ડાયાબિટીસ

અનુક્રમણિકા

7. ડાયાબિટીસને ઓળખવો કઇ રીતે?

ડાયાબિટીસને ઓળખવો સહેલો નથી. ઘણાં લોકોને ડાયાબિટીસ થયા પછી ઘણા વર્ષો બાદ જાણ થાય છે કે તેમને ડાયાબિટીસની બીમારી છે. ડાયાબિટીસનાં લક્ષણો અને કોમ્પ્લિકેશન્સ એના પ્રકાર પ્રમાણે બદલાય છે. ઈન્સ્યુલીન આધારિત (ટાઇપ-૧) ડાયાબિટીસ બાળપણમાં (દશ-પંદર વર્ષની વયે) દેખા દે છે અને જલદીથી ઓળખાઇ જાય છે. જયારે ઇન્સ્યુલિન બિનઅધારિત (ટાઇપ-૨) ડાયાબિટીસ પુખ્તવયે (ચાળીસેક વર્ષની વયે) થાય છે અને મોડેથી ઓળખાય છે. આ બંને પ્રકારના ડાયાબિટીસના લક્ષણો સરળતા ખાતર જુદા જુદા વર્ણવ્યા છે પણ એમાં ઘણા અપવાદ હોઇ શકે.

    ♥ બાળપણના ડાયાબિટીસનાં લક્ષણો

લક્ષણોની સાદી સમજણ મળે એ હેતુથી અહીં એક દર્દીની વાત નામ બદલીને લખી છે: બાર વર્ષનો બંકિમ દિવસે દિવસે સૂકાતો જતો હતો. કાયમ રમતગમતમાં આગળ રહતો બંકિમ, છેલ્લાં બે મહિનાથી રમવાનું બહુ પસંદ નહોતો કરતો. થોડુંક દોડતાં થાક લાગી જતો હતો. સ્કૂલમાં પણ ભણવામાં ચિત્ત નહોતું લાગતું. વારંવાર ચાલુ કલાસે એકીપાણી માટે રજા લેવી પડતી હતી. પહેલાં કદી ચાલુ કલાસે વર્ગખંડ ન છોડનાર વિદ્યાર્થી અચાનક બગડી કેમ ગયો એ જ કોઇને નહોતું સમજાતું. કલાસમાં બીજા વિદ્યાર્થીઓથી પાછળ રહેવા લાગ્યો એટલે સાહેબે બંકિમની મમ્મીને બોલાવીને વાત કરી કે તમારો છોકરો ભણવામાં ધ્યાન નથી આપતો, વારંવાર એકીપાણી માટે રજા માગ્યા કરે છે. . . વગેરે.

આ સાંભળી મમ્મીની ચિંતામાં ઓર વધારો થયો. મમ્મી પણ જોતી હતી કે રાત્રે વારંવાર બંકિમ પેશાબ કરવા માટે ઉઠતો. મમ્મી રોજ ટોકતી કે વધુ પાણી ન પીવું. પણ બંકિમને તરસ એટલી લાગતી કે પાણી પીધા વગર રહી ન શકે. સૌથી વધુ નવાઇ તો એની મમ્મીને એ બાબતની લાગી કે બંકિમનો ખોરાક પહેલાં કરતાં વધ્યો હતો! રોજ કકડીને ભૂખ લાગતી અને પેટ ભરીને બંકિમ ખાતો એ છતાં એનું વજન વધવાને બદલે ઘટતું જતું હતું.

જયારે એક દિવસ અચાનક બંકિમને ભારે તાવ આવ્યો અને સાથેસાથે બંકિમ બેહોશ થઇ ગયો ત્યારે મમ્મી ઢીલી થઇ ગઇ અને બંકિમને ડોકટર પાસે લઇ ગઇ. ડોકટરે બધી વાત સાંભળી. બંકિમનો પેશાબ અને લોહીનો રીપોર્ટ જોઇને એમની આંખો પહોળી થઇ ગઇ. બંકિમના લોહી અને પેશાબમાં એટલી બધી શુગર (ગ્લુકોઝ) હતી કે બંકિમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન આપવા પડયા. બંકિમને ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ થયો હતો.

બંકિમની જેમ બીજા અનેક લોકોને આવો ડાયાબિટીસ થાય છે. જેનાં મુખ્ય લક્ષણો છે વધુ પડતો પેશાબ થવો, વધુ ભૂખ અને તરસ લાગવી તથા થાક લાગવો. અમુક લોકોમાં આ લક્ષણો ધીમે ધીમે વરસે વરસે વધતા ક્રમમાં દેખાય છે. તો બીજા કેટલાક લોકોમાં બે-ચાર મહિનામાં બધાં જ લક્ષણો દેખા દે છે. આ બધાં લક્ષણો દેખાવાનું એક જ મુખ્ય કારણ હોય છે લોહીમાં ગ્લુકોઝનો ભરાવો. ઇન્સ્યુલિનના અભાવે લોહીમાં રહેલ ગ્લુકોઝ કોષમાં જઇ નથી શકતો. જેને લીધે કોષો ભૂખ્યા મરે છે, શરીર સૂકાતું જાય છે. વધારાનો ગ્લુકોઝ કિડની વાટે પેશાબમાં નીકળી જાય છે એને શરીર બહાર કાઢવા માટે શરીરનું પાણી પણ વધુ પ્રમાણમાં નીકળી જાય છે જેથી ખૂબ તરસ લાગે છે.

બાળપણના ડાયાબિટીસના દર્દીઓ ઘણી વાર કીટોએસિડોસીસ તરીકે ઓળખાતા જીવલેણ કોમ્પ્લિકેશન સાથે જ પહેલ વહેલાં નિદાન પામે એવું પણ બંકિમની જેમ ઘણાં કિસ્સામાં બનતું હોય છે. આ કોમ્પ્લિકેશન અંગે વિગતે અહીં ચર્ચા કરી છે. કોઇક બીમારી કે ઓપરેશન પછી ડાયાબિટીસની તપાસ આ કોમ્પ્લિકેશનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે.

    ♥ પુખ્તવયના ડાયાબિટીસનાં લક્ષણો