ડાયાબિટીસ

અનુક્રમણિકા

9. ગ્લુકોઝની મોટી વધઘટને કારણે ઉદભવતી બેભાનાવસ્થા(ડાયાબીટીક કોમા)

ડાયાબિટીસના દર્દીમાં જયારે લોહીમાં રહેલ ગ્લુકોઝ (શુગર) ની મોટી વધઘટ થાય ત્યારે દર્દી બેહોશ થઇ જાય એવું બનતું હોય છે. લોહીમાંથી શુગર ઘટી જવાની સ્થિતિ 'હાઇપોગ્લાઇસેમીયા' તરીકે ઓળખાય છે. જયારે લોહીમાં ગ્લુકોઝ વધી જવાની સ્થિતિ 'હાઇપરગ્લાઇસેમીયા' તરીકે ઓળખાય છે. સામાન્ય વપરાશમાં 'હાઇપોગ્લાઇસેમીયા' માટે 'શુગર લો (ઓછી) થઇ ગઇ છે' એવું કહેવાય છે. બાળપણના (ઇન્સ્યુલિન-આધારિત) ડાયાબિટીસમાં શુગર વધી જવાથી 'ડાયાબીટીક કીટોએસિડોસીસ' નામની ગંભીર તકલીફ થઇ શકે છે. પુખ્તવયના (ઇન્સ્યુલિન-બિનઆધારિત) ડાયાબિટીસમાં શુગર વધી જવાથી 'હાઇપરઓસ્મોલર કોમા' તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ ઉદભવે છે. ગ્લુકોઝની મોટી વધઘટને કારણે ઉદભવતી આ ગંભીર બીમારીઓને વિગતે સમજી લેવી દરેક ડાયાબિટીસના દર્દી માટે આવશ્યક છે.

    ♥ હાઇપોગ્લાઇસેમીયા (લોહીમાં શુગર / ગ્લુકોઝનું ઘટી જવું)

ડાયાબિટીસના દર્દીઓમાં નીચે જણાવેલ કારણોસર શુગર ઘટી જઇ શકે છે:- (૧) બહારથી આપેલ ઇન્સ્યુલિન/દવાનો ડોઝ વધી જવાથી; (૨) દવા લીધા પછી સમયસર ખોરાક ન લેવાથી; (૩) વધુ પડતી કસરત/શ્રમ કરવાથી. ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી શરીરના કોષોને પોષણ મળવાનું પણ ઘટી જાય છે. માનવ મગજના કોષો પોષણ માટે માત્ર ગ્લુકોઝ અથવા કીટોન બોડીઝ વાપરી શકે છે. જયારે લોહીમાંનું ગ્લુકોઝ અચાનક ઘટી જાય ત્યારે સીધી અસર મગજના કોષોના કાર્ય પર થાય છે. જો તાત્કાલિક અસરથી લિવરમાં નવેસરથી ગ્લુકોઝનું ઉત્પાદન શરૂ ન થાય તો મગજના કોષો કાર્ય કરતા બંધ થઇ જાય છે જેને લીધે બેભાનાવસ્થા (કોમા) ની સ્થિતિ આવે છે.

મગજને ગ્લુકોઝ ઓછો પહોંચે તો શરૂઆતના તબકકામાં ચકકર આવે, માથું દુ:ખે, માથું ખાલી ખાલી લાગે, આંખે ઝાંખપ વળે, અંધારાં આવે, વિચારશક્તિ ક્ષીણ થવા માંડે, ઝીણવટભર્યુ કામ કરવાની ક્ષમતા જતી રહે, મગજમાં ગુંચવાડા ઉદભવે, અસામાન્ય-વિચિત્ર વર્તણૂક થાય, ખેંચ આવે અને છેવટે બેભાનાવસ્થા આવી જાય. આ લક્ષણોની સાથોસાથ જ (લોહીમાં ગ્લુકોઝ વધારવાના આંતરિક પ્રયત્નને લીધે) પરસેવો થઇ જાય, હાથ પગ પાણી પાણી થઇ જાય, ધ્રુજારી આવે, હ્રદયના ધબકારા વધી જાય, ચિંતા-વ્યાકુળતા જણાય અને ભૂખ લાગવાનો અહેસાસ થાય.

ઇન્સ્યુલિન લેનારાઓ અને લાંબા સમય સુધી અસર કરે એવી ગ્લુકોઝ ઘટાડવાની દવા લેનારાઓમાં આ રીતે અચાનક ગ્લુકોઝ ઘટી જવાની શકયતા સૌથી વધારે રહે છે. આવી તકલીફ થાય અને દર્દી બેભાન થઇ જાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે એ હેતુથી દરેક દર્દીએ પોતાનું નામ- સરનામુ, ફોન નંબર; ડોકટરનું નામ-સરનામુ, ફોન નંબર; તથા 'મને ડાયાબિટીસની બીમારી છે. જો હું વિચિત્ર વર્તણુંક કરતો હોઉં કે બેભાન હોઉં તો તરત જ મને ડોકટર પાસે લઇ જવા વિનંતી' એવુ લખાણ ધરાવતું કાર્ડ કાયમ પોતાની પાસે રાખી મૂકવું જોઇએ.

જો શુગર ઘટી જવાની તકલીફને શરૂઆતના તબકકામાં જ પારખી લેવામાં આવે તો દર્દી પોતે જ એનો ઇલાજ કરી શકે છે. ચકકર કે પરસેવાની શરૂઆત થાય કે તરત જ ખાંડ નાખેલ દૂધ કે અન્ય પ્રવાહી પી લેવું જરૂરી છે. જેવી ખાંડ શરીરમાં જશે કે તરત જ આ તકલીફો ઓછી થઇ જશે. સાથે સાથે કંઇક નકકર ખોરાક / નાસ્તો પણ લઇ લેવો જોઇએ જેથી થોડા સમય પછી પાછી તકલીફ ન થાય. જો દર્દી બેહોશ થઇ ગયો હોય તો એવા દર્દીને મોં વાટે કંઇ આપવાનો પ્રયત્ન કરવાને બદલે તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવો જોઇએ જયાં નસમાં ગ્લુકોઝના ઇન્જેકશન / બાટલા આપીને દર્દીની જિંદગી બચાવી શકાય.

    ♥ ડાયાબીટીક કીટોએસિડોસીસ

    ♥ હાઇપર-ઓસ્મોલર કોમા