Search This Blog

Showing posts with label bicycle. Show all posts
Showing posts with label bicycle. Show all posts

21/06/2018

વાઈફને પણ સાયકલ શીખવો, સજનવા


ઍટ લીસ્ટ, તમને પોતાને ! બાકી તો રસ્તા ઉપરના માણસો એમનું ફોડી લેશે. સ્ટાર્ટિંગથી જ બે પૈડાંવાળી સાયકલ શીખવવા જશો તો, તમારા વાઈફને સાયકલ પર બેઠેલી જોયા પછી આર.ટી.ઓ.વાળા ગામ આખા માટે સાયકલનું ય લાયસન્સ શરૂ કરાવશે. અત્યારે સ્કૂટર-ગાડીની નંબર-પ્લેટો માંડ મળે છે, ત્યાં સાયકલની ક્યાંથી લાવવી ? તમે તમારી વાઈફને શીખવો, એ ભલે હુંશીયારીનું કામ હશે, પણ એમને સાયકલ ચલાવતા અને તમને શીખવાડતા જોઈને બીજી બધી વાઈફો એમના ગોરધનોના લોહીઓ પીશે, 'અમારે શીખવી છે... અમારે શીખવી છે !'

એના સાયકલ શીખવા અંગે પડોસીઓનો વાંધો એ હતો કે, આમ કરવાથી એ લોકોની વાઈફો ય સાયકલ શીખવા માટે જીદો કરશે અને... સાલું, એ બધીઓ તમારી પાસે શીખવા આવે, એ મોટો વાંધો નહિ ? મહિલા સશક્તિકરણના આ વિશ્વમાં મારે સ્ત્રીઓને સાયકલ શીખવાડવાની હોય, એનો હું બહુ વાંધો લઉં એવો નથી. નમ્ર સ્વભાવ... પહેલેથી જ ! પણ આવી જ લોકપ્રિયતા મળવાની હોય તો બેટર છે, 'વીમેન્સ સાયકલ-ડ્રાયવિંગ સ્કૂલ' શરૂ કરી દેવી. જો કે, સાયકલ માટે તો 'રાઇડિંગ' સ્કૂલ હોય... પણ એ તો ઘોડો શીખવાડવા માટે ય એ જ પદ્ધતિ છે. મને પર્સનલી, ઘોડો ચલાવતા આવડતો નથી, ને એ ચલાવવા માટે કાચું લાયસન્સ કઢાવવું પડે કે ચાલે, એની ખબર નથી, પણ એમ તો સાયકલ ચલાવતા ય ક્યાં પૂરી આવડે છે ! અફ કોર્સ, ચલાવતા ભલે ન આવડતી હોય... પણ શીખવાડતા તો આવડે ને ? આપણે તો પાછળથી ફક્ત સીટ પકડી રાખવાની હોય છે. આ પ્રક્રીયામાં મોટો ફાયદો એ થાય છે કે, એક વાર સીટ પકડી રાખ્યા પછી એને રગડતી મૂકી દેવાની. વિશ્વ મોટું છે. ગુરૂ નૌકા શીખવાડે, મંઝિલ ક્યાં મળશે,એ જોવાનું કામ એમનું નથી. આ તો એક વાત થાય છે.

વાઇફને સાયકલ શીખવવા પાછળ મારો એક ફાયદો હતો કે ગાડીની માફક સાયકલને રીવર્સ લેવાની આવતી નથી. કેટલાક કાર-ચિંતકોનું માનવું છે કે, જગતભરની તમામ સ્ત્રીઓ માટે કારનું અડધું એટલે કે ફક્ત આગળનું જ બોડી બનાવવું જોઈએ, જેથી પાછળ અથડાય-કૂટાય તો વાંધો નહિ. દેશમાં કરોડો સ્ત્રીઓ સેલ્ફ-ડ્રાયવિંગ કરે છે, પણ એમાંની મોટા ભાગનીઓને ગાડી રીવર્સમાં લેવાની આવે, એ ઘડીથી ઉપસ્થિત નાગરિકોમાં પરમેશ્વરનું સ્મરણ શરૂ થઈ જાય છે.

ભારતના લોકોને ઈશ્વરની વધુ નજીક લઈ જવામાં કાર ચલાવતી સ્ત્રીઓનો જંગી ફાળો છે. થેન્ક ગૉડ, રીવર્સમાં લેવાય એવી સાયકલો હજી બનતી નથી, ત્યાં સુધી આપણો ટ્રાફિક સલામત છે.

રેલ્વેના સેકન્ડ એ.સી.માં ઉપરના બન્ક ઉપર કેરી ભરેલો કોથળો ચઢાવવાનો હોય એ ઓછો વજનદાર હોય, એવું કૂલી-વિશ્વ માને છે. મારે તો આને સાયકલ પર ચઢાવવાની હતી. કામ કઠિન તો હતું, પણ આમાં આમજનતાની મદદ લેવાય એમ નહોતું. સૌથી અઘરૂં કામ એ હતું કે, સાયકલની આ બાજુથી એને ચઢાવું ને બીજી બાજુથી એ ઉતરી ન જાય... આઈ મીન, ગબડી ન જાય ! એને જમીન પરથી ઉઠાવતા મને આધ્યાત્મિક સવાલ થયો, 'રે માનવી, તારી તાકાત કેટલી ? તું માઉન્ટ એવરેસ્ટ ઉઠાવી શકવાના સપના જુએ છે... પણ આ નાનકડું પોટલું કેમ ઉઠાવી શકતો નથી, રે... ?' સાયકલ એના સ્ટેન્ડ ઉપર ચઢાવીને ઊભી રાખી હતી, છતાં મેં એને પકડી તો રાખી હતી (સાયકલને !). મેં શીખવ્યું કે, ગાડીને રોડ ઉપર લેતા પહેલા તું એમ ને એમ હવામાં બે-ચાર પેડલ મારી જો... અને આ એટલે શીખવું છું કે, પેડલ મારતી વખતે રસ્તા ઉપર સામે જોવાનું... પેડલ મારતી વખતે પગ કેવા લાગે છે, એ બધું અત્યારે નહિ જોવાનું... અત્યારે સેલ્ફીઓ તો નહિ જ ખેંચાવાની... બા ખીજાય !

પહેલો તબક્કો શરૂ થયો ત્યારે ગભરામણ મને હતી, એને નહિ ! એ જાણતી હતી કે, જે કાંઈ ચિંતા કરવાની છે, એ તો સામેથી આવનારાઓને કરવાની છે.

પ્રારંભમાં સાયકલનું કેરિયર પકડી રાખીને બે-ચાર વાર મેં એને રગડતી મૂકી, ત્યાં એણે પહેલો પ્રશ્ન કર્યો, ''નાથ, મારે સીટ-બેલ્ટું પે'રવા નંઈ પડે ? ગાડી હલાવતી વખતે તો પે'રવો પડે છે !'' મેં એને સમજાવી કે, એ તો તું ચલાવીશ એટલે વટેમાર્ગુઓ પહેરશે... તારે કાંઈ જરૂર નથી. અડધા કલાકના કોચિંગમાં માસ્તરે ય કંટાળ્યા અને શિષ્યા પણ ! ''આમાં કાંઈ મજો પડતો નથ્થી, નાથ... તમને ય હરખું સીખવાડતા આવડતું નથ્થી ને મારૂં ધિયાન આગર ને આગર હોય ને તમે બીજી બધીઓને જોયે રાખો છો... એમાં મારૂં ધિયાન બીજે વયું જાય છે... આમ કાંય શાયકલું નો સીખવાય. હઇમ્જ્યા ?''

મેં સહેલો રસ્તો કાઢ્યો. હું ય કાચીપાકી જ જાણતો હતો, છતાં મેં સાયકલના ડાંડા ઉપર એને બેસાડીને ડબલ-સવારીમાં ફેરવી. ફિલ્મ 'પેઇંગ ગેસ્ટ'માં દેવ આનંદ નૂતનને સાયકલના આગળના ડાંડા પર બેસાડે છે, એમ મને પણ થોડી ક્ષણો માટે એને નૂતન બનાવી દેવાનો વિચાર આવ્યો. એ સલાહ સાથે કે, હવેથી તારે જાતે સાયકલ નહિ ચલાવવાની. મને કહેજે, 'તારે જ્યાં જવું હશે, ત્યાં હું તને આમ ડબલ-સવારીમાં લઈ જઇશ...'

''
એમ જ હોય તો મારી શાયકલ માટે એક ડ્રાયવર રાખી લિયો ને... તમારા ટાઇમું નો બગડે ને શોશાયટીમાં મારો માભો પડે કે, 'બહેને તો સાયકલ હાટું ય ડ્રાઇવર રાયખો છે...''

મારો ફફડાટ એટલો કે, એની આ માંગ પૂરી કરૂં તો લોકો તો એમ જ સમજે ને કે, 'બહેને ઘરમાં 'ડ્રાય-વર' રાખ્યો છે... !'

એવું નથી કે, ઘરમાં કાર કે ટુ-વ્હિલર્સ નથી, પણ કલબમાં જતી દરેક ભારતીય નારીને હવે ૧૦-૧૫ લાખની 'ફાલતુ' કાર નથી ગમતી. હવે મર્સીડીઝ કે બીએમડબલ્યૂ પણ કોમન થઈ ગઈ... જ્યાં સુધી હું એને 'ફેરારી' કે 'લેમ્બર્ગિની' લઈ ન આપું, ત્યાં સુધી એ સાયકલ જ ફેરવશે. મારે તો એ જ જોઈતું હોય ને... છતાં એક પ્રેમાળ ગોરધનને છાજે એમ મેં કહ્યું, ''ડાર્લિંગ... મારી ભૂલ થતી ન હોય તો... લાટીવાળા પેલા સુરૂની વાઇફ 'બુગાટી' લઈને આવી હતી...''

'તીઇઇઇ... આપણાથી 'બુગાટી'નો લવાય ?'

'
લવાય... શું કામ ન લવાય... ફક્ત રૃા. ૨૫-કરોડની 'બુગાટી' આવે છે... છેલ્લા ૧૦૦-વર્ષો અને આવનારા બીજા ૫૦-વર્ષો દરમ્યાન આપણા કુટુંબમાં જે કોઈ થઈ ગયું હોય-દાદા, દાદી, મમ્મી-પાપા, આપણા છોકરાઓ... અને એ બધાને આવનારા બાબા-બેબીઓ કોઈ શોપિંગ-મોલના ગેટ પર ઊભા રહીને આખો પરિવાર વેચાવા બેસીએ તો ય આંકડો ૨૫-કરોડ સુધી પહોંચતો નથી. હાલમાં જે રીતે તું રોડ પર આપણી કાર લઈને નીકળે છે, એ જોયા પછી આપણને હાથલારી સસ્તી પડશે. એમાં ય કારની માફક ચાર સવારી બેસાડી શકાય... મારે તો લારીને ધક્કા જ મારવાના !'

આ બધી જફાઓમાં પડવાને બદલે, છેવટે મેં એને વીડિયો-ગેમ પર સાયકલની રેસ શીખવી દીધી... આજ સુધી રમે રાખે છે ! ઘણા ગોરધનો સાયકલ શીખવવામાં પણ બહારના ઓર્ડરો પૂરતું જ ધ્યાન રાખે છે... કોક વાર વાઇફને પણ સાયકલ શીખવવી જોઈએ... સુઉં કિયો છો ?

સિક્સર
કેમ રેઇનકોટ-છત્રી લેવા નીકળ્યા ? આપણે ત્યાં તો તુલસી-ક્યારામાં છાંટીએ, એટલો ય વરસાદ પડતો નથી !

ના. અમે તો શિયાળામાં નહાતી વખતે બાથરૂમમાં પહેરવા રેઇનકોટ-છત્રી લીધા છે!

સજેશનોતો ઘણા આવ્યા હતા કે, વાઈફને સાયકલ શીખવવી હોય તો પહેલા પગરીક્ષા શીખવો. એમાં ત્રણ પૈડાં આવે. બેલેન્સનો પ્રોબ્લેમ નહિ...

13/06/2018

સૅલ્ફી મૂકીને શીખો સાયકલ સજનવા....


દુનિયાભરની વાઇફોને સાયકલ રોડ ઉપર ચલાવવા માટે શીખવી હોય છે, મારી વાઈફને ઘરમાં ઍક્સરસાઇઝ માટે લાવેલી સાયકલ ચલાવતા શીખવી હતી. પડી જવાની બીક અને ઘરના ય બધા સહમત કે કોઇને અથડાવી મારે એના કરતા શીખવાડી દેવી સારી ! શીખવવાનું નેચરલી, મારા ભાગે આવ્યું, પણ એ પહેલા મારે ય શીખવી પડે એમ હતી. રસ્તે ચલાવવાની સાયકલ ઉપર આપણી માસ્ટરી. સ્પીડ પણ પકડું અને ગમે તેવી પતલી ગલીમાંથી કાઢી લઉં, એમાં તો ૩-૪ વાર રસ્તે ચાલતા નિર્દોષ વટેમાર્ગુઓના પગ વચ્ચે ભરાઈ ગયેલી...

મારી આવડત કે ઇરાદા વગર ! પણ ઍક્સરસાઇઝ-બાઇક નહિ શીખવાનું એક માત્ર કારણ સીધેસીધું સામે જોઇને, માણસ ગાંડો થઇ ગયો હોય એમ મંઝીલ વગર બેવકૂફીપૂર્વક ચલાવે જવાનું. બુધ્ધિનો કોઇ ઉપયોગ નહિ. રસ્તે જતા આપણે કંઇ જોવું હોય એ ય જોવાય નહિ. ટુંકમાં સફરની કોઇ મંઝિલ નહિ ને સુહાના દ્રષ્યો નહિ.

લેવાદેવા વગરના પૅડલો મારે જવાના અને ભીંત પર લટકતો ક્રોધિત સ્વ. દાદાજીનો ફોટો જોયે રાખવાનો...! આવી કસરતી-સાયકલમાં શું લાટા લેવાના ? આ તો એક વાત થાય છે.પણ રોડ પર ચલાવવાની સાયકલમાં પ્રોબ્લેમ શું હોય છે કે, આપણે ચલાવતા હોઇએ ને પાછળથી સાયકલને પકડી રાખનારૂં કોઇ હોતું નથી. 'હોવું પણ ન જોઇએ,' એ નિશ્ચય મેં વાઇફને સાયકલ શીખવવાના સંદર્ભમાં લીધો હતો.

આપણું કામ, એ સીટ પર બેસી જાય ને રગડતી થાય, ત્યારે બે-ત્રણ ડગલાં સાયકલ સાથે દોડવા પૂરતું હોય.... સાયકલની પાછળ પાછળ કાગળીયું ઘસડાતું જાય, એ સારૂં લાગે, એનો ગોરધન ઘસડાય એ નહિ ! ઘેર બેઠા કસરત માટેની બાઇકનો ફાયદો એટલો કે, એ એકલી બેઠી બેઠી પૅડલો મારે રાખે ને આપણે છાપું વાંચતા રહીએ. એ વાત જુદી છે કે, રસ્તાના ટ્રાઇકને જોતી હોય, એનાથી ઇન્સ્પાયર થઇને ઍક્સરસાઇઝ-બાઇક પર બેઠી બેઠી ય હાથ બતાવીને સાઇડ આપે !

રૂ. ૨૫-હજારની બાઇક પાછળ એને માટેના ખાસ સ્પૉર્ટ્સ-શૂઝ, ટ્રૅક-પૅન્ટ, રિસ્ટ-બૅન્ડ, કૅલરી માપવાની વૉચ (ઘડીયાળ) અને એનાથી ય આજકાલ મોંઘા પડતા લિંબુના જ્યુસના ખર્ચા...! ખાસ તો, એ સાયકલ ચલાવતી હોય ત્યારે કેવી લાગે છે, એ જોવા માટે ફૂલ-સાઇઝનો અરીસો નંખાવવામાં આવ્યો. એ ઘરમાં સાયકલ ચલાવતી હોય ત્યારે ઘણીવાર નીચેના ફ્લૅટવાળા બૂમો પાડતા આવે કે, 'તમારા ઘરમાં કોઇ મોટું કબાટ-બબાટ હેઠું પડયું લાગે છે... નીચે મોટા ધમાકા સંભળાય છે !'
....
ને તો ય, મોટું મન રાખીને આ બધું અમે સહુએ ચલાવી લીધું, પણ વાઇફ કોકવાર તાનમાં આવી જાય તો સ્પીડ વધી જાય અને બૅલેન્સ રહે નહિ, એમાં ભમ્મ... થઇ જાય....

કોઇકે સૂચન કર્યું, 'ભાભીને બૅલેન્સનો પ્રોબ્લેમ રહેતો હોય તો સાયકલને બદલે પગરીક્ષા શીખવો... એમાં પડી નહિ જવાય !... થોડા ઘણા પૈસા ય કમાવાશે... સાઇડમાં થોડી ઇન્કમ થશે. છેવટે, લાખ દુઃખોં કી એક દવા....એને રસ્તે ચલાવવાની સાયકલ જ શીખવવાનું અમે નક્કી કર્યું. ઘરમાંથી કોઇકે સૂચન કર્યું કે, 'ભાભીને સાયકલ શીખવી હોય તો આપણે નારણપુરા છોડીને કોઇ નજીકના વસ્તી વિનાના ગામે રહેવા જતા રહીએ. કોઇ મરે તો નહિ. આપણા ઍરીયામાં રોજેરોજની મારામારીઓ ના પોસાય !

એક નવી સાયકલ ખરીદવામાં આવી. ખરીદી હશે એને ખબર હશે કે, જે કિંમત ઉપર પહેલા ગાડી (કાર) મળતી હતી, એટલા ભાવે આજે સાયકલ મળે છે. મારી ઉંમરના તો દરેક યુવાનોએ આપણા જમાનામાં ભરપુર સાયકલ ચલાવી છે. ગાડી તો દૂરની વાત છે, સ્કૂટરો બહુ ઓછા પાસે હતા. સાયકલ ઉપર ડબલ-સવારીની મઝા, ટયુબમાં હવા ભરાવવાની યાદો, બહુ ઘંટડી વગાડવાની આવે તો જમણા હાથનો અંગૂઠો દુઃખી જાય, પાછળ કૅરિયર ઉપર સામાનને બદલે યારદોસ્તોને બેસાડવાની થ્રિલ....પણ બહુ ઓછાને યાદ રહ્યું હશે કે, સાયકલના ગવર્નરની આગળ ઘાસલેટનો રીતસર દીવો સળગાવવો પડતો. પાવર-સૅલ (બૅટરી) કે ડાયનૅમો તો બહુ પછી આવ્યા, પણ પોલીસની ભાષામાં એ 'લાઇટ' વગરની સાયકલ ચલાવવી ગૂન્હો ગણાતો.

આગળના ડાંડા ઉપર કોઇ ગર્લ-ફ્રૅન્ડને બેસાડવી તો બહુ દૂરની વાત હતી, દોસ્તને બેસાડયો હોય એ ય પોલીસથી ન ખમાય ને ચાર-પાંચ રૂપીયાનો આકરો દંડ થતો. એ જમાનાની અનેક ફિલ્મોમાં હીરો-હીરોઇન પોતપોતાની સાયકલો જાહેર રસ્તા ઉપર અથડાવે પછી પ્રેમ થતો. કોઇ અમદાવાદીએ પોતાની સાયકલને સાયકલ કીધી નથી, 'ગાડી' કહે. '...ગાડી પાર્ક કરીને આવું છું...!' મજાની વાત એ હતી કે, પુરૂષોને સાયકલ પર બેસવા માટે આખો જમણો પગ ફંગોળી, પાછળ લઇ જઇને બીજી બાજુના પૅડલ પર સૅટ કરવો પડતો. સ્ત્રીઓ મોટા ભાગે સાડીઓ પહેરતી એટલે એમને આવી છલાંગ મારીને બેસવું ફાવે નહિ.

આગળ તો સીટથી ગવર્નર સુધીનો ડાંડો હોય ! કેવી રીતે બેસે ? માટે એ જમાનામાં સ્ત્રીઓ માટે ખાસ 'લૅડીઝ સાયકલો' બનતી, જેમાં આગળ ડંડો ન હોય અને પૅડલ પર એક પગ મૂકીને બીજો સીધો બીજા પૅડલ પર લઇ જઇ શક્તો.

આને-અમારાવાળીને આવા સ્વાવલંબી રાજ્યાભિષેકની તો ચિંતા નહોતી. એ બધું મારે કરાવી આપવાનું હતું. ગોર મહારાજ મૅક્સિમમ પરણાવી આપે...! ફ્લૅટની બહાર સાયકલ પકડીને એક બાજુ હું ઊભો રહ્યો. એ ફૂલ યુનિફૉર્મમાં આવી. સફેદ ટી-શર્ટ, ટાઇટ પૅન્ટ, સફેદ સ્પૉર્ટ્સ-શૂઝ, અને હાથમાં સૅલફોન. સાયકલ શીખતા પહેલાનો સૅલ્ફી લેવો અગત્યનો હતો, કારણ કે ફૅસબૂક પર મૂકવો પડે. એનો સૅલ્ફી લેવાનું મને ન કીધું, એટલો એનો આભાર, પણ બીજા ૨૯-સૅલ્ફી સાયકલ પર બેઠા પછીના લેવાયા, જેમાં હું ન દેખાઉં, એનું ધ્યાન રાખવાનું હતું, નહિ તો 'ઍફબી'માં બધાને ખબર પડી જાય કે, કોકે આને સાયકલ શીખવી છે. મારો ફોટો ન આવે, એનું ધ્યાન મેં વધારે રાખ્યું હતું... કાલ ઉઠીને પ્રજા તો વાતો કરવાની જ છે કે, કયા ડોબાએ આને આવી સાયકલ શીખવાડી હતી
 !
''
નાથ...સવથી પેલ્લા સુઉં કરવાનું હોય છે ?'' (આમ કોક સાંભળતું હોય તો એ મને 'નાથ' કે 'સ્વામીનાથ' કહીને બોલાવે છે... બાકી 'નાથુ' !)

''
પહેલા તો---'' ''હું એમ કે'તી'તી કે... આંઇ બા'ર શાયકલ શીખતા થાકોડા લાગે તો કૉમ્પ્યૂટર ઉપર શાયકલું હલાવતા નો શીખાય ? ઇ મને વધારે શેલું પડે...કમ્પ્યૂટર પર શાયકલું હલાવવાની ઓલી વિડીયો ગૅઇમું નથ્થી હોતી...?'' એના સાયકલ પર આરૂઢ થતા પહેલા મેં લગભગ બૉંતેર સવાલોના જવાબો આપ્યા હશે...!
(
વધુ આવતા અંકે)

સિક્સર
- આ અહીં ભાડુતી ઘોડાઓ કેમ પાર્ક કર્યા છે ?
- ચાલનારાઓ માટે ઘોડાઓ અમદાવાદનો સી.જી. રોડ પાર્ક કરી આપે છે.

26/08/2015

સાયકલના એ દિવસો....

દેવ આનંદ ફિલ્મ 'પેઈંગ ગેસ્ટ'માં નૂતનને સાયકલના ડાંડા ઉપર (ડબલ સવારી) બેસાડીને ગીત ગાય છે, 'માના જનાબને પુકારા નહિ' અમે નાનપણમાં એ ગીત દેવ-નૂતનની ડબલ સવારીમાં જોયેલું. એ પણ યાદ છે કે, દેવ જેની સાયકલ લઇને ભાગે છે. એ બે જણ પૈકીનો એક પતલો દિગ્દર્શક સુબોધ મુકર્જી હતો. એ દ્રશ્ય એ વખતના ભારતના માહિતી-પ્રસારણ મંત્રી શ્રી.કેસકરને અત્યંત બિભત્સ લાગ્યું હોવાથી આખું ગીત ફિલ્મમાંથી કાઢી નાંખ્યું હતું. દિગ્દર્શક વિજય આનંદ (ગોલ્ડી)એ બુધ્ધિ વાપરીને એનું એ જ ગીત પણ સાયકલ બે-કરીને નવેસરથી શૂટ કર્યું હતું. અત્યારે તમે એ ગીત જુઓ તો બન્નેને અલગ અલગ સાયકલો આપવામાં આવી છે.

બહુ નાનકડી ઉંમરમાં આ ગીત જોયું. એમાં દેવ આનંદ અને સાયકલ-બન્ને યાદ રહી ગયા હતા, ફક્ત આગળ બેસે, એવી નૂતન લાવવાની બાકી હતી. (એ વાત જુદી છે કે, એ જમાનામાં સાયકલ તો ભાડે મળતી! ...આ તો એક વાત થાય છે.) પણ પહેલી વાર પ્રેમમાં પડયો (બન્ને તરફી), ત્યારે પેલીને કેમ્પના હનુમાન દર્શન કરવા સાયકલ પર બેસાડીને લઈ જવાની મેં હઠ પકડી હતી. એને બે વાતો સમજાતી નહોતી કે, 'પ્રેમમાં મેક્સિમમ શ્રીકૃષ્ણના દર્શને જવાય... હનુમાનજી ક્યાંથી આવ્યા? અને એની બીજી મૂંઝવણ એ હતી કે, આ મને સાયકલના કેરિયર ઉપર બેસાડવાને બદલે આગળના ડાંડા ઉપર કેમ બેસાડવા માંગે છે?' એ ભોળીને ક્યાં ખબર હતી કે, 'બેન, તું નૂતન હોય કે નિરૂપા રૉય... સાયકલ ચલાવનારો તો દેવ આનંદ છે!'

દેવ આનંદ ગાંડો નહોતો થઈ ગયો કે, બીજી વખત સાયકલ લઈને ફિલ્મ 'તેરે મેરે સપને'માં નૂતનને બદલે મુમતાઝને બેસાડીને ગાય છે, ''હે મૈંને કસમ લીઈઈઈ... હે તૂને કસમ લીઈઈઈ'' યાદ રાખો દોસ્તો, દેવની સાયકલ ઉપર આગળ બેઠેલું પાત્ર બદલાયું હતું, સાયકલ નહિ! દેવે પાછી 'સ્પેર'માં એક તઇણ પૈડાંવાળી ત્રીજી સાયકલ (હેમા માલિની) રાખી હતી 'જાગો ગ્રાહક જાગો...'

કબુલ કરું છું કે, હજી એટલી ચલાવતા નહોતી આવડતી કે, આવી ડબલ-સવારી કરવી હોય તો પહેલા આપણે બેસી જવાનું કે એને બેસાડવાની, એની ખબર પડે! પણ મારા સંસ્કારોએ શીખવ્યું હતું કે, પહેલું માન હંમેશા સ્ત્રીને (અથવા સ્ત્રીઓને) આપવું. એટલે સૌજન્યપૂર્વક મેં કહ્યું, 'બહેન, પહેલા તમે બેસી જાઓ.' (પહેલા ગોળીબાર વખતે તો પ્રારંભ 'બહેન'થી જ કરવો પડે... ભારતભરમાં એમ જ થાય છે. આ કોઈ મારી એકલાની શોધ નથી. આપણે એટલું ધ્યાન રાખ્યું કે, બદલામાં એણે મને ''સારું, ભાઈ...'' નથી કીધું ને?

વૈષ્ણોદેવીનો ગઢ ચઢવાનો હોય, એમ એ મને કહે, ''ઘોઑડાવાળો નંઇ આવે?'' હું ચમક્યો. શહેરભરના ઘોડાગાડીઓવાળાઓને હું ઓળખતો હતો, પણ મારાથી વધુ હેન્ડસમ એકેય નહોતો. તો આ નવો ક્યાંથી આવ્યો? પણ એણે તરત ખુલાસો કર્યો, ''એવું કાંય નથ્થી. શાયકલ જરી ઊંચી છે ને તે મેં 'કૂ... બાજુમાં ઘોઑડો ઊભો રાઇખા પછી શાયકલ પર ઠેકડો મારી દઉં.'' (સૌરાષ્ટ્રબાજુ સીધેસીધો 'ઘોડો' બોલવાને બદલે એ લોકો વચમાં એક 'ઑ' ઉમેરે છે.)

પ્રેમોમાં પહેલો ચાન્સ કદી ઘોડાને ન દેવાય... આપણે લેવો પડે, એટલે મેં કીધું, ''સિલુ... હું તમને તમારી કમરેથી પકડીને ઊંચી કરીને સાયકલના ડાંડા ઉપર બેસાડી દઉં..? સાયકલ પર તમારો રાજ્યાભિષેક થઈ જાય, પછી હું સીટ પર બેસીશ.'' હજી એને 'આપ' કે 'તમને' સંબોધનને બદલે તુંકારાથી બોલાવવાની વાર હતી... આવામાં ઉતાવળો ન કરાય... છતાં 'બહેન' છેકી નાંખીને એને 'સિલુ' કહીને બોલાવી. ગ્રામરની દ્રષ્ટીએ આમ તો મારે શિલ્પાનું 'શીલું' કરવું જોઈએ, પણ એના I.Q. અને એના જનરલ નૉલેજ મુજબ Seilla શબ્દનું ટુંકુ નામ 'સિલુ' વધારે ફિટ બેસે... ને એને એમ થાય કે, 'આ લે લ્લે... વાલમો તો મને ઇંગ્લિસ નામથી બોલાવે છે.'

રોમાન્સમાં પહેલી ભૂલ તો બધાને થાય વળી. મને એટલી તો ખબર કે સાયકલ ચલાવતી વખતે પગના પેંડલ આગળની તરફ મારવાના - પાછળ નહિ. સિલુને મારા તરફ માન થયું. એની 'હા' પછી મેં એને ઉચકીને મારી બાહોંમાં લીધી. ફિલ્મ 'પાકીઝા'માં રાજકુમાર મીના કુમારીને ઉચકતો હોય, એવું મને એકલાને લાગતું હતું. પ્રેમોમાં આવા તબક્કે ધ્યાન સાયકલ ઉપર ન રખાય... સિલુ એટલે કે, સનમની આંખોમાં રખાય! પ્રણયનો એ સૌથી ઉચ્ચતમ તબક્કો હતો ને સાયકલ નિમિત્ત બનવાની હતી... બની. મેં સિલુને ઉપરથી ડાંડા ઉપર છોડી દીધી, તો નીચે સાયકલ જ ન હતી. સાયકલ આ બાજુ હતી. કહે છે કે, આવા અકસ્માતોમાં પાછળના બન્ને કૂલાઓ એકસાથે જમીન પર પછડાયા હોય તો વધારે વાગે છે. વારાફરતી એક પછી એક કૂલો પછડાયો હોય તો સૌથી વધારે વાગે છે. પણ ખબર નહિ... કઇ ફેક્ટરીમાં એ બન્ને કૂલાનો સેટ બનાવી લાવી હતી કે, અવાજના ધડાકાની બરોબરીનું એને કાંઈ વાગ્યું નહિ! એ તો ખંખેરીને ઊભી થઈ ગઈ... આપણને મ્યુનિ. ઉપર આવા રસ્તાઓ બનાવવા બદલ સખ્ખત ખીજો ચઢે...! પુરાણોમાં ય કીધું છે કે, દરેકને દરેક વખતે દરેક મેહનતનું ફળ મળે, એ જરૂરી નથી. મને ય ન મળ્યું. સિલુડીનો વાળ બી વાંકો ન થયો. (સૉરી કરેક્શન :સિલુડીનો કૂલો ય વાંકો ન થયો! બોલ શ્રી અંબે માત કીઇઇઇઇ...?)

એ નિશ્ચય હતો કે, મારે એને બેસાડવી તો ડંડા ઉપર જ હતી... ભલે પછી હું સીટ ઉપર બેઠો હોઉં કે ન હોઉં! ફ્રેન્કલી... ગાડીમાં આપણી બાજુમાં બેઠેલી કે સ્કૂટર ઉપર આપણી પાછળ બેઠેલી વાઇફ કરતા સાયકલના ડાંડા ઉપર બેઠેલી વાઈફમાં મને ભરચક રોમાન્સ લાગે છે. વારાફરતી, આ ત્રણે ચાન્સો કોઇને મળતા નથી. 'કભી કિસી કો મુકમ્મલ જહાં મહિ મીલતા !...હોઓઓઓ ! ગાડીઓમાં આગળના બૉનેટ ઉપર બેસાડો, તો શું ઘંટડી રોમાન્સ આવવાનો છે? વૉર્ડ-બોય વૃધ્ધ પેશન્ટને સ્ટ્રેચર પર સુવાડીને O.T.માં લઈ જતો હોય એવું લાગે. ('ઓટી' એટલે ઑપરેશન થીયેટર) ગલીપચી એટલે કે રોમાન્સની મઝા તો સ્કૂટરોમાં ય નથી. હજી સુધી વર્લ્ડમાં એક સ્કૂટરવાળો પોદા થયો નથી, જે બંધ પડેલા સ્કૂટરની કીકો વાઇફ પાસે મરાવે! સ્કૂટરમાં - ભલે આપણી સીટની આગળ એક નાનકડી બેબી સીટ નંખાવો, પણ ત્યાં સગ્ગી વાઇફને બેસાડી શકાતી નથી. નારીયેળ નીચે ફૂલ મૂક્યું હોય તેવું લાગે !

તો બીજી બાજુ સનમને સાયકલ પર બેસાડવાનો આ મજો લૂંટી તો જુઓ. એ દિવસ પૂરતી ક્લિન-શેવ કરેલી આપણી દાઢી ગમ્મતમાં એના ભોડાં ઉપર અડાડ-અડાડ કરવાની. એક હાથે ફાવતી હોય (પ્રેમિકા નહિ, સાયકલ એક હાથે ફાવતી હોય) તો બીજા છૂટ્ટો હાથે આપણા પોતાના બરડામાં ખંજવાળ આવતી હોય તો ખણી પણ શકાય અને હાથ ખાલી હોય તો, ''સિલુ... તારા ખભા કેવા મજબુત છે!'' એમ કહીને એના ખભાને એક વાર અડી લેવાય. આમાં કોઈ ના ન પાડે. અસલી રોમાન્સ હવે શરૂ થયો કહેવાય. ફાયદો એ કે, મજબુત ખભાવાળી છેવટે ઘરમાં લાવવાની હોય તો ધૂળજીને રાખવાની જરૂર નહિ ને બા ય ના ખીજાય! સુઉં કિયો છો?

સાયકલના ડાંડા ઉપર બેઠેલી પ્રેમિકા ઝીણકું-ઝીણકું હસતી હસતી ડોકી ઊંચી કરતી આપણી સામે જોતી હોય, એની ઊડતી/લહેરાતી/ઝૂમતી ઝૂલ્ફો (માથે ડબલું રેડીને તેલ ન નાંખ્યું હોય તો) આપણા ચેહરા ઉપર અથડાઉ-અથડાઉ કરતી હોય, એના બે હાથ સાયકલના ગવર્નર ઉપર હોય ને આપણા બ્રેક ઉપર! બસ, જરૂર પડે ત્યારે સમયસર એ બ્રેકો મારી ન શકીએ, ને બન્ને જણા ભમ્મ થઈ જઇએ, એ જુદી વાત છે!

પણ આ બધું રોમેન્ટિસિઝમ હજી વિચારો પૂરતું મર્યાદિત હતું-વાસ્તવિક નહિ. સાયકલ અને મુમતાઝ બન્ને મળી ગયા હતા પાછળની સાઇડથી મારા બન્ને કાન જુઓ તો હું દેવ આનંદ જેવો લાગું પણ ખરો... આખેઆખો નહિ, બે કાન પૂરતી વાત થાય છે... અને મને ચાલુ સાયકલે ગાતા પણ આવડતું હતું, ''સાંસ તેરી મદિર-મદિર, જૈસે રજનીગંધા... હોઓઓઓ!'' ''અસોક, તી હું કઉ છું કે, શાયકલને માથે બેસવાને બદલે બાજુમાં શાયકલ પકડીને હાલતા-હાલતા શાયકલ હલાવીએ તો?''

(આ આખા વાક્યમાં ત્રણ-ત્રણ વખત 'સાયકલ' શબ્દનો પ્રયોગ કરવાની ક્યાં જરૂર હતી? શિક્ષકો અને સાહિત્યકારો પ્રેમોમાં પડે, ત્યારે શૈક્ષણિક સમસ્યાઓ આવી ઊભી થાય છે. આતો એક વાત થાય છે.) મેં કીધું, ''એવી અદાઓથી તો વહેલી પરોઢે ઘરમાં છાપું નાંખવા આવતા ફેરીયાઓ સાયકલ પકડીને આવતા નથી. સિલુ, એટલું યાદ રાખ કે, સમાજને એવું ન લાગવું જોઈએ કે, આ બહેન સાયકલને અને મને-બન્નેને ભાડે ફેરવે છે.''

''તો તમે કિયો એમ...! બોલો, પહેલા તમે બેસો છો કે હું હબડીક કરતી બેસી જાઉં?''

એની વાતમાં દમ હતો, સાયન્સ હતું... પણ લૉજીક નહોતું. સાયકલ પાસે જરાક અમથી સ્પીડ પકડાવીને એ ઠેકડો મારીને આગળના ડાંડા ઉપર બેસવા ગઇ... મોટો ભમ્મઅવાજ સાયકલની કઇ બાજુથી આવ્યો હતો, તે યાદ નથી.

બસ. સૌથી સલામત અને સર્વોત્તમ પ્રવાસ એટલે અ.મ્યુ.કો.ની બસમાં બેસવાનું અમે નક્કી કર્યું. દેવ આનંદ નહિ તો અમોલ પાલેકર તો બસોમાં જ હીરોઇનો સાથે મુસાફરી કરતો'તો ને?

સિક્સર 

- કેવો સડસડાટ સાચો પડી રહ્યો છું હું...? કે દેશમાં અનામત વગરની એક જ કૌમ બાકી રહેશે-બ્રાહ્મણોની. મારો પેલો લેખ વાંચ્યા પછી ય બે-ચાર જણા પૂછવા આવ્યા, ''દવે એટલે તમે કયા બ્રાહ્મણ?''