અત્યાર સુધી આપણે શરીરના પોતાના સૈન્યની વાત વિગતે કરી. હવે આ સૈન્ય જેની સામે મોરચો બાંધે છે એવા દુશ્મનો અંગે જાણકારી મેળવીએ. શરીરની અંદર પહોંચી નુકશાન કરનાર પરોપજીવી સૂક્ષ્મ જંતુઓ શરીરના એક નંબરના દુશ્મન છે. આ સૂક્ષ્મ જંતુઓને, તેમની લાક્ષણિકતા પ્રમાણે વાઇરસ, બેક્ટેરિયા, પ્રોટોઝૂઆ, મેટેઝૂઆ, ફન્ગસ વગેરે જુદા જુદા જૂથમાં વહેચીં દેવામાં આવ્યા છે. દરેક જૂથના જંતુઓ જુદી જુદી વ્યૂહરચનાથી શરીર પર આક્રમણ કરે છે અને એક જ જુ્રૂથના જંતુઓ પણ પોતપોતાની લાક્ષણિકતા મુજબ શરીરના જુદાં જુદાં અવયવોને નુકશાન કરે છે.
આ દુશ્મનો ખૂબ નાના અને ચબરાક હોય છે. તેમનામાં સૌથી નાના કદના સૂક્ષ્મ જંતુઓ 'વાઇરસ' તરીકે ઓળખાય છે. મોટામાં મોટો વાઇરસ પણ શરીરરક્ષક દળના એક સૈનિક (ધારો કે નાના લિમ્ફોસાઇટ) કરતાં ત્રીસમાં ભાગનો હોય છે. અને સૌથી નાનો વાઇરસ પાંચસોમા ભાગનો!! એટલે કે કદની બાબતમાં તો આ દુશ્મનો આપણાં સૈન્યની કંઇ વિસાતમાં જ નથી. પણ જે રીતે મહાકાય અમેરિકાને ટચૂકડું વિયેટનામ હંફાવી જાય એ જ રીતે આ ચરબાક ટચૂકડાં વાઇરસ આપણા સૈન્યને નાકે દમ લાવી દે છે.
વાઇરસ અંગે ઘણાં લોકોના મનમાં એવી છાપ ઊભી થઇ જતી હોય છે કે જ્યારે ''ડોક્ટર કહે છે કે આ તો વાઇરસથી થતો રોગ છે.'' એટલે સમજી લેવાનું કે ડોક્ટરને દર્દીથી વિશેષ આ રોગ વિષે કંઇ જ ખબર નથી! આજથી પચાસેક વર્ષ પહેલાં કંઇક આવી સ્થિતિ હતી, પણ આ જે તો મોટા ભાગના બધાં વાઇરસો વિષે અને એમની કાર્યપદ્ધતિ (યુદ્ધ-વ્યૂહ) વિષે ઘણી બધી બાબતોની જાણકારી આપણી પાસે છે અને તેને આધારે શીતળા જેવાં મહાભયંકર વાઇરસજન્ય રોગથી જગત આખું છુટકોરો પણ મેળવી શક્યું છે.
વાઇરસ એક એવી અદભૂત રચના છે કે વૈજ્ઞાનિકો પણ હેરાન થઇ ગયા છે. સામાન્ય રીતે દરેક સજીવને જીવંત રહેવા માટે હવા, પાણી, ખોરાક કશાની જરાયે જરૂર પડતી નથી! જ્યાં સુધી વારઇસ ખુલ્લાં વાતાવરણમાં મુક્તપણે ફરતાં હોય ત્યાં સુધી એની કોઇ દેહધા(ર્મક ક્રિયાઓ થતી જ નથી!! જ્યારે એ વાઇરસ અન્ય કોઇ જીવંત કોષમાં દાખલ થાય ત્યારે ત્યાં પણ એને ખાવા પીવાની કોઇ પડી જ નથી હોતી. માત્ર એક વાઇરસમાંથી એક જેવાં બીજા ઘણાં વાઇરસ પેદા કરવા માટે જ તે અન્ય જીવંત કોષોમાં પ્રવેશે છે. આમ વાઇરસનું એક માત્ર ધ્યેય પોતાની સંખ્યામાં વધારો કર્યા કરવાનું હોય છે. એને વસ્તીવધારાનો કોઇ પ્રશ્ન નડતો નથી!! કારણે કે એને ખોરાક, પાણી, અન્ન, વસ્ત્ર એવી કોઇ જરૂરિયાત જ નથી!
વાઇરસની રચના પણ કેવી સીધીસાદી માત્ર એક ન્યુક્લિઇક એસિડ અને એને ફરતું એક આવરણ!! ડી.એન.એ. તરીકે ઓળખાતા આ ન્યુક્લિઇક એસિડ વાઇરસરૂપી ભૂતની ચોટલી જેવાં છે. એની અંદર વાઇરસને લગતી બધી જ માહિતી સાંકેતિક ભાષામાં લખેલી હોય છે. એટલું જ નહીં એકમાંથી અનેક વારઇસ બનાવવા માટે જરૂરી બધા આદેશો પણ એની અંદર જ સાંકેતિક ભાષામાં જ તૈયાર હોય છે.
આ સૃષ્ટિના કોઇ પણ જીવંત કોષ માટે કદાચ સૌથી અગત્યનું ઘટક આ ન્યુક્લિઇક એસિડ છે. ડી.એન.એ. તરીકે ઓળખાતા આ ન્યુક્લિઇક એસિડની જુદી જુદી ગોઠવણી જ કોષને જુદા જુદા આદેશ આપતાં સંદેશાઓનું કામ કરે છે. અક્ષરોને જુદી જુદી રીતે ગોઠવવાથી જુદા જુદા સંદેશાવાળા વાક્યો બની શકે છે એ જ રીતે જીવંત કોષમાં ડી.એન.એ. અથવા આર.એન.એ. રૂપી અક્ષરો સંદેશા બનાવે છે. દરેક કોષોનું કોષકેન્દ્ર આવા સંદેશાઓ એના જનીનદ્રાવ્યમાં સાચવી રાખે છે અને વખત આવ્યે વાપરે છે!
વાઇરસમાં ન્યૂક્લિઇક એસિડ એના સૌથી સરળ સ્વરૂપમાં હોય છે અને મોટે ભાગે જે તે વાઇરસ કઇ રીતે બનાવવો એની માહિતી જ એમાં સંઘરાયેલી હોય છે. એટલે જ્યારે વાઇરસ અન્ય જીવંત કોષમાં પ્રવેશ કરે ત્યારે એનું ન્યુક્લિઇક એસિડ કોષમાં કોષકેન્દ્રનો કબજો લઇ લે છે, (જેમ એક દેશ પર ચડાઇ કરનાર દુશ્મનો સૌથી પહેલાં દેશની રાજધાની પર કાબૂ મેળવે છે એમ). હવે રાજધાની પર કાબૂ મળે એટલે તરત જ બીજુ કામ રેડિયો, ટી.વી. વગેરે સંચારમાધ્યમો પર કબજો કરી સંદેશા વહેવડાવાનું થાય છે. એ જ રીતે વાઇરસનું ન્યૂક્લિઇક એસિડ કોષકેન્દ્ર પર કબજો કર્યા પછી પોતાના સંદેશાઓ કોષના જુદા જુદા ભાગો સુધી પહોંચતા કરી દેવાનું શરૂ કરી દે છે.
એટલે જે કોષમાં વાઇરસ ઘૂસી ગયો હોય એ કોષનું બધુ સામાન્ય કામકાજ ઠપ થઇ જાય છે અને કોષની દરેક સંરચનાને એક જ આદેશ મળે છે: ઘૂસણખોરો વાઇરસ જેવાં બીજા હજારો વાઇરસ પેદા કરવા લાગો!! જ્યારે કોષની અંદરનો પૂરવઠો ખલાસ થઇ જાય ત્યારે તૈયાર થયેલા વાઇરસો કોષને તોડીને કે કોષ છોડીને જતાં રહે છે, બીજા કોષની શોધમાં! માનવશરીરના કોઇ પણ કોષને વાઇરસ ચેપ લગાવી શકે છે. ચોક્કસ જાતના વાઇરસને અમુક જ અંગ કે કોષમાં ફાવે છે એટલે શરદીના વાઇરસને નાકના કોષમાં જ ફાવે અને અને હીપેટાઇટીસના વાઇરસને લીવરના કોષમાં! આમ, દરેક વાઇરસ માટે શરદીની અંદર ધાડ પાડવાના ક્ષેત્રો નક્કી હોય છે. નાકનો વાઇરસ લીવરમાં નથી ઘૂસી શક્તો અને લીવર(હીપેટાઇટીસ)નો વાઇરસ નાકમાં નહીં!
વાઇરસના ચેપથી થતાં જાણીતા રોગોમાં ઓરી, અછબડા, ગાલપચોળું, કમળો, એઇડ્સ, હડકવા અને પોલિયોનો સમાવેશ થાય છે.
વાઇરસ વિષે આટલું જાણ્યા પછી એ પણ જોઇ લઇએ કે શરીરરક્ષક દળ આપણાં શરીરને વાઇરસથી કઇ રીતે બચાવે છે. હકીકતમાં આજનું અત્યાધુનિક મેડિકલ સાયન્સ મોટા ભાગના વાઇરસને શરીરમાં ખતમ કરી શકે એવી દવા નથી શોધી શક્યું અને એટલે જ મોટા ભાગના વાઇરસથી થતાં રોગો સામે રક્ષણ આપનારું એકમાત્ર પરિબળ એ આપણું શરીરરક્ષક દળ જ છે. આ શરીરરક્ષક દળ (ઇમ્યૂન તંત્ર) ની કામગીરીને લીધે જ ઓરી કે અછબડા જેવા ચેપ સામે એવી જડબેસલાક ઇમ્યૂનિટી (રોગપ્રતિકારક શક્તિ) ઊભી થઇ જાય છે કે નાનપણમાં એક વખત આ રોગનો ચેપ લાગે તો પછી માણસની આખી જીંદગી સુધી એના વાઇરસ શરીરમાં રોગ કરી શક્તા નથી.
શરીરની અંદર, લોહીમાં કે અન્ય ક્યાંક મુક્તપણે ફરતાં રહેતા વાઇરસને તો વાઇરસના એન્ટિજન(ઓળખપત્ર)ની સામે જ લડવા માટે તૈયાર થયેલાં શરીરરક્ષક દળના એન્ટિબોડી પહોંચી વળે છે. અને કોમ્પ્લિમેન્ટ કે અન્ય કોષોની મદદથી વાઇરસને અવલમંજિલે પહોંચાડી દે છે. પણ જે વાઇરસ છુટા ફરવાને બદલે શરીરના કોઇ કોષમાં ઘૂસી જાય એને ખતમ કરવાનું મુશ્કેલ બને છે. ધર્મસ્થાનમાં છુપાયેલા ત્રાસવાદીઓની જેમ કોષમાં રહેલ વાઇરસ પોતાની પ્રવૃત્તિઓ ચલાવ્યા કરે છે કેમ કે એમને ખબર છે કે એન્ટિબોડી કોષની અંદર ઘૂસી આવી શકવાના નથી અને ધર્મસ્થાનની જેમ જ શરીરના ઉપયોગી કોષોનો કોઇ જલદી નાશ નથી કરવાનું!
વાઇરસની આ ચાલાકીને આપણું શરીરરક્ષક દળ બે રીતે પહોંચી વળે છે. એક તો જે કોષમાં વાઇરસ ઘૂસ્થા હોય એ કોષમાંથી તરત જ ઇન્ટરફેરોન આજુબાજુના કોષમાં એવાં ફેરફાર કરી નાંખે છે કે જેથી વાઇરસ એ કોષમાં ઘૂસી જ ન શકે! આમ, ડોશી (એક કોષ) મરે તો વાંધો નહીં પણ જમ (વાઇરસ) ઘર ન ભાળી જાય એની તકેદારી શરીરરક્ષક દળ લઇ લે છે.
હવે જે કોષમાં વાઇરસ ઘૂસી ગયા હોય એ કોષને એના બારણા પર રહેલી ફિંગરપ્રિન્ટ(કોષમાં ઘૂસતી વખતે વાઇરસના આવરણનો અમુક ભાગ કોષની બાહ્ય સપાટીને લાગી જાય છે)ને આધારે શરીરરક્ષક દળના ઉચ્ચ અમલદાર ટી-લિમ્ફોસાઇટ ઓળખી કાઢે છે. અને (ફરી એકવાર ડોશી મરે એની ચિંતા કર્યા વગર) શરીરના એ વાઇરસ યુક્ત કોષને જ ખતમ કરવાના આદેશ આપી દે છે. એટલે ઘણીવાર તો વાઇરસની વંશવૃદ્ધિ બાદ વાઇરસથી કોષોનો નાશ થાય એ પહેલાં જ શરીરરક્ષક દળ વાઇરસયુક્ત કોષનો નાશ કરી નાંખે છે અને એટલે વાઇરસની વંશવૃદ્ધિ જ શક્ય નથી બનતી.
આમ વાઇરસ સામે લડવા માટે શરીરરક્ષક દળ લિમ્ફોસાઇટ, ઇન્ટરફેરોન અને એન્ટિબોડી સહેલાઇથી અટકાવી દે છે, જ્યારે કોષમાં ઘૂસી ગયેલ વાઇરસ સામે કામ પાર પાડવા માટે ટી-લિમ્ફોસાઇટ અને ઇન્ટરફેરોન રક્ષણ પૂરું પાડે છે.
આધુનિક તબીબી વિજ્ઞાનની સફળતા અને સિદ્ધિનું મહત્ત્વનું પાંસુ બેક્ટેરિયા નામના દુશ્મનને નાથવાનું સામથ્ર્ય છે. આપણાં બધી જાતના દુશ્મનોમાંથી કદાચ બેક્ટેરિયાને આપણે સૌથી સારી રીતે ઓળખી શક્યા છીએ. કદની દ્રષ્ટિએ સૌથી નાના દુશ્મન વાઇરસ પછી બેક્ટેરિયા આવે છે. (તમને જાણીને નવાઇ લાગશે કે વાઇરસનું કદ એટલું નાનુ હોય છે કે એ શરીરના કોષની જેમ બેક્ટેરિયાની અંદર પણ ઘૂસી જઇ શકે છે!) બેક્ટેરિયાના કદનો અંદાજ મેળવવો હોય તો ફૂટપટ્ટીના બે સૌથી નજીકના મિ.મી.ના કાપાનો વિચાર કરો. એક મિ.મી. દૂર રહેલા આ બે કાપાઓ વચ્ચે પાંચસો થી હજાર જેટલાં બેક્ટેરિયા એક લાઇનમાં ગોઠવાઇ શકે છે!! (અને આ જ કાપાઓ વચ્ચે આશરે દશહજાર જેટલાં વાઇરસ ગોઠવાઇ શકે !!
આટલાં નાના જંતુઓ નરી આંખે તો ન જ જોઇ શકાય ને! બેક્ટેરિયાની શોધ પણ માઇક્રોસ્કોપની શોધ થઇ એ પછી જ શક્ય બની.
આપણાં શરીરમાં લાખો બેક્ટેરિયા કાયમી વસવાટ કરતાં હોય છે- ખાસ તો આંતરડા અને ચામડી પર બેક્ટેરિયાની આખી વસાહતો આવેલી છે. જો કે એ બધા બેક્ટેરિયા આપણે માટે બિનઉપદ્રવી અને ક્યારેક ફાયદાકારક હોય છે. (દા.ત. આંતરડામાં રહેતા મિત્ર બેક્ટેરિયા શરીરને માટે અમુક વિટામિન બનાવી આપે છે અને દુશ્મન બેક્ટેરિયા ઘૂસી ન જાય એનું ધ્યાન પણ રાખે છે!)
અત્યારે મુખ્ય વાત આપણે ઉપદ્રવી 'દુશ્મન' બેક્ટેરિયાની કરવી છે, જે શરીરમાં ઘૂસીને રોગ કરી શકે. જો કે બેક્ટેરિયા બિનઉપદ્રવી છે કે ઉપદ્રવી એનો આધાર બેક્ટેરિયાની જાત ઉપરાંત જે તે માણસની શારીરિક સ્થિતિ અને ઇમ્યૂનીટી પર રહે છે. સામાન્ય સંજોગોમાં જે બેક્ટેરિયા અમુક માણસમાં બિનઉપદ્રવી હોય એ જ બેક્ટેરિયાએ માણસ નબળો પડે ત્યારે એટલે કે માણસની ઇમ્યૂનિટી ઓછી થઇ જાય ત્યારે ઉપદ્રવી સાબિત થઇ શકે ખરા.
બેક્ટેરિયા શરીરના કોષોની અંદર કે બહાર ગમે ત્યાં વંશવૃદ્ધિ કરી શકે છે. (જ્યારે વાઇરસને વંશવૃદ્ધિ માટે કોષની જરૂર પડે જ છે અને કોષની બહાર ક્યારેય એની વંશવૃદ્ધિ થઇ શક્તી નથી.) મોટા ભાગના બેક્ટેરિયા શરીરની અંદર કે બહાર ગમે ત્યાં જીવતા રહી શકે છે અને શરીરમાં પ્રવેશ્યા પછી કોઇક ચોક્કસ અવયવમાં પહોંચીને ત્યાંના વાતાવરણમાં વૃદ્ધિ પામે છે.
કોઇ પણ બેક્ટેરિયાએ શરીરમાં પ્રવેશવા માટે નાક, મોં, મૂત્ર-જનન-માર્ગ, મળદ્વાર વગેરે કોઇને કોઇ પ્રવેશદ્વારમાંથી શરીરમાં ઘૂસવું પડે છે અથવા શરીરની સરહદ (અર્થાત્ ચામડી) ને તોડીને અંદર જવું પડે છે. જન્મજાત ઇમ્યૂનિટીની વાતમાં આપણે જોઇ ગયેલા કે શરીરની બધી સરહદો અને પ્રવેશદ્વારો પર શ્વેતસૈનિકોનો ખાસ ચોકીપહેરો હોય છે. એટલે જેવાં બેક્ટેરિયા શરીરમાં ઘૂસવાની કોશિશ કરે કે તરત જ એણે શ્વેતસૈનિક સાથે યુદ્ધમાં ઉતરવું પડે છે. ઘણાં બેક્ટેરિયા શરીરમાં ઘૂસી જવામાં સફળ રહે છે.
એકવાર શરીરમાં ઘૂસ્યા પછી જુદી જુદી પદ્ધતિથી બેક્ટેરિયા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. અમુક બેક્ટેરિયા ચોક્કસ અવયવમાં પહોંચી જે તે અવયવનું કામ ખોરવી નાંખે છે અને ત્યાં પોતાની વસાહત ઊભી કરી દે છે, જ્યારે બીજાં કેટલાંક બેક્ટેરિયા કોઇ એક જ જગ્યાએ રહ્યે રહ્યે આખા શરીરમાં ઝેરી દ્રવ્ય ફેલાવે છે.
ચામડી પર થતાં ગૂમડાં કે પાક એ બે(ક્ટરીયાથી થતી તકલીફનું સર્વસામાન્ય ઉદાહરણ છે. સ્ટેફાઇલોકોકાઇ અને સ્ટ્રેપ્ટોકોકાઇ તરીકે ઓળખાતા ચેપી બેક્ટેરિયા ચામડીના છિદ્ર વાટે ચામડીમાં ઘૂસીને ત્યાંના કોષોના ભોગે પોતાની વંશવૃદ્ધિ કરવા લાગે છે. એકમાંથી બે અને બેમાંથી ચાર.... એમ ગુણાકારના હિસાબે બેક્ટેરિયાની સંખ્યા વધવા લાગે છે. શરીરનું વફાદાર રક્ષકદળ આવી ઘૂસણખોરી અને પરદેશી 'વસ્તી વધારો' સાંખી ન જ લે; અને જ્યારે જ્યારે આવા બેક્ટેરિયા ઘૂસી આવે ત્યારે યુદ્ધ છેડી દે છે. દરેક યુદ્ધના અનિવાર્ય પરિણામ સ્વરૂપ બંને પક્ષના હજારો સૈનિકોની લાશોથી રણમેદાન ઊભરાઇ જાય છે, જેને આપણે 'પરુ' તરીકે ઓળખીએ છીએ.
જે જે રોગમાં 'પરુ' થતું હોય લગભગ તે બધા જ રોગો બેક્ટેરિયાના ચેપનું જ પરિણામ હોય છે. આવો ચેપ ફેફસામાં થાય તો ન્યૂમોનિયા, મગજના આવરણમાં થાય તો મેનિન્જાઇટીસ અને ગુપ્તાંગોમાં થાય તો ગોનોરિયા તરીકે ઓળખાય છે. આ દરેક રોગ જુદી જુદી જાતના બેક્ટેરિયાથી થાય છે.
અમુક લોકો પોતાને પાકણી ચામડીવાળા તરીકે ઓળખાવતા હોય છે. અને નાનુ અમથું વાગ્યું હોય, ઉઝરડો પડ્યો હોય કે કાપો પડ્યો હોય એ ભાગ બહુ જલદીથી પાકી જતો હોય છે. હકીકતમાં આ લોકોની પાક કરતાં બેક્ટેરિયા સામેની ઇમ્યૂનિટી એટલા અંશે નબળી હોય છે અને શરૂઆતના તબક્કામાં બેક્ટેરિયાનો સબળ સામનો ન થઇ શકવાને કારણે તેઓની ચામડી પાક્યા જ કરે છે.
અચાનક થઇ આવતાં આવા ચેપી પાક સિવાય પણ બેક્ટેરિયા શરીરને ઘણી રીતે હેરાનપરેશાન કરે છે. કેટલાંક બેક્ટેરિયા તો એવાં માથાભારે હોય છે કે શરીરરક્ષક દળના પોલીસો અર્થાત્ મેક્રોફેઝને ઉલ્લુ બનાવી ક્યારેક પોતાની શરીરવિરોધી પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે એનો આડકતરો ઉપયોગ કરી લે છે. ટી.બી. કરતાં બેક્ટેરિયાને જ્યારે મેક્રોફેઝ પકડી લે છે (ગળી જાય છે) ત્યારે એ પકડાઇ તો જાય છે પણ રીઢા ગુનેગારની જેમ જેલ એ જ ઘર થઇ જાય એમ આ બેક્ટેરિયા માટે મેક્રોફેઝનું પેટ જ ઘર થઇ પડે છે!! બીજા બેક્ટેરિયાઓની માફક મેક્રોફેઝમાં ટી.બી.ના બેક્ટેરિયા સહેલાઇથી નાશ નથી પામતાં; ઊલટું મેક્રોફેઝ જ્યાં જ્યાં ફરે (લસિકાવાહિનીઓમાં થઇને લસિકાગ્રંથિઓમાં અને ત્યાંથી રક્તવાહિનીમાં) ત્યાં ત્યાં મજેથી એની સાથે વગર ટિકિટની મુસાફરી કરે છે. પરિણામે જે રોગ શરીરના કોઇ એક જ ભાગમાં સિમિત રહી શક્યો હોત, એ શરીરના દૂર દૂરના વિસ્તારમાં પ્રસરી જાય છે.
મેક્રોફેઝની અંદર ટી.બી.ના બેક્ટેરિયા સુષુપ્તાવસ્થામાં પડી રહે છે અને જ્યારે કોઇ કારણસર શરીર નબળું પડે (એટલે કે ઇમ્યૂનિટી ઓછી થઇ જાય) તો તરત તક ઝડપીને વંશવૃદ્ધિ કરવા લાગે છે અને ટી.બી.નો રોગ થઇ આવે છે. રક્તપિત્ત (લેપ્રસી) નાં જંતુ પણ આવી જ પદ્ધતિ અપનાવે છે.
શરીરના અવયવોમાં છેક સુધી પહોંચીને નુકશાન કરનાર બેક્ટેરિયાઓ ઉપરાંત શરીરના કોઇ એક ભાગમાં રહ્યે રહ્યે આખા શરીરમાં ઝેર ફેલાવીને રોગ કરતાં બેક્ટેરિયા પણ હોય છે. ધનુર (ટિટનેસ) કરતાં બેક્ટેરિયા આવી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ધૂળમાં, કાટ ખાધેલ વસ્તુમાં કે બીજે ક્યાંક પડી રહેલાં ટિટનેસનાં બેક્ટેરિયા શરીરમાં ઘા કરનાર વસ્તુ સાથે ઊંડે સુધી ખૂંપી જાય છે. જ્યાં ઓક્સિજન પણ ન પહોંચી શક્તો હોય એવી જગ્યામાં જ આ બેક્ટેરિયાની વંશવૃદ્ધિ થઇ શકે છે. નવાઇની વાત છે ને કે ઓક્સિજન વગર માણસને એક મિનિટેય નથી ચાલતું એ ઓક્સિજન આ ટિટનેસના બેક્ટેરિયા માટે ઝેર જેવો છે અને એની હાજરીમાં બેક્ટેરિયાની વંશવૃદ્ધિ અશક્ય છે.
ટિટનેસના બેક્ટેરિયા ઊંડા ઘામાં વિકાસ પામીને ત્યાં રહ્યે રહ્યે જ ટીટેનોસ્પાસ્મીન નામનું ઝેર ઓક્યા કરે છે. આ ઝેર ચેતાતંતુ વાટે મગજ સુધી પહોંચી જાય છે અને સમગ્ર ચેતાતંત્ર પર ઝેરી અસર કરે છે, જેને કારણે દાંત જકડાઇ જવાથી માંડીને જીવલેણ ખેંચ આવવા સુધીના લક્ષણો દેખાય છે. ટિટેનસની જેમ જ ડિફ્થેરિયા બોટ્યુલિઝમ, ગેસ ગેન્ગ્રીન વગેરે રોગોમાં બેક્ટેરિયાને બદલે એમનું ઝેર જ ખતરનાક સાબિત થાય છે.
આવા ઝેર ઓકતાં બેક્ટેરિયાથી થતાં રોગોને કાબૂમાં લેવા શરીરરક્ષક દળે ઝેરી દ્રવ્ય સામે પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) બનાવવાનું ખૂબ જરૂરી બને છે. જે બેક્ટેરિયા આ ઝેર બનાવે છે એ માત ન થાય તો ચાલે પણ એનું ઝેર એન્ટિબોડીની મદદથી નકામું કરી નાખવું ખૂબ જરૂરી હોય છે. ટિટનેસ (ધનુર) ની રસી પણ શરીરરક્ષક દળ(ઇમ્યૂનિટી)ની ટિટેનસના ઝેર સામે એન્ટિબોડી બનાવવાની તાકાત વધે એ માટે જ અપાય છે.
આમ, બેક્ટેરિયા જુદી જુદી અનેક રીતે રોગ કરે છે અને એ દરકેનો સામનો કરવા માટે શરીરરક્ષક દળે જુદી જુદી પદ્ધતિ અપનાવવી પડે છે. આ પ્રકરણમાં જે રોગોના નામ આવી ગયાં એ ઉપરાંત પણ અનેક રોગોનું કારણ બેક્ટેરિયા હોય છે. કોલેરા, પ્લેગ, ટાઇફોઇડ, સીફીલિસ વગેરે બેક્ટેરિયાથી થતા જાણીતા રોગો છે.
વાઇરસ અને બેક્ટેરિયાની સરખામણીમાં મોટું કદ ધરાવતાં અને પેરેટાઇટ (પરોપજીવી) તરીકે ઓળખાતા અનેક જીવો પણ શરીર સાથે સારી એવી દુશ્મની રાખે છે. મેલેરિયા કરતાં પ્લાઝમોડિયમ, મરડો કરતાં અમીબા, 'કાલા આઝાર' કરતાં લીમ્સાનીયા, ''સ્લીપિંગ સીકનેસ'' કરતાં ટ્રીપેનોસોમા, ફાયલેરિયા કરતાં નીમેટોડ્સ અને પેટમાં ધામા નાંખીને પડી રહેતા જાત જાતના અન્ય કૃમિઓ આ પરોપજીવીનાં થોડાંક ઉદાહરણ છે.
પરોપજીવીઓમાં સૌથી ખતરનાક અને પ્રચલિત હોય તો એ મલેરિયાના જંતુઓ છે. દુનિયાની કુલ વસ્તીમાંથી આશરે વીસ કરોડ લોકો કોઇ પણ સમયે મલેરિયાથી પીડાતા હોય છે. આફિ્રકામાં તો દર ત્રીસ સેકન્ડે એક માણસનું મોત મલેરિયાથી થાય છે. એટલેકે એક દિવસની સારવારથી બીજા દિવસની સવાર પડે ત્યાં સુધીમાં આફિ્રકાના આશરે ૩૦૦૦ લોકોનો ભોગ મલેરિયાનાં જંતુઓ લઇ લે છે.
ભારતમાં પણ વર્ષે ૪૫ લાખથી વધુ લોકો મલેરિયાના સકંજામાં આવે છે અને ચોમાસામાં તો દરેક મોટી હોસ્પિટલોમાં રોજના એક-બે દર્દી ઝેરી મલેરિયાથી મરણશરણ થાય છે.
મલેરિયા કરતાં જંતુઓ પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાય છે. કુલ ચાર પ્રકારના પ્લાઝ્મોડિયમ દુનિયાભરના લોકોમાં મેલેરિયા કરે છે. આમાંથી પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફામ્સીપેરમ આ બે પ્રકારના પ્લાઝ્મોડિયમ આપણાં દેશના મોટા ભાગના (૯૯%) મલેરિયાના કેસ માટે જવાબદાર છે. મલેરિયાના જંતુ માણસ અને મચ્છર એમ બે જીવમાં પરોપજીવી છે. એનું અડધુ જીવન માણસમાં અને બાકીનું જીવન મચ્છરમાં પસાર કરે છે.
જ્યારે પણ મેલેરિયાના જંતુ ધરાવતાં મચ્છર તંદુરસ્ત માણસને કરડે છે ત્યાં જંતુનું સ્પોરોઝોઇટ તરીકે ઓળખાતું સ્વરૂપ માનવશરીરમાં દાખલ થઇ જાય છે. માનવશરીરની અંદર, લોહીનો ટૂંકો પ્રવાસ કર્યા બાદ માત્ર અડધા કલાકમાં જ આ સ્પોરોઝોઇટ લીવરના કોષમાં ઘૂસી જાય છે. એટલે લોહીમાં મુક્તપણે ફરતાં સ્પોરોઝોઇટને માત કરવા માટે રોગપ્રતિકાતક તંત્ર પાસે બહુ ઓછો સમય રહે છે. એટલાં સમયમાં દુશ્મનને ઓળખી તેને ખતમ કરી નાંખે એવા અને એટલા એન્ટિબોડી પહેલા વખતની ઘૂસણખોરી વખતે બનાવવા રોગપ્રતિકારકતંત્ર માટે શક્ય નથી. પણ જો ફરીફરીને એક જ જાતના સ્પોરોઝોઇટ ઘૂસી આવતાં હોય તો પછી આગલા અનુભવોથી ઘડાઇને તૈયાર થયેલ અનુભવપ્રાપ્ત રોગપ્રતિકારક તંત્ર દુશ્મનનો બરાબરનો સામનો કરે છે.
લીવરના કોષોમાં ઘૂસી ગયેલ સ્પોરોઝોઇટ રોગપ્રતિકારક તંત્રના હાથમાં આવી નથી શક્તાં અને ત્યાં રહ્યે રહ્યે આ જંતુઓ એકમાંથી બે અને બેમાંથી ચાર થઇને હજારોની સંખ્યામાં પોતાનું સૈન્ય તૈયાર કરી દે છે. (એક એક સ્પોરોઝોઇટમાંથી બે હજારથી ચાળીસ હજાર જેટલાં નવાં જંતુ બને છે.) લીવરમાં તૈયાર થયેલ આ જંતુઓ લીવરના કોષને જંતુઓથી જ છલોછલ ભરી દે છે અને જ્યારે પૂરતી સંખ્યામાં એમનું લશ્કર તૈયાર થઇ જાય ત્યારે લીવરના કોષને તોડીને લોહીમાં આવી જાય છે. લીવરમાંથી તૈયાર થઇને નીકળેલા આ સૈનિકો મેરોઝોઇટ તરીકે ઓળખાય છે.
મેરોઝોઇટ પણ લોહીમાં મુક્તપણે બહુ ઓછો સમય ગાળે છે. જેવા લોહીમાં આવે કે તરત આ મેરોઝોઇટ્સ લોહીના રક્તકણો પર હુમલો કરે છે અને રક્તકણને જ પોતાનું હરતું ફરતું ઘર બનાવી લે છે. રક્તકણમાં રહેલ હીમોગ્લોબીન ખાઇખાઇને આ મેરોઝોઇટ્સ તગડા બને છે અને ફરી પાછા એકમાંથી અનેક બનવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. જ્યારે એક રક્તકણમાં એમની સંખ્યા ખૂબ જ વધી જાય ત્યારે રક્તકણ ફાટે છે અને ઘણાં બધાં મેરોઝોઇટ્સ (ઘણાં બધા રક્તકણ ફાટવાથી) લોહીમાં આવે ત્યારે મલેરિયાનો તાવ આવે છે. એક રક્તકણમાં ઘૂસ્યા પછી અનેક મેરોઝોઇટ બનીને, રક્તકણ ફાટે ત્યાં સુધી લગભગ ૪૮ કલાક થતાં હોય છે. એટલે દર ૪૮ કલાકે (એકાતંરે દિવસે) ફરીફરીને મલેરિયાનો તાવ આવે છે.
મલેરિયાનો પ્રતિકાર કરવા માટે રોગપ્રતિકારક તંત્રે આ મેરોઝોઇટના સૈન્ય સામે લડવું પડે છે. જ્યારે મેરોઝોઇટ્સ મુક્તપણે લોહીમાં ફરતાં હોય ત્યારે એમની પર હુમલો કરવાનું સહેલું છે પણ શરીરના કોઇ કોષની અંદર જ્યારે દુશ્મન ઘૂસી જાય ત્યારે (દા.ત. લીવરના કે રક્તકણના કોષમાં) દુશ્મન સામેની લડાઇ થોડીક જટિલ બની જાય છે. કેમકે એક તો દુશ્મન બહાર દેખાતા નથી હોતા અને બીજુ લડાઇમાં શરીરના પોતાના કોષોનો નાશ થવાની શક્યતાઓ રહે છે. સદભાગ્યે મલેરિયાના અમુક જંતુઓ જ્યારે રક્તકણમાં પ્રવેશે ત્યારે એમની ફિંગરપ્રિન્ટ (એન્ટિજન) રક્તકણની સપાટી પર રહી જાય છે. આના આધારે રોગપ્રતિકારક તંત્ર મેરોઝોઇટ સમેત આખા રક્તકણનો જ ખાતમો કરી શકે છે, જ્યારે મેરોઝોઇટ વગરના તંદુરસ્ત રક્તકણોને લડાઇમાં ઘસડાવું નથી પડતું.
મલેરિયાના જંતુના માનવશરીરની અંદર ચાલતા જીવનને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો અત્યારે મલેરિયાથી બચવા માટે બે પ્રકારની રસીઓ પર સંશોધન ચલાવે છે. એક, સ્પોરોઝોઇટ વેક્સિન અને બીજી મેરોઝોઇટ વેક્સિન. આજની તારીખ સુધી તો આ વેક્સિન (રસી) સામાન્ય વપરાશમાં નથી આવી પણ અમુક ટેકનિકલ પ્રોબ્લેમ સૂલઝે તો શક્ય છે કે ટૂંક સમયમાં મલેરિયા વિરોધી રસી પણ મળતી થઇ જાય. જો કે આ રસીથી પણ મલેરિયા સામે સો ટકા સુરક્ષાની ગેરેંટી આપી શકાય નહીં. કારણકે મલેરિયાના જુંદા જુદાં જંતુઓમાં જુદા જુદા એન્ટિજન હોય છે. એ દરેક એન્ટિજનનો રસીમાં સમાવેશ કરવો શક્ય નથી. અને જો રસી આપ્યા પછી પણ જો માત્ર એક જ જંતુ રોગપ્રતિકારક તંત્રની નજર ચૂકવીને લીવરમાં પહોંચી જાય તો મેલેરિયાનો હુમલો આવી જ લાગે છે.
મલેરિયા પછી આખી દુનિયાને પજવતા પરોપજીવી જંતુઓમાં અમીબાની ગણતરી કરી શકાય. તબીબી ભાષામાં એન્ટામીબા હીસ્ટોલાઇટિકા તરીકે ઓળખાતા જંતુઓ આખી દુનિયામાં દર દસ માણસમાંથી એક માણસમાં ધામા નાંખીને પડ્યા હોય છે. જો કે આમાના મોટા ભાગના લોકોમાં અમીબાથી કોઇ રોગ નથી થતો. અમુક લોકોમાં આ અમીબા મરડો કરે છે અને બાકીના કેટલાંક લીવરમાં ઘૂસીને ત્યાંના કોષોને નુકશાન પહોંચાડે છે. આ જંતુઓ સામે રોગપ્રતિકારક તંત્ર નબળું પડે છે અને એટલે જ અમીબાથી થતો મરડો વર્ષો સુધી એક જ માણસને હેરાન કરી શકે છે. ચેપી જંતુને શરીરમાંથી ભગાડવા માટે રોગપ્રતિકારક તંત્ર અસમર્થ હોવાથી આ જંતુની શરીરમાં હાજરી સહન કરીને માત્ર વધારે નુકસાન અટકાવવાનું જ કામ કરી શકે છે. અમીબાના જંતુઓ એક એવું દ્રવ્ય શરીરમાં વહેડાવે છે, જેનાથી રોગપ્રતિકારક તંત્રની સૌથી શરૂઆતની કામગીરી ઇન્ફ્લેમેશનની પૂરતી અસર નથી થતી અને અમીબાને પકડવા માટે મેક્રોફેઝને સ્થળ પર બોલાવવાનો રાસાયણિક સંદેશો આ દ્રવ્યથી નકામો થઇ જાય છે.
આ ઉપરાંત, બીજા કેટલાંક જંતુઓ અહીં ગુજરાતમાં જોવા નથી મળતાં પણ આખા વિશ્વમાં ઠેકઠેકાણે રોગ ફેલાવે છે. ''કાલા આઝાર'' નામનો રોગ બિહાર, ઓરિસામાં વર્ષોથી માણસોને હેરાન કરતો આવ્યો છે. લીસ્માનિયા નામનાં જંતુઓથી થતો આ રોગ ૮૦ થી ૯૦ % લોકોમાં (સારવાર ન મળે તો) જીવલેણ સાબિત થાય છે. લીસ્માનિયાના જંતુઓ સેન્ડફલાય નામનો મચ્છર કરડે ત્યારે શરીરમાં પ્રવેશે છે. શરીરમાં કોઇ પણ પરદેશી ઘૂસી આવે એટલે આપણું રોગપ્રતિકારક તંત્ર એને પકડવા માટે સક્રિય થઇ જાય છે. જ્યારે લીસ્માનિયા જંતુઓ શરીરમાં ઘૂસે ત્યારે એની પર કોમ્પ્લિમેન્ટ પ્રોટીન (યાદ છે ને એન્ટિબોડીના સાથીદારો!) લાગી જાય છે અને આ કોમ્પ્લિમેન્ટથી વીંટળાયેલ જંતુ બહુ સહેલાઇથી શરીરરક્ષક દળના પોલીસમેન મેક્રોફના હાથે ઝડપાઇ જાય છે અને મેક્રોફેઝ એને ગળી જાય છે. મેક્રોફેઝના પેટમાં પહોંચી ગયેલ કોઇ પણ દુશ્મનનો, ત્યાં ને ત્યાં વિવિધ એન્ઝાઇમ્સ (ઉત્સેચકો) ઘડોલાડવો કરી નાંખે છે. પણ લીસ્માનિયાના જંતુઓનો, મેક્રોફેઝની અંદર રહેલ એન્ઝાઇમ્સ, વાળ પણ વાંકો નથી કરી શક્તા. એટલે લીસ્માનિયાના જંતુઓ મેક્રોફેઝના પેટમાં મોજથી ઘર બનાવીને રહે છે. ત્યાં રહ્યે રહ્યે એકમાંથી બે અને બેમાંથી ચાર થયા કરે છે. વસ્તી વધારાથી એક મેક્રોફેઝમાં જગ્યા ઓછી પડે તો મેક્રોફેઝ તોડીને બહાર આવતાં રહે છે અને ફરી બીજા મેક્રોફેઝ આ જંતુને ગળીને, છછુંદર ગળેલાં સાપની સ્થિતિમાં મુકાઇ જાય છે. આવા મેક્રોફેઝ શરીરમાં જ્યાં જ્યાં જાય ત્યા આ જંતુ પણ વગર ટિકિટે પહોંચી જાય છે અને પરિણામે આખા શરીરમાં રોગનો ફેલાવો થઇ જાય છે.
મેક્રોફેઝના એન્ઝાઇમ્સને મચક ન આપવા ઉપરાંત લીસ્માનિયાના જંતુઓ, સામાન્ય રીતે રોગપ્રતિકારક તંત્રને કામ કરતું અટકાવવાનો આદેશ આવતાં ટી-નિયંત્રક લિમ્ફોસાઇટને ઉત્તેજિત કરે છે, જેથી રોગપ્રતિકારક તંત્ર ઠપ થઇ જાય છે અને લોહીમાં આવેલા લીસ્માનિયાને કોઇ રીતે પૂરા નથી કરી શકાતાં. (ગુંડાઓ અને રાજકારણીઓને જ સાંઠગાંઠ હોય એવું થોડું છે. જંતુને અને નિયંત્રક-ટી લિમ્ફોસાઇટને પણ સાંઠગાંઠ થઇ શકે છે!!) આમ, શરીરના રોગપ્રતિકારક સૈન્યથી બચવા દુશ્મન સૈન્યો જાત જાતના નુસખાઓ અજમાવે છે.
આફિ્રકાના જંગલોમાં ત્સેત્સે માખી કરડવાથી ફેલાતો જીવલેણ રોગ સ્લીપિંગ સીકનેસ ટ્રીપેનોસોમ નામનાં જંતુથી થાય છે. ટ્રીપેનોસોમના બાહ્ય આવરણ ઉપરના એન્ટિજનની સામે શરીરનું રોગપ્રતિકારક તંત્ર એન્ટિબોડી બનાવે છે. પણ ચાલાક ટ્રીપેનોસોમ કાચીંડાની જેમ આવરણ પરના એન્ટિજન દર પાંચસાત દિવસે બદલ્યા કરે છે. એટલે જે એન્ટિબોડી પહેલાં દિવસના એન્ટિજનને માત કરવા માટે બન્યા હોય તે પાંચ દિવસ પછી નકામા બની જાય છે. આ રીતે સૌથી વધારે જાતના એન્ટિજન ટ્રીપેનોસોમ બદલી શકે છે. દર વખતે તદ્ન નવા એન્ટિજન સામે કામ પાડવાનું આવતું હોવાથી રોગપ્રતિકારક તંત્રનું કામ સ્વાભાવિક જ ધીમું અને નાના પાયે થવાનું. રોગપ્રતિકારક તંત્રને આ રીતે હંફાવીને ટ્રીપેનોસોમનાં જંતુ મગજ સુધી પહોંચી જાય છે, અને છેવટે સ્લીપિંગ સિકનેસ જેવો જીવલેણ રોગ કરી જાય છે.
અત્યાર સુધી આપણે જે દુશ્મનોની વાત કરી એ બધા (વાઇરસ, બેક્ટેરિયા, પ્રોટોઝૂઆ) કદમાં આપણાં શ્વેતસૈનિકો કરતાં નાના હતા, જ્યારે કૃમિઓ શ્વેતસૈનિકો કરતાં મોટા દુશ્મન છે એટલે લોહીમાં ફરતાં દુશ્મન સામે દુશ્મનને ''પકડીને ખાઇ જવાની'' યુદ્ધપદ્ધતિ શ્વેતસૈનિકો અજમાવી શકે એમ નથી. (કેટલાંક કૃમિઓની લંબાઇ માણસ કરતાં પણ પાંચ ગણી વધારે હોય છે!!) કૃમિઓ (હેલ્મીન્થ્સ) પરોપજીવી જંતુનો જ એક ભાગ છે અને એમાં વાળો, ફાયલેરિયા અને સીસ્ટોસોમીયા કરતાં જંતુઓ તથા આંતરડામાં રહેતા પટ્ટીકૃમિઓ, ગોળ કૃમિ (રાઉન્ડવોર્મ), પિનવોર્મ અને હૂકવોર્મનો સમાવેશ થાય છે.
આપણે ત્યાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લોકો ફાયલેરિયા અને હાથીપગાથી ખૂબ ગભરાતા હોય છે. એનું પ્રમાણ પણ બીજી જગ્યાઓ કરતાં અહીં વધુ છે. ક્યુલેઝ પ્રકારના મચ્છર ફાઇલેરિયાના જંતુઓનું વહન કરતાં હોય છે. જ્યારે મચ્છર કરડે ત્યારે શરીરમાં દાખલ થયેલ જંતુ લસિકાવાહિનામાં પ્રવેશે છે. અને ત્યાં એકાદ વર્ષમાં પુખ્ત જંતુ સુધી વિકાસ પામે છે. એના વિકાસ દરમિયાન એના બાહ્ય એન્ટિજનમાં પરિવર્ત આવવાને લીધે શરીરરક્ષક દળ એની સામે ઇન્ફ્લેમેશન શરૂ કરે છે, જેને કારણે તાવ આવે અને લસિકાગ્રંથિઓ લાલઘૂમ, સોજી ગયેલી અને દુખતી થઇ જાય છે. (યાદ છે ને ઇન્ફ્લેમેશન એટલે દુ:ખતો, સૂજેલો, ગરમ, લાલઘૂમ, કામ ન કરી શકતો ભાગ!!) આ પ્રક્રિયા લિમ્ફેન્જાઇટિસ તરીકે ઓળખાય છે. જો વારંવાર આ પ્રકારે ચેપ લાગતો રહે અને લિમ્ફેન્જાઇટિસ થયા કરે તો વારંવારના ઇન્ફ્લેમેશનને પરિણામે છેવટે લસિકાગ્રંથિ સદંતર 'બ્લોક' થઇ જાય છે અને પરિણામે લસિકાનો પ્રવાહ જે તે અવયવમાંથી આગળ વધી શક્તો નથી. આને કારણે જે તે અવયવમાં સોજો આવે છે અને જો પગની લસિકાગ્રંથિઓ પર અસર થઇ હોય તો છેવટે હાથીપગો થઇ જાય છે. હાથીપગો આમ તો ભાગ્યે જ થાય છે અને જો વારંવાર ફાઇલેરિયાના જંતુઓનો ચેપ ન લાગે તો એ થવાની શક્યતા નથી રહેતી.
ફાયલેરિયા ઉપરાંત, લોહીમાં રહીને રોગ કરતાં અન્ય એક કૃમિનું નામ સીસ્ટોસોમ છે. આ કૃમિઓ આંતરડાથી લીવર તરફ લોહી લઇ જતી રક્તવાહિનીઓમાં પોતાનો અડ્ડો જમાવે છે. કદાચ કૃમિઓથી થતા રોગોમાં સૌથી વધુ નુકશાનકારક આ રોગ દુનિયાના વીસ કરોડ લોકોમાં જોવા મળે છે. રક્તવાહિનીમાં નર અને માદા બંને કૃમિઓ એક સાથે રહે છે અને રક્તના પ્રવાહની સામે તરતાં તરતાં રોજના બે-ત્રણ હજાર જેટલાં ઇંડા મૂકે છે. આ ઈંડાઓ શરીરના અન્ય અવયવોમાં જઇને નુકશાન કરે છે અને આંતરડા કે પેશાબ વાટે શરીરની બહાર પહોંચી શકેલ ઇંડા અન્ય માણસોને ચેપ લગાવે છે.
શ્વેતસૈનિકોથી આશરે સૌ ગણા મોટા આ કૃમિને શ્વેતસૈનિકો કેવી રીતે મારે છે એ પણ જાણવા જેવું છે. સીસ્ટોસોમને મારવા માટે ઇઓસીનોફીલ નામના શ્વેતકણો મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે આ કૃમિ લોહીમાં આવે ત્યારે સૌ પ્રથમ એની સામે IgE પ્રકારના એન્ટિબોડી બને છે. એ એન્ટિબોડી માસ્ટ સેલ નામના કોષો સાથે જોડાઇને હીસ્ટામીન જેવાં દ્રવ્યો વહેતાં મૂકે છે, જેનાથી એ જગ્યાએ રક્તપ્રવાહ વધી જાય છે અને ઇઓસીનોફીલ ખેંચાઇ આવે છે. હવે આ જગ્યાએ વધેલા રક્તપ્રવાહની સાથે IgE પ્રકારના એન્ટિબોડી પણ આવી પહોંચે છે, જે સીસ્ટોસોમના (કૃમિના) શરીર પર લાગી જાય છે. આ સીસ્ટોસોમને લાગેલા IgE ના પાછળના (Fc) ભાગ સાથે ઇઓસીનોકીલ જોડાઇ છે અને આ રીતે સીસ્ટોસોમ સાથે લગભગ બંધાઇ ગયા પછી જાણે વિષચુંબન આપતા હોય એમ ઇઓસીનોફીલ ઘણાં બધાં ઝેરી પ્રોટીન સીસ્ટોસોમના શરીર પર ઠાલવી દે છે. આ પ્રોટીન સીસ્ટોસોમ માટે જીવલેણ પુરવાર થાય છે અને આમ ટચૂકડાં ઇઓસીનોફીલ પોતાનાથી સૌ ગણા મોટા દુશ્મનને માત કરે છે.
રોગપ્રતિકારક તંત્ર શરીરની અંદર અર્થાત્ શરીરની સરહદ ઓળંગીને લોહી કે અન્ય કોષોમાં ઘૂસી આવેલા કૃમિઓનો સામનો તો બરોબર કરી લે છે પણ જે કૃમિઓ આંતરડાના પોલાણમાં જ આંતરડાને ખાસ નુકશાન કર્યા વગર પડી રહે છે એની સામે પણ બહુ દુશ્મની નથી રાખતું. પરિણામે પિનવોર્મ (સૂત્રકૃમિ) કે રાઉન્ડવોર્મ (ગોળકૃમિ)ને શરીરમાંથી હાંકી કાઢવા માટે કોઇ પ્રકારની અસરકારક રોગપ્રતિકારક શક્તિ વિક્સી જ નથી શકીં. આને કારણે દુનિયાની વસ્તીના ૨૫% લોકોમાં રાઉન્ડવોર્મનું ઇન્ફેક્શન થયેલું રહે છે.
રાઉન્ડવોર્મ માવનશરીરમાં ખોરાક વાટે પ્રવેશે છે. રાઉન્ડવોર્મના ઇંડાવાળો ખોરાક કે પાણી આંતરડામાં જાય એ પછી આ ઇંડામાંથી નાના બચ્ચાં નીકળે છે જે આંતરડાની દીવાલ પસાર કરી લોહી કે લસિકા વાટે પ્રવાસ કરીને ફેફસામાં પહોંચે છે. ફેફસામાં વધુ વિકાસ પામીને એ શ્વાસનળીમાં ઉપર ચડે છે અને પછી શ્વાસનળીમાંથી ગળામાં આવી અન્નનળી વાટે પાછો આંતરડામાં પ્રવાસ કરે છે. શરીરની અંદરના આટલાં પ્રવાસમાં વારંવાર એનું સ્વરૂપ (અને એન્ટિજન) બદલાયા કરે છે એટલે બહુરૂપી ચોરની જેમ શરીરરક્ષક દળને એ હાથતાળી આપીને છટકી જાય છે. તેના એક સ્વરૂપ સામે એન્ટિબોડી બને ત્યાં સુધીમાં તો એણે બીજું સ્વરૂપ ધારણ કરી લીધું હોય છે.
આ સિવાય પટ્ટીકૃમિઓ વર્ષો સુધી માણસને ખબર પણ પાડ્યા સિવાય એના આતરડામાં રહે છે. પાંચ-દશ મીટર લાંબા પટ્ટીકૃમિઓ આંતરડામાં રહ્યે રહ્યે માણસના ભોજનમાંથી પોતાનો ભાગ પડાવ્યા કરે છે. આ પટ્ટીકૃમિઓમાં કોમ્પ્લિમેન્ટ પ્રોટીનોને નિષ્ક્રિય કરવાની શક્તિ હોય છે એટલે એમની સામે શરીરરક્ષક દળ એટલે અંશે પાંગળું બની જાય છે. વળી, મોટા ભાગના પટ્ટીકૃમિ અને બીજા એવાં ઘણાં કૃમિઓ આંતરડાની દીવાલ તોડીને શરીરમાં અંદર ઘૂસવાનો પ્રયત્ન પણ ન કરતાં હોવાથી શરીરરક્ષક દળ ઘણીવાર એને દુશ્મન તરીકે ગણતરીમાં પણ નથી લેતાં. આમ, કૃમિઓ શરીરરક્ષક્ષક દળ સાથે કોઇ જાતની દુશ્મની વગર લાંબા સમય સુધી આંતરડાના પોલાણમાં ટકી રહે છે.
આંતરડામાં રહ્યે રહ્યે ઘણાં કૃમિઓ મળ વાટે એમનાં ઇંડા માનવ શરીરની બહાર મોકલી આપે છે. આ ઇંડાઓથી પ્રદુષિત થયેલ ખોરાક કે પાણી જ્યારે તંદુરસ્ત માણસ સુધી પહોંચે ત્યારે ચેપનો ફેલાવો થાય છે. જો કે પટ્ટીકૃમિનો રોગ ગાય કે ડુક્કરનું માસ ખાવાથી જ ફેલાઇ શકે છે એટલે જ આ પટ્ટીકૃમિઓ મુખ્યત્વે માંસાહારી લોકોમાં જ જોવા મળે છે.
કૃમિઓમાં વધુ એક અગત્યનો કૃમિ એટલે વાળો (ગીનીવોર્મ). ઉતત્તર ગુજરાતના ઘણાં પ્રદેશોમાં પાણી મેળવવા માટે વાવની વપરાશ વર્ષોથી થાય છે. વાવમાં પાણી ભરવા માટે નીચે સુધી પગથિયા હોય છે અને સામાન્ય રીતે પાણી સુધી પહોંચનાર વ્યક્તિના પગ પાણીમાં પહોંચતા હોય છે. જો આ વ્યક્તિને વાળાનો ચેપ લાગેલો હોય તો પાણીમાં પગ મૂકતાની સાથે જ પગ સુધી પહોંચેલા વાળાનો કૃમિ હજારો ઇંડાઓને પાણીમાં તરતાં મૂકી દે છે.
પાણીમાં રેહેલ સાઇક્લોપ્સ નામના જળચરો આ ઇંડાને ખાઇ જાય છે અને વાળાનાં ઇંડાનો વિકાસ આ સાઇક્લોપ્સના પેટમાં થાય છે. આવા ઇંડા ધરાવતાં સાઇક્લોપ્સ, જો પાણીને ગાળ્યા વગર પીવામાં આવે તો, પાણીની સાથે માણસના પેટમાં પહોંચી જાય છે. પેટમાં પહોંચેલ આ સાઇક્લોક્સ તો તરત જઠરના જલદ એસિડથી મરી જાય છે પણ એમાં રહેલાં વાળાના વિકસિત ઇંડા પર એસિડની ધારી અસર થતી નથી અને આ ઇંડામાં બનેલ કોશેટા આંતરડાની દીવાલ વીંધીને પેટના છેક પાછળના ભાગમાં જઇ છુપાઇ જાય છે.
અહીં રહ્યે રહ્યે કોશેટામાંથી પુખ્ત વાળાના નર અને માંદા કૃમિ છે. અને સગર્ભા થયા પછી માદા કૃમિ માણસની ચામડી નીચેના ભાગમાં ધીમે સરકવા લાગે છે. છેવટે આ કૃમિઓ સરકતાં સરકતાં ચામડીનો જે ભાગ વધુ સમય સુધી પાણીના સંપર્કમાં આવતો હોય એ ભાગ સુધી પહોંચી જાય છે. સામાન્ય રીતે પગની ઘૂંટીની આસપાસના ભાગ સુધી પહોંચીને પછી આ કૃમિ એવાં રસાયણનો સ્રાવ કરે છે જેથી ત્યાં ઇન્ફ્લેમેશનની શરૂઆત થાય અને પરિણામે ત્યાં ફોલ્લી ઉપસી આવે છે. થોડા સમયમાં આ ફોલ્લી ફૂટે છે અને ત્યાં ચાદું પડી જાય છે. આ ચાંદામાં વચ્ચોવચ ઊંડુ કાણું હોય છે, જેમાંથી વાળાનું માથુ બહાર નીકળે છે અને જ્યારે જ્યારે એ ભાગ પાણીમાં પહોંચે ત્યારે એમાંથી અનેક ઇંડાઓ બહાર આવે છે અને એમાંથી લોકોને ચેપ કરે છે.
આમ, જાતજાતના કૃમિઓ જાતજાતની પદ્ધતિથી રોગ કરે છે અને આપણાં દુર્ભાગ્યે મોટા ભાગના કોઇ ને કોઇ કારણસર શરીરરક્ષક દળના સકંજામાંથી છટકી જાય છે! જો કે મોટા ભાગના કૃમિઓથી થતાં રોગ સ્વચ્છતા અને આરોગ્યના સાદા નિયમોનું પાલન કરવાથી જરૂર અટકાવી શકાય છે.
ફૂગ
બેક્ટેરિયાની શોધ થઇ એ પહેલાંથી એવું સાબિત થઇ ગયુ હતું કે ફૂગ માનવ શરીરમાં રોગ કરી શકે છે. આપણામાંથી દરેકે કોઇ ને કોઇ પ્રકારની ફૂગ જોઇ હશે. બ્રેડ અને અન્ય ખાદ્ય પદાર્થમાં આથો લાવવા માટે વપરાતી યીસ્ટ સુધીના બધા જ ફૂગના પ્રકારો છે. આ બધામાંથી માત્ર ગણ્યાગાંઠ્યા પ્રકારની ફૂગ જ માણસમાં રોગ કરી શકે છે.
સામાન્ય તંદુરસ્ત માણસમાં મિત્ર બેક્ટેરિયાની આંતરડા અને ચામડી પર રહેલી ફોજ તથા બળવાન શરીરરક્ષક દળને કારણે જ ફૂગ રોગ કરી નથી શકતી. પણ જો કોઇ કારણસર શરીરરક્ષક દળ નબળું પડે અથવા તો ભારે એન્ટિબોયોટીક દવાઓ આડેધડ વાપરવાને લીધે શત્રુની સાથે મિત્ર બેક્ટેરિયાની ફોજ પણ નાશ પામે તો લાગ જોઇને ફૂગ શરીરમાં ઘૂસીને રોગની શરૂઆત કરી દે છે. આ રીતે માત્ર અમુક જ સંજોગોમાં તકનો લાભ લઇને રોગ કરતી ફૂગ 'તકવાદી' ફૂગ તરીકે ઓળખાય છે. કેન્ડીડા આલ્બીકન્સ નામની ફૂગનું નામ આમાં પહેલું આવે છે.
કેન્ડીડા ફૂગ ભીની, ગરમ જગ્યામાં થાય છે એટલે શરીરનો ભાગ વધુ સમય ભીનો રહેતો હોય અને બીજા ભાગ સાથે અડીને ઘસાયા કરતો હોય એ ભાગમાં આ ચેપ સહેલાઇથી થાય છે. પગની આંગળીઓ વચ્ચે કે જાંઘ પાસે આ ફૂગનો ચેપ બહુ સામાન્ય છે. આ ઉપરાંત, આખા આંતરડામાં એનો ચેપ લાગી શકે છે. જ્યારે મોઢુ પણ ચેપના ઝપાટામાં આવી જાય ત્યારે જીભ અને મોંની ત્વચા પર સફેદ પડ બાજી ગયેલું જોવા મળે છે. આ જ રીતે આ ફુગ સ્ત્રીઓના યોનિમાર્ગમાં પણ ચેપ લગાવે છે.
કેન્ડીડા સિવાય અન્ય ફૂગજન્ય રોગોમાં સૌથી વધુ જોવા મળતો દાદર-દરાજનો રોગ રિન્ગવોર્મ (ટીનીયા)ના ચેપને કારણે થાય છે. મ(૩ા ચામડી પર જ મર્યાદિત રહેતા આ ચેપમાં ફૂગ ચામડીના સૌથી ઉપરના પડમાં અડ્ડો જમાવે છે. ખાસ કરીને અસ્વચ્છ ચામડીમાં સહેલાઇથી ઘૂસી જતી આ ફૂગ ચામડીમાં ઊંડે સુધી જવાને બદલે ઉપરના પડમાં જ વધ્યા કરે છે. પરિણામે શરીરરક્ષક દળને ઘણીવાર ખબર પણ નથી પડતી કે ફૂગે ચામડી પર આક્રમણ કર્યુ છે. પણ ભૂકેચૂકે ચામડીના સહેજ અંદરના પડ સુધી આ ફૂગ તરત ઇન્ફ્લેમેશનની શરૂઆત થઇ જાય છે. ચામડી લાલઘૂમ, ગરમ, થોડોક દુ:ખાવો કરતી, સહેજ ઉપસેલી (કે ક્યારેક ફોલ્લીવાળી) દેખાય છે. ઇન્ફ્લેમેશનને કારણે ચામડીના નવા નવા પડ ઝડપથી બનવા લાગે છે અને જૂના પડ ઝડપથી ઉખડવા લાગે છે. જો આ ચામડી બદલાવાની ઝડપ ફૂગની વૃદ્ધિની ઝડપ કરતાં વધી જાય તો શરીર ફૂગથી છૂટકારો પામી શકે છે. નહીં તો વર્ષો સુધી વારે ઘડીએ ચેપ લાગ્યા જ કરે છે. જાંઘનો ભાગ આ ફૂગ માટે સૌથી આદર્શ સ્થળ છે. એ ઉપરાંત નખ, હાથ, પગ, પેટ, માથું ગમે તે જગ્યાએ એનો ચેપ લાગી શકે છે.
બીજી ફૂગના ચેપ સામે શરીરરક્ષક દળ કઇ રીતે લડાઇ કરે છે એ ચોક્કસ જાણી શકાયું નથી પણ ટી-લિમ્ફોસાઇટ ફૂગ સામેના આક્રમણમાં અગત્યનો ભાગ ભજવે છે. અને આ લિમ્ફોસાઇટની બિનકાર્યક્ષમતા ક્યારેક જીવલેણ ફૂગજન્ય રોગ કરવા માટે જવાબદાર બને છે.