Search This Blog

Showing posts with label O. P. Nayyar. Show all posts
Showing posts with label O. P. Nayyar. Show all posts

11/05/2018

'કહીં દિન, કહીં રાત' ('૬૮)


ફિલ્મ : 'કહીં દિન, કહીં રાત' ('૬૮)
ફિલ્મ    :    'કહીં દિન, કહીં રાત' ('૬૮)
નિર્માતા-દિગ્દર્શક    :    દર્શન સભરવાલ
સંગીત    :    ઓપી નૈયર
ગીતકાર    :    શમ્સ-ઊલ-હુદા બિહારી
રનિંગ ટાઇમ    :    ૧૫ રીલ્સ - ૧૬૫ મિનિટ
થીયેટર   :    અશોક (અમદાવાદ)
કલાકારો    :    વિશ્વજીત, સપના, પ્રાણ, જ્હૉની વૉકર, હેલન, નાદિરા, વીણા, મોહન ચોટી, રામ અવતાર, રિડકુ, અસિત સેન, બી.એમ. વ્યાસ, મનમોહન, મુરાદ, હબીબ, બિપીન ગુપ્તા.

ગીતો
૧.    કમર પતલી, નજર બીજલી,     મહેન્દ્ર કપૂર
૨.    તુમ્હારા ચાહનેવાલા,     આશા ભોંસલે-મહેન્દ્ર
૩.    ઓ યારોં કી તમન્ના હૈ,     મહેન્દ્ર કપૂર
૪.    હમ પે ઈલ્ઝામ યે ક્યૂં હૈ કિ      આશા ભોંસલે
૫.    જબ આ હી ગયે હૈં દર પે તેરે,    મહેન્દ્રકપૂર-આશા-શંકરદાસ
૬.    મુહબ્બત હો ગઇ જીનસે શિકાયત    આશા ભોંસલે
૭.    તુમ્હારે યે નખરે, તુમ્હારી શરારત,     મહેન્દ્ર કપૂર
(
ગીત નં. ૩ : અઝીઝ કાશ્મીરી - બાકીના બધા એસ.એસ. બિહારી)

એ જમાનામાંય સિનેમાઘરોમાં દરેક પ્રેક્ષકને એક જ રીવૉલ્વર નહોતા આપતા, કે પૂરી ફિલ્મ ફરજીયાત જોવા બદલે પ્રેક્ષકોના કોરા બરડાં ઉપર મીઠાંમાં બોળેલી ચાબુકો કે હન્ટરો ફટકારવામાં નહોતા આવતા. જુલ્મો-સિતમભર્યા એ થીયેટરો હતા. રીવૉલ્વર આપી હોય તો પહેલી ગોળી ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક દર્શન સભરવાલની છાતીમાં વાગત.

બીજો પ્રેક્ષક ફિલ્મનો હીરો વિશ્વજીતને ભડાકે દેત. મહિલા-વર્ગ (તમે પૂરી જીંદગીમાં જોઇ ના હોય એવી કદરૂપી હીરોઇન સપનાને, ખલનાયિકા નાદિરાને અને વીણાને ઠાર મારત. સાહિત્યનો શોખિન થીયેટરમાં ભરાઇ ગયો હોત, તો ફિલ્મના બન્ને ગીતકારોના ઘેર જઇને પથ્થરબાજી કરી આવત...! જ્હૉની વૉકરે પણ કૉમેડીના નામે નાકમાંથી ગૂંગણા અવાજો કાઢ્યા છે.

સાલી, ફાલતુ ફિલ્મો તો આપણે જીંદગીભર જોઇ હોય - ટેવાઇ ગયા હોઇએ, પણ ફિલ્મ જોતાં જોતાં લેવા દેવા વગરની મોટે મોટેથી ગાળો બોલવા માંડીએ, એવું આપણું વર્તન તો લાઇફ ટાઇમમાં આપણા શ્વસુર-પક્ષે પણ ન જોયું હોય !  પણ ધ ગ્રેટ વિલન પ્રાણ સાહેબ, અદભુત શરીરના વળાંકોની માલકીન હેલન (સી-બ્લ્યૂ કૉન્ટેક્ટ લૅન્સ તો ખરા જ !) અને શત શત શત (હજી બીજા ૫૦ વાર શત શત શત) પ્રણામ આપણા ફૅવરિટ સંગીતકાર ઓમકાર પ્રસાદ નૈયરને. વાત નાની નથી. ફિલ્મ ઠેઠ ૧૯૬૮ની સાલની છે.

એ વખતે આપણા જમાનાના (બર્મન દાદાને બાબદ કરતા) તમામ સંગીતકારો વખારમાં નંખાઇ ચૂક્યા હતા. એકાદી ફિલ્મનું એકાદ ગીત માંડ જાણીતું થયું હોય, ત્યારે '૬૦ના આ દાયકાના અસ્તાચળમાં ઓપી નૈયરના સંગીતનો ઠસ્સો એવો જ તરોતાઝા રહ્યો હતો. એ જમાનામાં રેડિયો-સીલોન, વિવિધ ભારતી કે ઑલ ઈન્ડિયા રેડિયો નિયમિત સાંભળનારા શોખિનો પણ હતા. એક વાર ગીતોનું બૉન્સ જોઇ લો.  ઓપીના સંગીતનો 'સ્ટ્રાઇક-રેટ' શંકર-જયકિશનની બરોબરીએ હતો, એટલે કે, આવનારી એક એક ફિલ્મનું એક એક ગીત લોકપ્રિય થયું હોય. (એમાંય, આ લખનારનું ફૅવરિટ આશા ભોંસલેનું 'મુહબ્બત હો ગઇ જીન સે, શિકાયત ઉન સે ક્યા હોગી ?' તો અંતરાઓમાં ય જગમગે છે.)

ઓપીના સંગીતની બાદશાહત મુહમ્મદ રફી વગર પણ બરકરાર રહી છે. આ એ ગાતો હતો જ્યારે ઓપી-રફી વચ્ચે સંબંધો તૂટયા હતા. બન્ને મહારથીઓ ઘડિયાળને ખોટી પાડી શકે... પોતે મોડા ન પડે, એવા પરફેફ્ટ. ટાઇમો સાચવવા છતાં ક્યારેક તો અપવાદ આવે ને ? - આવ્યો !

રફી સા'બને શંકર-જયકિશનના કોઇ ગીતના રૅકૉર્ડિંગમાંથી ઓપી પાસે પહોંચતા લગભગ અડધો કલાક મોડું થઇ ગયું. ખલાસ ! આ તો 'ઓમકાર' એટલે ભગવાન શંકરનું રૌદ્ર સ્વરૂપ ! ઓપીએ આવતા વ્હેંત રફીને પૂછ્યું - ગુસ્સાથી, ''આટલું મોડું ?'' પેલા તો અમથા ય નમ્ર અને વિવેકી માણસ હતા. સાચી વાત કહી દીધી, 'શંકર જયકિશનના રૅકૉર્ડિંગમાં જરા વાર થઇ ગઇ !'

''
બસ... તો હવે પછી તમારા શંકર-જયકિશન માટે જ ગાજો. અહીં ફરી આવવાની જરૂર નથી.''
બસ. એ સંબંધ તૂટયો, એ સાડા ત્રણ વર્ષ તૂટયો. એમાં વચ્ચે એક ઉંબાળીયું ઓપીએ પણ કર્યું હતું. શર્મીલા-વિશ્વજીતની ફિલ્મ 'યે રાત ફિર ના આયેગી'નું રફીનું એક જ ગીત રૅકૉર્ડ કરવાનું બાકી હતું, ''મેરા પ્યાર વો હૈ કિ, મરકર ભી તુમકો જુદા અપની બાંહોં સે હોને ન દેગા.' રફી હજ પઢવા ગયા હતા ને ઓપીને ઉતાવળ હતી. ફિલ ક્યા ? મહેન્દ્ર કપૂર પાસે એ ગીત રૅકૉર્ડ કરાવી લીધું. પાછા આવીને રફી બગડયા, સંબંધોની જેમ !

પણ પેલા સાડાત્રણ વર્ષના વનવાસ કે 'રફીવાસ' પછી એક દિવસ ઓપી ચમક્યા. ઘરના આંગણામાં જુએ છે તો સાક્ષાત રફી - એમના એ જ બાળકસમા સ્માઇલ સાથે - ભેટવા માટેના બન્ને હાથ ખુલ્લા રાખીને ઓપી પાસે આવે છે... શબ્દો કે ઔપચારિકતાની કોઇ ગૂંજાઇશ નહોતી. બન્ને આંખમાં હર્ષના આંસુ સાથે ભેટયા.. ને પાછું સમાધાન ! ઓપીએ આ ઘટના પછી કહ્યું હતું, ''આવો પવિત્ર માણસ બીજો જોયો નથી. અમારી વચ્ચે બોલવાના ય સંબંધ નહોતા. છતાં ખેલદિલીથી રફી સાહેબ સામે ચાલીને મારા ઘેર આવ્યા.''

એ વાત જુદી છે કે, મહેન્દ્ર કપૂર માટે પૂરો આદર બરકરાર રાખીને ઓપીએ કબુલ કર્યું હતું, ''રફીને પડતા મૂકવા, એ મારી કારકિર્દીની મોટી ભૂલ હતી.''

હા, રફી સાથે અબોલાના સમયગાળામાં ઓપી નૈયરે ખાસ કાંઇ ગૂમાવ્યું નહિ. માણસ સોલ્લિડ સર્જક હતો એટલે આજની ફિલ્મની જેમ 'માઇનસ-રફી'ના ગીતો ય સુંદર બન્યા હતા, પણ એક વખત જૂની પ્રેમિકા આશા ભોંસલે સાથે સંબંધ તૂટયો, પછી ઓપી ક્યાંયના ન રહ્યા. આશાની અવેજીમાં દિલરાજ કૌર કે પુષ્પા પાગધરે તે ઈવન  રૂના લૈલા ય ઓપીને ડૂબતા બચાવી ન શક્યા.

પણ, શંકર-જયકિશન, નૌશાદ, બર્મન દાદા, મદન મોહનની જેમ ઓપી પણ સંગીત ચાહકોમાં સાશ્વત રહ્યા છે. કોઇ બે-ચાર ફિલ્મોના સંગીત પર આ લોકો મોહતાજ નથી રહ્યા. નહિ તો વખત એવો હતો કે, ઓપીને હાંકી કાઢવા માટે એક જમાનામાં બધા ભેગા થયા હતા (એકાદ નામ આઘુંપાછું હોઇ શકે !) લતા મંગેશકર વિના આખી કરિયર ચલાવવી, આમાંના કે એમાંના કોઇની તાકાત બહારની વાત હતી. બિનાકા ગીતમાલા કે વિવિધ ભારતી પર ઓપીનું એકે ય ગીત ન આવે, એ માટે ઑલમોસ્ટ તમામ સંગીતકારો ગંદી રમતો રમ્યા છે.

એ જમાનામાં રૅકૉર્ડિંગ માટે પૂરા મુંબઇમાં ૩-૪ સ્ટુડિયો માંડ હતા. બધા સંગીતકારો - જરૂર હોય કે ન હોય - સોલ્ઝરી કરીને આખા મહિનાના બધા સ્ટુડિયો બૂક કરાવી લેતા એટલે ઓપીને પોતાના ગીતા રૅકૉર્ડ કરાવવા સ્ટુડિયો ન મળે. એમાં ય, લતા મંગેશકરનો આ બધા સંગીતકારોને છુપો ટેકો. કાવતરાં એટલે સુધી ઘડાયાં કે, એકાદ શમ્મી કપૂર જેવા ઓપી-ભક્તોને બાદ કરતા ફિલ્મી હીરો ય ઓપીના સંગીતવાળી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દે... છેવટે, વિશ્વજીત, જૉય મુકર્જી કે મનોજ કુમાર જેવા ક્લાસ-થ્રી હીરોની ક્લાસ-ઝેડ ફિલ્મો ઓપીને માંડ મળે. પણ ઓપી જેનું નામ ! હીરો કે ફિલ્મની ક્વૉલિટી ભલે તદ્દન તળીયાની હોય, ઓપીનું સંગીત કોઇપણ ફિલ્મ માટે 'ફિર વોહી દિલ લાયા હૂં' લૅવલનું જ હોય !

બહુ વર્ષો પછી સંગીતકાર શંકરે (જયકિશન) પૂરી ગ્રેસ સાથે પરાજય સ્વીકારીને 'ફિલ્મફેર'ના '૬૮ની સાલના જાન્યુ.ના અંકમાં આપેલા ઈન્ટર્વ્યૂમાં કબુલ્યું હતું, ''ઓપી ગ્રૅટ છે. અમે એમના જેવું (ફિર વોહી... જેવું) સંગીત કેમ ના આપી શક્યા, એ જ અફસોસ છે.''

આજની ફિલ્મ 'કહીં દિન, કહીં રાત' ઓપીના સંગીતને કારણે જ એના નામ સાથે આપણને યાદ રહી ગઇ - ભલે ફિલ્મ જોઇ ન હોય પણ વાર્તા લેખકથી માંડીને દિગ્દર્શકની બેવકૂફીઓ જોઇને આઘાત લાગે કે, ફિલ્મ બનાવતી વખતે કોઇને ભનક નહિ આવી હોય કે, કેટલી બેવકૂફીભરી ફિલ્મ બની રહી છે ! સાવ સામાન્ય બુધ્ધિની વાત છે. ફિલ્મની શરૂઆતમાં વિલનનું પ્રાયવેટ પ્લેન બતાવે છે, એ તરત બીજા દ્રશ્યમાં ટચુકડું બની જાય. રન-વેને બદલે રણની ધરતી પર સડસડાટ ઉતરી કેવી રીતે શકે ?

છેલ્લે આખું વિમાન સળગતું બતાવાય ત્યારે નાનું છોકરૂં ય સમજી શકે કે, લાકડાના પાટીયાનું ખોખું વિમાનના આકારનું બનાવ્યું છે. ફિલ્મના સૅન્સર-સર્ટિફિકેટમાં ફિલ્મની ભાષા 'ઉર્દૂ' જણાવાઇ છે, પણ પૂરી ફિલ્મમાં ઉર્દૂનો છાંટો ય ઊડતો નથી. વિશ્વજીત પાસેથી મોહન ચોટીના લૅવલનું જ કામ લેવાનું હતું, તો મોહન ચોટીને શું કામ હીરો ન બનાવ્યો ? કઇ કમાણી ઉપર વિશ્વજીતને તાંબાના કલરની માથે વિગ પહેરાવાઇ છે ? આમે ય, '૬૦ના દાયકાની સમાપ્તિ વિશ્વજીતનો ય અસ્તાચળ હતો, અને માથેથી વાળ ગાયબ થવા માંડયા હતા, એટલે 'ફોરેનર' લાગવા માટે પીળા વાળની વિગ ઉતાર્યા પછી ય કાળા વાળની એને વિગ જ પહેરવી પડે છે.

હસવું આવવા કરતા ખૂન્નસ વધારે ચઢે, એ એક જમાનામાં વિશ્વજીતનો દાવો સાંભળીને કે ફિલ્મોમાં સફેદ શૂઝ પહેરવાની શરૂઆત એણે કરી હતી. સફેદ-ટાઈટ પૅન્ટ નીચે સફેદ શૂઝના રવાડે આપણા જીતુભ'ઈ ય (જીતેન્દ્ર) ચઢ્યા હતા... પણ 'કૌવા ચલા હંસ કી ચાલ...'ના ધોરણે અસલી હંસ રાજકુમાર 'જાની'થી એક દોરો ય વધારે પર્સનાલિટી કયા હીરોની પડે છે ? આમે ય, વિશ્વજીત 'સૉફ્ટ' હીરો હતો.

દેખાવડો ચોક્કસ કહેવાય પણ ચાલ અને ચેહરામાં ''સ્ત્રૈણ્યપણું'' દેખાયા વિના ન રહે એમાં ય ભ'ઈ, પ્રાણ જેવા સ્નાયુબધ્ધ વિલન સાથે ફેંટમબાજી ઉપર ઉતરી આવે, એટલે વટસાવિત્રીના વ્રતમાં બહેનો વડની આસપાસ ફરતી હોય એવું લાગે ! ફિલ્મ 'ગુડ્ડી'માં શૂટિંગ જોવા આવેલી જયા ભાદુરીને સમજાવતા પ્રાણ કહે છે, ''ધર્મેન્દ્ર તો વૈસે ભી હટ્ટાકટ્ટા હૈ, લેકીન મૈંને તો ઐસે ઐસે (ખેંખલી) હીરોં સે માર ખાયા હૈ, જીસ કો મૈં ફૂંક ભી મારૂં તો-'' !

પણ દર્શક તરીકે વારંવાર જોવાને કારણે જોવી ન ગમે, એવી માથે પહેરાતી વિગોનું છે. પ્રાણ કે હેલનને કોઇ ફિલ્મમાં વિગ પહેર્યા વિના ચાલ્યું નથી. '૭૦ના દાયકાની તો તમામ હીરીનોને પણ વિગ વિના ચાલ્યંન નથી. નારીયેળની સાઇઝની બનાવટી અંબોડા, જીંથરા જેવા ચોટલાં, ખોટા વાળ, સ્વિચ અને ચીતરી ચઢે એવી હૅટ-સ્ટાઇલોમાંથી છુટકો એક માત્ર પરવિન બાબએ અપાવ્યો. ખભા પાછળ છુટા અને સરખા કાપેલાં વાળની ફેશન પરવિને શરૂ કરી, તે આજની હીરોઇનો સુધી ચાલુ છે.

ફિલ્મનું નામ 'કહીં દિન, કહીં રાત' મજાક ખાતર જ પાડયું હશે. ફિલ્મની વાર્તામાં ક્યાંક સુખ ને ક્યાંક દુ:ખ - જેવી વાત આવતી નથી. ફિલ્મને જેમ્સ બૉન્ડ જેવી થોડીકે ય લાગે, એવો હાસ્યાસ્પદ પ્રયત્ન કરવામાં આવ્યો છે. હીરો વિશ્વજીત સી.આઇ.ડી.છે અને દેશના ગદ્દારોને ફક્ત એકલે હાથે પહોંચી વળે છે. એની મદદમાં કોઇ ફોર્સ નથી. દેશનો ગદ્દાર પ્રાણ છે, પણ એ તો ગદ્દારી બાજુ પર રાખીને, હીરઇનનાં બાપુને વર્ષો સુધી પૂરી રાખી. એની પ્રેમિકા નાદિરાની મદદથી હીરો ભરેલી થેલી ક્યાં મૂકી છે, એ ડોહા પાસે ઓકાવવા મેહનત કરે છે.

વચમાં જહૉની વૉકરને મૂક્યો છે, પણ એ કોણ છે, ફિલ્મમાં એનું શું કામ કરે ને કઇ જાતની કૉેમેડી કરે છે, તે તો કોઇ હસ્યું હોય તો ખબર પડે એની બુધ્ધિની લઠ્ઠ જેવી પ્રેમિકા મલ્લિકા (મુમતાઝની બહેન) મૂળ તો અસલી જીવનમાં કૉમેડિયન મેહમુદની (વન ઑફ ધ) પ્રેમિકાઝ હતી, પણ એણે ભૂલ કરી મુમતાઝ સાથે મેહમુદની ઓળખાણ કરાવવાની 'ફિર ક્યા ?' મેહમુદે ઘટના સ્થળે જ મલ્લિકાને પડતી મૂકીને મુમતાઝને અપનાવી લીધી. (બનતા સુધી, મલ્લિકા દારાસિંઘના ભાઇ રણધાવાને પરણી હતી !)

સાલ ૧૯૬૮ની હતી અને અમારૂં એસ.એસ.સી. (મેટ્રિક)નું વર્ષ. યાદ છે, છેલ્લી પરીક્ષા પતી કે તરત અમે ફિલ્મ જોવા નીકળી પડયા હતા, ને બીજે ક્યાંય ટિકીટ ના મળી એટલે અશોક ટૉકીઝમાં 'કહીં દિન, કહીં રાત' જોયું હતું, નહિ તો નૉવેલ્ટીમાં દિલીપ કુમારનું 'આદમી' જોવું હતું, જેના ઉતરી ગયા પછી ધર્મેન્દ્ર-માલા સિન્હાનું 'આંખે' આવ્યું હતું. પ્રકાશમાં દાદામોનીનું 'આશીર્વાદ', લક્ષ્મીમાં નંદા-સંજયનું 'અભિલાષા', એ પછી ત્યાં જ જીતુ-બબિતાનું 'ઔસાદ'. એલ.એન.માં વહિદા-ધર્મેન્દ્રનું 'બાઝી', અલંકારમાં મીના-ધર્મેન્દ્રનું 'બહારોં કી મંઝિલ', રીગલમાં શમ્મી કપૂરનું 'બ્રહ્મચારી', રૂપાલીમાં કિશોરકુમારનું 'દો દૂની ચાર', રીલિફમાં 'દો કલીયાં', 'નૉવેલ્ટીમાં દેવ આનંદ-વૈજુનું 'દુનિયા'', લાઇટ હાઉસમાં જૉય મુકર્જીનું 'એક કલી મુસ્કાઇ' ને ત્યાં જ શશી કપૂરનું 'હસિના માન જાયેગી', ને ત્યાં જ એ જ જૉયનું 'હમસાયા', રૂપમમાં 'ઈઝ્ઝત', રૂપાલીમાં 'ઝૂક ગયા આસમાન', પ્રકાશમાં નંદા-શશીનું 'જુઆરી', લાઇટ હાઇસમાં શશી-આશાનું 'કન્યાદાન', કૃષ્ણમાં સુનિલ દત્તે તેના ભાઇ સોમ દત્ત માટે બનાવેલું 'મન કા મીત' (જે વિનોદ ખન્ના, લીના ચંદાવરકર અને સંધ્યા રાનીની પહેલી ફિલ્મ હતી.) એલ.એન.માં ધરમ-શર્મીલાનું 'મેરે હમદમ મેરે દોસ્ત', રીલિફમાં 'જાની' રાજકુમારનું 'મેરે હુઝુર', રૂપમમાં એનું જ 'નીલ કમલ', રૂપાલીમાં મેહમુદનું 'પડોશન', રીગલમાં 'રાજા ઔર રંક', પ્રકાશમાં 'સાધુ ઔર શૈતાન', હેમા માલિનીની પહેલી ફિલ્મ અને એ ય રાજ કપૂર સાથે 'સપનોં કા સૌદાગર' કઇ ટૉકીઝમાં આવ્યું હતું, તે પાકું યાદ નથી.

19/06/2015

'બાપ રે બાપ' ('૫૫)

ફિલ્મ : 'બાપ રે બાપ' ('૫૫)
નિર્માતા- આર.કારદાર
સંગીતકાર- નૈયર
ગીતકાર- નિસાર અખ્તર
રનિંગ ટાઇમ- - રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો- કિશોર કુમાર, ચાંદ ઉસ્માની, સ્મૃતિ બિશ્વાસ, જયંત, એસ.એન.બૅનર્જી, ઉલ્હાસ, મારૂતિ, લીલા મીશ્રા, મીરાદેવી, અમીરબાનુ, આગા મેહરાજ, બૈજનાથ અને ઘોષ.




ગીતો
૧. યા પિયા પિયા મોરા જીયા પુકારે, હમ ભી ચલે હૈ ...... આશા-કિશોર
૨. રાત રંગીલી, ચમકે તારેં, આજા સજનવા પ્રેમ દુવારે ..... આશા ભોંસલે
૩. મૈં ભી જવાં, દિલ ભી જવાં .... આશા ભોંસલે
૪. કહે દિલ યે દીવાના, મેરા દર્દ ન જાના ..... આશા ભોંસલે
૫. ફૂલ સે ગાલોં સે, મતવાલી ચાલોં સે..... આશા-કિશોર
૬. દીવાના દિલ ગાયે અબ મુઝસે રહા ન જાયે .... આશા ભોંસલે
૭. ન બતા, હમેં સબ હૈ પતા ..... આશા ભોંસલે
૮. ફૂટ આપસ મેં પડી હમે કંવારે રહે ગયે .... કિશોર કુમાર
૯. તુમ ન આયે ઘટા ગમ કી છાને લગી ..... આશા ભોંસલે
૧૦.અબ યે બતા, જાયેં કહા .... આશા ભોંસલે
૧૧.જાને ભી દે છોડ યે બહાના ..... આશા ભોંસલે

કિશોર બોલવામાં હતો તો આખો ? એને ધૂમધામ પૈસા આપનાર નિર્માતાઓને ય ગાંઠતો નહોતો, ત્યાં નવીસવી હીરોઇન ચાંદ ઉસ્માની તો કઇ વાડીની મૂળી ? આ ફિલ્મ 'બાપ રે બાપ' પત્યા પછી નહિ, શૂટિંગ હજી ચાલતા હતા, તે દરમ્યાન કોક પત્રકારને કહી દીધું, ''ચાંદ ઉસ્માનીનું માથું તો જુઓથી ભરેલું છે. (ડૅન્ડ્રફ)'' બસ. ખલાસ. બહેનની કરિયર ખતમ થઇ ગઇ. આવું કહેવા માટે કિશોર ઉપર ગુસ્સો ચઢતો હશે કે, કોઇના માટે આવું બોલાય ? કોઇની પણ બા ખીજાય, પણ આમાં સાવ એવું નહોતું. શરૂઆત ચાંદ ઉસ્માનીએ કરી હતી. કિશોર પોતાનો હીરો હોવા છતાં ચાંદ એની સખીઓને જરા વેરથી કહેતી ફરતી હતી, 'કિશોર સાવ વાંદરા જેવો છે.' આ તો અહી આટલું લખાય, બાકી તો કહે છે કે, એ આડુંઅવળું ઘણું બોલતી હતી.

અંજામ જોઇ લીધો ? ત્યાંને ત્યાં ચાંદ ઉસ્માનીની કરિયર ખતમ. આવું સાંભળ્યા પછી ક્યો હીરો એની સાથે કામ કરવા તૈયાર થાય ? મોટા ભાગની ફિલ્મોમાં હીરોલોગને ભેટતી વખતે હીરોઇનના માથે તો હાથ-બાથ ફેરવવાનો તો કાયદેસરનો આવે કે નહિ ? આ ફિલ્મના એક યુગલ ગીત, 'ફૂલ સે ગાલો સે, મતવાલી ચાલોં સે...' ગીત દરમ્યાન કિશોર પોતાની કૅપ ચાંદ ઉસ્માનીના માથે પહેરાવે છે, એ કૅપ પાછી લીધા પછી કિશોર એમાં ઘણી જૂઓ જોઇ હતી, એના લીધે આ ઘટના બની હોવાનું કહેવાય છે.

નહિ તો આ ચાંદ ઉસ્માનીનો પહેલો હીરો... પહેલી વાર ફિલ્મોમાં કામ કરવા આવેલો શમ્મી કપૂર હતો. મહેશ કૌલની ફિલ્મ 'જીવનજ્યોતી'માં બન્નેની પહેલી ફિલ્મ હતી. આટલું વાંચતા લતા મંગેશકરના અનેક પ્રેમીઓને શમ્મી કપૂરની ફિલ્મ 'ચોર બાઝાર'નું ગીત યાદ આવી ગયું હશે, જે મારૂં તો જીવલેણ ફૅવરીટ છે, ''હુઇ યે હમસે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે, ઝમીં કી ખાક હોકર આસમા સે દિલ લગા બૈઠે...'' પણ એ હીરોઇન ચિત્રા હતી, ચાંદ ઉસ્માની નહિ. ચાંદ ઉસ્માનીને છેલ્લે તમે સાયરા બાનુ-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'અમન'માં જોઇ હશે. એ પછી ય બે-ચાર ફિલ્મોમાં આવી હતી, પણ ચેહરામાં કોઇ સુંદરતા નહિ, આંખો ફાંગી અને ઍક્ટિંગમાં પથ્થર... ક્યાંય ન ચાલી.

પણ ફિલ્મ 'બાપ રે બાપ' આજ સુધી યાદ રહી ગઇ હોય તો, ટોટલ ૧૨માંથી ફક્ત બે જ ગીતો મશહૂર થવાને કારણે. આશા-કિશોરનું 'પિયા પિયા પિયા મોરા જીયા પુકારે, હમ ભી ચલેંગે સૈયા, સંગ તુમ્હારે....' અને આશાબાઇનું અત્યંત નશીલું, 'રાત રંગીલી, ચમકે તારે, આજા સજનવા પ્રેમ દુવારે....' બાકી તો મહાન સંગીતકાર ઓપી નૈયરની બહુ ઓછી ફિલ્મો છે, જેના તમામે તમામને બદલે આખી ફિલ્મમાંથી કોઇ બે-ત્રણ ગીતો જ ઉપડયા હોય. કિશોર તો પોતે ગાયક હતો છતાં મુહમ્મદ રફી કે મન્ના ડેએ પણ એને ઘણી ફિલ્મોમાં પ્લૅબેક આપ્યું છે, પણ અહી તો આશા ભોંસલેએ પણ એક ગીતમાં કિશોરને પ્લેબૅક આપ્યું છે.

ફિલ્મમાં ઓપી નૈયરના આસિસ્ટન્ટ્સ તરીકે ફિલ્મ 'શિકારી' કે 'નમસ્તેજી'ના સંગીતકાર જી.એસ.કોહલી અને ઍરેન્જર તરીકે સેબાસ્ટિયન છે. આ વિગત જાણવા જેવી છે કે, ઓપી કદી ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કે ટાઇટલસ- મ્યુઝિક બનાવતા નહોતા. એ કામ તેમના આસિસ્ટન્ટ કરે. સેબાસ્ટિયન ઇંગ્લિશ જ બોલતા સમજતા હતા. મૂળ તો એ શંકર-જયકિશનના ઍરેન્જર. (ઍરેન્જરનું કામ સંગીતકાર કોઇ ગીતની ધૂન બનાવે, એના સ્વરાંકનો બનાવીને વાજીંત્રવાદકોને આપવાના. સ્વરાંકન એટલે ગીતનો ઢાળ 'સા, રે, ગ, મ, પ, ધ, નિ, સા' મુજબ ગોઠવવાના, જેથી વાદકો એ વાંચીને ધૂન સમજી જાય અને તે મુજબ વગાડે.) હતા. પણ ઓપીનું ય સેબાસ્ટિયને ઘણું કામ કર્યું છે. એક વખતે ખુશ થઇને ઓપીએ પોતાની 'રૉલેક્સ' ઘડિયાળ એમને ભેટ આપી દીધી હતી. (જે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ આજે પણ ગણાય છે.) પણ આશાએ ઓપીને છોડી દીધા પછી ઓપીના બુરા દિવસો આવ્યા અને આવક બંધ થઇ. ઘડિયાળ નહોતા પહેરતા એ જોઇને કોકે પૂછ્યૂં, ''ઓપી... હવે તો સસ્તી ઘડિયાળો ય બહુ મળે છે... પહેરતા કેમ નથી ?''જવાબમાં ઓપીએ કહ્યું, ''ઓપીએ જમાનાની શ્રેષ્ઠ ચીજો જ અપનાવી છે. આજે મારો સમય અને ઘડિયાળ બન્ને નથી. ગમે તેવી ઘડિયાળ ઓપીને ન શોભે.'' અલબત્ત, કડકીના આવા દિવસોમાં ય ઓપી રોજ સવારે ચર્ચગેટ પર પોતાના મકાનથી ચાલતા જઇને કૉફી પીવા તાજમહલ હૉટેલમાં જ જતા. આ ક્રમ એમનો વર્ષોનો હતો, જે તોડયો નહિ. આશા સાથે સંબંધો પૂરા થઇ જવાના કારણે આ દિવસો આવ્યા હતા, એ જોઇને કોકે પૂછ્યું, 'તમે આશાજી સાથે સમાધાન કેમ કરી લેતા નથી ?' એ સાંભળીને ઓપી તાજમહલ હૉટેલ સામે દેખાતા ગૅટ વે ઓફ ઇન્ડિયાની ફૂટપાથ બતાવીને જવાબ આપ્યો, ''આ સામે ફૂટપાથ દેખાય છે ને...? હું ત્યાં ઊભો રહીને ભીખ માંગીશ, પણ આશાજી પાસે હાથ લાંબો કરવા નહિ જઉં.''

એ વાત જુદી છે કે, આશા ભોંસલેએ સંબંધો તૂટયા પછી ઓપીને જાહેરમાં ઉઘાડા પાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. ત્યારે ઓપીએ આશા માટે કદી 'આશાજી' સિવાય ઉલ્લેખ નથી કર્યો. ''આશાજી તમને આટલા બદનામ કરે છે, તો સામો જવાબ કેમ નથી આપતા ?'' એવું ય કોઇએ પૂછ્યું, તેના જવાબમાં ઓપીએ કહ્યું હતું, ''મારા પિતાએ મને સલાહ આપી હતી.''નૅવર ઍક્સપ્લેઇન, યોર ફ્રેન્ડસ ડૉન્ટ નીડ ઇટ. યોર એનીમીઝ વોન્ટ બીલિવ ઇટ.'' (ખુલાસાઓ ન કરો. તમારા દોસ્તોને એની જરૂર નથી ને દુશ્મનો કોઇ ખુલાસો માનવાના નથી.)

આવી અનોખી અને પહેલીવારની ઘણી નવાઇઓ આ ફિલ્મ સાથે જોડાયેલી છે. નિર્માતા- દિગ્દર્શક અબ્દુલ રશિદ કારદારનું નામ એ જમાનામાં બહુ ઊંચા આસમાને લેવાતું, પણ એમની મોટા ભાગની ફિલ્મોનો હીરો દિલીપ કુમાર જ હોય, સંગીતકાર નૌશાદ જ હોય. બહુ ઠાઠમાઠવાળો નિર્માતા હતો કારદાર. મોટા ભાગે શાર્કસ્કીનના શૂટ અને સફેદ શૂઝમાં ફરતા કારદારને 'દ' ઉપરથી ફિલ્મો બનાવવાનો ચસકો વધારે લાગી ગયો હતો. નૌશાદ તો જોઇએ જ. ફિલ્મોના નામો વાંચી, 'દુલારી', 'દર્દ', 'દાસ્તાન', 'દિલ્લગી', 'દીવાના', 'દિલ દિયા, દર્દ લિયા' અને 'દિલે નાદાન' (જેમાં ફોર એ ચેઇન્જ, સંગીત નૌશાદને બદલે એમના આસિસ્ટન્ટ ગુલામ મુહમ્મદને આપ્યું હતું. તલત મેહમુદવાળી ફિલ્મ 'યાસ્મિન' સી.રામચંદ્રને આપ્યું હતું, એમ અહી ઓપી નૈયરને પહેલી અને છેલ્લીવાર લીધા હતા.

અલબત્ત, ભ'ઇ બધી રીતે પૂરા હતા. છોકરીઓના વધારે પડતા શોખિન ! શક્તિ કપૂરને કારણે પેલું બિભત્સ 'કાસ્ટિંગ કાઉચ' આપણા લોકોના જાણવામાં આવ્યું પણ એની શરૂઆત દિલીપ કુમારે કે.આસીફ સાથે મળીને કરી હતી. જેમાં સુરૈયાને ફસાવવા માટે દિલીપ કુમારે આસીફ પાસે એક ખાસ ફિલ્મ બનાવવાનું કહ્યું, જેમાં સુરૈયાને હોઠે સાપ કરડે અને એનું ઝેર ઉતારવા દિલીપ કુમાર જાનના જોખમે એ હોઠ ચૂસી લે. સુરૈયા ધાગધાગી થઇ ગઇ અને એના ભાઇએ સ્ટુડિયોના સેટ પર આવીને દિલીપને જે સમજાવવાનું હતું, એ એની જબાનમાં સમજાવી દીધું હતું.

પણ વાત આપણે કારદારની કરતા થોડા વખત પહેલા અમેરિકાના વિશ્વવિખ્યાત મૅગેઝીન 'લાઇફ'ના પત્રકાર માર્ક બર્કે લખેલી વાત મુજબ, હિન્દી ફિલ્મોમાં 'કાસ્ટિંગ કાઉચ' '૫૦-ના દાયકામાં આવી ગયું હતું. આ કારદાર નવી છોકરીઓને હીરોઇન બનાવવાની લાલચ આપીને સ્ટુડિયોમાં બોલાવી, એમની નગ્ન તસ્વીરો પડાવી લેતો ને પછી બ્લૅક-મૅઇલ કરતો. બાય ધ વે... તમને આ બધા ફોટા જોવાની લાલચ ઉપડી હોય, તો 'ગુગલ સર્ચ'માં 'એ.આર.કારદાર' લખીને ખાતું ખોલો. આવા અનેક ફોટાઓ જોવા મળશે.

અફ કોર્સ, એકલો કારદાર કે દિલીપ કુમારો જ આવા હતા, એવું નથી. રાજ કપૂરના નામે પણ આવી કથાઓ ચગી હતી. દેવ આનંદે તો નિખાલસતાથી પોતાની અનેક પ્રેમકથાઓ સૅક્સ સાથે આત્મકથામાં વર્ણવી છે. કાગડા બધે...???

પણ આનો સટ્ટાક કરતો ચોખ્ખો એક અર્થ એ પણ થયો ને કે, ચાંદ ઉસ્માનીને પણ આ નફ્ફટાઇમાંથી પસાર થવું પડયું હશે ! કારદારે ઉસ્માનીનો આવો જ ટેસ્ટ લીધો તો હશે ને ?

એક ઇન્ટરેસ્ટિંગ વાત કેવળ કિશોર કુમારને જ શોભે એવી છે.

ઓપી કદાચ ગીતની ધૂન જેટલા રૅકૉર્ડિંગમાં સીરિયસ નહોતા. ફિલ્મ 'એક મુસાફિર એક હસિના'નું. ''મૈ પ્યાર કા રાહી હું. તેરી ઝૂલ્ફ કે સાયે મેં...' ગીતના અંતરાના શબ્દો છે, ''નાઝની તૂ નહિ જા સકેગી, છોડકર ઝીંદગી કે ઝમલે...'' એ અંતરો ગાતી વખતે આશા ભોંસલેએ એક લોચો મારી દીધો. મુહમ્મદ રફીના આ મીસરા પછી આશાએ ગાવાનું હતું, ''ના મૈં હૂં નાઝની, ના મૈ હૂં મેહજબીં, આપ હી કી નઝર હૈ દીવાની'' એને બદલે આશાએ ભૂલથી ''જબ ભી છાયે ઘટા યાદ કરના જરા, સાત રંગો કી હૂં મૈં કહાની...'' ગાઇ નાખ્યું. બીજા કોઇ સંગીતકારે આ ભૂલ ચલાવી લીધી ન હોત, પણ આજે ય આ ગીત હવે નવેસરથી સાંભળી જુઓ.. એ ભૂલ સુધરી નથી. એવું આ ફિલ્મમાં પણ થયું. આશાએ બીજો લોચો માર્યો. ગીતના બીજા અંતરામાં કિશોર ગાતો હોય છે, ''...યે ઋતુ મનભાતી, યે મુખ ગોરા ગોરા...'' ત્યારે આશા વચમાં ''આઆઆ...'' ભૂલમાં ગાઇ બેસે છે. આશા ગભરાઇ ગઇ, પણ નટખટ કિશોરે ચાલુ રૅકૉડિંગે ઇશારો કરી દીધો કે, 'આગળ ગાયે રાખ... ભૂલ હું સુધારી દઇશ.' એટલે ઓપીએ ફરી એક વાર ભૂલ ચલાવી લીધી. કિશોરે આ ગીતના ફિલ્માંકન વખતે એ ભૂલ સુધારી દીધી. ઘોડાગાડીમાં આ ગીત ગવાય છે, ને આશાની ભૂલવાળો હિસ્સો ચાંદ ઉસ્માની ગાવા જાય છે, ત્યારે કિશોર એના મોંઢા ઉપર હાથ મૂકી દે છે, ''ડોબી...હજી હું ગાઉં છું...'' ના ધોરણે.

બાય ધ વે, ઓપી એક માત્ર સંગીતકાર છે, જેમણે ઘોડાગાડીના ઠેકા ઉપર પૂરા ૪૨ ગીતો બનાવ્યા છે.

આ ફિલ્મ 'બાપ રે બાપ'માં કે.એન.સિંઘ તો નથી, પણ કિશોર એને ખૂબ ચાહતો. સિંઘના અવાજની મિમિક્રી કરવામાં એને ખૂબ આનંદ આવતો. અહી પણ એને સિંઘની નકલ ઘણી વાર કરી છે. પોતાના પ્રોડક્શનની ફિલ્મ 'બઢતી કા નામ દાઢી'માં તો કિશોરે કે.એન.સિંઘને માત્ર ચડ્ડી પહેરાવી, માથે કૃષ્ણ જેવું પીછું પહેરાવીને યમુના કિનારે ડાન્સ પણ કરાવ્યો હતો. અહી તો બારમાસી વિલન જયંતને સિંધી ધનવાન કિશોરના પિતાના રોલમાં કૉમેડી કરતો બતાવાયો છે. જયંત બહુ અસરકારક વિલન હતો. અમજદખાન એનો દીકરો થાય, એ તો સહુને ખબર છે.

અન્ય પાત્રોમાં કોઇ નોંધપાત્ર હોય તો ઉલ્હાસ. થોડો થોડો ગમે એવો વિલન હતો. આખી કારકિર્દીમાં ખાસ કોઇ નોંધપાત્ર કામ મળ્યું જ નહિ, પણ નાના નાના રોલમાં એ પોતાની છાપ છોડી શકતો. વ્હી.શાંતારામની ફિલ્મ 'નવરંગ' એનું ઉદાહરણ....

ફિલ્મની વાર્તા કે તેનો અંશ લખવાનો મૂડ આવે એવો નથી. ઘટીયા ફિલ્મ વિશે કંઇક લખાય, એ પણ ઍમ્બેરેસિંગ લાગે છે, પણ ફિલ્મ કિશોર કુમારની હતી, એટલે આખી ફિલ્મમાં કિશોરને જોયા કરવો મનોરંજક લાગે છે. એ માથે પડયો નથી. વાર્તા-સંવાદમાં તો કોઇ દમ નથી, પણ કિશોર એની બફૂનરીથી બેશક હસાવે રાખે છે. આખી ફિલ્મમાં એણે કે.એન.સિંઘના અવાજની અનેક નકલો કરી છે, પણ એ જમાનાના ખલનાયક તિવારીને પણ લપેટયો છે. કિશોર તિવારીના અવાજમાં એની જ સ્ટાઇલથી થોડાઘણાં સંવાદો બોલ્યો છે ને આ બધું જોવું સાંભળવું ગમે એવું છે, બાકી તો જે શી ક્રસ્ણ.

03/04/2015

'બસંત' ('૬૦)

- ઓપી નૈયરને અન્યાય થયેલા ગીતોની ફિલ્મ
- શમ્મી કપૂર અને નૂતનની જોડી હોઇ શકે...?

ફિલ્મ : 'બસંત' ('૬૦)
નિર્માતા-નિર્દેષક : વિભૂતિ મીત્રા
સંગીત : ઓ.પી. નૈયર
ગીતકાર : કમર જલાલાબાદી
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ
થીયેટર : અમદાવાદ
કલાકારો : શમ્મી કપૂર, નૂતન, પ્રાણ, જ્હૉની વૉકર, કમ્મો, કક્કુ, મીનુ મુમતાઝ, મુરાદ, વિઠ્ઠલદાસ પાંચોટીયા.




ગીતો
૧. ઓ મૅડમ નૅન્સી, યૂ આર માય ફૅન્સી..... - આશા-રફી
૨. પીછે હટ, બાબુ છેડ ના મુઝે, મીઠી મીઠી અખિયૉં... - આશા ભોંસલે
૩. દુનિયા પક્કી ફૉર-ટ્વૅન્ટી, માર માર કે ચપ્પલ..... - આશા-રફી
૪. મેરે લહેંગે મેં ઘુંઘરૂં લગા દે, તો ફિર મેરી ચાલ દેખ લે... - આશા-રફી
૫. નયનો મેં સૂરજ કી કિરનેં, ચંદા જૈસા રૂપ હૈ... - આશા-રફી
૬. ચોરી ચોરી એક ઇશારા હો ગયા હૈ, દિલ હમારા.... - આશા-રફી
૭. હમને ઉનકે સામને દિલ રખ દિયા સર રખ.... - આશા-રફી-બાતિશ
૮. મેં છોટી સી છૈલછબિલી, બાલમ લમ્બા લમ્બા.... - આશા-રફી
૯. ઇધર મેં ખૂબસુરત હૂં, ઉધર તું ખૂબસુરત હૈ... - આશા-રફી
૧૦. મેરે દિલ પે લગા દે ડાર્લિંગ, અપને નામ કી ચીટ... - આશા-રફી
૧૧. ઘુમ કે આયા હું મૈં બંધુ, રૂસ, ચીન, ઇંગ્લૅન્ડ.... - આશા-રફી
૧૨. રાત ચાંદની સમય સુહાના....આજ મેરે સૈંયા કી... - આશા-કોરસ
૧૩. રાસ્તે મેં એક હંસિ, અજી મિલ ગયા હમ કો કહીં... - આશા-રફી
૧૪. જી ચાહતા હૈ, જી ચાહતા હૈ... - આશા-રફી

શમ્મી કપૂર અને નૂતનની ફિલ્મી પર્સનાલિટીઝથી તમે વાકેફ હો, તો આંચકો-બાચકો નહિ, પણ નવાઇ ચોક્કસ લાગે કે, ક્યાં પેલો ફલૅમબૉયન્ટ અને તોફાની શમ્મી કપૂર ને ક્યાં આ સૌમ્યતાની મૂર્તિ નૂતન ! એ બન્નેને હીરો-હીરોઇન તરીકે તો બાજાુપર રાખો, ભાઈ-બેનના રોલમાં ય ન મૂકાય, ત્યાં રૉમૅન્ટિક હીરો-હીરોઇનના રોલમાં એક ફિલ્મમાં જોવા....જરી આશ્ચર્યભર્યું લાગે ! એમ તો, એ બન્ને છેલ્લે છેલ્લે ફિલ્મ 'લાટ સાહબ'માં પણ આવ્યા હતા. એ સિવાય તો મારા ખ્યાલથી બીજી કોઇ ફિલ્મમાં બન્ને સાથે નથી આવ્યા.

જે લોકોએ, એટલે કે આ ફિલ્મ ઉતારનાર પ્રોડયુસરો મિત્રા પ્રૉડકશન્સે અગાઉ અને પછી જે ફિલ્મો બનાવી હતી, એ ફિલ્મોના નામ વાંચો, એટલે અત્યારથી જ ખબર પડી જાય કે, શમ્મી કપૂર અને નૂતન હોવા છતાં આ ફિલ્મ ભંગારના પેટની કેમ હશે ! 'મિત્રા'વાળાઓએ અગાઉ તમામ હિટ ગીતોવાળી મધુબાલા-ભારત ભૂષણવાળી ફિલ્મ 'ફાગુન' બનાવી હતી. આ ફિલ્મમાં રેલ્વે સ્ટેશન પર 'ફાગુન'નું પોસ્ટર પણ દર્શાવાયું છે. એ પછી આ 'બસંત,' એ પછી જૉય મુકર્જી-રાજશ્રીની 'જી ચાહતા હૈ' (મૂકેશનું 'હમ છોડ ચલે હૈં મેહફીલ કો, યાદ આયે કભી તો મત રોના') અને છેલ્લે મોટો ધબડકો, 'મહુવા'. છેલ્લે છેલ્લે કાદર ખાનની કૉમિક વાઈફ તરીકે આવતી અંજના મુમતાઝ આ ફિલ્મની હીરોઇન અને હીરો હતો શિવકુમાર. મુહમ્મદ રફીનું પેલું ગીત સ્ટેજ પર બહુ વાગ વાગ કરે છે, 'દોનોં'ને કિયા થા પ્યાર મગર, મુઝે યાદ રહા, તું ભૂલ ચલી, મેરી મહુવા...'

આશા ભોંસલેનો પણ આ ફિલ્મે એક નૅશનલ રૅકૉર્ડ કર્યો, પૂરી ફિલ્મના તમામ ગીતોમાં એક જ ગાયકનો કંઠ હોય, એવુ

તો લતા મંગેશકર જ નહિ, શમશાદ બેગમ, સુરૈયા કે ઇવન સુમન કલ્યાણપુર સાથે ય બન્યું છે, પણ એક જ ફિલ્મમાં '૧૪' ગીતો હોય ને બધામાં આશા હોય, એમાં રૅકૉર્ડ જેવું કંઇક થઇ ગયું ખરું. તદઉપરાંત, ૧૪માંથી ૧૨ યુગલ ગીતો આશા ભોંસલે અને મુહમ્મદ રફીના હોય, એવું ય અગાઉ ક્યારે બન્યું નથી. આપણે વાતવાતમાં આશા ભોંસલે ન હોત તો ઓપી નૈયરનું કોણ હોત ? એ સંગીતકાર જ બની શક્યા હોત કે કેમ, એ મોટો સવાલ પૂછાય છે કારણ કે, લતા મંગેશકર તો ઓપીમાં ગાતી નહોતી... કે વાઇસે-વર્સા ! એમાં ય, આ ફિલ્મના ગીતોમાં ઓપીએ આશાને એના પ્રકૃતિદત્ત સ્વભાવ મુજબ બેશુમાર તોફાને ચઢવા દીધી છે. ગાતાગાતા અવાજ મરડીને આશાએ સ્કૂલ-ગર્લ જેવા લહેકા અને ચાળા પાડવા છતાં ગીતોની મધુરતા અને સૂર બરકરાર રાખ્યા છે. રફી પણ અન્ય એકે ય સંગીતકારમાં તમને આટલા તોફાની કદી જોવા... આઇ મીન, સાંભળવા નહિ મળ્યા હોય ! એક વણલખ્યો નિયમ બની ગયો હતો ફિલ્મ સંગીતમાં કે, મન્ના ડે, મેહમુદ માટે ગાય ને જ્હોનીના મોટા ભાગના ગીતો રફી જ ગાય. આશા અને ઓપી સંગીતની ભાષામાં કહીએ તો સૂર અને સાઝ હતા અને કોઇ સાધુસંતની ભાષામાં કહીએ તો શરીર બે પણ આત્મા એક હતા.

એ બન્ને વચ્ચે અંગત ઝગડા શું હતા ને બન્ને એક તબક્કે પતિ-પત્ની જેવું જીવન જીવતા હોવા છતાં, જ્યારે છુટા પડયા ત્યારથી આજ સુધી આશા ભોંસલેએ ભલે ઓપીને માત્ર ભાંડી જ હોય, પણ જીવે ત્યાં સુધી આશાએ ઓપીનો ઉપકાર એ વાતે તો માનવો જ રહ્યો કે, આશાને હીરોઇનો માટેનું પ્લે-બેક કેવળ ઓપીએ અપાવ્યું અને અપાવ્યું પણ કેવું ? પછી તો ઓપી સિવાયના સંગીતકારો ય આશાને લીડ-હીરોઇનો માટે પ્લે-બેક આપવા માંડયા. બીજી એક નાનકડી વાતે ય ધ્યાન ન રાખો તો બાજુમાં ખસી જાય એવી છે કે, ક્લબ-સૉગ્સમાં એક માત્ર એક માત્ર ને એક માત્ર ગીતા દત્તની મૉનોપોલી ચાલી આવતી હતી. લતાને ક્લબ સોંગ્સમાં પડવું નહોતું, પણ ઓપીએ ગીતા પાસેથી ક્લબો છિનવી લીધી ને આશાને સુપ્રિમો બનાવી દીધી... એ જાણવા છતાં કે, ઓપી નૈયરને ફિલ્મોમાં લાવનાર જ ગીતા દત્ત હતી ! એક તબક્કે તો ઓપીની પહેલી ફિલ્મ 'આસમાન'નું સંગીત તદ્દન ફ્લોપ ગયું, ત્યારે બોડીયા-બિસ્તરાં લઇન પંજાબ જતી ટ્રેનમાં બેસી ગયેલા ઓપીને સ્ટેશનેથી પાછા લાવનાર ગીતા દત્ત હતી અને પોતાની પતિની ફિલ્મ 'બાઝ'માં સંગીત અપાવ્યું.

પણ ઓપી નૈયરને આવા મસ્તમધુરા ગીતો આ ફિલ્મમાં આપવા છતાં... વાત આઘાત લાગે એવી છે કે, મારા- તમારા સુધી આ ગીતો કદી પહોંચ્યા જ નહિ. ઓપીને હટાવવા એ વખતના મોટા ભાગના સંગીતકારો (અને એક ગાયિકા) ખાનગીમાં એક થયા હતા અને ઓપીના ગીતો બિનાકા ગીતમાલા કે રેડિયો સિલોન પર ન આવે, એને માટે જ્યાં પૈસા ખર્ચવા પડે (જેને જેને આપવા પડે) તે વહિવટ કરીને રાજ કપૂર-મધુબાલાની ફિલ્મ હોવા છતાં ફિલ્મ 'દો ઉત્સાદ'ના ગીતો ય આપણા સુધી પહોંચ્યા નહિ. દેવ આનંદ-મધુબાલા જેવા મોટા સ્ટાર્સ હોવા છતાં ફિલ્મ 'જાલી નોટા'ના ખૂબસૂરત ગીતો મારા-તમારા સુધી પહોંચવા જ ન દીધા. ઓપીનો રથ પૂરઝડપે આ બધાને રોંદી રહ્યો હતો. અલબત્ત, તમે સાચ્ચે જ મુહમ્મદ રફીના (ઓપી અને આશાના પણ) ચાહક હો, તો ગમે ત્યાંથી આ ફિલ્મ 'બંસત'ના તમામ ૧૪ ગીતોની સીડી બનાવી લેવી જોઇએ. તમામ ગીતો ઓપી- સ્ટાઇલ એટલે કે, 'કાશ્મિર કી કલી' કે 'એક મુસાફિર એક હસિના' બ્રાન્ડની તરવરાટવાળા છે. અફસોસ પણ થશે કે, આટલા સુંદર ગીતો ને એમાં ય આપણે રફીના ચાહક, છતાં ફિલ્મ 'બસંત'ના ગીતો કેમ સાંભળ્યા નહિ ? મસ્તીની વાત એ છે કે, 'બસંત' ના તમામ ગીતો આશા-રફીની તોફાની સ્ફૂર્તિથી ગવાયેલા છે. ઓપીના ય મોટા ભાગના ગીતો યાદ કરો તો એમાં સ્ફૂર્તિ પહેલી આવશે. ગીતના મુખડા કે અંતરામાં ગાયક એકાદ જગ્યાએ ઝટકો મારે, એ સ્ટાઇલ એક માત્ર ઓપીની હતી. રિધમ-સૅક્શનમાં (ઢોલક-તબલાંનો તાલ વિભાગ) એક માત્ર ઓપીએ તાળીઓને અનેક ગીતોમાં રિધમ બનાવી. ઘોડાગાડીના ડાબલાંના ઠેકા ઉપર ઓપી નૈયરે ૪૨ ગીતો બનાવ્યા છે. મતલબ સમજ્યા ? આ ઠેકા બદલ્યા વિના 'જરા હૌલે હૌલ ચલ્લો મોરે સાજના...' કે 'યૂં તો હમને લાખ હંસિ દેખેં હે, તુમ સા નહિ દેખા' જેવા ૪૨ ગીતો ઘોડાગાડીના એકના એક ઠેકા સાથે- લય બદલાવ્યા વિના ગાઇ-વગાડી શકો.

નૂતન અને શમ્મી કપૂરના કજોડાની વાત તો આપણે કરી, પણ એ તો આપણે એવું કાંઇ જોયું નહોતું, એટલે માન્યું. વાસ્તવમાં, અભિનયને લાગેવળગે છે ત્યાં સુધી નૂતનથી બેહતરીન અદાકારા આપણી ફિલ્મોમાં કેટલી આવી, એ કેવળ તમે જાણો છો. તમારી પાસે ય એક-બે નામો પડયા હશે, નૂતનને આ ક્રમમાં પાછળ ધકેલવા માટે પણ એટલું તો તમે ય કબૂલ કરશો કે, નૂતને જે કોઇ ફિલ્મમાં કામ કર્યું છે, એમાં તમે એની અભિનયક્ષમતા માટે નાનકડો વાંધો ય કાઢી ન શકો. કબૂલ કે, મધુબાલા કે મીનાકુમારી જેવું મારકણું રૂપ એની પાસે નહોતું, પણ એ ય ઓછી સુંદર નહોતી. કિશોર કુમાર સાથેની ફિલ્મ 'દિલ્લી કા ઠગ'માં આવી પૂજનીય અભિનત્રીએ વન-પીસ સ્વિમિંગ- કૉસ્ટયુમ પહેર્યો હતો એ જમાનામાં ત્યારે હો-હા બહુ થયેલી. આ ફિલ્મ 'બસંત'માં એણે એવું કાંઇ પહેર્યું તો નથી, પણ ફિલ્મના રોલ મુજબ એને મૉડર્ન ગર્લ બતાવવાની હતી, એટલે પેલા 'દિલ્લી કા ઠગ'વાળા ફોટા અહીં ખપ પડે વાપરવામાં આવ્યા છે. પણ, આવા તોફાની ઍક્ટર સામે તોફાની રોલમાં (અને તે પણ પાછી ફિલ્મ ફાલતુ...!!!!) નૂતને ઘણું ઊંચા ગજાંનું કામ કર્યું છે. પરફૅક્ટ હાવભાવની એ મહારાણી હતી, તો આ બાજુ શમ્મી કપૂર પણ એને પ્રારંભમાં મળેલી ફિલ્મોને કારણે 'અન્ડરરૅટેડ' રહ્યો, એટલે કે એક અદાકાર તરીકે એનું મૂલ્યાંકન ઇન્ડિયાના ઍલ્વિસ પ્રેસલી જેવું ડાન્સિંગ-હીરોનું રહ્યું, જે સદંતર ખોટું હતું. ગમે તેમ તો ય, એ પૃથ્વીરાજ કપૂરનો દીકરો અને રાજ કપૂરનો ભાઈ હતો...સીધેસીધો હીરો નહોતો બન્યો, 'પૃથ્વી થીયૅટસર્સ'ના 'દિવાર'ને 'પઠાણ' જેવા અનેક નાટકોમાં કામ કરીને આવ્યો હતો. ઍક્ટર તરીકે એ કેટલો ગ્રેટ હતો, એ જોવું હોય તો ફક્ત 'બ્રહ્મચારી' જ નહિ, 'ઉજાલા' અને 'અંદાઝ' જેવી પણ એની ફિલ્મો જુઓ. ફિલ્મ પ્રોફેસર અને 'જંગલી' પણ અભિનયક્ષમતાની દ્રષ્ટિએ કોઈ સામાન્ય ફિલ્મો નહોતી. કમનસીબે, ભારતના ફિલ્મચાહકોને 'ઍક્ટિંગ' વિશે બે વાક્યો બોલવાના આવે, એટલે ત્રણ જ નામો બોલતા આવડે. હું તો અંગત રીતે, શશી કપૂરને ય ઊંચા દરજ્જાનો ઍક્ટર માનું છું...જો તમે એની ફિલ્મ 'કલયુગ' જોઇ હોય તો !

બધા હવે તો કબુલ કરે છે કે, પ્રાણ સાહેબથી વધુ અસરકારક વિલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બીજો કોઇ થયો નથી. માથે ખોટા વાળની વિગ પહેરતા તો એ બહુ પાછલી ફિલ્મોમાં થયા, નહિ તો થોડા પણ અસલી વાળમાં ય એ બહુ ખુબસુરત લાગતા હતા. શરીરને પરફૅક્ટ મૅચ થાય એવા કપડાં પ્રાણ જેટલા તો બહુ ઓછા હીરોને સૂટ થતા હતા. અદાકાર તો બેનમૂન પણ અંગત જીવનમાં ય પ્રાણ સાહેબ જેવા સજ્જનો આ ફિલ્મનગરીએ બહુ ઓછા જોયા છે.

પણ જ્હૉની વૉકર (મૂળ નામ, 'બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી')ને એક સુપર્બ કૉમેડિયન તો માનવો પડશે. ઇન્દોરમાં જન્મેલા જ્હૉની વૉકર બીજા ૯-ભાઈ-બેન હતા...(''જીયો મેરે લાલ...'') પણ ગરીબનો દીકરો હોવાથી નાનપણથી જ એણે બસ-કન્ડક્ટર, આઇસ-કૅન્ડી કે ફ્રૂટની લારીઓ ફેરવી. કૉમેડીમાં મેહમુદનો તો કોઇ સાની નથી-જ્હૉની વૉકર પણ નહિ, તેમ છતાં ય, પબ્લિકને હસાવવા માટેની એની ટીપિકલ સ્ટાઇલ હતી, તે લાજવાબ હતી...ખાસ કરીને, ડાયલૉગ્સમાં વચ્ચે વચ્ચે બહુ અસરકારક રીતે ઇંગ્લિશ શબ્દો ગોઠવી દેવાની. જેમ કે, આ ફિલ્મ 'બસંત'ના એક દ્રષ્યમાં પબ્લિકને ઊલ્લુ બનાવવાના ધંધામાં એ પડયો છે. ફૂટપાથ પર પબ્લિક ભેગું કરીને સફેદ વાળ કાળા કરવાની એ દવા વેચે છે, જે લગાડતા જ, માથે હોય એ વાળે ય ઉતરી જાય. એક ગ્રાહકના વાળ ઉતરી જતા એ ખીજાયો ત્યારે જ્હૉની કહે છે, ''જબ તક યે સફેદ બાલ, યાને કી પુરાની ક્વૉલિટી કા માલ નીકલેગા નહિ, તબ તક નયા માલ આયેગા કૈસે ?'' બહુ ઓછાને ખબર હશે કે, જ્હૉની વૉકર ફિલ્મ ઍક્ટ્રેસ શકીલાની બહેન નૂરને પરણ્યો હતો. ગુરૂદત્તની જ ફિલ્મ 'આરપાર'ના ગીતા-રફીના ગીત 'અરે ના ના ના ના મેરી તૌબા, તૌબા કાયકુ કરતા...' ગીત જ્હોનીએ એની પત્ની નૂર સાથે ફિલ્મમાં ગાયું હતું. નવાઇ લાગે પણ જીંદગીભર દારૂડીયાની ઍક્ટિંગ કરનાર જ્હૉનીએ જીંદગીમાં શરાબ ચાખ્યો પણ નહતો. જોવાની ખૂબી એ છે કે, મેહમુદને ફિલ્મોમાં લાવનાર જ્હૉની વૉકર, પણ બન્ને વચ્ચે કદી બન્યું નથી, છતાં ય મેહમુદની સગી બહેન મીનુ મુમતાઝ અને જ્હૉની વૉકરની જોડી અનેક ફિલ્મોમાં ચમકી હતી.

ફિલ્મના અન્ય કલાકારોમાં ફિલ્મ 'પાકીઝા'માં સાપવાળા દ્રષ્યનો વૉચમૅન જગદિશ કંવલ પુરાણો વિલન હતો. અત્યંત કદરૂપો ચહેરો હોવાને કારણે એને આવા રૉલ આસાનીથી મળી રહેતા. આવો જ બીજો ચરીત્ર અભિનેતા ઉમા દત્ત હતો. યાદ હોય તો ખૂબ લાંબો-પહોલો, સફેદ વાળવાળો અને બૅઝ-વૉઇસને કારણે ઉમાદત્ત પોલીસ-ઈન્સ્પૅક્ટરના રોલ કે ગુંડામાં ઘણો ચાલ્યો. ફિલ્મ 'બસંત'ની શરૂઆતમાં જે કરોડપતિનો જગદિશ કંવલ રૂ. ૯-લાખનો હાર મારે છે અને એ બચાવનાર શમ્મી કપૂરને પોતાના બંગલે બોલાવીને રૂ. ૧,૦૦૦/-ના ઈનામની ઑફર કરે છે, તે ખૂબ પીઢ અભિનેતા ગુજરાતી વિઠ્ઠલદાસ પાંચોટીયાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. એમની દીકરી શ્રદ્ધા પાંચોટીયાએ પણ થોડી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. કમ્મો અને કક્કુ બન્ને ડાન્સરો હતી, પણ કક્કુ ફિગરની દ્રષ્ટિએ ખપાટીયું હતું, જ્યારે કમ્મો ભરાવદાર શરીરને કારણે ઘણી કામુક લાગી શકતી.

ફિલ્મની વાર્તામાં તો ફિલ્મ બનાવનારા કે એમાં કામ કરનારાઓ ય બહુ પડયા નથી, છતાં ય આટલી ઘટીયા ફિલ્મ શેની ઉપર હતી, એ બતાવવા એના અંશો જોઇ લઇએ, એટલે આપણે છુટા : નોકરીની તલાશમાં શમ્મી કપૂરને, ઘેરથી ભાગી છુટેલી કરોડપતિ બાપની મૉડર્ન દીકરી નૂતનનો ભેટો થાય છે, જે નાલાયક પ્રાણના પ્રેમમાં હોય છે. ભાગમભાગીમાં નૂતન પાછી પ્રાણને પડતો મૂકીને શમ્મી કપૂરને પ્રેમ કરવા લાગે છે. વચમાં ખિસ્સાકાતરૂ જ્હૉની વૉકર ફિલ્મની વાર્તાની કોઇ જરૂરત વગર આખી ફિલ્મમાં આવતો-જતો રહે છે. છેલ્લે વિલન અને હીરોની મારામારી અને હીરો-હીરોઇન ભેગા થઇને ફિલ્મ પૂરી કરે છે.

28/03/2014

'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)

ફિલ્મ : 'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)
નિર્માતા : બિંદુ કલા મંદિર
દિગ્દર્શક : મુહમ્મદ હૂસેન
સંગીતકાર : ઓપી નૈયર
ગીતકારો : સાથેના બૉક્સ મુજબ
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ : ૧૨૩ મિનટ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : ફિરોઝ ખાન, મુમતાઝ, હૅલન, બેલા બૉઝ, બ્રહ્મ ભારદ્વાજ, શેટ્ટી, મોહન શેરી, રાજન કપૂર, રાજન હકસર, ટુનટુન, રામ મોહન, ઉમા દત્ત અને પહેલી વાર સ્વ. રૂપેશ કુમાર.



ગીતો
૧.... યાર બાદશા, યાર દિલરૂબા, કાતિલ આંખોવાલે..... આશા ભોંસલે
૨.... તેરા નિખરા નિખરા ચેહરા, ઉસ પર ચમકે...... આશા-કમલ- બારોટ-મહેન્દ્ર
૩.... ચાહો તો જાન લે લો, માલિક હો જીંદગી કે......... આશા ભોંસલે
૪.... જાને-તમન્ના કયા કર ડાલા આંચલ મેં મુસ્કાકે...... આશા-મહેન્દ્ર કપૂર
૫.... ધડકા તો હોગા દિલ જરૂર, કિયા તો હોગા તુમને પ્યાર.... આશા-કમલ-મહેન્દ્ર
૬.... નદી કા કનારા હો, પાની આવારા હો, સાથ કોઇ પ્યારા હો.... આશા ભોંસલે
ગીત નં. ૧ અને ૨ -શેવન રિઝવી, ૩-૪, શમ્સ-ઉલ-હુદા બિહારી, ૫-અઝીઝ કશ્મિરી અને ગીત નં. ૬ વર્મા મલિક

આ જરા મઝા કરાવી લે એવી હકીકત હિંદી ફિલ્મોના શોખિનો માટેની છે કે, લગભગ ૧૯૬૬-ની સાલ સુધીમાં આપણા જમાનાના તમામ સંગીતકારોની કરિયર ખતમ થઇ ચૂકી હતી. હયાત હતા, એ પણ કોઇ મોર મારી શકતા નહોતા...ઓન ધ કૉન્ટ્રારી, એમની આબરૂ જાય એવું સંગીત આ સમયગાળા પછીની તેમની ફિલ્મોમાં આપવા માંડયું હતું. પણ ઓપી નૈયરનો રથ સંગીતની રણભૂમિ પર તોખારની જેમ હણહણતો દોડતો રહ્યો. એમની કરિયરમાં કદી સૂર્યાસ્ત આવ્યો જ નહિ. આશા ભોંસલેએ સાથ છોડી દીધા પછી એ સમાપ્ત ચોક્કસ થઇ ગયા, પણ '૬૬ના સમયગાળા પછી આશા સાથેનું તોતિંગ ગઠબંધન હજી તગડું ચાલે જતું હતું. ઓપી પ્રયોગ ય કરતા. આ જ ફિલ્મના બે ગીતો 'ચાહો તો જાન લેલો...' અને 'જાને તમન્ના ક્યા કર ડાલા...' ઓપીએ ગાયકોને કોઇ સૂર આપ્યા વિના સીધા જ શરૂ કરાવ્યા છે. અને '૬૭ની સાલમાં બનેલી આ ફિલ્મ 'સી.આઈ.ડી. ૯૦૯'માં કેવા તોફાની સ્ત્રી-યુગલો બનાવી દીધા ઓમકાર પ્રસાદ નૈયરે ! એમને એમ એ રિધમ-કિંગ નહોતા કહેવાતા. 'નદી કા કિનારા હો, પાની આવારા હો, સાથ કોઇ પ્યારા હો તો ફિર બેડાપાર હૈ' અને 'ધડકા તો હોગા દિલ જરૂર, કિયા તો હોગા તુમને પ્યાર...' જેવા ગીતોમાં ઢોલક-તબલાંના ઠેકા સાંભળો એટલે તરત આપણા હાથ-પગ હાલવા માંડે ને કબુલ કરવું પડે કે, રિધમ-કિંગ એમને એમ... એટલે કે, કેવળ જુદા જુદા ઠેકા વગાડીને બનાતું નથી...એ ઠેકા સાંભળીને શ્રોતાના હાથ-પગ થિરકવા જોઈએ.

આ ઓપી બી કમ્માલની ચીજ હતી ! એક તો જીવનભર લતા મંગેશકર વગર ચલાવ્યું. '૫૦-ના દશક અને તે પછી પણ શંકર-જયકિશન અને કલ્યાણજી-આણંદજીના 'પૉલિટિક્સ'નો ભોગ બનતા રહેવું પડયું, મોટા ભાગની ફિલ્મોમાં મોટું બૅનર કોઇ નહિ ને સાવ ફાલતુ નિર્માતાઓની અત્યંત ફાલતુ ફિલ્મોમાં ય સંગીત તો 'એક મુસાફિર એક હસિના' કે 'ફિર વો હી દિલ લાયા હૂં' લૅવલનું જ.....અને આશાએ છુટા પડયા પછી ઓપીને બેફામ બદનામ કરે રાખ્યા-સામે એકે ય જવાબ ઓપી તરફથી નહિ, ગીતકાર રાજીન્દર કિશન સાથે ઊભા-બોલવાના ય સંબંધો નહિ, છતાં ય એક ગીતકાર તરીકે દિલ ફાડીને બિરદાવવા, શંકર-જયકિશનના આસિસ્ટન્ટ સેબેસ્ટિયન ઓપીના ય આસિસ્ટન્ટ હતા, તે ખુશ થઇને 'રૉલૅક્સ' જેવી અંબાણીઓને જ પોસાય, એવા મોંઘા ભાવની ઘડિયાળ કાચી સેકંડમાં ગિફ્ટ આપી દેવી.... ને દુશ્મનો ગમે તેટલો અપપ્રચાર કરે, તો ય સામો કોઇ જવાબ નહિ આપવાનો... આ સઘળી ફિતરત ઓપીની હતી. કોક પત્રકારે પૂછેલું પણ ખરૂં કે, આશાજી તમારા માટે પ્રેસમાં આટઆટલી ગાળો ઓકે રાખે છે...તમે સામો જવાબ કેમ નથી આપતા, ત્યારે ઓપીએ એક શહેનશાહની 'ગ્રેસ'ને છાજે એવો જવાબ આપી દીધેલો, 'મારા પિતાશ્રી મને એક સલાહ આપતા ગયા છે, 'Never explain. Your friends don't need it. Your enemies won't believe it.'

એક હવા એવી ય ચાલી હતી કે, ઓપી નૈયરે પાછળથી એવું કબુલ કર્યું હતું કે, પાછલી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરને લઇને મોટી ભૂલ કરી હતી. આ વાત ખોટી છે. અફ કૉર્સ, ઓપીએ કીધા તો હતા આ જ શબ્દો, પણ સંદર્ભ નોખો હતો. 'યે રાત ફિર ન આયેગી'નું મહેન્દ્ર કપૂરે ગાયેલું ગીત સ્વાભાવિક રીતે જ મુહમ્મદ રફી ગાવાના હોય, પણ રફી મક્કા હજ પઢવા ગયા ને આ બાજુ રૅકૉર્ડિંગ સ્ટુડિયોના ભાડાં ચઢતા હતા, એટલે ઓપીએ રફીની રાહ જોવાને બદલે મહેન્દ્ર કપૂર પાસે ગવડાવી લીધું, ('મેરા પ્યાર વો હૈ કિ, મરકરભી તુમકો...') એમાં પાછા આવીને રફી ખૂબ નારાજ થયા ને ઓપી માટે નહિ ગાવાની જાહેરાત કરી બેઠા. કોઇ જીદ પર અડયા વગર ઓપીએ કબુલી લીધું કે, 'મહેન્દ્ર કપૂરને લેવાની એમણે મોટી ભૂલ કરી હતી.' ધૅટ્સ ઑલ....એ આ જ એક ગીત પૂરતી વાત હતી.ઓપી નૈયર એક માત્ર સંગીતકાર એવા હતા, જે હઠપૂર્વક પોતાના ગીતોના અંતરાઓમાં એકની એક ધૂન વગાડતા. બર્મન દાદા બધા અંતરાઓ વચ્ચે અલગ ધૂનો વગાડે. ઓપી કહેતા, 'હું તે કાંઇ ગાન્ડો થઇ ગયો છું કે, એક ગીતમાં ત્રણ-ત્રણ ગીતોની ધૂનો વેડફી નાંખું ?' અલબત્ત, આ ફિલ્મમાં તેમના આસિસ્ટન્ટ જી.એસ. કોહલીએ ફિલ્મના બૅકગ્રાઉન્ડ અને ટાઇટલ-મ્યુઝિકમાં ઉતારાય એટલી વેઠ ઉતારી છે.

જો કે, આ ફિલ્મ વિશે લખવાનું બીજું ય કારણ ખરૂં કે, ફિરોઝ ખાન મારો ગમતો હીરો. મુમતાઝ પણ ખૂબ ગમે. એ બંને એકબીજાના પ્રેમમાં તો હતા, પણ એમના સંતાનો એકબીજાને પરણ્યા, એ ય સારૂં થયું. ફરદીન ખાન અને મુમુની દીકરી નતાશા માધવાણીનો સંસાર સારો ચાલે છે. બહુ ઓછાને ખબર હશે કે, એક સમયનો સામાન્ય વિલન સ્વ. રૂપેશ કુમાર મુમતાઝનો પિતરાઇ ભાઇ થાય. દેખાવડો અને ફૂલગુલાબી ચેહરો ધરાવતો રૂપેશ કુમાર ખાસ તો રાજેશ ખન્નાના 'ચમચા' તરીકે ફિલ્મનગરીમાં વધુ ઓળખાતો. એની ફિલ્મો હતી, 'કલ આજ ઔર કલ', 'અંદાઝ', 'સીતા ઔર ગીતા', 'રામપુર કા લક્ષ્મણ' 'નાગિન', 'દૂસરા આદમી', 'ચાચા ભતીજા' અને 'ધી ગ્રેટ ગૅમ્બલર'. રૂપેશ (થૅન્કસ ટુ મુમતાઝ) આ ફિલ્મના એક ગીત, 'તેરા નિખરા નિખરા ચેહરા..'માં ફૂટપાથીયા હાર્મોનિયમવાદક તરીકે આવે છે.

એની બધાને ખબર છે કે, 'શોલે'વાળો 'કાલીયો' વિજુ ખોટેનો સગો ભાઇ થાય, પણ એ બહુ ઓછાને ખબર હોય કે, બંને ટિવન્સ હતા.

ઇન ફૅક્ટ, એ જમાનામાં ફિરોઝ, સંજય, સમિર અને અકબર, 'ખાન બ્રધર્સ ઑફ જૂહુ'ના નામે પ્રખ્યાત હતા. એમને એક ચોથો ભાઇ શાહરૂખશાહ ખાન અને એક બહેન દિલશાદ બીબી પણ હતા. ખુદાએ આંખ મીંચીને ખૂબ પૈસો આપ્યો હતો. એક સમિરખાનને બાદ કરતા ત્રણે ભાઈઓ ડૅશિંગલી હૅન્ડસમ હતા. સમિર ખાન મીના કુમારીવાળી ફિલ્મ 'ગોમતી કે કિનારે'નો હીરો હતો, પણ પ્રેક્ષકોમાં અક્કલ ખરી કે, એને ચાલવા ન દીધો. ફિરોઝ બહુ વહેલો ફિલ્મોમાં આવી ગયો હતો. અશોક કુમારની જેમ એ પણ ઍન્ટી-હીરોના રોલ વધુ કરતો...અથવા કરવા પડતા. હૅન્ડસમ ખરો, પણ ચેહરામાં જરીક જરીક ખલનાયકપણું દેખાય ખરૂં, એટલે ગુરૂદત્ત-માલા સિન્હાની ફિલ્મ 'બહુરાની' કે રાજેશ ખન્ના-શર્મીલા ટાગોરની ફિલ્મ 'સફર'માં એ ઍન્ટી-સાઇડ હીરો તરીકે વધુ ચાલ્યો. એણે પોતે બનાવેલી ફિલ્મો 'અપરાધ', 'ધર્માત્મા' અને 'કુરબાની'માં નિર્માતા તરીકે પણ ખૂબ કમાયો. બાકીની ફિલ્મોમાં વાળ ઉતરી જવાથી દરેક ફિલ્મોમાં ઇંગ્લિશ હૅટ કે ફેડોરા-કૅપ પહેરીને જ આવવું પડતું, એમાં પ્રેક્ષકોએ માફ ન કર્યો. યસ. એક વાત ફિરોઝ ખાનની (જન્મ : ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ મૃત્યુ : ૨૭ ઍપ્રિલ, ૨૦૦૯) પ્રણામ સાથે સ્વીકારવી પડશે. એને પાકિસ્તાન બોલાવવામાં આવ્યો અને તમે તો જાણો જ છો કે, ત્યાં ભારત વિરોધી ઝેર ઓકવાનું સદીઓથી ચાલુ રહ્યું છે એ મુજબ, એને ય પૂછવામાં આવ્યું કે, ભારતમાં મુસલમાનોની દશા કેમ આટલી બધી ખરાબ છે ? ત્યારે એક સાચ્ચા ભારતીય મુસલમાનને છાજે એમ એ ત્યાં ઝગડી પડયો હતો કે, કમ-સે-કમ, પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમો વધુ સુખી છે. ત્યાં એને મોટો ફિટકાર પણ મળ્યો, ભારતની તરફેણ કરવા બદલ, પણ એ પોતાની સમજ ઉપર કાયમ રહ્યો. (પાકિસ્તાન તરફથી આવો ફિટકાર પ્રણામયોગ્ય ગાયક મુહમ્મદ રફીને પણ મળ્યો હતો, હિંદુઓના ભજનો તેમજ ભારતના દેશભક્તિના ગીતો ગાવા બદલ. પાકિસ્તાને તો રફી ઉપર ત્યાં પ્રવેશવાનો આજીવન પ્રતિબંધ પણ મૂકી દીધો હતો.) અહીં આપણે પાકિસ્તાનથી આવતા કલાકારોનું કેવું ભાવભીનું સન્માન કરીએ છીએ, એ વાત જુદી છે. આ જ બાબતે શિવસેના પ્રચંડ વિરોધ કરતી રહી છે. ફિરોઝની દીકરી લયલા ભારતના ટૅનિસ-સ્ટાર રોહિત રાજપાલને પરણી ને છુટાછેડા લીધા પછી એ ફરહાન ફર્નિચરવાલાને પરણી, જે લયલાના ભાઈ ફરદીનને પસંદ નહોતું, એમાં એક ફાઇવ-સ્ટાર હૉટેલમાં સાળા-બનેવી રીતસર હાથોહાથની મુક્કાબાજીમાં આવી ગયેલા... 'વૈસે ભી ખાનોં કા ખૂન ગર્મ હી હોતા હૈ...!' ફિરોઝ પરણ્યો તો હતો સુંદરી ખાનને, પણ પોતાની દીકરીની ઉંમરની પાકિસ્તાની ગાયિકા નાઝીયા હસનના એકતરફા પ્રેમમાં પડી જઈને બહુ બદનામ પણ થયો. નાઝીયા કૅન્સરમાં ગૂજરી ગઈ. 'કુરબાની'નું એણે ગાયેલું, 'આપ જૈસા કોઇ મેરી ઝીંદગી મેં આયે, તો બાત બન જાયે..' હિંદી ફિલ્મોનું એ જમાનાનું કલ્ટ-સૉન્ગ બન્યું હતું. હૉલીવૂડની કાઉબૉય ફિલ્મો એ તેના હીરોની નકલ કરી કરીને ફિરોઝે પોતાને બૉલીવૂડના ક્લિન્ટ ઇસ્ટવૂડ તરીકે જાતે ને જાતે ઓળખાવાનું નક્કી કર્યું. એ વાત જુદી છે કે, ક્લિન્ટ ઇસ્ટવૂડે પોતાને હૉલીવૂડના ફિરોઝ ખાન તરીકે માન્યતા મળે, એ માટે મુંબઇ નગરપાલિકામાં કોઇ અરજી કરી નહોતી. મુમતાઝને કૅન્સર છે. નાયરોબીમાં રહે છે, પણ મુંબઇ આવવા-જવાનું નિયમિત છે. ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'માં ફિરોઝે આંખ મીંચીને જૅમ્સ બૉન્ડની સ્ટાઇલો કે મૅનરિઝમ્સ પકડવાનો બેહૂદો પ્રયાસ કર્યો હતો. જેણે બૉન્ડની ફિલ્મો જોઇ હશે, એમને યાદ હશે કે બૉન્ડ એના બૉસ 'એમ'ની ઑફિસમાં દાખલ થાય ત્યારે બૉસની બહાર બેઠેલી સેક્રેટરી મીસ મનીપૅની સાથે ફલર્ટ કરતો આવે. ફિરોઝભાઈ પણ આવું કરે છે. પિસ્તોલ પકડવાની સ્ટાઇલથી માંડીને અનેક અદાઓ સીધી શૉન કૉનેરીની ઉઠાવવાની. (આપણે ત્યાં દાયકાઓ સુધી 'સીન' કૉનેરી બોલાતું રહ્યું, જેનો ખરો ઉચ્ચાર 'શૉન' છે....શૉન કૉનેરી') અહીં તો ફિરોઝ ખાન ગુંડાઓને પકડવા એમની પાછળ દોડે છે ત્યારે મેહસાણાના બસ સ્ટેશન ઉપર સિધ્ધપુરની બસ પકડવા દોડતો હોય, એવો બેહૂદો લાગે છે.

આઘાતની વાત એ છે કે, ફિલ્મમાં હૅલનને એકે ય ડાન્સ જ આપવામાં આવ્યો નથી. ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'ની વાર્તા-ફાર્તા માટે તો મોંઘા ભાવના પૅરેગ્રાફ્સ બગાડાય એવા નથી. ફિલ્મને ફાલતુ કહેવાનો ય કોઇ અર્થ નથી, કારણ કે '૬૦ના એ જમાનામાં આવી ફિલ્મો મસ્તીથી જોનારો એક વર્ગ હતો, જે હીરો વિલનને 'ઢીશુમ' બોલીને એક ફેંટ મારે તો ઘેર ગયા પછી ય ખુશ રહેતો પ્રેક્ષકોનો વર્ગ આવી ફિલ્મો જ વધુ માણતો. એ લોકોને ફિરોઝ ખાનની આખી કરિયરની સર્વોત્તમ ફિલ્મ 'ઊંચે લોગ' (દાદામોની અને 'જાની' રાજકુમાર સાથેની ફિલ્મ) સહેજ પણ ન ખપે. કબુલ તો એ ય કરવું પડે કે, ફિરોઝ કોઇ ગ્રેટ ઍક્ટર પણ નહોતો કે, એને સામાજીક અને હેતુલક્ષી ફિલ્મો મળે.

'સીઆઇડી-૯૦૯'ની બીજી કૉમેડી એ હતી કે, આમ બીજી ફિલ્મોમાં જેમના કોઇ ચણા ય ન આવતા હોય, એવા ફાલતુ ઍક્ટરોને અહીં મૅઇન-વિલનોના રોલ મળ્યા છે. મોહન શેરીને (આપણા જમાનાના ચાહકોએ) જોયો હોય, પણ એટલો નહિ કે મોહન શેરી નામ યાદ રહી જાય....એ સાલો અહીં મૅઇન વિલન. ઘણો સ્થૂળકાય છતાં ગુંડાની પર્સનાલિટીમાં ફિટ બેસી જાય એવો રાજન કપૂર અહીં સીઆઇડી ચીફના રોલમાં છે, બોલો ! બ્રહ્મ ભારદ્વાજને તો એના પર્મેનૅન્ટ પૂણી જેવા સફેદ વાળને કારણે આવી ફિલ્મોમાં સાયન્ટિસ્ટનો રોલ જ મળે. આજના મશહૂર ફિલ્મ નિર્માતા મનમોહન શેટ્ટીના ટાલીયા અને કાળીયા પિતા 'શેટ્ટી'ને પણ અહીં કામ મળ્યું છે. ફિરોઝ ખાનનો બૉસ બનતો ઊંચો તાડ જેવો પણ ખરબચડા ચેહરાવાળો વિલન ઉમા દત્ત અહીં સી.આઇ.ડી.નો બૉસ બની ગયો છે, એ ફિલ્મ કેવી હોય ?

બેલા બૉઝ '૬૦ના દાયકાની ફિલ્મોમાં બહુ ચાલી હતી. ક્યાંક તો એ આશા પારેખની ડૂપ્લિકૅટ પણ લાગે, એવી સુંદર તો હતી, પણ ડાન્સર તરીકે વધુ સારી, એટલે ફિલ્મો બહુ મળી. હૅલનની હરિફાઇમાં એ જમાનામાં બેલા બૉઝ ઉપરાંત મધુમતિ પણ ખરી, પણ જરા હૅલનની ગ્રેસ તો જુઓ....બેલા હોય કે મધુમતિ હોય, કોઇ હૅલનને પોતાની સમકક્ષ નહોતી ગણતી. ભરપૂર આદર સાથે એ બધીઓ હૅલનનો લિહાજ રાખતી. પ્રોફેસર, આમ્રપાલી, શિકાર, ઉમંગ, યે ગુલિસ્તાં હમારા, દિલ ઔર મુહબ્બત કે વહાં કે લોગ અને 'જય સંતોષી મા' જેવી ફિલ્મોમાં કામ કરનાર બેલા એ જમાનાના ધાર્મિક ફિલ્મોના હીરો ('જય સંતોષી માં'ના જ હીરો) આશિશ કુમારને પરણી ગયા પછી ફિલ્મો છોડી દીધી. આ બંગાળી અભિનેત્રી એક વ્યક્તિ તરીકે ઉમદા હતી. આટલી ધકધક કરતી સુંદરતા છતાં કોઇ હીરો-બીરો સાથે એનું લફરૂં થયું નથી. જીતેન્દ્રની ફિલ્મ 'જીને કી રાહ'માં જીતુની બહેન તરીકે રોલ સારો હતો. છેલ્લે તો એ 'મોરે મન મિતવા'માં દેખાણી હતી. આ ફિલ્મનું મુબારક બેગમે ગાયેલું એક ગીત જૂના ગીતોના ચાહકો માટે તો ક્લૅકશનનું ગીત છે, 'મેરે આંસુઓં પે ન મુસ્કુરા, કઇ ખ્વાબ થે જો બદલ ગયે...'

હજી એક વાર કહી શકું. 'સીઆઇડી ૯૦૯' તદ્દન ફાલતુ ફિલ્મ હોવા છતાં જોઇ નાંખવામાં ખોટ એટલે નહિ જાય કે, ઓપીના રસઝરતા ગીતો હરમાન માસ્તર અને કિરણકુમારે કોરિયોગ્રાફીમાં બેલા બૉઝ અને ખુદ મુમતાઝના ડાન્સ સાથે પરફૅક્ટ મૅચ થાય છે.