ડાયાબિટીસ

અનુક્રમણિકા

10. ડાયાબિટીસની સારવાર

    ♥ ડાયાબિટીસમાં કસરતનું મહત્વ

ડાયાબિટીસને થતો જ અટકાવવા માટે અને એકવાર થઇ ગયા પછી કાબૂમાં રાખવા માટે કસરત ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પુખ્તવયે શરૂ થયેલ (ટાઇપ-૨) ડાયાબિટીસના દર્દીઓમાં કસરતને કારણે નોંધપાત્ર ફાયદો થતો જણાયો છે.

યોગ્ય માત્રામાં કસરત કરવાથી પેટની આસપાસની ચરબી ઘટે છે. પેટની આસપાસની ચરબી ઘટવાથી ઇન્સ્યુલિનની અસરકારકતા વધે છે. આ ઉપરાંત, કસરત કરવાને લીધે શરીરમાં સ્નાયુઓનો જથ્થો વધે છે, કસરતને લીધે સ્નાયુની અંદરના ૨b પ્રકારના તાંતણાનું ૨a પ્રકારના તાંતણામાં રૂપાતંર થાય છે, જેની ઊપર ઇન્સ્યુલિનની વધુ સારી અસર થઇ શકે છે. કસરતને કારણે સ્નાયુઓ પર ઇન્સ્યુલિનને પારખવા માટે જરૂરી રીસેપ્ટર્સમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત સ્નાયુઓને મળતા રકતપ્રવાહમાં અને સ્નાયુઓમાં રહેલ રકતવાહિનીના કુલ જથ્થામાં કસરતથી લાંબે ગાળે વધારો થાય છે, જેને લીધે લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ વધુ સારી રીતે થઇ શકે છે.

આ બધા સીધા ફાયદાઓ ઉપરાંત, કસરતને કારણે ડાયાબિટીસના દર્દીઓને અન્ય અનેક લાભ થાય છે. કસરત કરવાથી વજન ઘટે છે અને વજન ઘટવાથી આપોઆપ જ ડાયાબિટીસ કાબૂમાં રહે છે તથા વધુ વજનને લીધે થતાં અન્ય નુકસાનો પણ ઘટે છે. આ જ રીતે કસરતને કારણે હ્રદય અને ફેફસાંની કાર્યક્ષમતા પણ સુધરે છે. હ્રદય-ફેફસાંની કાર્યક્ષમતા વધે એ ડાયાબિટીસના દર્દીમાં ખૂબ જરૂરી હોય છે. ડાયાબિટીસના ઘણા બધા દર્દીઓ ડાયાબિટીસને કારણે હ્રદય પર થતા નુકસાનને લીધે મૃત્યુ પામતા હોય છે. જો નિયમિત કસરત કરીને હ્રદયને સાબૂત રાખવામાં આવે તો એને નુકસાન થવાની શકયતા ઘટી જાય છે.

આમ, ડાયાબિટીસથી બચવું હોય તો આજથી જ કસરત શરૂ કરી દો. રોજની ૩૦ થી ૪૫ મિનિટ સુધી ચાલવાની, તરવાની, સાઇકલ ચલાવવાની કે અન્ય કોઇ એરોબિકસ કસરત કરવી દરેક માણસ માટે ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ થઇ ગયા પછી પણ એને કાબૂમાં રાખવા માટે નિયમિત કસરત આશીર્વાદરૂપ સાબિત થાય છે. વેઇટલિફટીંગ જેવી ભારે કસરતને બદલે આવી એરોબીક કસરત વધુ ફાયદો કરે છે.

            ★ ડાયાબિટીસના દર્દીએ સલામત રીતે કસરત કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

  1. નવેસરથી કસરત શરૂ કરતાં પહેલાં તમારુ બ્લડ પ્રેશર, વજન અને બ્લડ શુગર મપાવી લો. પગ, કિડની, આંખ કે હ્રદય પર ડાયાબિટીસના કોઇ કોમ્પ્લિકેશન છે કે નહીં તે પણ ડોકટરી તપાસ કરાવી જાણી લો.
  2. તમને કોમ્પ્લિકેશન હોય તો એ મુજબ કઇ કસરત કરવી, એનો નિર્ણય ડોકટરની સલાહથી કરવો. જો પગની તકલીફ હોય તો ચાલવાને બદલે સાઇકલ ચલાવવાની કે હાથને કસરત મળે એવા સાધનોથી થતી કસરત પસંદ કરવી જોઇએ. જો આંખની તકલીફ હોય તો ઘરની બહાર કસરત કરવાને બદલે ઘરમાં જ કસરત કરવી જોઇયે.
  3. કસરત કરતાં પહેલાં બ્લડ શુગરનું પ્રમાણ ૨૫૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં ઓછું અને ૧૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ હોવું જોઇએ, લોહીમાં કીટોન બોડીઝ ન હોવા જોઇએ અને વારંવાર બ્લડ શુગર ઘટી જવાની તકલીફ ન હોવી જોઇએ. આંખની પણ વધારે અથવા વધતી જતી તકલીફ હોય તો ખૂબ ભારે કસરત ન કરવી કારણ કે કસરતથી થતી બ્લડ પ્રેશરની વધ-ઘટ નેત્રપટલને વધુ નુકસાન કરી શકે છે.
  4. કસરત શરૂ કરતાં પહેલાં ૫-૧૦ મિનીટની સ્નાયુઓ અને સાંધાઓને હળવું ખેચાંણ આપતી વોર્મ અપ કસરતો અને બંધ કરતી વખતે ૫-૧૦ મિનિટ ધીમી ઝડપની કૂલ ડાઉન કસરત કરવી જરૂરી છે. વચ્ચેના ૨૦ થી ૩૦ મિનિટના સમયમાં ઝડપભેર હ્રદયની મહત્તમ ક્ષમતાના આશરે ૭૦ ટકા ક્ષમતા સુધી પહોંચાય એટલી કસરત કરવી.
  5. ઈન્સ્યુલિનનું ઈન્જેકશન લીધા પછી તરત કસરત ન કરવી. જે હાથ-પગમાં ઈન્સ્યુલિન ઈન્જેકશન લીધું હોય એ હાથ-પગનું હલન-ચલન થાય એવી કસરત કરવા થી ખૂબ ઝડપથી ઈન્સ્યુલિન લોહીમાં ભળી જશે અને બ્લડ શુગરનું પ્રમાણ ખૂબ ઘટી જશે - ચકકર આવશે કે બેભાન થઇ જવાશે. માટે, જે હાથ-પગમાં ઈન્સ્યુલિન ઈન્જેકશન લીધું હોય તેની તરત કસરત ન કરવી.
  6. જો કસરત કરવાથી બ્લડ શુગર ખૂબ વધારે ઘટી જતુ હોય તો, કસરત કરવાનાં એકાદ કલાક પહેલાં હળવો નાસ્તો કરી લેવો, અથવા મલાઇ વગરનું દૂધ પીવું. જો અડધા કલાકથી વધુ સમય કસરત ચાલવાની હોય તો વચ્ચે કંઇક ખાતા રહેવું. સાથે ચણાં, મમરાં, ખાખરો કે પીપરમીંટ જેવી કોઇ વસ્તુ રાખવી જેથી શુગર ઘટવાના લક્ષણ જણાય તો તરત લઇ શકાય.