પચ્ચીસ વર્ષ જુવાનજોધ ધર્મેશની તબિયત છેલ્લાં અઠવાડિયાથી ખરાબ હતી. રોજ સખત તાવ આવતો, ખાંસી સાથે પીળા ગળફા પડતા હતા અને છાતીમાં થોડો થોડો દુખાવો થતો હતો. શરૂઆતમાં તો તાવ આવ્યો એટલે ફેમિલી ડોક્ટરે મલેરિયાની દવા ચાલુ કરી દીધી પણ ત્રણ-ચાર દિવસ સુધી તાવે જરા પણ મચક ન આપી અને હોસ્પિટલમાં મોટા ડોક્ટર પાસે પહોંચી ગયો. ડોક્ટરે બધી તપાસ કરી એક્સ-રે પાડીને નિદાન કર્યું કે ધર્મેશને ન્યૂમોનિયાની બીમારી છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. તરત ધર્મેશ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. ડોક્ટરે લખેલી બધી દવા એનો મિત્ર લઇ આવ્યો અને સિસ્ટરે નસમાં એક બાટલો ચાલુ કર્યો અને બીજા ઇંજેક્શનનો ચામડી નીચે ટેસ્ટ ડોઝ આપ્યા પછી સિસ્ટર બીજા દર્દીને બાટલો ચાલુ કરવા જતાં હતાં ત્યાં ધર્મેશનો મિત્ર દોડતો સિસ્ટર પાસે આવ્યો. ધર્મેશનો અચાનક શ્વાસ રૂંધાવા લાગેલો, આંખે અંધારાં આવી ગયાં અને જીભ પણ થોથવાવા લાગેલી. અને સિસ્ટર આવ્યા ત્યાં સુધીમાં તે બેભાન થઇ ગયેલો.
સિસ્ટરે તરત ઓક્સિજન ચાલુ કરી દીધો અને ઝડપથી ડોક્ટરને બોલાવી લાવ્યા. ડોક્ટર પણ ધર્મેશની હાલત જોઇ આષ્ચર્યચક્તિ થઇ ગયા. થોડીવાર પહેલાં જે આરામથી વાતચીત કરતો હતો, હરીફરી શક્તો હતો, એની અચાનક આવી હાલત કેમ થઇ ગઇ. ધર્મેશનું બ્લડપ્રેશર એટલું બધુ ઓછું થઇ ગયું કે માપી જ નથી શકાતું. હાથપાસેની નાડીમાં ધબકારા પણ આવતાં બંધ થઇ ગયેલા. ડોક્ટર સમજી ગયા કે આ તો પેનિસિલીન ટેસ્ટ ડોઝનું રિએક્શન છે! તેમણે નસ વાટે ચાલતાં બાટલાની ઝડપ વધારી દીધી અને એડ્રીનાલીન નામની જીવનરક્ષક દવાનું ઇંજેક્શન આપ્યું. કૃત્રિમ શ્વાછોચ્છ્વાસ અને કાર્ડિયેક મસાજ આપીને માંડ માંડ ધર્મેશને લગભગ મૃત હાલતમાંથી બચાવી શકાયો.
ધર્મેશના કેસપેપર પર લખાઇ ગયું ''સો(ન્સટિવ ટુ પેનિસિલીન'' (પેનિસિલીનથી અતિસંવેદનશીલ)
કરોડો લોકોની જિંદગી બચાવનાર એન્ટિબાયોટિક ગ્રુપની આશીર્વાદરૂપ દવા-પેનિસિલીન જીવલેણ રિએક્શન માટે કુખ્યાત છે. સદભાગ્યે, જીવલેણ રિએક્શન બહુ ભાગ્યે જ, લાખેક ઇંજેક્શન લેનારમાંથી માંડ દસેકને જ થાય છે. તે છતાં અમેરિકામાં દર વર્ષે આશરે એકસોથી પાંચસો મૃત્યુ આ પેનિસિલીનના રિએક્શનના કારણે થાય છે. એ જીવલેણ એલર્જીક રિએક્શન તબીબી ભાષામાં 'એનાફાઇલેક્ષીસ' કે 'એકર્જિક શોક' તરીકે ઓળખાય છે.
એનાફાયલેક્ષીસ એ એલર્જીનું સૌથી ભયાનક રૂપ છે, એવું કહી શકાય. એ રિએક્શનમાં એલર્જીનો મૂળભૂત ઘટનાક્રમ તો એકસરખો જ રહે છે. માત્ર એની તીવ્રતા અને વ્યાપકતા વધી જાય છે. બીજા શબ્દોમાં કહીઓ તો નાકમાં એલર્જી કરતી પરાગરજ સામેનું રિએક્શન એલર્જિક શરદીમાં મુખ્યત્વે નાક પૂરતું જ સીમિત રહે છે અને શ્વાસમાં લીધેલ ધૂળની રજકણ સામે અસ્થમાનું રિએક્શન ફેફસા પૂરતું જ મર્યાદિત રહે છે એવું એનાફાયલેક્ષીસમાં તો શરીરના દરેકેદરેક ભાગમાં એક સાથે રિએક્શન થઇ આવે છે.
નાક અને ફેફસાની એલર્જીની જેમ જ એનાફાયલેક્ષીસ પણ બાહ્ય એન્ટિજન સામે IgE પ્રકારના એન્ટિબોડી બનવાથી થાય છે. માસ્ટ સેલ પર લાગેલાં પેનિસિલીન વિરોધી એન્ટિબોડી જ્યારે શરીરમાં પેનિસિલીનને 'જૂએ' છે કે તરત માસ્ટ સેલમાંથી હીસ્ટામીન , બ્રેડીકાઇનીન, પ્રોસ્ટાગ્લેન્ડીન, લ્યૂકોટ્રીન વગેરે અનેક રસાયણોનો મારો શરૂ કરી દે છે. હવે પેનિસિલીન તો નિર્જીવ પદાર્થ છે; એને આ બધાં રસાયણોની કશી અસર નથી થતી પણ મરો તો આજુબાજુના જીવતા શરીરના પોતાના કોષોનો થાય છે! આપણે આગળના પ્રકરણમાં જોઇ ગયા તેમ આ બધાં રસાયણો રક્તવાહિનીઓને પહોળી કરે છે (એટલે જ એલર્જિક શરદીમાં નાક ''બંધ'' થઇ જાય છે) અને શ્વાસનલિકાઓને સંકાચે છે. (એટલે જ અસ્થમામાં શ્વાસોચ્છ્વાસ કરવાની તકલીફ પડે છે.)
જ્યારે એક સાથે શરીરની બધી રક્તવાહિનીઓ પહોળી થઇ જાય ત્યારે બ્લડપ્રેશર એકદમ ઘટી જાય છે. (પાતળા પાઇપની પાછળ જો પહોળો પાઇપ લગાવીને પાણી પહોંચાડવામાં આવે તો જેમ પાણીનું ''પ્રેશર'' ઘટી જાય છે, એ જ રીતે પાતળી રક્તવાહિનીઓ અચાનક પહોળી થઇ જાય તો બ્લડપ્રેશર ઘટી જાય છે.) બ્લડપ્રેશર અચાનક ઘટી જવાથી શરીરના અવયવો સુધી પૂરતું લોહી પહોંચી જ નથી શક્તું. ઓછા 'પ્રેશર'થી નળમાં પાણી પહોંચતું હોય ત્યારે નીચાણવાળા વિસ્તારો અથવા નીચે લેવલે નંખાયેલ નળોમાં પાણી પહોંચે છે અને ઉપરવાસના લોકો માથે હાથ દઇને બેસે છે એવું શરીરના અવયવોમાં પણ થાય છે. જો રક્તવાહિનીમાં લોહી વધુ પહોંચે છે અને માથામાં પ્રેશરના અભાવે નહિવત્ !
માથાને-મગજને લોહી ન મળે કે ઓછું મળે ત્યારે મગજને બચાવવા કુદરતે અદભૂત વ્યવસ્થા કરી છે. જેવું મગજને લોહી પહોંચતું ઓછું થાય કે ઊભેલા માણસે આંખે અંધારા આવવા લાગે છે, ચક્કર આવે છે અને છેવટે એ પડી જાય છે. જમીન પર પડી જવાથી માથું અને પગ એક જ સપાટીમાં આવી જાય છે. અને એટલે પગ તરફ જેટલું લોહી જાય એટલું જ લોહી, એટલા જ પ્રેશરે, માથા તરફ પણ જઇ શકે. પરિણામે, લોહીના અભાવે મગજના કોષો મૃત્યુ પામતાં અટકે છે!
મગજની જેમ જ શરીરના બીજા અવયવોને પણ બ્લડપ્રેશર ઓછુ થઇ જવાથી લોહીની ખેંચ પડે છે. તબીબી ભાષામાં આવી સ્થિતિને ''શોક'' કહેવામાં આવે છે. જો ''શોક'' ની સ્થિતિ લાંબો સમય ચાલે તો મગજ ઉપરાંત કિડનીને ગંભીર નુકશાન થઇ શકે છે. અને ઘણીવાર ''શોક''માંથી માંડ માંડ બચાવી લીધેલ વ્યક્તિની બંને કિડની કામ કરતી બંધ થઇ જાય એવા કિસ્સાઓ જોવા મળે છે.
માસ્ટ સેલમાંથી નીકળેલ રસાયણો રક્તવાહિનીને પહોલી કરવા ઉપરાંત રક્તવાહિનીની દીવાલમાં એવાં ફેરફાર કરે છે, જેનાથી વધુ ને વધુ પ્રવાહી, એ(ન્ડબોડી અને શ્વેતસૈનિકો રક્તવાહિનીમાંથી બહાર નીકળીને આજુબાજુના કોષમાં પહોંચી શકે. નાકમાં આવું ન થાય ત્યારે નાક 'ગળવાનું' અને એની દીવાલો પર 'સોજો' આવી જવાનું પરિણામ આવે છે. એનાફાયલેક્ષીસમાં તો આખા શરીર પર આ રીતે 'સોજો' આવી શકે. પણ ઘણાં કિસ્સાઓમાં મોં, જીભ, નાક, ગળા અને શ્વાસનળીમાં આ પ્રક્રિયા વઘુ પ્રમાણમાં જોવા મળે છે. ગળા અને શ્વાસનળીની શરૂઆતના ભાગમા એલર્જીને કારણે સોજો આવી જવાથી દર્દીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે અને દરેક શ્વાસ વખતે ઘરર.... ઘરર.... એવા ઘરઘરાટી સાંભળવા મળે છે. આ ઉપરાંત શ્વાસનલિકાઓ પણ અસ્થમાના રિએક્શનની જેમ, સંકોચાઇ જાય ત્યારે દર્દી માટે શ્વાસોચ્છ્વાસ લગભગ અશક્ય બની જાય અને જો ''શોક'' થી માણસ બચી જાય તો ક્યારેક આ ગૂંગળામણને કારણે મૃત્યુ સુધી પહોંચી જાય છે!
આમ, એનાફાયલેક્ષીસમાં IgE એન્ટિબોડીથી થઇ શક્તા બધી જાતના રિએક્શન શરીરના ઘણા ભાગોમાં ખૂબ તીવ્ર સ્વરૂપે જોવા મળે છે અને આ જ કારણસર એનાફાયલેક્ષીસના ઘણા કેસ જીવલેણ સાબિત થાય છે.
એનાફાયલેક્ષીસ સિવાય પણ પેનિસિલીન બીજા જાતજાતના એલર્જિક રિએક્શન કરી શકે છે. સૌથી મજાની વાત તો એ છે કે આ બધી એલર્જી માટે જવાબદાર પેનિસિલીન, શરીરમાં આવતાં બીજા બધા એન્ટિજન કરતાં બહુ નાનું હોય છે. એન્ટિજન અંગેના પ્રકરણમાં આપણે જોઇ ગયેલા કે મોટા ભાગના એન્ટિજનમાં મૂળભૂત રીતે પ્રોટીન ઘટક રહેલું હોય છે, જ્યારે પેનિસિલીનમાં તો પ્રોટીન પણ નથી હોતું! એટલું જ નહીં, જ્યારે પેનિસિલીનને શરીરની બહાર IgE એન્ટિબોડી સામે ધરવામાં આવે તો IgE એન્ટિબોડી એની સામે કોઇ રિએક્શન નથી કરી શક્તા. પેનિસિલીનને જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં તો એના નાના ભાગોમાં ટુકડા થઇ જાય છે. પછી આ ટુકડાની કરચો શરીરમાં ફરતાં પ્રોટીન પર લાગી જાય છે. ને જ્યારે પ્રોટીન પર સવાર થયેલ પેનિસિલીનનો ટુકડો IgE ને ભેટે ત્યારે જ ખરેખરી તકલીફ ચાલુ થાય છે.
આમ, જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવેલ પેનિસિલીનના ટુકડાઓ શરીરના પ્રોટીન પર સવાર થાય ત્યારે એ આખા સંકુલને શ્વેતસૈનિકો, બાહ્ય એન્ટિજન તરીકે ઓળખવાની ભૂલ કરે છે અને એની સામે એન્ટિબોડીરૂપી શસ્ત્રો બનાવી યુદ્ધ માંડે છે. એકવાર પ્રોટીન પર લાગેલા પેનિસિલીનના ટુકડાઓ સામે એન્ટિબોડી બની જાય એ પછી શરીરમાં જો આ પેનિસિલીનના ટુકડાઓ છુટા ફરતાં હોય તો પણ એન્ટિબોડી તેને ઓળખી કાઢે છે અને તીવ્ર રિએક્શન શરૂ કરી દે છે. ઘણીવાર પેનિસિલીનના ટુકડાઓ રક્તકણ પર લાગી ગયા હોય તો, પેનિસિલીનને ખતમ કરવા માટે બનેલ એન્ટિબોડી પેનિસિલીનની સાથે સાથે રક્તકણને પણ ખતમ કરી નાંખે છે! આમ રાજાના નાક પર બેઠેલ માખીને તલવારથી મારનાર વાંદરા જેવી જ ભૂલ, રક્તકણ પર બેઠેલ પેનિસિલીનના ટુકડાઓને મારવા માટે એન્ટિબોડી વીંઝીને શ્વેતસૈનિકો કરે છે!
પેનિસિલીન ઉપરાંત બીજી અનેક દવાઓ એનાફાયલેક્ષીસ કરી શકે છે. આમાં, શરીરના કોઇ ભાગ પર નાની વાઢકાપ કરતાં પહેલાં, એ ભાગને બહેરો (સંવેદનશીલ)કરવા માટે વપરાતા લોકલ એનેસ્થેટિક, ખાસ પ્રકારના એક્સ-રે ફોટા પાડવા માટે શરીરમાં દાખલ કરાતી રેડિયો ઓપેક ડાય, લોહી એકદમ ફિક્કું પડી ગયું હોય ત્યારે નસ વાટે બાટલામાં અપાતાં લોહતતત્વના ઇંજેક્શનો, અને અન્ય પ્રાણીઓના લોહીમાથી બનેલ વિવિધ ઇંજેક્શનો મુખ્યત્વે જવાબદાર હોય છે. ઘણી બધી એન્ટિબાયોટીક દવાઓ પણ એનાફાયલેક્ષીસ કરી શકે છે પણ એનું પ્રમાણ પેનિસિલીન જેટલું વધારે નથી હોતું. જુદા જુદા ઇન્ઝાઇમ અને હોર્મોન્સ પણ પ્રોટીનમાંથી બનતાં હોય છે. એટલે એના ઇંજેક્શનો પણ એનાફાયલેક્ષીસ કરવા માટે ઘણીવાર જવાબદાર હોય છે. એ જ રીતે અન્ય માનવનું લોહી કે લોહીમાંથી બનતાં જુદા જુદા ઇંજેક્શનો પણ ક્યારેક આવા જીવલેણ એલર્જિક રિએશનનું કારણ બનતાં હોય છે.
''ડ્રગફીવર'' નામન સાંભળીને નવાઇ લાગશે; તાવ અને બીમારી સારી કરવા માટે તો દવા હોય છે. એ દવા જ કંઇ તાવ લાવે? હા, જો કોઇ દવા સામે અમુક વિશિષ્ટ પ્રકારની એલર્જી હોય તો જ્યારે જ્યારે એ દવા લેવામાં આવે ત્યારે તાવ આવે અને દવા બંધ કરવામાં આવે ત્યારે તાવ ગાયબ!!
હકીકતમાં કોઇ પણ પ્રકારનો તાવ લાવવા માટે શ્વેતસૈનિકો જ જવાબદાર હોય છે. દુશ્મન સામે જ્યારે નાના નાના છમકલાં જ થતાં હોય ત્યારે આખા શરીરને તો એની ખબર નથી પડતી, પણ જ્યારે બળિયો દુશ્મન હોય ત્યારે યુદ્ધ કરતાં કરતાં શ્વેતસૈનિકોને એવું લાગે કે આ યુદ્ધની તો શરીરને જાણ થવી જોઇએ. આવે વખતે શ્વેતસેૈનિકો (મેક્રોફેઝ અને ન્યૂટ્રોફીલ મુખ્યત્વે) ઇન્ટરલ્યૂકીન-૧ નામનું રસાયણ લોહીમાં વહેતું મૂકે છે, જે બીજા શ્વેતસૈનિકોને મદદમાં બોલાવવા ઉપરાંત મગજમાં આવેલા હાઇપોથેલેમસ નામના વિભાગ પર અસર કરે છે. આ હાઇપોથેલેમસ શરીરના તાપમાનને નિયંત્રિત કરતું એક ખાસ કેન્દ્ર હોય છે. આ તાપમાન-નિયંત્રણ કેન્દ્ર લોહીમાં રહેલા ઇન્ટરલ્યૂકીન-૧ ની અસર હેઠળ શરીરના બધા કોષો, રક્તવાહિનીઓ અને સ્નાયુઓને શરીરનું તપામાન વધારવાનો આદેશ આપે છે, જે આપણે તાવ સ્વરૂપે જોઇએ છીએ.
અમુક પ્રકારની દવાઓ સામે શરીરનું રોગપ્રતિકારક તંત્ર જો અવળો રિસ્પોન્સ (પ્રતિસાદ) આપે તો આ દવાઓ શરીરના શ્વેતસૈનિકોને ઉશ્કેરીને છેવટે તાવ લાવવા માટે જવાબદાર બને છે. જીવલેણ ચેપોથી બચવા માટે વપરાતી પેનિસિલીન જૂથની દવાઓ સીફેલોસ્પોરીન, એરીથોમાઇસીન, ક્લોરેમ્ફ્રેનીકોલ અને સલ્ફાજૂથની દવાઓ, બ્લડપ્રેશર માટે વપરાતી એમ-ડોમા; અરે, એલર્જી માટે ઘણીવાર વપરાતી એન્ટિહીસ્ટામીન દવાઓ, હ્રદયની અમુક બીમારીઓમાં વપરાતી ક્વીનીડીન, પ્રોકેઇનેમાઇડ વગેરે દવાઓ; તથા ટી.બી.માં વપરાતી આઇ.એન.એચ. અને સ્ટ્રેપ્ટ્રોમાઇસીન ડ્રગફીવર કરવા માટે જાણીતી છે.
આ દવાઓ દરેક માણસમાં તાવ નથી લાવતી. માત્ર એ દવાથી અતિસંવેદનશીલ અમુક માણસોમાં જ ક્યારેક તાવ આવે છે. ખાસ તો જ્યારે તાવને સારો કરવા માટે (દા.ત. અમુક ચેપને કારણે શરૂ થયેલ કામ માટે) જીવાણુવિરોધી દવા લેવામાં આવે અને એ દવાથી જ તાવ આવવા લાગે ત્યારે આ દવાજન્ય તાવને ઓળખવો મુશ્કેલ પડે છે. જો કે દવાને કારણે આવતો તાવ હંમેશ એ દવા બંધ કરવાથી બંધ થઇ જાય છે અને ભૂલેચૂકે એ દવા પાછી લેવામાં આવે તો પાછો ચાલુ થઇ જાય છે, આમ જ્યારે પણ દવાજન્ય તાવની શંકા હોય ત્યારે બધી દવા એક-બે દિવસ બંધ કરીને જોવું જોઇએ. જો દવા ચાલુ રાખ્યા સિવાય છૂટકો જ ન હોય તો સ્ટીરોઇડ અને પેરાસિટામોલથી તાવને કાબૂમાં રાખીને દવાનો કોર્સ પૂરો કરાવી શકાય. બને ત્યાં સુધી તો, આવી દવા લેવાનું ટાળવું એ જ એકમાત્ર ઇલાજ છે, આ ડ્રગફીવરનો!
આમ તો ઘણી દવાઓ (દા.ત. ટેટ્રાસાઇક્લીન, પેરાસિટામોલ) જો વધારે ડોઝમાં લેવામાં આવે તો લીવર(યકૃત)ને નુકશાન થઇ શકે છે. પણ એલર્જીથી થતું નુકશાન આ સીધા જ નુકશાનથી જુદું હોય છે. લીવર પર સીધી આડઅસર કરતી દવાઓનો ડોઝ જેમ વધારવામાં આવે એમ નુકશાન વધે છે, જ્યારે એલર્જી કરતી દવાથી થતા નુકશાનને દવાના ડોઝ સાથે કંઇ નિસબત નથી.
દવાની એલર્જીને કારણે લીવરને નુકશાન થવાનું બે રીતે શક્ય છે. એક તો, બે આખલા લડવાથી ઝાડનો ખૂરડો બોલી જાય છે એમ, એન્ટિજન-એન્ટિબોડી લડવાથી, લીવરના કોષોને નુકશાન પહોંચે અને બીજું, કોઇક કારણસર લીવરના કોષોના કામકાજમાં ખલેલ પડે અને કમળો થાય. ટી.બી. માટે વપરાતી આઇ.એન.એચ., રીફામ્પીસીન અને પાઇરાઝીનેમાઇડની સામે એલર્જીને કારણે લીવરના કોષોને સીધું નુકશાન થાય છે, બીજી પણ અનેક દવાઓથી લીવરને નુકશાન થઇ શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે કિડની(મૂત્રપિંડ)નું મુખ્ય કામ લોહીને ગાળવાની ગળણી જેવું છે. આ ગળણીમાંથી પસાર થઇ શક્તાં, અને શરીર માટે નકામાં તતત્વો પેશાબ બનાવે છે. જ્યારે અમુક પદાર્થો એવાં પ્રકારના આવે કે જે આ ગળણીમાંથી પસાર પણ ન થઇ શકે અને પાછા ગળણી ઉપર રહેલા લોહીમાં ભળી પણ ન શકે ત્યારે ગળણી (કિડની) માટે મુસીબત ઉભી થાય છે. કેમ કે આવા પદાર્થો ગળણીનાં એટલાં કાણાંઓ નકામા કરી નાંખે છે. વળી ગળણી પર ચોંટી ગયેલ આ પદાર્થો સહેલાઇથી નીકળી પણ નથી શક્તા. (દુર્ભાગ્યે કેટલાંક આધુનિક ફિલ્ટર જેવી'ફલશ બેક સિસ્ટમ' આપણી કિડની પાસે નથી!!) કિડની પર ચોંટી ગયેલ આ પદાર્થો કિડનીને ભારે નુકશાન પહોંચાડે છે અને આવા પદાર્થો પૈકી સૌથી વધુ નુકસાનકારક કંઇ હોય તો એ એન્ટિજન-એન્ટિબોડી સંકુલ છે.
જ્યારે કોઇ 'પરદેશી' એન્ટિજન મોટા પ્રમાણમાં શરીરની અંદર ઘૂસી જાય, ત્યારે અને હાંકી કાઢવા માટે એટલા જ મોટા પ્રમાણમાં શરીરનું રોગપ્રતિકારક તંત્ર એન્ટિબોડી બનાવે છે. અને પછી એન્ટિજન-એન્ટિબોડી એકબીજા સાથે બાથ ભીડે છે, જે 'એન્ટિજન-એન્ટિબોડી સંકુલ' તરીકે ઓળખાય છે. 'એન્ટિજન-એન્ટિબોડી સંકૂુલો'માંથી મોટા ભાગનાને તો 'ખાઉધરા' શ્વેતકણો ખાઇ જઇને ખતમ કરી નાંખે છે(એન્ટિબોડી અને કોમ્પ્લિમેન્ટ એન્ટિજન પર લાગેલ ખાંડના પડ જેવું કામ કરે છે) પણ જે એન્ટિજન-એન્ટિબોડી સંકુલ 'ખાઉધરા' શ્વેતકણોના હાથમાં નથી આવતા એ લોહીમાં ફરવા લાગે છે અને ક્યારેક કિડનીની ગળણીમાં ભરાઇ પડે છે!
જેવું એન્ટિજન-એન્ટિબોડી સંકુલ કિડનીમાં ચોંટી જાય કે તરત એન્ટિબોડીના સાથીદારો જેવા કોમ્પ્લિમેન્ટ એન્ટિબોડીની મદદે આવી જાય છે. અને અન્ય શ્વેતસૈનિકોને બોલાવવા માટેના સંદેશાઓ વહેતા કરી દે છે. અને જોતજોતામાં તો કિડનીનો એટલો ભાગ રણમેદાન જેવો થઇ જાય છે. અને દુનિયાના કોઇ પણ રણમેદાનની જેમ વિના વાંકે બે બળિયાની લડાઇમાં ખેદાનમેદાન થઇ જાય છે.
જ્યારે આટલું મોટું યુદ્ધ, કોઇ સાચેસાચા દુશ્મનને હરાવવા માટે લડાય તો તો જાણે સમજ્યા કે લડતાં લડતાં થોડી ખુવારી સહન કરવી પડે, પણ જ્યારે શરીરમાં પ્રવેશેલું 'પરદેશી એન્ટિજન' કોઇ ખાસ નુકશાન કરવાનું ન હોય, અરે, દવા તરીકે દર્દીને ગંભીર બીમારીમાંથી ઉગારવાનું હોય ત્યારે રોગપ્રતિકારક તંત્રનો આવો ભારે પ્રતિકાર કિડની માટે જોખમરૂપ બની જાય છે.
ઘોડાના લોહીના એક ભાગ(સીરમ)માંથી બનતાં કેટલાંક ઇન્જેક્શનો આપ્યા પછી આવું જ રિએક્શન જોવા મળે છે. કિડની ઉપરાંત શરીરની અન્ય રક્તવાહિનીઓ, ચામડી, સાંધાઓ અને લસિકાગ્રંથિ પણ આ રિએક્શન માટે રણમેદાન બની શકે છે. પહેલી વખત સીરમના ઇંજેક્શન આપ્યા પછી એકથી ત્રણ અઠવાડિયા પછી જુદાં જુદાં અંગો પર દેખાતી આ આડઅસર 'સીરમ સિક્નેસ' તરીકે ઓળખાય છે. જો કે આજકાલ સીરમના ઇંજેક્શનને બદલે પેનિસિલીન, સ્ટ્રેપ્ટોમાઇસીન અને સલ્ફા જેવી જીવાણુંવિરાધી દવાઓની એલર્જીને લીધે સીરમ સિકનેસના મોટા ભાગના કેસો થાય છે. કેમ કે 'સીરમ' વપરાશ એક બે જીવલેણ રોગો પૂરતી મર્યાદિત થઇ છે અને એની સામે આ જીવાણુંવિરોધી દવાઓનો બેફામ ઉપયોગ થાય છે. ક્યારેક માથાના દુખાવાની ગોળી તરીકે ઓળખાતી 'એસ્પિરિન' નામની દવાની એલર્જીને કારણે પણ સીરમ સિકનેસ થઇ શકે છે.
સીરમ સિકનેસના એક ભાગ રૂપે કિડનીને નુકસાન થાય છે એ સિવાય પણ ઘણી બધી દવાઓની એલર્જીથી માત્ર કિડનીને જ વધુ પડતું નુકશાન થાય છે. આવી દવાઓમાં પેનિસિલીન અને સલ્ફા જેવી જીવાણુવિરોધી દવાઓ, ગાઉટ નામના રોગમાં વપરાતી 'અલ્લોપ્યૂરીનોલ' નામની દવા, હાઇબ્લડપ્રેશર માટે વપરાતી કેપ્ટોપ્રીલ (એસીટેન) અને થાયાઝાઇડ ડાઇયૂરેટિક જેવી દવાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, હેરોઇન જેવી નશીલી દવાઓને રવાડે ચડી ગયેલ ગુમરાહોમાં પણ લાંબે ગાળે કિડનીને નુકશાન થતું જોવા મળે છે. દવા તરીકે વપરાતી સોનાની ગોળીઓનું સેવન પણ કિડનીની બીમારી નોંતરી શકે છે.
ક્યારેક અમુક દર્દીઓને કોઇક ચોક્ક દવાની એલર્જી હોય તો એ દવા લીધા પછી, આખા શરીરે ચામડીની નીચે નાના નાના લોહીના ટશિયા ફૂટે છે. આવા દર્દીની ચામડીને જોરથી ઘસવામાં આવે કે સામાન્ય મૂઢ માર મારવામાં આવે તો પણ ચામડી નીચે લોહી જામી જઇને કાળો ડાઘ પડી જાય છે. અને ક્યારેક નસકોરી વાટે કે ક્યારેક લોહીની ઉલટી કે લોહીવાળા ઝાડા પેશાબના સ્વરૂપે રક્તસ્રાવ થાય છે
દવાને કારણે રક્તસ્રાવ થવાનાં ઘણાં બધાં કારણો હોઇ શકે. શરીરમાં રક્તસ્રાવને અટકાવવાનું કામ શ્વેતસૈનિકોના પિતરાઇ ભાઇઓ જેવાં ત્રાકકણો ત્યાં ફાયર બિ્રગેડની જેમ પહોંચી જઇને, જેમાંથી લોહી વહેતું હોઇ એ રક્તવાહિની પર દટ્ટો મારી દઇને રક્તસ્રાવ અટકાવે છે. ઘણી બધી દવાઓ આ ત્રાકકણને નુકસાન કરીને એની કામગીરી અવરોધે છે.
કેટલીક દવાઓ ત્રાકકણ જ્યાં ઉત્પન્ન થાય છે એ અસ્થિમજ્જા પર જ સીધી કે આડકતરી અસર કરે છે, જેથી લોહીમાં આવતાં ત્રાકકણોની સંખ્યા ઘટી જાય છે અને લોહી વહેતું અટકાવવાની કામગીરી ખોરવાઇ જાય છે. આવી અસ્થિમજ્જા પર આડઅસર કરતી દવાઓને કારણે ત્રાકકણ ઉપરાંત, અસ્થિમજ્જામાંથી જ બનતાં એના પિતરાઇઓ શ્વેતકણ અને રક્તકણ પર પણ વિપરીત અસર થાય છે, જેને કારણે રક્તસ્રાવ ઉપરાંત પાંડુરોગ થાય છે અને શ્વેતસૈનિકોનું ઉત્પાદન બંધ થઇ જવાથી ઇમ્યૂનિટી (રોગપ્રતિકારક શક્તિ) ઘટી જાય છે અને શરીર સહેલાઇથી દુશ્મન જંતુઓનો શિકાર બની જાય છે. ટાઇફોઇડમાં વપરાતી ક્લોરેમ્ફેનીકોલ નામની દવાની એલર્જીને કારણે પણ અસ્થિમજ્જા પર આવી જીવલેણ આડઅસર થઇ શકે છે.
આ ઉપરાંત, અમુક દવાઓની એલર્જીને કારણે શરીરમાં હરતાં-ફરતાં તંદુરસ્ત ત્રાકકણો બે આખલાની લડાઇમાં નુકશાન પામતાં ઝાડની જેમ નુકશાન પામે છે. સલ્ફા જૂથની દવાઓ, મલેરિયા માટે વપરાતી ક્વીનીન જૂથની દવાઓ, બ્લડપ્રેશર માટે વપરાતી એમ-ડોપા; અને અમુક પ્રકારની વાઇ માટે વપરાતી કાર્બામાઝેપીન જેવી દવાઓની એલર્જીને કારણે ત્રાકકણનો ખૂરદો બોલી જાય છે. આ ઉપરાંત, એસ્પિરિન અને પેરાસિટામોલ જેવી દર્દશામક દવાઓ, થાયાઝાઇડ જૂથની દવાઓ અને કીટકનાશક દવાઓ પણ એલજીને લીધે ત્રાકકણ પર આડઅસર કરે છે એવી શંકા ઊભી થયેલી છે.
આમ, જુદી જુદી અનેક દવાઓ લોહીને વહેતું અટકાવવા માટે અત્યંત જરૂરી એવા ત્રાકકણનો જાણ્યે અજાણ્યે ખુરદો બોલાવી દે છે અને એટલે જ અમુક દવાઓ લેતાં દર્દીને અચાનક નસકોરી ફૂટે છે કે આખા શરીરે નાના નાના લોહીના ટશિયા ફૂટે છે.
લોહીમાં ફરતાં ત્રાકકણને જે રીતે દવા અને એની સામે ઊભા થયેલ એન્ટિબોડીની લડાઇ નુકશાન પહોંચાડે છે એ જ રીતે લોહીના મુખ્ય ઘટક એવાં રક્તકણને પણ નુકસાન પહોંચી શકે છે. અને ત્રાકકણની જેમ રક્તકણ પણ આવી એલર્જીને લીધે ટપોટપ નાશ પામવા માંડે છે. જ્યારે રક્તકણની સંખ્યા ગણનાપાત્ર પ્રમાણમાં ઘટી જાય ત્યારે લોહી ફીક્કું પડી જાય છે, જે પાંડુરોગ અથવા એનેમિયા તરીકે ઓળખાય છે.
રક્તકણને ત્રણ જુદી જુદી પદ્ધતિથી ડ્રગ એલર્જી નુકસાન કરી શકે છે. એક તો આપણે પેનિસિલીનની વાત વખતે જોઇ ગયા તેમ પેનિસિલીનના ટુકડાઓ રક્તકણ પર સવાર થઇ જાય છે અને પેનિસિલીનને મારવા માટે બનેલ એન્ટિબોડી પેનિસિલીનની સાથે રક્તકણને પણ ખલાસ કરી નાંખે છે. બીજું, કેટલીક દવાઓ, ખાસ તો બ્લડપ્રેશરના નિયંત્રણ માટે વપરાતી એમ-ડોપા નામની દવા શરીરમાં પ્રવેશીને રક્તકણના એન્ટિજનમાં એવો ફેરફાર કરી નાંખે છે કે આપણાં શ્વેતસૈનિકો આવા રક્તકણને 'પોતીકું' ગણી નથી શક્તાં. અને પરિણામે શરીરના પોતાના જ રક્તકણ સામે, એને પરદેશી ગણીને મોરચો મંડાય છે અને રક્તકણ ખતમ થઇ જાય છે! ત્રીજુ, મોટા ભાગની દવાઓ ત્રાકકણને નુકશાન કરે છે એ જ રીતે રક્તકણને નુકશાન કરી શકે છે. એટલે કે શરીરમાં ફરતી દવા સામે એન્ટિબોડી બને અને દવા એન્ટિબોડી સંકુલ લડતાં લડતાં રક્તકણ પર આવી ચડે અને પછી ભીષણ યુદ્ધમાં બિચારા રક્તકણોનો ખુરદો બોલી જાય !
આમ દવાઓની એલર્જીને કારણે મામૂલી ખંજવાળથી માંડીને જીવલેણ એનાફાયલેક્ષીસ સુધી જાતજાતની અનેક તકલીફો થઇ શકે છે. વળી એલર્જીથી થતાં નુકશાનને દવાના ડોઝ સાથે ઝાઝી નિંસબત નથી હોતી. એટલે દવાનો ડોઝ ઓછો કરીને પણ જો ચાલુ રાખવામાં આવે તો એટલું જ નુકસાન થાય છે, જેટલું પ્રમાણસરના કે વધારે ડોઝથી મળતું હતું. એટલે જ્યારે પણ દવાની એલર્જીની શંકા હોય અને એમાં અગત્યના અવયવો સંડોવાયા હોય તો તાત્કાલિક જે દવાની સામે શંકા હોય એ દવા બંધ કરી દેવી જોઇએ. એલર્જીનાં મોટા ભાગનાં લક્ષણો દવા બંધ કર્યા પછી થોડા સમયમાં સારા થઇ જાય છે અને કાયમી નુકસાનમાંથી બચી શકાય છે.
જો એકવાર નક્કી થઇ ગયું કે અમુક દવા સામે અલર્જી છે તો એ દવાનું નામ ડોક્ટર પાસે લખાવી દો અને જ્યારે જ્યારે એ અથવા એને ઇમ્યૂનોલોજિક્લી મળતી આવતી દવાઓ લેવાનું ટાળો. ડોક્ટર બદલો ત્યારે ખાસ, પોતાને એલર્જી કરતી દવાઓનું લિસ્ટ સૌથી પહેલાં ડોક્ટરને બતાવી દો.
દરેક માણસને દવાથી એલર્જી નથી થતી, અરે સોમાંથી માંડ પાંચ-દશ જણને જ એલર્જી થઇ શકે છે. એટલે દવા લેવાથી ગભરાવું નહીં. દવાનો કોર્સ હંમેશા પૂરો કરો અને એલર્જી કે અન્ય કોઇ તકલીફ જણાય તો જાતે દવા બંધ કરી દેવાને બદલે ડોક્ટર સાથે ચર્ચા કરી અન્ય રસ્તાઓ અંગે જાણો. ટૂંકમાં, દવાઓથી ડરવાની કોઇ જરૂર નથી. માત્ર દવા લો અને કંઇ તકલીફ ઊભી થાય તો એ પાછળ રોગને બદલે દવા પણ કારણભૂત હોઇ શકે એટલો ખ્યાલ રાખવો જરૂરી છે, જેથી એક દવાનું રિએક્શન બંધ કરવા બીજી અને બીજીનું બંધ કરવા ત્રીજી દવા લેવાનું વિષચક્ર ચાલુ ન થઇ જાય!