Search This Blog

Showing posts with label kids. Show all posts
Showing posts with label kids. Show all posts

09/05/2012

ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ...!

બધાની જેમ અમારા ઘરમાં ય સરકારી ધારાધોરણો મુજબનો બે બાળકોનો સેટ પડ્યો છે. અમારા જમાનામાં હું અને હકી સરકારી નિયમોની વિરુદ્ધ ગયા નથી અને ફક્ત બે બાળકોથી સંતોષ માની લીધો હતો. લગ્ન પહેલાં તો મેં એને ૧૧- ૧૧ બાળકોના સપના બતાવ્યા હતા લેકીન, ‘સપને ભી કભી સચ હોતે હૈ, લુચ્ચે ?’ મારું એટલું વળી સારું છે કે, ઘર હોય કે બહાર, બાળકો તો બે જ. મારો છોકરો ય દવે ખાનદાનના રસ્મો-રિવાજ મુજબ બેથી આગળ વઘ્યો નથી... એમં પછી બહુ વધી જઈએ તો બા ખીજાય છે ! ‘ઘરમાં’ બહુ પબ્લિક ભેગી નહિ કરવાની.

ઘણાના ખાનદાનો જોઈએ, તો ધારી ધારીને થાકી જઈએ કે, આમાં એમના પોતાના કેટલા બાળકો હશે ? પછી અક્કલ આપણને ય આવે કે, જેમનું હોય એમનું... આપણે કેટલા ટકા ? પતિ- પત્નીના એક જ સેટમાંથી ૬- ૭ બાળકો નીકળ્યા હોય તો જોનારાને આવી ભૂલ થવાનો સંભવ ખરો.

હું ‘દાદુ’માંથી ‘દાદા’ બની ગયો, એ પ્રવાસ છે તો મજ્જાનો, પણ ઢીંઢા ભાંગી જાય છે એ લોકોને રમાડતા રમાડતા અમારા ઘરમાં છોકરાઓને રમાડતા કોઈને આવડતું નથી. હકી એકવાર બહુ લાગણીશીલ થઈને છોકરાઓને ‘વાઘ મામા’ની વાર્તા કહેવા બેઠી, એમાં છોકરાઓ એટલા હિજરાઈ ગયા કે, એમને દુનિયાભરના મામાઓ ઉપરથી પ્રેમો ઉતરી ગયા. અત્યારે ચાલે છે, તે ‘વાઘ બચાવો આંદોલન’ને અમારા ફેમિલીનો કોઈ ટેકો નહિ.

હકીની જો કે વાર્તા કહેવાની પદ્ધતિ બિહામણી છે. એની ભાવના સારી કે, બાળકોને પ્રાણી ઉપર પ્રેમ રહે, એ માટે એ દરેક જનાવરને ‘મામા’ કહીને જ વાર્તા બનાવે છે. ‘એક હતા ઉંદર મામા...’ સાલું આપણને સાળાઓ ઉપરથી માન ઉતરી જાય ! સુઉં કિયો છો ? આખી પ્રોસેસમાં બાળકોને પ્રાણી-જગત ઉપર તો પ્રેમ પૂરો ચઢી આવ્યો, પણ મામાઓ ઉપરથી ઉતરી ગયો.

એમ તો હું ય કાંઈ એક્સપર્ટ નથી. છોકરાઓને રડતા છાના રાખવાની વાત તો દૂરની છે, હું એમને હસાવી પણ શકતો નથી. આપણને એમ કે આડાઅવળાં મોંઢા કરીને ચિત્રવિચિત્ર અવાજો કાઢીએ, તો છોકરાઓને ગમે. એક વખત તો રીંછ મામા ખીજાય તો કેવું ‘હાઉઉઉઉઉ...’ કરે, એટલું બતાવવામાં જ મારું જડબું ખુલ્લું રહી ગયું. બસ, પછી એ બંધ ન થાય. ઇંગ્લિશમાં એને ‘લૉક-જો’ કહે છે. એ રોગમાં જડબુ ખુલી ગયા પછી બંધ કરી શકાતું નથી. હલે પણ નહિ, ખુલ્લા મોઢે એવો હું દોઢ દિવસ ફર્યો. બોલવાનું કશું નહિ.. ફક્ત ‘હુઉઉઉઉ...’ કરી શકાય, એમાં તો વગર વાર્તા સાંભળે ઘણા ડરવા માંડ્યા.

મને ગુસ્સે થતા આવડતું નથી, એટલે હકી કે બાળકો, મારાથી કોઈ ના બીએ, બોલો ! એ લોકો અફ કૉર્સ, મને દબડાવતા હોય ને એમાં એમને મજાઓ ય આવતી હોય. ઘરમાં બેઠેલા મેહમાનો એટલું જ સમજે છે કે, ભ’ઈનું ઘરમાં કાંઈ ઉપજતું લાગતું નથી ને સાલા... મોટા ભાગના કિસ્સાઓમાં મેહમાનો સાચા હોય છે...હવે કોઈ પંખો ચાલુ કરો.

ઘરની ઘણી બાબતોમાં મારું ઉપજતું હોય છે. મને યાદ છે, છ વર્ષ પહેલાં મેં કીધેલું કે, ‘દેશમાં ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે,’ તો ઘરમાં બધા માની ગયા હતા. કોઈએ વિરોધ કર્યો ન હતો. ને આ બાજુ આપણને ય સંતોષ કે, મેં સાલી ફેંકી, એ સાચી પડી ગઈ ને આ લોકોએ માની પણ લીધી. એક્ચ્યુઅલી, આ વાતની તો મને ય ખબર નહોતી કે દેશમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. આપણે શું કામ કોઈના કામમાં માથું મારવું ?

બસ. એક વાતે મારા માટે ઘરમાં બધાનો વિરોધ ખરો કે, મને છોકરાઓ રમાડતા આવડતું નથી. જુવાન હતો, ત્યારે દોસ્તો કહેતા હતા કે, તને છોકરીઓ રમાડતા નથી આવડતું. બન્ને અવસ્થામાં પ્રજામત સાચો હોય તો ય, મારા નારણપુરા વિસ્તારના ડોહા- ડોહીઓને મારા ઘેર બોલાવીને બધા પાસે થપ્પો, ઘર-ઘર, આંબલી-પીપળી કે બાઇબાઇ ચાયણી રમાડું, તો એ ય મને નહિ આવડે, એ ભયથી શરમાઈ જાઉં છું.

મને નહાવાનું બહુ ગમે... અને એમાં ય જાતમેહનતથી નહાવાનું તો ખૂબ્બ જ ગમે. કોઈ એકાદ જનમમાં હું રાજા-મહારાજા હોઈશ, ત્યારે મહેલની રાણીઓ મને નાનકડા હોજમાં નવડાવતી, એ મને યાદ આવે છે. પણ એ જમાના તો હવે ગયા. હાલમાં તો છેલ્લા ૫૮ વર્ષથી હું જાતે જ નહાઉ છું. મારા ફ્‌લૅટમાં તો મેં સ્વિમિંગપુલ નંખાવ્યો નથી. હોત તો મને ગમતે. પેલું લાંબા થઈને સૂતાસૂતા નહાવાવાળું બાથટબ નંખાવાય, એટલી જગ્યા તો પૂરા ફ્‌લૅટમાં ય નથી. એ નંખાઈએ તો રહીએ કયાં ? પણ શોખ રાજા-મહારાજાઓના પાળ્યા હોય એટલે ઘરના જે સ્થળને અમે બાથરૂમ કહીએ છીએ, ત્યાં જઈને સ્વિમિંગ-પુલમાં પડ્યા હોઈએ, એવી ઠંડકથી નહાવાનું ઉભા થતા ય છતમાં માથુ ભટકાય એવું બાથરૂમ છે, એટલે હૉજની જેમ આમાં ડાઇવો મરાય એવું નથી. કોઈ પણ પદ્ધતિથી નહાતી વખતે, પાછળ બરડો અને આગળ ઢીંચણ બાથરૂમની દિવાલોને અડકે છે, એટલે છાતી સુધી પાણી ભરેલું રાખીને બાથટબની જેમ મહીં મહીં સાબુઓ ચોળીને નહવાય એવું નથી. ફિલ્મોમાં કે દોસ્તોના બંગલામાં બાથટબો જોઈને મનમા દુષ્ટવિચાર આવે છે કે, સાલાએ કેટલાને નવડાયા હશે, ત્યારે પોતે આવું નહાવા પામ્યો છે ! આ તો એક વાત થાય છે.

એટલે ક્લબના પૂલમાં જો બન્ને બાળકોને લઈ જઈને... લાય ને મેં’ કું રમાડું. એમના દાદા શેરબજારમાં બહુ નહાયા છે, એટલે બાળકોને વિશ્વાસ બહુ કે, દાદા નવડાવશે તો સરસ ! ફ્રેન્કલી કહું તો મને હજી તરતા કે ડૂબતા આવડતું નથી, એટલે બાળકોને સ્વિમિંગ-પુલમાં લઈ ગયો, ત્યારે એ લોકો ડરતા હતા કે, દાદાને કંઈ થશે તો નહિ ને ? એમને એટલી શ્રદ્ધા ખરી કે, ડોહો ડૂબે એવો તો નથી, પણ ડૂબકી માર્યા પછી પેટ સુધી પાણી પી જાય, એનું કાંઈ નક્કી નહિં. સ્વિમિંગ-પૂલમાં નહાતા લોકોને તો ઘરના વૉશ-રૂમ અને બહારના સ્વિમિંગ-પૂલ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી... મન મોટાં, તન છોટા !

ફિલ્મોમાં મેં હીરોલોગને મસ્ત મજાની ડાઇવો મારતા જોયેલા, ત્યારથી એ જ પદ્ધતિથી ઉઘાડા શરીરે ટટ્ટાર ઉભા રહી બંને હાથ ઊંચા કરીને પાટીયા ઉપરથી ડાઇવ મારવાની મને બહુ ગમે. એ ઊંચુ પડતું હોય તો મને કહે છે કે, પૂલની ધાર ઉપરથી પણ ડાઇવ મારી શકાય. હું લાઇફમાં ઉંચો આવ્યો નથી, એટલે ઉંચાઈઓની મને બહુ બીકો લાગે છે, એટલે મેં લીસ્સા ટાઇલ્સવાળી ભીની ધાર ઉપરથી ડાઇવ મારવાનું નક્કી કર્યું. નીચેથી પડીએ તો ઓછું વાગે. મને એ પાછી ખબર કે, ઉપર કંઈ પહેર્યું ન હોય ત્યારે એકલા સ્વિમિંગ કોસ્ચ્યુમમાં હું જરા ય શોભતો નથી. ભીનો પાટો બાંધેલો અંગૂઠો ઉભો રાખ્યો હોય, એવો હું પૂલની પાળી પર ઊભેલો લાગતો હતો, છતાં મને એનું અભિમાન નહિ. છોકરાઓને ખુશ કરવા દાદાઓ શું નથી કરતા ?

પ્રોબ્લેમ ઠેકડો મારતી વખતે થયો. હૉજમાં ડાઇવ મારતી વખતે શું કરવાનું હોય છે કે, પાળીની ધાર પર પગના આંગળાઓ ચીપકાવી દઈ, ફૂલફૉર્સથી આગળની તરફ જમ્પ મારવાનો હોય છે. મેં પગ ભરાવ્યા નહોતા, એમાં જમ્પ ખોટો વાગ્યો....! સ્વિમિંગ-પૂલની ટાઇલ્સવાળી ભીની લાદી ઉપર ધમ્મ દઈને ખાબક્યા પછી જડબું ટાઇલ્સ ઉપર પછડાવાનો અવાજ કેવો આવે છે, એ તો જે ખાબક્યું હોય એને જ ખબર પડે !

હૉસ્પિટલનો છ મહિનાનો ટોટલ ખર્ચો રૂા. ૭૪,૬૫૭/-... સ્થાનિક કરવેરા અલગ !

કહે છે કે, નાનપણમાં બાળકોને એમના દાદા-દાદીએ સારી વાર્તાઓ કીધી હોય કે બૌદ્ધિક ગેઇમ્સ રમાડી હોય, તો એ બાળકો મોટા થઈને નામવર બને છે. અલબત્ત, નિયમ એવું કહે છે કે, બાળકો કરતા નોલેજમાં તમે વધારે ચઢિયાતા હોવા જોઈએ. હું જાણું છું કે, એ જરી અઘરું પડે, પણ બુદ્ધિની દુનિયામાં પરિવારની છાપ સુધારવી હોય તો થોડું ભણવું પડે. ચાર્લી ચેપ્લિન આખા જગતને હસાવી શકતો હતો... પોતાના બાળકને નહિ !

સિક્સર

- સચિન રાજ્યસભામાં ! કયો લાડવો લૂંટવાનો રહી ગયો’તો ?
- જવાબ સ્પષ્ટ છે. દેશ માટે ટી-૨૦ વર્લ્ડકપ નહિ રમવાનો, પણ આઇપીએલમાં કરોડો રૂપિયા મળે છે, એ રમવાની.

08/05/2012

ગીલી ગીલી ગીલી

એક રીઝોર્ટના સ્વિમિંગ-પૂલની ધારે હું બેઠો હતો, ત્યાં એક ઇંગ્લિશ બોલતી યુવતીએ એનું બાળક મારી પાસે મૂકતા પૂછ્યું, ‘‘ઓ પ્લીઝ... તમે થોડીવાર મારા લેલુને સાચવશો... પ્લીઝ ?’’

આમ તો હું બહુ રોમેન્ટિક માણસ નથી, એટલે આનાથી ઊલટી ઑફર લેલુએ મને કરી હોત, તો ય મને ન ગમત. એ તો તમે ય જોયું હશે કે, ૯૮ ટકા સુંદર સ્ત્રીઓના ગોરધનો સાવ બાયા જેવા હોય છે પણ, સાલા આપણને મારે એવા હોય છે. આપણે ચેતીને ચાલવું સારું. દેખાવમાં હું કોઈ યોગીપુરુષ જેવો લાગતો નથી. હાથમાં બાટલી પકડાવી હોય તો માલિશવાળા જેવો લાગું છું. મારા ચેહરા પર વાત્સલ્યના ભાવ નથી આવતા. જાતનો બ્રાહ્મણ છું, એટલે ‘‘દસના છુટા હોય તો આલો ને, ભ’ઇ...’’ છાપના ભાવો આવે છે. હું બહુ સુંદર નથી, છતાં નાના બાળકોને ગમી જાઉં, એવો રૂપકડો ય નથી.

છતાં ય કોઈ નાનુ બાળક રમાડી આપવાની આ સમાજ મારી પાસે શા માટે અપેક્ષા રાખે છે, તે હું નથી સમજી શકતો. બાળકને એ વ્યકિત રમાડી શકે, જેનો પોતાનો ચહેરો બાળક જેવો સોફ્ટ અને એટ લીસ્ટ, એ બાળકને જોવો ગમે એવો હોય. મેં ઘણીવાર બાળકોને સિંહ, રીંછ અને વરૂની વાર્તાઓ કીધી છે, તો ય કોઈ ઇમ્પ્રેસ થયું નથી... મને જોયા પછી બાળકો રીંછ-વરૂઓથી ડરતા બંધ થઈ જાય છે.... ! એમાં ય હું તો પાછો સેલ્ફ- જાહેરાતો કરી કરીને સંસ્કારી બનેલો માણસ છું અને બાળકોને સારા સંસ્કારો આપવાનો હિમાયતી હોવાથી, એ લોકોને છાના રાખવા માટે મારા લેખો વાંચી સંભળાવી શકતો નથી. પારકા તો ઠીક, ખુદ મારા પૌત્ર- પૌત્રીને રમાડવા માટે મને બીજું કાંઈ ન સૂઝ્યું. તો મેં’કુ લાય... એમને મારો કોઈ લેખ વાંચીને હસાઈએ, તો એમની ‘મૉમ’ બોલી, ‘પપ્પા... એમ તો છોકરાઓ બી જશે...!’

ઓકે. સાચવણીના ધોરણે પણ હું લોખંડના કે રૂના ગોડાઉનના વોચમેન જેટલો સાવધાન કે ફરજપરસ્ત માણસ નથી. મારી સાથે છેલ્લા ૩૪- ૩૪ વર્ષોથી અકબંધ પડી રહેલી મારી પત્ની મારાથી સચવાતી નથી... (એન્ડ ફોર ધેટ મૅટર, કોઈની પણ પત્ની સચવાતી નથી !) ત્યાં મને તમારા વ્હાલસોયા બાળકો સાચવવા આપવાનો કોઈ અર્થ ખરો ? મારા રમાડેલા છોકરાઓ મોટા થઈને મૂકેશ અંબાણી કે રાહુલ ગાંધી નહિ બની શકે.. મૅક્સિમમ... લાચાર ગોરધનો બની શકશે. મારી એકેય આત્મકથાઓમાં, મને બાળકો ગમે છે, એવું મેં લખ્યું નથી. નેહરૂની માફક છાતી પર ગુલાબ લટકાઈને ફરવું મને ગમે છે, પણ તે બાળકો માટેના પ્રેમને કારણે નહિ, કોટ ફાટેલો હોય, એનું કાણું ઢાંકવા ત્યાં ગુલાબ ભરાવું છું.

હકીકતમાં, બાળકો રમાડનારના મનમાં બાળકો પ્રત્યે વહાલ, અનુકંપા, વાત્સલ્ય અને ખિસ્સામાં થોડું પરચુરણ પડેલું હોવું જોઈએ. આ પૈકીના મોટા ભાગના ઘટકો મારા જીવનમાં પડયા નથી. મારે ઊભા કરવા પડે, જેમ કે, મને મારા પોતાના બાળકો રમાડે મિનિમમ ૨૦- ૨૫ વર્ષ થઈ ગયા એટલે પ્રેક્ટિસને અભાવે હાથ છૂટી ગયો હોય. સાંભળ્યું છે કે, નાના બાળકને રમાડવાની શરૂઆત એની કોમળ- કોમળ દાઢી ઉપર આપણા ધોયેલા જમણા હાથની પહેલી આંગળી હળવે- હળવે દબાવીને બે-ત્રણ વખત ગીલીગીલીગીલી બોલીને કરવાની હોય છે. 

એ બોલતા મને મસ્ત ફાવે, પણ આંગળી દબાવવામાં પ્રમાણભાન અને સ્થળભાન યાદ ન રહે, એટલે બાળકની દાઢીને બદલે આંખ ઉપર આંગળી દબાવીને આવું ગીલીગીલીગીલી કરું છું તો સામો રીસ્પોન્સ આપવાને બદલે બાળક રોવા માંડે છે. આપણે એવું નથી કહેતા કે, બાળકે મને સામે સૌજન્ય ખાતર મારી દાઢી પર ગીલીગીલીગીલી કરવું જોઈએ... એવા સંસ્કાર એની માંએ આપ્યા હોય તો છોકરૂં કંઈ શીખે ને... ? હકીકતમાં તો મમ્મીએ પોતે કાકાની દાઢી આવી રીતે દબાવીને ગીલીગીલીગીલી કરતા બાળકને શીખવવું જોઈએ, તો છોકરૂં શીખે અને ડરે નહિ. સુંઉં કિયો છો ?... શાબ્બાશ, સાચું કિયો છો....!

ભલભલા બાળકોને રમાડી ચૂકેલા બાળ-રમાડુઓ કહે છે કે, આ પ્રવૃત્તિમાં પડવા માટે તમારી પાસે બાળ-વાર્તાઓનો પૂરતો સ્ટોક પડેલો હોવો જોઈએ. હૅરી પોટર કે ટૉમ એન્ડ જેરી આવડતા હોવા જોઈએ. આજ સુધી આપણને બહુ બહુ તો ઑફિસેથી ઘેર આવતા મોડું કેમ થયું, એની વાર્તાઓ બનાવતા આવડી હોય. એમાં પાછો ગોરધન તરીકે હું સ્માર્ટ ખરો. હું ક્યાંક ગીલીગીલીગીલી કરાવતો બેઠો હોઉં એમાં મોડું થઈ જાય, પણ આપણી સ્ટોરી હકી માની જ જાય કે, ‘‘આ બિચારા ઉપર મેં પાપણે ખોટો શક કર્યો. એ ક્યાંય આડાઅવળા જાય એવા નથી. 

રસ્તામાં ગાડી બગડે એમાં એ શું કરે ? રસ્તે પડેલા કોક ગરીબને હોસ્પિટલ પહોંચાડવા ગયા, તો મોડું તો થાય ને ? મેં આવા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ જેવા મારા નાથ માટે શક કર્યો... ? પરમેશ્વર મને માફ નહિ કરે...!!’’ ઓફિસમાં રજા લેવા માટે, સગ્ગી સાસુને ૧૩ વખત સ્મશાને લઈ જવાનો આપણો જિલ્લા- રેકોર્ડ છે. આપણી કમ્માલ એ વાતમાં કે, હજી સાસુ અડીખમ છે... ભલે મારી પોતાની ન હોય, પણ રજા લેવા માટે તો કોઈની બી સાસુ ચાલે ને ? પોતાની સાસુને જ પોતાની સાસુ ગણવી અને બાકીનાઓની સાસુને ફોઇ- માસી ગણવી, એવા કુલક્ષણો મારામાં નથી. ખોટું અભિમાન નહિ. મારી સાસુ મને સારા સંસ્કારો આલતી ગઈ છે. આ તો એક વાત થાય છે.

ટુંકમાં, આવા સોલ્લિડ રીઝલ્ટોવાળી સ્ટોરીઓ બનાવવામાં આપણી માસ્ટરી, પણ ‘એક હતુ જંગલ ને એમાં સિંહભ’ઇ રહેતા’તા...’ એવા સ્ટોરા- ફોરા બનાવવા શું આપણું કામ છે ? બા કેવા ખીજાય... ? મારું દ્રઢપણે માનવું છે કે, બાળકોને આવી સિંહભ’ઇ- ફિંહભ’ઇની વાર્તાઓ કહેવાનો કોઈ અર્થ નથી. મોટા થઈને એ લોકોને ક્યાં વાઘ-દીપડાં સાથે ગુજકેટની ઍક્ઝામો આલવની છે ? વળી સિંહ જંગલમાં જ રહેતો હોય ને ? એ કોઈ હોટલમાં ન ઉતર્યો હોય. એમાં આપણે પાછું બાળકને ખુશ કરવા ગળામાંથી સિંહભ’ઇ જેવો ખતરનાક ધુર્રર્ર્રાટો બોલાઈ બતાવાનો. એ કોઈ જોતું ન હોય તો બોલી બતાવીએ, પણ મેરેજના ૨૦- ૨૫ વર્ષ થયા પછી આવો ધુર્રાટો તો જાવા દિયો, ગળામાં સોપારીનો ભરાઈ ગયેલો કટકો ય નીકળતો નથી.

‘વંદે માતરમ્’ બોલીને કબૂલ કરું તો, મને નાના બાળકોને તેડતા નથી આવડતું. દસ્તુર એવો છે કે, તેડેલા બાળકનું માથું તમારા જમણા હાથની કોણી ઉપર અને પગ ડાબા હાથની નીચે લટકતા રહેવા જોઈએ. પછી દર બબ્બે સેકન્ડે એની સામે જોઈને કોઈ કારણ વગર આપણે હસતા રહેવાનું. એ ભલે સામે ન હસે. મૂન્ડી નીચે લઈ જઈને એના ગાલે બચ્ચીઓ ભરવાની. વચમાં- વચમાં ગીલીગીલીગીલી બોલવાનું. એના નાકમાંથી એના શેડાં સાફ કરવાના. શેડાં સાફ કરેલો હાથ આજુબાજુ કોઈ જોતું ન હોય તો કોઈની ભીંત કે કોઈના ફર્નિચર ઉપર લૂછી નાંખવાનો. એ સુસુની સીધી ધાર આપણા શર્ટ ઉપર છોડે, તો શું જાણે છાતી પર ભીના મૅડલો લટકાયા હોય, એમ રાજી થઈને હસવાનું. ચાંપલાશપટ્ટી આપણા સ્વભાવમાં ન હોય છતાં આપણે તોતડા થઈ ગયા હોઈએ, એમ કાલીઘેલી ભાષામાં એની સાથે વાતો કરવાની. ઍન્ડ યસ... વચમાં વચમાં બાબાને અડધો અડધો ઉલાળતા રહેવાનું....!

સાલું કોઈ દૂરથી આપણને જોતું હોય, તો ગાન્ડો જ સમજે ને ? 

આપણું ભવિષ્ય સુધરે, એ આશાએ મેં પેલી યુવતીને એનો લેલુ રાખવાની સ્માઇલ સાથે હા પાડી. મિનિમમ ૩૨ વર્ષ સુધી યાદ રહી જાય, એવું ‘થેન્ક્સ’ બોલીને એ ઓગળી ગઈ.

‘હું બઘ્ઘું દૂર ઊભી ઊભી જોતી’તી અસોક...! મને થાતું જ ’તું કે, આજકાલ તમને બાળકું કેમ બવ ગમવા માઇન્ડા છે... ? કોણ હતી ઇ... ? અને હાવ હાચુ કે’જો... આ બાબો કે’નો છે... ?? અસોક, હું તમને દેવ જેવા માનતી’તી... તમને આવા નો’તા ધાયરા...! ઓ જલાબાપા... આ સુઉં થવા બેઠું છે.... ?’

સિક્સર
અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ આપણા સચિન તેન્ડુલકર વિશે એક અદ્ભુત વાત કરી છે. ‘‘હું ક્રિકેટ વિશે ખાસ કાંઈ જાણતો નથી, છતાં હું સચિનને રમતો જોવા માટે ક્રિકેટ જોઉં છું. એવું ય નથી કે, મને એની બૅટિંગ ગમે છે, પણ મારે એ જાણવું છે કે, સચિન રમતો હોય છે, ત્યારે મારા દેશનું ઉત્પાદન ૫ ટકા ઘટી કેમ જાય છે ?’’

અને બીજી વાત :
બિલ ગેટ્સે એના જેવા જ અબજોપતિ સ્ટીવી જોબ્સને કહ્યું, ‘‘ગઈકાલે હું બેન્કમાં લોન માટે ગયો હતો...!’’
‘‘તારે લોનની શી જરૂર પડી ?’’
‘‘મારે નહિ... એ લોકોને જોઈતી હતી !!’’