જ્યારે પણ હથિયારથી અથવા અન્ય કોઇ કારણે હાથ-પગને ઇજા થઇને ખૂબ લોહી વહેવા માંડે ત્યારે લોહીનું એક એક ટીપું ઇજાગ્રસ્ત વ્યક્તિના જીવન-મરણનો ફેંસલો કરી શકે છે. એટલે પ્રાથમિક સારવારમા જીવનબચાવની કામગીરીઓ કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ સાથે રક્તસ્રાવને કોઇ પણ રીતે અટકાવવો એ સોૈથી પહેલું અને અગત્યનું પગલું છે.
પુખ્ત વયના શરીરમાં આશરે પાંચ થી છ લીટર જેટલું લોહી હોય છે. ઇજાને કારણે રક્તવાહિનીઓ કપાઇ જવાથી ઘણું લોહી શરીર બહાર વહેવા લાગે અને લોહી વહેવાની ઝડપ તથા પ્રમાણ પર દર્દીની સ્થિતિ બગડવાનો આધાર રહે છે. જયારે ૧૦% કરતા વધુ લોહી ટુકાં સમયમા વહી જાય ત્યારે શોકની ગંભીર સ્થિતિ ઉભી થાય છે.
નાની ઈજાથી જ્યારે લોહી વહે ત્યારે લોહીની આપોઆપ ગંઠાઇ જવાની પ્રકૃતિને કારણે ગણતરીની મિનિટોમાં જ જે તે જગ્યાએ લોહીનો ગઠ્ઠો બાઝી જાય છે અને વધુ લોહી બહાર નીકળતું અટકી જાય છે. મોટી રક્તવાહીની (ખાસ કરીને ધમની) કપાઇ ગઇ હાય ત્યારે લોહી એકદમ જોશભેર વહેવા લાગે છે અને આવા સંજોગોમાં લોહીનો ધસમસતો પ્રવાહ લોહીને ગંઠાવાની તક જ નથી આપતો પરિણામે ઘણું બધું લોહી બેરોકટોક નીકળ્યા કરે છે અને તાત્કાલિક પ્રાથમિક સારવાર ન કરવામાં આવે તો ગણતરીની મિનિટોમાં જ ઈજાગ્રસ્ત વ્યક્તિ જાન ગુમાવી શકે છે.
આવી મોટી ઈજાથી થયેલ રક્તસ્રાવને અટકાવવા માટે લોહી જેટલાં દબાણથી નીકળે છે તેની સામે બહારથી દબાણ આપવું જરૂરી બને છે. સૌથી સરળ અને અસરકારક ઉપાય જે ભાગમાથી લોહી નીકળતુ હોય એજ ભાગ પર ચોખ્ખા કપડાંથી બે થી પાંચ મિનિટ સુધી એકધારું દબાણ આપવું અથવા જોરથી પાટો બાંધી દેવો એ છે. તે ભાગે બરફ લગાવવાથી ફાયદો થતો નથી, ઊલટું ક્યારેક ઠંડકના કારણે લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને વધુ લોહી વહે છે!! ઇજા પામેલ ભાગ પર દબાણ આપ્યા પછી અથવા કડક પાટો બાંધ્યા પછી એ ભાગને હ્રદયની સપાટીથી ઉંચો રાખવામા આવે તો એ ભાગની શીરાઓમાંથી હ્રદય તરફ જતુ લોહી ઘણી સહેલાઇથી જઇ શકે છે. પરિણામે રક્તસ્રાવમાં ઘટાડો થાય છે. ખાસ કરીને જ્યારે રક્તસ્રાવનું કારણ હ્રદય તરફ લોહી લઇ જતી રક્તવાહીની પર થયેલી ઇજા હોય ત્યારે આમ કરવાથી ફાયદો થાય છે.
મોટા ભાગના રક્તસ્રાવ ઉપર જણાવેલ સાદા ઉપાયોથી બંધ થઇ જ જાય છે. પણ કેટલીક વખત, જ્યારે હ્રદયમાંથી જુદા જુદા અવયવોને લોહી પહોંચાડતી રક્તવાહીની કપાઇ જાય ત્યારે હ્રદયના દરેક ધબકારા સાથે ફુવારાની જેમ લોહી વહે છે. આવા વખતે, જો ઘા પર સીધું દબાણ આપવા છતાં રક્તસ્રાવ ચાલુ રહે તો (ખાસ કરીને હાથ કે પગનો અમુકજ ભાગ કપાઇ ગયો હોય ત્યારે બાવડા પર કે જાંઘ પર) ઇજાગ્રસ્ત ભાગથી જરા હ્રદય તરફના ભાગે પાટો, રબર, કે હાથવગી કોઇપણ વસ્તુ કસીને બાંધી દેવી જોઇએ.
ધમનીનાં જોરદાર રક્તસ્રાવને બંધ કરવા માટે વપરાતા કસીને બાંધેલ પાટાને ટુર્નિકેટ કહેવામાં આવે છે. આ ટુર્નિકેટ બાંધતી વખતે કેટલીક ખાસ કાળજી રાખવી જોઇએ, નહીં તો એનાથી લાભને બદલે નુકસાન પણ થઇ શકે છે. ટુર્નિકેટ બાંધતા પહેલા ઇજા પામેલ ભાગને પાંચેક મિનિટ સુધી હ્રદયની સપાટીથી ઊંચે પકડી રાખવો જોઇએ. આ પછી હાથની ઇજા હોય તો બાવડા પર અને પગની ઇજા હોય તો જાંઘ પર ટુર્નિકેટ ને બે વાર વીંટી ખેંચીને ગાંઠ વાળવી જોઇએ અને એ પછી ગાંઠ આગળ વળ ચડાવીને ટુર્નિકેટ ટાઇટ કરતાં જવું જોઇએ. આમ કરવાથી ત્યાં આગળથી પસાર થતી ધમની પર દબાણ આવેે છે. અને તેમાંથી લોહીનો પ્રવાહ વહેતો બંધ થઇ જાય છે. પરિણામે રક્તસ્રાવ પણ બંધ થઇ જાય છે. એક જગ્યાએ ર્શોટ-સર્કીટ થવાથી જેમ આખા ઘર કે મહોલ્લાનો ઇલેક્ટ્રી્ર્રક સપ્લાય બંધ કરી દેવામાં આવે છે, તેમ રક્તસ્રાવ થતો હોય તે હાથ કે પગનો લોહીનો સપ્લાય જ આ રીતે બંધ કરી નાખવામાં આવે છે. જો સાચી રીતે ટુર્નિકેટ બાંધવામાં આવ્યો હશે તો જે તે હાથ કે પગ ઠંડો અને ફિક્કો થઇ જશે. જો ટુર્નિકેટ પૂરતા દબાણથી ન બાંધ્યો હોય તો એનાથી ઉલ્ટુ નુકસાન થઇ શકે છે. ઢીલા ટુર્નિકેટને કારણે હ્રદયમાંથી અવયવ તરફ જતી ધમનીનો રક્તપ્રવાહ અટકતો નથી પણ લોહી પાછું લઇ જતી શીરાનો રક્તપ્રવાહ અટકી જાય છે. પરિણામે, લોહીનો પ્રવાહ વન-વે ટ્રાફીક જેવો થઇ જશે. આને લીધે હ્રદયમાંથી આવતું લોહી ત્યાં જમા થવા લાગશે અને ત્યાં સોજો આવી જશે અને એ ભાગ ભૂરો પડી જશે. આવું ન થાય તેવી કાળજી રાખવા માટે ટુર્નિકેટ બાંધ્યા પછી તરત જ એનાથી નીચેના ભાગે નાડીના ધબકાર બંધ થઇ ગયા છે તેની ખા#(ી કરી લેવી જરુરી છે. જો ધબકારા બંધ ન થયા હોય તો ટુર્નિકેટ વધું ટાઇટ કરી જે તે હાથ કે પગમાં નાડીનાં ધબકારા અને રક્તસ્રાવ બંધ કરવો જોઇએ.
એકવાર ટુર્નિકેટ બાંધ્યા પછી, જો સાચી રીતે બંધાયો હશે તો તરત જ લોહી વહેતુ બંધ થઇ જશે. જેવું લોહી બંધ થઇ જાય કે તરત જ દર્દીને ઝડપભેર હોસ્પિટલ ભેગો કરવો જોઇએ. ટુર્નિકેટના કારણે જે તે હાથ કે પગનો લોહીનો સપ્લાય તદન બંધ થઇ ગયો હોય છે અને આવી સ્થિતિમાં હાથપગના સ્નાયુ અને ચેતાઓ વધુમાં વધુ એકાદ કલાક સુધી પોતાનું અસ્તિતત્વ ટકાવી શકે છે. એટલે ટુર્નિકેટ બાંધ્યા પછી વધુમાં વધુ એક કલાક પછી, દર્દી હોસ્પિટલ પહોંચ્યો હોય કે નહીં, ટુર્નિકેટ ખોલી નાખવો પડે છે. પાંચેક મિનિટ ટુર્નિકેટ ખોલ્યા પછી જો ફરીથી રક્તસ્રાવ શરૂ થાય તો ફરી અડધા કલાક માટે બાંધી શકાય પણ આ પછી વધુ સમય ટુર્નિકેટ રાખી મૂકવાથી આખો હાથ કે પગ ગુમાવવાનું નુકસાન વહોરી લેવુ પડે છ!!
વળી, બાંધેલો ટુર્નિકેટ, રક્તસ્રાવ બંધ થઇ ગયો હોવાથી ભુલાઇ જવાની શકયતાઓ પણ રહે છે આવું ન થાય એટલા માટે ટુર્નિકેટ બાંધનાર વ્યક્તિએ છેક સુધી દર્દીની સાથે જ રહેવુ જોઇએ અને ટુર્નિકેટ પર એક કાગળની ચિઠ્ઠી બાંધી એમા બાંધવાનો સમય ભુલ્યા વગર લખી લેવો જોઇએ. જેણે ટુર્નિકેટ બાંધ્યો હોય તેની જ જવાબદારી એ છોડવાની પણ છે એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ.
ટુર્નિકેટને બદલે કયારેક ધમની પર અમુક ચોક્કસ પ્રેશર-પોઇન્ટ પર આંગળીઓ વડે દબાણ આપીને પણ રક્તસ્રાવ કાબૂમાં લઇ શકાય. જોકે આ માટે જુદી જુદી ધમનીની જગ્યાનું જ્ઞાન અને અનુભવ જરૂરી છે. અને આ પદ્ધતિ ટુર્નિકેટ જેટલી અસરકારક પણ નથી. પાછળના પાન પરની આકૃતિમાં આવાં પ્રેશર-પોઇન્ટ અને તેને દબાવવાની રીતો દર્શાવેલ છે.
ટૂંકમાં, રક્તસ્રાવ અટકાવવા સીધું દબાણ, હ્રદયથી ઊંચી સપાટીએ રાખેલ ભાગ અને છેલ્લાં ઉપાય તરીકે ટુર્નિકેટ ઉપયોગી થઇ શકે છે.
યાદ રાખો કે રક્તસ્રાવના દરેક દર્દીનુ શોકની ગંભીર સ્થિતિ માટે નિરીક્ષણ કરતાં રહેવું અત્યંત જરૂરી છે.
નાકમાંથી લોહી નીકળવાના મુખ્ય કારણોમાં સૌથી વધુ જોવા મળતું કારણ છે તે નાક ખોતરવાની ક્રિયા્ર. આ સિવાય અતિશય પરિષ્નમ, નાકમાં ચેપ, લોહીમાંથી ત્રકકણો કે અન્ય લોહી ગંઠાવામા મદદ કરનાર તતત્વો ઘટી જાય ત્યારે, નાકમાં મસા અથવા ચાંદુ, લોહીનું વધુ દબાણ (બ્લડ પ્રેશર) વગેરે.
પ્રાથમિક સારવારના મુદ્દાઓ
દર્દીને ચક્કર ના આવતા હોય તો તેને સુવડાવો નહીં પણ બેસેલી હાલતમાં ખુલ્લી બારી કે હવા સામે માથું સહેજ નીચે નમાવીને રાખવું. માથું વધુ નમાવવું નહીં બાકી લોહી અંદર નાકમાં જમા થયા કરશે.
તેની ગરદન અને છાતીના કપડાં ઢીલાં કરવાં
નાકને નસીકવું નહીં.
દર્દીએ મોંથી શ્વાસ લેવો; નાક વાટે નહીં.
નાકને આંગળી અને અંગુઠાથી ૧૦ મિનિટ સુધી દાબેલું રાખવું, લોહી વહયા કરે તો વધારે વખત દબાવવું.જો દર્દીને ચક્કર આવતા હોય તો ઉપર મુજબની પ્રક્રિયા ઊંધા સુવડાવીને કરવી.નાક દબાવ્યા છતાં લોહી અટકે નહીં તો ચોખ્ખો પાટો કે રૂમાલનો છેડો ભીનો કરીને અથવા વેસેલીન લગાવીને નાકમાં અંદર નાખીને ઉપરથી નાક દબાવવું અને દર્દીને તાત્કાલિક ડેાકટર પાસે લઇ જવો.લોહી વહેવાનું બંધ થઇ જાય તો પછી દર્દીને બે-ત્રણ કલાક સુધી નાક નસીકવાની, દોડવા-કૂદવાની, જોરથી ઉધરસ ખાવાની કે હસવાની મનાઇ ફરમાવવી.
નાકમાં પોપડી કે ગુંગા કાઢતા વારંવાર લોહી નીકળતું હોય તો નાકમાં અંદર બાજુ આંગળીથી વેસેલીન અથવા ઘી ચોપડવું. જેથી તે સુકાય નહીં. સૂકી પોપડીઓ ઉખાડવી નહીં.ક્યારેક લોહી નાકમાં પાછળના ભાગે નીકળે અને તે મોં વાટે દેખાય. તે દર્દીને આગલા દાંત વચ્ચે કોઇ વસ્તુ પકડાવી દેવી (જેમ કે નાનો લાકડાનો ટુકડો; બાટલીનું બુચ). આથી લોહી મોં વાટે બહાર નીકળશે અને દર્દી થૂક ગળશે નહીં. આમ લોહીને ગંઠાવાનો મોકો બરાબર મળશે.લોહીની ઊલટીઓ દર્દી અને સગાઓને ગભરાવી મૂકે છે અને ગભરામણને કારણે દર્દી શોકની ગંભીર સ્થિતિમાં વહેલો જતો રહે છે. તેને સાંત્વના અને ધરપત આપવાનું ભુલવું નહીં.
આવા દર્દીને આરામદાયક સ્થિતિમાં સુવડાવી રાખવો અને મોં વાટે બરફના ટુકડાઓ સિવાય કંઇ પણ ન આપવું.
ઊલટી વાટે નીકળેલું બધું જ પ્રવાહી કોઇ વાસણમાં સાચવીને રાખવું જેથી ડેાકટર આવે ત્યારે તેને બતાડવાથી કેટલું લોહી નીકળ્યૂં છે તેનો સાચો ખ્યાલ આવે. માત્ર આશરે આટલું લોહી નીકળ્યું હશે તેવી અટકણો કરવાથી કંઇ વધુ મતલબ સરતો નથી. મોટેભાગે આવી આશરે મોઢે મોઢે કરેલી ગણતરી પ્રમાણે હકીકત કરતાં વધુ જ રક્તસ્રાવની ગણતરી થાય.
તાત્કાલિક તબીબી સારવાર મેળવવી.
ચાંદુ પડવાથી કે ઇજા થવાથી લોહી નીકળે તો ઈજાગ્રસ્ત ભાગ પર રૂનું પુમળુ દબાવી દેવું.
દાંત પડી જવાથી લોહી નીકળે ત્યારે તેના પોલાણમાં રૂનું પુમડૂં મૂકીને દર્દીને જોરથી દાંત ભીડવા કહેવું.
કાનમાથી રક્તસ્રાવ સાવ સામાન્ય ઈજાથી માંડીને ખોપરીના હાડકાં ભાંગ્યા સુધીની ગંભીર ઈજાથી થઇ શકે છે.
રક્તસ્રાવ થાય ત્યારે ક્યારેય કાન રૂ કે કપડાંનુ પૂમડું કે ડૂચો મારી બંધ ના કરવો. તેથી કાનમાં અંદર લોહી જમા થયા કરશે અને પછી તે પાકી જવાની સંભાવના રહે છે.
કાનમાં કોઇ દવા કે તેલ વગેરે નાખવાં નહીં.
જે કાનમાંથી લોહી વહેતું હોય તે બાજુના પડખે દર્દીને સુવડાવવો જેથી લોહી સહેલાઈથી બહાર નીકળી જાય.
ડોક્ટરનો સંર્પક કરવો. ગભરાયેલ દર્દીને શાંત કરવો અને ધીરજ આપવી.દર્દીનો પેશાબ અટકી ગયો ના હોય અને પેશાબ છૂટથી થતો હોય તો એને પુષ્કળ પાણી અથવા બીજા પ્રવાહી પીવા આપવા.
પેશાબ સાચવી રાખીને ડોક્ટર આવે ત્યારે તેને બતાવવો.
તાત્કાલિક તબીબી સારવાર મેળવવી.
અન્ય રક્તસ્રાવ
મળમાર્ગેથી લોહી વહેતુ હોય તો દર્દીને સાંત્વના આપીને સુવાડી રાખવો. તેને મોં વાટે કશું પણ આપવું નહીં અને ડોક્ટરનો તાત્કાલિક સંર્પક કરવો.ગળફા વાટે લોહી પડતું હોય તો દર્દીને બેસાડી કે સુવાડી રાખવો. તેને હૂંફાળો રાખીને પ્રવાહી ખોરાક આપી શકાય.
ગળા પરની ઈજાથી રક્તસ્રાવ થતો હોય તો તે ભાગે હથેળી કે અંગૂઠા વડે દબાણ આપવું. આ દબાણ આપતી વખતે ધ્યાન રહે કે શ્વાસનળી અથવા હેડિયો દબાઇને શ્વાસ રૂંઘાઈ ના જાય. આમ થતું નિવારવા દબાણ પાછળ મણકાઓ તરફ આપવું નહીં કે શ્વાસનળી કે હેડિયા તરફ.
શોક એટલે શું?
શોક શબ્દ આધુનિક તબીબ વિજ્ઞાનમાં એ હાલત માટે વપરાય છે જેમાં દર્દીનું બ્લડપ્રેશર ખૂબ ઘટી જાય, શરીરના મહત્વના અંગોને લોહીનો પૂરવઠો ના મળે અને તેને લીધે શરીરની અત્યંત નાજુક અને મહત્વની ર્કાયપ્રણાલીઓ ખોરવાઈ જાય. જો આ સ્થિતિ લાંબો સમય રહે તો મહત્વના અંગો, જેમ કે મગજ, કિડની, હ્રદય, ફેફસાં વગેરેને કાયમી નુકસાન થાય અને મોત પણ થઈ શકે છે.
શોક થવાના કારણો
વધુ પડતું લોહી વહી જવાથી : પુખ્ત વયના શરીરમાં આશરે પાંચ થી છ લિટર લોહી હોય છે. કુલ લોહીના ૧૦ ટકાથી વધુ (એટલે આશરે ૫૦૦ થી ૬૦૦ મિલીલિટર) વહી જાય તો શોકની હાલતના લક્ષણો પેદા થવા માંડે.
શરીરમાંથી કોઈપણ પ્રકારે પ્રવાહી નીકળી જાય ત્યારે: જેમ કે ઝાડા-ઊલટી; દાઝયા પછી ખુલ્લી ચામડી અને ફોલ્લાઓમાંથી; સખત લૂ લાગી જવાથી, વગેરે.
હ્રદયની કામગીરી ખોરવાઇ જવાથી: જેમકે ર્હાટએટેક, છાતીમાં હવા ભરાય જવાથી કે સીધો હ્રદય પર માર પડવાથી, વીજળીનો આંચકો લાગવાથી.
અકસ્માતે અથવા કોઈ કારણોસર જોરદાર સતત અસહ્ય દુખાવો શોકની હાલત પેદા કરી શકે છે. જેમકે ફ્રેક્ચરો, ગોળી વાગવાથી, સંવેદનશીલ અવયવોને ઈજાથી. તેવી રીતેજ મગજ પર જોરદાર ફટકો પડે અથવા બ્લડ પ્રેશર ઘટાડવાની દવા વધુ માત્રામાં લેવાઈ જાય તેનાથી પણ શોકની હાલત થઈ શકે છે.
મોટી માત્રામાં માંસપેશીઓ કચડાઈ જવાથી, ચેપ લાગવાથી ઝેરી પર્દાર્થો લોહીમાં ભળે ત્યારે.
શોકની ઓળખ માટે લક્ષણો
ઊભેલી સ્થિતિમાં અને ખાસ તો બેઠેલી કે સુતેલી સ્થિતિમાંથી ઊભા થતી વખતે ચકકર આવે.
તરસ વધુ લાગે.
હોઠ અને ચહેરો ફિકકો પડવા લાગે.
બેચેની; ઉશ્કેરાટ થાય; દર્દી લવારા કરે.
હાથ પગના પંજા ઠંડા પડવા લાગે અને ઠંડો પરસેવો વળે.
નાડીની ઝડપ વધી જાય.
આવા શરૂઆતના લક્ષણો જેને વધુ લોહી કે પ્રવાહી વહી ગયું હોય તેને ખાસ થાય. જેને બીજા કારણોસર શોક થવાનો હોય તેને વધુ તરસ ન પણ લાગે. આ લક્ષણો પર ધ્યાન ના દેવાય અને ઈજા ચાલુ રહે તો શોકની હાલત ગંભીર રીતે સ્થપાઈ જાય.
સ્થપાયેલા શોકના લક્ષણો
હાથ પગ વધુ ઠંડા પડવા માંડે.
ચહેરો ફિકકો લાગે.
દર્દી જે ઉશ્કેરાયેલ લવારા કરતો હોય તે અવાજ બંધ કરી દે અને માત્ર ઊંહકારાં જ કરી શકે, પછી તો તે પણ બંધ પડી જાય અને તે કંઈ ફરિયાદ પણ કરવાની હાલતમાં ના રહે. તે માત્ર ચુપચાપ એકીટસે નજર રાખીને આજુબાજુની કોઈપણ વસ્તુમાં રસ લીધા વગર પડી રહે.
છેવટે તેની નાડી નબળી પડવા માંડે, બ્લડ પ્રેશર ઘટી જાય.
શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી અને જોરથી ચાલે, જે પછીથી વધુ ગંભીર હાલત થવાથી અનિયમિત અને નબળી થવા માંડે. ખેંચ પણ આવી શકે છે, અને ઊલટીઓ પણ થાય.
આ શોકના લક્ષણો થોડી મિનિટોથી માંડીને કલાકો સુધીમાં પેદા થાય જે ઈજાની ગંભીરતા પર આધાર રાખે છે. જો શોકને ઓળખવામાં અને સારવાર કરવામાં ઢીલ થાય તો દર્દીને જીવલેણ પણ નીવડી શકે છે. એકવાર શોકની હાલતનું નિદાન થાય કે શંકા પણ થાય તો તરત જ જરા પણ સમય વેડફયા વગર તબીબી સારવાર મેળવવી. બને ત્યાં સુધી તો શોકની સ્થિતિ ઉદભવે જ નહીં એની દરેક દર્દીમાં કાળજી રાખવી.
શોકની પ્રાથમિક સારવારના નિયમો
(૧) દર્દીને સુવડાવેલી હાલતમાં રાખવો જેથી મગજને લોહી બરાબર મળી રહે. જો હ્રદયને ઈજા થયાની કે હ્રદયના કારણે શોક પેદા થયાની શકયતા ના હોય તો દર્દીને એવી રીતે ઢળતો સુવડાવવો કે તેના માથા તરફનો છેડો પગ તરફના છેડા કરતા નીચો રહે. તે માટે ખાટલાના પગ તરફનાં પાયા નીચે ઈંટો મૂકવી. જો શ્વાસોશ્વાસમાં વધુ તકલીફ જણાય, ઊલટીઓ થતી હોય કે બેભાનાવસ્થા હોય તો દર્દીને પોણે પડખે ઊંધો સુવડાવવો (પ્રકરણ ૪માંની આકૃતિ જુઓ); કૃત્રિમ શ્વાસની જરૂર પડે તો તે આપવો.
(૨) ઈજા અને શોક પેદા કરતી પ્રક્રિયા રોકવી. એેટલે કે લોહી વહેતુ હોય તો રોકવાની કોશિશ કરવી; ફ્રેકચરવાળુ અંગ ખપાટિયા બાંધી સ્થિર કરવું.
(૩) દર્દીની ગરદન, છાતી અને કમ્મર પરના કપડાં ઢીલા કરવા.
(૪) દર્દીને ધાબળામાં વીંટવો અને હૂંફાળો રાખવો. પણ વધુ પરસેવો વળે તેટલી ગરમીની જરૂર નથી હોતી.
(૫) જો દર્દીને પેટની ઈજા, ઊલટીઓ કે બેભાનાવસ્થા ના હોય અને તેને તરસ લાગતી હોય તો તેને પાણી, ચ્હા, કોફી વગેરે પ્રવાહી આપી શકાય. પણ બ્રાન્ડી, (વ્હસ્કી વગેરે ના આપવા. જો દર્દીને ગંભીર ઈજાને કારણે ઓપરેશન કરવાની જરૂર લાગે તો મોં વાટે કંઈ ના આપવું.
(૬) ઝાડા ઊલટી કે દાઝયાથી પ્રવાહી વધુ વહી ગયુ હોય તો ખાંડ-મીઠાનું શરબત બનાવીને આપવું.
(૭) દર્દીને સાંત્વના, તથા હિંમત આપતા રહી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવો.
(૮) દુ:ખાવાથી શોક વધુ વકરે છે માટે દુ:ખાવો ના થાય તે ખાસ જોવું
(૯) દર્દીની સાથે રક્તદાન કરી શકે તેવા એ ગ્રુપના રકતદાતાઓને લઈ જવા.
(૧૦) આટલી પ્રાથમિક સારવારથી જિંદગી બચાવી શકાય નહીં, પણ માત્ર થોડીક રાહત મળી શકે. માટે દર્દીને હોસ્પિટલ લઇ જવામાં જરા પણ વિલંબ ન કરવો.