Search This Blog

Showing posts with label tea. Show all posts
Showing posts with label tea. Show all posts

18/01/2017

એ તો ચામાં બિસ્કીટ બોળીને ખાય છે...!

એમ ખાનારને કોઇ વાંધો હોતો નથી, પણ એવું જોનારના મોંઢા બગડે છે કે, 'હજી નાના છોકરાંની માફક ચામાં બિસ્કીટ બોળીને ખાય છે...! એની માએ ખાતા-પીતા ય શીખવાડયું નથી...!' (સૉરી, હરએક બાળકને 'ખાતા' એની મા શીખવે છે, પણ 'પીતા' શીખવા માટે દરેક બાળકે મોટા થઇને સ્વાવલંબી બનવાનું હોય છે. અહીં માતાનું કામ મિત્રો કરે છે. વ્હિસ્કી-વોડકાનો પહેલો ઘૂંટડો પીવાનું દોસ્તોએ શીખવ્યું હોય છે... 'આખિર, દોસ્ત હી દોસ્ત કે કામ આતા હૈ, ના....?') દેશની ચાની લારીએ-લારીએ કે ફલૅટોની બાલ્કની-બાલ્કનીએ ચામાં બિસ્કીટો બોળીને ખવાય છે, જે જોનારાઓની દ્રષ્ટિએ અસભ્યતા કહેવાય છે.

બોળવા માટે આમ જુઓ તો ચા સિવાય અન્ય કોઈ પ્રવાહીમાં બિસ્કીટો બોળીને ખવાય એવું પણ નથી. વ્હિસ્કી, કોકા કોલા, છાશ, શેરડીનો રસ કે રાત્રે સૂતા પહેલા દિવેલ લેવું જ પડે એમ હોય, તો ય કોઇ દુ:ખી દિવેલમાં બિસ્કીટ બોળીને ખાતો જાણ્યો નથી. એ જ રીતે, ચામાં બિસ્કીટને બદલે બીજું કાંઇ બોળીને ખવાય કે કેમ, એ મુદ્દે ચાના વેપારીઓ ટેન્શનમાં છે. સીધી સાદી ચા ટેબલ પર પડી હોય, એમાં બિસ્કીટને બદલે બીજું શું બોળીને ખવાય તો વેપારીઓનો ધંધો અને ગ્રાહકનો ટેસ્ટ વધે, એ કામ સંશોધકો કરી રહ્યા છે. ચા ગમે તેવી સ્વાદિષ્ટ બની હોય, પણ એમાં મકાઇનો ડોડો બોળી બોળીને પીવાતી નથી. સિદ્ધપુર-ઊંઝા બાજુના કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, ચામાં ઇસબગુલ હલાવીને પી જવાથી સવારે પેટ ચોખ્ખું આવે છે, પણ આવા તારણો બરોબર નથી.

લોકો પેટો ચોખ્ખા લાવવા માટે ચાઓ નથી પીતા. એ માટે અન્ય સાધનો ઉપલબ્ધ છે... જેમ કે, પત્નીએ બનાવી આપેલો બ્રૅકફાસ્ટ ! કાફી છે, પેટના ધાંધણીયા ધૂણાવી નાંખવા માટે....! આ તો એક વાત થાય છે ! વળી ચામાં ઇસબગુલ નાંખવાથી ચાના મૂળભૂત સ્વાદનો પેલું હિંદીવાળા શું બોલે છે, હા.... 'જાયકો' રહેતો નથી... એટલે કે, સ્વાદ રહેતો નથી. એ રીતે ચા બહુ જીદ્દી સ્ત્રી છે કે, એમાં ઈસબગુલ નાંખવાથી ઈસબગુલના સ્વાદની હમણાં કહું એ થઇ જાય છે, પણ ચાના પોતાના ટેસ્ટને કોઇ અસર થતી નથી. એ એવી જ રહે છે. સ્ત્રીના સંપર્કમાં આવેલા હરએક પુરૂષની શું આ જ દાસ્તાન નથી ? (''આ જ છે... આ જ છે... ''ના ગગનભેદી પોકારો !) એ એવી ને એવી જ રહે ને આપણે છોલાઇ જઇએ ?

એ તો ઠીક, ચામાં અન્ય પણ કોઇ ખાદ્યપદાર્થ બોળાતો નથી... એમાં તો બા ખીજાય છે. જેમ કે, ચામાં પપૈયું કે જામફળ બોળીને ખવાતું નથી. થેપલાં, ભાખરી કે પુરી ચામાં બોળીને ચોક્કસ ખવાય, પણ સારેવડાં કે પાપડ બોળાતા નથી. અરે, પૂછી જુઓ પાણી-પુરી (પુરી-પકોડી)ની શોખિન ગુજરાતણોને....એમણે કદી પૂરીમાં ગરમાગરમ ચા નંખાવીને ચા-પુરીઓ ખાધી છે ? આમાં તો જે ખવાતું હોય એ જ ખવાય. ''ભૈયાજી, મેરી પકોડી મેં આદુ ઔર ગરમ મસાલા થોડા વધારે નાંખના...!'' પાણી-પુરીને બદલે ચા-પુરી ખવાતી હોત તો ગુજરાતણો આવું ય મંડી હોત ! સુઉં કિયો છો ?

હા. હજી પટેલો ચાની સાથે ઢેબરાં ને જૈનો ખાખરા ખાઈને આયખું પૂરૂં કરે છે (...ખાખરાનું!). રોજની પ્રૅક્ટિસનો સવાલ છે કે, કાંઇ પણ બોળ્યા વગર તો પટેલ-વાઇફો લોહીઓ ય નથી પીતી ને આ બાજુ, જૈનો ચામાં ખાખરા બોળે નહિ, ત્યાં સુધી બીજું કાંઇ બોળતા નથી. એ લોકોમાં બોળાબોળીનો બહુ શોખ ! પણ જે કાંઇ બોળવું હોય તે બધું 'જય જીનેન્દ્ર' બોલીને બોળવાનું ! બા'મણ ભ'ઇઓ (એટલે કે, બ્રાહ્મણો) ચામાં ઉઘાડેછોગ ખારી બિસ્કીટ બોળીને ખાતા જોવામાં આવ્યા છે, પણ એ લોકો ખારી બિસ્કીટને પિત્ઝા સમજતા હોવાથી આવું ખવાય છે. ખરેખર ખારી બિસ્કીટ મંગાવે ત્યારે એની ઉપર સોયા સોસ, ચીલી સોસ કે વિનેગર (ત્રણે સરખે ભાગે) ચોપડીને ખાય છે. વર્ષે અબજો રૂપિયાના અન્નકૂટો શામળીયાને ધરાવતા વૈષ્ણવો 'જે શી ક્રસ્ણ' બોલીને ભગવાનને ડાયાબીટીસ થવાનો ડર રાખ્યા વિના લાખો ટન મીઠાઇઓ ધરાવે છે, પણ ભારતના એકે ય મંદિરમાં મહાપ્રભુજીને ચાની સાથે ચાનકી (ઢેબરાં જેવું કંઇક) ધરાવેલી જોઇ ?

ચા અને વ્હિસ્કીમાં આટલું સામ્ય. બન્નેની સાથે શું લેવાય, એ સદીઓથી નક્કી જ છે. એમાં આજ સુધી ફેરફારો થયા નથી. ચાની સાથે બિસ્કીટ એમ વ્હિસ્કી, વોડકા કે બિયર સાથે બાઇટિંગ (મન્ચિંગ)માં બહુ બહુ તો પાપડ, ખારી સિંગ, ચણા, સૅલડ અને ચણાની દાળ લેવાતા હોય છે, પણ ગુજરાતીઓ દારૂ પીવા બેઠા હોવા છતાં વ્હિસ્કી સાથે ખમણ-ઢોકળાં નથી લેતા. આ તો એક વાત થાય છે. ગુજરાતના વાચકોને સંદેશો એટલો જ આપવાનો કે, ચાય કો ચાય હી રહેને દો, કોઇ જામ ન દો....!

અલબત્ત, મને કહેતા દુ:ખ થાય છે કે, ચામાં બિસ્કીટ બોળીને ખાતા ગુજરાતીઓને ઘૃણાની નજરથી શા માટે જોવામાં આવે છે, એમને 'મૅનરલૅસ' કેમ ગણવામાં આવે છે, કન્યાના આણાંમાં ચાની સાથે ખારી બિસ્કીટના કરંડીયા મન મૂકીને મૂકવામાં આવે છે, છતાં કડક સાસુ નવી વહુને સંભળાવ્યા વિના કેમ રહેતી નથી કે, 'તારા ઘરનાઓમાં એટલી ય અક્કલ નથી કે, ચામાં ખારી બોળીને હવે તો ગામડીયા ય નથી ખાતા..... કમસેકમ, તારી મમ્મીને તો ખબર હોવી જોઇએ ને કે, આવી બોળાબોળી બૅડ-મૅનર્સ કહેવાય ! ખારીના જ થેલાં મોકલવા'તા, તો ચા ને બદલે ચીઝ, બટર કે મૅયોનીઝના પૅકેટો મોકલવા જોઇએ ને ?... હંહ!'

યસ. જોનારાઓ આવી બોળાબોળીને બૅડ-મૅનર્સ ગણે છે. તમારા ઘરમાં તમે ગમે તે કરતા હો, પણ બહાર હૉટલ-રેસ્ટરાંઓમાં હખણા રહેવું જોઇએ ને ચામાં ખારી બિસ્કીટ જ નહિ, કાંઇ પણ બોળીને ખાવું ન જોઇએ. આનો સૌથી મોટો પ્રોબ્લેમ વિમાનમાં થાય છે. ઍર-હૉસ્ટેસ ચા-નાસ્તો લઈને આવે, ત્યારે બાજુવાળો ચામાં ખારી તો ત્યાં હોય નહિ, એટલે બ્રેડ-બટર ડૂબાડીને ખાય છે, એનાં જીંદગીથી કંટાળીને છુટાં પડેલાં ટીપાં આપણા શર્ટની ઉપર પડે છે અને ફરજના ભાનો ભૂલેલી ઍર-હૉસ્ટેસો ભીનો નૅપકીન લઈ આવીને આપણા શર્ટો ય સાફ કરતી નથી, જેથી બાજુવાળાને થોડી વારમાં બીજી વાર ચા મંગાવવાનું કહી શકાય ! મને તો કોઇ પણ ઍરલાઇન્સની કોઇ પણ ઍરહૉસ્ટેસ મારા શર્ટ પરનો ચા-કૉફીનો ડાઘો સાફ કરવા સ્માઈલ સાથે મારી તરફ અડધી વાંકી વળીને ડાઘો સાફ કરી આપે, એની કદર કરતો હોઉં છું. મેં તો આવા કારણોસર વિમાનમાં પહેરવા (અને કાઢવા) માટે ખાસ ૮-૧૦ શર્ટો જુદાં જ રાખ્યા છે. મોદીના સ્વચ્છતા-અભિયાનને મારો પૂરો ટેકો ગણવો. માનવીના ચરીત્ર અને શર્ટ ઉપર કદી ડાઘો હોવો ન જોઇએ. સારૂં શર્ટ અને સારા ચરીત્રવાળો ગોરધન કિસ્મતવાળી પત્નીઓને મળે છે.

મારા જામનગરમાં તો આ બોળાબોળીથી ય વાત ઘણી આગળ નીકળી ગઇ છે. ત્યાં ચાને કપમાંથી રકાબીમાં કાઢી ફૂંકો મારી મારીને પીવાય છે. પણ કદી કોઇ જામનગરી રકાબીની ચામાં બિસ્કીટ બોળતો નથી. એ એના સ્વભાવમાં જ નહિ. કપ-રકાબીના એ વ્યવસ્થિત બે ભાગ પાડે છે. કપ ખારી બિસ્કીટ બોળવા માટે અને રકાબીમાં કાઢેલી ચા ફૂંકો મારીને પીવા માટે. ચા અને ખારી, બેમાંથી જે વહેલું ખલાસ થઇ જાય એ મંગાવી લેવાનું.

ઘણા ઓછું ભણેલાઓ સવાલ પૂછે છે કે, બિસ્કીટને ચામાં બોળીને ખાવાથી બૅડ-મૅનર્સ ભલે ગણાતી હોય છતાં, અમેરિકાના નવા પ્રૅસિડૅન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ, અભિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર, કૅટરીના કૈફ તેમજ કાજોલ પણ આવા બિસ્કીટો બોળે છે, તો એમને તો કોઇ કશું કહેતું નથી.... આપણે કરીએ તો ગૂન્હો....? તારી ભલી થાય ચમના.... આ બધા પોતાની ચામાં પોતાની ખારી બિસ્કીટ બોળે છે... આપણી માફક બિસ્કીટ આપણું અને ચા બાજુવાળાની નહિ !

સિક્સર
-
માઉન્ટ આબુમાં ગયા સપ્તાહે માઇનસ બે ડીગ્રી ઠંડી હતી, ત્યારે આ લખનાર ત્યાં હતો....
-
શું વાત કરો છો ? તમને કાંઇ થયું નહિ ?
-
મને નહિ....મૂળ તો આ લેખ ઓગણીસ પાનાનો હતો...ઠંડીમાં ઠૂંઠવાઇને દોઢ પાનાનો થઈ ગયો !
-
તો તો આવી કાતિલ ઠંડી દર બુધવારે પડવી જોઇએ ! હવે તમે, 'સુઉં કિયો છો' ?

02/04/2012

સારી ચા

બહુ સમજી વિચારીને સીધો આક્ષેપ જ કરૂં છું કે, આપણી ૯૦-બેવુ નહિ, સોએ સો ટકા ગુજરાતી સ્ત્રીઓને ચા બનાવતા.... આઇ મીન, સારી ચા બનાવતા નથી આવડતી. રસોઈ-પાણીમાં બીજું બઘું તો સારૂં બનાવતી હશે. (એક બહેનને તો સ્વાદિષ્ટ મઝાના ભાત બનાવતા પણ જોયાં છે... કહે છે કે, ભાત બનાવવામાં એમને બહુ બુદ્ધિ વાપરવી પડે છે...!) પણ ચામાં ભલભલી ગુજરાતણોની ‘દાળ ગળતી નથી’ (ચામાં દાળ ગળવાનું ગ્રામર બરોબર છે ?) ફ્રેન્કલી મને ૪૮ થયા, એમાં સારી ચા કોને કહેવાય એનું ભાન પડવાના આઠ વરસ કાઢી નાંખીએ તો ૪૦ વર્ષમાં રોજની એવરેજ ૩ કપ ચા ગણતાં આજ સુધી મેં ૪૪,૦૦૦ કપ ચા પીધી કહેવાય. જાતનો બ્રાહ્મણ છું એ જોતાં ૪૪-માંથી એકાદ હજાર કપ મારા ઘરની ચા પીધી ગણતા ગુજરાતની લગભગ ૪૩,૦૦૦ કપો ચા મેં બહાર પીધી ગણાય. હોટલ-લારી કે રેલવેની ૧૦-૧૫ હજાર કપ બાદ કરી નાંખો ને કોણ ના કહે છે, પણ તો ય બાકી રહેતા ૩૦,૦૦૦ કપો ચા મેં ગુજરાતણોના હાથની પીધી હશે કે નહિ ? એક્કે ય માં ઠેકાણા નહિ, વાત શું કરો છો ? કોકની ચા પાણી જેવી હોય, કોકની શેરડીના રસ જેવી ગળી તો કોકની શિવામ્બુ જેવી ! (મેં હજી સુધી શિવામ્બુ ચાખ્યું નથી, પણ કેટલાક ઘરોમાં ચા પીઓ એટલે એમના ઘરમાં વાપરતા વધેલું શિવામ્બુ આપણને પીવડાવતા હોય એવું લાગે !) ગળામાં, છોલ્યા વગરનો લાકડાનો કકડો ભરાઈ ગયો હોય એવો ગરમ મસાલો ચામાં કેટલીક ગૃહિણીઓ નાંખતી હોય છે, તો બાકી વધેલ તમામ ગુજરાતણોનો એક અવગુણ કોમન... કાં તો દૂધ કાં તો ચા કાં તો બન્ને ઓછાં નાંખીને ચા બનાવવામાં આપણી સ્ત્રીઓનો જોટો જડે એમ નથી... 

પાછું, આવી ભંગારના પેટની ચા પીવડાવ્યાં પછી આપણને પૂછે, ‘બરોબર થઈ છે ?’ આવીઓના તો વરો માંદા પડે ત્યારે એમને ગ્લુકોઝને બદલે એણે બનાવેલી ચાના બાટલા ચઢાવવા જોઈએ ! અહીં ગુજરાતણો લખ્યું એમાં મરાઠી, પંજાબી, મારવાડી, કન્નડા, મલયાલી, બેંગોલી કે તમિળ સ્ત્રીઓએ બહુ ફિશીયારીઓ મારવાની જરૂર નથી આ કૉલમમાં જ્યારે પણ ‘ગુજરાતણ’ શબ્દ વપરાય એટલે એમાં તમે બધીઓ આવી ગઈઓ, સમજવાનું... ગુજરાતમાં રહે એ ગુજરાતણ ! વળી, હું આ બધીઓને ત્યાં ચાઓ પી આવ્યો છું એટલે ખોટાં વહેમો તો મારવા જ નહિ કે, ચા બનાવવામાં અમે ગુજ્જુ સ્ત્રીઓ કરતાં સ્હેજ બી ઊંચીઓ છીએ... માય ફૂટ ! 

સાંભળ્યું છે કે, સારી ચા બનાવવા માટે બહુ લાંબી બુદ્ધિની જરૂર પડતી નથી, એ જ કારણે ઘણાં ઘરોમાં સવારની ચા તો હસબન્ડોઝ બનાવતા હોય છે. ઘણાં ગોરધનો પોતાની બનાવીને પી લે, એ તો ચલાવી લઈએ, પણ લલવાઓ વાઇફની ચા ય પોતે બનાવીને પીવડાવી આવે છે. એ વાત જુદી છે કે, કેટલાંક ગોરધનોનું મનપસંદ પીણું ‘હલાવીને પીવાની ત્રણ ચમચી દવા’ ન હોવાથી, વાઇફે બનાવેલી ચા પસંદ કરતા નથી. ટી.વી. પર આવતી ચાની ઘણી ઍડ ફિલ્મોમાં ગોરધન વાઇફે બનાવેલી ચાની એક ચુસકી મારીને આપણી સામે જોઈ હસે છે, ત્યારે મારી સખત હટી જાય છે... કે, ‘ચા સારી બની એમાં તું શેનો હસ હસ કરે છે, વાંદરા... જે કાંઈ કમાલ છે એ ‘ચિપટન’ કે ‘જેમ્સબૉન્ડ’ ચાના જાંબલી લૅબલની કમાલ છે... તારી વાઇફને તો સરખાં કપડાં ધોતાં ય નથી આવડતું ને પાછો ચુસકી મારીને એની સામે હસે છે ?’ 

આશરે ૨૩ હજાર વર્ષ પહેલાં ઉત્તર ચીનનાં ફૂંગ-ચી-હો પરગણામાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે, ચા-કૉફી બનાવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે પણ એ પછીના લગભગ ૧૫૬૭ વર્ષો પછી ફૂંગ-ચી-હો પ્રાંતના લોકોને આપણી ગુજરાતણોએ બનાવેલી ચા ડોલચા ભરીને મોકલવામાં આવી ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે, ચા બનાવવામાં પઈની અક્કલે વાપરવી પડતી નથી. આમાં તો આડેધડ દે જ દે કરવાની હોય છે. એવું ચીનના વિશ્વ વિખ્યાત સાયકલ પ્રવાસી હુઆ-ફૂઆ-ફેંગે તેની ડાયરીમાં ‘ગુજરાતણોની ચા કોફી’ પ્રકરણમાં બોર થઈને લખ્યું છે. આશરે અઢી હજાર વર્ષ પહેલાં લખાયેલી વાદળી પુંઠાની આ ડાયરીમાં એક જગ્યાએ તો હુઆએ નીચે લાલ અન્ડરલાઇન કરીને ગુજરાતીમાં શાયરી લખી છે :

 ‘‘હતા શંકર સુભાગી કે દીઘું’તું એને દેવોએ, 
પીઉ છું હું તો ગુજરાતણનું દીધેલું ઝેર રકાબીમાં’’ 

પ્રશ્ન એ થાય છે કે, આમ ખૂબ પ્રેમથી જમાડનાર ગુજરાતણો ચા બનાવવામાં જ કેમ વેઠ ઉતારે છે ? એમ કહેવાય છે કે, સ્ટેટસ-બેટસની ભાણી પૈણાયા વગર સાચે જ સારી ચા પીવી હોય તો ફાઇવ-સ્ટાર હોટલને બદલે ચાની કોક લારી પર પહોંચી જાઓ... એકદમ ઝક્કાસ ચા મળશે બિડ્ડુ ! હા, એનો મતલબ એ પણ નહિ કે, સારી ચા પીવા માટે રોજ સવારે લારીવાળાને આપણ ઘેર બોલાવી લેવાનો ને અડધી કલાક એની લારી સંભાળવા વાઇફને મોકલી આપવાની ! આપણે ચાની દુનિયામાં સમૃદ્ધ થઈ જઈએ, પણ લારીવાળાના ધંધાના ભૂક્કા બોલી જાય ને, બૉસ ? સદીઓ પહેલાં ભારત દેશ ઉપર શક, કુશાણ અને હુણો ચઢી આવેલાં, એ લોકો એવું માનતા કે ગુજરાતણોએ સારી ચા પીધી હોય તો બીજા માટે સારી બનાવે ને ? 

એક જ નિયમ નક્કી કે, બે કપ ચા બનાવવા માટે એક કપ દૂધ, બે ચપટી ચા, બે ચમચી ખાંડ અને બે કપ પાણી છાંટયું એટલે ચા તૈયાર... પણ પીનારના મોઢા સામે એકવાર જુઓ તો ખબર પડે કે, આના કરતાં તો ડીટર્જન્ટની ભૂકીવાળું પાણી ગરમ કરીને પીવડાવી દીઘું હોત તો, બીજું બઘું તો ઠીક, એના મોઢામાંથી સાંજ સુધી ફીણના ફુગ્ગા તો નીકળે રાખત ? ઇતિહાસકારો કહે છે કે, ફાધરનું કિંગડમ સમજીને ભારતમાં રહી જવા માગતા મોગલો કે અંગ્રેજોને આપણા રાજા-મહારાજાઓ કે મહાત્મા ગાંધીએ નથી કાઢયાં. ગુજરાતણોની ચાએ કાઢયાં છે. આ જ કારણે ગુજરાતીઓને અમેરિકાના વીસા જલ્દી મળતાં નથી ‘હં હં... આ લલ્લુઓને ચાનું તો ભાન નથી, ત્યાં મોનિકાને શું પીવડાવશે ?’ બીજું એક કારણ ભગવત-ગીતામાં લખ્યું છે કે, ગુજરાતણો ચાને મેહમાનો ભગાડવાનું સાધન સમજે છે, એટલે વેતા વિનાની ચા બનાવે છે. મને યાદ છે કે ઇન્જેક્શન માર્યા પછી ડૉક્ટરો પેશન્ટને રીએક્શન આવતું તો નથી ને, એ જોવા દસ મિનિટ બેસાડી રાખે છે, એમ ઘણી ગૃહિણીઓ ચા પીવડાવ્યા પછી તરત આપણને ઉઠવા દેતી નથી... નસીબ હોય તો, પોતાના કાંડાની કમાલ દસ મિનિટમાં જ જોવા મળે માટે ! 

યાદ હોય તો જેના ઘેર આપણને ચા પીવડાવવાના જબરદસ્ત ઝનૂનો ઉપડયા હોય, એ મહિલાનો ગોરધન કદાપિ પોતાની ચા મુકાવતો નથી કે આપણામાંથી અડધી લેતો નથી. ‘અરે લો ને.. લો ને... પીવાઈ જશે... ક્યાં વધારે છે ! હું તો હમણાં જ જમીને ઊભો થયો... તમે લો.. તમે લો...!’ વાંદરો બઘું જાણતો હોય કે, આવી પેટીનો માલ આપણે અડવા જેવો નથી એટલે એ તો શેનો અડધી ય લે ? પણ આપણને ખુન્નસ એના શબ્દો પર ચઢે, ‘લો ને પીવાઈ જશે... કયાં વધારે છે ?’ મતલબ કે, જાણતો તો એ ય હોય છે કે, નાક બંધ કરીને પી જવો પડે એવો આ માલ છે... અને શું એ નથી જાણતો કે, ઝેર વધારે કે ઓછું ન હોય... ઝેર એ ઝેર જ છે... બહુ ડાયો થયા વિના તું ય પીને સાથે ? અફ કૉર્સ, તમે બધાં છેલ્લી ૧૩ મિનિટથી જાણવા આતુર હશો જ કે, ‘માનનીય અશોકભાઈ... આવી ચાઓથી બચવાનો શું કોઈ ઉપાય છે, તમારી... સૉરી આપની પાસે ?’ જરૂર ઉપાય છે, ભક્તો ! જે હું કરૂં છું એ તમે કરો ! પરાણે ચા મૂકવાની પેલી બહુ ટેં ટેં કરતી હોય તો મોઢું સ્મિતવાળું રાખીને કરો વિનંતી, ‘જી હું ચા-કૉફી તો પીતો જ નથી... થોડું કેસર નાંખેલું કઢેલું દૂધ જ પીઉ છું...!’ આટલું કાફી છે...! જીંદગીભર તમને ચા પીવડાવવાનું નામ નહિ લે ! ઝેર પીવડાવશે પણ ચા નહિ !

સિક્સર
મસ્જીદમાં માઇક ઉપર અઝાન પઢતાં- બાંગ પોકારતાં સંતનો એકનો એક અવાજ સાંભળીને કંટાળેલા બેટાએ એનાં અબ્બાજાનને ફરિયાદ કરી, ‘યે કુછ બરાબર અઝાન નહિ પઢતે... કહો ના ઠીક તરહા સે પઢે !’ અબ્બાજાન કહેવા ગયા તો પેલાએ સંભળાવી દીઘું, ‘...અબ ક્યા દો સૌ રૂપયે મેં મોહમ્મદ રફી કી આવાઝ નીકાલું ?’