અસ્વચ્છ ટેવો અને અસ્વચ્છ પર્યાવરણ સદીઓથી માનવ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ સાબિત થયા છે. આપણાં દેશમાં માત્ર સ્વચ્છ પાણી અને પર્યાવરણીય સ્વચ્છતા વધે તો અનેક ચેપી રોગો થતાં જ અટકી જાય છે.
અંગત સ્વચ્છતામાં સૌથી વધુ અગત્યતા શરીર સફાઇની છે. માત્ર ઘસીને હાથ ધોવાની કાળજી શરદીથી માંડીને આંખ આવવા સુધી અને ઝાડા થી માંડી કૃમિ સુધીની અનેક બિમારીઓ ઘટાડી દે છે.
ડાયાબિટીસનાં ઘણાં બધા દર્દીઓમાં ડાયાબિટીસની સાથોસાથ બ્લડપ્રેશર પણ વધારે રહે છે. જેમને ડાયાબિટીસનું નિદાન થયું હોય એવા વ્યક્તિએ નિદાન થાય ત્યારે અને એ વખતે નોર્મલ હોય તો દર ત્રણ મહિને બ્લડપ્રેશરની તપાસ કરાવી લેવી ખૂબ જરૂરી છે. જો બ્લડપ્રેશર વધારે આવતું હોય તો તાત્કાલિક અનેની પણ સારવાર કરવી આવશ્યક છે. ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર ભેગા થાય ત્યારે આંખ, કિડની અને હ્યદય પર નુકસાન થવાની શકયતાં ખૂબ વધી જાય છે.
ડાયાબિટીસને કારણે લાંબે ગાળે આંખના નેત્રપટલને નુકસાન થાય છે અને પરિણામે અંધાપો પણ આવી શકે છે. ડાયાબિટીસને કાયમ કાબૂમાં રાખવાની સાથોસાથ દર વર્ષે આછામાં ઓછી એક વખત આંખના પડદાની તપાસ આંખના નિષ્ણાત ડોકટર પાસે કરાવી લેવી જરૂરી છે. જો તમને દ્દષ્ટિમાં ઝાંળ વળે કે કાળા ધબ્બા દેખાય, અંધારામાં ઓછું દેખાય, આંખમાં દુખાવો થાય કે એકના ડબલ દેખાય તા તાત્કાલિક આંખના નિષ્ણાત ડોકટરનો સંપર્ક કરવો જરૂરી છે. સમયસરની લેસર સારવારથી દ્દષ્ટિને થતું નુકસાન અટકાવી શકાય છે.
ડાયાબિટીસનાં દર્દીઓમાં દાંતના પેઢામાં ચેપ લાગવાનું બહું સામાન્ય પણે જોવા મળે છે. આ ઉપરાંત મોં-ગળામાં ફુગનો ચેપ લાગવાની શકયતા પણ ડાયાબિટીસનાં દર્દીમાં વધુ રહે છે. દરેક ટંકે ખાધા પછી નિયમિત બ્રશથી દાંત સાફ કરવાની ટેવ અને બે દાંત વચ્ચેની જગ્યા દોરીથી રોજ સાફ કરવાની ટેવ દાંતની તકલીફને થતી અટકાવી શકે. દર છ મહિને એક વખત દાંતના ડોકટર પાસે દાંતની તપાસ કરાવવી ડાયાબિટીસનાં દર્દી માટે જરૂરી છે.
ચામડી પર ફુગ કે અન્ય ચેપ લાગવાની શકયતા ડાયાબિટીસમાં વધુ રહે છે. ચામડી પર ચેપ ન લાગે એ માટે ચામડીને નિયમિત સ્વચ્છ અને કોરી (સૂકી) રાખવી જરૂરી છે. ચામડીના જે તે ભાગ એક બીજાના સતત સંપર્કમાં રહેતાં હોય (દા.ત. બે આંગળી વચ્ચે કે જાંઘ પાસે) ત્યાં પરસેવાને કારણે ચામડી ભીની ન રહે એની ખાસ કાળજી રાખવી જરૂરી છે. જો ચામડી પર કયાંય ચીરો પડે તો તરત ચોખ્ખા પાણી કે એન્ટી સેપ્ટીક સોલ્યુશનથી સાફ કરીને ઉપર ધૂળન લાગે એ માટે સ્વચ્છ જંતુમુકત પાટો બાંધી દેવો જોઇએ. જો ગુમડું થાય કે ચેપ લાગે તો તરત ડોકટરનો સંપર્ક કરવો જરૂરી છે.
ડાયાબિટીસનાં દર્દીઓમાં પગની રકતવાહિની તથા ચેતાઓને નુકસાન થવાથી પગમાં ઇજા થવાની અને ઇજા થયા પછી જલદી ઘા ન રૂઝાવાની તકલીફ થાય છે. ડાયાબિટીસની બીમારી જયારે આગળ વધે છે ત્યારે એના પરિણામે અનેક લાંબા ગાળાના કોમ્પ્લિકેશન ઉભા થાય છે. જેમાં પગની તકલીફ ઘણી સામાન્ય છે. ડોકટરોની ભાષામાં 'ડાયાબિટિક ફુટ' તરીકે ઓળખાતી આ તકલીફ, જે દર્દીનો ડાયાબિટીસ સંપૂર્ણ કાબૂમાં ન હોય એ દર્દીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક દર્દીઓમાં પગ પર વધુ તકલીફ થવાના કારણે છેવટે પગ કપાવવાનો વારો આવે એવું પણ બને છે. એક અંદાજ પ્રમાણે વિકસિત દેશોમાં (જયાં ડાયાબિટીસ જેવી બીમારીનું પ્રમાણ વધારે છે ત્યાં) પગ કે એનો કોઇ ભાગ કપાવવાના (એમ્પ્યુટેશનના) કુલ ઓપરેશનમાંથી સાંઠ ટકા ઓપરેશન ડાયાબિટીસના દર્દીઓ ઉપર થાય છે!
ડાયાબિટીસના દર્દીઓમાં થતી પગની તકલીફોથી બચવા માટે સૌથી પહેલું અને અગત્યનું કામ ડાયાબિટીસને સંપૂર્ણપણે નિયત્રંણ હેઠળ રાખવાનું છે. ખોરાકની પરેજી, કસરત અને જરૂર પડયે દવાઓ કે ઇન્સ્યુલિનની મદદથી ડાયાબિટીસને કાબૂમાં રાખવાથી ડાયાબિટીસને કારણે ઉદભવતા મોટા ભાગનાં કોમ્પ્લિકેશન કાબૂમાં આવી શકે છે.
જે દર્દીને ડાયાબિટીસ કાબૂમાં નથી રહેતો અથવા વારંવાર કાબૂ બહાર જતો રહે છે એ દર્દીના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધી જવાથી પગની સંવેદના લઇ જતી ચેતાઓ તથા પગને લોહી પુરું પાડતી ધમનીઓને નુકસાન પહોંચે છે. પગની ધમનીઓને નુકસાન થવાથી પગને પૂરતું લોહી પહોંચતું નથી. પરિણામે કંઇ પણ ઇજા થાય કે ચેપ લાગે ત્યારે ઘા જલદી રૂઝાતો નથી. વળી, ચેતાતંતુને નુકસાન થવાથી પગની સંવેદનાઓ ઘટી જાય છે. પગમાં ખાલી ચડી ગઇ હોય કે ઝણઝણાટી થતી હોય એવો અનુભવ થાય છે. પોચી ગાદી પર ચાલતા હોય એવું ઘણા દર્દી અનુભવે છે. પગની સંવેદના ઘટી જવાને કારણે કંઇક વાગે ત્યારે દુ:ખાવો થતો નથી અથવા ઓછો થાય છે. જેને કારણે વાગવા છતાં ડાયાબિટીસના દર્દીને એની જાણ નથી થતી અને ઊંડા ઘા પડે છે. નાનકડી ઇજા કયારે મોટું સ્વરૂપ ધારણ કરી લે એ ખબર નથી પડી શકતી. નાના ઘસરકામાંથી મોટું ગેન્ગ્રીન થાય અને પગ કપાવવાનો વખત આવે એવું ઘણા કિસ્સામાં બને છે. એક અભ્યાસ પ્રમાણે જે દર્દીને ડાયાબિટીસને કારણે એક પગ કપાવવાનો વખત આવે એ દર્દીને એક પગ કપાવ્યા પછી ત્રણથી પાંચ વર્ષની અંદર બીજો પગ પણ કપાવવો પડે એવી શકયતા પંચોતેર ટકા કિસ્સામાં રહે છે.
આ ઉપરાંત, જો પગના સ્નાયુઓને હલનચલનનો આદેશ આપનાર ચેતાઓને પણ ઇજા થાય તો જે તે સ્નાયુઓ (વપરાશ ન થવાને કારણે) એકદમ પાતળા થઇ જાય છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓના પગ આ રીતે એકદમ પાતળા અને નબળા થઇ જાય છે. મસ્કયુલર એટ્રોફી તરીકે ઓળખાતી આ તકલીફ સામાન્ય રીતે સંવેદના ઓછી થઇ ગયા પછી દેખાતી હોય છે. એને કારણે પગના અંગૂઠાઓમાં વિકૃતિ આવી જાય છે જેમાં અંગૂઠાના મૂળ નીચેની ચામડી જાડી થઇ જાય અને અંગૂઠાની ટોચ જમીનથી અધ્ધર રહે એવી તકલીફ થાય છે. ડાયાબિટીસમાં પગને નુકસાન ન થવા દેવું હોય તો નીચે લખ્યા મુજબની પગની વિશેષ કાળજી લેવી ખૂબ જરૂરી છે.
દરેક ડાયાબિટીસના દર્દીએ નિયમિતપણે રોજ દિવસમાં ત્રણ વખત પોતાના પગની સ્વતપાસ કરવી ખૂબ જરૂરી છે. જો તમારી દ્દષ્ટિ સારી ન હોય તો કોઇ અન્ય પાસે પગની તપાસ કરાવી લેવી જરૂરી છે. પગમાં લાલાશ, સોજો, કાપા, ફોલ્લા, ચીરા કે ચેપ જેવું જણાય તો તરત જ એ ભાગની યોગ્ય સારવાર કરવી જરૂરી બની જાય છે.
પગને સાફ અને કોરો રાખવો ખૂબ જરૂરી છે અને ખાસ તો આવા કાપા, ચીરા, ફોલ્લા વગેરેને ચોખ્ખા, ઉકાળીને ઠંડા કરેલ પાણીથી સાફ રાખવા જોઇએ. જો ઘામાં રેતી કે કચરો જણાતો હોય તો એ દૂર કરવો અને માઇલ્ડ એન્ટીસેપ્ટીકના ટીપાં નાખેલ પાણી વાપરવું જેથી ચેપ થવાની શકયતા ઘટી જાય. પાણીથી ઘાને સાફ કર્યા પછી ચેપ હોય તો એન્ટીસેપ્ટીક મલમ લગાડવો; નહીં તો માત્ર કોરા ચોખ્ખા કપડાંથી જે તે ભાગને ચોખ્ખો કરી ઘામાં ધૂળ વગેરે ન જાય એ હેતુથી ચોખ્ખું રૂ ઘા ઉપર મુકીને પટ્ટી મારી દેવી. દરરોજ ઘાને ચોખ્ખો કરવા આ પ્રમાણે ડ્રેસીંગ કરવું જોઇએ. જો વધુ પડતો ચેપ હોય કે ગૂમડું થયું હોય તો ડોકટરની સલાહ વહેલી તકે લઇ યોગ્ય સારવાર કરાવવી જોઇએ. પગના નખ કાપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એના ખૂણા છેક અંદર સુધી ન કપાઇ જાય અને નખની બાજુઓ પરની ચામડી ખેંચાઇ ન જાય કારણ કે નહીં તો નખ જ ચામડીને ઇજા કરે એવું બની શકે. ખુલ્લા પગે ચાલવાનું શકય હોય ત્યાં સુધી ટાળવું જોઇએ.
ચાલવા કે દોડવા માટેનાં બૂટ નિયમિત પહેરવાં જોઇએ. કામના કલાકો દરમ્યાન દર ચાર કલાકે બૂટ બદલી નાખવા જોઇએ. બૂટ બદલવાથી એકની એક જગ્યા પર દબાણ આવવાની શકયતા ઘટે છે અને બૂટની પગને આરામ અને રક્ષણ આપવાની ક્ષમતા ઘણી વધે છે. ડાયાબિટીસના દર્દીને આ રીતે ચાર કલાકે બૂટ બદલવાથી પોતાના પગની જાત તપાસ કરવાનો મોકો પણ આપોઆપ મળી જાય છે. દરેક વખતે બૂટ પહેરતાં પહેલાં અંદર કાંકરી કે કચરો નથી એની પાકી ખાત્રી કરી લેવી જરૂરી છે. કયારેક પગની સંવેદના ઘટી ગઇ હોવાથી કાંકરા ખૂચે તો પણ ખબર ન પડે એવું બનતું હોય છે. જે દર્દીને પગમાં વારંવાર ઇજા થઇને તકલીફો થયા કરતી હોય તેમણે ઊંડાં તળીયાંવાળા બૂટ ખાસ પ્રકારના ઓર્થોટીક સપોર્ટ સાથે પહેરવા જોઇએ જેથી પગનાં કોઇ એક જ ભાગ પર દબાણ વધુ ન આવે; પગને વધુ રક્ષણ અને આધાર મળી રહે અને પરિણામે પગને થતું નુકસાન અટકે.
બૂટની જેમ જ મોજાં અંગે પણ યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. પગની સંવેદના ઓછી થઇ ગઇ હોય એવા દર્દીઓએ તો દર ચાર કલાકે શૂઝની સાથે મોજાં પણ બદલી નાખવા જરૂરી છે. કોટનનાં મોજાં ઉત્તમ ગણી શકાય. પગમાં દબાણ આવતા ભાગોએ વધારાની ગાદી મુકેલ હોય એવાં મોજાં પણ મળતા હોય છે કે દર્દીની જરૂર મુજબ બનાવી શકાય જેથી પગના દબાણ આવતા ભાગ પર ચાંદાં ન પડે.
પગને લોહી પહોંચાડતી મોટી ધમનીઓ સાંકડી થઇ જવાને કારણે લોહી ન પહોંચતું હોય તો એવા દર્દીઓમાં પગની ધમનીને બાયપાસ કરવાનું ઓપરેશન આર્શીવાદરૂપ થઇ શકે, પરંતુ જો પગની ચેતાતંતુઓને નુકસાન થવાથી પગમાં ઇજા થયા કરતી હોય તો એવા દર્દીઓએ ઉપર વર્ણવેલ પગ સંભાળવાની રીત પર ખાસ ધ્યાન આપવું જોઇએ. પગની યોગ્ય સંભાળ ડાયાબિટીસના દર્દીમાં એક અગત્યનું અને દુ:ખદાયક કોમ્પ્લિકેશન ઘટાડવામાં ઉપયોગી થઇ શકે છે. પગ પરનું દબાણ ઘટાડવા અને ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે પગની સંભાળની સાથોસાથ શરીરનું વજન ઘટાડવું પણ એટલું જ જરૂરી છે એ દરેક દર્દીએ યાદ રાખવું જોઇએ.
ડાયાબિટીસની તકલીફ માનસિક તાણ વધવાથી બેકાબૂ થઇ જાય છે. તણાવમુક્તિની તાલિમ લેવાથી તણાવભરી પરિસ્થિતિમાં પણ મનને સ્વસ્થ રહેતાં શીખવી શકાય છે. યોગાસન - ધ્યાન - સવાશન - ઊંડા શ્વાસોશ્વાસ વગેરે તણાવમુક્તિ માટે ઉપયોગી છે. હળવાશભરી પળોને માણતાં શીખવાનું અને સુખદ ઘટનાઓને યાદ રાખી દુ:ખદ ઘટના જલદી ભૂલવાની માનસિક તાલિમ લાંબા ગાળાના ફાયદા કરે છે. બિનજરૂરી ચિંતાઓ અને વિચારોથી મનને દૂર રાખવાથી અને સંતોષ - સહિષ્ણતા વગેરે જેવા સદ્ગુણો કેળવવાથી મન અને શરીર સુખ-શાંતિ અનુભવે છે.
દારૂ અને તમાકુનું કોઇપણ સ્વરૂપે વ્યસન ડાયાબિટીસની તકલીફો વધારી મૂકે છે. કાયમ માટે આ વ્યસનોને સંપૂર્ણપણે જાકારો આપવો ડાયાબિટીસના દર્દી માટે અનિવાર્ય છે.
ડાયાબિટીસમાં તમાકુથી,
આટલી બધી તકલીફ વધારી આપનાર તમાકુનું સેવન બંધ કરવાથી આ બધી તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે. આ જ રીતે, ડાયાબિટીસના દર્દી દારૂનું સેવન કરે તો ડાયાબિટીસ બેકાબૂ થઇ જાય છે અને બધા કોમ્પ્લિકેશન વધી જાય છે. દારૂ-તમાકુના વ્યસનથી મુક્તિ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જરૂરી છે.
ડાયાબિટીસનાં દર્દીમાં લાંબે ગાળે કિડનીને નુકસાન થવાની શકયતા હોય છે. શુગરનું ચુસ્ત નિયંત્રણ કિડનીને નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત, પેશાબમાં માઇક્રોઆલ્બ્યુમીનની તપાસ કરવાથી કિડનીના નુકસાનને શરૂઆતના તબકકામાં ઓળખી લઇને યોગ્ય દવાઓ શરૂ કરી શકાય છે. ઓછામાં ઓછુ દર છ મહિને લોહીમાં યુરિયા અને ક્રીએટીનીનની તપાસ કરતાં રહીને કિડનીની સ્થિતિ જાણી શકાય.
ડાયાબિટીસનાં દર્દીમાં હાર્ટ એટેક આવવાની શકયતા ખૂબ વધારે રહે છે. ઓછી ચરબીવાળો ખોરાક, નિયમિત કસરત, વ્યસનમુક્તિ અને માનસિક શાંતિ હ્રદયરોગથી શરીરને બચાવવા માટે ખૂબ જરૂરી છે. દર છ - બાર મહિને ડાયાબિટીસનાં દર્દીએ હ્રદયને માટે કાર્ડિયોગ્રામ કરાવતાં રહેવું જોઇએ. ડોકટરને જરૂર જણાય તો આ ઉપરાંત સ્ટ્રેસ ટેસ્ટ કે ઇકો-કાર્ડિયોગ્રાફીની તપાસ ડોકટરની સલાહથી કરાવવી જોઇએ.

