે. જ્યારે એસ્ટેમીઝોલ (એસ્ટેલોંગ/સ્ટેમીઝ-હીસ્ટાલોંગ), ફેક્ષોફેનીડીન વગેરે નવી ઘેનમુક્ત એન્ટિહીસ્ટામીન દવાઓનું ઉદાહરણ છે. (દવાનાં નામો ફક્ત સમજણ અને જાણકારી માટે જ લખ્યાં છે. ડોક્ટરને પૂછ્યા વગર કોઇ દવા લવી નહીં.)
આ સિવાય, એલર્જીક શરદી માટે કેટલીક દવાઓ એવી છે, જે એકવાર શરદી શરૂ થઇ ગયા પછી કંઇ ઉપયોગી ન થાય પણ શરદી થતાં પહેલાં નિયમિતપણે વાપરવામાં આવે તો એને થતી જ અટકાવવામાં ખૂબ ઉપયોગી નીવડે! એટલે જો કોઇ દર્દીને દર વસંતઋતુની શરૂઆતથી નિયમિત રીતે દવા વાપરવાથી આખી મોસમ એલર્જીક શરદીથી બચી શકાય છે.
ડાયસોડિયમ ક્રોમોગ્લાયકેટના નામે ઓળખાતી દવા નાકમાં નાખવાના ટીપાંના સ્વરૂપે મળે છે. આ દવા નાકમાં રહેલાં માસ્ટ સેલમાં એવો ફેરફાર કરે છે જેને પરિણામે માસ્ટ સેલમાંથી હીસ્ટામીન મુક્ત જ નથી થઇ શક્તું. એટલે એલર્જી કરતાં પદાર્થના એન્ટિજન સાથે IgE એન્ટિબોડી જોડાય ખરું પણ એને કારણે થતાં બીજા બધા પરિવર્તનો સ્થગિત થઇ જાય અને દર્દીને શરદીના કોઇ લક્ષણો સતાવે નહીં.
આ ઉપરાંત, નાકમાં નાંખવાના ટીપાં કે સ્પ્રેના સ્વરૂપે સ્ટીરોઇડ દવાઓ વાપરવામાં આવે તો એ દવા એલર્જીક શરદીના કેટલાંક લક્ષણો માટે જવાબદાર પ્રોસ્ટાગ્લેન્ડીન અને લ્યૂકોટ્રીન જેવાં રસાયણોનું ઉત્પાદન અટકાવી દઇને દર્દીને શરદીથી બચાવી લે છે. જો યોગ્ય ડોઝમાં વ્યવસ્થિત રીતે આ ટીપાં કે સ્પ્રે વપરાય તો સ્ટીરોઇડની ગોળીઓથી થઇ શકે એવી કોઇ આડઅસર આ રીતની (ટીપાં/સ્પ્રે સ્વરૂપની) વપરાશથી જોવા મળતી નથી.
દવાઓથી પણ કોઇ ફાયદો ન જણાય તો છેલ્લાં ઉપાય તરીકે ઇમ્યૂનોથેરપીની વપરાશ થાય છે, જેને વિશે બીજી બધી એલર્જી અંગે વાત કર્યા પછી વિગતે (પ્રકરણ-૨૩માં) જોઇશું.
નવ વર્ષની નઝમા જ્યારે દવાખાનામાં આવી ત્યારે હાંફને કારણે થાકીને લોથ થઇ ગઇ હતી. ત્રણ-ચાર કલાક પહેલાં એને હાંફ ચડવાની શરૂઆત થયેલી. આમ તો વારેઘડીએ આવતા જતા દમના હુમલાથી એ ટેવાયેલી હતી. ડોક્ટરના સમજાવ્યા પ્રમાણે જ્યારે હાંફની શરૂઆત થતી લાગી કે તરત તેણે દમની ગોળી પણ લઇ લીધેલી પરંતુ આજે શ્વાસ ચડ્યા પછી બેસવાનું નામ નહોતો લેતો. દમનો આ વખતનો હુમલો એનો દમ કાઢી નાંખશે એવું એને થવા લાગેલું. આમ, તો એની બંને બહેનોને વારેઘડીએ દમના હુમલા આવી જતા અને એટલે જ એની અમ્મા પણ રોજરોજના આ કાર્યક્રમથી ટેવાઇ ગઇ હતી. આજે નઝમાને દમના હુમલાની શરૂઆત થઇ ત્યારે એની અમ્માએ એ પ્રત્યે ખાસ કંઇ ધ્યાન ન આપ્યું, અને દવાથી બેસી જશે, એમ માની પોતાનું કામકાજ કરે રાખ્યું. પણ એકને બદલે બે ગોળી લેવાથી પણ દમમાં રાહત લાગવાને બદલે તકલીફ વધ્યા જ કરી ત્યારે નાછૂટકે એ નઝમાને ડોક્ટર પાસે લઇ આવી.
ડોક્ટરે નઝમાની વિગત સાંભળી અને તપાસીને કહ્યું, ''નઝમા અસ્થમા(દમ) ના ગંભીર હુમલાનો ભોગ બની છે. આ હુમલામાંથી ઉગરવા માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઇ જવું જરૂરી છે. જ્યાં શ્વાસ માટે નાકથી લેવાની દવાઓ, બાટલાઓમાં અપાતી દવાઓ અને અન્ય ઇંજેક્શનોની મદદથી દમના હુમલાને કાબૂમાં લાવવો પડશે. જો વખતસર સારવાર ન કરવામાં આવે તો ક્યારેક, ખાસ કરીને મોટી ઉંમરની વ્યક્તિમાં, આવો ભારે હુમલો જીવલેણ પણ નીવડી શકે છે''.
ભારતમાં આશરે આઠ કરોડથીય વધારે લોકોને હેરાનપરેશાન કરતો, ક્યારેક મરણનું સીધું કારણ બનતો અને લગભગ દરેક હુમલા વખતે મરણનો ભય બતાવી જતો આ દમનો રોગ ઊંડાણથી સમજવા જેવો છે.
અસ્થમા એ મૂળભૂત રીતે શ્વસનમાર્ગનો રોગ છે. અમુક લોકોના શ્વસનમાર્ગ ખૂબ સંવેદનશીલ હોય છે. કોઇ માણસનો ચીડિયો સ્વભાવ હોય તો કેમ વારેઘડીએ નાની મામૂલી વાતમાં એ માણસ ગૂસ્સે થઇ જાય છે, એ જ રીતે ચીડિયા શ્વસનમાર્ગમાં ક્ષુલ્લક પરિબળોને કારણે ઉદભવતું શ્વસનમાર્ગનું રિએક્શન એટલે જ અસ્થમા!
અમુક લોકોમાં જ શ્વસનમાર્ગ કેમ વધુ પડતો સંવેદનશીલ હોય છે એ હજી સુધી શોધી શકાયું નથી. પણ જે માણસના શ્વસનમાર્ગ સંવેદનશીલ હોય એ માણસમાં ક્યાં કયાં પરિબળો દમના હુમલા માટે જવાબદાર બની શકે એનું મોટું લિસ્ટ તેયાર થઇ શક્યું છે. આ બધાં પરિબળો એકલે હાથે અથવા તો બીજા પરિબળો સાથે ભેગા મળીને દમનો હુમલો લાવી શકે છે. સૈદ્ધાંતિક રીતે આ પરિબળોને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે: (૧) એલર્જીક પરિબળો અને (૨) અન્ય નોનએલર્જીક પરિબળો.
એલર્જીક શરદી કરી શકતા લગભગ બધા પદાર્થો જો નાકમાં ઝડપાયા વગર શ્વસનમાર્ગમાં ઊંડે સુધી પહોંચી જાય તો ત્યાં શરદીને બદલે અસ્થમાનું રિએક્શન શરૂ થઇ જાય છે. એટલે હવામાં ઉડતી પરાગરજ, ઘરની ધૂળમાં રહેલાં જંતુઓ અને એમની અઘાર, કૂતરા-બિલાડા જેવાં પાલતુ પશુઓના શરીરના વાળ પરથી ખરતી રજકણો, સડતા પદાર્થો પર જોવા મળતી ફૂગ વગેરે જ્યારે શ્વાસ વાટે શ્વાસલસિકાઓ સુધી પહોંચી જાય ત્યારે એમાંથી કોઇ પણ એક સામે એલર્જી ધરાવતા સંવેદનશીલ શ્વસનમાર્ગમાં રિએક્શન ચાલુ થઇ જાય છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે કોઇ માણસને ધૂળની એલર્જી છે ત્યારે વૈજ્ઞાનિક સંદર્ભમાં એનો અર્થ થાય છે કે ધૂળમાં રહેલાં જંતુની અઘારના એન્ટિજન સામે તે માણસમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં IgE પ્રકારના એન્ટિબોડી હોય છે. IgE એન્ટિબોડી વધી જવાથી જ એકર્જીક અસ્થમાના દર્દીનું શ્વસનતંત્ર વધારે સંવેદનશીલ બની જાય છે. એલર્જી અંગે ગયા પ્રકરણમાં આપણે જોઇ ગયા કે IgE એન્ટિબોડી સાથે જ્યારે યોગ્ય બાહ્ય એન્ટિજન (એલર્જન) જોડાય છે ત્યારે IgE એન્ટિબોડીના બીજા છેડે લાગેલા માસ્ટ સેલમાંથી હીસ્ટામીન, બ્રેડીકાઇનીન વગેરે રસાયણો છૂટાં પડે છે. આ રસાયણો શરીરના કોઇ પણ ભાગમાં વધારે પ્રમાણમાં છૂટા પડે ત્યારે તે ભાગની રક્તવાહિનીઓ પહોળી થઇ જાય છે, જેથી એ ભાગમાં વધારે લોહી પહોચીં શકે, એટલું જ નહીં, રક્તવાહિનીમાંથી આજુબાજુના કોષો સુધી વધારે પ્રવાહી અને પ્રોટીન પહોંચી શકે એ માટે હીસ્ટામીન રક્તવાહિનીની દીવાલમાં તત્પૂરતો ફેરફાર કરી નાંખે છે. એટલું કામ અન્ય કોઇ પણ કોષની જેમ શ્વસનમાર્ગમાં હીસ્ટામીનની મદદથી થાય જ છે. પણ એ ઉપરાંત, હીસ્ટામીન શ્વસનલિકાઓ ઉપર ખાસ પ્રકારની અસર કરે છે. જેને કારણે શ્વસનનલિકાઓ સંકોચાઇ જાય છે.
હીસ્ટામીન ઉપરાંત માસ્ટ સેલમાંથી અમુક ખાસ પ્રકારના રસાયણો નીકળે છે, જેની અસરથી લોહીમાં ફરતાં ન્યૂટ્રોફીલ અને ઇઓસીનોફીલ નામના શ્વેતસૈનિકો શ્વસનમાર્ગમાં મદદ કરવા માટે ખેંચાઇ આવે છે. આ ઇઓસીનોફીલમાં રહેતા અમુક પ્રોટીન અને રસાયણો; તેમ જ માસ્ટ સેલ અને અન્ય શ્વેતસૈનિકોમાંથી નવા બનીને આવતાં મ્યૂકોટ્રીન અને પ્રોસ્ટાગ્લેન્ડીન નામના રસાયણો શ્વાસનલસિકાઓને સંકોચાયેલી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. હીસ્ટામીનની શ્વાસનલિકોઓ પર બહુ ઓછા સમય (આશરે અડધો કલાક) માટે અસર રહે છે પણ હીસ્ટામીનની અસર ચાલતી હોય એ દરમિયાન અન્ય રસાયણો બનવાનું કામ પૂરજોશમાં ચાલુ થઇ જાય છે અને લ્યૂકોટ્રીન જેવાં રસાયણો મોડેથી મેદાનમાં ઉતરે છે પણ લાંબા સમય (આશરે ચારથી આઠ કલાક) સુધી પોતાની અસર જાળવી રાખે છે.
એલર્જીક પરિબળો સામાન્ય રીતે નાનાં બાળકોમાં અસ્થમા કરવા માટે જવાબદાર હોય છે, ઘણીવાર ચોક્કસ ઋતુમાં જ અસ્થમાના હુમલા કરે છે.
દમના કુલ દર્દીમાંથી માત્ર ૨૫ થી ૩૦ ટકા દર્દીઓમાં જ ઉપર જણાવેલ એલર્જીક પરિબળો દમના હુમલા માટે એકલા જવાબદાર હોય છે. બાકીના લોકોમાં એલર્જીક સિવાયના અન્ય પરિબળો દમ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે.
હવાને પ્રદુષિત કરતાં જુદા જુદા ઓૈદ્યોગિક રસાયણો તથા ઔદ્યોગિક રજકણો એ ઉદ્યોગમાં કામ કરતાં કામદારોને અસ્થમાના રોગી બનાવી દે એવું ઘણીવાર જોવા મળે છે. પ્લેટિનમ ફોમ જેવી ધાતુઓના કારખાના, લાકડાં વહેરવાના કારખાના, અનાજ દળવાની ઘંટીઓ, દવા બનાવતી ફેક્ટરીઓ, પ્લાસ્ટિકના કારખાના વગેરે જગ્યાએ કામ કરતાં કામદારોને અસ્થમા થવાની શક્યતા વધી જાય છે. ઘણાં કામદારો તો સવારે કામની શરૂઆત વખતે એકદમ સાજા સારા હોય છે અને ધીમે ધીમે કામ પુરું થાય ત્યાં સુધીમાં હાંફ ન ચડે અને બાકીના દિવસોએ હાંફ ચડતો હોય તો માની લેવું કે દમનું મૂળ કામ જગ્યાએ જ છે.
કેટલીક દવાઓ, ખાસ કરીને એસ્પિરિન જેવી દર્દશામક દવાઓ અને બ્લડપ્રેશરની કે હાર્ટની બીમારીમાં વપરાતી પ્રોપ્રેનોલોલ જૂથની દવાઓ તો સીધી શ્વાસનલિકાઓ પર જ અસર કરે છે, જેને કારણે શ્વાસનલિકાઓ સંકોચાઇ જાય છે. આ જ રીતે ખોરાકને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે વપરાતા સલ્ફાઇટ જુથના પિ્રઝર્વેટિવ્ઝ પણ અસ્થમાને નોતરી શકે છે.
નાકથી માંડીને ફેફસા સુધીના શ્વસનમાર્ગમાં કોઇ પણ જગ્યાએ વાઇરસનો ચેપ લાગે તો એને કારણે પણ દમનો હુમલો આવી શકે છે. માત્ર સામાન્ય શરદી થયા પછી બે થી આઠ અઠવાડિયાં સુધી શ્વસનમાર્ગની સંવેદનશીલતા વધી જાય છે જેને કારણે દમનો હુમલો થઇ આવે છે. શ્વસનમાર્ગના ચેપને આજકાલ દમ થવાનું સૌથી સામાન્ય કારણ માનવામાં આવે છે, પણ એનાથી દમનો હુમલો કઇ રીતે આવે છે તે શોધી નથી શકાયું.
દમના હુમલા માટે જવાબદાર અન્ય આષ્ચર્ય લાગે તેવું પરિબળ એટલે ઠંડા વાતાવરણમાં કરાતી કસરતો! નાક અને શ્વસનમાર્ગનું એક અગત્યનું કામ શ્વાસમાં લેવાતી હવાને ગરમ અને ભીની કરવાનું છે. જ્યારે ઠંડા-સૂકા વાતાવરણમાં ભારે કસરત કરવામાં આવે ત્યારે નાક બધી હવાને ગરમ અને ભીની નથી કરી શક્તું. પરિણામે સુકી-ઠંડી હવા શ્વાસનલિકાના કોષો સાથે સીધા સંપર્કમાં આવે છે, જેને સંવેદનશીલ શ્વસનતંત્ર સહન નથી કરી શક્તું અને તરત રિએક્શન રૂપે અસ્થમાનો હુમલો આવે છે. આઇસ હોકી કે આઇસ સ્કેટિંગ જેવી રમતોમાં આવાં કિસ્સા સામાન્યપણે જોવા મળે છે. ઘણાં દર્દીઓને શિયાળાની વહેલી સવારે થોડો સમય થોડો પણ પરિશ્રમ કરવાથી અને ઘણાને તો પથારીમાં સૂતાં સૂતાં જ આ જ કારણે દમના હુમલા આવે છે.
ઘણીવાર વધુ પડતાં માનસિક તણાવ, ચિંતા કે હતાશાને કારણે પણ દમના હુમલા આવે છે; અને એટલુ જ નહીં અસ્થમાને સારો કરવા માટે યોગ અને ધ્યાન જેવી પદ્ધતિઓ આ માનસિક કારણોસર જ સફળ પણ થાય છે. ક્યારેક દમના ભારે હુમલાને કારણે પણ દર્દી એકદમ ચિંતાતુર થઇ જાય છે અને વધારે ચિંતા દમનો હુમલો લાવે એવું વિષચક્ર શરૂ થઇ જાય છે.
આમ, દમના હુમલા માટે એલર્જીક કારણો ઉપરાંત,જો કે બધાં કારણો અમુક જ લોકોમાં દમનો હુમલો લાવે છે એટલે મૂળભૂત પ્રશ્ન તો અનુત્તર જ રહે છે કે અમુક લોકોના શ્વસનમાર્ગ બીજા તંદુરસ્ત લોકો કરતાં વધુ સંવેદનશીલ શા માટે હોય છે ?
આપણે જાણીએ છીએ કે શ્વાસમાં લીધેલ હવા શ્વાસનળી વાટે છાતીમાં પહોંચે છે. જ્યાં શ્વાસનળી બે મુખ્ય ફાંટાઓમાં વહેંચાઇને ડાબા તથા જમણા ફેફસાને હવા પહોંચાડે છે. હવા શ્વાસનળીના ફાંટાથી ફેફસા સુધી પહોંચતા સુધી વચ્ચે અનેક નાની નાની શ્વાસનલિકાઓમાં પ્રવાસ કરે છે.
જ્યારે પણ અસ્થમાનો હુમલો આવે ત્યારે આમ તો આખો શ્વસનમાર્ગ તેમાં સામેલ થાય છે પણ મુખ્ય રિએક્શન નાની નાની શ્વાસનલિકાઓમાં શરૂ થાય છે. આપણે જોઇ ગયા કે અસ્થમાના હુમલા વખતે હીસ્ટામીન, અન્ય રસાયણો તથા તેના તંત્રની અસર હેઠળ શ્વાસનલિકાઓ સંકોચાઇ જાય છે તેમ જ ઘણીવાર એની દીવાલ પર સોજો આવી જાય છે. શ્વાસનલિકાના સંકોચન અને સોજાને લીધે તેની અંદરથી પસાર થતી હવાની અવરજવરનો માર્ગ એકદમ સાંકડો બની જાય છે. આ સાંકડા માર્ગમાંથી શ્વાસોચ્છ્વાસની હવાને પસાર થતાં અડચણ થાય છે.
શરૂઆતમાં મુખ્ય તકલીફ ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવાને ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢવામાં પડે છે. અશુદ્ધ હવા ફેફસામાંથી પુરતાં પ્રમાણમાં બહાર ન નીકળી શક્તાં ફેફસું અશુદ્ધ હવાથી ભારવા લાગે છે, જેને કારણે દર્દીને શ્વાસ રૂંધાતો હોય એવો અનુભવ થાય છે. આ ગૂંગળામણ દૂર કરવા ઓક્સિજનયુક્ત હવાને પૂરતાં પ્રમાણમાં ફેફસા સુધી પહોંચાડવા માટે શરીરની અંદર યુદ્ધના ધોરણે કામગીરી આરંભાઇ જાય છે. વધુ ઓક્સિજન પહોંચાડવા સામાન્ય શ્વાસ દરમિયાન ફેફસુ ફૂલતું હોય એના કરતાં ઘણું વધારે ફૂલાવવું પડે છે. આ માટે છાતીનો દરેકેદરેક સ્નાયુ કામે લાગી જાય છે. વળી શ્વાસ કાઢતી વખતે નાની સંકોચાયેલી શ્વાસનલિકામાંથી વધુ હવા જોશભેર નીકળવાથી શ્વાસનલિકાની દીવાલોમાં તરંગ ઉદભવે છે જે તીણા અવાજ રૂપે ઘણીવાર સ્ટેથોસ્કોપની મદદ વગર પણ સાંભળી શકાય છે.
ગૂંગળામણ અને જોસભેર ચાલતાં શ્વાસોચ્છ્વાસને કારણે ઘણીવાર દર્દી ગભરાઇ જાય છે, વ્યાકુળ થઇ ઉઠે છે, તેના હ્રદયના ધબકારા વધી જાય છે, આખા શરીરે પરસેવો થઇ જાય છે. અને મોં સુકાવા લાગે છે. જોશભેર ચાલતા શ્વાસોચ્છ્વાસને લીધે શ્વસસનમાર્ગની અંદરનો સ્રાવ પણ સૂકો અને ઘટ્ટ બની જાય છે. વળી સંકોચાયેલી શ્વાસનલિકામાંથી આ ઘટ્ટ સ્રાવને બહાર કાઢવાનું પણ દર્દી માટે દુષ્કર બની જાય છે. આ સ્રાવ શ્વાસનલિકામાં જ રહી જવાથી શ્વાસનલિકામાં હવા પસાર થવાની જગ્યા ઓર ઘટી જાય છે!
શ્વાસોચ્છ્વાસના કામમાં શરીરના શક્ય એટલાં બધા સ્નાયુઓ કામે લાગી જાય છે. એ માટે ઘણીવાર દમના સખત હુમલા વખતે દર્દી ભોંય પર બે ગોઠણ વચ્ચે માથું રાખીને, હાથ જમીન પર ટેકવીને બેસી રહે છે. જો દમનો હુમલો લાંબો સમય ચાલે તો શ્વાસોચ્છ્વાસના પરિશ્રમથી જ સ્નાયુઓ થાકી જાય છે.
જ્યારે પરિસ્થિતિ એકદમ વણસી જાય અને ફેફસામાં ઓક્સિજનયુક્ત હવા પહોંચવી એકદમ ઓછી થઇ જાય ત્યારે ઓક્સિજનની અછતને કારણે લાલ લોહી ભૂરું પડવા માંડે છે, જેનો ખ્યાલ દર્દીના ભૂરા પડી ગયેલા હોઠ, આંગળા કે નખ પર આવી જાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીને તાત્કાલિક ઓક્સિજન પર મૂકી દઇને સારવાર શરૂ કરી દેવી પડે છે.
ઘણીવાર, ખાસ કરીને નાના બાળકોમાં, દમના હુમલા વખતે હાંફની સાથોસાથ થોડી ખાંસી પણ આવવા લાગે છે. શરૂઆતમાં ખાંસી એકદમ સૂકી આવે છે, પણ પાછળથી ઘટ્ટ ચીકણા ગળફા સ્વરૂપે સ્રાવ બહાર પડવો શરૂ થાય છે. ગળફો શ્વસનમાર્ગની બહાર નીકળે ત્યારે દર્દીને ઘણી રાહત લાગતી હોય છે. ( કેમ કે હવા માટેનો માર્ગ એટલા પ્રમાણમાં ખુલ્લો થાય છે.) હુમલો એકાદ કલાકથી માંડીને દિવસો સુધી ચાલુ રહી શકે છે.
દમના આવા હુમલાઓ દર્દીની જિંદગીમાં વારેવારે આવ્યા કરે છે જેને લીધે દર્દીનું રોજિંદુ જીવન ખોરવાઇ શકે છે. ખાસ કરીને નાના બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર દમની વિપરીત અસર પડે છે. સ્કૂલમાં આવું બાળક અન્ય છોકરાઓની સરખામણીમાં પાછળ પડી જાય છે. ઘણીવાર બાળક સ્કૂલે જતાં જ ડરે છે- ક્યાંક સ્કૂલમાં જ હાંફ ચઢી આવે ને બધા મશ્કરી કરે તો! હાંફ ચડવાની રોજેરોજની તકલીફને કારણે ઘરના અસમજુ લોકો પણ જ્યારે બાળક પ્રત્યે ઓછુ ધ્યાન આપે છે, ત્યારે બાળક પોતાની જાતને પંગુ સમજવા લાગે છે અને તેના જીવનમાં એક જાતની હતાશા કે ડિપ્રેશનની શરૂઆત થઇ જાય છે.
સદભાગ્યે નાનપણમાં જે જે લોકોને દમની બીમારી લાગુ પડી ગઇ હોય એ લોકોમાં દમ આપોઆપ સારો થઇ જવાની શક્યતાઓ હોય છે. આશરે અડધોઅડધ બાળદર્દીઓમાં શરૂઆતના નિદાન પછી આઠ-દસ વર્ષમાં અસ્થમા ગાયબ થઇ જાય છે અને બહુ ઓછા દર્દીઓને ભારે જીવલેણ હુમલો આવે છે. આમ પણ માત્ર અસ્થમાને કારણે મૃત્યુ થવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. જો કે દરેક હુમલા વખતે અસ્થમા મૃત્યુનો ડર તો બતાવી જાય છે.
મોટી ઉંમરે જે લોકોને અસ્થમાની બીમારી લાગુ પડે એ લોકોમાં અસ્થમા આપોઆપ સારો થવાની શક્યતા ઘટી જાય છે. તેમ છતાં આશરે ૨૦% લોકોને અસ્થમા આપમેળે વિદાય લઇ લે છે અને બીજા ૪૦% જેટલાં દર્દીમાં માત્ર હળવા સ્વરૂપે જ રહી જાય છે.
અસ્થમાના દર્દીનું નિદાન કરવા માટે તેમ જ સારવારથી થતા ફાયદાને માપવા માટે ''પીક ફલો મીટર'' નામનું સાધન વપરાય છે. આ સાધનમાં જોરથી ફૂંક મારવાથી દર્દીની શ્વાસનલિકાઓ હવાની અવરજવરમાં કેટલો અવરોધ કરે છે એ જાણી શકાય છે. આ ઉપરાંત કઇ વસ્તુ દમ કરવા માટે જવાબદાર છે એ જાણવા માટે ક્યારેક ખાસ પ્રકારનો ''ચેલેન્જ ટેસ્ટ'' કરવામાં આવે છે. જેમાં જુદા જુદા પ્રકારની એલર્જી કરી શકે એવી વસ્તુ દર્દીને સૂંઘાડવામાં આવે છે અને આમાંથી જે વસ્તુ સૂંધવાથી દર્દીને અસ્થમાનો હુમલો આવે એ વસ્તુથી દર્દીને દૂર રહેવાનું દર્દીને સમજાવવામાં આવે છે.
અસ્થમાનો સૌથી સીધો ઉપાય જે પરિબળો અસ્થમા કરવા માટે કારણભૂત હોય એનાથી દૂર રહેવાનો છે! જો કે એક જ દર્દીમાં એક કરતાં વધારે પરિબળો કામ કરતાં હોઇ શકે અને આ દરેક પરિબળને ઓળખી કાઢવાનું પણ શક્ય હોતું નથી એટલે એનાથી દૂર રહેવાની વાત તો બહુ ઓછી આવે. તેમ છતાં જે જે પદાર્થો સ્પષ્ટપણે અસ્થમા કરે છે એવું દર્દીને લાગે તે તમામ પદાર્થને નવ ગજના નમસ્કાર કરવા જોઇએ. આ અસ્થમાને કારણે જ અમુક લોકોએ ગામ, શહેર, રહેઠાણ, કોલેજ, વ્યવસાય વગેરે બદલવું પડે એવાં ઘણાં કિસ્સા બને છે અને મોટા ભાગના લોકો આ રીતે અસ્થમાને આવતો જ અટકાવવામાં સફળ થાય છે. પણ આવું કરતાં પહેલાં કઇ વસ્તુથી અસ્થમા થાય છે એનું ચોક્કસ નિદાન જરૂરી હોય છે. નહીં તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ થાય છે.
અસ્થમા માટે કારણભૂત વસ્તુથી દૂર રહેવા સિવાય, આધુનિક તબીબી શાસ્ત્રમાં અસ્થમાને કાયમ માટે સારો કરવાનો કોઇ ભરોસાપાત્ર ઇલાજ નથી. પણ અસ્થમાના હુમલાને જે તે વખતે કાબૂમાં લઇને દર્દીને તત્પૂરતો ગૂંગળામણમાંથી બચાવી લેવા માટે અનેક દવાઓ છે. ક્યારેક એલર્જીથી થતાં અસ્થમામાં એલર્જી કરતી વસ્તુ (દા.ત. પરાગરજ)ની ખબર પડી ગઇ હોય પણ એનાથી દૂર રહેવાનું દર્દી માટે બીલકુલ શક્ય જ ન હોય, ત્યારે એલર્જીને મૂળમાંથી જ દૂર કરવાના પ્રયાસરૂપે 'ઇમ્યૂનો થેરપી' નામની સારવાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇમ્યૂનો થરપીમાં જે પદાર્થની એલર્જી હોય એના ઇંજેક્શનો રોજ વધતી જતી માત્રામાં દર્દીની ચામડીમાં અપાય છે. જે તે વસ્તુના એન્ટિજન સામે IgE પ્રકારના એન્ટિબોડી બનાવતું શરીરનું ઇમ્યૂન તંત્ર આ રીતે ઇંજેક્શનો આપવાથી IgG પ્રકારના એન્ટિબોડી બનાવવા શરૂ કરે છે. IgG એન્ટિબોડી શરીરનું રક્ષણ કરે છે, પણ એલર્જીનું રિએક્શન નથી લાવતાં. ટૂંકમાં, પહેલાં તીવ્ર રિએક્શન આપતું દર્દીનું ઇમ્યૂન તંત્ર ધીમે ધીમે એલર્જી કરતાં પદાર્થને સહન કરતાં શીખી જાય છે, તીવ્ર રિએક્શન આપવાનું બંધ કરી દે છે. જો કે ઇમ્યૂનો થેરપીમાં એલર્જીનો ભારે હુમલો આવવાનું જોખમ રહેલ છે. એટલે આ થેરપીનો ઉપયોગ તેના ખાસ નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ નીચે જ કરવામાં સલામતી છે. વળી દરેક દર્દીમાં ઇમ્યૂનો થેરપી સફળ જ થાય એવું નથી. અને એટલે જ ખાસ પસંદ કરેલા દર્દીને જ આ થેરપી અપાય છે. ભારતમાં બહુ જૂજ સેન્ટરોમાં જ આ થેરપી વપરાય છે.
જ્યારે અસ્થમાનું કારણ મળતું ન હોય અથવા એને દૂર કરવું શક્ય ન હોય ત્યારે છેવટે દવાઓનો જ આશરો લેવો પડે છે. અસ્થમામાં વપરાતી દવાઓને બે જૂથમાં વહેંચી શકાય.સોડિયમ ક્રોમોગ્લાયકેટ નામની દવા શ્વાસ વાટે સીધી શ્વસનમાર્ગમાં મોકલવામાં આવે છે. આ દવા અસ્થમાના રિએક્શનની શરૂઆત કરનાર માસ્ટ સેલ પર જ અસર કરે છે અને એમાંથી હીસ્ટામીનને નીકળતું અટકાવે છે, જેથી અસ્થમાના રિએક્શનની આખી પ્રક્રિયાની 'સ્વીચ' જ 'ઓન' નથી થતી. પરિણામે અસ્થમા કરી શકે એવો પદાર્થ શ્વસનમાર્ગમાં પહોંચી જાય તો પણ અસ્થમાનો હુમલો આવતો નથી. આ દવાના દિવસમાં ચાર થી છ સડાકા મારવામાં આવે તો અસ્થમાના હુમલાને સફળતાપુર્વક અટકાવી શકાય છે. જો કે દરેક દર્દીને આ દવાથી ફાયદો થઇ જ જાય એવું નથી. અને દવા શરૂ કર્યા પછી આશરે બે-ચાર અઠવાડિયા પછી એની અસરની ચોક્કસ ખબર પડે છે અને જો દવા અસરકારક લાગે તો લાંબો સમય (ક્યારેક જિંદગીભર) નિયમિત રીતે લેવી પડે છે. મોં વાટે લેવાની બીજી દવા કીટોટીફેન પણ લગભગ આ જ પદ્ધતિથી દમના હુમલાને આવતો જ અટકાવવામાં કામ લાગે છે. દમના હુમલાને કાબૂમાં લઇ રાહત આપતી દવાઓનું મુખ્ય કામ અસ્થમાના હુમલા દરમિયાન સંકોચાઇ ગયેલી શ્વાસનલિકાઓને ફરી પહોળી કરવાનું હોય છે. આ દવાઓ મોં વાટે લેવાની ગોળી કે કેપ્સ્યૂલના સ્વરૂપે અથવા નાકમાં સૂંઘવાના સ્પ્રે તરીકે પણ મળે છે.
સાલબ્યુટામોલ (અસ્થાલીન), ટબ્ર્યુટાલીન, એમીનોફાયલીન, થીયોફાયલીન (થીયોબીડ, ફાયલોબીડ વગેરે) શ્વાસનલિકા પહોંળી કરવા માટે વપરાતી દવાઓ છે. આમાંથી સાલબ્યુટામોલ જૂથની દવાઓ સીધી શ્વાસનલિકાના સ્નાયુઓ પર જ સીધી અસર કરે છે. અસ્થમાનો હુમલો લાવતા પરિબળોમાં આપણે પ્રોપ્રેનોલોન નામની દવાની વાત જોઇ ગયેલા, જે શ્વાસનલિકાના સ્નાયુઓને સીધા સંકોચાવાનું કામ કરે છે.આ પ્રોપ્રેનોલોન અને સાલબ્યુટામોલ એકબીજાના વિરોધી જૂથની દવાઓ છે. બંને દવાઓ શ્વાસનલિકાના સ્નાયુના એક જ રિસેપ્ટર પર કામ કરે છે. પણ એક ગામ ભણી તાણે તો બીજું સીમ ભણી!! સાલબ્યુટામોલ હવે સ્પ્રે સ્વરૂપે પણ મળે છે અને એ રીતે સીધી જ શ્વસનતંત્રમાં દવા પહોંચી શકે છે, જે ઓછા ડોઝમાં, વધુ સારી રીતે અને વધુ ઝડપી કામગીરી કરી શકે છે.
એમીનોફાયલીન જૂથની દવાઓ ચોક્કસ રીતે કામ કરે છે એ જાણી શકાયું નથી. પણ દમના હળવા હુમલામાં, ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં બહુ સામાન્ય રીતે વપરાય છે. ઇંજેક્શન અને બાટલામાં નાંખવાની દવાના રૂપે પણ આ જૂથની દવાઓ વધુ વપરાય છે.
ક્યારેક અસ્થમાનો ગંભીર હુમલો શ્વાસનલિકાઓ પહોળી કરતી દવાઓને ગાંઠતો નથી. આવે વખતે ''વંડર ડ્રગ'' તરીકે ઓળખાતી સ્ટીરોઇડ દવાઓ વાપરવી પડે છે. સ્ટીરોઇડ દવાઓ મુખ્યત્વે અસ્થમાના રિએક્શનની શરૂઆત થયા પછી આ રિએક્શન વધારવામાં સિંહફાળો આપતા પ્રોસ્ટાગ્લેન્ડીન અને લ્યૂકોટ્રીન જેવાં રસાયણો બનતાં અટકાવી દે છે, જેને કારણે અસ્થમાનો હુમલો શરૂઆતના તબક્કામાં જ અટકી જાય છે. જો કે આ દવાની પૂરી અસર આવતાં ચાર થી છ કલાક જેટલો સમય લાગે છે. એટલે દમના ભારે હુમલામાં પણ શરૂઆતમાં સ્ટીરોઇડની સાથે સાથે શ્વાસનલિકા પહોળી કરતી દવાઓ પણ આપાય છે.
સ્ટીરોઇડ દવા આમ તો દમના હુમલાને કાબૂમાં લેવા માટે ખૂબ અસરકારક છે અને એટલે જ ઘણીવાર આયુર્વેદિક કે અન્ય કોઇ નામ હેઠળ અસ્થમાની પડીકીઓ વેચતા લોકો પણ એમાં સ્ટીરોઇડ દવાઓ ભેળવીને વેચતા હોય છે. આ રીતે ભળતા નામ હેઠળ સ્ટીરોઇડ વાપરતા ઊંટવૈદોને ખબર પણ નથી હોતી કે આ દવા કેટલું નુકશાન કરી શકે છે! લાંબા સમય સુધી મોં વાટે સ્ટીરોઇડ દવા લેવાથી શરીરને ઘણું નુકશાન થતું હોય છે અને ખાસ તો ઇમ્યૂનતંત્ર નબળું પડી જાય છે. આવી આડઅસરથી બચવા માટે શ્વાસમાં લેવાના સ્પ્રે તરીકે 'બેક્લોમીથાસોન' નામની સ્ટીરોઇડ દવા વપરાય છે. આ રીતે દવા માત્ર શ્વસનતંત્ર સુધી જ પહોંચતી હોવાથી આખા શરીરના બીજા બધા અવયવો એની આડઅસરમાંથી બચી જાય છે. કેટલાક કાયમી જૂના અસ્થમાના દર્દીઓમાં આવા સ્પ્રેના સ્વરૂપે સ્ટીરોઇડ દવાઓ નિયમિત રૂપે લાંબા સમય સુધી વાપરવી પડે છે.
આ બધી દવાઓની સાથે સાથે પ્રાણાયામ અને શ્વાસોચ્છ્વાસની અન્ય કસરતો પણ, અસ્થમાના દર્દીને શ્વસનતંત્ર પર કાબૂ મેળવવા માટે ઉપયોગી થઇ શકે છે. દર્દીનું દ્રઢ મનોબળ પણ રોગ પરના કાબૂ માટે એટલું જ ઉપયોગી થઇ શકે. મહાન નેતાઓ -અભિનેતાઓ અને અન્ય મહાન હસ્તિઓને અસ્થમાની બીમારી હોય એવું બનતું હોય છે. પણ દ્રઢ મનોબળ અને સમયસરની સારવારને કારણે એમના કામમાં કોઇ વિક્ષેપ નથી પડતો. આ વાત પર ભાર મૂકવા માટે મુંબઇમાં દમના દર્દીઓનું એક અસ્થમા એસોસિયેશન ચાલે છે, જે દર વર્ષે 'યુ કેન ડુ ઇટ' નામનો અસ્થમાના દર્દીઓ માટે કાર્યક્રમ યોજે છે. કોઇવાર ઊંચા ડુંગર ચઠવાનો તો કોઇવાર ૩૩ ઊંચાં મકાનની અગાશી પર પગથિયાં ચઢીને પહોંચવાનો કાર્યક્રમ રાખે છે, જેમાં દમના અનેક દર્દીઓ હોંશભેર જોડાય છે. ઘરના સભ્યોનો પ્રેમ અને હૂંફ પણ દર્દી માટે -ખાસ કરીને બાળ દર્દી માટે -દવા જેટલું જ, ક્યારેક એથી પણ વિશેષ, કામ કરે છે.
પચ્ચીસ વર્ષ જુવાનજોધ ધર્મેશની તબિયત છેલ્લાં અઠવાડિયાથી ખરાબ હતી. રોજ સખત તાવ આવતો, ખાંસી સાથે પીળા ગળફા પડતા હતા અને છાતીમાં થોડો થોડો દુખાવો થતો હતો. શરૂઆતમાં તો તાવ આવ્યો એટલે ફેમિલી ડોક્ટરે મલેરિયાની દવા ચાલુ કરી દીધી પણ ત્રણ-ચાર દિવસ સુધી તાવે જરા પણ મચક ન આપી અને હોસ્પિટલમાં મોટા ડોક્ટર પાસે પહોંચી ગયો. ડોક્ટરે બધી તપાસ કરી એક્સ-રે પાડીને નિદાન કર્યું કે ધર્મેશને ન્યૂમોનિયાની બીમારી છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. તરત ધર્મેશ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. ડોક્ટરે લખેલી બધી દવા એનો મિત્ર લઇ આવ્યો અને સિસ્ટરે નસમાં એક બાટલો ચાલુ કર્યો અને બીજા ઇંજેક્શનનો ચામડી નીચે ટેસ્ટ ડોઝ આપ્યા પછી સિસ્ટર બીજા દર્દીને બાટલો ચાલુ કરવા જતાં હતાં ત્યાં ધર્મેશનો મિત્ર દોડતો સિસ્ટર પાસે આવ્યો. ધર્મેશનો અચાનક શ્વાસ રૂંધાવા લાગેલો, આંખે અંધારાં આવી ગયાં અને જીભ પણ થોથવાવા લાગેલી. અને સિસ્ટર આવ્યા ત્યાં સુધીમાં તે બેભાન થઇ ગયેલો.
સિસ્ટરે તરત ઓક્સિજન ચાલુ કરી દીધો અને ઝડપથી ડોક્ટરને બોલાવી લાવ્યા. ડોક્ટર પણ ધર્મેશની હાલત જોઇ આષ્ચર્યચક્તિ થઇ ગયા. થોડીવાર પહેલાં જે આરામથી વાતચીત કરતો હતો, હરીફરી શક્તો હતો, એની અચાનક આવી હાલત કેમ થઇ ગઇ. ધર્મેશનું બ્લડપ્રેશર એટલું બધુ ઓછું થઇ ગયું કે માપી જ નથી શકાતું. હાથપાસેની નાડીમાં ધબકારા પણ આવતાં બંધ થઇ ગયેલા. ડોક્ટર સમજી ગયા કે આ તો પેનિસિલીન ટેસ્ટ ડોઝનું રિએક્શન છે! તેમણે નસ વાટે ચાલતાં બાટલાની ઝડપ વધારી દીધી અને એડ્રીનાલીન નામની જીવનરક્ષક દવાનું ઇંજેક્શન આપ્યું. કૃત્રિમ શ્વાછોચ્છ્વાસ અને કાર્ડિયેક મસાજ આપીને માંડ માંડ ધર્મેશને લગભગ મૃત હાલતમાંથી બચાવી શકાયો.
ધર્મેશના કેસપેપર પર લખાઇ ગયું ''સો(ન્સટિવ ટુ પેનિસિલીન'' (પેનિસિલીનથી અતિસંવેદનશીલ)
કરોડો લોકોની જિંદગી બચાવનાર એન્ટિબાયોટિક ગ્રુપની આશીર્વાદરૂપ દવા-પેનિસિલીન જીવલેણ રિએક્શન માટે કુખ્યાત છે. સદભાગ્યે, જીવલેણ રિએક્શન બહુ ભાગ્યે જ, લાખેક ઇંજેક્શન લેનારમાંથી માંડ દસેકને જ થાય છે. તે છતાં અમેરિકામાં દર વર્ષે આશરે એકસોથી પાંચસો મૃત્યુ આ પેનિસિલીનના રિએક્શનના કારણે થાય છે. એ જીવલેણ એલર્જીક રિએક્શન તબીબી ભાષામાં 'એનાફાઇલેક્ષીસ' કે 'એકર્જિક શોક' તરીકે ઓળખાય છે.
એનાફાયલેક્ષીસ એ એલર્જીનું સૌથી ભયાનક રૂપ છે, એવું કહી શકાય. એ રિએક્શનમાં એલર્જીનો મૂળભૂત ઘટનાક્રમ તો એકસરખો જ રહે છે. માત્ર એની તીવ્રતા અને વ્યાપકતા વધી જાય છે. બીજા શબ્દોમાં કહીઓ તો નાકમાં એલર્જી કરતી પરાગરજ સામેનું રિએક્શન એલર્જિક શરદીમાં મુખ્યત્વે નાક પૂરતું જ સીમિત રહે છે અને શ્વાસમાં લીધેલ ધૂળની રજકણ સામે અસ્થમાનું રિએક્શન ફેફસા પૂરતું જ મર્યાદિત રહે છે એવું એનાફાયલેક્ષીસમાં તો શરીરના દરેકેદરેક ભાગમાં એક સાથે રિએક્શન થઇ આવે છે.
નાક અને ફેફસાની એલર્જીની જેમ જ એનાફાયલેક્ષીસ પણ બાહ્ય એન્ટિજન સામે IgE પ્રકારના એન્ટિબોડી બનવાથી થાય છે. માસ્ટ સેલ પર લાગેલાં પેનિસિલીન વિરોધી એન્ટિબોડી જ્યારે શરીરમાં પેનિસિલીનને 'જૂએ' છે કે તરત માસ્ટ સેલમાંથી હીસ્ટામીન , બ્રેડીકાઇનીન, પ્રોસ્ટાગ્લેન્ડીન, લ્યૂકોટ્રીન વગેરે અનેક રસાયણોનો મારો શરૂ કરી દે છે. હવે પેનિસિલીન તો નિર્જીવ પદાર્થ છે; એને આ બધાં રસાયણોની કશી અસર નથી થતી પણ મરો તો આજુબાજુના જીવતા શરીરના પોતાના કોષોનો થાય છે! આપણે આગળના પ્રકરણમાં જોઇ ગયા તેમ આ બધાં રસાયણો રક્તવાહિનીઓને પહોળી કરે છે (એટલે જ એલર્જિક શરદીમાં નાક ''બંધ'' થઇ જાય છે) અને શ્વાસનલિકાઓને સંકાચે છે. (એટલે જ અસ્થમામાં શ્વાસોચ્છ્વાસ કરવાની તકલીફ પડે છે.)
જ્યારે એક સાથે શરીરની બધી રક્તવાહિનીઓ પહોળી થઇ જાય ત્યારે બ્લડપ્રેશર એકદમ ઘટી જાય છે. (પાતળા પાઇપની પાછળ જો પહોળો પાઇપ લગાવીને પાણી પહોંચાડવામાં આવે તો જેમ પાણીનું ''પ્રેશર'' ઘટી જાય છે, એ જ રીતે પાતળી રક્તવાહિનીઓ અચાનક પહોળી થઇ જાય તો બ્લડપ્રેશર ઘટી જાય છે.) બ્લડપ્રેશર અચાનક ઘટી જવાથી શરીરના અવયવો સુધી પૂરતું લોહી પહોંચી જ નથી શક્તું. ઓછા 'પ્રેશર'થી નળમાં પાણી પહોંચતું હોય ત્યારે નીચાણવાળા વિસ્તારો અથવા નીચે લેવલે નંખાયેલ નળોમાં પાણી પહોંચે છે અને ઉપરવાસના લોકો માથે હાથ દઇને બેસે છે એવું શરીરના અવયવોમાં પણ થાય છે. જો રક્તવાહિનીમાં લોહી વધુ પહોંચે છે અને માથામાં પ્રેશરના અભાવે નહિવત્ !
માથાને-મગજને લોહી ન મળે કે ઓછું મળે ત્યારે મગજને બચાવવા કુદરતે અદભૂત વ્યવસ્થા કરી છે. જેવું મગજને લોહી પહોંચતું ઓછું થાય કે ઊભેલા માણસે આંખે અંધારા આવવા લાગે છે, ચક્કર આવે છે અને છેવટે એ પડી જાય છે. જમીન પર પડી જવાથી માથું અને પગ એક જ સપાટીમાં આવી જાય છે. અને એટલે પગ તરફ જેટલું લોહી જાય એટલું જ લોહી, એટલા જ પ્રેશરે, માથા તરફ પણ જઇ શકે. પરિણામે, લોહીના અભાવે મગજના કોષો મૃત્યુ પામતાં અટકે છે!
મગજની જેમ જ શરીરના બીજા અવયવોને પણ બ્લડપ્રેશર ઓછુ થઇ જવાથી લોહીની ખેંચ પડે છે. તબીબી ભાષામાં આવી સ્થિતિને ''શોક'' કહેવામાં આવે છે. જો ''શોક'' ની સ્થિતિ લાંબો સમય ચાલે તો મગજ ઉપરાંત કિડનીને ગંભીર નુકશાન થઇ શકે છે. અને ઘણીવાર ''શોક''માંથી માંડ માંડ બચાવી લીધેલ વ્યક્તિની બંને કિડની કામ કરતી બંધ થઇ જાય એવા કિસ્સાઓ જોવા મળે છે.
માસ્ટ સેલમાંથી નીકળેલ રસાયણો રક્તવાહિનીને પહોલી કરવા ઉપરાંત રક્તવાહિનીની દીવાલમાં એવાં ફેરફાર કરે છે, જેનાથી વધુ ને વધુ પ્રવાહી, એ(ન્ડબોડી અને શ્વેતસૈનિકો રક્તવાહિનીમાંથી બહાર નીકળીને આજુબાજુના કોષમાં પહોંચી શકે. નાકમાં આવું ન થાય ત્યારે નાક 'ગળવાનું' અને એની દીવાલો પર 'સોજો' આવી જવાનું પરિણામ આવે છે. એનાફાયલેક્ષીસમાં તો આખા શરીર પર આ રીતે 'સોજો' આવી શકે. પણ ઘણાં કિસ્સાઓમાં મોં, જીભ, નાક, ગળા અને શ્વાસનળીમાં આ પ્રક્રિયા વઘુ પ્રમાણમાં જોવા મળે છે. ગળા અને શ્વાસનળીની શરૂઆતના ભાગમા એલર્જીને કારણે સોજો આવી જવાથી દર્દીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે અને દરેક શ્વાસ વખતે ઘરર.... ઘરર.... એવા ઘરઘરાટી સાંભળવા મળે છે. આ ઉપરાંત શ્વાસનલિકાઓ પણ અસ્થમાના રિએક્શનની જેમ, સંકોચાઇ જાય ત્યારે દર્દી માટે શ્વાસોચ્છ્વાસ લગભગ અશક્ય બની જાય અને જો ''શોક'' થી માણસ બચી જાય તો ક્યારેક આ ગૂંગળામણને કારણે મૃત્યુ સુધી પહોંચી જાય છે!
આમ, એનાફાયલેક્ષીસમાં IgE એન્ટિબોડીથી થઇ શક્તા બધી જાતના રિએક્શન શરીરના ઘણા ભાગોમાં ખૂબ તીવ્ર સ્વરૂપે જોવા મળે છે અને આ જ કારણસર એનાફાયલેક્ષીસના ઘણા કેસ જીવલેણ સાબિત થાય છે.
એનાફાયલેક્ષીસ સિવાય પણ પેનિસિલીન બીજા જાતજાતના એલર્જિક રિએક્શન કરી શકે છે. સૌથી મજાની વાત તો એ છે કે આ બધી એલર્જી માટે જવાબદાર પેનિસિલીન, શરીરમાં આવતાં બીજા બધા એન્ટિજન કરતાં બહુ નાનું હોય છે. એન્ટિજન અંગેના પ્રકરણમાં આપણે જોઇ ગયેલા કે મોટા ભાગના એન્ટિજનમાં મૂળભૂત રીતે પ્રોટીન ઘટક રહેલું હોય છે, જ્યારે પેનિસિલીનમાં તો પ્રોટીન પણ નથી હોતું! એટલું જ નહીં, જ્યારે પેનિસિલીનને શરીરની બહાર IgE એન્ટિબોડી સામે ધરવામાં આવે તો IgE એન્ટિબોડી એની સામે કોઇ રિએક્શન નથી કરી શક્તા. પેનિસિલીનને જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં તો એના નાના ભાગોમાં ટુકડા થઇ જાય છે. પછી આ ટુકડાની કરચો શરીરમાં ફરતાં પ્રોટીન પર લાગી જાય છે. ને જ્યારે પ્રોટીન પર સવાર થયેલ પેનિસિલીનનો ટુકડો IgE ને ભેટે ત્યારે જ ખરેખરી તકલીફ ચાલુ થાય છે.
આમ, જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવેલ પેનિસિલીનના ટુકડાઓ શરીરના પ્રોટીન પર સવાર થાય ત્યારે એ આખા સંકુલને શ્વેતસૈનિકો, બાહ્ય એન્ટિજન તરીકે ઓળખવાની ભૂલ કરે છે અને એની સામે એન્ટિબોડીરૂપી શસ્ત્રો બનાવી યુદ્ધ માંડે છે. એકવાર પ્રોટીન પર લાગેલા પેનિસિલીનના ટુકડાઓ સામે એન્ટિબોડી બની જાય એ પછી શરીરમાં જો આ પેનિસિલીનના ટુકડાઓ છુટા ફરતાં હોય તો પણ એન્ટિબોડી તેને ઓળખી કાઢે છે અને તીવ્ર રિએક્શન શરૂ કરી દે છે. ઘણીવાર પેનિસિલીનના ટુકડાઓ રક્તકણ પર લાગી ગયા હોય તો, પેનિસિલીનને ખતમ કરવા માટે બનેલ એન્ટિબોડી પેનિસિલીનની સાથે સાથે રક્તકણને પણ ખતમ કરી નાંખે છે! આમ રાજાના નાક પર બેઠેલ માખીને તલવારથી મારનાર વાંદરા જેવી જ ભૂલ, રક્તકણ પર બેઠેલ પેનિસિલીનના ટુકડાઓને મારવા માટે એન્ટિબોડી વીંઝીને શ્વેતસૈનિકો કરે છે!
પેનિસિલીન ઉપરાંત બીજી અનેક દવાઓ એનાફાયલેક્ષીસ કરી શકે છે. આમાં, શરીરના કોઇ ભાગ પર નાની વાઢકાપ કરતાં પહેલાં, એ ભાગને બહેરો (સંવેદનશીલ)કરવા માટે વપરાતા લોકલ એનેસ્થેટિક, ખાસ પ્રકારના એક્સ-રે ફોટા પાડવા માટે શરીરમાં દાખલ કરાતી રેડિયો ઓપેક ડાય, લોહી એકદમ ફિક્કું પડી ગયું હોય ત્યારે નસ વાટે બાટલામાં અપાતાં લોહતતત્વના ઇંજેક્શનો, અને અન્ય પ્રાણીઓના લોહીમાથી બનેલ વિવિધ ઇંજેક્શનો મુખ્યત્વે જવાબદાર હોય છે. ઘણી બધી એન્ટિબાયોટીક દવાઓ પણ એનાફાયલેક્ષીસ કરી શકે છે પણ એનું પ્રમાણ પેનિસિલીન જેટલું વધારે નથી હોતું. જુદા જુદા ઇન્ઝાઇમ અને હોર્મોન્સ પણ પ્રોટીનમાંથી બનતાં હોય છે. એટલે એના ઇંજેક્શનો પણ એનાફાયલેક્ષીસ કરવા માટે ઘણીવાર જવાબદાર હોય છે. એ જ રીતે અન્ય માનવનું લોહી કે લોહીમાંથી બનતાં જુદા જુદા ઇંજેક્શનો પણ ક્યારેક આવા જીવલેણ એલર્જિક રિએશનનું કારણ બનતાં હોય છે.
''ડ્રગફીવર'' નામન સાંભળીને નવાઇ લાગશે; તાવ અને બીમારી સારી કરવા માટે તો દવા હોય છે. એ દવા જ કંઇ તાવ લાવે? હા, જો કોઇ દવા સામે અમુક વિશિષ્ટ પ્રકારની એલર્જી હોય તો જ્યારે જ્યારે એ દવા લેવામાં આવે ત્યારે તાવ આવે અને દવા બંધ કરવામાં આવે ત્યારે તાવ ગાયબ!!
હકીકતમાં કોઇ પણ પ્રકારનો તાવ લાવવા માટે શ્વેતસૈનિકો જ જવાબદાર હોય છે. દુશ્મન સામે જ્યારે નાના નાના છમકલાં જ થતાં હોય ત્યારે આખા શરીરને તો એની ખબર નથી પડતી, પણ જ્યારે બળિયો દુશ્મન હોય ત્યારે યુદ્ધ કરતાં કરતાં શ્વેતસૈનિકોને એવું લાગે કે આ યુદ્ધની તો શરીરને જાણ થવી જોઇએ. આવે વખતે શ્વેતસેૈનિકો (મેક્રોફેઝ અને ન્યૂટ્રોફીલ મુખ્યત્વે) ઇન્ટરલ્યૂકીન-૧ નામનું રસાયણ લોહીમાં વહેતું મૂકે છે, જે બીજા શ્વેતસૈનિકોને મદદમાં બોલાવવા ઉપરાંત મગજમાં આવેલા હાઇપોથેલેમસ નામના વિભાગ પર અસર કરે છે. આ હાઇપોથેલેમસ શરીરના તાપમાનને નિયંત્રિત કરતું એક ખાસ કેન્દ્ર હોય છે. આ તાપમાન-નિયંત્રણ કેન્દ્ર લોહીમાં રહેલા ઇન્ટરલ્યૂકીન-૧ ની અસર હેઠળ શરીરના બધા કોષો, રક્તવાહિનીઓ અને સ્નાયુઓને શરીરનું તપામાન વધારવાનો આદેશ આપે છે, જે આપણે તાવ સ્વરૂપે જોઇએ છીએ.
અમુક પ્રકારની દવાઓ સામે શરીરનું રોગપ્રતિકારક તંત્ર જો અવળો રિસ્પોન્સ (પ્રતિસાદ) આપે તો આ દવાઓ શરીરના શ્વેતસૈનિકોને ઉશ્કેરીને છેવટે તાવ લાવવા માટે જવાબદાર બને છે. જીવલેણ ચેપોથી બચવા માટે વપરાતી પેનિસિલીન જૂથની દવાઓ સીફેલોસ્પોરીન, એરીથોમાઇસીન, ક્લોરેમ્ફ્રેનીકોલ અને સલ્ફાજૂથની દવાઓ, બ્લડપ્રેશર માટે વપરાતી એમ-ડોમા; અરે, એલર્જી માટે ઘણીવાર વપરાતી એન્ટિહીસ્ટામીન દવાઓ, હ્રદયની અમુક બીમારીઓમાં વપરાતી ક્વીનીડીન, પ્રોકેઇનેમાઇડ વગેરે દવાઓ; તથા ટી.બી.માં વપરાતી આઇ.એન.એચ. અને સ્ટ્રેપ્ટ્રોમાઇસીન ડ્રગફીવર કરવા માટે જાણીતી છે.
આ દવાઓ દરેક માણસમાં તાવ નથી લાવતી. માત્ર એ દવાથી અતિસંવેદનશીલ અમુક માણસોમાં જ ક્યારેક તાવ આવે છે. ખાસ તો જ્યારે તાવને સારો કરવા માટે (દા.ત. અમુક ચેપને કારણે શરૂ થયેલ કામ માટે) જીવાણુવિરોધી દવા લેવામાં આવે અને એ દવાથી જ તાવ આવવા લાગે ત્યારે આ દવાજન્ય તાવને ઓળખવો મુશ્કેલ પડે છે. જો કે દવાને કારણે આવતો તાવ હંમેશ એ દવા બંધ કરવાથી બંધ થઇ જાય છે અને ભૂલેચૂકે એ દવા પાછી લેવામાં આવે તો પાછો ચાલુ થઇ જાય છે, આમ જ્યારે પણ દવાજન્ય તાવની શંકા હોય ત્યારે બધી દવા એક-બે દિવસ બંધ કરીને જોવું જોઇએ. જો દવા ચાલુ રાખ્યા સિવાય છૂટકો જ ન હોય તો સ્ટીરોઇડ અને પેરાસિટામોલથી તાવને કાબૂમાં રાખીને દવાનો કોર્સ પૂરો કરાવી શકાય. બને ત્યાં સુધી તો, આવી દવા લેવાનું ટાળવું એ જ એકમાત્ર ઇલાજ છે, આ ડ્રગફીવરનો!
આમ તો ઘણી દવાઓ (દા.ત. ટેટ્રાસાઇક્લીન, પેરાસિટામોલ) જો વધારે ડોઝમાં લેવામાં આવે તો લીવર(યકૃત)ને નુકશાન થઇ શકે છે. પણ એલર્જીથી થતું નુકશાન આ સીધા જ નુકશાનથી જુદું હોય છે. લીવર પર સીધી આડઅસર કરતી દવાઓનો ડોઝ જેમ વધારવામાં આવે એમ નુકશાન વધે છે, જ્યારે એલર્જી કરતી દવાથી થતા નુકશાનને દવાના ડોઝ સાથે કંઇ નિસબત નથી.
દવાની એલર્જીને કારણે લીવરને નુકશાન થવાનું બે રીતે શક્ય છે. એક તો, બે આખલા લડવાથી ઝાડનો ખૂરડો બોલી જાય છે એમ, એન્ટિજન-એન્ટિબોડી લડવાથી, લીવરના કોષોને નુકશાન પહોંચે અને બીજું, કોઇક કારણસર લીવરના કોષોના કામકાજમાં ખલેલ પડે અને કમળો થાય. ટી.બી. માટે વપરાતી આઇ.એન.એચ., રીફામ્પીસીન અને પાઇરાઝીનેમાઇડની સામે એલર્જીને કારણે લીવરના કોષોને સીધું નુકશાન થાય છે, બીજી પણ અનેક દવાઓથી લીવરને નુકશાન થઇ શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે કિડની(મૂત્રપિંડ)નું મુખ્ય કામ લોહીને ગાળવાની ગળણી જેવું છે. આ ગળણીમાંથી પસાર થઇ શક્તાં, અને શરીર માટે નકામાં તતત્વો પેશાબ બનાવે છે. જ્યારે અમુક પદાર્થો એવાં પ્રકારના આવે કે જે આ ગળણીમાંથી પસાર પણ ન થઇ શકે અને પાછા ગળણી ઉપર રહેલા લોહીમાં ભળી પણ ન શકે ત્યારે ગળણી (કિડની) માટે મુસીબત ઉભી થાય છે. કેમ કે આવા પદાર્થો ગળણીનાં એટલાં કાણાંઓ નકામા કરી નાંખે છે. વળી ગળણી પર ચોંટી ગયેલ આ પદાર્થો સહેલાઇથી નીકળી પણ નથી શક્તા. (દુર્ભાગ્યે કેટલાંક આધુનિક ફિલ્ટર જેવી'ફલશ બેક સિસ્ટમ' આપણી કિડની પાસે નથી!!) કિડની પર ચોંટી ગયેલ આ પદાર્થો કિડનીને ભારે નુકશાન પહોંચાડે છે અને આવા પદાર્થો પૈકી સૌથી વધુ નુકસાનકારક કંઇ હોય તો એ એન્ટિજન-એન્ટિબોડી સંકુલ છે.
જ્યારે કોઇ 'પરદેશી' એન્ટિજન મોટા પ્રમાણમાં શરીરની અંદર ઘૂસી જાય, ત્યારે અને હાંકી કાઢવા માટે એટલા જ મોટા પ્રમાણમાં શરીરનું રોગપ્રતિકારક તંત્ર એન્ટિબોડી બનાવે છે. અને પછી એન્ટિજન-એન્ટિબોડી એકબીજા સાથે બાથ ભીડે છે, જે 'એન્ટિજન-એન્ટિબોડી સંકુલ' તરીકે ઓળખાય છે. 'એન્ટિજન-એન્ટિબોડી સંકૂુલો'માંથી મોટા ભાગનાને તો 'ખાઉધરા' શ્વેતકણો ખાઇ જઇને ખતમ કરી નાંખે છે(એન્ટિબોડી અને કોમ્પ્લિમેન્ટ એન્ટિજન પર લાગેલ ખાંડના પડ જેવું કામ કરે છે) પણ જે એન્ટિજન-એન્ટિબોડી સંકુલ 'ખાઉધરા' શ્વેતકણોના હાથમાં નથી આવતા એ લોહીમાં ફરવા લાગે છે અને ક્યારેક કિડનીની ગળણીમાં ભરાઇ પડે છે!
જેવું એન્ટિજન-એન્ટિબોડી સંકુલ કિડનીમાં ચોંટી જાય કે તરત એન્ટિબોડીના સાથીદારો જેવા કોમ્પ્લિમેન્ટ એન્ટિબોડીની મદદે આવી જાય છે. અને અન્ય શ્વેતસૈનિકોને બોલાવવા માટેના સંદેશાઓ વહેતા કરી દે છે. અને જોતજોતામાં તો કિડનીનો એટલો ભાગ રણમેદાન જેવો થઇ જાય છે. અને દુનિયાના કોઇ પણ રણમેદાનની જેમ વિના વાંકે બે બળિયાની લડાઇમાં ખેદાનમેદાન થઇ જાય છે.
જ્યારે આટલું મોટું યુદ્ધ, કોઇ સાચેસાચા દુશ્મનને હરાવવા માટે લડાય તો તો જાણે સમજ્યા કે લડતાં લડતાં થોડી ખુવારી સહન કરવી પડે, પણ જ્યારે શરીરમાં પ્રવેશેલું 'પરદેશી એન્ટિજન' કોઇ ખાસ નુકશાન કરવાનું ન હોય, અરે, દવા તરીકે દર્દીને ગંભીર બીમારીમાંથી ઉગારવાનું હોય ત્યારે રોગપ્રતિકારક તંત્રનો આવો ભારે પ્રતિકાર કિડની માટે જોખમરૂપ બની જાય છે.
ઘોડાના લોહીના એક ભાગ(સીરમ)માંથી બનતાં કેટલાંક ઇન્જેક્શનો આપ્યા પછી આવું જ રિએક્શન જોવા મળે છે. કિડની ઉપરાંત શરીરની અન્ય રક્તવાહિનીઓ, ચામડી, સાંધાઓ અને લસિકાગ્રંથિ પણ આ રિએક્શન માટે રણમેદાન બની શકે છે. પહેલી વખત સીરમના ઇંજેક્શન આપ્યા પછી એકથી ત્રણ અઠવાડિયા પછી જુદાં જુદાં અંગો પર દેખાતી આ આડઅસર 'સીરમ સિક્નેસ' તરીકે ઓળખાય છે. જો કે આજકાલ સીરમના ઇંજેક્શનને બદલે પેનિસિલીન, સ્ટ્રેપ્ટોમાઇસીન અને સલ્ફા જેવી જીવાણુંવિરાધી દવાઓની એલર્જીને લીધે સીરમ સિકનેસના મોટા ભાગના કેસો થાય છે. કેમ કે 'સીરમ' વપરાશ એક બે જીવલેણ રોગો પૂરતી મર્યાદિત થઇ છે અને એની સામે આ જીવાણુંવિરોધી દવાઓનો બેફામ ઉપયોગ થાય છે. ક્યારેક માથાના દુખાવાની ગોળી તરીકે ઓળખાતી 'એસ્પિરિન' નામની દવાની એલર્જીને કારણે પણ સીરમ સિકનેસ થઇ શકે છે.
સીરમ સિકનેસના એક ભાગ રૂપે કિડનીને નુકસાન થાય છે એ સિવાય પણ ઘણી બધી દવાઓની એલર્જીથી માત્ર કિડનીને જ વધુ પડતું નુકશાન થાય છે. આવી દવાઓમાં પેનિસિલીન અને સલ્ફા જેવી જીવાણુવિરોધી દવાઓ, ગાઉટ નામના રોગમાં વપરાતી 'અલ્લોપ્યૂરીનોલ' નામની દવા, હાઇબ્લડપ્રેશર માટે વપરાતી કેપ્ટોપ્રીલ (એસીટેન) અને થાયાઝાઇડ ડાઇયૂરેટિક જેવી દવાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, હેરોઇન જેવી નશીલી દવાઓને રવાડે ચડી ગયેલ ગુમરાહોમાં પણ લાંબે ગાળે કિડનીને નુકશાન થતું જોવા મળે છે. દવા તરીકે વપરાતી સોનાની ગોળીઓનું સેવન પણ કિડનીની બીમારી નોંતરી શકે છે.
ક્યારેક અમુક દર્દીઓને કોઇક ચોક્ક દવાની એલર્જી હોય તો એ દવા લીધા પછી, આખા શરીરે ચામડીની નીચે નાના નાના લોહીના ટશિયા ફૂટે છે. આવા દર્દીની ચામડીને જોરથી ઘસવામાં આવે કે સામાન્ય મૂઢ માર મારવામાં આવે તો પણ ચામડી નીચે લોહી જામી જઇને કાળો ડાઘ પડી જાય છે. અને ક્યારેક નસકોરી વાટે કે ક્યારેક લોહીની ઉલટી કે લોહીવાળા ઝાડા પેશાબના સ્વરૂપે રક્તસ્રાવ થાય છે
દવાને કારણે રક્તસ્રાવ થવાનાં ઘણાં બધાં કારણો હોઇ શકે. શરીરમાં રક્તસ્રાવને અટકાવવાનું કામ શ્વેતસૈનિકોના પિતરાઇ ભાઇઓ જેવાં ત્રાકકણો ત્યાં ફાયર બિ્રગેડની જેમ પહોંચી જઇને, જેમાંથી લોહી વહેતું હોઇ એ રક્તવાહિની પર દટ્ટો મારી દઇને રક્તસ્રાવ અટકાવે છે. ઘણી બધી દવાઓ આ ત્રાકકણને નુકસાન કરીને એની કામગીરી અવરોધે છે.
કેટલીક દવાઓ ત્રાકકણ જ્યાં ઉત્પન્ન થાય છે એ અસ્થિમજ્જા પર જ સીધી કે આડકતરી અસર કરે છે, જેથી લોહીમાં આવતાં ત્રાકકણોની સંખ્યા ઘટી જાય છે અને લોહી વહેતું અટકાવવાની કામગીરી ખોરવાઇ જાય છે. આવી અસ્થિમજ્જા પર આડઅસર કરતી દવાઓને કારણે ત્રાકકણ ઉપરાંત, અસ્થિમજ્જામાંથી જ બનતાં એના પિતરાઇઓ શ્વેતકણ અને રક્તકણ પર પણ વિપરીત અસર થાય છે, જેને કારણે રક્તસ્રાવ ઉપરાંત પાંડુરોગ થાય છે અને શ્વેતસૈનિકોનું ઉત્પાદન બંધ થઇ જવાથી ઇમ્યૂનિટી (રોગપ્રતિકારક શક્તિ) ઘટી જાય છે અને શરીર સહેલાઇથી દુશ્મન જંતુઓનો શિકાર બની જાય છે. ટાઇફોઇડમાં વપરાતી ક્લોરેમ્ફેનીકોલ નામની દવાની એલર્જીને કારણે પણ અસ્થિમજ્જા પર આવી જીવલેણ આડઅસર થઇ શકે છે.
આ ઉપરાંત, અમુક દવાઓની એલર્જીને કારણે શરીરમાં હરતાં-ફરતાં તંદુરસ્ત ત્રાકકણો બે આખલાની લડાઇમાં નુકશાન પામતાં ઝાડની જેમ નુકશાન પામે છે. સલ્ફા જૂથની દવાઓ, મલેરિયા માટે વપરાતી ક્વીનીન જૂથની દવાઓ, બ્લડપ્રેશર માટે વપરાતી એમ-ડોપા; અને અમુક પ્રકારની વાઇ માટે વપરાતી કાર્બામાઝેપીન જેવી દવાઓની એલર્જીને કારણે ત્રાકકણનો ખૂરદો બોલી જાય છે. આ ઉપરાંત, એસ્પિરિન અને પેરાસિટામોલ જેવી દર્દશામક દવાઓ, થાયાઝાઇડ જૂથની દવાઓ અને કીટકનાશક દવાઓ પણ એલજીને લીધે ત્રાકકણ પર આડઅસર કરે છે એવી શંકા ઊભી થયેલી છે.
આમ, જુદી જુદી અનેક દવાઓ લોહીને વહેતું અટકાવવા માટે અત્યંત જરૂરી એવા ત્રાકકણનો જાણ્યે અજાણ્યે ખુરદો બોલાવી દે છે અને એટલે જ અમુક દવાઓ લેતાં દર્દીને અચાનક નસકોરી ફૂટે છે કે આખા શરીરે નાના નાના લોહીના ટશિયા ફૂટે છે.
લોહીમાં ફરતાં ત્રાકકણને જે રીતે દવા અને એની સામે ઊભા થયેલ એન્ટિબોડીની લડાઇ નુકશાન પહોંચાડે છે એ જ રીતે લોહીના મુખ્ય ઘટક એવાં રક્તકણને પણ નુકસાન પહોંચી શકે છે. અને ત્રાકકણની જેમ રક્તકણ પણ આવી એલર્જીને લીધે ટપોટપ નાશ પામવા માંડે છે. જ્યારે રક્તકણની સંખ્યા ગણનાપાત્ર પ્રમાણમાં ઘટી જાય ત્યારે લોહી ફીક્કું પડી જાય છે, જે પાંડુરોગ અથવા એનેમિયા તરીકે ઓળખાય છે.
રક્તકણને ત્રણ જુદી જુદી પદ્ધતિથી ડ્રગ એલર્જી નુકસાન કરી શકે છે. એક તો આપણે પેનિસિલીનની વાત વખતે જોઇ ગયા તેમ પેનિસિલીનના ટુકડાઓ રક્તકણ પર સવાર થઇ જાય છે અને પેનિસિલીનને મારવા માટે બનેલ એન્ટિબોડી પેનિસિલીનની સાથે રક્તકણને પણ ખલાસ કરી નાંખે છે. બીજું, કેટલીક દવાઓ, ખાસ તો બ્લડપ્રેશરના નિયંત્રણ માટે વપરાતી એમ-ડોપા નામની દવા શરીરમાં પ્રવેશીને રક્તકણના એન્ટિજનમાં એવો ફેરફાર કરી નાંખે છે કે આપણાં શ્વેતસૈનિકો આવા રક્તકણને 'પોતીકું' ગણી નથી શક્તાં. અને પરિણામે શરીરના પોતાના જ રક્તકણ સામે, એને પરદેશી ગણીને મોરચો મંડાય છે અને રક્તકણ ખતમ થઇ જાય છે! ત્રીજુ, મોટા ભાગની દવાઓ ત્રાકકણને નુકશાન કરે છે એ જ રીતે રક્તકણને નુકશાન કરી શકે છે. એટલે કે શરીરમાં ફરતી દવા સામે એન્ટિબોડી બને અને દવા એન્ટિબોડી સંકુલ લડતાં લડતાં રક્તકણ પર આવી ચડે અને પછી ભીષણ યુદ્ધમાં બિચારા રક્તકણોનો ખુરદો બોલી જાય !
આમ દવાઓની એલર્જીને કારણે મામૂલી ખંજવાળથી માંડીને જીવલેણ એનાફાયલેક્ષીસ સુધી જાતજાતની અનેક તકલીફો થઇ શકે છે. વળી એલર્જીથી થતાં નુકશાનને દવાના ડોઝ સાથે ઝાઝી નિંસબત નથી હોતી. એટલે દવાનો ડોઝ ઓછો કરીને પણ જો ચાલુ રાખવામાં આવે તો એટલું જ નુકસાન થાય છે, જેટલું પ્રમાણસરના કે વધારે ડોઝથી મળતું હતું. એટલે જ્યારે પણ દવાની એલર્જીની શંકા હોય અને એમાં અગત્યના અવયવો સંડોવાયા હોય તો તાત્કાલિક જે દવાની સામે શંકા હોય એ દવા બંધ કરી દેવી જોઇએ. એલર્જીનાં મોટા ભાગનાં લક્ષણો દવા બંધ કર્યા પછી થોડા સમયમાં સારા થઇ જાય છે અને કાયમી નુકસાનમાંથી બચી શકાય છે.
જો એકવાર નક્કી થઇ ગયું કે અમુક દવા સામે અલર્જી છે તો એ દવાનું નામ ડોક્ટર પાસે લખાવી દો અને જ્યારે જ્યારે એ અથવા એને ઇમ્યૂનોલોજિક્લી મળતી આવતી દવાઓ લેવાનું ટાળો. ડોક્ટર બદલો ત્યારે ખાસ, પોતાને એલર્જી કરતી દવાઓનું લિસ્ટ સૌથી પહેલાં ડોક્ટરને બતાવી દો.
દરેક માણસને દવાથી એલર્જી નથી થતી, અરે સોમાંથી માંડ પાંચ-દશ જણને જ એલર્જી થઇ શકે છે. એટલે દવા લેવાથી ગભરાવું નહીં. દવાનો કોર્સ હંમેશા પૂરો કરો અને એલર્જી કે અન્ય કોઇ તકલીફ જણાય તો જાતે દવા બંધ કરી દેવાને બદલે ડોક્ટર સાથે ચર્ચા કરી અન્ય રસ્તાઓ અંગે જાણો. ટૂંકમાં, દવાઓથી ડરવાની કોઇ જરૂર નથી. માત્ર દવા લો અને કંઇ તકલીફ ઊભી થાય તો એ પાછળ રોગને બદલે દવા પણ કારણભૂત હોઇ શકે એટલો ખ્યાલ રાખવો જરૂરી છે, જેથી એક દવાનું રિએક્શન બંધ કરવા બીજી અને બીજીનું બંધ કરવા ત્રીજી દવા લેવાનું વિષચક્ર ચાલુ ન થઇ જાય!
વિજ્ઞાનપ્રવાહનો વિદ્યાર્થી પિન્ટુ હમણાં જ નવોસવો કોલેજમાં દાખલ થયેલો. કોલેજિયન બન્યા પછી નવા મિત્રો સાથે હરવા-ફરવાનું, કોલેજ કે(ન્ટનમાં કે સ્નેક પાર્લરમાં નાસ્તા-પીણાની મહેફીલમાં જવાનું, ધીમે ધીમે વધવા લાગેલું. આમ તો એના મિત્રોમાં એ એકદમ ફેવરિટ હતો. પણ આજકાલ એ પોતાના આખા શરીરે આવતી ખંજવાળ અને જ્યાંને ત્યાં ઊઠી આવતાં ચકમાંઓથી પરેશાન થઇ ગયેલો. ગમે ત્યારે ઊઠી આવતી ખંજવાળને કારણે હવે એના મિત્રો પણ ક્યારેક એની મશ્કરી કરવા માંડેલા. આને લીધે ધીમે ધીમે એનું મિત્રો સાથે મળવાનું, હરવા-ફરવાનું, ખાવા-પીવાનું ઓછુ થવા લાગ્યું. છતાં એને મનમાં મૂંઝવણ તો થયા જ કરતી હતી કે આ ખંજવાળ આવવાનું કારણ શું?
એના સદભાગ્યે મિત્રો સાથે હરવા-ફરવાનું ઓછુ કરી નાંખ્યા પછી થોડા દિવસમાં ખંજવાળ ચકામાઓ આપોઆપ બેસી ગયા. ફરી એ પોતાના અસલ મૂડમાં આવી ગયો અને મિત્રો સાથે પહેલાની જેમ જ હરવા-ફરવા, ખાવા-પીવા લાગ્યો અને થોડા જ દિવસમાં ફરી પાછી ખંજવાળ અને ચકામાએ દેખા દીધી. આ બધુ ચાલતું હતું ત્યાં જ એને પોતાના દોસ્ત કલ્પેશના લગ્ન નિમિત્તે બહારગામ જવાનું થયું. બહારગામ ગયા પછી બે એક દિવસમાં ખંજવાળ-ચકામાં અદ્રશ્ય થઇ ગયાં. પિન્ટુ પૂરજોશમાં લગ્નની તૈયારીઓ અને જલસાઓમાં જોડાઇ ગયો. ત્યાં બહારગામથી આવેલાં મહેમાનો માટે ગામમાં ખૂબ વખણાતી ડબલ આમલેટ મંગાવવામાં આવી. બધાને આગ્રહ કરીને ખવડાવી અને પિન્ટુએ પણ બે-ત્રણ ટુકડા ખાવા પડ્યા. (ઘરે તો માંસાહાર બિલકુલ વજ્ર્ય જ હતો.) એના આષ્ચર્ય વચ્ચે આમલેટ ખાદ્યા પછી એક બે કલાકમાં જ સખત ખંજવાળ અને ચકામાં પડવા શરૂ થઇ ગયા. આ ઉપરાંત પેટનો દુ:ખાવો, ઝાડા અને શ્વાસમાં પણ થોડી ગૂંગળામણ થતી હોય એવું લાગ્યું. ખંજવાળ અને ચકામા તો હવે રોજના થઇ પડેલાં પણ શ્વાસની ગૂંગળામણથી પિન્ટુ અકળાઇ ગયો અને લગ્નમાં આવેલા કલ્પેશના ડોક્ટર મામાને કોઇ દવા લખી આપવાનું કહ્યું. ડોક્ટરે એને જોઇને તરત કહ્યું કે તને તો કોઇ વસ્તુની એલર્જી છે. અત્યારે તો તને શ્વાસ અને ખંજવાળમાં રાહત થાય એવી દવા આપું છું પણ આ એલર્જી શેને કારણે થાય છે એ તારે જ શોધવું જ પડશે. આપણે જાણીએ છીએ કે એલર્જી એટલે કોઇ વસ્તુ (એન્ટિજન) સામે અતિસંવેદનશીલ રોગપ્રતિકારક તંત્રનું રિએક્શન. શ્વાસમાં આવતાં પદાર્થો સામે એલર્જી હોય તો જાતજાતના રિએક્શન આવી શકે છે. જે પદાર્થની એલર્જી હોય એ પદાર્થ જો શુદ્ધ સ્વરૂપે જ ખાવામાં આવી જાય તો મોંથી માંડીને અન્નમાર્ગના ઘણાં ભાગો સુધી સોજો આવી જાય છે. હોઠ અને જીભ પણ સૂજી જાય છે. તાળવા પર સતત ખંજવાળ આવવી એ પણ એલર્જીનું લક્ષણ છે. આ સિવાય પેટનો સખત દુખાવો-ચૂંક, જીવ ડહોળાવો, ઝાડા-ઉલટી વગેરે અનેક રીતે એલર્જી કરતાં પદાર્થ સામે રિએક્શન આવી શકે છે.
કેટલીક વાર પેટને લગતાં લક્ષણોને બદલે, પિન્ટુના કિસ્સામાં થયું એમ, ચામડી પર કે શ્વસનમાર્ગમાં પણ એલર્જીનું રિએક્શન દેખાય છે. ચામડી પર ખંજવાળ, ચકામાંઓ ઉપરાંત સોજો કે નાની ફોડકીઓ ઊઠી આવવાનું પણ બનતું હોય છે. એ જ રીતે શ્વાસમાં ગૂંગળામણ થવા ઉપરાંત શરદી-છીંક-ખાંસી, છાતીનો દુ:ખાવો વગેરે અનેક રીતે એલર્જીનું રિએક્શન આવી શકે. ક્યારેક ખોરાકી ચીજવસ્તુની એલર્જીને કારણે આધાશીશીનો હુમલો પણ આવી શકે. આમ, ખાદ્ય પદાર્થોની એલર્જી જુદા જુદા એટલા ચિત્રવિચિત્ર સ્વરૂપે આવે છે કે એનું નિદાન કરવામાં પણ તકલીફ પડે છે વળી, આ બધા લક્ષણો એ ખાદ્ય પદાર્થ સામેની એલર્જીને કારણે છે કે ખાદ્ય પદાર્થમાં રહેલા કોઇ ઝેરી તત્વને કારણે છે, એ શોધવામાં પણ મુશ્કેલી નડતી હોય છે. જો ખાવામાં કોઇ ઝેરી વસ્તુ આવી ગઇ હોય તો પણ પેટમાં દુ:ખવું, ઝાડા-ઉલટી વગેરે અનેક લક્ષણો આવે છે, જે એલર્જીમાં પણ આવી શકે, પર.તુ એક જ પ્રકારનો ખોરાક જેટલી વાર ખાવામાં આવે એટલી વાર જો રિએક્શન આવતું હોય તો અમુક ચોક્કસ ખાદ્ય પદાર્થ સામે એલર્જી હોવાનું નિદાન થઇ શકે છે.
સામાન્ય રીતે આપણે જે ખોરાક ખાઇએ છીએ એ ખોરાકનું જઠર અને આંતરડામાં બરાબર પાચન થાય છે. અને ખોરાકનું તેના ઘટકોમાં વિભાજન થાય છે. એટલે ઘઉંની રોટલી ખાધા પછી રોટલીના નાના નાના ટુકડાઓ પર પાચકરસો જાતજાતની પ્રક્રિયાઓ કરીને એમાં રહેલાં પ્રોટીનને તોડી તોડીને સૌથી નાના ઘટક એમીનો એસિડના સ્વરૂપમાં લાવી દે છે. આ રીતે સંપૂર્ણ પાચન થઇ ગયા પછી જે રીતે તે ઘટક આંતરડામાંથી લોહીમાં ભળી જાય છે, અને શરીરને તાકાત અને પ્રોટીન આપવા માટે ઉપયોગી બને છે. કેટલીક વાર ખોરાકનું છેક નાના ઘટક સુધી પાચન થાય એ પહેલાં જ એનો થોડો ભાગ આંતરડામાંથી લોહીમાં ઘૂસી જાય તો આ ટુકડાને શરીરરક્ષક દળ પરદેશી ઘૂસણખોર જ સમજી લેશે અને એટલે એનાં એન્ટિજન સામે એન્ટિબોડીના સ્વરૂપમાં શસ્ત્રો છેડાશે. જો ખોરાકનું સૌથી નાના ઘટકમાં પાચન થાય તો પછી આવો પ્રશ્ન ઉભો જ ન થાય, કારણકે પંચમહાભૂતમાંથી બનેલ અને ખોરાકના છેવટના ઘટકોમાં કોઇ ફરક હોતા જ નથી. એટલે કે શરીરની અંદર માંસપેટીઓ તૂટવાથી બનતા એમીનો એસિડ અને ખોરાકમાં લીધેલ એમીનો એસિડને શરીરરક્ષક દળ અલગ અલગ ઓળખી જ નથી શક્તું પણ જ્યારે અધકચરા પચેલા ખોરાકી પ્રોટીનના ટુકડાઓ લોહીમાં પ્રવેશે ત્યારે એમીનો એસિડની ભિન્ન ગોઠવણીને કારણે શરીરના પ્રોટીન કરતાં એ અલગ ઓળખાઇ જાય છે અને શરીરરક્ષક દળનું નિશાન બની જાય છે. એક તંદુરસ્ત માણસનું આંતરડું આખી જીંદગીમાં આશરે સો ટન જેટલો ખોરાક પચાવે છે. આમાંથી બહુ ઓછા પ્રમાણમાં પ્રોટીન ટુકડાઓ લોહીમાં પ્રવેશે છે. જ્યારે ઝાડા થવાથી આંતરડામાં સોજો આવી ગયો હોય ત્યારે ખોરાક આપવામાં આવે તો ખોરાકના સૌથી નાના ઘટકોને બદલે આવાં થોડા મોટા ટુકડાઓ લોહીમાં વધુ પ્રમાણમાં ઘૂસી જાય છે અને પરિણામે શરીર એ ખોરાકી પ્રોટીન સામે વધુ એન્ટિબોડી બનાવે છે. આપણે જાણીએ છીએ કે શરીરરક્ષક દળ કુલ પાંચ જાતના એન્ટિબોડી બનાવે છે. આમાંથી દુશ્મન સામે લડવા માટે લોહીમાં IgM અને IgG પ્રકારના એન્ટબોડી અને શરીરના વિવિધ સ્રાવોમાં IgA પ્રકારના એન્ટિબોડી મુખ્ય કામગીરી બજાવે છે. IgA એન્ટિબોડી લાળ, આસું, નાકના સ્રાવ, દુધ વગેરે સ્રાવમાં હોય છે. એટલે જ્યારે કોઇ દુશ્મન અન્નમાર્ગમાં પહોંચે ત્યારે ત્યાંથી એ લોહી સુધી પહોંચે એ પહેલાં જ IgA એન્ટિબોડી એ દુશ્મનને ઝડપી લે છે. એની સાથે જોડાઇને દુશ્મનને લોહીમાં પ્રવેશતું અટકાવે છે. આ કારણસર જ લાંબા સમય સુધી માતાનું દૂધ (અને એટલે એમના IgA એન્ટિબોડી) પીતા બાળકને જલદી એલર્જી નથી થતી. જે લોકોમાં IgA એન્ટિબોડીનું પ્રમાણ ઓછું હોય અને એને બદલે એલર્જી માટે જવાબદાર IgE એન્ટિબોડીનું વધારે હોય એમને એલર્જી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આ સિવાય એલર્જી કરવા માટે આનુવંશિક પરિબળો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એલર્જી થતી હોય એવાં માણસના જનીનમાં અમુક એવા ફેરફારો થતાં હોય છે કે જેને કારણે એ માણસના શ્વેત-અફસરો (લિમ્ફોસાઇટ) બિનજરૂરી લડાઇને અટકાવી નથી શક્તાં. પરિણામે બે આખલાંની લડાઇમાં શરીરના અન્ય નિર્દોષ કોષો (ઝાડ)નો ખુરદો બોલી જાય છે. આમ એલર્જી થવા માટે (૧) જનીન દ્રવ્ય (૨) IgA એન્ટિબોડીનું ઓછુ પ્રમાણ અને (૩) આંતરડામાંથી લોહીમાં શોષાતા પ્રોટીન દ્રવ્યમાં વધારો જવાબદાર હોય છે. વધુ પ્રમાણમાં લોહીમાં પહોંચી ગયેલ ખોરાકી પ્રોટીન એન્ટિજન સામે IgE એન્ટિબોડી યુદ્ધ કરે છે. અને આ યુદ્ધ પર શરીરરક્ષક દળનો કાબૂ ન રહેતાં એની વિપરીત અસરો અન્નમાર્ગ, ચામડી કે શ્વસનમાર્ગ પર એલર્જીક રિએક્શનના સ્વરૂપે જોવા મળે છે.
ખોરાકી એલર્જી કરવા માટે અમુક ચોક્કસ પ્રકારના ખોરાક જ જવાબદાર હોય એવું જોવા મળ્યું છે. બાળકોમાં થતી ખોરાકી એલર્જીમાંથી નેવું ટકા કિસ્સાઓમાં એલર્જી કરવા માટે દૂધ, ઇંડા, કઠોળ, સોયાબીન, ઘઉં કે માછલી જવાબદાર હતાં ઘરે કે સ્કૂલના ભણતર દરમ્યાન ક્યારેય ઇંડાને હાથ પણ ન લગાડનાર પિન્ટુ કોલેજ કંપનીમાં ઇડાંમાંથી બનાવેલ કેક, આઇસ્ક્રીમ વગેરે છૂટથી ખાવા લાગેલો અને બહારગામ ગયો ત્યારે આમલેટ પણ ખાધી. આને કારણે એ જ્યારે જ્યારે મિત્રો સાથે વધુ ફરતો ત્યારે અને આમલેટ ખાધા પછી એને એલર્જીનું રિએક્શન આવવા માંડતું. ઇંડા સિવાય નાના બાળકોમાં ગાયના દુધની એલર્જી ઘણીવાર જોવા મળે છે. ધાવણા બાળકને જ્યારે ધાવણ ઉપરાંત ઉપરનું દૂધ શરૂ કરવામાં આવે ત્યારે જો એને દૂધની એલર્જી હશે તો તરત ઝાડા અને રડવાનું (પેટમાં દુ:ખવાને લીધે) ચાલુ થઇ જશે. આ જ રીતે ઘણાં બાળકોને બિ(સ્કટ કે રોટલી શરૂ કરતી વખતે ઘંઉની એલર્જી દેખાડે છે.
આપણે અહીં માત્ર જે ખોરાકી પદાર્થો સામે રોગપ્રતિકારક તંત્ર લડાઇ શરૂ કરીને રિએક્શન લાવે એવા પદાર્થોની જ વાત કરી છે. કારણકે રોગપ્રતિકારક તંત્ર અને તેના IgE જેવાં એન્ટિબોડી જ્યારે ખોરાકમાંના એન્ટિજન સામે યુદ્ધ કરે છે, ત્યારે જ સાચા અર્થમાં એલર્જી થઇ છે એવું કહી શકાય. ઘણીવાર અમુક બાળકોમાં પાચનશક્તિ ઓછી હોય અને ચોક્કસ પદાર્થ (દા.ત. દૂધમાં રહેલ લેકટોસ)ને પચાવવા માટેના ચોક્કસ ઉત્સેચકની ખામી હોય તો પણ ખાધા પછી ઝાડા-ઉલટી થઇ શકે. પણ એ વખતે આવું રિએક્શન એલર્જી તરીકે નહીં પણ 'અપચા' તરીકે ઓળખાય છે. આ જ રીતે ખોરાકમાં રહેલ કોઇ ચોક્કસ પદાર્થ શરીરના અમુક ભાગો પર દવા જેવી અસર કરતાં હોય છે. દા.ત. ચીઝમાં રહેલ ટાયરેમીન નામનું એમીનો એસિડ જો ખોરાકમાં વધુ પ્રમાણમાં લેવાય તો મગજ પર એની વિપરીત અસર થઇ શકેછે, અને માથું પણ દુખી શકે. આ જ રીતે અમુક માછલીઓ, બિયર વેગેરમાં હીસ્ટામીન નામનું રસાયણ મોટા પ્રમાણમાં હોય છે. આપણે જાણીએ છીએ કે એલર્જીની શરૂઆત થાય ત્યારે એલર્જી કરતાં પદાર્થ અને IgE એન્ટિબોડી ભેગા થવાથી માસ્ટ સેલમાંથી હીસ્ટામીન નીકળે છે, જે એલર્જીના શરૂઆતના રિએક્શન માટે જવાબદાર હોય છે. એટલે જ્યારે એલર્જી જેવા લક્ષણોની શરૂઆત થાય ત્યારે લક્ષણો ખરેખર ખોરાકી એલર્જીને કારણે છે કે ખોરાકમાંના હીસ્ટામીનને કારણે એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.
કેટલીકવાર કોઇ ચોક્કસ ખોરાકને બદલે ખોરાક સાચવવા માટે વપરાતાં પિ્રઝર્વેટિવ્સ કે રંગ-સુગંધ માટે ભેળવાતાં એડિટિવ્સ પણ રિએક્શનનું કારણ થઇ શકે છે. આવું રિએક્શન રોગપ્રતિકારક તંત્ર(એલર્જી)ને કારણે નથી ઉદભવતું પરંતુ જે તે પદાર્થની રાસાયણિક લાક્ષણિકતાઓને કારણે આવે છે. એટલે કેટલાંક લોકોને ખોરાકમાં નાંખેલા પીળા રંગ (ટાર્ટારેઝિન ડાય) સામે રિએક્શન આવે છે. તો વળી અમુક લોકોને 'ચાઇનીઝ' રેસ્ટોરંટમાં ચાઇનીઝ ફ્રૂડ ખાવાથી રિએક્શન આવે છે. આ રિએક્શનનું કારણ ચાઇનીઝ સોસમાં વપરાતું મોનો સોડિયમ ગ્લ્યુટામેટ નામનું રસાયણ છે. આ રિએક્શન ''ચાઇનીઝ રેસ્ટોરંટ સિન્ડ્રોમ'' તરીકે ઓળખાય છે. નાના બાળકોમાં, ખાસ તો ત્રણ વર્ષથી નાનાં ભૂલકાઓમાં, લીંબુ, મોસંબી, કેરી જેવાં ખાટા ફળો ખાધા પછી ઝાડા થવા, ખંજવાળ આવવી, ચકામાં થવા વગેરે તકલીફો શરૂ થઇ જાય છે. આ તકલીફો પણ ઇમ્યૂનિટી (એલર્જી)ના રિએશનને કારણે નથી થતી, પણ એ ફળોમાં રહેલ ચોક્કસ રસાયણને લીધે થાય છે.
આમ અનેક જાતના ખાદ્ય પદાર્થો જાતજાતના રિએક્શન લાવી શકે છે. પણ આમાંથી સાચા અર્થમાં એલર્જીનું રિએક્શન (ખોરાકમાંના એન્ટિજન સામે IgE એન્ટિબોડીની લડાઇ) બહુ ઓછા ખોરાકને લીધે થાય છે. આવાં ખરેખર એલર્જી કરતાં પદાર્થોમાં ગાયનું દૂધ, ઇંડા, માછલી, ઘંઊ, સોયાબીન અને કઠોળનો સમાવેશ થાય છે. કઠોળો પૈકી વટાણા એલર્જી કરવા માટે ઘણીવાર જવાબદાર હોય છે.
કોઇક વસ્તુની એલર્જી છે, એ નક્કી કરવું તો બહુ સહેલું છે, પણ એ 'કોઇક વસ્તુ' શોધી કાઢવાનું કામ અટપટા ગુનેગારને પકડતા ડિટે(ક્ટવ જેવું જ અઘરું છે. એલર્જી થવાનો સમય, પ્રકાર અને એ થતાં પહેલાં ખાધેલ બધા ખોરાકના લિસ્ટનો ઝીણવટપુર્વક અભ્યાસ કરવો પડે છે અને ક્યારેક તો આવો લંબાણપૂર્વક કરેલો અભ્યાસ પણ 'ગુનેગાર' ખોરાક તરફ આંગળી ચીંધી નથી શક્તો. આથી ઉલ્ટું કોઇવાર સામાન્ય આડીઅવળી વાતમાંથી દર્દીને અચાનક ઝબકારો થાય છે કે 'પેલે દિવસે આવો ખોરાક ખાધો પછી જ ઝાડા થયેલાં અને આ જે પણ એવું જ થયું' અમુક વાર અમુક ખોરાક પ્રત્યેનો દર્દીનો પૂર્વગ્રહ આખી તપાસને ઊધાં પાટા પર ચડાવી દે છે. દર્દીએ અનુભવ પરથી એલર્જી કરતી વસ્તુ શોધી કાઢવી હોય તો એક બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. (૧) ખોરાક ખાધા પછી તરત જ એલર્જીના લક્ષણો દેખાય તો એ ખોરાક એલર્જી માટે જવાબદાર હોવાની પૂરેપૂરી શક્યતા છે. સામાન્ય રીતે ખોરાક ખાધા પછી કલાકો કે દિવસો પછી ઉદભવતા લક્ષણોનું કારણ એલર્જી નથી હોતું. (૨) એક જ પ્રકારનો ખોરાક વારંવાર લેવાથી, દર વખતે એલર્જીના લક્ષણો દેખાવાં જરૂરી છે. એક જ ખોરાક એક દિવસ એલર્જી કરે અને બીજે દિવસે ન કરે એવું શક્ય નથી.
જો આ રીતે વિચાર કરવાથી કોઇ ચોક્કસ ખાદ્ય પદાર્થ પર શંકા જાય તો એ પદાર્થ અને એની બધી બનાવટો ખાવાનું એક થી બે અઠવાડિયા સુધી દર્દીએ બંધ કરી દેવું જોઇએ. જ્યારે કોઇ ચોક્કસ ખોરાક પર શંકા ન જતી હોય ત્યારે ડોક્ટર ગાયનું દૂધ, ઇંડા, ઘંઉ, કઠોળ, વટાણા, સોયાબીન, માછલી વગેરેમાંથી કોઇ એક ખોરાકને બે અઠવાડિયા માટે છોડવાની સલાહ આપશે. જે વસ્તુ ખોરાકમાંથી બાકાત રાખી હોય એ જ વસ્તુ સામે જો દર્દીને એલર્જી હોય તો દર્દીને રાહત લાગશે અને ઝાડા, ખંજવાળ કે અન્ય કોઇ પણ લક્ષણો આવતાં હોય તો એ બધા આપોઆપ દૂર થઇ જશે.
આ રીતે ખોરાકમાંથી બાકાત રાખવામાં આવેલ વસ્તુની એલર્જી છે, એ નિ:શંકપણે સાબિત કરવા માટે ડોક્ટરની સલાહથી ફરીથી જે તે ખાદ્ય પદાર્થ શરૂ કરવામાં આવે છે. આ રીતે એલર્જી કરતો પદાર્થ પાછો ખોરાકમાં શરૂ થવાથી જો ખરેખર એ જ પદાર્થ સામે દર્દીને એલર્જી હશે તો અઠવાડિયાની અંદર અંદર એલર્જીના બધા લક્ષણો પાછા આવી જશે. જે ખોરાક બંધ કરવાથી એલર્જી જતી રહે અને ચાલુ કરવાથી એલર્જી શરૂ થઇ જાય એ ખોરાક જ નિ:શંકપણે એલર્જી માટે જવાબદાર સાબિત થઇ જાય છે. પણ ક્યારેક દર્દી અથવા બાળદર્દીના મા-બાપ અમુક ખોરાક પ્રત્યે માનસિક પૂર્વગ્રહ ધરાવતાં હોય તો પૂર્વગ્રહને કારણે પણ એલર્જી જેવાં લક્ષણો દેખાઇ શકે. જ્યારે આવી શક્યતાઓ હોય ત્યારે દર્દી ઓળખી ન શકે એવા સ્વરૂપમાં-બીજા ખોરાક સાથે ભેળવીને કે કેપ્સ્યૂલમાં પેક કરીને જે તે ખોરાક આપવામાં આવે છે, જેથી પૂર્વગ્રહને કારણે કોઇ રિએક્શન આવવાની શક્યતા નિવારી શકાય છે. જો દર્દી આ રીતે ટ્રાયલ પુરતો પણ અમુક ખોરાક છોડવા તૈયાર ન હોય અથવા એટલો સમય બગાડવા ન માંગતો હોય તો એની ચામડી પર ઇન્જેક્શન મૂકીને પણ એલર્જીની જાણકારી મેળવી શકાય છે. જે ખોરાકનો ટેસ્ટ કરવો હોય એ શુદ્ધ સ્વરૂપમાં મેળવી એના એન્ટિજન (ઓળખપત્ર) છૂટા પાડવામાં આવે છે. આ એન્ટિજન ચામડીમાં ઇન્જેક્શન વાટે દાખલ કરવામાં આવે છે. જો લોહીમાં એ એન્ટિજન સામે એલર્જી કરવા માટે જવાબદાર IgE એન્ટિબોડી હાજર હશે તો ઇન્જેક્શનની જગ્યાએ સોજો આવી જશે. આમ જુદા જુદા અનેક ખોરાક સામે એલર્જીનો ટેસ્ટ થઇ શકે છે. આ ટેસ્ટની મર્યાદા એ છે કે જેટલી વસ્તુ સામે આ ટેસ્ટ પોઝિટિવ આવે એ દરેક સામે ખરેખર એલર્જી હોવી જરૂરી નથી. દા.ત. કોઇ દર્દી પર આ ટેસ્ટ કરતી વખતે દૂધ, ઇંડા અને ઘંઉ માટે ટેસ્ટ પોઝિટિવ આવ્યો. પણ હકીકતમાં માત્ર દુધ સામે જ ગણનાપાત્ર એલર્જી હોય એવું શક્ય છે. હા, જે પદાર્થો સામે ટેસ્ટ નેગેટિવ આવે, ચામડીમાં ઇન્જેક્શન આપવા છતાં સોજો ન આવે એ પદાર્થો સામે એ માણસને એલર્જી નથી એવું ખાત્રીપુર્વક કહી શકાય ખરું.
આ ઉપરાંત એલર્જીના નિદાન માટે દર્દીના લોહી પર રેડિયો એલર્જાે સોર્બન્ટ ટેસ્ટ (RAST) નામની એક તપાસ કરવામાં આવે છે, જે ચોક્કસ પદાર્થ (એન્ટિજન) સામેના લોહીમાં ફરતાં IgE એન્ટિબોડી શોધી કાઢે છે. આ ટેસ્ટનો ફાયદો એટલો જ છે કે દર્દી ઘણાં બધા ટેસ્ટ ઇન્જેક્શન લેવામાંથી અને ક્યારેક ભાગ્યે જ આવા ઇન્જેક્શનને કારણે ઉદ્્ભવતા એલર્જીના ખતરનાક હુમલામાંથી બચી જાય છે. ખોરાકી એલર્જી સિવાય અન્ય એલર્જીઓ (શરદી, અસ્થમા વગેરે)માં પણ આવા જ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે.
બીજી કોઇ પણ એલર્જીની જેમ ખોરાકી એલર્જીમાંથી સારા થવાનો એક જ ચોક્કસ રસ્તો છે. એલર્જી કરતાં પદાર્થથી દૂર રહેવું. જેવું નક્કી થાય કે અમુક પદાર્થ એલર્જી કરે છે કે તરત એને ખોરાકમાંથી બાકાત કરી નાંખવો જોઇએ. જો દૂધ, ઘંઉ, ઇંડા જેવી પોષણની દ્રષ્ટિએ મહત્ત્વની વસ્તુ બાકાત કરવી પડે તો એ સિવાયના ખોરાકમાંથી પૂરતું પોષણ મળી રહે એનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ. વરસ, બે વરસ પછી એલર્જી કરતાં ખાદ્ય પદાર્થને ફરીથી ખોરાકમાં દાખલ કરીને એલર્જી છે કે નહીં એ જોઇ લેવું જોઇએ. ઘણાં લોકો, ખાસ તો બાળકોમાં, સમય જતાં ખોરાકી એલર્જી અદ્રશ્ય થઇ જાય એવું બને છે.
એલર્જી કરતાં ખાદ્ય પદાર્થના ત્યાગ સિવાય બીજી કોઇ દવા કે ઇમ્યૂનોથેરપી ખોરાકી એલર્જી સારી કરવામાં ઉપયોગી થઇ શક્તી નથી. એટલે કોઇ દવા કે થેરપીથી એલર્જી સારી થઇ જશે એવા ભ્રમમાં રહેવાને બદલે એલર્જી કરતાં પદાર્થને નવ ગજના નમસ્કાર કરી દેવામાં જ શાણપણ રહેલું છે.
ખરજવાનું નામ સાંભળીને ખજવાળ આવવા લાગી ને? આમ જોવા જઇએ તો ખરજવું એ કંઇ રોગ નથી. એ તો ઘણા બધા રોગોનું એક બાહ્ય લક્ષણ છે. જે રીતે મલેરિયા, ન્યૂમોનિયા ગમે તે કારણે તાવ આવી શકે એ જ રીતે જુદા જુદા અનેક કારણોસર ખરજવું થઇ શકે. ખરજવાના કારણે ચામડી પર નાની નાની ફોલ્લીઓથી માંડીને કાળો મોટો ડાઘ પડી જવા સુધીના ફેરફારો જોવા મળે છે. ખરજવું કરવા માટે જવાબદાર રોગો એટલા બધા હઠીલા હોય છે કે એક વાર ખરજવું થયું એટલે માણસને સામાન્ય રીતે એની સાથે દશ-પંદર વર્ષ અને ક્યારેક આખી જીંદગી પનારો પાડવાનો વારો આવે છે. એક અભ્યાસ પ્રમાણે ચામડીના નિષ્ણાંત ડોક્ટર પાસે દર ત્રણ-ચાર દર્દીએ એક દર્દી ખરજવાનો આવે છે!
જ્યારે પણ ચામડીને લાંબા સમય સુધી નુકસાન થાય ત્યારે ખરજવાની શરૂઆત થાય છે. ઘણીવાર અમુક પ્રકારના તીવ્ર, ચામડીને નુકશાનકારક રસાયણો લાંબા સમય સુધી અથવા વારંવાર ચામડીના સંપર્કમાં આવે ત્યારે કોઇ પણ માણસની ચામડી આળી થઇ જાય અને છેવટે ખરજવાનું સ્વરૂપ પકડી શકે છે. આ જ રીતે ચામડી પર ઘર કરી ગયેલા કેટલાંક ચેપી બેક્ટેરિયા અને ફૂગોને કારણે પણ ખરજવું થઇ શકે છે. ચામડીને સીધું નુકશાન કરી ખરજવું કરતાં આ રોગો ઉપરાંત કેટલાંક અવાં રોગો છે, જેમાં શરીરનું ઇમ્યૂન (રોગપ્રતિકારક) તંત્ર ચામડીને નુકશાન પહોંચાડે છે. અતિ સંવેદનશીલ ઇમ્યૂનતંત્રની આવી નુકસાનકારક કામગીરી એલર્જીક ખરજવાનું બીજ રોપે છે. જુદા જુદા અનેક પ્રકારની એલર્જી ચામડીને નુકશાન કરવામાં ફાળો આપી શકે છે. એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, ફોટો એલર્જીક ડર્મેટાઇટિસ અને એટોપિક ડર્મેટાઇટિસ : આ ત્રણ પ્રમાણમાં સ્પષ્ટ રીતે ઓળખાયેલા એલર્જીના પ્રકારો છે. આ ઉપરાંત પણ ખરજવાના અનેક પ્રકારોમાં એલર્જીનો નાનો મોટો ફાળો હોય છે. પણ એ તમામ સ્વરૂપો હજી સ્પષ્ટપણે ઓળખી શકાયા નથી. એટલે અત્યારે આપણી ચર્ચા આપણે આ ત્રણ એલર્જીક ખરજવાના કારણો પૂરતી મર્યાદિત રાખીશું. ટૂંકમાં, ખરજવું ચામડીના સીધા નુકશાન, એલર્જીક પ્રતિક્રિયા અથવા વણઓળખાયેલ અનેક પરિબળોમાંથી કોઇ પણ કારણે થઇ શકે છે. આપણે માત્ર એલર્જીક કારણોની ચર્ચા કરીએ છીએ.
યાદ છે ને, કોઇ પણ શબ્દની પાછળ આઇટિસ લાગે એટલે તે અવયવનું 'ઇન્ફ્લેમેશન' થયું છે એવું સુચવે. ડર્મેટાઇટિસ એટલે ચામડીનું 'ઇન્ફ્લેમેશન' અર્થાત્ લાલચોળ, ગરમ, સુજેલ, દુખતી ચામડી. ખરજવા માટે આમ તો અંગ્રેજી શબ્દ એકઝીમા (Eczema) વપરાય છે પણ ક્યારેક 'ડર્મેટાઇટિસ' શબ્દ પણ ખરજવાને બદલે વપરાય છે. આપણે પણ ડર્મેટાઇટિસ અને ખરજવું એકબીજા માટે વાપરીશું.
એલર્જિક કોન્ટેક્ટ (સ્પર્શ) ડર્મેટાઇટિસમાં દર્દીને અમુક વસ્તુને સ્પર્શ કર્યા પછી એટલા ભાગમાં ખરજવું થાય છે. સામાન્ય રીતે એક વસ્તુને પહેલી વાર અડ્યા પછી આશરે છ થી પચ્ચીસ દિવસ પછી માણસની ચામડીમાં જે તે વસ્તુ સામે સ્પર્શ એલર્જીની શરૂઆત થાય છે. આ પછી એની એ વસ્તુ બીજીવાર જો ચામડીને અડે તો ખરેખરૂ ચામડીને નુકશાન શરૂ થાય છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે અત્યાર સુધી આપણે જોઇ ગયા એ બધી એલર્જીમાં જુદાં જુદાં પ્રકારના એન્ટિબોડી એલર્જી માટે કારણભૂત હતાં, જ્યારે આ સ્પર્શ એલર્જીમાં તો શ્વેતસૈન્યમાં મોટા અફસર-ટી લિમ્ફોસાઇટ જ સીધા સંડોવાયેલા હોય છે.
ચામડી પર લાગેલ પદાર્થના ખૂબ નાના નાના રજકણો ચામડીના છિદ્રો વાટે અંદર જાય છે અને ત્યાં રહેલાં પોલીસ મેક્રોફેઝના હાથે પકડાઇ જાય છે. મેક્રોફેઝ આ રજકણને ટી-લિમ્ફોસાઇટ સમક્ષ રજૂ કરે છે અને ટી-લિમ્ફોસાઇટ છ થી પચાસ દિવસમાં આ પદાર્થના રજકણો સામે કઇ રીતે જંગ છેડવો એની તાલીમ મેળવી લે છે. એટલે જ્યારે બીજી વખત એનો એ પદાર્થ ચામડી પર લાગે ત્યારે એકાદ-બે દિવસમાં જ ટી-લિમ્ફોસાઇટ આ નિર્દોષ પદાર્થ સામે યુદ્ધનું એલાન કરી દે છે અને પરિણામે એ એલર્જી કરતાં પદાર્થને તો કંઇ નુકશાન નથી થતું પણ ચામડીએ ખાસ્સું નુકશાન વેઠવું પડે છે.
ઘણાં લોકોને હાથની આંગળીઓ પર સ્પર્શ ખરજવું થાય છે એનું કારણ વ્યવસાયમાં કે અન્ય કોઇ પરિસ્થિતિમાં એલર્જી કરતી વસ્તુને પકડવામાં રહેલું છે. અમુક ધાતુઓ (દા.ત. નિકલ), છોડ, પશુમાંથી બનતી ચીજો, રસાયણો, કીટનાશક દવાઓ, સૌંદર્યપ્રસાધનો, કાપડ વગેરે અનેક વસ્તુઓ સ્પર્શ ખરજવા માટે જવાબદાર છે. કેટલીકવાર હાથને બદલે હોઠ પર લીપસ્ટિકની એલર્જીને કારણે અને કપાળ પર ચાંદલો કરવાના ભાગે બજારમાં મળતાં તૈયાર ચાંદલાને કારણે તો ક્યારેક કાન-નાકમાં બુટ્ટીમાં વપરાતી સુવર્ણના રંગની ધાતુની એલર્જીના કારણે ખરજવું થાય. સોનું અને ચાંદીના ઘરેણાથી એલર્જી નથી થતી. ખોટા ઘરેણાં પહેરવાથી એક-બે દિવસમાં જ તે ચામડી ઉપર પાક અથવા ચકામાં સાથે ખંજવાળ આવવી શરૂ થઇ જાય છે. ક્યારેક વળી ઘડિયાળના પટ્ટા કે વીંટીની એલર્જીથી એના સંપર્કમાં રહેતા ભાગો પર ખરજવું થાય છે. અમુક લોકોને ચંપલના કે સ્લીપરના પટ્ટા અથવા અમુક પ્રકારના. બૂટ પહેરવાથી ખરજવું થયેલું જોવા મળે છે. આમ સ્પર્શ ખરજવું શરીરના ઘણાં ભાગો પર થઇ શકે. પરંતુ ખરજવાની ચોક્કસ જગ્યા (કપાળ, કાન, નાક, કાંડું) અને અમુક વ્યવસાયમાં સંકળાયેલા લોકોમાં શંકાને આધારે તેનું નિદાન સહેલાઇથી થઇ શકે છે.
જો કે ક્યારેક એલર્જી કરતો પદાર્થ શોધી ન શકાતો હોય તો ડિટે(ક્ટવની જેમ ડોક્ટર અને દર્દીએ ભેગા મળીને એ પદાર્થને શોધી કાઢવા મથવું પડે છે. ક્યારેક શંકાના આધારે અમુક વસ્તુઓનો સંપર્ક એક-બે અઠવાડિયા માટે બંધ રાખીને જોવું પડે છે. અથવા ક્યારેક જે વસ્તુથી એલર્જી થવાની શક્યતા લાગતી હોય એ વસ્તુને ચોક્કસ પ્રકારે તૈયાર કરીને જે ભાગમાં ખરજવું ન હોય એ ભાગ પર પટ્ટીની મદદથી એક-બે દિવસ સુધી ચોંટાડવામાં આવે છે. જ્યારે પટ્ટી ખોલવામાં આવે ત્યારે તંસુરસ્ત માણસમાં કોઇ અસર દેખાતી નથી, પણ પહેલાથી એલર્જી હોય એ માણસની ચામડી પર નવા ખરજવાની શરૂઆત થતી હોય એવું દેખાય છે. 'પેચ ટેસ્ટ' તરીકે જાણીતો આ ટેસ્ટ એકદમ સરળ અને ઉપયોગી થાય છે.
બીજી કોઇ પણ એલર્જીની જેમ આ સ્પર્શ એલર્જીમાંથી બચવાનો એક જ ઉપાય છે- એલર્જી કરતી વસ્તુથી દૂર રહેવુ!
એલર્જી માટે એક કહેવત છે કે ''આ સૂર્યની નીચેની સૂર્ય સહિતની કોઇ પણ ચીજ એલર્જી કરી શકે.'' ફોટો એલર્જિક ડર્મેટાઇટિસ એટલે સૂર્ય પ્રકાશને કારણે ચામડીમાં રહેલ એલર્જિક પદાર્થ સામેનું રોગપ્રતિકારક તંત્રનું બંડ! એટલે કે આખા શરીર પર કોઇ પદાર્થ ચોપડવામાં આવ્યો હોય અથવા મોં વાટે લીધેલ કોઇ પદાર્થ (દા.ત. દવા) ચામડી પર એકત્રિત થયો હોય તો તે પદાર્થ કે દવા સામે અંધારામાં શરીરનું રોગપ્રતિકારક તંત્ર કોઇ પ્રતિક્રિયા નહિ આપે, પણ જ્યારે એ પદાર્થ પર સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે ત્યારે એ પદાર્થમાં એવું પરિવર્ત આવી જાય કે જેને કારણે જે પદાર્થ ને અત્યાર સુધી રોગપ્રતિકારક તંત્ર સહન કરી લેતું હતું એ હવે અસહ્ય બની જાય છે અને સ્પર્શ ખરજવાની જેમ જ જેટલાં ભાગ પર પદાર્થ અને સૂર્યપ્રકાશ બંને ભેગા થયા હોય એટલા ભાગ પર જ એલર્જિક ખરજવાની શરૂઆત થઇ જાય છે.
થાયાઝાઇડ અને ફીનોથાયઝીન જૂથની દવાઓ (મોં વાટે લેવાની) તથા ચામડી પર લગાવવાના જાત જાતના મલમ ક્રીમ, સનક્રીન વગેરે આ પ્રકારની ફોટો એલર્જી કરી શકે છે. (સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધે સીધા પણ ચામડીના નુકશાન માટે જવાબદાર હોય છે, જેને કારણે ઉદભવતી સ્થિતિ ફોટો સે(ન્સટિવિટી તરીકે ઓળખાય છે. પણ આ પ્રકારના રિએશનમાં રોગપ્રતિકારક તંત્ર કે એલર્જી ક્યાંક સંડોવાયેલી નથી હોતી.) અન્ય એલર્જીની માફક જ આ ફોટો એલર્જીથી બચવા માટે કાં તો તડકાથી બચવું પડે અથવા તડકાને કારણે બદલાઇ જતાં પદાર્થથી.
એલર્જિક ખરજવામાં સૌથી ઓછું ઓળખાયેલું સ્વરૂપ એટલે એટોપિક ખરજવું. આ ખરજવું જેને થયું હોય તેને પોતાને અથવા તેના મા-બાપને, ભાઇ-બહેનને વગેરેમાંથી કોઇને એલર્જિક શરદી અને એલર્જિક અસ્થમાની બીમારી હોય છે. આપણે આગળ જોઇ ગયા છીએ કે એલર્જિક શરદી અને અસ્થમા બંનેમાં IgE પ્રકારના એન્ટિબોડીનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને એ જ એલર્જીનું રિએક્શન શરૂ કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે.
સામાન્ય રીતે નાનપણમાં જ ચહેરા પર ફોલ્લીઓ સ્વરૂપે શરૂ થતા આ ખરજવામાં એલર્જી કરતો પદાર્થ શોધી શકાતો નથી પણ ક્યારેક ખોરાકી એલર્જી જવાબદાર હોય છે. ચહેરા ઉપરાંત હાથ અને પગ પર, કોણી અને ઘૂંટણના અંદરના ભાગો પર પણ ખરજવું ફેલાય છે. નાનપણથી શરૂ કરીને આખી જીંદગી સુધી રહેતું ખરજવું વ્યક્તિનો સ્વભાવ ચીડિયો કરી નાંખે છે. જ્યારે જ્યારે વ્યક્તિ માનસિક તણાવ અનુભવે ત્યારે ત્યારે ખરજવું વધી જાય એવો અનુભવ એટોપિક અને અન્ય ઘણાં ખરજવાના દર્દીઓને થાય છે.
આ ખરજવાનું ચોક્કસ કારણ મળતું ન હોવાથી એની સારવાર મુશ્કેલ બને છે. ખરજવાવાળા ભાગ પર સુંવાળું સુતરાઉ કપડું પહેરવાથી અને ખંજવાળ ઘટાડવા માટે એન્ટિહીસ્ટામીન દવાઓ લેવાથી થોડી રાહત લાગે છે.
માનસિક ચિકિત્સકની સલાહથી અને યોગ, ધ્યાન વેગેરથી માનસિક તણાવ ઓછો કરવાથી ફાયદો થાય છે. જ્યારે ખરજવું હદ બહાર વકરી જાય ત્યારે 'ઇન્ફ્લેમેશન' ઘટાડવા માટે ન છૂટકે સ્ટીરોઇડ દવાઓ ખરજવાના ભાગે ચોપડવા માટે વાપરવી પડે છે. સ્ટીરોઇડ દવાનો ઉપયોગ બહુ સાવચેતીપૂર્વક કરવો પડે છે. કેમ કે નહીં તો એની આડઅસર હેરાનપરેશાન કરી મૂકે.
આમ જાત જાતની એલર્જી અનેક પ્રકારના ખરજવા કરી શકે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં એલર્જી કરતો પદાર્થ સહેલાઇથી ઓળખી શકાય છે અને એનાથી દૂર રહીને ખરજવાથી બચી શકાય છે.

