શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી ના ચતુર્થ પ્રિયાછે .આજે આપણે શ્રી યમુનાજી ના જે ચિત્રજી ની ઝાંખી કરીએ છીએ તેમાં શ્રી યમુનાજી ના પોષાક માં પરિવર્તન જોવા મળે છે .યમુનાજી નું નારી સ્વરૂપ છે પણ શ્રી કૃષ્ણ નો મુકુટ અને કાછની નો શૃંગાર ધારણ કરે છે.એવું શા માટે ? પ્રભુચરણ શ્રી ગુંસાઈજીએ શ્યામા શ્યામ ની એ રહસ્ય લીલા નો પ્રસંગ નિજ સેવકો સમક્ષ આ પ્રમાણે વર્ણવ્યો છે .
માન લીલા માં હંમેશા શ્રી સ્વામિનીજી માન કરે અને શ્રી ઠાકોરજી તેમનું માન છોડાવે .એક દિવસ સ્વામિનીજીએ અનોખી લીલા કરી . શ્રી ઠાકોરજી માન કરે અને પોતે તેમનું માન છોડાવશે એમ કહ્યું .શૃંગાર રસ ની મર્યાદા અનુસાર સ્ત્રી માન કરે ,પુરુષ નહી .શ્રી કૃષ્ણે માન કરવું હોય તો એમને સ્ત્રી બનવું પડે એટલે એમણેસ્વામિનીજી નો પોષાક ધારણ કર્યો અને સ્વામિનીજીએ પુરુષ નો પોષાક ધારણ કર્યો .પછી નૂતન પ્રકાર ની માન લીલા શરુ થઇ .
સ્વામિનીજીએ ઘણાં હાવભાવ કર્યા ,પણ કૃષ્ણ ન મનાયા. થાકી ને તેઓ શ્રી યમુનાજી પાસે ગયા .તેમને વીનંતી કરી ‘ યમુને ,વીરહાગ્નીમાંબળતી મને બચાવવા હવે એક જ ઉપાય છે કે તું કૃષ્ણ નું માન છોડાવે ‘.
કમલ લીયે કર કમલ મેં , માલા લીની સંગ ,
ચલી ગીરીવરધર ધરન કોં ,મોહિત કોટી અનંગ .
શ્રી યમુનાજી પોતાનાં અતિ અદભુત સ્વરૂપે , શ્રીહસ્ત માંકમલ ની માલા લઇ ,શ્રી કૃષ્ણ નું માન છોડાવવા માટે જવા તૈયાર થયા .શ્રી સ્વામિનીજીએ પોતે ધારણ કરેલો પુરુષ નો ( કૃષ્ણ નો ) પોષાક યમુનાજી ને પરિધાન કરાવ્યો .રંગે તો યમુનાજી શ્યામ હતા જ , હવે શોભા પણ કૃષ્ણ ની ધારણ કરતા થયા . મોરમુકુટ, કટીકાછીની ધારણ કરેલ સ્વરૂપે તેઓ સાક્ષાત કૃષ્ણ સમાન શોભતા હતાં .એ સ્વરૂપે હવે તેઓ ‘સ્મરપીતુ શ્રિયમબીભ્રતિમ’ – સ્મર કહેતા કામદેવ અને કામદેવ ના પિતા એટલે શ્રી કૃષ્ણ ની શોભા ધારણ કરતા થઇ ગયા . શ્રી યમુનાજીને હુબહુ પોતાનાં સ્વરૂપે જોઈ કૃષ્ણ તેમના ઉપર મોહિત થઇ ગયા અને પોતાનું માન ભૂલી નિજ પ્રિયાને ભેટી પડ્યા .
માન લીલા પુરી થઇ . શ્રી યમુનાજીએ પોતાનો પોષાક બદલવાની તૈયારી કરી . શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી બંને એ તેમને અટકાવી કહ્યું કે ” તમે હંમેશા આ સ્વરૂપે રહો “એટલા માટે શ્રી યમુનાજી ની મુકુટ કાછની ના સ્વરૂપે ઝાંખી થાય છે.
આમ ,રૂપ ગુણ અને મહાત્મય માં શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી ની સમાન જ છે .
મારી પાસે ના એક પુસ્તક માંથી આ પ્રસંગ લખ્યો છે , આમાં કાંઈ મારી ભૂલ હોય લખવા માં તો ક્ષમા ચાહું છું . જય શ્રી કૃષ્ણ .