Search This Blog

Showing posts with label sohrab modi. Show all posts
Showing posts with label sohrab modi. Show all posts

24/02/2017

ફિલ્મ    :    'પૃથ્વીવલ્લભ' ('૪૩)
નિર્માતા    :    મિનર્વા મૂવીટોન
દિગ્દર્શક    :    સોહરાબ મોદી
સંગીત    :    રફીક ગઝનવી
ગીતકાર    :    પંડિત સુદર્શન (સંવાદો પણ)
રનિંગ ટાઈમ    :    ૧૨૧-મિનિટ્સ : ૧૫ રીલ્સ
કલાકારો    -    સોહરાબ મોદી, દુર્ગા ખોટે, સંકટાપ્રસાદ જહાનઆરા કજ્જન, મીના શોરી, સાદિકઅલી, કે.એન.સિંઘ, અલ નાસિર, નવીન યાજ્ઞિક, અમીરબાઈ, શાન્તાકુમારી, અલકનંદાદેવી, ચૌબે મહારાજ, ચંદ્રકલા, રંજીત કુમારી, બૅબી રોશન... (..અને કદાચ, લીલા મીશ્રા)

ગીતો
૧.    આંખો મેં મુસ્કુરાયે જા, આશા કો ગુદગુદાયે જા... મીના, મેનકા, શીલા
૨.    હવા ને બાંધા હૈ ક્યા રંગ, દેખો ઇસકી ચાલ નિરાલી... અમીરબાઈ
૩.    રામનામ ધન પાયા મૈંને, રામનામ ધન પાયા... મેનકા
૪.    તૈલપ કી નગરી મેં ગાના નહિ હૈ... આ અપના... મેનકા-રફીક ગઝનવી
૫.    ખુલે સ્વર્ગ કે દ્વાર જગ મેં, ખુલે સ્વર્ગ કે દ્વાર જગ મેં... મેનકા
૬.    પંછી ઊડ ચલે અપને દેશ, પંછી ઊડ ચલે... મેનકા-રફીક ગઝનવી
૭.    જીવન કા જુગ આયા, દેખ દેખ કર મન લલચાયા... અમીરબાઈ
(
ફિલ્મમાં મ્યુઝિકલ ઇફેક્ટસ  મીર સાહેબે આપી છે)

આપણે તો કોઈ હોઈશું નહિ... આપણા માતા-પિતાએ આ બધી ફિલ્મો જોઈ હોય અને અદાથી, ટેસથી અને ગૌરવભેર જોઈ હોય ! થૅન્ક ગૉડ, આપણને આવી અપ્રાપ્ય ફિલ્મો હવે ડીવીડી-પર તો જોવા મળે છે. આ તો ઠીક છે, આપણામાંથી ભાગ્યે જ કોઈને 'પપ્પાને' પૂછવાની જરૂરત લાગતી હશે કે, અમને સાયગલ, પંકજ મલિક, સોહરાબ મોદી, કાનન દેવી કે સરસ્વતીદેવીના સંગીતની કંઇક વાતો કરો ! પૂછીએ તો કાકા ખરેખર ભારે તાનમાં આવી જાય અને એ બધી વાતો રસપૂર્વક કરે છે, 'અમારા જમાનામાં મોતીલાલ, સ્વર્ણલતા, પી.જયરાજ અને શોભના સમર્થનો દબદબો હતો. કમલ દાસગુપ્તા કે શંકરરાવ વ્યાસ અમારા માટે કોઈ શંકર-જયકિશનથી કમ નહોતા. હાજી અલીની દરગાહ પર જે ભીખ માંગતો બિનવારસી લાશ થઇને ગુજરી ગયો, તે ગાયક સંગીતકાર ખાન મસ્તાના મુખ્ય ગાયક હતો અને મુહમ્મદ રફી એની પાછળ કોરસમાં ગાતા.

ખેમચંદ પ્રકાશ તો અમારા હીરો સંગીતકાર હતા પણ ઈવન આજની ફિલ્મ 'પૃથ્વીવલ્લભ'ના સંગીતકાર 'એ જમાના'ના બી.એ. (એટલે કે, બૅચરલ ઑફ આર્ટ્સ) હતા અને નામની પાછળ ડીગ્રી લગાવવાની આવી ફૅશન હતી. પંડીત ઇંદ્ર, પંડીત દીનાનાથ મધોક અને પંડીત નરેન્દ્ર શર્મા (જેમણે 'જ્યોતિ કળશ છલકે' લખ્યું હતું.) અને આપણા અમદાવાદમાં રહેતા ગીતકાર રમેશ ગુપ્તાનો ગીતકાર તરીકે જમાનો પૂરજોશ ચાલતો હતો. શાંતા આપ્ટે અને આપણી ગુજરાતણ લીલા દેસાઈ એ સમયની સુપરસ્ટાર હીરોઇનો હતી... અને ખાસ તો કદી ય નહિ સુધરેલો ખલનાયક કે.એન.સિંઘ એ જમાનાથી જ બગડેલો હતો. મારા સૌરાષ્ટ્રની ભાષામાં એ ક્યાંય 'હખણો' રહેતો નહતો અને મર્યો ત્યાં સુધી હીરો-હીરોઇન વચ્ચે, એ ફિલ્મોમાં આવ્યો ત્યારનો 'હલાડા' કરતો હતો !

ફિલ્મો હીરો-હિરોઇન કે સંગીતકારોના નામ પર નહિ, ફિલ્મો બનાવતી કંપનીઓ (સ્ટુડિયો)ના નામ ઉપર વેચાતી અને પ્રેક્ષકો એ પહેલા જોઇ લેતા કે, ફિલ્મ ન્યુ થીયેટર્સની છે, બૉમ્બે ટૉકીઝની છે કે પ્રભાત સ્ટુડિયોની છે. મારા જામનગરના સરદાર ચંદુલાલ શાહનું નામ તો એમના રણજીત સ્ટુડિયોને કારણે જગતભરમાં ગાજતું... કમનસીબે, સટ્ટામાં બેફામ કંગાળ થઇ ગયા, પણ આપણા ગુજરાતી પારસી સોહરાબ મોદીનું 'મિનર્વા મૂવીટોન' એના સીમ્બૉલ ગર્જતા સિંહને કારણે વધુ ઓળખાતું. મોદી સાહેબ એમની લૅન્ડમાર્ક ફિલ્મો પુકાર, સિકંદર, પૃથ્વીવલ્લભ, ઝાંસી કી રાની, મિર્ઝા ગાલિબ, જૅલર, કુંદન, નૌશેરવાને આદિલ ઉપરાંત ઘણી હિંદી ફિલ્મો આંખ આંજી દે, એવા હાઈટ-બૉડી અને ઘેઘૂર અવાજને કારણે દર્શકોને આજે પણ યાદ છે.

સાયલન્ટ ફિલ્મોનો યુગ પૂરો થયા પછી, મૂળ શેક્સપિયરીયન-સ્ટેજને વરેલા મોદી સાહેબે શૅક્સપિયરના જ હૅમલેટ અને કિંગ જ્હૉન પરથી અનુક્રમે 'ખૂન કા ખૂન' અને 'સઇદ-એ-હવસ' ફિલ્મો બનાવી, જેમાંની પહેલીમાં સાયરાબાનુની સૌંદર્યવતી મમ્મી નસીમ બાનુને પહેલીવાર હીરોઇન બનાવી. મોદી એ જમાનાના અત્યંત શિક્ષિત અને ઍરિસ્ટ્રોકેટ મુસ્લિમ ફૅમિલીની દીકરી મેહતાબને પરણ્યા (એ દિવસ મેહતાબનો જન્મદિવસ હતો, તા. ૨૮ એપ્રિલ, ૧૯૪૬. સોહરાબ પોતે ૨ નવેમ્બર, ૧૮૯૭ના રોજ જન્મ્યા અને લગ્ન પારસી આદતો મુજબ, ખૂબ મોટી ઉંમરે કર્યા (ગણી જુઓ... પહેલા અને છેલ્લા લગ્ન પણ ૪૯ની ઉંમરે...!) સોહરાબને જમાનો યાદ રાખશે એમના મિનર્વા મૂવીટોન ઉપરાંત એ જમાનાના બે મહાન કલાકારોને પ્રજા સમક્ષ મોટા નામો અપાવવા બદલ ! ઇવન, તમે આજે ય ભૂલી જાઓ કે, એમની ફિલ્મ 'સિકંદર'માં પૃથ્વીરાજ છે કે શશીકપૂર (એ બન્નેનો ચેહરો બિલકુલ એકસરખો આવે છે... આવવો પણ જોઇએ ને ?) અને બીજો અગનઝરતી આંખોવાળો ચંદ્રમોહન, જે મૂળ તો કે. આસિફની ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નો હીરો હોત !

સોહરાબ મોદીને ફિલ્મોએ છોડી દીધા પણ એમણે ફિલ્મોને ઓલમોસ્ટ અંત સુધી ન છોડી. ઠેઠ ૮૫ની ઉંમરે એમણે પોતાની નવી ફિલ્મ 'ગુરૂદક્ષિણા'ની જાહેરાત કરી અને કલાકારો બૂક કર્યા, એમાં બધા એમને છેતરીને પૈસા ચાઉ કરી ગયા અને મોદી ક્યારેય બેઠા થઇ ન શકે, એટલો ઘાટો આપ્યો. કોઈ માને નહિ, પણ મુંબઇના કફ-પરેડ ખાતેના એમના નિવાસસ્થાને એમના વિધવા પત્નીને મોદીને મળેલો દેશનો સર્વોત્તમ ફિલ્મી એવોર્ડ 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' મુંબઇના કુખ્યાત ચોરબજારમાં વેચી દેવો પડયો હતો, જેની સાથે સીરેમિકની અનેક અપ્રાપ્ય ચીજો પણ શામેલ હતી.

સોહરાબ મોદીનું હિંદી ફિલ્મી ઇતિહાસમાં નામ એ રીતે પણ કોતરાઈ ગયું છે કે, ભારતની સૌ પ્રથમ ટૅકનિકલર ફિલ્મ 'ઝાંસી કી રાણી' એમણે બનાવી હતી. હૉલવૂડના ટેકનિશિયનોને ઇન્ડિયા બોલાવીને ! યાદ રહે, ભારતની પહેલી રંગીન ફિલ્મ ઇ.સ. ૧૯૩૭માં 'કિસાન કન્યા' બની હતી, જેની હીરોઇન એટલે કે કિસાન કન્યા જીલ્લોબાઈ હતી. જે 'મુગલ-એ-આઝમ'માં અનારકલીની મા બને છે અને દીકરીની ફાંસી રોકાવવા અકબર-એ-આઝમ પાસે બતૌર-નિશાની વીંટી બતાવવા જાય છે. એ જીલ્લોબાઈ ફિલ્મ 'મધર ઇન્ડિયા'માં રાજકુમારની પણ મા બને છે.)

આજની ફિલ્મ 'પૃથ્વીવલ્લભ' મેં કંટાળાના ભારોભાર ખૌફ સાથે જોઈ, પણ મારા આનંદઆશ્ચર્ય વચ્ચે ફિલ્મ અદ્ભુત નીકળી... નીકળે તો ખરી જ ને... વાર્તા લેખક ગુજરાતના ધુરંધર નવલકથાકાર કન્હૈયાલાલ માણેકલાલ મુન્શી હતા. (સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતીમાં 'માલવપતિ મૂંજ' ના નામે આ ફિલ્મમાં કામ કર્યું હતું.)

ફિલ્મ 'પૃથ્વીવલ્લભ'ની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે :

અડોસપડોસના રાજાઓ માલવપતિ મૂંજ (સોહરાબ મોદી) અને તૈલપ (સંકટાપ્રસાદ) વચ્ચે પર્મેનૅન્ટ યુધ્ધો ચાલે રાખે છે, જેમાં ૧૫ વખત મુંજ તૈલપને હરાવે છે. તત્સમયના રિવાજ મુજબ, હારેલ રાજવીએ વિજેતા રાજવીને ભર્યાદરબારમાં પગ ધોવાના હોય છે, જે તૈલપ ધૂએ છે, પણ દરેક વખતે મૂંજ એને માફ કરીને પોતાની સમકક્ષ રાજવીના સ્થાને બેસાડે છે. તૈલપની બહેન મૃણાલવતિ (દુર્ગા ખોટે) દર વખતે ભાઈનો પરાજય સહન કરી શક્તી નથી અને નવા યુધ્ધ માટે ઉશ્કેરતી રહે છે. આ વખતે એ પડોસી રાજા ભીલ્લમ (કે.એન.સિંઘ)નો સહારો લઇ મુંજને હરાવીને કૈદ કરી લે છે, પણ પોતાના રૂપ અને સત્તાના મદમાં મૃણાલવતી મુંજને ધિક્કારતી રહે છે, જ્યારે મુંજ એને પોતાના પ્રેમમાં પાડીને રહે છે.

મુંજ સાથે ભાગી જવા તૈયાર થયેલી મૃણાલને પણ સબક શીખવવા તૈલપ મુંજને નગરજનોની ઉપસ્થિતિમાં હાથીના પગ નીચે ચગદાવીને મારી નંખાવે છે, પરંતુ મુંજના સાથી અને સગા રાજા ભોજ (અલ નાસિર) અને કવિ (સાદિકઅલી) તૈલપને હરાવીને રાજ પાછું મેળવે છે. ભોજ ભીલ્લમની સ્વરૂપવાન દીકરી વિલાસ (મીના શોરી)ના પ્રેમમાં છે. તૈલપના દીકરાને આ સંબંધ મંજૂર નથી અને વિલાસ પર ખૂની હૂમલો કરે છે, પણ વિલાસ બચી જાય છે. તૈલપપુત્રને મારી નાંખવા પતિ ભીલ્લમને એની પત્ની ઉશ્કેરે છે. (મારી એકલાની સમજ મુજબ, આ પત્ની ભરજુવાનીની 'લીલા મીશ્રા' (ફિલ્મ શોલેની મૌસી) છે. ફિલ્મમાં કપાળ ઉપરના અંબોડાવાળી સાધ્વી બનીને મૃણાલને શીખામણો આપતી અમરબાઈ કર્ણાટકી છે.

બાય ધ વે, અહીં રાજા ભોજ બનીને મીના શોરીના પ્રેમમાં પડેલો ઍકટર અલ નાસિર છે, જે આપણા સ્વર્ગવાસી અને બારમાસી પોલીસ-ઇન્સ્પેકટર ઇફ્તેખારનો બનેવી અને રાજકપૂર-સુરૈયાની ફિલ્મ 'દાસ્તાન'ની સાઇડ-હીરોઇન વીણાનો વર થાય, જે પણ 'દાસ્તાન'માં છે.

ફિલ્મના સંગીતકાર રફીક ગઝનવી અટકના સામ્યને કારણે, ભારત પર હૂમલો કરનાર મુહમ્મદ ગઝની સાથે જોડાય છે, પણ બી.આર.ચોપરાની ફિલ્મ 'નિકાહ'માં 'ફઝા ભી હૈ રવાં રવાં' અને 'દીલ કે અરમાં આંસુઓં મેં બહે ગયે' ગાનાર સલમા આગાના એ નાનાજી થાય (મધરના ફાધર). એ જ રીતે, મોસાળ પક્ષે સલમા જુગલકિશોર શર્માની દોહિત્રી પણ થાય. આ જુગલકિશોર રાજ, શમ્મી અને શશી કપુરનો ફર્સ્ટ કઝિન થાય, પણ ઇસ્લામ અંગીકાર કરી લીધા પછી નામ એહમદ સલમાન રાખ્યું હતું. (હવે રાજ-શમ્મીની જેમ સલમા આગાની માંજરી આંખોનો રાઝ ખૂલ્યો...? આ વીણા ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં અશોક કુમારની પ્રેમિકા બને છે.

ફિલ્મના ગીતો મધુરા છે, ખાસ કરીને રફીક ગઝનવીનો બૅઝ-વૉઇસવાળો કંઠ મીઠો લાગે છે. અમીરબાઈ કર્ણાટકીના ગીતો ઓળખાય એવા છે, પણ અન્ય ગાયિકાઓ મીના, મેનકા અને શીલા કોણ છે, તેની માહિતી નથી. મીના એટલે મીના શોરી હોવાની શક્યતા ઓછી છે, કારણ કે, એને ગાતા આવડતું નહોતું. પોતાના અધધધ રૂપને સહારે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રૂપ કે. શોરી સાથે પરણીને ચારે બાજુથી નવડાવીને મીના પાકિસ્તાન ભાગી ગઈ. એના જન્મનું નામ 'ખુરશિદ જહાન' હતું. (જન્મ તા. ૭ નવેમ્બર, ૧૯૨૧-મૃત્યુ તા. ૭ ફેબ્રૂઆરી, ૧૯૮૯ પાકિસ્તાન) રાવલપિંડી-પાકિસ્તાનમાં જન્મેલી આ ખૂબસૂરત અભિનેત્રીને ખાસ તો તમે ફિલ્મ 'એક થી લડકી'ના મુલ્કમશહૂર ગીત 'લારાલપ્પા લારાલપ્પા લાઇ રખ્ખ દા...'ને કારણે ઓળખો છો, પણ બીજા ચાર-પાંચ જણા ય એને બહુ સારી રીતે ઓળખી ગયા હતા, જેમાંનો એક તો આ રૂપ કે.શોરી, પણ બીજો આ જ ફિલ્મમાં એનો પ્રેમી અને રાજાભોજ બનતો અલ નાસિર એનો હસબન્ડ થાય. ઝહૂર રાજા પણ હિંદી/પાકિસ્તાની ફિલ્મોનો અભિનેતા હતો, એને ય મીનાએ પરણવાનો એક ચાન્સ આપ્યો. રઝા મિર બાકી રહી ન જાય, માટે એની સાથે ય મીનાએ પરણી બતાવ્યું. પાછલી ઉંમરે ફરી પરણવાનો ચાન્સ મળે ન મળે, માટે મીનાએ અસદ બુખારી સાથે ય નિકાહ પઢ્યા.

મીના પાકિસ્તાનમાં ભીખ માંગતી મરી ગઈ, ત્યારે એના પાંચમાંથી એકે ય પતિ કાંધો દેવા આવ્યા નહોતા... કહે છે કે, એ લોકો એ વખતે પોતાના બીજા લગ્નમાં બિઝી હતા...!

યસ. બાય ઑલ મીન્સ, 'પૃથ્વીવલ્લભ' જોવાની હું ભલામણ કરૂં છું. બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મ હોવા છતાં સહેજે અંધારી નથી. સોહરાબ મોદીનો (એમની જોકર જેવી મૂછોને બાદ કરતા) અભિનય તગડો છે. ગાલમાં ડિમ્પલ પાડતી હીરોઇન દુર્ગા ખોટેને તમે ફિલ્મ 'આનંદ'માં અમિતાભ બચ્ચનની પ્રેમિકા સુમિતા સાન્યાલની (સાચું નામ, 'મંજૂલા સાન્યાલ'... એની પહેલી બાંગ્લા ફિલ્મમાં એનું નામ દિગ્દર્શકે 'સુચોરિતા'નું ટુંકાવીને 'સુમિતા' કરી દીધું હતું.) વિધવા મા તરીકે જોઈ છે.

01/03/2013

જ્વાલા

મધુબાલાની આખરી અને એકમાત્ર રંગીન ફિલ્મ

ગીતો
૧...થામ લો કલેજા સબ અપના, રાહી આયા હૈ ઝૂમતા....મૂકેશ
૨...મેરા જ્વાલા નામ, જીયા જલાના કામ....લતા મંગેશકર
૩...હોલે હોલે એક ભી ન ઘુંઘરૂં બોલે......ગીતા દત્ત-લતા-સુધા મલહોત્રા
૪...આહા લે ગઈ ઓ જીયા લે ગઈ છબિ સુંદર.....લતા મંગેશકર
૫...દુનિયા કી કિતાબોં સે એક દિન, મુશ્કિલ કા નામ મીટ જાયેગા.... મુહમ્મદ રફી
૬...આજા રે આજા રે મોરે સજન આ...... લતા-મન્ના ડે
૭...જગી રાતભર તેરી યાદ મેં બલમ.....લતા મંગેશકર
૮...દેખોજી આંખો મેં દેખો, આંખે હમારી....લતા મંગેશકર
ગીત નં. ૪ અને ૫ શૈલેન્દ્રભાઈના લખેલા છે, બાકીના રાજિન્દર કિશન હસરત કેમ ગૈરહાજર છે, તેનું રહસ્ય સમજાતું નથી. 


ફિલ્મ : 'જ્વાલા' ('૭૧)
નિર્માતા-દિગ્દર્શક : એમ.વી. રમણ
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૭-રિલ્સ
કલાકારો : મધુબાલા, સુનિલદત્ત, સોહરાબ મોદી, આશા પારેખ, પ્રાણ, ઉલ્હાસ, કમ્મો ત્રિપાઠી, ડૅવિડ, જાગીરદાર, રાજ મહેરા, કમલા લક્ષ્મણ, વિજયા લક્ષ્મી, મુકરી, કેસરી, ચમનપુરી, લલિતા પવાર, શિવરાજ.

એક ફિલ્મને કેટલી હદે ફાલતુ બનાવી શકાય, એ જોવું હોય તો (જો કે, એવું શું કામ જોવું હોય ?) મધુબાલા-સુનિલ દત્તની ફિલ્મ ''જ્વાલા'' જુઓ. ફિલમ તો ફિલમ, એનું સંગીત, એની વાર્તા-સંવાદો કે, એનું કાંઈ પણ તમને અકળાવી નાંખનારૂં બન્યું હોય તો ફિલ્મ પૂરી કરતા કેટલો માનસિક ત્રાસ વેઠવો પડયો હશે, (ફિલ્મ બનાવનારાઓને નહિ, આપણને જોનારાઓને !) એ તો આ લેખ લખનાર જ જાણે ! સુનિલ દત્ત મને ગમતો, એટલે એક ગૂન્હો ઓછો થયો. શંકર-જયકિશનનું મારાથી મોટું ચાહક બીજું કોઈ ન હોય, એવું આ દેશમાં મારી જેમ બીજા એક કરોડ લોકો માને છે, એમના ય તદ્દન વાહિયાત સંગીત છતાં લતા મંગેશકરનું ખાસ તો ઢોલકનવાઝ દત્તારામના ઠેકા ઉપર સરસ મઝાની લયમાં ગવાયેલું ''દેખોજી, આંખો મેં દેખો, આંખે હમારી, સપને તુમ્હારે...'' સાંભળીને હૃદયની ૨૦-ટકા જવાળાઓ હોલવઈ જાય, એ બીજો ગૂન્હો માફ...! જેમણે ફિલ્મ ''દસ્તક'' જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી, તે રાજીન્દરસિંઘ બેદીએ આ ફિલ્મના સંવાદો લખ્યા છે, એમાં આપણો ઉશ્કેરાટ વધી જાય કે, તમે ફિલ્મી લેખકની છાપ લઈને નથી આવ્યા, સાહિત્યકાર છો તો કમ-સે-કમ, એકાદ ચમત્કૃતિ તો સાહિત્યિક બતાવો ! એક એક સંવાદ કચરાપેટીનો માલ છે. સ્ટારકાસ્ટ વાંચીને પહેલે જ ઘાએ પ્રેક્ષકોને ફિલ્મ જોવા જવાનું મન થાય પણ પછીનો ક્યો ગૂન્હો માફીને કાબિલ ગણવો ?

આ રાજીન્દરસિંઘ બેદીનો એક કિસ્સો મશહૂર છે : દારૂ પી પીને બહુ વહેલા મરી ગયેલા તેમના પુત્ર સ્વ. નરેન્દ્ર બેદી સાથે તેઓ હાઈ-વે પરના કોક નાનકડા ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. ડ્રાઈવિંગ પિતા કરતા હતા, એટલે સ્વાભાવિક છે સ્પીડ માંડ ૩૦-૪૦ કી.મી.ની હોય ! અચાનક એક સાવ નાનકડા ગામમાંથી પસાર થતાં એક નાનું બાળક સહેજમાં બેદીની ગાડી નીચે આવતા રહી ગયું. બાળક બચી ગયું. ફાધર-એ-આઝમ કટાક્ષમાં હસી પડયા, (ને જુવાન લોહીઓ તો મગજ હોય કે ગાડી, કેટલી સ્પીડમાં ચલાવતા હોય એ તમે જાણો છો !) અને બોલ્યા, ''જોયું બેટા... મારી જગ્યાએ તું ગાડી ચલાવતો હોય, તો બાળક કચડાઈ ગયું હોત !...'' પુત્ર નરેન્દ્ર આ વખતે નશામાં નહતો. એણે સામો જવાબ આપ્યો, ''ડૅડ... ગાડી હું ચલાવતો હોત, તો બાળકના રસ્તો ક્રોસ કરવાના કલાક પહેલા આપણે અહીંથી નીકળી ચુક્યા હોત !''

ફિલ્મના મદ્રાસી નિર્માતા-દિગ્દર્શક એમ.વી. રમણનું ભલે તમે બહુ નામ ન સાંભળ્યું હોય, પણ જૂની ફિલ્મો 'આશા', 'ચંદન', 'પાયલ કી ઝંકાર', 'લડકી', 'પહેલી ઝલક', 'ભાઈભાઈ', (બધાનો હીરો કિશોર કુમાર) અને પોતાની સુપુત્રી વૈજ્યંતિમાલાને પહેલીવાર હિંદી ફિલ્મોમાં લાવવા માટે ઉતારેલી ફિલ્મ ''બહાર'' (''સૈંયા દિલ મેં આના રે, આ કે ફિર ન જાના રે...'') આ એમ.વી. રમણે ઉતારી હતી... ઍન્ડ સૉરી માય બૉય... આમાંની એક પણ ફિલ્મ તમને ગમી હોય તો પરમેશ્વર તમારી રક્ષા કરે !

યસ. એક હિમ્મત રમણભ'ઈએ બેશક કરી હતી. આમ તો, મધુબાલાની નિર્લજ્જ માંદગીને કારણે ફિલ્મ ઠેલાતી ગઈ અને ઠેઠ ૧૯૭૧-માં રીલિઝ થઈ. જે રીતે આશા પારેખનો રોલ આ ફિલ્મમાં હીરોઈનની ચમચીનો છે અને તે પણ ભાગ્યે જ કોઈ બે-ત્રણ દ્રષ્ય માટે, તે જોતા આશા પારેખ તો શમ્મી કપૂર સાથે ૧૯૫૯-માં પહેલીવાર આવી હતી, એ જોતા મધુબાલાની આ ફિલ્મ શરૂ તો એ પહેલાની થઈ ગઈ હોવી જોઈએ, નહિ તો આશા શું કામ આવો રદ્દીના પેટનો રોલ કરે ? મધુ જન્મી ત્યારથી જ તેના હૃદયમાં કાણું હતું-કદી ન પૂરાય તેવું અને તે પણ જન્મ પછીની કોઈપણ ક્ષણે તેનો જાન લઈ શકે તેવું ખૌફનાક કાણું હતું. આટલું જીવી ગઈ, એ અલ્લાહની મેહરબાની. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં ફક્ત બે-ચાર રીલ્સ જ રંગીન હતા, બાકી આખી ફિલ્મ બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ. એ જોતા ''જ્વાલા'' મધુબાલાની પહેલી અને છેલ્લી કલર ફિલ્મ 'જ્વાલા' હતી. (ફિલ્મ બનાવનારાઓમાં એકે ય માણસ ચાર ચોપડી ભણ્યો નહિ હોય, કારણ કે લતાના ગીત, ''મેરા જ્વાલા નામ...''માં ઉચ્ચાર ''જ-વાલા'' કરે છે. ફિલ્મના ટાઈટલ્સ ઉપરાંત આવું જ-વાલા અનેક વખત બોલાતું રહ્યું છે. આ જ બિમારીને કારણે (પ્રેક્ષકો ય પકડી પાડી શકે, એટલી) જગ્યાઓએ મધુને બદલે એની ડુપ્લિકેટ લેવી પડી છે. એવું જ કામકાજ ફાઈટમાસ્ટર શેટ્ટીનું હોય. શેટ્ટીને બધાએ જોયો છે. કાળો ડીબાંગ, ઊંચો-પહોળો, દર ત્રીજી સેંકડે આંખોના મોટા ડોળા કાઢતો અને એને એ કલાસિક ઍક્ટિંગ પણ ગણતો હશે...! જો કે, આવા ડોળા કાઢવાની સિધ્ધિ સુધી ય આ તમારા ભારત ભૂષણ કે પ્રદીપ કુમારો પહોંચી શક્યા નહોતા. ગળામાંથી અવાજ કાઢવો હોય ને જેટલા હોઠ ફફડે, એટલી જ ઍક્ટિંગ ! હંમેશની જેમ દરેક ફિલ્મમાં શેટ્ટીના ફાઈટ-કમ્પોઝીશનમાં કોઈ તલવારબાજી કરતા તો ગુજરાતના દાંડીયા-રાસમાં લોકોને દાંડીયા વધારે વાગતા હશે ! (ફિલ્મોમાં ફાઈટ-માસ્ટર અલગ હોય છે. હીરોએ મુક્કો કેવી રીતે મારવો અને ખાધા પછી વિલને ગોથમડું ખાઈને કેવી રીતે પડી જવું તે, બધું ઍક્શન સાથે ફાઈટ-માસ્ટર શીખવાડતા હોય છે !)

સોહરાબ મોદી ઍક્ટર તરીકે ફિલ્મમાં હોય, એટલે ઉત્તરપ્રદેશના ભૈયાઓ જેવું કરવા માંડે ! આ ભૈયાઓને જગતભરનું કોઈપણ ગીત ગાવા આપો, રાગ-બાગ કાંઈ ન બદલાય, એમ સોહરાબ મોદી સામે ફિલ્મની સીચ્યુઍશન કોઈ બી હો... સંવાદો તમામ પૃથ્વીવલ્લભની અદાથી જ બોલવાના. એમાં કોઈ ફેરફાર ન થાય ! ''તુમ્હારા ખૂન ખૂન... ઔર હમારા ખૂન પાની ?'' સોહરાબની એક સમજ તો કોઈને પડે એવી નથી.

એક નવાઈ તો નહિ, પણ આંચકો વિરાટ લાગે છે, શંકર-જયકિશનની આ ફિલ્મમાં બેફામ નિષ્ફળતા જોઈને ! પણ નવાઈ એ વાતની લાગે કે, મૂકેશને આ ફિલ્મમાં કેમ લીધો હશે ? બહુ ઓછાના ધ્યાન પર બેઠું હશે કે, શંકર-જયકિશને એક ફરજીયાત રાજ કપૂરની ફિલ્મોને બાદ કરતા મૂકેશને ભાગ્યે જ લીધો છે. એમાં ય આ ફિલ્મમાં મૂકેશને આપેલું ગીત તો મૂકેશના ડાય-હાર્ડ ચાહકોને ય યાદ રહે એવું નથી. એ તો આપણે મૂકેશ-મૂકેશ કરે રાખીએ, બાકી એક સલિલ ચૌધરીને બાદ કરતા કોઈ સંગીતકારે એને કોઈ ભાવ આપ્યો નથી. ખૂબ લાચારીમાં મૂકેશને કામ માંગવા દરદર ભટકવું પડયું હતું.

મધુબાલા પાસે જ્યારે પણ કોઈ ૨૦-૨૫ સેકંડો છુટ્ટી પડી હોય, ત્યારે અરીસો જોઈને સમયનો સદુપયોગ કરી લેતી. ખોટો સમય વેડફાય નહિ, માટે ! આવી ગંજાવર આદત પૃથ્વીરાજ કપૂરને ય હતી. છોકરાઓ પાછળ ગાડીમાં બેઠા હોય, ત્યારે સ્પીડ ૩૦ કિ.મી.ની રાખવાની જેથી રીયર-મિરરમાં (ગાડીની પાછળ આવતા વાહનોને જોવાનો અરીસો) પોતાનો ચેહરો અવારનવાર જોઈ શકાય. શશી કપૂર બૂમો પાડે રાખે, ''પાપાજી, ગાડી ફાસ્ટ ચલાઈએ, ના...!''

વારંવાર પોતાનો ચેહરો જો જો કરનારને ઈંગ્લિશમાં Narcissist   'નાર્સિસિસ્ટ' કહેવાય છે. પોતે બહુ ખૂબસુરત છે, એવી બાતમી મળી ગયા પછી અનેક લોકોને 'નાર્સિસિસ્ટ' બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. મધુબાલાને તો ગામ આખું, ''બહુ રૂપાળી... બહુ રૂપાળી...'' કહેતું હતું ને એને એનો મજો ય પડે રાખતો હતો. સવાલ એ ઊભો થાય કે, એ કેટલી હદે સૅક્સી પણ લાગતી હશે કે, દિલીપ કુમાર જેવો દિલીપ કુમાર... એ જાણવા છતાં કે, બહેન ઘાટ ઘાટના પાણી પી અને પિવડાવીને આવ્યા છે... કુરિયરમાં છોડાવેલો માલ સાવ કોરોધાકોડ નથી, છતાં દિલીપ એવો તે કેવો આસક્ત થઈ ગયો હશે કે, નિકાહ (લગ્ન) ફક્ત મધુબાલા સાથે જ કરવાની હઠ પકડી બેઠો હતો ? ભારત ભૂષણ, પ્રદીપ કુમાર કે પ્રેમનાથ સાથે ખુલ્લેઆમ ઈશ્કેમીજાજી કરનાર મધુબાલા સિવાય દેશની હજારો સુંદર સ્ત્રીઓ દિલીપ પર કુરબાન હતી જ. વળી, જેમાં શક્તિ કપૂર ઝડપાઈ ગયો - ફિલ્મમાં કામ અપાવવાને બહાને છોકરીઓ ઉપર શારીરિક બળજબરી કરવાના સાહસો સાથે કૅમેરાના સ્ટિંગ-ઑપરેશનમાં ઝડપાઈ ગયો એ - કામ માટે તો દિલીપ કુમાર વર્ષોથી બદનામ થઈ ચૂક્યો હતો. સુરૈયાના મામુએ તો દિલીપને સ્ટુડિયોમાં જઈને મારવા લીધો હતો અને અન્ય હીરોઈનો પણ ફરિયાદ કરી ચૂકી છે, એવું હું નથી કહેતો... 'મધુબાલા' ઉપર એક આખું પુસ્તક લખનાર ખૂબ જાણિતા પત્રકાર મોહનદીપે લખ્યું છે. દિલીપને ખુશ કરવા 'મુગલ-એ-આઝમ'ના દિગ્દર્શક કે.આસિફે ખાસ સુરૈયાને લઈને ફિલ્મ 'જાનવર' બનાવી અને આ કૉલમમાં અગાઉ લખાઈ ચૂક્યું છે તેમ, સુરૈયાના મોંઢા ઉપર સાપ કરડે છે, જેનું ઝેર ચૂસી લેવાના બહાને દિલીપ સુરૈયાનો ચેહરો ચૂસતો રહે છે, એ એકનું એક દ્રષ્ય સતત ત્રણ દિવસ સુધી ચાલ્યું ('શૉટ ખોટો લેવાઈ ગયો', એ બહાના હેઠળ!) સુરીને ખબર પડી એટલે ઘેર જઈને એના મામાને કહી દીધું, પછી મામા દિલીપને સ્ટુડિયોમાં મારવા આવ્યા.

બીજી બાજુ, ફિલ્મ 'નયા દૌર'માં હીરોઈન મધુબાલા હતી. મુંબઈમાં ને મુંબઈમાં શૂટિંગ થાય તો મધુનો બાપ અતાઉલ્લાહ ખાન હાજરાહજૂર હોય ને એ જાણતો હતો કે, નિકાહની લાલચ આપીને દિલીપ મધુને બેવકૂફ બનાવતો રહ્યો છે, એટલે એણે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક બી.આર. ચોપરાને આઉટડૉર શૂટિંગમાં (મુંબઈની બહાર) મોકલવાની ના પાડી. એ સમયની ફિલ્મોમાં તમામ નિર્માતાઓએ દિલીપના આવા દલાલનું કામ કરવું પડતું (લેખક : મોહનદીપ) ચોપરાનો ય છુટકો નહતો. એણે અતાઉલ્લાહ ખાનને ખૂબ મનાવી જોયા, જેને ''ચલ હટ્ટ...'' કહીને ખાન હડસેલી દેતો. મધુને મુંબઈ બહાર લઈ જવાનો પ્લોટ ભલે દિલીપ કુમારનો નહિ હોય, પણ ખાન દિલીપને ભારોભાર નફરત કરતો હતો.

છેવટે ચોપરાએ મધુબાલાને 'નયા દૌર'માંથી કાઢી મૂકીને વૈજ્યંતિમાલાને લીધી. ઈંગ્લિશ ફિલ્મી છાપા 'સ્ક્રીન'માં મોટી જાહેરખબર પણ આપી. ચોપરાએ જા.ખ. પણ અનોખી આપી હતી. પોતાની હાલમાં બની રહેલી બધી ફિલ્મોનું લિસ્ટ મોટા અક્ષરે છાપ્યા પછી ફિલ્મ 'નયા દૌર'માંથી મધુબાલા કૅન્સલ છે, એટલું બતાવવા મધુના નામ પર મોટી ચોકડી ચિતરાવી. જવાબમાં મધુએ પણ બીજા સપ્તાહે એવી જ જાહેરખબર છાપી, પોતાની આગામી ફિલ્મોની યાદી લખી, 'નયા દૌર' ઉપર ચોકડી મરાવી હતી. ચોપરાએ (૧૯૫૬) મુંબઈના ગીરગાંવ પોલીસ સ્ટેશનમાં મધુબાલા સામે ફરિયાદ નોંધાવી, કરારમાંથી ફરી જવા ઉપરાંત મધુને ચૂકવાયેલા રૂ. ૩૦,૦૦૦/- પાછા લેવાની. એમ કહેવાય કે, એક 'પ્રેમ આહુજા ખૂન કૅસ' (જેના પરથી સુનિલ દત્તે 'યે રાસ્તે હૈ પ્યાર કે' બનાવી હતી) ને બાદ કરતા મુંબઈની એકે ય અદાલતમાં આટલી ભીડ કદી જોવા મળી નહોતી. આ કૅસમાં દિલીપ કુમારને પ્રત્યક્ષ હાજર રહેવા પડયું, એમાં છાપાઓમાં બે મોટી હૅડલાઈનો બની. એક તો, ન્યાયમૂર્તિ આર.એસ. પારેખે ભરી અદાલતમાં દિલીપને મધુબાલા સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ કરવા પૂછ્યું, જેના જવાબમાં દિલીપે ખુલ્લે આમ કબુલ્યું કે ''હા, હું મધુને પ્રેમ કરૂં છું અને કરતો રહીશ.''

કમનસીબે, મધુબાલા માટે આમાં ખુશ થવા જેવું કાંઈ નહોતું, કારણ કે એ જ દિલીપે એ જ અદાલતમાં મધુબાલાને નહિ, બી.આર. ચોપરાની તરફેણમાં બયાન આપ્યું. સંબંધો તૂટી ગયા ને એવા તૂટેલા સંબંધે આખી 'મુગલ-એ-આઝમ'માં બન્નેએ પ્રેમદ્રષ્યો ભજવ્યા હતા. આમ તો, કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા મધુએ દિલીપની સંમતિ લેવી પડતી (સંબંધો પ્રેમના હતા ત્યારે), પણ મદ્રાસના એમ.વી. રમણની ફિલ્મ 'જ્વાલા' સાઈન કરતી વખતે કોઈને પૂછવું પડયું નહોતું, એનું વધુ સાચું કારણ એ કે, લાઈફમાં પહેલીવાર મધુબાલાને આખી રંગીન ફિલ્મમાં ચમકવા મળતું હતું... અને પોતે બ્લૅક-ઍન્ડ-વ્હાઈટમાં આટલી ખૂબસુરત લાગે છે, તો કલરમાં તો કેવી પરી જેવી લાગશે, ને નાર્સિસિસ્ટ ભાવ પણ ખરો !