અનુક્રમણિકા

5. બેભાનાવસ્થા (કોમા)

     જ્યારે કોઈપણ કારણસર મગજની કામગીરી કામચલાઉ કે કાયમી ધોરણે ખોરવાઇ જાય ત્યારે માણસ ભાન ગુમાવવા લાગે છે અને છેવટે કોમા તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. કોમા એટલે એવી અવસ્થા જેમાં દર્દી આંતરિક જરૂરિયાતો કે બાહ્ય હસ્તક્ષેપનો યોગ્ય પ્રતિભાવ ન આપી શકે, જેમાં દર્દી પાતાની જાત અને બાહ્ય દુનિયાથી તદ્દન અજાણ હોય છે અને આ અવસ્થામાંથી દર્દીને જગાડી શકાતો નથી. બેભાનાવસ્થા (કોમા) માટે શરીરની આંતરિક ખરાબી કે શરીરની બહારના પરિબળો જવાબદાર હોય છે.

નીચે જણાવેલ આંતરિક અવ્યવસ્થા કોમા માટે જવાબદાર હોઈ શકે:

(૧) લોહીમાં શર્કરા (સુગર) ખૂબ ઓછી કે વધુ થઇ જવી.
(૨) મગજમાં રકતસ્રાવ થવો (બ્રેઇન હેમરેજ).
(૩) મગજને કોઇ પણ કારણસર લોહી અને ઓકિસજન ઓછા મળવા.
(૪) લિવર (યકૃત) ની કામગીરી ખોરવાઈ જવી.
(૫) કિડની ફેઈલ થઈ જવી.
(૬) ખેંચ આવવી.
(૭) હિસ્ટેરિયા.

કોમા માટે જવાબદાર બાહ્ય કારણો નીચે મુજબ હોઇ શકે:

(૧) માથા પર સીધો માર વાગવો.
(૨) ઝેરી મેલેરિયા કે મેનિન્જાઈટીસ જેવી બીમારી.
(૩) વધુ પડતો દારૂ પીવાથી કે અફીણ લેવાથી.
(૪) અન્ય ઝેર ચડવાથી.
(૫) વીજળીના આંચકાથી.
(૬) લૂ લાગવાથી.
(૭) કોઈ દવા કે ઈન્જેક્શનના વધુ પડતા ડોઝથી.

     આમ, બેભાન થઈ જવાના સંખ્યાબંધ કારણો છે. તેમાંના અમુક એકદમ ક્ષણિક હોય છે. જેમકે ચક્કર આવીને બે ઘડી મૂર્છા આવી જવી કે ખેંચ પછી થોડા સમય માટે બેભાન રહેવું. આ પ્રકારની બેભાનાવસ્થા આપોઆપ જ સારી થઈ જાય છે. પણ, આ સિવાયના મોટેભાગના બેભાનાવસ્થાના કારણો ખૂબ ગંભીર હોય છે અને સમયસરની સારવારને અભાવે દર્દીનુ મૃત્યુ પણ થઈ શકે છે. તેથી કોઈપણ બેભાન વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર સમજીને તાત્કાલિક સારવાર કરવા લાગી જવું જોઈએ. અને શક્ય એટલા જલ્દી હોસ્પિટલ પહોંચવાની તજવીજ કરી દેવી જોઈએ.
     બેભાનાવસ્થા (કોમા)ને ઓળખવામાં સામાન્ય રીતે કોઈ તકલીફ નથી પડતી, કારણકે સારવાર આપનાર વ્યક્તિ મોટેભાગે કોઈજાતનો પ્રતિભાવ ન આપતી સંર્પૂણ બેભાન વ્યક્તિને જ જુએ છે. પરંતુ જે દર્દી ધીરે ધીરે ભાન ગુમાવતો હોય એવા દર્દી શરૂઆતના તબકકામાં ગૂંચવાયેલ લાગે છે, સવાલના ખોટા જવાબ આપે, દિવસનો સમય, આજુબાજુની વ્યક્તિ કે જગ્યા કઈ છે તે બરાબર જણાવી નથી શકત. કોઈવાર એકની એક વાત વારંવાર કર્યા કરે છે. ઊંઘના સમય ઉલટાઇ જાય છે. દિવસભર ઉંઘ્યા કરતો અને રાતભર ઊંઘી ન શકતો દર્દી ક્યારેક બેભાનાવસ્થાની નજીક હોય છે. જેમ દર્દી વધુને વધુ ભાન ગુમાવે છે તેમ એની સાથે વાત કરવાનું મુશ્કેલ બની જાય છે. વાતચીત કરવા માટે દર્દીને ઢંઢોળવા છતાં જવાબ નથી મળતો. આાવા દર્દીને જગાડવા માટે દુ:ખાવો થાય એ રીતે ચીમટો ભરવો પડે છે. જેમ સ્થિતિ બગડતી જાય તેમ દર્દજનક ચીમટાથી પણ દર્દીને કોઇ અસર થતી નથી. છેવટે દર્દીનો શ્વાસ ધીમો અને અનિયમિત થવા લાગે છે અને નાડી ધીમી થઇ જાય છે. જ્યારે આવા સંર્પૂણ બેભાન દર્દીને જુઓ ત્યારે તાત્કાલિક નીચે જણાવ્યા પ્રમાણે પ્રાથમિક સારવાર શરૂ કરી દેવી જોઇએ.

    1. બેભાનાવસ્થા માટે પ્રાથમિક સારવારના મુદ્દાઓ