જેમનાં ખોરાકમાં રેસાઓ વિશેષ પ્રમાણમાં હોય છે એ લોકોના આંતરડામાં રેસાથી સફાઇ થતી રહે છે અને કબજિયાત કે આંતરડાનું કેન્સર થવાની શકયતા ઘટે છે.
રેસાઓની આંતરડામાં હાજરીથી લોહીમાં ગ્લુકોઝ તથા કોલેસ્ટેરોલનું પ્રમાણ નિયંત્રણ રાખવામાં અને ડાયાબિટીસ તથા હ્રદયરોગને અટકાવવાંમાં મદદ મળે છે.
આખા અનાજ, આખા કઠોળ, શાક-ભાજી-ફળો, હાથ છડના ચોખા, થુલું નાંખેલ લોટ કે ફોંતરાં વાળી દાળ રેસાયુકત ખોરાકનાં ઉદાહરણ છે.
શ્વાસ બંધ પડી જવાને મૃત્યુની નિશાની માની લોકો બંધ શ્વાસવાળા દર્દીને મૃત માની લે છે. પણ ઘણા આકસ્મિક સંજોગોમાં શ્વાસ બંધ પડયા પછી પણ હ્રદય પાંચ-દસ મિનિટ ચાલતું રહે છે. જેમકે, ડૂબેલા દર્દીમાં, વીજળીનો આંચકો લાગેલા, ધૂમાડાથી કે શ્વાસનળીમાં વસ્તુ ફસાઇ જવાના અવરોધવાળા દર્દીઓમાં, વગેરે. આવા વખતે જો તાત્કાલિક સમયસર કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ ચાલુ કરી દેવાય તો દર્દીને નવું જીવન મળી શકે છે. માણસના જીવન-મરણનો ફેર પાડી શકતી આ પ્રાથમિક સારવારની દરેક જાગૃત નાગરિકે તાલીમ લેવી જોઇએ. શ્વાસ અને હ્રદય બંધ પડી જાય ત્યારે ઓછામાં ઓછું મગજને લોહી તથા પ્રાણવાયુ (ઓકિસજન) મળતા રહે તેવો પ્રયાસ કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ દ્વારા કરાય છે.
જુદા-જુદા સંજોગો પ્રમાણે શ્વાસોશ્વાસ બંધ પડવાની પ્રક્રિયા એકદમ એકએક થઇ શકે અથવા ધીરે ધીરે પણ થઇ શકે છે. શ્વાસ સાવ બંધ પડતા પહેલા, સંજોગો પ્રમાણે, ઝડપી અને છીછરો (છાતીનુ દર શ્વાસે ફૂલવા સંકોચાવાનુ ઓછુ થઇ જવુ, જેમ કે માંદગીમાં, ઝેરની અસરમાં) થઇ જાય અથવા ઊડો (છાતીનુ દર શ્વાસે ફૂલવા સંકોચાવાનુ વધી જવુ) અને શ્રમયુકત (શ્વાસ લેવા કે કાઢવામા ખૂબ મહેનત અને અવરોધ જણાય, જેમ કે શ્વસનમાર્ગમાં કઇંક ફસાઇ જાય ત્યારે). જયારે શ્વાસ શરીરની પ્રાણવાયુ (ઓકિસજન)ની જરુરીયાત કરતાં ઓછો ચાલે ત્યારે હોઠ, નખ, જીભ ભૂરા પડવા માંડે અને મગજને પ્રાણવાયુ ઓછો પડવાથી બેભાનાવસ્થા થઇ જાય છે. પ્રાણવાયુની ઊણપથી શરીરના વિવિધ અવયવોની કામગીરી ઠપ્પ થઇ જાય, તેમાં હ્રદય પણ બંધ પડી જાય.
શ્વાસની જેમ હ્રદયની કામગીરી બંધ પડવાની પ્રક્રિયા એકદમ એકાએક થઇ શકે અથવા ધીરે ધીરે પણ થઇ શકે છે. હ્રદયનુ કામ શરીરના વિવિધ અંગોને પ્રાણવાયુ(ઓકિસજન)યુકત લોહી પહાંચાડવાનુ છે. જયારે હ્રદય શરીરની પ્રાણવાયુની જરુરીયાત કરતાં ઓછુ ચાલે ત્યારે પણ હોઠ, નખ, જીભ ભૂરા પડવા માંડે અને મગજને પ્રાણવાયુ ઓછો પડવાથી બેભાનાવસ્થા થઇ જાય છે. હ્રદય બંધ પડયા પછી થોડીક જ વારમાં શ્વાસ પણ બંધ પડી જાય છે.
મોટેભાગે કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ બન્નેની જરુ૨ એકસાથે પડતી હોય છે કારણ કે શ્વાસ કે હ્રદયમાંથી કોઇ એક બંધ પડે તેની પાછળ બીજુ થોડીવારમાં જ બંધ પડી જતુ હોય છે. આ બંને જીવનબચાવ કામગીરીઓ બંધ શ્વાસ તથા બંધ હ્રદયવાળા બેભાન દર્દી પર કરવાની હોય છે એટલે હવે જોઇએ કે આવા સંજોગમાં પ્રાથમિક સારવાર આપવા ક્રમવાર કેવી રીતે આગળ વધવુ
દર્દીને ખભાથી પકડીને હલબલાવતાં કાન પાસે માટેથી બૂમ પાડીને પૂછવુ કેમ છો? બેભાન માણસ કોઇપણ પ્રકારનો પ્રત્યુતર નહીં આપશે.
મદદ માટે બુમ પાડવી:
દર્દી બેભાન જણાય કે તરત જ મદદ માટે આસપાસ કોઈપણ માણસ હોય તેને બુમ પાડવી જે તમને સારવાર આપવામાં સહાયરૂપ બનશે તેમજ અન્ય મદદ મેળવવામા સહાય કરી શકશે જેમ કે એમ્બયુલન્સ વગેરે બાલાવવી, દર્દી ખસેડવો, વગેરે. જો બુમ પાડીને બોલાવી શકાય તેવું કોઇ ના મળે તો દર્દીને છોડીને જવું નહીં અને તરત જ જરાયે સમય બગાડયા વગર હવે આગળ સમજાવ્યા પ્રમાણે ક્રમવાર સારવાર ચાલુ કરી દેવી.
દર્દીને વ્યવસ્થિત સુવડાવવો:
જ્યારે કોઇ બેભાન થઇ જાય ત્યારે હ્રદય ચાલતુ હાય કે ના ચાલતુ હોય માણસ નીચે ઢગલો થઇને પડી જાય છે. સૌથી પહેલાં તો દર્દીને જમીન પર ચત્તો સુવડાવવો. ચત્તો સુવડાવતી વખતે તેનું માથુ, ડોક અને ધડ એક સાથે ફેરવવા.
શ્વસનમાર્ગ ખૂલ્લો કરવો:
મોં અને નાકથી ફેફસાં સુધી હવાની અવરજવર શ્વસનમાર્ગ દ્વારા થાય છે. તે નળી જેવો અને વાળી શકાય તેવો હોય છે. બેભાન દર્દીમાં જો ગળું જરુર કરતાં વધારે આગળ કે પાછળ નમેલું હોય તો તેમાં આવેલો શ્વસનમાર્ગ પણ વળી જાય. ત્યારે તેમાંથી શ્વાસની અવરજવરમાં અવરોધ થઇ શકે છે. આ સિવાય બેભાન દર્દીને ચત્તો રખાય ત્યારે તેની જીભ ગળામાં પાછળ ધકેલાઈ જાય તો પણ શ્વસનમાર્ગ અવરોધાઇ શકે છે. કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપતી વખતે શ્વસનમાર્ગમાં કોઇ અવરોધ ના હોય તે અત્યંત જરુરી છે.
આ માટે નીચે મૂજબ પગલાં લેવા:
કૃત્રિમ શ્વાસોચ્છવાસ ચાલુ કરતાં પહેલાં દર્દીનો શ્વાસોચ્છવાસ ચાલે છે કે નહીં તે જાણવુ જરુરી છે. તે માટે વાંકા વળી દર્દીના મોંની એક ઇંચ પાસે તમારો કાન ધરી તેની છાતી તરફ જુઓ. દર્દીના મોં કે નાકમાંથી શ્વાસ નિકળે ત્યારે તમારા કાનને તેનો અવાજ સંભળાશે અથવા અનુભવાશે. સાથો-સાથ દર્દીની છાતી અને પેટ શ્વાસ ભરાતી વખતે ઉચકાતી જણાશે. (તેને બરાબર જોવા માટે જરુર પડે તો દર્દીની છાતી પરના કપડાં દૂર કરવા). આ દરમ્યાન શ્વસનમાર્ગ ખૂલ્લો રહે તે જરૂરી છે એટલે આગળ જણાવ્યા પ્રમાણે દર્દીનુ માથુ વાળેલુ રાખવા તેના કપાળે અને દાઢીએ દબાણ યથાવત રાખવુ. આવી રીતે જોવા, સાંભળવા કે અનુભવવાથી દર્દીનો શ્વાસ બંધ જણાય અને દર્દીને એકદમ હલબલાવવાથી બેભાન જણાય તો તરત કૃત્રિમ શ્વાસોચ્છવાસ ચાલુ કરવો.

ક્યારેક એવુ પણ બને કે છાતી અથવા પેટ ઉચકાતા જણાય પણ મોં પાસે શ્વાસ સંભળાય કે અનુભવી ના શકાય. આવા સંજોગમાં દર્દીના શ્વાસ લેવાના પ્રયાસો અપૂરતા જ માનવા. એવું પણ બનતુ હોય છે કે અગાઉ બંધ જણાતો શ્વાસ માત્ર આગળ જણાવ્યા પ્રમાણેના શ્વાસનળી ખોલવાના પગલાંઓથી ચાલુ થઈ જાય.

હ્રદય જયારે બરાબર કામ કરી શરીરમા બધે લોહી પહોંચાડે ત્યારે લોહીનુ પરિભ્રમણ નાડીઓના ધબકારાઓ રૂપે અનુભવી શકાય છે. આમાંની બે નાડીઓ ખાસ જોવાતી હોય છે. પહેલી નાડી રેડિયલ ધમની છે. તેને અનુભવવા હાથના અંગુઠાના મૂળ પાસે કાંડા પર પહેલી ત્રણ આંગળીઓ વડે હળવેથી દબાણ આપવું. બીજી નાડી છે તે હ્રદયથી મગજ તરફ લોહી લઇ જતી મુખ્ય ધમની કેરોટિડના ધબકારા છે. તેને અનુભવવાહેડિયા(ગળામાં વચ્ચે હાથમાં આવતાં સ્વરપેટીના હાડકા)ની કોઇપણ એક બાજુ હેડીયાને અડીને અંગુઠો અથવા વચલી ત્રણ આંગળીઓ ગરદન પર પાછળ તરફ હળવેથી દબાવવી. પુખ્ત વયના દર્દીમાં રેડિયલ અને કેરોટિડના ધબકારા તપાસવા. રેડિયલ નાડી બરાબર જણાય ત્યારે કેરોટિડ નાડી બરાબર જ હોય. જ્યારે રેડિયલ બંધ લાગે ત્યારે કેરોટિડ તપાસવી જરૂરી છે. બાળકોમાં આ નાડીઓ તપાસવી કયારેક અઘરી પડે એટલે તેમનામાં આ બન્ને નાડીની વચ્ચેની બ્રેકિયલ નાડી તપાસવી પડે. તેના માટે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોણીના આગળના ભાગે મધ્ય બિંદુ કરતા સહેજ ધડ (શરીર) તરફ આંગળીઓ વડે હળવેથી દબાણ આપવુ. હ્રદય બંધ પડી જાય ત્યારે કોઇપણ નાડીના ધબકારા અનુભવી શકાય નહીં.

નાડીના ધબકારાઓ અનુભવવા એકદમ ઉતાવળ ના કરવી તેમજ વધારે જોરથી દબાણ પણ ના આપવુ. વધારે દબાણથી નાડીને અનુભવી ના શકાય. કાળજીપૂર્વક પાંચેક સેકન્ડ જેટલો સમય આ કામ માટે લેવો અને જરૂર પડે તો દશ સેકન્ડ સમય પણ બરાબર ધબકારા જાણવા લઇ શકાય. દર્દી પર આ ધબકારા અનુભવતા પહેલા દરેક પ્રાથમિક સારવાર આપનારે પોતાના પર અને બીજા સાજા માણસો પર આ નાડીઓના ધબકારા અનુભવવાની પ્રેકટીસ જાણકાર અનુભવી માણસ પાસે પ્રત્યક્ષ શીખીને કરવી જોઇએ. તો જ સંકટ સમયે તેનો ઉપયોગ બરાબર થાય. નહીં તો માત્ર વાંચીને આવુ દર્દી પર કરવું નિષ્ફળતા જ નોતરશે.
હ્રદય બંધ પડી જાય ત્યારે કોઇપણ નાડીના ધબકારા અનુભવી શકાય નહીં. હ્રદય બંધ પડી જાય ત્યારે શ્વાસોશ્વાસ પણ બંધ પડી જાય છે. હ્રદય બંધ પડી જાય ત્યારે લોહીનું પરિભ્રમણ જ અટકી પડે અને મગજનો લોહી અને પ્રાણવાયુનો પુરવઠો ઠપ્પ થઇ જવાથી મૃત્યુ થાય. બંધ શ્વાસ માટે કૃત્રિમ શ્વાસ આપીને પ્રાણવાયુ ભરી શકાય અને બંધ હ્રદય માટે કાર્ડિયેક મસાજ દ્વારા છાતી પર ઝટકાભેર દબાણ આપી લોહીનું પરિભ્રમણ ચાલુ રાખવાની કોશીશ થાય છે.
કાર્ડિયેક મસાજ ત્યારે જ ચાલુ કરવો જયારે કેરોટિડ નાડીના ધબકારા ના આવતા હોય કારણ કે ધબકતા હ્રદય પર કાર્ડિયેક મસાજ આપવાથી ઉલ્ટુ નુકસાન થઇ શકે છે. જો હ્રદયના ધબકારા નાડીમાં અનુભવી શકાય અને શ્વાસ બંધ હોય તો કૃત્રિમ શ્વાસ ચાલુ રાખવા અને દર એક મિનિટે નાડીની તપાસ કર્યા કરવી. નાડી બંધ થઇ જાય તો તરત જ કાર્ડિયેક મસાજ ચાલુ કરવો.
કાર્ડિયેક મસાજ દરમ્યાન છાતી પર દબાણ દ્વારા હ્રદયમાંથી મુખ્ય રક્તવાહિનીઓમાં લોહી ધકેલાય અને આમ દર્દીને બચાવવાની કોશિશ થાય છે.
સારવાર આપનારે દર્દી પાસે ઘૂંટણભેર બેસી આગળ બતાવ્યા પ્રમાણે છાતી પર મૂકેલી હથેળી પર આગળ નમવું જેથી તેના કાંડા પર ૯૦૦ ડિગ્રી જેટલો કોણ હથેળી સાથે પડે. કાંડા, કોણી અને ખભા એક જ ઊભી લીટીમાં દર્દીની છાતી પર આવે તેમ નમવુ, એટલેે કે સારવાર આપનાર લગભગ દર્દીની ઉપર હથેળી વડે પોતાનું વજન ટકાવે તેવી સ્થિતિ આવી જાય. હાથ કોણીએથી વળવો જોઇએ નહીં.
કોણીએથી જરાપણ વાળ્યા વગર હથેળીઓ દ્વારા દર્દીની છાતીને ઝટકાભેર દબાવવી અને છોડી દેવી. એટલું જોર કરવું કે છાતીનું એ હાડકું આશરે ૩ થી ૫ સેન્ટીમીટર જેટલું દબાય. મસાજના ઝાટકા વખતે હાથ જો કોણીએથી વળી જાય તો મસાજ અસરકારક રીતે થશે નહીં. ઝાટકાનુ દબાણ છોડતી વખતે હથેળીઓ છાતી પર જ રહેવા દેવી, તે ઉચકી ના લેશો. એક મિનિટમાં ૮૦ થી ૧૦૦ વખત આવા ઝટકા આપવાની ઝડપ રાખવીં. કાર્ડિયેક મસાજની પ્રક્રિયા થકવી નાખતી હોય છે. મસાજ આપતી વખતે એક સાથે બધુ જોર ના કાઢી નાખતા એટલુ જ જોર કરવુ કે છાતી જરૂર પુરતી દબાય. જોર કાઢવાને બદલે પોતાનુ વજન છાતી પર મૂકીને કામ ચાલી જાય તો તેનાથી પણ ચલાવી શકાય. મસાજ આપતી વખતે થાપાના સાંધાઓથી વળવુ, ઘૂંટણ પાસેથી હલન-ચલન ન કરવું, તેમજ ખભા કે કોણીઓથી પણ ન કરવુ કારણ કે તેથી મસાજની અસરકારકતા ઘટશે અને સારવાર આપનાર વહેલો થાકી જશે. મસાજની પ્રક્રિયાથી કુદરતી ધબકારા કરતા માત્ર ત્રીજા કે ચોથા ભાગનુ કામ થઇ શકે છે. એટલે મસાજની આખી પ્રક્રિયા નિયમિતતા ભરેલી રાખવી.
પુખ્ત વયના દર્દીને દર ૧૫ મસાજના ઝાટકા પછી બે કૃત્રિમ શ્વાસ આપવા. આ રીતે દર મિનિટે ૬૦ કાર્ડિયેક મસાજ અને ૮ કૃત્રિમ શ્વાસ જશે. દરેક ઝાટકાને એક, બે, ત્રણ,........એમ ગણતરી સાથે આપવા જેથી ગણતરી સાથે ઝાટકાની લય સરખી બંધાયેલી રહે. મસાજ આપતા-આપતા કૃત્રિમ શ્વાસ આપતી વખતે દરેક વખતે આગળ જણાવ્યા પ્રમાણે શ્વસનમાર્ગ વ્યવસ્થિત ખોલવો, દર્દીનુ નાક બંધ કરવુ, ધીરેથી શ્વાસ ભરવો અને તે બરાબર અપાયો છે કે નહીં તે જોવા દર્દીની છાતી પર નજર રાખવી.
![]() | ![]() |
![]() | ![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
મો વાટે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાની રીત સૌથી સારી માનવામાં આવે છે. પણ તેનો ઉપયોગ અમુક સંજોગોમાં ના કરી શકાય જેમ કે :
(૧)દર્દી ઝેરી પદાર્થ કે એસિડ ગળી ગયો હોય
(૨)તેનું મોં બહુ ગંદુ હોય
(૩)કૃત્રિમ શ્વાસ આપનારના મોમાં ચાંદા કે એવી કોઇ બીમારી હોય
(૪)દર્દીના ચહેરા પર ઇજા થઇ હોય કે જડબું ભાંગી ગયુ હોય.

