લીલા પત્તાવાળી ભાજીમાં વિટામીન 'સી', લોહ તતત્વ, બીટા કેરોટિન, રેસા, કેલ્શિયમ, એન્ટી ઓકિસડન્ટ વગેરે અનેક લાભદાયી તીતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. ભાજી ખાવાથી આંખ, લોહી, હાડકાં, હ્રદય અને સમગ્ર શરીરને ફાયદો થાય છે.
ભાજીમાં રહેલા પોષક તત્વોનો પુરો લાભ લેવા માટે લીલીભાજીને પહેલાં ધૂઓ; અને પછી એનાં શકય એટલાં મોટા ટુકડાં કાપો; લાંબો સમય પાણીમાં પલાળી ન રાખો; શકય હોય તો કાચી ખાવ અથવા ઓછા તાપે ઓછા પાણીએ પ્રેશર કૂકરમાં રાંધો.
રોજ રોજ ટી.વી -રેડિયો પર 'ચલ પડી હે એક લહર, ગાંવ ગાંવ ઓર શહર શહર'વાળી રોગપ્રતિકારક રસીની જાહેરાતો સાંભળી ઘણાં લોકોને પ્રશ્ન ઉઠે કે આ રોગપ્રતિકારક રસીઓ શું છે ? એ કેવી રીતે કામ કરે છે ? એનુ એવું શું મહત્ત્વ છે કે વારે વારે એ અંગેની જાહેરાત કરવી પડે છે ? વગેરે. કેટલાંકને રસીના મહત્ત્વ અંગે ખબર હોય તો એને મૂકાવવાના સમય અંગે, એ માટે જરૂરી કાળજી અંગે જુદા જુદા પ્રષ્નો ઉઠતા રહે છે. આવો, આપણે રોગપ્રતિકારક રસીઓને જરા નજીકથી જોઇએ.
એનું નામ જ સૂચવે છે કે આ રસીઓ રોગોનો પ્રતિકાર કરવા માટે વપરાય છે. જો બાળકોને ચેપી રોગ થાય એ પહેલાં આ રસી આપી દેવામાં આવે તો એ રોગને થતો જ અટકાવી શકાય છે. અથવા તો રોગને ગંભીર સ્વરૂપ ધારણ કરતો રોકી શકાય છે. આજકાલ પોલિયો, ધનુર, ડિફ્થેરિયા(ઉટાંટિયું), કાળી ખાંસી, ટી.બી., ઓરી, ગાલપચોળું, રૂબેલા, ટાઇફોઇડ, હીપેટાઇટીસ, હડકવા વગેરે અનેક રોગો સામે રસી ઉપલબ્ધ છે. અને આપણાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ આમાંથી પહેલાં છ રોગ સામે દરેક બાળકને સંપૂર્ણ રક્ષણ આપવાનું આયોજન છે.
રસીની અસરકારકતા કે કામયાબી માટે એક જ રોગનું ઉદાહરણ પૂરતું થઇ પડશે. આજથી વીસ-પચ્ચીસ વર્ષ પહેલા ભારતના લગભગ દરેક ગામ અને શહેરમાં લખાણો જોવા મળતાં હતાં : 'શીતળાના પ્રથમ કેસની જાણ કરનારને એક હજાર રૂપિયા ઇનામ' ત્યારે મારા જેવાં કેટલાંય લોકોને થતું કે ચોર-ડાકુની બાતમી માટે ઇનામ જાહેર કરાય છે એ તો સમજ્યા પણ એક સામાન્ય રોગના દર્દીની બાતમી આપવા માટે ઇનામ શા માટે જાહેર કરાયું હશે ? એનો જવાબ એ જ છે કે શીતળાવિરોધી રસી એટલી બધી અસરકારક પૂરવાર થયેલી કે શીતળાનો કેસ શોધ્યો મળે એમ ન હતો. આ રસીએ સફળતાપૂર્વક દેશભરમાંથી શીતળાનું નામનિશાન મિટાવી દીધું છે એ વાતને સમર્થન આપવા માટે ની આ શોધ ચાલતી હતી. છેવટે ઇ.સ. ૧૯૭૭માં ભારત દેશ શીતળામુક્ત જાહેર કરાયો! શીતળા એવો રોગ હતો જેની સામે કોઇ જાતની દવા ઉપયોગી નહોતી થઇ શક્તી. આવા ખતરનાક અસાધ્ય રોગને માત્ર રોગપ્રતિકારક રસીથી ઇ.સ. ૧૯૮૦માં આખી દુનિયામાંથી નાબૂદ કરવામાં આવ્યો ! આ કંઇ જેવી તેવી સિદ્ધિ ન હતી. ચંદ્ર પર માનવ મોકલવા જેવું અઘરૂં આ કામ રોગપ્રતિકારક રસીએ કરી આપ્યું.
રસીની અસરકારકતાનું બીજું એક ઉદાહરણ જોઇએ. જ્યારે રોગપ્રતિકારક રસીઓ ખાસ વપરાતી નહોતી એવા સમયે એટલે કે ઇ.સ. ૧૯૫૦ ની આસપાસ અમેરિકામાં દર વર્ષે ૧૫,૦૦૦ થી વધારે લોકોને (ખાસ કરીને બાળકોને) પોલિયોનો રોગ પંગુ કરી નાંખતો. રસીની સાર્વત્રિક વપરાશથી આજે આવા પોલિયો(બાળલકવા) ના માંડ ત્રીસેક કેસ જ દર વર્ષે અમેરિકામાં નોંધાય છે ! અને વિશ્વભરમાં પોલિયો નાબૂદીની ઝૂંબેશ જોરશોરથી ચાલી રહી છે. હવે વિચાર કરો કે દર વર્ષે હજારો અપંગ બાળકના ભાર વહેવાનું સસ્તુ પડે કે લાખો બાળકોને રસી આપવાનું? એક વ્યક્તિ માટે તો રોગ સામે રક્ષણ મળે એ જ ઉત્તમ જ હોય પણ પૂરા સમાજ માટે પણ દરેકેદરેક બાળકને રસી આપી રોગમુક્ત રાખવાનું પગલું, જેને રોગ થાય એને સારવાર આપવા કરતાં અનેકગણું સસ્તું પડે છે.
ટૂંકમાં, 'Prevention is better then cure.' વાળી વાતને વધુ ભારપૂર્વક કહેવા માટે એવું ચોક્કસપણે કહી શકાય કે 'Prevention is cheaper then cure.'
રોગપ્રતિકારક રસીમાં કંઇ જે તે રોગ કરતાં જંતુને મારી નાંખવાની દવા નથી હોતી. એમાં તો મારી નાંખેલ કે નિર્બળ કરેલાં રોગનાં જંતુઓ (કે એમના ઝેર) જ હોય છે !
આવાં મૃત કે નિર્બળ જંતુઓ રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં કેવી રીતે મદદરૂપ થાય એ સમજવા માટે એ જંતુઓથી થતાં રોગોની સામાન્ય જાણકારી મેળવી લઇએ.
આપણા શરીરમાં રોજેરોજ હજારોની સંખ્યામાં જુદા જુદા જંતુઓ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરતાં રહે છે. આમાંથી મોટા ભાગના જંતુઓને જન્મજાત ઇમ્યૂનિટી શરીરની સરહદો અને પ્રવેશમાર્ગો પર જ અટકાવી દે છે. કેટલાંક ચબરાક જંતુઓ શરીરમાં અંદર સૂધી ઘૂસી જાય તો શ્વેતકણોનું આખું સૈન્ય એમની સામે લડાઇ કરી શરીરનું રક્ષણ કરવા માટે સજ્જ હોય છે જ્યારે રોગ કરનાર જંતુ પહેલવહેલી વખત શરીરમાં પ્રવેશે ત્યારે આપણાં આ શરીરરક્ષક દળને એ જંતુને માત કરવાનો વ્યુહ ગોઠવતાં સમય લાગે છે. પરિણામે, ઘણીવાર રોગોના જંતુઓ નાના બાળકના ''શિખાઉ'' શરીરરક્ષક દળને ચકમો આપીને બાળકોમાં સહેલાઇથી રોગ કરી નાંખતાં હોય છે. એટલે જ બાળકો પુખ્તવયના માણસની સરખામણીએ વધારે માંદા પડ્યા કરે છે. પણ જેમ જેમ શરીરરક્ષક દળને રોગનો અને એ કરતાં જંતુઓનો અનુભવ મળ્યા કરે એમ એમ એ વધુ પાકટ, કુશળ અને તાકતવર બન્યા કરે છે.
જુદા જુદા રોગોના જંતુઓ સામે લડવાનો આ અનુભવ જ એકના એક રોગને બીજી વાર થતો અટકાવે છે. ઓરી, અછબડા જેવા રોગો બાળકને નાનપણમાં એકવાર થઇ ગયા પછી જીંદગીભર થવાનું નામ નથી લેતાં. આની પાછળ ''અનુભવી'' રોગપ્રતિકારક તંત્રનો જ મુખ્ય ફાળો હોય છે. રોગના જંતુ સામે એકવાર હાર્યા છતાં આ તંત્ર એવી જબરદસ્ત યાદદાસ્ત ધરાવે છે કે જેવાં એ રોગના જંતુ શરીરમાં બીજી વાર પહોંચે કે તરત રોગપ્રતિકારક તંત્રના ખાઉધરા કોષ-મેક્રોફેઝ- આ જંતુને પકડીને શ્વેતસસૈન્યના અફસરો એવા ટી-લિમ્ફોસાઇડ આગળ હાજર કરી દે છે. આ અફસરો પૈકી જે અફસર પહેલાં આ પ્રકારના જંતુ સામે લડાઇ લડ્યા હશે એ તરત પોતાનો યોગ્ય અનુભવ યાદ કરી જે તે જંતુ સામે લડવાનો યોગ્ય વ્યૂહ અપનાવી લેશે અને એ પ્રમાણે એની હાથ નીચેના અન્ય શ્વેતકણોને જરૂરી આદેશો આપવા મંડશે, જેથી ઘડીના છઠ્ઠા ભાગમાં આ જંતુઓનો સફાયો થઇ જાય.
શરીરની અંદર આ રીતે અવિરત યુદ્ધરત રહેતા રોગપ્રતિકારક તંત્રને, રોગના જંતુઓ હુમલો કરે એ પહેલાં જ, એ દુશ્મન જંતુનાં હથિયાર અને વ્યૂહ રચનાની માહિતી પહોંચાડી દેવામાં આવે તો સાચેસાચુ યુદ્ધ ખેલ્યા વગર જ શ્વેતકણોને યુદ્ધની તાલીમ અને અનુભવ મળી રહે. બીજા શબ્દોમાં કહીએ તો શક્ય દુશ્મનોની જાસૂસી કરી એમની તાકાત અને નબળાઇ જાણી, વ્યૂહરચના ગોઠવવા જેવું આ કામ થયું. યુદ્ધ થાય એ પહેલાં જ ઇરાકના 'સ્કડ' મિસાઇલ સામે અમેરિકાના 'પેટિ્રયેટ' મિસાઇલ ગોઠવાઇ જાય તો જીત હાથવેંતમાં જ રહે ને !
જ્યારે રસી દ્વારા, નાનપણમાં જ નિર્બળ કરેલાં કે મારી નાંખેલા જંતુઓ કે એના ઝેર શરીરમાં ઘૂસાડવામાં આવે ત્યારે શ્વેતકણનું આખુ સૈન્ય આ દુશ્મનનો વિગતવાર અભ્યાસ કરી લે છે. પરિણામે ભવિષ્યમાં જ્યારે ખરેખરું તાકતવર દુશ્મન જંતુ રોગ કરવા માટે શરીર પર ચડાઇ કરે ત્યારે આગળની જાણકારીને આધારે શ્વેતકણો દુશ્મનને સફળતાપૂર્વક મારી હટાવે છે. જ્યારે દુશ્મન જંતુનું ઝેર રસી તરીકે વારપવામાં આવે ત્યારે ખાસ કાળજી એ લેવામાં આવે છે કે એનો ઝેરી ભાગ નકામો થઇ જાય પણ એની ઓળખ ઉર્ફે એન્ટિજન યથાવત્ રહે. આપણે જાણીએ છીએ કે દરેક કોષ કે પદાર્થને રોગપ્રતિકારક તંત્રનો આખો મોરચો આ એન્ટિજન સામે જ બંધાયેલો હોય છે. દુશ્મન જંતુ પર રહેલાં કે ઝેર પર રહેલાં એન્ટિજનને આધારે જ એની ઓળખ અને એની સામેની લડાઇ ચાલે છે. એન્ટિજનને (અને એટલે દુશ્મન જંતુ/ઝેરને) નષ્ટ કરી નાંખવા માટે બી-લિમ્ફોસાઇટ -પ્લાઝ્માસેલ સંખ્યાબંધ શસ્ત્રો (એન્ટિબોડી) મોકલે છે, જે જુદી જુદી રીતે દુશ્મનને ખતમ કરી નાંખે છે. ટૂંકમાં, શરીરની અંદર પણ ઇરાકના 'સ્કડ' એન્ટિજન અને અમેરિકાના 'પેટ્રિયેટ' (એન્ટિબોડી) જેવું યુદ્ધ ખેલાય છે. જેમ રોગપ્રતિકારક તંત્રનો અનુભવ વધતો જાય એમ એક જ પ્રકારના એન્ટિજન સામે દરેક લડાઇમાં એન્ટિબોડીનું પ્રમાણ વધતું જાય છે. પહેલી લડાઇમાં સો એન્ટિબોડી છોડ્યા હોય તો બીજી લડાઇમાં હજાર છૂટે છે !
આમ, રોગપ્રતિકારક રસીઓ શરીરના રોગપ્રતિકારક તંત્રને જે તે રોગના જંતુઓ કે ઝેર સામે લડવાની તાલીમ આપે છે અને આ તાલીમને લીધે માણસ એ રોગથી બચી શકે છે.
(૧) બી.સી.જી. :-
બેસિલસ કાલમેટ ગેરીન (બી.સી.જી.) તરીકે ઓળખાતી આ રસી, ટ્યૂબરક્યૂલોસીસ ઉર્ફે ક્ષયરોગ (ટી.બી.)થી બચવા માટે વપરાય છે. આ રસીમાં ટી.બી.ના એકદમ નિર્બળ બનાવી દીધેલ જીવંત બેક્ટેરિયા હોય છે. સામાન્ય રીતે ડાબા ખભા પાસે ચામડીની અંદર જન્મ સમયે આ રસી આપવામાં આવે છે. આ રસીને કારણે ચામડીનું પડ ઊપસી આવે છે, જે સફેદ ધબ્બા સ્વરૂપે દેખાય છે.
આ રસી આપ્યા પછી ચાર થી છ અઠવાડિયા પછી ખરેખરી રોગપ્રતિકારક શક્તિ ઊભી થાય છે. અને રસી આપી હોય એ જ જગ્યાએ ફોડલી જેવું ઊપસી આવે છે, જેમાંથી ક્યારેક પરુ નીકળીને પછી રૂઝ આવે છે. અને એનો કાયમનો ડાઘ રહી જાય છે. જે બી.સી.જી.ની રસી અપાઇ ગઇ છે કે નહીં તે નક્કી કરવામાં ઉપયોગી થાય છે. જો બી.સી.જી.ની રસી આપ્યા પછી ત્રણ મહિના સુધી પાકે નહીં તો ડોક્ટરને બતાવી બીજો ડોઝ લેવા જરૂરી થઇ પડે છે. (કારણકે પાકેલી રસી જ રોગપ્રતિકારક શાક્તિ ઊભી થઇ છે એનો અંદાજ આપે છે.)
આ રસીની ટી.બી. સામે રક્ષણ આપવાની ક્ષમતા વિવાદાસ્પદ છે અને જુદા જુદા અભ્યાસોમાં ૦ થી ૮૦% જેટલી ક્ષમતા જોવા મળી છે.
(૨) પોલિયો :-
ઘણીવાર હાથપગમાં લકવો કરીને જીંદગીભરની ખોડખાંપણ કરી આપતો પોલિયોનો ચેપ, ખોરાક-પાણી સાથે પોલિયો કરતાં વાઇરસ ઘૂસી જવાથી થાય છે. એકવાર અન્નમાર્ગમાં પ્રવેશ્યા પછી આ વાઇરસો ત્યાં જ વૃદ્ધિ પામે છે અને ત્યાંથી લોહીમાં ભળે છે. લોહીમાં આખા શરીરનો પ્રવાસ કર્યા પછી આ વાઇરસો ચેતાતંત્રમાં પોતાનું સ્થાયી રહેઠાણ બનાવે છે, જેને પરિણામે લકવાની સ્થિતિ આવી આવી જાય છે. સદ્બાગ્યે પોળિયોનો ચેપ ૧૦૦ જણને લાગ્યો હોય તો પણ લકવા જેવી ગંભીર સ્થિતિ એકાદ જણમાં જ ઉદભવે છે. બાકીના લોકોનું રોગપ્રતિકારક તંત્ર કુદરતી જ પોલિયોના આક્રમણને મારી હઠાવવા સમક્ષ હોય છે ! પણ જે લોકો પોલિયોને કારણે લકવાનો શિકાર થઇ જાય છે એમની સંખ્યા પણ નાનીસૂની નથી. દર વર્ષે ૭૦,૦૦૦ જેટલા લકાવાના નવા કિસ્સા આપણાં દેશામાં બને છે !
આ લકવાના વાઇરસ સામે લડવાની રોગપ્રતિકારક તંત્રને તાલીમ આપવા માટે બે જુદા જુદા પ્રકારની રસીઓ વપરાય છે. સૌથી પહેલાં ઇ.સ. ૧૯૫૩માં સોલ્ક નામના વૈજ્ઞાનિકે પોલિયોના વાઇરસને મારી નાંખીને (અર્થાત્ એ વાઇરસ શરીરમાં ગયા પછી કોષોને ચેપ ન લાગી શકે એવા નિષ્ક્રિય કરીને) ઇંજેક્શન વાટે શરીરમાં દાખલ કર્યા. બીજા કોઇ પણ દુશ્મન ઘુસણખોરોની જેમ આ મૃત વાઇરસ સામે પણ શરીરરક્ષક દળે મોરચો માંડ્યો. આ વાઇરસના એન્ટિજન સામે લિમ્ફોસાઇટ એન્ટિબોડી બનાવતાં શીખવા લાગ્યા. અને એક એક મહિનાના અંતરે આપલે ત્રણ ડોઝથી રોગપ્રતિકારક તંત્ર જીવંત પોલિયો વાઇરસને મારી હાઠાવવા માટે એકદમ સુસજ્જ થઇ ગયા. આ સુસજ્જતા ઢીલી ન પડે એટલાં માટે ત્રીજો ડોઝ આપ્યા પછી આશરે એક વર્ષ પછી ઇંજેક્શનનો વધુ એક ડોઝ આપવામાં આવે છે જેથી, કવાયતનું ફાઇનલ રિહર્સલ થઇ જાય !
આ લગભગ મૃત પોલિયો રસીની શોધની સાથે જ સેબીન નામના વૈજ્ઞાનિકે જીવંત પણ નિર્બળ કરેલા પોલિયો વાઇરસની રસી શોધી. પોલિયો કરતાં વાઇરસને ઉંદરોની અનેક પેઢીમાં વારાફરતી દાખલ કરીને વાઇરસને એટલાં નિર્બળ કરી દેવામાં આવે કે તેઓ શરીરમાં પ્રવેશે એ પછી વૃદ્ધિ પામી શકે છે પણ રોગ કરવામાં અસમર્થ હોય છે. ઝેરી દાંત કાઢી લીધેલ સાપની જેમ આ વાઇરસ કોઇ પ્રકારની હાનિ પહોંચાડી શક્તા નથી. પણ વાઇરસનો મુકાબલો કેવી રીતે કરવો એની પ્રત્યક્ષ તાલીમ આપણા શરીરરક્ષક દળને આપતા જાય છે.
આ જીવંત નિર્બળ પોલિયોની રસીનો મુખ્ય ફાયદો એ આપવાની સરળતા છે. અભણમાં અભણ માણસ પણ આ રસીના બે-બે ટીંપા પાઇને બાળકોને ગંભીર બીમારીમાંથી ઉગારી શકે છે. રસીમાંના વાઇરસ જીવંત હોવાથી, રોગ કરતાં વાઇરસની જેમ જ અન્નમાર્ગમાંથી લોહી સુધી સહેલાઇથી પહોંચી જાય છે. (જ્યારે મૃત વાઇરસને લોહી સુધી પહોંચાડવા માટે ઇંજેક્શન આપવું પડે છે.) એક વાર લોહીમાં પહોંચ્યા પછી તો શ્વેતસૈનિક એમનું કામ સુપેરે જાણે છે અને આમ, પોલિયાના વાઇરસ સામે લડવાની તાલીમ મેળવી લે છે.
મોં વાટે અપાતી આ જીવંત પોલિયોની રસીનો બીજો અગત્યનો ફાયદો એ છે કે જે બાળકને આ રસી આપવામાં આવી હોય એ બાળકના આંતરડામાં આ નિર્બળ વાઇરસ વૃદ્ધિ પામે છે અને એમાંથી ઘણાં વાઇરસો બાળકના મળ વાટે પર્યાવરણમાં પહોંચે છે. રોગ કરી શક્તા પોલિયોના વાઇરસો પણ રોગી બાળકના મળ વાટે પર્યાવરણમાં પહોંચીને પછી અન્ય તંદુરસ્ત બાળકોને ચેપ લગાવતાં હોય છે. જો ઘણાં બધા બાળકોને એક સાથે રસી આપવામાં આવે તો પર્યાવરણમાં નિર્બળ (રસી દ્વારા ફેલાયેલ) વાઇરસસોનું પ્રમાણ રોગ કરી શક્તા વાઇરસ કરતાં વધી જાય. પરિણામે જે બાળકને રસી પીવડાવવામાં ન આવી હોય એ બાળકમાં પણ નિર્બળ વાઇરસો મળથી મોં સુધોનો પ્રવાસ ખેડીને ઘૂસી શકે છે. અને એટલે એવું બાળક રસી પીધા વગર જ પોલિયો સામે લડવાની તાલીમ મેળવી લે છે. જો એક સાથે ઘણાં બધા (૯૦% કરતાં વધારે) બાળકોને રસી પીવડાવી દેવામાં આવે તો આ નિર્બળ વાઇરસો રોગ કરી શકે એવાં વાઇરસોનો પર્યાવરણમાંથી એકડો જ કાઢી નાંખી શકે !!
જીવંત પોલિયો રસીનો ત્રીજો સૈદ્ધાંતિક ફાયદો એ છે કે સૌથી પહેલાં વાઇરસ આંતરડામાં અને પછી લોહીમાં પહોંચતા હોવાથી એક-બે અનુભવ (ડોઝ) પછી આંતરડાની લસિકાગ્રંથિમાં રહેલા લિમ્ફોસાઇટ આ વાઇરસને ત્યાંથી જ અંદર (લોહીમાં) પ્રવેશતાં અટકાવવા માટે lgA પ્રકારના એન્ટિબોડી બનાવવા લાગે છે. એટલે જ્યારે રોગ કરતાં પોલિયો વાઇરસ પણ અન્નમાર્ગમાં આવે ત્યારે મોટે ભાગે તો એમણે lgA એન્ટિબોડીના હુમલાથી ડેલે હાથ દઇને જ પાછું ફરવું પડે છે અને આમ, વાઇરસ માટે ચેતાતંત્ર સુધી પહોંચવાનું અત્યંત દુષ્કર થઇ પડે છે.
મોં વાટે અપાતી આ જીવંત પોલિયો રસીના આટલા બધા ફાયદાઓ હોવા છતાં કેટલાંક ગેરફાયદા પણ છે જ. સૌથી મોટો ગેરફાયદો એ છે કે આપણાં દેશમાં આ રસીનો પૂરો કોર્સ કર્યો હોય એ છતાં પોલિયો થવાના કિસ્સા બને છે. આ રસીને ખૂબ જ નીચા (શૂન્યથી નીચે ૨૦ં સેં) તાપમાને સાચવવી પડે છે અને બરફમાં રાખીને જ વાપરવી પડે છે. આ તાપમાન જાળવવામાં ગરબડ થાય તો રસી અસરકારક નથી રહેતી. વળી, એક બહુ દૂરની ભાગ્યે જ (૩૭ લાખ ડોઝમાંથી માંડ એકાદ કિસ્સામાં જ) જોવા મળતી આડઅસર એટલે નિર્બળ કરેલ પોલિયો વાઇરસ ફરી પાછો રોગ કરવા જેટલો સબળ થઇ જાય તે છે. આવું લાખોમાં એક વખત બને છે કે જેને કારણે જે રોગ સામે રક્ષણ આપવા માટે રસી લીધી હોય એ રસી જ એ રોગનું કારણ બની જાય ! વર્ષોવર્ષ લાખો લોકોને રસીને કારણે થતાં ફાયદાની સામે આ ગેરફાયદો નગણ્ય જ છે.
હાલમાં આપણાં દેશમાં મોં વાટે પીવાની જીવંત રસી જ વપરાય છે. રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ દોઢ મહિને, અઢી મહિને અને સાડા ત્રણ મહિને બાળકને પોલિયો રસી પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત શક્ય હોય ત્યાં જન્મના ત્રણ દિવસ પછી અને ઓરીની રસીની સાથે બીજા બે વધારાના ડોઝ આપવામાં આવે છે. જો કે છેલ્લાં સંશોધનો પ્રમાણે પોલિયોની રસીના બે ડોઝ વચ્ચે બે મહિના જેટલું અંતર રહેતા વધુ સારા પરિણામો મળે છે. એટલે બાળકને બે મહિના, ચાર મહિના અને છ મહિનાની ઉંમરે પોલિયોના ત્રણ ડોઝ આપવામાં આવે તો વધુ સફળતા મળે છે. શરૂઆતના આ ત્રણ કે પાંચ ડોઝ ઉપરાંત દોઢ વર્ષની ઉંમરે ફાઇનલ રિહર્સલ જેવાં બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. (બૂસ્ટર ડોઝનો અર્થ થાય છે રોગ પ્રતિકારક શક્તિમાં ઓર વધારો કરતો ડોઝ.) ઇંજેક્શન દ્વારા અપાતી મૃત પોલિયો રસી પણ આ જ સમયે આપી શકાય. અને હવે ત્રિગુણી રસીની સાથે જ મૃત પોલિયો રસી ભેગી કરી ચોગુણી રસી કદાચ વધૂ ફાયદાકારક થશે; કારણકે ઇંજેક્શનથી આપેલ પોલિયો રસી, મોં વાટે પીવડાવાતી જીવંત પોલિયો રસી કરતાં વધુ અસરકારક સાબિત થઇ છે.
(૩) ત્રિગુણી રસી :-
ત્રિગુણી રસી અથવા ડી.પી.ટી. તરીકે ઓળખાતી આ રસી ડિફ્થેરિયા (ડી) ઉર્ફે ઉટાટિયું, પરટૂસીસ (પી) ઉર્ફે કાળી ખાંસી અને ટિટેનસ (ટી) ઉર્ફે ધનુર એમ ત્રણ રોગો સામે એક સાથે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે. ડિફ્થેરિયા અને ટિટેનસ એ બંને બેક્ટેરિયાના ઝેરને કારણે થતાં રોગ છે. એટલે કે શરીરમાં બેક્ટેરિયાને બદલે એનું ઝેર બનાવીને છોડવા માંડ્યું એ પછી બે(ક્ટેરિયાનો નાશ કરવાથી પણ રોગ કાબૂમાં આવતો નથી. ટૂંકમાં, આ બંને રોગને કાબૂમાં લેવા માટે એ રોગ કરતાં બેક્ટેરિયાને બદલે બેક્ટેરિયાઓ દ્વારા છોડાતાં ઝેરી શસ્ત્રો સામે જ લડવી પડે છે.
શરીરમાં ઊંડો ઘા પડવાથી કે બાળકના જન્મ સમયે એની નાળ પર છાણ લગાવવાથી કે અન્ય કોઇ જગ્યાએ ઊંડાણમાં ચેપ લગાવવાથી ધનુર બેક્ટેરિયાની વૃદ્ધિ થઇ શકે છે. આ બેક્ટેરિયા એક વાર શરીરના જે ભાગમાં દાખલ થયા હોય ત્યાંથી હરીફરી નથી શક્તા પણ કોઇ એક જગ્યાએ રહ્યે રહ્યે જે ઝેરી શસ્ત્રો છોડે છે એ શરીરના અનેક ભાગોમાં પહોંચી શકે છે. ધનુર કરતાં બેક્ટેરિયાના ઝેરી શસ્ત્રોનું નિશાન મુખ્યત્વે શરીરનું ચેતાતંત્ર બને છે અને પરિણામે ધનુરના દર્દીને ખેંચ આવે છે. આ ઝેરી તતત્વો આમ તો પ્રોટીનના જ બનેલાં હોય છે અને આપણું રોગપ્રતિકારક તંત્ર જો પહેલેથી તાલીમ મળી હોય તો એ ઝેરને, એના એન્ટિજનને આધારે ઓળખી શકે છે. એટલું જ નહીં એની સામે આપણું શરીરરક્ષક દળ પોતાના શસ્ત્રો ઉર્ફે એન્ટિબોડી પણ છોડવા લાગે છે.
ત્રિગુણી રસીમાં ધનુર અને ડિફ્થેરિયાના નિષ્ક્રિય બનાવેલ હોય છે. જે રીતે બુઠ્ઠા બાળ કે તલવાર યુદ્ધ કરવા માટે નકામા હોય પણ યુદ્ધની પ્રત્યક્ષ તાલીમ લેવા માટે (જુદા જુદા દાવપેચ શીખવા માટે) ઉત્તમ સાબિત થાય એ જ રીતે બુઠ્ઠા (નિષ્ક્રિય) કરેલ બેક્ટેરિયાના ઝેરી શસ્ત્રો શરીરને કોઇ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર શરીરરક્ષક દળને જે તે ઝેર સામે લડવાની તાલીમ આપે છે, (નિષક્રિય કરેલ ઝેર પણ તેની પર રહેલ એન્ટિજનને આધારે ઓળખી શકાય છે.) જેથી ખરેખરા રોગ કરતાં જંતુ જ્યારે સાચકલું ઝેર છોડે ત્યારે એનો ખાત્મો બોલાવવા માટે આપણી સેના સુસજ્જ હોય.
ધનુર (ટિટેનસ) અને ડિફ્થેરિયાના નિષ્ક્રિય ઝેર (એન્ટિજન) ઉપરાંત ત્રિગુણી રસીમાં પરટુટીસ (કાળી ખાંસી) નામનો રોગ કરતાં બેક્ટેરિયાના હજારો મૃતદેહ હોય છે. નિષ્ક્રિય ઝેર જે તે રીતે એન્ટિજનની મદદથી ઓળખાઇ જાય છે એ જ રીતે મૃત બેક્ટેરિયા પણ એની પરના એન્ટિજનને આધારે ઓળખી શકાય છે.
આમ, બે રોગોના નિષ્ક્રિય ઝેરી દ્રવ્યો અને એક રોગના મૃત બેક્ટેરિયાથી બને છે ત્રિગુણી રસી. આ રસી ઇંજેક્શન સ્વરૂપે થાપા પર કે સાથળ પર આપવામાં આવે છે. ત્રણે રોગો સામે એક સાથે રક્ષણ મળે એ આ રસીનો મોટો ફાયદો છે. વળી એવું પણ જોવા મળ્યું છે કે ડિફ્થેરિયાના ઝેર સામે લડવાની કાબેલિયતમાં રસીમાના પરટૂટીસના બેક્ટેરિયાની હાજરીથી વધારો થાય છે. આમ ત્રણ જુદી જુદી રસી આપવાને બદલે એ ત્રણે રોગો સામે ભેગી રસી આપવાનું ઉત્તમ છે. આપણા રાષ્ટ્રીય રસીકરણકાર્યક્રમમાં દોઢ વરસની ઉંમરે બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. પોલિયો રસીની જેમ ત્રિગુણી રસીમાં પણ બે ડોઝ વચ્ચે બે મહિનાનું અંતર હોય તો વધુ સારા પરિણામો મળે છે એટલે આ રસી પણ બે, ચાર અને છ મહિને પ્રાથમિક ડોઝ તરીકે આપવાથી વધુ સારી રોગપ્રતિકારક શક્તિ વિક્સી શકે છે.
ઘણીવાર ત્રિગુણી રસી આપ્યા પછી બાળકને ઇંજેક્શનની જગ્યાએ દુખાવો થવાની અને તાવ આવવાની તકલીફ થાય છે. આવું થાય તો પેરાસિટામોલ નામની દવા ડોક્ટર કે આરોગ્ય કાર્યકરે કીધેલા પ્રમાણમાં આપવી જોઇએ. કેટલાંક બાળકોને ભાગ્યે જ આ સિવાયની બીજી આડઅસરો થાય છે. ક્યારેક રસીને કારણે ખેંચ આવવી, સતત ચીસાચીસ કરવી કે મગજ પર સોજો ચઢી જવા જેવા ગંભીર કોમ્પ્લીકેશનો ઊભા થઇ શકે. આવું થાય ત્યારે રસીના બીજા ડોઝ ન મૂકાવવો જોઇએ અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઇએ. ત્રિગુણી રસીના સંપૂર્ણ કોર્સથી ૮૦ ટકા બાળકોને પરટૂટીસ (કાળી ખાંસી) અને લગભગ ૧૦૦ ટકા બાળકોને ડિફ્થેરિયા અને ટિટેનસ (ઘનૂર) સામે રક્ષણ મળે છે.
(૪) દ્વિગુણી રસી :-
ત્રિગુણી રસીના મોટા ભાગના કોમ્પ્લિીકેશનો માટે એમાં રહેલ પરટૂટીસ (કાળી ખાંસી)ના મૃત બેક્ટેરિયા જવાબદાર હોય છે. એટલે જે બાળકોને ત્રિગુણીથી આવું કોમ્પ્લિકેશન આવે એમને ત્રિગુણીને બદલે દ્વિગુણી (ડિફ્થેરિયા અને ટિટેનસ) રસી આપવામાં આવે છે. એ જ રીતે પાંચ વર્ષથી મોટા બાળકોમાં પણ પરટૂટીસ રસીની જરૂર ન હોવાથી દ્વિગુણી રસી જ આપવામાં આવે છે. આ રસી ત્રિગુણી રસી કરતાં વધુ સલામત છે. આપણાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં હવે પાંચ વર્ષે ત્રિગુણીના બુસ્ટરને બદલે દ્વિગુણીનો બુસ્ટર ડોઝ અપાય છે. જો કોઇ બાળકને પાંચ વર્ષની ઉંમર સુધી એક પણ રસી ન અપાય હોય તો એને દ્વિગુણી રસીના બે ડોઝ એક થી બે મહિનાને અંતરે આપવામાં આવે છે અને છેલ્લાં ડોઝ પછી વરસ બાદ દ્વિગુણી નો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે.
(૫) ધનુરની રસી (ટિટેનસ ટોક્ષોઇડ) :-
આમ તો ધનુરની રસી ત્રિગુણી રસીના ભાગ તરીકે આવી જ જાય છે. એટલે નાના બાળકોમાં જો ત્રિગુણી રસી સમયસર આપવામાં આવી હોય તો ધનુરની જુદી રસી મૂકાવવી નથી પડતી. પરંતુ ધનુર સામે જીવનભર સુરક્ષા મળી રહે એ માટે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં ત્રિગુણી અને દ્વિગુણી રસી સમયસર લીધી હોય એવાં બાળકોમાં દશ અને સોળ વરસની ઉંમરે બુસ્ટર ડોઝ તરીકે ધનુરની રસી આપવી જોઇએ. આ જ રીતે સગર્ભા સ્ત્રીઓને જો આગળ ધનુરની રસીનો કોર્સ લીધો હોય તો એક અને ન લીધો હોય તો એક મહિનાના અંતરે બે ડોઝ આપવા જોઇએ. જેથી માતાના લોહીમાં ધનુરના ઝેર સામે લડવા માટેના એન્ટિબોડી ગર્ભમાં વિકસતા બાળકના લોહી સુધી પહોંચીને બાળકના જન્મ પછી પણ એને એક-બે મહિના સુધી ધનુર સામે રક્ષણ આપી શકે છે. (ધનુર સામેના એન્ટિબોડીની જેમ જ બીજા પણ અનેક એન્ટિબોડી માતા પોતાના બાળકને જન્મ પહેલાં જ ભેટમાં આપી દેતી હોય છે અને એટલે જ શરૂઆતના મહિનામાં બાળક, ઘણી જાતના દુશ્મનોથી ઘેરાવા છતાં, રોગનો ભોગ નથી બનતું.)
જે લોકોએ નાનપણમાં ત્રિગુણી, દ્વિગુણી કે ધનુરની રસીનો કોર્સ ન કર્યો હોય અને મોટી ઉંમરે ધનુર સામે રક્ષણ મેળવવા ઇચ્છતા હોય તો એમણે ધનુરની બે રસી એક મહિનાના અંતરે, ત્રીજી રસી એક વરસ બાદ, ચોથી રસી એના પાંચ વરસ બાદ અને પાંચમી રસી એના દશ વરસ બાદ લેવી જોઇએ.
ઘણીવાર થોંડુ અમથું વાગે ત્યારે લોકો ધનુરથી બચવા માટે રસી મૂકવાની જરૂર હોય તો મૂકી દેવાનું ડોક્ટરને કહેતા હોય છે. અને એક એવી માન્યતા ચાલી આવે છે કે ધનૂરની રસીથી માત્ર છ મહિના સુધી જ રક્ષણ મળી શકે ! હકીકતમાં જેમણે નાનપણથી ત્રિગુણી, દ્વિગુણી અને ધનુરની રસીઓ સમયે સમયે લીધી હોય અને ધનુરની રસીનો છેલ્લો ડોઝ પાંચ વરસની અંદર અંદર લીધો હોય તો ગમે તે પ્રકારનો ઘા પડ્યો હોય ધનુરની રસી લેવાની જરૂર હોતી નથી. હા, જો ધનુરની રસીના છેલ્લા ડોઝને પાંચ વરસથી વધુ સમય થઇ ગયો હોય તો ઊંડો ઘા વાગે ત્યારે ડોક્ટરની સલાહથી ધનુરની રસીનો ડોઝ મુકાવી દેવો હિતાવહ છે.
(૬) ઓરીની રસી :-
રોગપ્રતિકારક રસીની મદદથી જગતભરને શીતળા જેવા ભયાનક રોગમાંથી બચાવી લેનારાઓ હવે આવી જ રસીની મદદથી આખા જગતને ઓરીથી મુક્ત કરવા માટે કમ્મર કસી રહ્યા છે. ઓરી(મિઝલ્સ)ના નિર્બળ કરેલાં જીવંત વાઇરસથી બનેલ આ રસી જો થોડાં વર્ષો સુધી દુનિયાના ઓછામાં ઓછા ૯૫% બાળકોને જો આપી શકાય તો ઓરીનું નામોનિશાન મિટાવવું અશક્ય છે.
આપણાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ ઓરીની રસી ૯ થી ૧૨ મહિના દરમ્યાન મૂકવામાં આવે છે. રસી મૂક્યા પછી ઓરીના જીવંત પણ નિર્બળ કરેલા વાઇરસ શરીરની અંદર વૃદ્ધિ પામે છે અને એટલે જ આશરે પાંચ-સાત દિવસ પછી કેટલાંક બાળકમાં તાવ અને ક્યારેક ઓરી નીકળ્યા હોય એવાં ઓછામાં ઓછા ચાંઠા જોવા મળે છે. ઓરીને કારણે થતાં નુકશાનને ધ્યાનમાં રાખતાં ''ઓરી નીકળી જાય તો સારું'' એવી ભ્રામક માન્યતામાં ન રચાતાં દરેક બાળકને યાદ રાખીને ઓરીની રસી આપવી જ જોઇએ.
(૭) એમ. એમ. આર. રસી :-
ઓરી (મિઝલ્સ), ગાલપચોળું(મમ્પ્સ) અને રૂબેલા આ ત્રણે રોગો સામે એક સાથે રક્ષણ આપવા માટે એમ. એમ. આર. રસી જ વપરાય છે. ઘણાં દેશોમાં ઓરીની રસી છુટી આપવાને બદલે આ ત્રણે રોગો સામે ભેગી આ રસીમાં પણ જીવંત-નિર્બળ કરેલા ત્રણે રોગના વાઇરસો જ હોય છે. સામાન્ય રીતે ૧૫ થી ૧૮ મહિનાની ઉંમરે આ રસીનો ડોઝ આપવામાં આવે છે. જે બાળકોને નવમે મહિને માત્ર ઓરીની રસી આપી હોય એ બાળકને પણ ૧૫ થી ૧૮ મહિનાની ઉંમરે એમ. એમ.આર. નો ડોઝ આપી શકાય.
(૮) ટાઇફોઇડ વિરોધી રસી :-
આપણા રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ થોંડા વર્ષો પહેલા ટાઇફોઇડ વિરોધી રસીના બે ડોઝ એક મહિનાના અંતરે પાંચ-છ વર્ષની ઉંમરના બાળકોને આપવામાં આવતાં હતાં. પણ રાષ્ટ્ર વ્યાપી જરૂર ન લાગતાં ત્રણ-ચાર વર્ષથી એ બંધ કરવામાં આવ્યા છે. ટાઇફોઇડના મૃત બેક્ટેરિયા ધરાવતી ઇંજેક્શન સ્વરૂપે અપાતી આ રસીથી ૭૦ ટકાથી ૯૦ ટકા બાળકોમાં ટાઇફોઇડ અટકાવી શકાય છે. અને આપણાં દેશમાં નાના બાળકોમાં પણ ટાઇફોઇડ ખાસ્સા પ્રમાણમાં થતો રહે છે એટલે ખરેખર તો બે વર્ષની ઉંમરે જ ટાઇફોઇડવિરોધી રસીના બે ડોઝ (એક મહિનાના અંતરે) આપવા જોઇએ. આ રસીથી ત્રણ વર્ષ સુધી જ ટાઇફોઇડ સામે રક્ષણ મળે છે અને એટલે દર ત્રણ વર્ષે રસી લેતા રહેવું પડે છે. તાજેતરમાં મોં વાટે લઇ શકાય એવી ટાઇફોઇડ વિરોધી રસી પણ શોધાઇ છે.
(૯) હડકવાવિરોધી રસી :-
કૂરતાં, બિલાડાં કે અન્ય પ્રાણી કરડી જવાથી હડકવા થવાનો ભય રહે છે અને એકવાર જો હડકવા થયો તો પછી દુનિયાની કોઇ દવા દર્દીને મોતથી બચાવી નથી શક્તી. હડકવાથી બચવાનો એક માત્ર ઉપાય એને થતો જ અટકાવવાનો છે એટલે જ્યારે પણ આવું કોઇ પ્રાણી કરડે ત્યારે હડકવાવિરોધી રસી મૂકાવવી ખૂબ જ આવશ્યક છે. આપણી સરકારી હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં મળતી હડકવાવિરોધી રસી (NTV) ઘેટાના મગજ પર ઉછેરેલા હડકવાના વાઇરસને મારીને બનાવવામાં આવે છે. કૂતરું કરડ્યા પછી રોજ સાતથી ચૌદ દિવસ સુધી પેટ પર ડૂંટીની આસપાસ ઇંજેક્શનો વાટે અપાતી આ રસીથી ક્યારેક વાઇરસની સાથોસાથ મગજ અને અન્ય ચેતાતંતુઓ સામે પણ લડાઇ કરવાનું રોગપ્રતિકારકતંત્ર શીખી જાય છે. પરિણામે ગંભીર પ્રકારના કોમ્પ્લિકેશનો ઉભા થઇ શકે છે. આ ઉપરાંત, આ રસીથી એ લેવાવાળામાંથી માત્ર ૬૦ ટકા જેટલાં લોકોનું જ સંપૂર્ણ રક્ષણ થઇ શકે છે. એટલે આવી રસી ઓછી અસરકારક અને ઓછી સલામત છે. આનાથી ચડિયાતી રસીઓ બજારમાં મળે છે, જેમાં વાઇરસનો ઉછેર ઘેટાના મગજને બદલે લેબોરેટરી કલ્ચરમાં થતો હોય છે. અત્યારે ઘણી મોંઘી મળતી આ રસી પ્રમાણમાં સલામત અને અસરકારક છે. આ પ્રકારની રસીમાં HDCV, PCEV અને PVRV રસીનો સમાવેશ થાય છે.
(૧૦) હીપેટાઇટીસ 'બી' વેક્સિન :-
ખાસ કરીને સર્જનો, ડોક્ટરો, નર્સો અને અન્ય લોકો જે દર્દીના લોહીના વારંવારના સંપર્કમાં આવતાં હોય એમને હીપેટાઇટીસ 'બી' તરીકે ઓળખાતો કમળો થઇ આવવાની શક્યતા રહે છે. આ સામે રક્ષણ આપવા માટે બે પ્રકારની રસી મળે છે. એક રસીમાં હીપેટાઇટીસ 'બી' જેમને થઇ ગયો હોય એવાં લોકોના લોહીમાંથી હીપેટાઇટીસના વાઇરસ ભેગા કરવામાં આવે છે અને એને નિષ્ક્રિય બનાવી રસી સ્વરૂપે તંદુરસ્ત માણસને ઇંજેક્શન અપાય છે. આ ઉપરાંત આધુનિકજેનેટિક એન્જિનિયરિંગ ટેકનિકથી લેબોરેટરીમાં જ વાઇરસ એન્ટિજન બનાવવામાં આવે છે. અને આ એન્ટિજનને જ સીધા રસી સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. આ બંને રસીઓ સલામત અને અસરકારક છે. પણ પહેલાં પ્રકારની રસીમાં, જે માણસોમાંથી બનાવવામાં આવી હોય એ માણસોના લોહીના અન્ય ચેપ (દા.ત. એઇડ્સ) પણ ઘૂસી શકે એવી શક્યતા રહેલી છે. એટલે હવે મોટા ભાગના લોકો જેનેટિક એન્જિનિયરીંગથી બનેલી હીપેટાઇટીસ 'બી' રસી વધારે વાપરે છે. આ રસીના એક મહિનાના અંતરે બે ડોઝ અને છેલ્લાં ડોઝ પછી છ મહિને ત્રીજો ડોઝ લેવાનો હોય છે.
આમ, જુદી જુદી અનેક પ્રકારની રોગપ્રતિકારક રસીઓ જુદા જુદા ઉપયોગ માટે વપરાય છે. મોટા ભાગની રસીઓ નાનપણમાં બાળકોને આપવાની હોય છે. આ રસીઓ ક્યારે આપવી એનું આદર્શ સમયપત્રક આ સાથે આપ્યું છે. (સરકારી સમયપત્રક કરતાં આ સમયપત્રકમાં થોડો ફેરફાર છે; કારણ કે સરકારી સમયપત્રક ઘણાં બધા લોકો સુધી પહોંચવા માટેના પ્રયાસરૂપે બનાવવામાં આવે છે. જ્યારે આ સમયપત્રક કોઇ એક બાળકને રોગો સામે સૌથી વધુ રક્ષણ આપવા માટેના પ્રયાસરૂપે ઇ(ન્ડયન એકેડેમી ઓફ પીડીયાટ્રીક્સની કમિટીએ ૧૯૯૦માં બનાવેલ છે.
| જન્મ સમયે | બી.સી.જી.+ (જન્મના ત્રણ દિવસ પછી) શક્ય હોય તો પોલિયો |
| બે મહિને | પેન્ટાવેલન્ટ અને પોલિયો |
| ચાર મહિને | પેન્ટાવેલન્ટ અને પોલિયો |
| છ મહિને | પેન્ટાવેલન્ટ અને પોલિયો |
| આઠ થી બાર મહિને | ઓરી+શક્ય હોય તો પોલિયો |
| દોઠથી બે વરસ | ત્રિગુણી અને પોલિયો(બૂસ્ટર), એમ.એમ.આર. |
| બે વરસે | ટાઇફોઇડ બે ડોઝ એક મહિનાના અંતરે |
| ચાર થી છ વરસે | ત્રિગુણી (અથવા દ્વિગુણી) ટાઇફોઇડ (બૂસ્ટર-દર ત્રણ મહિને) |
| દશ વરસે | ધનુરની રસી |
| સોળ વરસે | ધનુરની રસી |
| સગર્ભાવસ્થામાં | ધનુરની રસી |

