જે શરીરના કોષોનું રક્ષણ કરવા માટે ઇમ્યૂનતંત્ર સર્જાયું હોય એ જ કોષો સામે જ્યારે એ બંદૂક તાકે ત્યારે મહાઅનર્થ સર્જાઇ શકે છે. જેને ભરોસે આખું શરીર નિશ્ચિત થઇને બેઠું હોય એ આખું સૈન્ય કે એના અમુક સૈનિકો ગુમરાહ થઇ જાય અને શરીરના કોષોને ખતમ કરી શકે એવાં શસ્ત્રો (એન્ટિબોડી) બનાવવા લાગે ત્યારે શરીરના કોષોની હાલત કફોડી થઇ જાય. કારણકે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે એ કોષોને બચવા માટે કોઇ આરો રહેતો નથી.
જો કે શરીરમાં સત્તા કે ખુરશીની સાઠમારી નથી હોતી એટલે સત્તા મેળવવા માટેના ખુલ્લા ઇરાદાથી શ્વેતસૈન્ય બળવો નથી કરતું. અને બળવાથી શરીરને ગમે એટલું નુકશાન થાય પણ શ્વેતસૈન્યને કોઇ કરતાં કોઇ ફાયદો થતો નથી. એટલે આવા શરીરના પોતાના કોષો સામે જ યુદ્ધે ચડવાના બનાવો બહુ જૂજ હોય છે અને એનું કારણ કોઇ બદઇરાદો નહીં પણ શ્વેતસૈનિકોની 'પોતીકા' કોષોને ન ઓળખી શકવાની ભૂલ હોય છે. કેટલીકવાર શરીરના કોષોના એન્ટિજન (ઓળખપત્ર)વાળાં દુશ્મન જંતુઓ શરીર પર હુમલો કરે ત્યારે શ્વેતસૈન્ય ગેરમાર્ગે દોરાઇ જાય છે અને દુશ્મનની સાથે સાથે એના જેવા જ એન્ટિજન ધરાવતા શરીરના કોષોનો પણ ખાત્મો બોલાવી દે છે.
આ સિવાય પણ બીજી અનેક 'ભૂલો' ને કારણે શ્વેતસૈન્ય શરીરના કોષો સામે યુદ્ધે ચડે છે. જુદી જુદી વસ્તુઓ અને કોષોના એન્ટિજનની વાત કરી ત્યારે આપણે જોઇ ગયેલા કે શરીરના દરેકે દરેક કોષો પર HLA પ્રકારનું એન્ટિજન હોય છે. અને આ HLA એન્ટિજન જુદાં જુદાં માણસના કોષ માટે જુદું જુદું હોય છે. પણ એક માણસના બધા કોષો એક સરખું HLA એન્ટિજન ધરાવે છે. આ HLA એન્ટિજન તો રાષ્ટ્રીય ધ્વજની જેમ એક શરીરના દરેકેદરેક કોષ પર લહેરાયા કરે છે અને જે કોષ આ એન્ટિજન ન ધરાવતાં હોય એ દરેકને શ્વેતસૈનિકો પરદેશી ઘૂસણખોર ગણીને હાંકી કાઢે છે. (રક્તકણો આમાં અપવાદરૂપ છે.) આ જ કારણસર એક માણસની કિડની બીજા માણસમાં મૂકવામાં આવે તો એ 'પરદેશી' કિડની, તેના કોષ પરના HLA એન્ટિજન શરીરના અન્ય HLA એન્ટિજન કરતાં જુદાં પડતા હોવાથી, શ્વેતસૈનિકોના હુમલાનો ભોગ બને છે.
ક્યારેક લાંબા સમયના હઠીલા ચેપને કારણે પણ શરીરના HLA ના 'રાષ્ટ્રધ્વજ' પર વાઇરસ કે બેક્ટેરિયાના એન્ટિજનનો બીજો 'રંગ' લાગી જાય છે અને પરિણામે શરીરના અન્ય HLA થી જુદા પડવાને કારણે શરીરના કોષોનો પણ નાશ થવા લાગે છે. HLA એન્ટિજનને આધારે 'પોતીકા' અને 'પારકા' કોષોનો ભેદ પારખવાનું કામ ઇમ્યૂનતંત્રના સૌથી વધુ જવાબદાર અફસર ટી-લિમ્ફોસાઇટ કરે છે. આ ટી-લિમ્ફોસાઈટને માણસ જન્મે એ પહેલાંથી, માના ગર્ભમાં જ 'પોતીકા' કોષોની ઓળખાણ કરાવી દેવામાં આવે છે અને ટી-લિમ્ફોસાઇટ આખી જીંદગી સુધી આ પોતીકા કોષોને ધ્યાનમાં રાખી એમની હાજરી સ્વીકારી લે છે. ગર્ભાવસ્થાની આ ઓળખપરેડ દરમ્યાન કેટલાક આંતરિક કોષોની ઓળખ ટી-લિમ્ફોસાઇટને બરાબર થઇ નથી શક્તી. આંખના લેન્સમાં, મગજ અને ચેતાતંત્રના અમુક ભાગોમાં, થાઇરોઇડ અને શુક્રપિંડમાં રહેલા અમુક કોષોની આ રીતે ટી-લિમ્સફોસાઇટ સાથે ઓળખ બાકી રહી જાય છે.
જો કોઇ કારણસર (દા.ત. માર લાગવાથી) આ ટી-લિમ્ફોસાઇટ માટે અજાણ્યાં સગાંઓ, ટી-લિમ્ફોસાઇટના સંપર્કમાં આવે તો નાનપણથી કોઇ જાતનો પરિચય ન હોવાથી ટી-લિમ્ફોસાઇટ આ કોષોને પણ દુશ્મન ઘૂસણખોર જ સમજી લે છે અને શંકર ભગવાનને ગણપતિ સાથે કરેલું એવું જ યુદ્ધ શરૂ કરી દે છે.
આમ જુદી જુદી અનેક 'ભૂલો' શ્વેતસૈન્યને બળવા તરફ દોરી જાય છે. ટી-લિમ્ફોસાઇટની વાત કરી ત્યારે આપણે એના જુદા જુદા પ્રકાર જોયેલા- યુદ્ધ શરૂ કરવા માટે પ્રેરક-ટી-લિમ્ફોસાઇટ વગેરે. શ્વેતસૈન્ય જ્યારે બળવો કરે ત્યારે બિનજરૂરી યુદ્ધને કાબૂમાં રાખવા માટે જરૂરી નિયંત્રક ટી-લિમ્ફોસાઇટની સંખ્યા ઘણી ઓછી થઇ ગયેલી હોય છે. એટલે બ્રેક વગરની ગાડીની જેમ શ્વેતસૈન્ય જ્યાં ને ત્યાં, જેની તેની સાથે બાખડી પડે છે. હજી સુધી શ્વેતસૈન્યના બળવાનું ચોક્કસ કારણ વૈજ્ઞાનિકો શોધી નથી શક્યા પણ શક્ય છે કે નિયંત્રણ ટી-લિમ્ફોસાઇટની ગેરહાજરી (કે અલ્પહાજરી) 'બળવા' માટેનું એક અગત્યનું પરિબળ હોય.
'બળવા'નું કારણે ગમે તે હોય એનું પરિણામ તો એક જ આવે છે, નુકશાન! શ્વેતસૈન્યના આ 'બળવા'ને વૈજ્ઞાનિકો અંગ્રેજીમાં 'ઓટો-ઇમ્યૂનિટી' તરીકે ઓળખે છે અને એનાથી ઉત્પન્ન થતાં રોગો ''ઓટો-ઇમ્યૂન-ડિસીઝ'' કહેવાય છે. જો શ્વેતસૈનિકોનો બળવો અમુક ચોક્કસ અવયવ કે તંત્ર પૂરતો મર્યાદિત રહે તો નુકશાન એટલાં ભાગ પૂરતું સીમિત રહે છે. ર્હ્યૂમેટિક હાર્ટ ડિસીઝ, માયેસ્થેનિયા ગ્રેવીસ, નેફ્રાઇટિસ, થાઇરોઇડાઇટસ વેગેરે આવા મર્યાદિત બળવાથી થતાં રોગોના સર્વસામાન્ય ઉદાહરણો છે. જ્યારે ઓડિટોઇલ્યૂન-ડિસીઝના બીજા પ્રકારમાં શરીરના ઘણાં બધા અવયવો એક સાથે સંડોવાય છે. આવા આખા શરીરને સંડોવતા 'બળવાજન્ય' રોગોમાં મૂળભૂત નુકશાન શરીરની રક્તવાહિનીઓને થાય છે. રક્તવાહિનીઓને થયેલાં નુકશાનને કારણે એમાંથી લોહી મેળવતા શરીરના ઘણાં બધા અવયવોએ પણ નુકશાન વેઠવું પડે છે. જો કે રક્તવાહિનીઓ ઉપરાંત સાંધાઓ અને ચામડી પર પણ ઘણું નુકશાન થાય છે. ર્હ્યૂમેટોઇડ આર્થ્રાઇટિસ તરીકે ઓળખાતો સંધિવા અને એને મળતાં અન્ય રોગો આ બીજા પ્રકારના આખા શરીરને સંડોવાતા ઓટો-ઇમ્યૂન-ડિસીઝનાં ઉદાહરણ છે.
કેટલાંક જાણીતા સર્વસામાન્ય ઓટો-ઇમ્યૂન રોગોને જરાક નજીકથી જોઇએ :
આપણાં દેશના દર હજાર માણસમાંથી આશરે બે થી પાંચ માણસ આ રોગનો શિકાર બને છે. હ્રદયની જુદી જુદી બીમારીઓના દર્દીઓમાંથી આશરે વીસ થી પચ્ચીસ ટકા જેટલાં દર્દી ર્હ્યૂમેટિક હાર્ટડિસીઝના જોવા મળે છે. આમ, આપણાં દેશના લાખો લોકો શ્વેતસૈન્યની નાની અમથી ભૂલને કારણે આખી જિંદગી સુધી ''વાલ્વની બીમારી''ના સિકાર બની રહે છે.
આ રોગની શરૂઆત કંઇક આમ થાય છે. સૌથી પહેલાં ગીચ વસ્તીમાં રહેતા બાળકના ગળામાં, એક પ્રકારના સ્ટ્રેપ્ટોકોકાઇ તરીકે ઓળખાતા બેક્ટેરિયા ચેપ લગાવે છે. બેક્ટેરિયાના ચેપને કારણે બાળકને ગળું આળું લાગે છે, બેચેની લાગે અને ક્યારેક થોડો તાવ આવે. પણ ઘણીવાર તો દર્દીને ખબર પણ નથી પડતી કે ગળામાં કંઇક થયેલું. જેવાં દુશ્મન બેક્ટેરિયા શરીરમાં ઘૂસે કે તરત જ, સ્વાભાવિક ક્રમમાં જ, આપણાં શ્વેતસૈનિકો સતર્ક થઇ જાય છે અને બેક્ટેરિયા સામે મોરચો માંડી દે છે. હવે આપણા દુર્ભાગ્યે, હ્રદયના વાલ્વના એન્ટિજન આ ચોક્કસ જાતના સ્ટ્રેપ્ટોકોકાઇ એન્ટિજનને ખૂબ મળતા આવે છે. ટૂંકમાં આ બેક્ટેરિયાના રાષ્ટ્રધ્વજ જેવો જ હ્રદયના વાલ્વ પર પહેલેથી જ હોય છે. દુશ્મનને ખતમ કરવા માટે ખાઇ-પીને લાગી પડેલ શ્વેતસૈનિકો, બેક્ટેરિયાના અને હ્રદયના વાલ્વના એન્ટિજનને અલગ અલગ ઓળખવામાં થાપ ખાઇ જાય અને જેટલાં જોશથી એમણે બેક્ટેરિયા પર હુમલો કર્યો હોય એટલાં જ જોશથી શરીરના પોતાના હ્રદયના તંદુરસ્ત વાલ્વ પર તૂટી પડે છે.
ધીમે ધીમે વાલ્વને નુકશાન થયા કરે છે અને શ્વેતસૈનિકોના મારથી ઘવાયેલ વાલ્વ જ્યારે રુઝાય છે ત્યારે દાઝ્યા પછી રુઝાતી ચામડી જેવો વિકૃત અને બરડ થઇ જાય છે. વાલ્વની કુદરતી સ્થિતિસ્થાપકતા ખોરવાઇ જાય છે અને હ્રદયની એક ચેમ્બરમાંથી બીજી ચેમ્બરમાં જતાં લોહીનું વ્યવસ્થિત નિયંત્રણ થઇ નથી શક્તું.
હ્રદયના ચાર વાલ્વમાંથી ડાબા હ્રદયના બે વાલ્વને સૌથી વધુ નુકશાન થાય છે. એમાં પણ ડાબા હ્રદયના કર્ણક(એટ્રીયમ)માંથી ડાબા હ્રદયના ક્ષેપક-(વે(ન્ટ્રકલ) ના રસ્તામાં આવતો માઇટ્રલ વાલ્વ મોટા ભાગના કિસ્સાઓમાં સંડોવાય છે. જો નુકશાન થાય પછી આવતી વિકૃતિથી વાલ્વનો રસ્તો સાંકડો થઇ ગયો હોય તો લોહીનો પ્રવાહ રૂંધાય છે, જે માઇટ્રલ સ્ટ્રીનોસીસ તરીકે ઓળખાય છે. આની સામે વન-વે વાલ્વનું કામ કરતો આ વાલ્વ જરૂર પડ્યે બરાબર બંધ ન થઇ શકે તો જે બાજુથી લોહીનો પ્રવાહ પાછો ન આવવો જોઇએ એ બાજુથી વાલ્વમાંથી 'લીક' થઇને લોહીનો ઊંધો પ્રવાહ આવે છે, જે માઇટ્રલ રિગર્જીટેશન તરીકે ઓળખાય છે.
ટૂંકમાં વાલ્વ બગડી જવાથી હ્રદયના કામકાજમાં વિક્ષેપ આવે છે, જેને પોતાની વધારાની તાકાત વાપરીને થોડા વર્ષો માટે તો હ્રદય નીભાવી લે છે. પણ છેવટે જ્યારે વાલ્વની ખરાબી ખૂબ વકરી જાય ત્યારે હ્રદયનું કામકાજ સદંતર ખોરવાઇ જાય છે ને દર્દીને શ્વાસ ચડવાની, છાતીમાં ધડકન વધી જવાની, ખાંસી આવવાની, પગે સોજા ચડી જવાની તકલીફો શરૂ થઇ જાય છે.
એકવાર વાલ્વમાં ખરાબી આવ્યા પછી કોઇ દવાથી સારૂ થઇ શક્તું નથી. અને દવાઓ તો માત્ર રોગોને વધુ વકરતો અટકાવવાના આશયથી જ આપવામાં આવે છે. ખરાબ થઇ ગયેલ વાલ્વને ઓપરેશનની મદદથી ઠીકાઠીક કરી શકાય અથવા બદલી શકાય. વળી રોગને વકરતો અટકાવવા માટે ફરીથી સ્ટ્રોપ્ટોકોકાઇ બેક્ટેરિયા ગળામાં ચેપ કરી શ્વેતસૈનિકોને ઉશ્કેરે નહીં એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી થઇ પડે છે. આ માટે સાવચેતીના પગલાં સ્વરૂપે આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે તો તરત એને ખતમ કરી નાંખે એવી એન્ટિબાયોટિક દવા આપવામાં આવે છે. આપણે ત્યાં સામાન્ય રીતે બેન્ઝાથીન પેનિસિલીન નામની લાંબા સમય (આશરે એક મહિના) સુધી લોહીમાં રહી શક્તી એન્ટિબાયોટિક દવાનું ઇંજેક્શન દર મહિને અથવા દર એકવીસ દીવસે આપવામાં આવે છે. બીજા કોઇ પણ પેનિસિલીન ઇંજેક્શનની જેમ જ આ ઇંજેક્શન પણ ટેસ્ટ ડોઝ કર્યા પછી જ અપાય છે અને આનાથી સ્ટ્રોપ્ટોકોકાઇ શરીરમાં પ્રવેશતાની સાથે જ ખતમ થઇ જતાં હોવાથી શ્વેતસૈનિકોની બિનજરૂરી ઉશ્કેરણી અટકી શકે છે. રોગ પરખાયા પછી, પાંચ વર્ષથી માંડીને આખી જીંદગી સુધી, દર્દીની સ્થિતિ અને ડોક્ટરની માન્યતાને આધારે આ ઇંજેક્શન લેવા પડે છે.
આપણાં યુવાનોમાં અમિતાભ બચ્ચનના રોગ તરીકે જાણીતો આ રોગ શરીરના સ્નાયુઓને નબળાં બનાવી દે છે. આપણાં શરીરના સ્નાયુઓની કામગીરી બહુ અટપટી હોય છે. હાથ-પગ, આંખ-મોંના સ્નાયુઓનું હલન-ચલન તો કઠપૂતળી જેવું હોય છે. એની પાછળનો દોરીસંચાર મગજમાં થતો હોય છે.
જ્યારે મગજમાં અમુક કામ કરવાની કે હલન-ચલન કરવાની ઇચ્છા થાય ત્યારે, ક્રિયા સાથે સંકળાયેલાં સ્નાયુઓને, મગજના કોષો ચેતાતંતુ દ્વારા સંદેશો મોકલાવે છે. ચેતાતંતુમાં, ઇલે(ક્ટ્રકના તારની માફક મગજથી સ્નાયુ સુધી, સંદેશાનું ઇલે(ક્ટ્રક સ્વરૂપે વહન થાય છે. પછી સ્નાયુ પાસેના છેડાએ ઇલે(ક્ટ્રક શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે. જે રીતે ટેલિગ્રામના સંદેશાનું ઇલે(ક્ટ્રક તારથી વિદ્યુતપ્રવાહ સ્વરૂપે વહન થાય અને જ્યાં સંદેશો પહોંચાડવાનો હોય એ જગ્યાએ આ ઇલે(ક્ટ્રક સંદેશો, આપણે વાંચી શકીએ એવાં લેખિત સ્વરૂપમાં ફેરવાઇ જાય છે, એ જ રીતે ચેતાતંતુમાં મગજથી સ્નાયુ સુધી પહોંચેલો ઇલે(ક્ટ્રક સંદેશો સ્નાયુ પાસે પહોંચીને સ્નાયુ સમજી શકે એવાં રસાયણના સ્વરૂપમાં ફેરવાઇ જાય છે.
આ રસાયણનું નામ છે એસિટાઇલ કોલીન. એસિટાઇલ કોલીન એ એક માત્ર રાસાયણિક સંદેશો છે, જેની ભાષા સ્નાયુઓ સમજી શકે છે. આ રાસાયણિક સંદેશાને વાંચવા સ્નાયુની બહારની સપાટી પર ખાસ જાતની આંખ આવેલી હોય છે, જેને વૈજ્ઞાનિકોએ 'રિસેપ્ટર' એવું નામ આપ્યું છે. ચેતાતંતુમાંથી નીકળેલું એસિટાઇલ કોલીન જેવું સ્નાયુ પર આવેલાં આ 'કોલીન રિસેપ્ટર' પર ગોઠવાય છે કે તરત આ રિસેપ્ટર સંદેશો વાંચી લઇને સ્નાયુને સંકોચાવા માટે સક્રિય કરે છે. અને આમ મગજમાં આવેલ વિચાર સ્નાયુના હલનચલનરૂપી પ્રવૃત્તિમાં પરિણમે છે!
માયેસ્થેનિયા ગ્રેવિસમાં, કોઇક કારણસર સ્નાયુની રસાયણિક સંદેશ વાંચવાની આંખો ઉર્ફે કોલીન રિસેપ્ટરની સામે શ્વેતસૈનિકો એન્ટિબોડી બનાવે છે અને ઘણાં બધા રિસેપ્ટર આ શ્વેતસૈનિકોના હુમલાથી નાશ પામે છે. રિસેપ્ટરના અભાવે સ્નાયુઓ ચેતાતંતુના રાસાયણિક સંદેશાને સમજી શક્તા નથી અને મગજની ગમે એટલી ઇચ્છા હોય પણ સ્નાયુ સુધી એ સંદેશો પહોંચી જ નથી શક્તો અને પરિણામે માણસ લકવો થઇ ગયો હોય એવી લાચારી અનુભવે છે.
સામાન્ય રીતે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં આ રોગ વધારે જોવા મળે છે. શરૂઆતમાં માત્ર આંખના સ્નાયુઓને જ અસર થાય એવું બને. આને કારણે લાંબા સમય સુધી એક બાજુ જોયા પછી આંખના સ્નાયુઓ થાકી જાય છે અને એટલે ક્યારેક એક વસ્તુ ડબલ હોય એવું દેખાય છે. માથું સીધુ રાખી લાંબો સમય ઉપર જોવાથી આંખના પોપચા થાકી જાય છે. અને દર્દીના અનેક પ્રયત્નો છતાં પોપચાં આપોઆપ ઢળી પડે છે અને આંખો બંધ થઇ જાય છે.
આ જ રીતે રોગો આગળ વધતાં શરીરના ઘણાં બધા સ્નાયુઓને અસર થવા લાગે છે. થોડુંક જ કામ કરવી દર્દી થાકી જાય છે. માથુ ઓળતા ઓળતાં હાથ થાકી જાય, ચાવતા ચાવતા જડબા થાકી જાય, બોલતા બોલતા અવાજ મંદ પડવા લાગે અને જીભ થોથવાવા લાગે...... આવાં અનેક ઉદાહરણો વારંવાર બનવા લાગે છે. ક્યારેક વારંવાર સ્મિત આપ્યા પછી પણ માણસ સ્મિત આપતા આપતાં પણ થાકી જાય છે!!
સ્નાયુઓના રિસેપ્ટર સામે જ ઇમ્યૂનતંત્ર બળવો કરવા માટે કેમ પ્રેરાય છે એનું કારણ હજી સુધી મળી શક્યું નથી પણ મોયેસ્થેનિયાના મોટા ભાગના દર્દીઓમાં ટી-લિમ્ફોસાઇટની સ્કૂલ જેવી થાઇમસ ગ્રંથિ મોટી થઇ ગયેલી હોય છે. અને આ થાઇમસ ગ્રંથિ ટી-લિમ્ફોસાઇટને ઊંધું શિક્ષણ આપીને ત્રાસવાદી છાવણી જેવું કામ કરતી હોય એવું શક્ય છે. કેટલાક દર્દીઓમાં તો થાઇમસ ગ્રંથિને જ કેન્સરની અસર થઇ ગઇ હોય છે! જે શાળા જ ભ્રષ્ટ હોય એના વિદ્યાર્થી પણ એવા જ થાય ને!
માયેસ્થેનિયા ગ્રેવીસ રોગ સાજો કરી દે એવી કોઇ દવા શોધી શકાય નથી. માત્ર રોગના લક્ષણોને કાબૂમાં રાખે અને રોગનો ફેલાવો વધતો અટકે એ માટે જુદી જુદી દવાઓ વપરાય છે. પાઇરીડોસ્ટીગ્મીન અને નિયોસ્ટીગ્મીન નામની દવાઓ ચેતાતંતુમાંથી નીકળેલ રસાયણ એસિટાઇલ કોલીન લાંબા સમય સુધી સ્નાયુની આસપાસ રહીને, બાકી બચેલ રિસેપ્ટર પર કામ કરી શકે એ માટેનો પ્રયત્ન કરે છે. દવાઓથી મોટા ભાગના દર્દીઓ તેમની તકલીફમાં સારી એવી રાહત અનુભવે છે.
રોગને વકરતો અટકાવવા માટે, બીજા ઓટો-ઇમ્યૂન રોગોની જેમ જ માયેસ્થેનિયા ગ્રેવીસમાં પણ સ્ટીરોઇડ અને અન્ય ઇમ્યૂનોસપ્રેસીવ દવાઓ વાપરવામાં આવે છે. જે દર્દીને સાથોસાથ થાઇમસની ગાંઠ પણ હોય તેમને ઓપરેશનથી ગાંઠ કઢાવી નાંખવાની સલાહ અપાય છે.
ડાયાબિટીસનું નામ ઓટો-ઇમ્યૂન રોગોના લિસ્ટમાં જોઇને ઘણાંના ભવાં ઊંચા થઇ ગયાં હશે. ડાયાબિટીસ(મધુપ્રમેહ)ના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે. એક પ્રકારના સામાન્ય રીતે ચાળીસથી મોટા, સ્થૂળ, બેઠાળું લોકોમાં થતો ડાયાબિટીસ, જેમાં કસરત, પરેજી અને દવાઓથી રોગ કાબૂમાં આવી જાય છે ને ભાગ્યે જ ઇન્યૂલીનના ઇંજેક્શન લેવા પડે છે. બીજો પ્રકાર નાના છોકરાથી માંડી યુવાનોમાં જોવા મળે છે, જેમાં ઇન્સ્યૂલીનના ઇંજેક્શન લીધા વગર ચાલતુ જ નથી. અત્યારે આપણે આ બીજા પ્રકારના ઇન્સ્યૂલીન પર આધારિત ડાયાબિટીસની વાત કરીએ છીએ એટલે હવેની ચર્ચામાં જ્યાં જ્યાં ડાયાબિટીસની વાત આવે ત્યાં આ ઇન્સ્યૂલીન પર આધારિત ડાયાબિટીસની વાત છે એમ સમજવું.
આરોગ્યશાસ્ત્રમાં થોડો ઘણો પણ રસ ધરાવતાં બધા જ લોકો જાણે છે કે ડાયાબિટીસમાં શરીરની અંદર આવેલ પે(ન્ક્રયાસમાંથી ઇન્સ્યૂલીન ઉપરાંત બીજા પણ સ્રાવ અને પાચકરસો ઝરે છે. ઇન્સ્યૂલીનનું ઉત્પાદન પે(ન્ક્રયાસના બીટા કોષમાં થાય છે. ઇન્સ્યૂલીન-આધારિત ડાયાબિટીસમાં ઇમ્યૂનતંત્ર, પે(ન્ક્રયાસના આ બીટા કોષને પોતાનું નિશાન બનાવે છે અને જોતજોતામાં બીટા કોષો સામે થયેલો બળવો બીટાકોષનું નામોનિશાન મિટાવી દે છે!
ઇમ્યૂનતંત્રના શ્વેતસૈનિકો આ બીટા કોષો સામે કેમ વિફરે છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી પણ આ બળવા માટે જવાબદાર કેટલાંક અગત્યના પરિબળો શોધી શકાયા છે. નાની ઉંમરે થતો ડાયાબિટીસ જે લોકોના કોષો પર અમુક ચોક્કસ પ્રકારના HLA એન્ટિજન હોય એ લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ HLA એન્ટિજન ડાયાબિટીસ કરવા માટે કોઇ રીતે જવાબદાર નથી હોતા. માત્ર એ તો એટલી શારીરિક લાક્ષણિકતા બતાવે છે, કે HLADR3 અથવા HLADR4 પ્રકારનાં HLA એન્ટિજન ધરાવતા લોકોનું શારીરિક બંધારણ એવું હોય છે કે જેનાથી તેમને અન્ય લોકો કરતાં વધુ પ્રમાણમાં ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે.
બીજું એવું જોવા મળ્યુ છે કે અમુક ઋતુમાં જ અને અમુક વાઇરસના ચેપ લાગ્યા પછી ડાયાબિટીસના નવા કેસોની સંખ્યા વધારે હોય છે. આ પરથી એક એવાં સિદ્ધાંતનું અનુમાન કરવામાં આવ્યું છે કે વાઇરસનો ચેપ લાગવાથી બીટાકોષોના બાહ્ય એન્ટિજન પર વાઇરસનું એન્ટિજન વધારવામાં લાગી જવાથી અથવા ઇન્ફ્લેમેશનને કારણે બીટાકોષના એન્ટિજનમાં ફેરફાર થવાથી શ્વેતસૈનિકો બીટાકોષોને શરીરના 'પોતીકા' કોષ ગણવાને બદલે એન્ટિજનની હાજરીને કારણે 'પારકા' ગણવા લાગે છે અને શરીરમાં ઘૂસેલાં અન્ય કોઇ પણ પારકા એન્ટિજનની માફક જ આ બીટાકોષો પર શ્વૈતસૈન્ય તૂટી પડે છે.
નાની ઉંમરે થતાં ડાયાબિટીસના ઘણાં દર્દીઓમાં, બીટાકોષની સામે લડવા તૈયાર થયેલાં અનેક એન્ટિબોડી જોવા મળે છે. આ એન્ટિબોડી અને અન્ય શ્વૈતસૈનિકોના હુમલાથી મોટા ભાગના બીટાકોષો જ્યારે ખતમ થઇ જાય ત્યારે દેશના મોટા ઉત્પાદક કારખાના પર જ્યારે ત્રાસવાદીઓનો બોમ્બ પડ્યો હોય અને એ કારખાના બનતી વસ્તુઓની આખા દેશમાં ખેંચ વર્તાવા લાગે એમ શરીરના બીટાકોષમાં બનતાં ઇન્સ્યૂલીનની ખોટ વર્તાવા લાગે છે.
ઇન્સ્યૂલીનનું કામ લોહીમાં ફરતાં ગ્લૂકોઝને શરીરના બધા કોષો વાપરી શકે એ માટે આ કોષોમાં ગ્લુકોઝને પ્રવેશવાનો રાસાયણિક દરવાજો ખોલી આપવાનું છે. ઇન્સ્યૂલીનની અછતથી આ કોષોનો ગ્લુકોઝ વાપરવા માટેનો દરવાજો બંધ જ રહે છે. પરિણામે લોહીમાં ઘણું બધુ ગ્લુકોઝ હાજર હોવા છતાં શક્તિ આપવા માટે તે કોષોમાં નથી પ્રવેશી શક્તું અને લોહીમાં જ ગ્લુકોઝનો ભરાવો થવાથી વધારાનું ગ્લુકોઝ પેશાબ વાટે શરીરની બહાર નીકળવા લાગે છે. આવી ગેરવ્યવસ્થા સર્જાવાથી શરીરની ચયાપચયની ક્રિયા ખોરવાઇ જાય છે અને ઘણી જાતના રાસાયણિક કોમ્પ્લિકેશનો ઉભા થઇ શકે છે.
નાની ઉંમરે થતાં ઇન્સ્યૂલીન-આધારિત ડાયાબિટીસની (નામ સૂચવે છે એમ) એકમાત્ર દવા કૃત્રિમ ઇન્સ્યૂલીન છે. દેશમાં જ્યારે જીવનજરૂરી ચીજનું કારખાનું ત્રાસવાદીઓ ફૂંક મારે ત્યારે એ ચીજની પરદેશી આયાત કરવી પડે છે, એ જ રીતે શરીરમાં બીટાકોષોનું સત્યનાશ થઇ જતાં ઇંજેક્શન વાટે બહારથી ઇન્સ્યૂલીન આપવું પડે છે.
આંગળી, કાંડું, ઘૂંટણ વગેરે સાંધાઓનો દુ:ખાવો મોટી ઉંમરના માણસોમાં ઘણીવાર જોવા મળે છે. એક કરતાં વધારે સાંધાઓ જ્યારે લાંબા સમય સુધી દુખતા હોય અને ખાસ તો આ સાંધાઓ સવારના સમયે એકદમ અકડાઇ જઇને પછી કલાકે-બે કલાકે ધીમે ધીમે છૂટા થતાં હોય ત્યારે ર્હ્યૂમેટોઇડ આર્થ્રાઇટિસની શંકા ઊભી થાય છે. (આર્થ્રાઇટિસ એટલે સાંધાનું ઇન્ફ્લેમેશન)
બીજા ઘણાં ઓટો-ઇમ્યૂન રોગોની જેમ આ રોગ કેમ થાય છે તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ આ રોગના દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓમાં ર્હ્યૂમેટોઇડ ફેક્ટર નામનું એક એન્ટિબોડી જોવા મળે છે. એ એન્ટિબોડી બહુ રસપ્રદ છે. બીજા બધાં એન્ટિબોડી શરીરમાં બહારથી ઘૂસી આવતાં બાહ્ય એન્ટિજનને ખતમ કરવા માટે બને છે જ્યારે આ ર્હ્યૂમેટોઇડ ફેક્ટર તરીકે ઓળખાતું એન્ટિબોડી, શરીરના પોતાના lgG પ્રકારના એન્ટિબોડીના Fc ભાગ સામે તકાયેલું હોય છે. એટલેકે દુશ્મનને મારવા માટેના શસ્ત્રને જ ખતમ કરતું બીજુ શસ્ત્ર શરીર બનાવે છે. આ એન્ટિ-lgG એન્ટિબોડીનું કામ શું છે, તે શા માટે બને છે અને ઇમ્યૂનતંત્રની કામગીરીને એટલી અસર કરે છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી. વળી, ર્હ્યૂમેટોઇડ આથ્રાઇટિસ સિવાયના પણ કેટલાક હઠીલા રોગોના દર્દીઓમાં (જેમાં જૂના મલેરિયાનો પણ સમાવેશ થાય છે) પણ આવું એન્ટિબોડીની સામેનું એન્ટિબોડી જોવા મળે છે.
lgG એન્ટિબોડી સાથે આ ર્હ્યૂમેટોઇડ ફેક્ટર જોડાવાથી 'એન્ટિજન-એન્ટિબોડી સંકુલ' બને છે, જે રક્તવાહિની, ચામડી કે સાંધા પર પહોંચી જાય તો ત્યાં રણમેદાન કરી મૂકે છે. પરિણામે, જે તે અવયવને ભારે નુકશાન વેઠવું પડે છે. આ એન્ટિજન એન્ટિબોડી સંકુલને કારણે અથવા ટી-લિમ્ફોસાઇટ દ્વારા સાંધા પરના હુમલાને કારણે થવા અન્ય કોઇ વણ-ઓળખાયેલ કારણને, લીધે ર્હ્યૂમેટોઇડ આર્થ્રાઇટિસમાં જુદાં જુદા નાના મોટા સાંધાઓમાં ઇન્ફ્લેમેશનની શરૂઆત થાય છે અને ધીમે ધીમે સાંધાને નુકશાન વધતું રહે છે. આ સાંધાઓમાં ઇમ્યૂનતંત્રના યુદ્ધને ઉશ્કેરતાં પ્રેરક ટી-લિમ્ફોસાઇટનું પ્રમાણ યુદ્ધને ઠંડું પાડતાં નિયંત્રક-ટી-લિમ્ફોસાઇટ કરતાં ઘણું વધારે હોય છે. એટલે કોઇ પણ કારણે થયેલું નાનુ છમકલું મોટા રમખાણનું સ્વરૂપ લઇ લે છે, જેને કારણે સાંધાઓએ ઘણું નુકશાન સહન કરવાનું આવે છે.
ર્હ્યૂમેટોઇડ આર્થ્રાઇટિસમાં સાંધાઓના દુખાવાથી માણસ હેરાન-પરેશાન થઇ જાય છે. વેળાસર દવા શરૂ કરવામાં ન આવે તો હાથના સાંધાઓમાં નુકશાન વધવા લાગે છે. અને આંગળીઓ સીધી રહેવાને બદલે વાંકીચૂંકી થઇ જાય છે. ક્યારેક કોણીની પાસે એકાદ ગાંઠ જેવું પણ જોવા મળી શકે.
આ રોગની સારવાર માટે દર્દશામક એન્ટિઇન્ફ્લેમેટરી દવાઓ ઉપરાંત સોનાના ક્ષાર અને ક્લોરોક્વીન જેવી મલેરિયામાં વપરાતી દવાઓ પણ વપરાય છે.
ર્હ્યૂમેટોઇડ આર્થ્રાઇટિસ ઉપરાંત, લુપસ એરિથમેટોસસ, એન્કાયલોસિંગ સ્પોન્ડીલાઇટિસ, વાસ્કયુલોઇટિસ વગેરે અનેક રોગો ઇમ્યૂનતંત્રના બળવાને કારણે થઇ શકે છે.