Search This Blog

Showing posts with label amol palekar. Show all posts
Showing posts with label amol palekar. Show all posts

05/12/2015

'રજનીગંધા' ('૭૪)

રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેંકે યૂં હી જીવન મેં....
કઇ બાર યૂં ભી દેખા હૈ, યે જો મન કી સીમારેખાહૈ.....

ફિલ્મ : 'રજનીગંધા' ('૭૪)
નિર્માતા : સુરેશ જીંદલ
દિગ્દર્શક : બાસુ ચૅટર્જી
સંગીત : સલિલ ચૌધરી
ગીતકાર : યોગેશ ગૌડ
રનિંગ ટાઇમ : ૧૨-રીલ્સ
સિનેમા : ??????????? (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, વિદ્યા સિંહા, દિનેશ ઠાકૂર, રંજીતા ઠાકૂર, માસ્ટર ચીકુ, રાજપ્રકાશ, ગોપાલ દતીયા, અંજલિ ઘોષ, અશોક સુરી, વીણા ગૌડ, જેમિની કુમાર, મંજૂ મૈની અને ફિરોઝા કપૂર.




ગીતો
૧. કઇ બાર યૂં ભી દેખા હૈ, યે જો મન કી સીમારેખા હૈ.... મૂકેશ
૨. રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેંકે યૂં હી જીવન મેં.... લતા મંગેશકર

અમોલ પાલેકર એ જમાનામાં-એટલે, સમજો ને, '૭૦-ના દાયકામાં ઘરઘરમાં લોકપ્રિય થઇ ગયો હતો. કારણ ચોખ્ખું હતું. હિંદી ફિલ્મોમાં પહેલી વાર કોઇ હીરો 'આપણા જેવો' મિડલ-કલાસનો આવ્યો હતો (જેને ઇંગ્લિશમાં The boy next door કહે છે.) અને તે પણ આપણા જેવો જ નોકરિયાત. ગાંધીનગર જતી બસમાં કોક દિવસ જવા જેવું છે. સરકારી કર્મચારીઓથી ભરેલી બસમાં પોતપોતાના ખાતાઓ અને સ્ટાફમાં ચાલતા પૉલિટિક્સ સિવાય બીજી ચર્ચા જોવા ન મળે. અત્યાર સુધીની ફિલ્મોના હીરો આપણાં માનવામાં ન આવે, એવા શક્તિશાળી અને પ્રભાવશાળી હતી, જેને ઇંગ્લિશમાં Larger than life કહે છે. ધર્મન્દ્ર એક સાથે ૫૦-ગુંડાઓને એકલે હાથે ધોઇ નાંખે, અમિતાભ પોતાની લાંબી એક ટાંગ વડે અમરિશ પુરીના જડબામાં એવી લાત મારે કે આટલા પ્રહારમાં અમરીશ ૪૦-ફૂટ દૂર ફેંકાઇ ગયો હોય.

આવી કલ્પનાતીત ફિલ્મો કરતા કોઇ જુદો રંગ બાસુ ચૅટર્જી લઇ આવ્યા ફિલ્મ 'રજનીગંધા'માં. અપેક્ષા નહોતી કે આટલા લૉ-બજેટની ફિલ્મ આટલી બધી હિટ જશે...ગઇ, એટલે આ જ જોડીને ફિલ્મ 'છોટી સી બાત' માં રીપિટકરી અને એનાથી ય વધુ ઉપડી. વાત એ જ હતી....અમોલ પાલેકર મારા-તમારા જેવો સિમ્પલ હીરો, ઇવન કપડાં પણ આખી બાંયનું બટન બીડેલું ઇન્સર્ટ કર્યા વગરનું શર્ટ નીચે, ચંપલ મુસાફરી બસમાં અને પ્રેમિકા સાથે ય વાતો ઑફિસમાં ચાલતા પૉલિટિક્સ અને યુનિયનબાજીની.

પ્રેક્ષકોને અમોલમાં પોતાના દર્શન થવા લાગ્યા. ઋષિકેશ મુકર્જી તો આવા બૅકગ્રાઉન્ડની જ ફિલ્મો પહેલેથી ઉતારતા હતા, ચાહે હીરો રાજ કપૂર (ફિલ્મ 'અનાડી') કેમ ન હોય ? પણ બાસુ ચૅટર્જી-અમોલની જોડીની આ સફળતાએ ઋષિ દા ને પણ આવા જ પ્લૅટફૉર્મ્સ પર ફિલ્મો ઉતારવાના લખલખાં ઉપડયા, પરિણામે 'ગોલમાલ', 'રંગબિરંગી,' ''બાતોં બાતોં મેં'' જેવી ફિલ્મો બીજા ય ઉતારવા માંડયા.

એમ તો અમોલ પોતે પણ જાણતો હતો કે, આવી ફિલ્મો અને આવા હીરો હિંદી ફિલ્મોમાં બહુ લાંબુ ચાલવાના નથી. પ્રેક્ષકોને તો એ જ ઢીશુમ-ઢીશુમવાળી ફિલ્મો જ ગમે. હીરો ઊડતા વિમાનમાંથી સીધો ૧૨૦-કી.મી.ની સ્પીડે હાઇ-વે પર દોડતી ટ્રકમાં ભૂસકો મારીને હીરોઇનને બચાવી લે, એવું અમોલ આપી શકે એમ નહતો. થોડી ઘણી આવી ફિલ્મો કર્યા પછી અમોલ પાલેકર જાતે જ '૮૬માં નિવૃત્ત થઇ ગયો અને હીરોને બદલે ફિલ્મ સર્જક બની ગયો.

ફિલ્મ 'રજનીગંધા' સાહિત્યકાર લેખિકા મન્નુ ભંડારીની સુપ્રસિદ્ધ નવલકથા 'યે હી સચ હૈ' ઉપરથી બની છે. બાસુ દા ને કારણે ફિલ્મ સારી બની છે એમ ચોક્કસ કહેવાય, પણ ફિલ્મની વાર્તા બાબતે સવાલો ઉઠવા જોઇએ. વાર્તા સારી હોવા છતાં એનો અંત ગળે ઉતરે એવો નથી. જૂના (દિનેશ ઠાકૂર) અને હાલના (અમોલ પાલેકર) પ્રેમીઓ વચ્ચે ઝોલાં ખાતી હીરોઇનની દુવિધા સમજી શકાય અને વર્ષો પછી અચાનક મળી ગયેલા જૂના પ્રેમીને હીરોઇન મનથી પોતાનો માની લે અને હાલના પ્રેમીના કોઇ દેખિતા કે વગર દેખિતા દોષ વિના પડતો મૂકવાનો વિચાર પણ હીરોઇન વિદ્યા સિંહાને આવે, એમાં વાર્તા લેખિકાએ સ્ત્રી ચરીત્રને અભડાવ્યું છે. નવા કે જૂનામાં કોઇ નુક્સ દેખાય અને પડતો મૂકે, એ સમજી શકાય, પણ અમોલને છોડીને વર્ષો પછી મળતા દિનેશ ઠાકૂર સાથેના જૂના પ્રેમના સંસ્મરણો વિદ્યાને પરણવા સુધીની કક્ષાએ લઇ જાય, એ જરા વધુ પડતું છે. આ લેખ વાંચતી સ્ત્રીઓને ય પોતાનો ભૂતકાળ હોઇ શકે અને અચાનક ક્યારેક જૂનો પ્રેમી મળી જતો હશે, તેથી કાંઇ હાલના પ્રેમી (કે પતિ)ને કોઇ કાઢી મૂકતું નથી. અને દરેક તબક્કે વિદ્યાનો જૂનો પ્રેમ દિગ્દર્શકે જસ્ટિફાય કરવાનો પ્રયત્ન કેમ કર્યો છે, તે સમજાતું નથી. વાર્તા લેખિકા ઉપરથી માન તો ત્યારે ઉતરી જાય છે કે, મુંબઈ ગયેલી વિદ્યા દિલ્હી પાછી આવે છે, ત્યાં સુધી દિનેશના નક્કર પ્રેમમાં ડૂબેલી છે અને એ જ ઘડીએ અમોલ પાછો આવતા લેવા-દેવા વગરની દિનેશને ભૂલીને પાછી અમોલની થઇ જાય છે. અહીં તો લેખિકાએ સ્ત્રીઓ ઉપર પુરૂષે કદી વિશ્વાસ ન મૂકવો, એવો સંદેશો આપ્યો છે....અમારા ખાડીયાની ભાષામાં બોલે તો કહેશે કે બોલે છે, પણ આ તો કાંઇ 'બાપાનું રાજ છે ?'

ફિલ્મ બહુ ટૂંકી (૧૨-રીલ્સની) બનાવી છે, એ સારૂં થયું છે. બાસુ દા મૂળ હ્યૂમરના માણસ એટલે એમની ફિલ્મોમાં નાનાનાના ચમકારા તો આવતા રહેવાના (એ પોતે ય એક કૅમિયો રોલમાં દેખાયા છે. પોતાના ફૅમિલી સાથે ફિલ્મ જોવા બેઠેલી વિદ્યાની બાજુમાં બાસુ ચેટર્જી પોતે બેઠા છે ને એમની બાજુમાં અમોલને બેસાડયો છે.) ફિલ્મની પટકથા ઉપરાંત સંવાદો એમણે લખ્યા છે. એક દ્રષ્યમાં વિદ્યાના ભાભી અમોલને પૂછે છે કે, તું વિદ્યા સાથે લગ્ન કરવાનો છું કે નહિ તે કહી દે, જેના જવાબમાં અમોલ નાટકીય અંદાજથી કહે છે, 'હું કેવળ વિદ્યા સાથે જ લગ્ન કરીશ...સિવાય કે બીજી કોઇ મળી જાય !'

પણ સલિલ ચૌધરીના સિમ્પલી આઉટ-ઑફ-ધ-વર્લ્ડ સંગીત અને લતા મંગેશકરના આટલા મધૂરા ગીત 'રજનીગંધા ફૂલ તુમ્હારે...' વખતે ચાલુ ગીતે નાનકડો બાબો આવીને વાર્તા કહેવાની માંગણી કરે, 'આન્ટી, મુઝે તોતે ઔર બંદરવાલી કહાની સુનાઓ, ના !' ને પેલી ના પાડે, એ અધૂરા ગીતે અટકચાળો કરવાની ક્યાં જરૂરત હતી ? વિદ્યાના પાત્રાલેખનમાં કે વાર્તા સાથે આ અટકચાળો થોડો ય સુસંગત નથી. ભારતભરમાં આજે પણ ગવાતું મૂકેશનું, 'કઇ બાર યૂં ભી દેખા હૈ...' પણ લતાના ગીતની જેમ પ્લેબૅકમાં ગવાયું નથી. એવી જ રીતે, અમોલને મિડલ-કલાસનો બતાવે, એમાં એકનું એક શર્ટ ૩-૪ જુદા જુદા દ્રષ્યોમાં શું કામ પહેરાવવું જોઇએ ? સામાન્ય નોકરિયાતો ય આવું કરતા નથી. મૂકેશને આ ગીત માટે સર્વોત્તમ ગાયકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એમ તો ફિલ્મફૅરનો શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ હીરોનો ઍવૉર્ડ આ ફિલ્મ માટે મળ્યો હતો. પણ આંખ કરતા ય મનને વધુ ખટકે છે વિદ્યા સિંહાના જૂના પ્રેમી તરીકે સ્વ.દિનેશ ઠાકૂરનું કાસ્ટિંગ ! દિનેશ દેખાવમાં માની ન શકાય એટલો ફાલતુ લાગે, એવા કપડાં પહેરે અને ચીતરી ચઢે એવા લાંબા વાળ રાખે, એમાં પ્રેક્ષકો તરફથી દિનેશના પાત્રને થોડી ય સહાનુભૂતિ મળતી નથી. દેખાવમાં એ અમથો ય સાઇડ હીરોને બદલે વિલન જેવો વધુ લાગે છે. અમોલ જેવા હૅન્ડસમ હીરોની સાથે સેકન્ડ હીરો પણ અમોલથી ચઢીયાતો નહિ તો એના જેવો હોવો જોઇએ, જેથી દર્શકોને પણ વિદ્યાની અસમંજસ સમજાય, 'મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં....?'

યસ. '૭૦-ના દશકમાં યુવાનો લાંબા વાળ રાખતા અને તે પણ કોઇ પણ બાજુથી ટ્રીમ કર્યા વગરના. બસ, વાળ જફરીયા જેવા લાંબા હોવા જોઇએ. આપણે ય કદાચ રાખતા હોઇશું (હું નહોતો રાખતો), પણ ફૅશનની સમજ અફ કૉર્સ, યુવાનોમાં આવી નહોતી.

'રજનીગંધા'ની હીરોઇન વિદ્યા સિંહા (જન્મ તા. ૧૫ નવેમ્બર, ૧૯૪૭) મુંબઇમાં ફિલ્મ પ્રોડયુસર રાણા પ્રતાગસિંહાને ત્યાં જન્મી હતી, જે '૪૦-ના દાયકાની ફિલ્મો બનાવનાર નિર્માતા-દિગ્દર્શક મોહન સિંહાના જમાઇ થાય. છેલ્લે છેલ્લે સલમાન ખાનની ફિલ્મ 'બૉડી ગાર્ડ'માં જોવા મળેલી વિદ્યાએ ૩૦-ફિલ્મોમાં (એક ગુજરાતી ફિલ્મ 'જીવી રબારણ' સહિત) કામ કર્યું હતું. 'રજનીગંધા' એની પહેલી ફિલ્મ નહોતી. પહેલી ફિલ્મ 'રાજા કાકા'નો હીરો કિરણ કુમાર હતો. આ પહેલા જ વિદ્યાએ વૅન્કટૅશ્વર ઐયર સાથે લગ્ન કરી લીધા હતા અને જહાનવી નામની દીકરી ઠેઠ ૧૯૮૯-માં જન્મી હતી. જહાનવીનો પતિ બિમાર રહેતો અને '૯૬-માં ગૂજરી ગયો, એ પછી વિદ્યા સિંહા સીડની-ઑસ્ટ્રેલિયા રહેવા જતી રહી, ત્યાં વૃદ્ધ ડૉક્ટર નેતાજી ભીમરાવ સાળુંકે સાથે બેનને પ્રેમ થઇ ગયો ને બન્નેએ ત્યાંના કોઇ મંદિરમાં જઇને લગ્ન કરી લીધા ને એક દીકરી દત્તક લઇ લીધા પછી તા. ૯ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ વિદ્યાએ ભીમરાવ સામે અદાલતમાં મારઝૂડ અને માનસિક ત્રાસ સાથે છુટાછેડાનો કૅસ ઠોકી દીધો ને ભરણપોષણ જીતી પણ ગઇ.

અમોલ પાલેકર (જન્મ તા. ૨૪ નવેમ્બર, ૧૯૪૪)ને હું કોલકાતાની હૉટેલ ગ્રાન્ડમાં મળ્યો હતો, જ્યાં સુનિલ ગાવસકર આપણા 'ગુજરાત સમાચાર'માં ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સીરિઝ વિશે લખતો. સુનિલ મને ઇંગ્લિશમાં મૅચનો રોજેરોજનો અહેવાલ લખાવે, જે હું તાત્કાલિક અનુવાદ કરીને અમદાવાદ મોકલી દેતો. એ જમાનામાં 'લાઇટનિંગ-કૉલ્સ' હતા. એ વખતે અમોલની પહેલી પત્ની ચિત્રા સાથે હતી (એ પછી છુટાછેડા લઇને અમોલ સંધ્યા ગોખલેને પરણ્યો) સંદીપ પાટીલને પણ હું એની પહેલી પત્ની સાથે મળ્યો હતો...(સાથે અંશુમન ગાયકવાડ હતો.) રામ જાણે કેમ, બધાની પહેલી પત્નીઓ સાથે જ મારે મળવાનું થતું...કર્ટસીરૂપે, મને તો કોઇએ એવો ચાન્સ આપ્યો નહિ!...આ તો એક વાત થાય છે.

રેખા અને વિનોદ મહેરાવાળી ફિલ્મ 'ઘર'ની વાર્તા દિનેશ ઠાકૂરે (જન્મ ?-?-૧૯૪૭ : મૃત્યુ તા. ૨૦ સપ્ટૅમ્બર, ૨૦૧૨) લખી હતી, જેમાં અડધી રાત્રે ઘેર પાછા ફરતા યુવાન યુગલને ગુંડાઓ ઘેરી લઇ રેખા ઉપર બળાત્કાર કરે છે. બળાત્કાર થયેલી પત્ની સાથે બાકીનું લગ્નજીવન જીવતા કેવા ટૅન્શનો ઊભા થાય છે, એની સુંદર વાર્તા હતી એ! ફિલ્મ 'અનુભવ'માં દિનેશ તનૂજાનો ભૂતપૂર્વ પ્રેમી બને છે અને એના પતિ સંજીવ કુમારની સહમતિ અને રાજીપાથી તનૂના ઘરે આવે છે. હાલનો પતિ અને જૂનો પ્રેમી....એ બે વચ્ચે અટવાયેલી સ્ત્રીની આ વાર્તા બાસુ ભટ્ટાચાર્યે બનાવી હતી. એ વખતે મુંબઇના સૌથી ઊંચા ગણાતા 'ઉષા કિરણ' બિલ્ડિંગમાં રહેતી તનૂજાએ પૂરી ફિલ્મનું શૂટિંગ પોતાના ફલૅટમાં કરવા દીધું હતું. સાંભળ્યા મુજબ, આખું અંબાણી-કુટુંબ પણ 'ઉષા કિરણ'માં રહેતું હતું. ગુલઝારની ફિલ્મ 'મેરે અપને'થી દિનેશ ઠાકૂર ફિલ્મમાં આવ્યો હતો. કાયમ દાઢી અને માંદલા ચહેરાને કારણે ફિલ્મોમાં અભિનયના ખાબોચીયામાં એ કદી તરી ન શક્યો, પણ સ્ટેજ પર નાટકો ઘણા કર્યા હતા.

ફિલ્મમાં વિદ્યાની ભાભીનો રોલ કરનારી અભિનેત્રી વીણા ગૌડ છે. ફિલ્મના પ્રારંભમાં વિદ્યા સિંહાને ચા પીવા લઇને ગયેલો અમોલ પાલેકર એનું ટૅબલ છોડીને એના દોસ્તોમાં મશગુલ થઈ જાય છે, એ દોસ્તોમાં પર્પલ-સ્વૅટર પહેરેલો કલાકાર અશોક સૂરી છે, જેને તમે હવે લગભગ ઘરડા થઇ ગયેલા કલાકાર તરીકે ફિલ્મોમાં સાઇડ રોલમાં જોતા હશે. નાનકડા ચીકુની મમ્મી બનતી સ્ત્રી મંજૂ મૈની છે.

ફિલ્મનું નામ 'રજનીગંધા,' છે અને આ ફૂલો ફિલ્મની વાર્તાનો એક હિસ્સો પણ છે, છતાં ય હું નથી માનતો આપણને ગુજરાતીઓને ઇવન આજે પણ ગુલાબ, ગલગોટો કે મોગરાથી આગળ બીજા એકે ય ફૂલને ઓળખતા આવડતું હોય ! બોટનીનું ભણ્યા હો તો જુદી વાત છે. નહિ તો ઘણાં રજનીગંધા અને નરગિસના ફૂલોને એક ગણે છે ને ઇંગ્લિશમાં એને પાછું કાર્નેશન-ફલાવર્સ કહેવડાવે છે. ત્રણે ય જુદાં ફૂલો છે. રજનીગંધા મોટા ભાગે તો સમૂહમાં અપાતા ફૂલો છે, જેની સુગંધ રાત્રે આવતી હોવાથી એને 'રજનીગંધા' કહે છે. ઈંગ્લિશમાં રજનીગંધાને 'પોલિઆન્ટીસ ટયુબરોઝ' કહે છે. આ તો એક વાત થાય છે બાકી, દાયકાઓ પહેલા અમારી ખડકીમાં રહેતા રજનીકાકીનું મોંઢું છીંકણીથી ગંધાતુ હોવાથી ગામ આખું એમને 'રજનીગંધા'ને નામે ઓળખતું.

26/09/2014

'મેરી બીવી કી શાદી' ('૭૯)

ફિલ્મ 'દામાદ'ની જેમ આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી' પણ અમોલ પાલેકરના સક્ષમ અભિનયને કારણે વધારે ચાલી. ફિલ્મ સાવ ફાલતુ ય નથી, પણ વચમાં (ક્યારેક જ...) મજ્જાનું હસવું આવી જાય છે, એટલે ફિલ્મ જોવામાં એવો કોઇ ખતરો ય નથી.

ફિલ્મ : 'મેરી બીવી કી શાદી' ('૭૯)
નિર્માતા : એવીએમ ઇન્ટરનૅશનલ
દિગ્દર્શક : રજત રક્ષિત
સંગીત : ઉષા ખન્ના
ગીતકારો : રવિન્દ્ર જૈન, અસદ ભોપાલી
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, રણજીતા, અશોક શરાફ, દિલીપ કુલકર્ણી, જાનકી દાસ, બિરબલ, નીલુ ફૂલે, નમિતા ચંદ્રા અને મારૂતિ.



ગીત
૧. શ્યામ કી બાંહો મેં રાધિકા ખેલે, વૃંદાવન મેં જમુના તટ પે.. ઉષા ખન્ના
૨. જીંદગી કૈસે કટેગી, આપ સે રહેકર જુદા, ઈસ સે પહેલે.. લતા મંગેશકર
૩. મુઝ સે શામ સુહાની, પૂછે પ્રેમ કહાની, આધી હૈ અધૂરી હૈ.... આશા-રફી
૪. રામદુલારી માયકે ચલી ગઇ, ખટીયા હમરી ખડી કર ગઇ... સુરેશ વાડકર

હુંમાંડ ૧૦-૧૨ વર્ષનો હોઇશ, ત્યારે અમદાવાદની સૅન્ટ્રલ ટૉકીઝમાં રૉક હડસન (જેનું નામ વર્લ્ડ ફૅમસ ફિલ્મ 'કમ સપ્ટેમ્બર'ની પેલી ધૂનને કારણે વધુ મશહૂર બન્યું હતું.) અને અભિનેત્રી ડોરીસ ડે ની ફિલ્મ 'સૅન્ડ મી નો ફલાવર્સ' રીલિઝ થયું હતું. બાય ધ વે, ફિલ્મોને હિંદીમાં નારી જાતિથી બોલાવાય છે, ''ગાઇડ'' દેખી ? મહારાષ્ટ્રમાં એને પુરૂષવાચક બનાવી દેવાઇ છે, ''આવારા જોયો ?'' જ્યારે ગુજરાતીઓ ક્યાંય હખણા ન રહે. એમણે ફિલ્મને નાન્યતર જાતિની બનાવી દીધી છે, ''લીડર'' જોયું ?''

આ રૉક હડસનવાળી ફિલ્મ 'સૅન્ડ મી નો ફલાવર્સ' આવી, ત્યારે જેને ઇંગ્લિશમાં સમજ પડતી હતી, એ પોળના અમારાથી મોટી ઉંમરના છોકરાઓ આ ફિલ્મના વખાણ બહુ કરતા હતા. અમને એમ કે, એમને ઇંગ્લિશ ફિલ્મમાં સમજણ પડતી હશે, માટે વખાણ કરતા હશે. એ તો પછી ખબર પડી કે, અમદાવાદના સિનેમા હાઉસમાં ઇંગ્લિશ ફિલ્મો જોવા જઇએ ને આખા થીયેટરમાં આપણા સિવાય બીજું કોઇ હસ્યું ન હોય...!

બસ. 'સૅન્ડ મી નો ફલાવર્સ.' આજે ૬૦-૭૦ની ઉંમરે પહોંચેલા મોટા ભાગના સિનેરસિકોને ખૂબ યાદ રહી ગઇ હશે. એ જ ફિલ્મ પરથી રજત રક્ષિતે સીધી ઉઠાંતરી કરીને આ ફિલ્મ બનાવી છે. '૭૮થી '૯૦ સુધીમાં એણે આઠ ફિલ્મો બનાવી પણ એકે ય ચાલી નહિ. કારણ કે બધામાં બનાવટ નબળી હતી. ફિલ્મ 'દામાદ'ની જેમ આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી' પણ અમોલ પાલેકરના સક્ષમ અભિનયને કારણે વધારે ચાલી. ફિલ્મ સાવ ફાલતુ ય નથી, પણ વચમાં (ક્યારેક જ...) મજ્જાનું હસવું આવી જાય છે, એટલે ફિલ્મ જોવામાં એવો કોઇ ખતરો ય નથી.

આ જ 'સૅન્ડ મી ફલાવર્સ'નો સૅન્ટ્રલ આઇડીયા રાજેશ ખન્નાની ફિલ્મ 'આનંદ'માં ઋષિકેશ મુકર્જીબાબુએ ઉઠાવ્યો હતો કે, ઘણા એવા ઘનચક્કર હોય છે, જે માની લીધેલી બિમારીથી પીડાતા હોય. શરીરે સંપૂર્ણ તંદુરસ્ત હોવા છતા ! યાદ હોય તો ડૉ. કુલકર્ણી (રમેશ દેવ)ના દવાખાનામાં આવો દર્દી અસિત સેન આવે છે, જેને કોઇ બિમારી નથી, પણ જ્યાં સુધી ડૉક્ટરે લખી આપેલી દવાઓ ન ખાય, ત્યાં સુધી એ બિમાર જ રહે છે !

આ જ લાઇન પર ફિલ્મ બનાવાઇ પણ દિગ્દર્શનમાં ઘણી નબળી જાણકારી અને ફિલ્મ નિર્માણના ખર્ચામાં ખટકે એવી કરકસરને કારણે રજતભાઈએ એમની એકે ય ફિલ્મમાં મેદાન માર્યું નહિ. સૅટ મોંઘા પડતા હશે એટલે પૂરી ફિલ્મનું શૂટિંગ પણજી (ગોવા)ના કોક બંગલામાં કરવામાં આવ્યું છે. અમોલ પાલેકરના આટલા જથ્થાદાર વાળ હોવા છતાં બહુ બિહામણી લાગે એવી વિગ શું કામ પહેરાવી છે ? પ્રોફેસર હોય એટલે ચશ્મા પહેરાવવાના જ ? સ્ટારકાસ્ટમાં ય એકેએક નમૂના એવા લીધા છે કે, એકે ય ચેહરો જોવો ન ગમે. રણજીતાને સુંદર કહેનારો તો પાર્ટલી અંધ હોઇ શકે, પણ ટપકે ટપકે મેહમુદની નકલ કરતો કહેવાતો કૉમેડીયન (છતાં મરાઠી ફિલ્મોમાં ખૂબ ચાલ્યો હતો એ) અશોક શરાફને કારણ વગરનો મોટો રોલ આપી દીધો છે. એ દેખાય છે એટલો ગંદો કે, એનો સીન પતી જાય એની રાહ જોવી પડે. ફિલ્મની હીરોઇન રણજીતા પાસે ફિલ્મ 'પાકીઝા'નો ઈન્હી લોગોં ને લે લીના દુપટ્ટા મેરા...' ડાન્સ સાથે કરાવતી વખતે દિગ્દર્શકે એ ધ્યાન ન રાખ્યું કે, હીરોઇનને ગોરી દેખાડવા મૅક-અપ કેવળ ચેહરા ઉપર જ નહિ, પાછળ પીઠ ઉપર કે હાથમાં ય લગાવવો પડે, નહિ તો સ્કીન પણ વર્ણસંકર લાગે !

સ્ટોરી તો જમાવટ કરી હોત તો ઘણી કૉમિક ફિલ્મ બનાવી શકાઇ હોત. જુઓ, કાંઇક આવું હતું.

અમોલ પાલેકર એટલે ભગવંતકુમાર 'ભારતેન્દુ'. કોઇ કૉલેજમાં પ્રોફેસર છે, પણ દિલનો જાતે બની બેઠેલો મરીઝ છે. એને વહેમ થઇ ગયો છે કે, એ કોઇ કદી ય મટી ન શકે એવી બિમારીનો ભોગ બની ગયો છે અને નજીકના ભવિષ્યમાં એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે પોતાની સુંદર વાઇફ (રણજીતા)નું વિધવા થયા પછી શું અને કોણ ? એની ચિંતા સતાવે છે. એ પ્લાનિંગનો માણસ હોવાથી પોતાના મૃત્યુ પછી કોઇ લલ્લુપંજુ એની વાઇફને પરણી ન જાય, એ માટે કોઇ સારો 'મૂરતીયો' શોધવાનો પ્રારંભ કરી દે છે, કારણ કે પ્રોફેસર માને છે કે, બધા એની ભોળી વાઇફને ઉલ્લુ બનાવી જાય એમ છે. એ પોતાના દારૂડિયા દોસ્ત (અશોક શરાફ)ની સલાહ લે છે. ફિલ્મ સારી છે, એટલે તમે જોવાના હો તો, ''પછી શું થયું ?'' વાળો રાઝ ખોલતો નથી.

અમોલ પાલેકરનો હું ચાહક ખરો. '૭૦-ના દશકમાં એની ફિલ્મો આવ્યા પછી કાલ્પનિક હિંદી ફિલ્મોમાં અસાધારણ શક્તિમાન હીરોને બદલે અમોલે મારા-તમારા ઘરમાં વસતા મિડલ-કલાસ માણસની ફિલ્મોની શરૂઆત કરી. મારી તમારી જેમ આ હીરો ૫૦-ગુડાઓને એકલે હાથે મારી ન શકે, ભરચક ફિલ્મી પાર્ટીમાં પિયાનો ઉપર ગાયન ગાવા મંડી ન પડે, ઊડતા પ્લેનમાંથી સીધા દરિયામાં હીરોઇનવાળી બૉટમાં વગર ઇજાઓ ઝંપલાવી ન શકે. એ આપણા જેવો સામાન્ય નાગરિક જ હોય, જેને બસની લાઇનમાં ઊભા રહેવું પડતું હોય, મહિનાને આખરે પગાર ટુંકો પડવા માંડતો હોય કે અડધી બાંયના સામાન્ય ફૅબ્રિક્સના શર્ટ પહેરતો હોય.

આ હીરો '૭૦-ના દાયકામાં અમોલ પાલેકરના રૂપમાં મળ્યો. 'રજનીગંધા', 'છોટી સી બાત,' 'રંગબિરંગી', 'બાતોં બાતોં મેં', 'ઘરૌંદા' કે 'ગોલમાલ' જેવી ફિલ્મોમાં અમોલ આ જ કારણોથી આપણી નજીક હતો. એની આ જ સાદગી આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી'માં જોવા મળે છે, અર્થાત્ આ પ્રકારની ફિલ્મો આર્ટ ફિલ્મો પણ નહિ કે 'અમર, અકબર, ઍન્થની' જેવી કમર્શિયલ ફિલ્મ પણ નહિ !

યસ. આવો સારો અદાકાર આ ફિલ્મમાં વધુ પડતો 'અન્ડરપ્લે' રોલ કરવા જતા નાટકીયો બની ગયો છે અને અભિનય ઑવર-ઍક્ટિંગ બની ગયો છે. મૂળ તો મુંબઇની 'બૅન્ક ઑફ ઇન્ડિયા'નો આ કલાર્ક પૅઇન્ટર હતો અને એના એકલાના પૅઇન્ટિંગ્સના પ્રદર્શનો જહાંગીર આર્ટ ગૅલેરી જેવા માધ્યમોમાં રજુ થતા. ફરી શરૂ થયેલી ઢીશૂમ-ઢીશૂમ ફિલ્મોમાં પોતે ચાલી નહિ શકે, એ જાણતો હોવાથી એ જાતે જ હિંદી ફિલ્મોમાંથી ખસી ગયો અને દિગ્દર્શક બની ગયો. ૧૯૮૧-માં કોલકાતાની ફાઇવ-સ્ટાર ગ્રાન્ડ હૉટેલમાં હું એને પહેલી વાર મળ્યો, ત્યારે એની સાથે એની પત્ની 'ચિત્રા' હતી. છુટાછેડા પછી આજે એની નવી પત્ની 'સંધ્યા ગોખલે' છે.

ફિલ્મની 'બીવી' એટલે કે રણજીતા કૌર જન્મે તો સીખ્ખ છે. શંકર બી.સી. નામના સિંધી દિગ્દર્શક-નિર્માતાએ એને પહેલી વાર રિશી કપૂર સાથે ફિલ્મ 'લયલા-મજનૂ'માં ચમકાવી, એ પછી સચિન પિલગાંવકર સાથે ફિલ્મ 'અખીયોં કે ઝરોખોં સે'માં એ દેશભરમાં પ્રસિધ્ધ થઈ ગઇ. મિથુન ચક્રવર્તી સાથે એની ઘણી ફિલ્મો આવી. આજે તો એ (જન્મ તા. ૨૨ સપ્ટૅમ્બર, ૧૯૪૬) ૬૭-વર્ષની ઉંમરે તમે ઓળખી ય ન શકો, એવી ઘરડી અને સામાન્ય દેખાય છે. હું અમેરિકા ગયો ત્યારે ખબર પડી કે ત્યાંના વર્જીનિયા સ્ટેટના નૉર્ફોકમાં એનો પતિ રાજ મસંદ '૭-ઈલેવન' સ્ટૉર્સની અનેક શાખાઓ ધરાવે છે. એના દીકરાનું નામ 'સ્કાય' રાખ્યું છે અને અમેરિકામાં એક ટૅનીસ-ખેલાડી તરીકે સારો એવો જાણિતો છે. એક સમયે રણજીતાનું નામ મિથુન દા સાથે ય બહુ વટથી જોડાયું હતું.

ફિલ્મનું સંગીત ઉષા ખન્નાએ આપ્યું હતું. ક્યારેક નવાઇ લાગે કે, તમે ફૂલટાઇમ સંગીતકાર છો અને તમારી ઍવરેજ જોતા, વર્ષે એક ફિલ્મમાં માંડ સંગીત આપવાનું આવે, છતાં કેમ કાંઇ મોર મારી ન શકો ? યસ. એ વાત પણ કબૂલ કે, ભારતની આ માત્ર બીજી મહિલા સંગીતકાર (પહેલા હતા પારસી મહિલા સરસ્વતીદેવી, જેમણે પોતાની જ્ઞાતિના ખૌફથી બચવા પારસી નામ બદલીને આ રાખ્યું હતું) ઉષા ખન્નાએ અનેક ફિલ્મોમાં મધુરૂં સંગીત આપ્યું છે અને મુહમ્મદ રફીના ડાયહાર્ડ ચાહકોએ એનો ખાસ આભાર માનવો પડે, કે એમના અનેક ઉત્તમ ગીતો ઉષાએ કમ્પૉઝ કર્યા છે. 'દિલ દે કે દેખો'ના તમામ ગીતોથી માંડીને 'તેરી ગલીયો મેં ના રખ્ખેંગે કદમ, આજ કે બાદ....' પણ વચમા વચમા મધુર ગીતોના અનેક ચમકારા એણે માર્યા હતા. પ્રારંભ જૉય મુકર્જી-સાયરા બાનુની ફિલ્મ 'આઓ પ્યાર કરેં'ના સુપરહિટ ગીતોથી થયો, એમાં રફીના 'જહાં તું હૈ વહાં ફિર ચાંદની કોન કૌન પૂછેગા...' કે લતા મંગેશકરનું ખૂબ ઊંચા ઘરાણાનું ગીત, ''મેરી દાસ્તાં મુઝે ભી, મેર દિલ સુના કે રોયે....'' રાજકોટના ભગવાન થાવાણી કે શિકાગોના સુમન્ત વશીને ય છાતીફાડ ગમે છે. રફીના ગીતો મેહમુદની ફિલ્મ 'શબનમ'માં 'યે તેરા સાદગી, એય તેરા બાંકપન' અને 'મૈંને રખ્ખા હૈ મુહબ્બત, અપને અફસાને કા નામ...' ક્યાં ભૂલાય એવા છે ? સંજીવ કુમારને હીરો બનાવતી ફિલ્મ 'નિશાન'માં રફી સાહેબનું, 'હાય તબસ્સુમ તેરા, ધૂપ ખીલ ગઇ છાંઓ મેં...', પણ ઉષાની જ કમાલ. તો બીજી બાજુ મૂકેશને પણ આપણા માટે વહાલો કરી આપવામાં ઉષાના ગીતો ઓછા નથી. ફિલ્મ 'લાલ બંગલા'નું ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઇ ચકોર, 'તેરી નિગાહોં પ મરમર ગયે હમ, બાંકી અદાઓં પે મરમર ગયે હમ...' (...સાલા ફાલતુ શબ્દો તો જુઓ....!) ગરમ કરેલી ઈંટ આપણા સીડી-પ્લૅયર પર પછાડવાનો જોસ્સો ચઢે કે નહિ ? (જવાબ : ના ચઢે...પ્લૅયર મફતમાં નથી આવતું. જવાબ પૂરો) ઉષાની છેલ્લી કમાલો 'સાજન બિના સુહાગન'માં યેસુ દાસનું 'મધુબન ખુશ્બુ દેતા હૈ' કે 'હવસ'નું 'તેરી ગલીયોં મેં ના રખ્ખેંગે કદમ' અને યેસુદાસનું જ ફિલ્મ 'દાદા'નું 'દિલ કે ટુકડે ટુકડે કર કે મુસ્કુરાકર ચલ દિયે...'

પણ આ તો સચિનની ફક્ત સૅન્ચુરીઓ ગણાવવા જેવું જ કામ થયું. વચમાંના ફલૉપ-શોઝની વાત કરીએ તો ઉષાને કોઇ ગંજાવર સંખ્યામાં ફિલ્મો નહોતી મળતી. વરસમાં એકાદી માંડ હોય ને એના સંગીતમાં ય કોઇ ઠેકાણા નહિ, એટલે દુઃખ થાય કે, આખું વરસ તો તમે નવરા બેઠા હો છો...આખા વરસમાં કોઇ પાંચ-સાત ગીતોની અલમસ્ત ધૂનો તૈયાર કેમ કરી ન શકો ? અને ઉઠાંતરી કરવામાં ય આપણા તમામ સંગીતકારોએ વર્લ્ડ-મ્યુઝિકમાં ઘણો મોટો ફાળો આપ્યો છે, તો ય તમે નબળા દર્દી જેવા ?

હકીકતમાં ઉષા ખન્નાના સંગીતનો પ્રારંભ જ બિનધાસ્ત ઉઠાંતરીઓથી થયો હતો. જૉય મુકર્જીના ફાધર શશધર મુકર્જી પાસે ઓપી નૈયર ઉષા ખન્નાને લઈ ગયા અને એમના પર વિશ્વાસ રાખીને શશધરે ઉષાને જબરૂં હોમવર્ક સોંપ્યું. ''એક વર્ષ સુધી તારે 'રોજના'' બે ગીતોની ધૂનો બનાવવાની....સારી લાગશે તો એમાંથી તારા બે ગીતો લઇશ.'

એ નહિ બનાવી શકી હોય, માટે શશધરે છેવટે હૉલીવૂડના ગાયક-અભિનેતા બિંગ ક્રૉસબીની રૅકર્ડોનો ખજાનો ઉષા સામે ધરી દીધો, ''આના ઉપરથી આપણી ફિલ્મ 'દિલ દે કે દેખો'ના બધા ગીતો બનાવવાના છે.''

મુકર્જીને એ ચોરીચપાટી પણ સારી લાગી ગઇ હશે એટલે એમની બીજી ફિલ્મ 'હમ હિંદુસ્તાની'નું સંગીત પણ ઉષાને સોંપ્યું. કબ્બુલ કે, મને એના લગભગ તમામ ગીતો ખૂબ ગમ્યા હતા. ''છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...'' (મૂકેશ), 'રાત નિખરી હુઇ, ઝૂલ્ફ બિખરી હુઇ, હર અદા તેરી....' (મૂકેશ), 'નીલી નીલી ઘટા, ભીગી ભીગી હવા....' (મૂકેશ-આશા) અને લતા મંગેશકરનું લાગણીભર્યું ગીત, ''માંઝી મેરી કિસ્મત કે, જી ચાહે વહાં લે ચલ...''

બસ. આદત....ઉષા આ ફિલ્મ 'મેરી બીવી કી શાદી'માં ય ધોધમાર માર ખાઇ ગઇ અને એકબીજાને શરમાવે એવા ફાલતુ ગીતો બનાવીને પોતાની છાપ યથાવત રાખી.

05/07/2013

ચિતચોર

ફિલ્મ : 'ચિતચોર' ('૭૬)
નિર્માતા : તારાચંદ બરજાત્યા (રાજશ્રી પ્રોડકશન્સ)
દિગ્દર્શક : બાસુ ચેટર્જી
ગીત-સંગીત : રવિન્દ્ર જૈન
રનિંગ ટાઈમ : ૧૨ રીલ્સ : ૧૦૪ મિનીટ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, ઝરીના વહાબ, વિજયેન્દ્ર ઘાટગે, એ. કે. હંગલ, દીના પાઠક, માસ્ટર રાજુ, પરદેસી, સી. એસ. દૂબે, શૈલ ચતુર્વેદી, પ્રકાશ મીશ્રા, રિતુ કમલ.

ગીતો :
૧. ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા મારા યેસુદાસ
૨. જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના યેસુદાસ-હેમલતા
૩. તૂ જો મેરે સૂર મેં, સૂર મિલા લે, સંગ ગા લે યેસુદાસ-હેમલતા
૪. આજ સે પહેલે આજ સે જ્યાદા ખુશી આજતક યેસુદાસ



યુ–ટ્યુબ પર જોવા માટે ક્લિક કરો:
http://www.youtube.com/watch?v=wgZ0HOQ18wQ&wide=1


મધુપુર નામના ગામડામાં હેડમાસ્તર એ. કે. હંગલ એમને વાત વાતમાં તતડાવતી પત્ની દીના પાઠક અને મોટી ઢાંઢી થવા છતાં નાના છોકરાઓ સાથે આંબલી-પિપળી ને થપ્પો રમતી દીકરી ઝરીના વહાબ સાથે ખુશીથી રહે છે. હૅડમાસ્તરનું મકાન ખાસ્સું મોટું છે ટયુશનો કર્યા વિના માસ્તરો આટલું કમાઈ શકે, એ દુવિધા વાલીઓને આ ફિલ્મ જોયા પછી થશે! છોકરીનું ક્યારે થશે, એની ચિંતામાં મા-બાપ બન્ને તગડા થતા જાય છે. દરમ્યાનમાં મુંબઈમાં રહેતી એમની મોટી દીકરી મીરા (રિતુ કમલ)નો પત્ર આવે છે, જેમાં નાની ઝરીના માટે, જર્મનીથી એન્જિનીયરની ડિગ્રી લઈને આવેલા છોકરા માટે વિચારી જોવાનું લખે છે. એ જમાનામાં મૅરેજ બ્યૂરો તો હતા નહિ, એટલે વકરો એટલો નફો (અને જે ગુમાવવાનું છે, એ સામાવાળાને ગુમાવવાનું છે...!)ના ધોરણે ત્રણે જણા રાજી થઈ જાય છે. એ છોકરો ટ્રેનમાં મધુપુર એની નોકરીના કામે આવવાનો હોય છે, એવો નિર્દેશ પત્રમાં હતો. નિયત તારીખે હંગલ સ્ટેશને પહોંચી જાય છે અને મૂરતીયા અમોલ પાલેકરને ખુશી ખુશી ઘરે લઈ આવે છે ને જમાઈબાબુની ટ્રીટમેન્ટ્સ આપવા માંડે છે. છોકરો-છોકરી પ્રેમમાં પડે છે. ત્યાં ધડાકો થાય છે. રિતુ કમલની બીજી ચિઠ્ઠી આવે છે કે, નોકરીના કારણે પેલો છોકરો (વિજયેન્દ્ર ઘાટગે) હજી હવે મધુપુર આવવા રવાના થયો છે.

હવે લોચા...! બધા લોચા...!!

ઝરીનાના મમ્મી-પાપા હોશકોશ ગૂમાવી દે છે અને છોકરીને મનાઈ ફરમાવી દે છે કે, હવે ખબરદાર જો અમોલ પાલેકર કે કોઈ બી પાલેકરને મળવા ગઈ છે તો! પણ એમ કાંઈ આજકાલ છોકરા માને, ભ'ઈ? આપણા જમાનાની વાત જુદી હતી. વિજયેન્દ્ર પણ આવતા વ્હેંત ઝરીના ઉપર મોહિત થઈ જાય છે અને આ લોકોની સંમતિ લઈને મેરેજની તારીખો ગોતવા માંડે છે. પણ સગાઈની જ ઘડીએ... ?

ધેટ્સ ફાઈન... ફિલ્મ જોવાના હો તો સગાઈની ઘડી તમે જાતે જોઈ લેજો.

યસ, આજકાલની ફિલ્મો બહુ જોતા હશો તો 'ચિતચોર'ની વાર્તા ક્યાંક જોયેલી સાંભળેલી લાગે છે ને? કરૅક્ટ. થોડા વર્ષ પહેલાં ઋત્વિક રોશન, કરિના કપૂર અને અભિષેક બચ્ચનની 'મૈં પ્રેમ કી દીવાની હું' આ જ રાજશ્રી પ્રોડક્શનવાળાઓએ બનાવ્યું હતું. મૂળ વાર્તા સાથે જ!

રાજશ્રી પ્રોડક્શન્સ તમામ ફિલ્મો ફેમિલી સાથે બેસીને જોવી મનપસંદ બનતી. આપણા દેશનું ઘશછ બતાવે છે કે, આપણે અવિભક્ત કુટુંબમાં માનીએ છીએ. આ લોકોની લગભગ તમામ ફિલ્મો ટેન્શન વગર હોય. ક્યાંય કોઈ વિલન નહિ, ફિલ્મની વાર્તામાં પ્રેક્ષકોને ટેન્શન ઊભું થાય એવી કોઈ સનસનાટી નહિ અને અફકોર્સ, સ્વચ્છ ફિલ્મો હોય. મારા-તમારા ઘરમાં બનતી ઘટનાઓ રાજશ્રીની ફિલ્મોમાં બનતી હોય. મોટો દાખલો 'હમ આપ કે હૈ કૌન?' જેમાં લગ્નપ્રસંગનું સાંગોપાંગ વાતાવરણ મૂકી દેવામાં આવ્યું હતું, બિલકુલ નિર્દોષતાથી. અને કોઈ નાના અપવાદને બાદ કરતા એમની તમામ ફિલ્મો આ જ જૉનરમાં બની છે.

રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મોની યાદી જુઓ : આરતી, દોસ્તી, તકદીર, જીવનમૃત્યુ, ઉપહાર, પિયા કા ઘર, ગીત ગાતા ચલ, ચિત્તચોર, દુલ્હન વો હી જો પિયા મન ભાયે, અખીયોં કે ઝરોખોં સે, સુનયના, શિક્ષા, સાવન કો આને દો, મૈંને પ્યાર ક્યું કિયા, હમ આપ કે હૈં કૌન, હમ સાથ સાથ હૈ અને સારાંશ... વચમાં મહેન્દ્ર સંધૂવાળું 'ઍજન્ટ વિનોદ' કેમ બનાવી દીધું, એની તો રાજશ્રીમાં ય કોઈને ખબર નહીં હોય!

અમોલ પાલેકરે ૭૦ના દાયકામાં સનસનાટી મચાવી દીધી હતી. એ તરત સ્વીકૃત થઈ ગયો, એનું કારણ ચોખ્ખું હતું. એ દાયકા સુધી આપણે જોયેલી ફિલ્મોનો હીરો (અથવા વાર્તા) ક્યાંય વાસ્તવિક નહોતા. ઈવન રાજ કપૂરનો 'રાજુ' પણ આપણા સહુ કરતા મોટો હતો. કોઈ કાળે ય આપણે કાંઈ આવારાઓ કે ચારસો-વીસો લાગીએ કાંઈ? (જવાબમાં ના પાડજો...) દેવ આનંદ સિનેમા ઉપર કાળા બજાર કરવા જાય, એ કાંઈ આપણને લગતી વાત નહોતી. દિલીપ કુમાર ફિલ્મે ફિલ્મે પ્રેમોમાં ફૅઈલ જાય, એવું કાંઈ આપણને ફાવે? (જવાબ : સહેજ બી ના ફાવે!)

અમોલ પાલેકર ફાવી ગયો, કારણ કે એ આપણને સીધો સ્પર્શતો હતો. એ કોઈ ઓફિસમાં સામાન્ય કલાર્ક હોય, અથવા નોકરી શોધે રાખતો હોય, એની પ્રેમિકાને મળવા ફફડતો હોય કે બોસને રિઝવવા ગોલમાલો કરતો હોય, જે ક્યાંકને ક્યાંક આપણે કરતા હતા...! (તમારા બધાની તો ખબર નથી, પણ હું આવું આવું નહોતો કરતો...! એટલે રૂપિયા-બુપિયા કમાયા વગર હાસ્યલેખક બનવાના દહાડા આયા...!)

અમોલ પાલેકર તો નિમિત્ત બન્યો, પણ મૂળ તો એ થીયેટરનો કલાકાર હતો. સીધો હીરો બની ગયો નહોતો. મુંબઇની બેન્ક ઓફ ઇન્ડિયામાં એ કલાર્ક હતો. મૂળ કમાલ કરનારાઓ હતા ઋષિકેશ મુકર્જી અને બાસુ ચેટર્જી, જેમણે ફિલ્મો એવી બનાવી જે મધ્યમ વર્ગને સીધી અડતી હોય. (આજે તો કોણ માનવાનું, પણ આપણા જમાનામાં યાદ હોય તો અપર સ્ટોલ્સ રૂ. ૧.૪૦ની અને બાલ્કની રૂ. ૧.૬૦ની અને ફક્ત એ ૨૦ પૈસા બધાને પરવડતા નહોતા. અપર ફૂલ થઈ જાય તો જ બાલ્કની બંધ થાય. હતું કે નહિ એવું?)

એમાં ય આ બન્ને મજેલા દિગ્દર્શકોને મળી ગયો અમોલ પાલેકર, જે બિલકુલ મારા-તમારા કલ્ચરનો માણસ હતો. એ કાંઈ ફિલ્મને અંતે એકસાથે ૧૦-૧૨ ગુન્ડાઓને ફટકારતો નહતો. પહાડ ઉપરથી છલાંગ સીધી ઘોડા ઉપર મારતો નહતો કે હીરોઈનની બાને બચાવવા કોઈ તોતિંગ ગોડાઉનમાં, દરવાજો ખુલ્લો હોય તો ય ઉપરના માળની બારીમાંથી મોટર સાયકલ લઈને ખાબકતો નહતો. એ તો ઈન્સર્ટ કર્યા વિનાના સીધા સાદા આખી બાંયના શર્ટ પહેરે, ઓફિસમાં ખુરશીને બદલે ટેબલ પર ચાની ચુસકી લેતા સ્ટાફ સાથે ક્રિકેટ મૅચની કમૅન્ટરી સાંભળે અને ભરચક રસ્તે હીરોઈનનો પીછો કરતા ગભરાય! અને છતાં આ બધી વાસ્તવલક્ષી ફિલ્મો બતાવાઈ તદ્ન હળવાશથી! એવી હળવાશ કે તમે એને કોમેડી કહીને મજા બગાડી ન નાંખો. આખી ફિલ્મમાં મંદમંદ સતત હસવું આવે રાખે અને આવું તમે ય બીજાને અનેકવાર હસાવતા હો! યાદ કરો, ઋષિકેશ મુકર્જી અને બાસુ ચેટર્જીની એ ફિલ્મો... રજનીગંધા, છોટી સી બાત, ચિતચોર, ગોલમાલ, રંગબિરંગી, નરમગરમ, ઘરૌંદા કે દામાદ.

એમાંય આ ફિલ્મ 'ચિતચોર' સાંગોપાંગ નિરાળી ફિલ્મ બની હતી. હસાવવાનો ક્યાંય આયાસ નહિ, છતાં ય તમે આખી ફિલ્મ દરમ્યાન હળવા રહી શકો. મૂળભૂત રીતે એના સર્જક બાસુ ચેટર્જી સ્વયં હ્યુમરિસ્ટ હતા. કાર્ટુનો બનાવતા, એટલે હ્યુમરનો માલ પહેલેથી મહીં પડેલો હતો. આલ્ફ્રેડ હિચકોક પોતાની તમામ ફિલ્મોમાં એકાદ-બે સેંકડ માટે માંડ ઓળખાય એવી રીતે સ્ક્રીન પર આવી જતા, એમ અહીં બાસુ પણ ફિલ્મના અંત ભાગમાં ઝરીના અમોલની સાથે ટ્રેનમાં બેસી જવા સ્ટેશને જાય છે, ત્યારે એક બારી પાસે ઊંધા ફરીને સફેદ વાળવાળા બાસુ દેખાય છે.

કાબેલ દિગ્દર્શકો બેવકૂફીભરી ભૂલો ય કરતા હોય છે ને સુધારતા ય નથી, એનો એક ઉઘાડો દાખલો 'ચિતચોર'માં જોવા મળ્યો. વિજયેન્દ્ર ઘાટગે અને ઝરીના વહાબ બજારમાંથી ચાલતા નીકળે છે, ત્યારે 'મધુ સાગર' નામના બોર્ડ પાસેથી પસાર થઈ ચૂક્યા બાદ અડધા સંવાદે પાછા ત્યાંથી જ પસાર થાય છે. ઈંગ્લિશમાં આને Goof કહે છે. ઈંગ્લિશ ફિલ્મોમાંથી આવી ગૂફ પકડી પાડવા માટે દુનિયાભરના ઈન્ટરનેટીયાઓ પાવરફૂલ છે અને જે તે ફિલ્મની સાઈટ પર એ ગૂફ મૂકાય પણ છે. આવી બીજી બેદરકારી આઉટડોર શૂટિંગમાં પણ દેખાણી છે. ઝરીના, અમોલ અને વિજયેન્દ્ર પિકનિક પર જાય છે. નોર્મલી આઉટડોર શૂટિંગમાં એકલા સૂર્યપ્રકાશથી કામ થતું નથી. ક્યારેક શૂટિંગ જોયું હોય તો ચાંદીના વરખ જેવા રીફલેક્ટ થતા મોટા ચોરસ બોર્ડથી સૂરજનો પ્રકાશ કલાકારો ઉપર પડે એવા રીફલેક્ટરો મૂકાય, જે સૂરજનો પ્રકાશ આછો કરીને કલાકારો ઉપર ફેંકે, જેથી એમના ચહેરા કે શરીર ઉપરના પડછાયા નીકળી જાય અને દૃશ્ય વિકૃત ન લાગે. અહીં કદાચ ફિલ્મ લો-બજેટની હોવાને કારણે બાસુ દાએ આવું કાંઈ ધ્યાન-બ્યાન રાખ્યું નથી, પરિણામે આ દ્રષ્યમાં ફિલ્મના પાત્રો પ્રકાશ અને પડછાયામાં સમાઈ જવાને કારણે દ્રષ્ય વિકૃત લાગે છે.

અને એથી ય મોટી તકલીફ એ જોઈને પડે છે કે, ફિલ્મનો હીરો શાસ્ત્રીય સંગીત પાછળ પાગલ છે અને વાતવાતમાં હાર્મોનિયમ લઈને બેસી જાય છે. હીરોઈનને સંગીત શીખવવા એ સૂર તો છેડે છે, પણ આખી ફિલ્મમાં એક ક્ષણ માટે પણ હાર્મોનિયમ વાગ્યું નથી.

યસ. ફિલ્મની મોટી ઉપલબ્ધી એનું દિલડોલ સંગીત અને સાત સૂરોના રાજા ડો. કે. જે. યેસુદાસના ચારે ચાર ગીતોએ જમાવટ કરી દીધી છે. આજે આટલા વર્ષો પછી ય, હેમલતા સાથેનું 'જબ દીપ જલે આના, જબ શામ ઢલે જાના...' આપણામાંથી મોટાભાગના સંગીતશોખિનોને કંઠસ્થ છે.

સંગીતકાર રવિન્દ્ર જૈન પ્રજ્ઞાચક્ષુ છે ઉમદા સંગીતકાર છે. ગાયિકા હેમલતાને 'લતા' બનાવવા એમણે અંગત અંગત અંગત રસો ઘણા ઘૂંટયા હતા.

બાય ધ વે, 'ચિતચોર' સિનેમાસ્કોપમાં બનેલી ફિલ્મ હતી. હોલીવુડમાં આવી ફિલ્મો ૫૩માં શરૂ થઈ અને ૬૭માં બંધ થઈ ગઈ. ગુરુદત્તે એની 'કાગઝ કે ફૂલ' આ પદ્ધતિના લૅન્સથી બનાવી હતી. 'સિનેમાસ્કોપ' એટલે એનામોર્ફિક લેન્સથી કેમેરાએ શૂટ કર્યું હોય. એનામોર્ફિક એટલે પરદાના ચારે ય ખૂણા પરના દ્રષ્યો કોઈપણ જગ્યાએથી મોટા લાગે. યાદ હોય તો સામાન્ય સ્ક્રીનમાં લંબ ચોરસ દ્રષ્ય દેખાય, જ્યારે સિનેમાસ્કોપમાં ચારે ય ખૂણા ઉપર નીચે ખેંચાતા દેખાશે.

ફિલ્મની હીરોઈન ઝરીના વહાબ અત્યંત તેજસ્વી એક્ટ્રેસ હતી. એક સમયે તો એ જયા ભાદુરીની સમકક્ષ જણાતી. કમનસીબે, આદિત્ય પંચોલી જેવા પ્લેબોયની છાપ ધરાવતા હીરો સાથે એણે હિંદુ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા. નીતનવી છોકરીઓનો શોખિન આદિત્ય એને મારઝૂડ કરતો, એવા સમાચાર અવારનવાર ફિલ્મી પત્રોમાં ચમકતા રહ્યા છે. એ જ ઝરીનાનો પુત્ર સૂરજ પંચોલી પેલી બદનસીબ જીયા ખાનની આત્મહત્યાના કેસમાં સંડોવાયો છે.

ઝરીના વહાબ એની કોઈ પહેલી ફિલ્મમાં આવી, એ જોઈને રાજ કપૂરે એના દેખાવની ખાસ કરીને લઘરાપણાંની આકરી ટીકા કરી હતી. એનો ઝરીનાએ પોઝિટીવ અર્થ કાઢીને સ્ક્રીન પર સુંદર દેખાવાની શરૂઆત કરી, એનો ફાયદો થયો, એનો આભાર આજ સુધી રાજ કપૂરનો માને છે.

ફિલ્મનો સેકન્ડ હીરો વિજયેન્દ્ર ઘાટગે ક્યાં ખોવાઈ ગયો એની ખબર એટલા માટે નથી કે, એક્ટિંગથી માંડીને દેખાવ-ફેખાવમાં એ કોઈ હીરો-મટીરિયલ હતો પણ નહિ. આ ફિલ્મમાં તો એ જમાનાની ફેશન પ્રમાણે એના માથે વાળનો જથ્થો જોઈને ઊંઘમાં ય બી જવાય એવું છે.

અલબત્ત, કેટલીક વાતો ધ્યાનાકર્ષક પણ બની છે. આપણે ત્યાં ટેબલ-ખુરશી કે બૂફે તો વળી હમણાં આવ્યા... મૂળભૂત રીતે તો આપણે પાટલે બેસીને જમનારા માણસો. હજી મારા જેવાઓ ઘરમાં નીચે જમીન પર બેસીને જ જમે છે. (હૉટલવાળાઓ અલાઉ ન કરે ને...?) આ ફિલ્મમાં એ પરંપરા જળવાતી દેખાઈ છે.

આ ફિલ્મ માટે લખવાનું કારણ અમદાવાદના પાર્થિવ પરીખ બન્યા. એ પણ આ ઋષિકેશ-બાસુ બ્રાન્ડની ફિલ્મોના શોખિન. આવી ફિલ્મો ન તો કમર્શિયલ કહેવાય, ન આર્ટ ફિલ્મો... શશી કપૂરના શબ્દોમાં એને સારી ફિલ્મો કહેવાય. આ કંપની સેક્રેટરીએ સામે ચાલીને મને 'ચિતચોર'ની સીડી પકડાવી દીધી, માટે લખાયું.

04/01/2013

નરમ ગરમ

ગીતો
૧...મેરે અંગના આયે...... આશા ભોંસલે
૨...હમેં રાસ્તોં કી જરૂરત નહિ હૈ.... આશા ભોંસલે
૩...મેરે ચેહરે મેં છુપા હૈ માં તેરા ચેહરા... આશા ભોંસલે
૪...એક બાત સુની હૈં...... શત્રુધ્ન સિંહા - પૂર્ણિમા
૫...નરમ ગરમ રાત...... સપન ચક્રવર્તી- આર.ડી. બર્મન



ફિલ્મ : ‘નરમ ગરમ’ (’૮૧)
નિર્માતા : સુભાષ ગુપ્તા
દિગ્દર્શક : ૠષિકેશ મુકર્જી
સંગીત : આર.ડી.બર્મન
ગીતો : ગુલઝાર
રનિંગ ટાઈમ  : ૧૪-રીલ્સ 
થીયેટર : શ્રી (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, સ્વરૂપ સંપટ, ઉત્પલ દત્ત, શત્રુધ્ન સિન્હા, કિરણ વૈરાલે, પદ્મા ચૌહાણ, એ.કે. હંગલ, સુરેશ ચટવાલ, આનંદ, ટી.પી. જૈન, જાવેદખાન, સુંદર, બિશન ખન્ના, બિજોય ઘોષ, સરલ મુકર્જી, આદર્શ ટંડન, મુકુંદ દાદા, દેવીચંદ અને ચંદ્રમોહન. (ખાસ ભૂમિકામાં : મીના રૉય, ઓમપ્રકાશ, દીના પાઠક અને નીલુ ફૂલે.)

અમોલ પાલેકરનો એક આભાર ભારતમાં હિંદી ફિલ્મો શરૂ થઈ, ત્યારથી આજ સુધીના પ્રેક્ષકોએ માનવો પડશે. તમે ય સમજી શકો છો કે, તમામ હિંદી ફિલ્મોના હીરો વાસ્તવિક જીંદગીથી ઘણા મોટા હોય છે, જેને માટે ઈંગ્લિશમાં કહેવાય છે, larger than life એટલે કે, વાસ્તવમાં આપણાં ઘરમાંથી કોઈએ રાજ કપૂર કે નૂતને જે કામો ફિલ્મી પરદા પર કર્યા હોય, એવા કામો કર્યા ન હોય. આપણને વળી ક્યે દહાડે ઘોડા ઉપર બેસીને દોડતી જીપનો પીછો કરવાનો આવ્યો હોય, તે ધર્મેન્દ્રની માફક, ‘‘કૂત્તેએએએ...મેં તેરા ખૂન પી જાઉંગા...’’ કહેવું પડે ?

’૭૦-ના દશકમાં અમોલ પાલેકરની ઍન્ટ્રી થઈ, એ પછી ભલે થોડા વર્ષો માટે ફિલ્મી હીરો આપણા ઘરના જ કોઈ મૅમ્બર જેવો લાગ્યો. એ જ મિડલ-કલાસ મૅન્ટલિટી, એ જ ધોઈને ઈસ્ત્રી કરેલા કપડાં પણ બહુ મોંઘા નહિ. કોઈ પણ ફિલ્મમાં, એ રહેતો હોય કે ઑફિસમાં જતો હોય, તો એવું ઘર અને એવી ઑફિસ આપણી હોય.

મતલબ... અમોલ પાલેકર એની પહેલાના કે એની પછીના કોઈપણ હીરો કરતા વઘુ વાસ્તવિક લાગ્યો... એનું પાત્ર લાઈફમાંથી સીઘું ઉતરી આવ્યું. ૠષિકેશ મુકર્જી અને બાસુ ભટ્ટાચાર્ય જેવા ગણ્યાગાંઠ્યા દિગ્દર્શકોએ આપણને એવી ફિલ્મો આપી, જેમાં વાત આપણી હોય...

‘નરમ ગરમ’ એવી જ ફિલ્મ. બાસુની ‘રજનીગંધા’ કે ‘છોટી સી બાત’ અને ‘બાતોં મેં’ કે ૠષિકેશ મુકર્જીની તો સમજો ને લગભગ બધી જ. ‘ગોલમાલ’ અને ‘રંગબિરંગી’ પણ ખરી અને બીજી એવી એ. ભીમસિંઘની ફિલ્મ ‘ઘરૌંદા’ ય ખરી. ઈવન, રાજ કપૂરને લઈને ‘અનાડી’ જેવી ફિલ્મો બનાવી એ પણ હતી તો મિડલ-ક્લાસના જ સમાજની, પણ ત્યાં ગમે તેમ તો ય રાજ કપૂર હતો. આપણે ય જાણતા હતા કે, બધી વાત બરાબર, પણ આપણે રાજ કપૂર જેવા નથી લાગતા, તો નથી જ લાગતા...! તમારા ભાભી ય એવું જ કહે છે...! પણ અમોલ પાલેકરના કૅસમાં એવું ન બન્યું. આપણાંમાંથી તો ઘણાં ય અમોલ પાલેકર જેવા દેખાતા હતા અને એની જેમ ઑફિસમાં લોચા ય એવા જ મારતા’તા...! માટે અમોલ આપણને પોતાનો લાગ્યો.

સાલું...હટ્ટ...! આવો પરફૅક્ટ ઍક્ટર (હીરો નહિ) અચાનક જ બંધ થઈ ગયો. એને દિગ્દર્શનની ઘૂન એવી ચઢી કે, હીરો તરીકે મજૂરી કરવાની જ બંધ કરી દીધી...! એમાં આપણે એક ઍક્ટર સારો ગૂમાવ્યો ?

મૂળ તો નાટ્યવિદ સત્યદેવ દૂબેના બહુ જામેલા મરાઠી નાટક, शांतता कोर्ट... चालु आहे  માં ચમક્યા પછી  હિંદી ફિલ્મોમાં તો મોડો આવ્યો. એનો મૂળ શોખ સ્ટેજનો અને પૅઈન્ટિગ્સનો.  જે.જે. સ્કૂલ ઑફ આટ્‌ર્સનો એ વિદ્યાર્થી અને મુંબઈની બૅન્ક ઑફ ઈન્ડિયાનો કર્મચારી.

ફિલ્મની હીરોઈન સ્વરૂપ સંપટની ઓળખાણ આપણા ગુજરાતી સદાબહાર ઍક્ટર પરેશ રાવળની પત્ની તરીકે આપીએ, એથી ય મોટો પરિચય એ કે, સ્વરૂપ એક સમયની ‘મીસ ઈન્ડિયા’ (’૭૯) પણ ખરી. ‘મીસ યુનિવર્સ’ની સ્પર્ધામાં સ્વરૂપે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બહુ વર્ષો પહેલા સ્વરૂપને ઈન્ટરવ્યૂ લેવા, હું અમદાવાદના ઍલિસબ્રીજમાં તેના પિતાશ્રી બચુભાઈ સંપટ સાથે, એમના કોઈ સગાના ઘેર હું મળ્યો હતો. એમનું નામ યાદ નથી આવતું ! બહુ ઓછાને ખબર હશે કે, સ્વરૂપ ઈંગ્લેન્ડની વૂસ્ટર યુનિવર્સિટીમાં પી.એચ.ડી. થઈ છે, ખાસ કરીને બાળકોને ભણતરની અક્ષમતાને દૂર કરવાના તેના અભિયાનને જાણકાર જગતે વધાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ સ્વરૂપ સંપટને બાળશિક્ષણ કાર્યક્રમોની સર્વેસર્વા બનાવી છે. હવે યાદ આવ્યું હોય તો દેશમાં નવું નવું ટીવી આવ્યું ત્યારે આટલી બધી ક્યાં, ‘દૂરદર્શન’ સિવાય બીજી કોઈ ચૅનલ નહોતી ને એમાં ખૂબ પ્રસિઘ્ધ થયેલી સીરિયલ ‘યે જો હૈ જીંદગી’ની એ હીરોઈન. મુંબઈમાં મોટા સ્થાને પહોંચ્યા પછી, ગુજરાતી હોવાનું ગર્વ અને ગૌરવ અનુભવનારા બહુ ઓછા છે, તેમાની એક સ્વરૂપ અને બીજા તેના વરજી, પરેશ રાવળ.

ઉત્પલ દત્તનું તો નામ આવતા જ ચેહરો આપણો હસુહસુ થઈ જાય કે નહિ ? એમને માટે કૉમેડિયન શબ્દ બહુ છિછરો પડે. એમને ખૂબ ઊંચા ગજાના ‘ઍક્ટર’ કહેવાય. સંવાદો બોલવાની એમની ઢબ અને અભિનયમાં ક્યારે એ શું કરશે, એની સમજ પડે, તે પહેલાં તો પ્રેક્ષકોને ધોધમાર હસાવી મૂક્યા હોય.

શત્રુધ્ન સિંહાએ ઍઝ યુઝવલ, (ૠષિકેશ મુકર્જીની ફિલ્મ હોવા છતાં) ઘણી લાઉડ ઍક્ટિંગ  કરી છે. આમ તો, આખી ફિલ્મમાંથી એનું પાત્ર કાઢી નાંખો તો ય વાર્તાને કોઈ અસર થાય એવું નથી. ૠષિદાએ આમે ય આ ફિલ્મ ‘નરમ ગરમ’ એમની અન્ય ફિલ્મો જેવી સમૃઘ્ધ નથી બનાવી. કૉમેડી એમના પોતાના સ્વભાવમાં હતી ને એમાં ય અમોલની સાથે ઉત્પલ હોય, એટલે રાબેતા મુજબનું હસવું તો આવવાનું જ, પણ આપણા જેવા ૠષિદાના મજબુત ચાહકોને ખબર પડે ખરી કે, એમણે પોતે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ન હોવાથી અનેક સમાધાનો કરવા પડ્યા હશે, નહિ તો એમની ફિલ્મોનું એક પણ ગીત વાર્તાને રોકનારૂં ન હોય, વાર્તાની સાથે જતું હોય. અર્થાત, અહીં ગીત મૂકવું પડે એમ છે, એવા પ્રોડ્યુસરના આગ્રહને અહીં ૠષિદા માન્યા છે... ને વધારે પડતું માન્યા છે.

નહિ તો એમના કાયમી સલિલ ચૌધરીને બદલે રાહુલદેવ બર્મને આ ફિલ્મમાં શું કામ લે ? આ એ જમાનો ચાલતો હતો, જ્યાં આર.ડી. બર્મન જેવા દિગ્ગજ સંગીતકાર ભીંત ભૂલ્યો હતો ને જેટલી આવે એટલી ફિલ્મો લેવા માંડ્યો હતો, પરિણામ તમે આ ફિલ્મમાં ય જોઈ (ને સાંભળી) શકો છો કે, કોઈ બરકત એના સંગીતમાં નહિ. ગજાં બહારની ફિલ્મોમાં સંગીત સ્વીકાર્યું હોવાનો અંજામ એ આવ્યો કે, એક વર્ષની ૧૦૦-ફિલ્મોમાં સંગીત આપવાનું. એક એક ફિલ્મમાં સરેરાશ ૫-ગીતો ગણીએ તો એક વર્ષમાં ૫૦૦-ગીતોની ઘૂન તૈયાર કરવાની, રીહર્સલો કરાવવાના, હૉલીવૂડની ફિલ્મોમાંથી ઉઠાંતરી કરવા માટે એ ફિલ્મોના સંગીતો ય સાંભળવાના... આમાં ક્વૉલિટી ક્યાંથી આવે ?

આ તો જો કે, અમારા જેવા જૂનાં ગીતોના રસીયાઓ પૂરતી ખબર હોય કે, એના ફાધર સચિનદેવ બર્મન પાસે પોતાની ફિલ્મમાં સંગીત અપાવવું હોય તો નિર્માતાને રીતસર આજીજીઓ કરવી પડતી.

ને તો ય, ‘નરમ ગરમ’એ સમયની કે આજની ઘણી ફિલ્મો કરતા ઘણી સારી. ૠષિદાની ફિલ્મ હતી ને !

કુસુમ (સ્વરૂપ સંપટ) તેના ગરીબ પિતા (એ.કે.હંગલ) સાથે નાના ગામડાંમાં રહે છે. જુવાનજોધ થઈ જવા છતાં ક્યાંય ગોઠવાતું ન હોવાથી હંગલ રામપ્રસાદ (અમોલ પાલેકર)ને બહાનું બતાવીને ગામ બોલાવે છે, ને સ્વરૂપને પરણવાની દરખાસ્ત મૂકે છે. અમોલ પાસે નોકરી-ધંધાના ઠેકાણાં ન હોવાથી સ્વરૂપ ગમતી હોવા છતાં- લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી શકતો નથી. એ નોકરી કરે છે, કંજૂસ પણ ધનવાન ભવાનીશંકર (ઉત્પલ દત્ત) ને ઘેર, જે ખૂબ મહેનત અને ચતુરાઈથી ભવાનીનો ૫૩ વર્ષ જૂનો અદાલતી કૅસ જીતી આપીને શાબાશી ઉપરાંત પગારમાં રૂ. ૫/-નો વધારો પામે છે ને સાથમાં ગામડાની જે કોઠી અદાલતમાં જીતી ગયા હતા, તેનું સમારકામ અમોલને સોપે છે અને અમોલને ત્યાં જ રહેવા ફરમાવે છે. આ બાજુ, લેણદારો હંગલ પાસે તેનું ઝૂંપડું ખાલી કરાવતા, બાપ-દીકરી અમોલવાળી કોઠીમાં, ‘માન ન માન, મૈં તેરા મહેમાન’ના ધોરણે રહેવા જ આવી જાય છે. અમોલનો મૅનેજર (સુરેશ ચતવાલ)ની નજર કુસુમ પર બગડે છે અને કોઠી ખાલી નહિ કરાવવાના બદલામાં કુસુમને પરણવા માંગે છે, કુસુમના પ્રેમમાં પડી ચૂકેલો અમોલ સુરેશને કઢાવવા ઉત્પલ દત્તના નાના ભાઈ શત્રુધ્ન સિન્હાને ફરિયાદ કરે છે, તો એ ય સ્વરૂપની પાછળ ગાન્ડો થાય છે. એને છોડાવવા અમોલ ઉત્પલ દત્તને વાત કરે છે તો દાદા પોતે ય આશિકમિજાજ થઈ જાય છે. છેવટે અનેક હાંધાહલાડા કરીને અમોલ સ્વરૂપને પાછી મેળવે છે.

વચમાં ૠષિદાએ લેવાદેવા વગરના પાત્રો ય મૂક્યા છે. સ્વરૂપનો-ઘર છોડીને ભાગી ગયેલો ભાઈ (આનંદ) ફૂટપાથછાપ નાટક કંપનીમાં જોડાય છે, જ્યાં એના ગુરૂજી (નીલુ ફૂલે) સલાહ આપે છે કે, કંપનીની માલકીન (પદ્મા ચૌહાણ) પાસેથી કામ અને વધારાના પૈસા માંગ. કોક અગમ્ય કારણસર દારૂની લતે ચઢી ગયેલી પદ્મા આનંદને પોતાના ખોવાયેલા ભાઈ સ્વરૂપે જુએ છે. આપણને નવાઈ એ લાગે છે, ફિલ્મની વાર્તાને આ ત્રણે કેરેક્ટરોની ક્યાં જરૂર હતી ? નૉર્મલી, ૠષિદાની ફિલ્મોમાં કૅમેરામૅન વર્ષોથી જયવંત પઠારે જ હોય, એમ કલાકારોમાં ય આ સુરેશ ચતવાલ, આનંદ, મીના રૉય કે લલિતા પવાર હોય જ. લલિતા સાથે ફિલ્મ ‘આનંદ’ દરમ્યાન પૅમૅન્ટ બાબતે ઝગડો થઈ જતાં, લલિતાને કાયમ માટે દાદાએ રૂખ્સત આપી દીધી હતી. એ જમાનામાં કિરણ વૈરાલે નામની બટકી છુટક છુટક ફિલ્મોમાં નાનકડાં રોલમાં આવતી. એ કોઈ સંસદ સભ્યની દીકરી હતી. પદ્મા ચૌહાણ આમ તો ઠેઠ ’૫૭-માં બનેલી ફિલ્મ ‘મિસ્ટર ઍક્સ’માં પહેલી વાર આવી. હીરોઈન ક્યારેય ન બની શકી, પણ હર્યુંભર્યું ભરાવદાર અને સૅક્સી બૉડી હોવાને કારણે તમામ ફિલ્મોમાં એને એવા જ રોલ મળવા લાગ્યા. માંડ કોઈ ૨૦-૨૫ ફિલ્મોમાં કામ કર્યું હશે.

પણ એક ગજબનો ઍક્ટર અવતાર કિશન હંગલ વૃઘ્ધ હોવા છતાં તમામ વર્ગના પ્રેક્ષકોનો ઘણો માનિતો હતો. મૂળ ‘ઈપ્ટા’નો આ કલાકાર બહુ સ્વાભાવિક અભિનયનો માસ્ટર હતો. કમાયેલા પૈસા રામ જાણે ક્યાં નાંખ્યા કે, મરતી વખતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસે દવાના પૈસા ય માંગવાનો વખત આવ્યો. રાજેશ ખન્નાનો ખૂબ માનિતો હોવાને કારણે ખન્નાની ૧૬-ફિલ્મોમાં હંગલને કામ મળતું રહ્યું. ‘શોલે’માં પ્રજ્ઞાચક્ષુ મૌલવીના પાત્રમાં રોલ નાનો હોવા છતાં કાકા, ‘‘યે સન્નાટા ક્યું હૈ, ભ’ઈ...?’’ જેવા નાનકડા સંવાદથી જાણીતા બની ગયા હતા.

આજકાલના છોકરાઓ કોઈ ફિલ્મ જોઈ આવે ને આપણને પૂછીએ તેનો અનોખો જવાબ આપે છે, ‘‘એક વાર જોવા જેવી ખરી...!’’ આ એક વાર જોવાનો શું અર્થ થાય, તેની મને તો ખબર પડતી નથી. આ હિસાબે, બીજી બધી ફિલ્મો તો ૧૫-૧૫ કે ૨૦-૨૦ વખત જોવાતી હશે ને ?

એવું જ હોય તો આ ‘નરમ ગરમ’ એક વાર જોવા જેવી ખરી...!

27/04/2012

‘ભૂમિકા’ (’૭૭)

ફિલ્મ :  ‘ભૂમિકા’ (’૭૭)
નિર્માતા :  ફેની વરિયાવા
દિગ્દર્શક :  શ્યામ બેનેગલ
સંગીત :  વનરાજ ભાટિયા
થિયેટર :  સંભવતઃ - એડવાન્સ (અમદાવાદ)
રનિંગ ટાઇમઃ ૧૪ રીલ્સ :  ૧૪૫ મિનિટ
કલાકારો :  સ્મિતા પાટિલ, અમોલ પાલેકર, અનંત નાગ, નસીરૂદ્દીન શાહ, અમરીશ પુરી, સુલભા દેશપાંડે, ઓમ પુરી, કુલભુષણ ખરબંદા, જી. એમ. દુરાની

ગીતો
૧. તુમ્હારે બિના જી ના લગે ઘરમેં... પ્રીતિ સાગર
૨. સાવન કે દિન આયે સજનવા આન મિલો પ્રીતિ સાગર- ભૂપેન્દ્ર
૩. મેરા જીસ્કીલા બાલમ ના આયા... પ્રીતિ સાગર
૪. મેરે જીંદગી કી કશ્તિ, તેરે પ્યારકા સહારા... ચંદ્રુ આત્મા
૫. ઘટ ઘટ મેં રામ રમૈયા (રાગ : લલિત) ફિરોઝ દસ્તૂર
૬. મોંદર બાજુ રે (રાગ : શુદ્ધ કલ્યાણ) સરસ્વતિ રાણે
૭. મોંદર બાજુ રે (રાગ :  શુદ્ધ કલ્યાણ) મીના ફાતરપેકર, ઉત્તરા કેલકર
(ગીતકારો  : વસંત દેવ (૩), મજરૂહ (૧, ૨), રાજા મેંહદીઅલી ખાન
(૪) બાકીના પારમ્પરિક)

સ્ત્રીના ચરિત્ર ઉપર પુરુષની પ્રતિષ્ઠા અવલંબિત હોઈ શકે છે. સીધો દાખલો : દાખલો આપવા પૂરતું માની લઈએ કે, તમે સીધા માણસ છો. (હસવાનું નહિ !) તમારી નજર ખરાબ નથી અને... કશું જ ખરાબ નથી. ચરિત્રના મામલે આજ સુધી તમારા નામે કોઈ કલંક નોંધાયું નથી, પણ રસ્તે જતા અચાનક કોઈ સ્ત્રી તમારી જાણ બહાર અથડાય અને તમે કાંઈ રીએક્ટ કરી શકો, તે પહેલાં તો ચીસ પાડીને બધાની વચ્ચે તમને ગાળ દે, ‘‘સાલા નાલાયક... તારા ઘરમાં માં-બહેન નથી ?... ચાઇ- જોઇને મને અથડાય છે તે...?’’

કબૂલ કરો કે, રસ્તે ઊભેલાઓમાંથી એક પણ જણ તમારી ફૅવર કરવાનું છે ખરું ? એમાં ય પેલી સ્ત્રી જરાક અમથી સુંદર હશે તો એના કેટલા ભાઈઓ (અને ફાધરો...!!!) ફૂટી નીકળશે. તમારા કોઈ ખુલાસાની જરૂર જ નહિ. લોકો સીધા તમને ધમકાવવા કે ફટકારવા માંડશે... આખી જિંદગી જે ચરિત્ર અને પ્રતિષ્ઠાને તમે દીકરીની જેમ સાચવી રાખી હતી. તે એક દુષ્ટ સ્ત્રીના આક્ષેપથી કલંકિત થઈ ગઈ ને તમે કશું કરી શકતા નથી.

સ્ત્રીઓ અંગે દરેકનો અનુભવ નોખો નોખો હોય પણ એક બાબતે સર્વસંમતિ કે, તમારા ટચમાં આવેલી સ્ત્રીની તમે પ્રશંસા કરતા રહો, એનું સારું બોલો, એ કહે તેમ ચલાવતા રહો અને એને જ્યાં સુધી તમારી જરૂરત છે, ત્યાં સુધી જ તમે કામના માણસ, એક વખત તમારા માટેની એની ગરજ પૂરી થઈ ગઈ અને બીજો મળી ગયો, પછી આવી સ્ત્રીઓ કાચી સેકંડમાં તમને ફેંકી દે... કોઈ પણ આક્ષેપ મૂકીને, કોઈ પણ નીચલી કક્ષાએ ઉતરી જઈને !

એની લાઇફમાં નવા આવેલા બીજા પુરુષને તમે સમજાવી પણ શકતા નથી કે, ‘‘બેટા, આજે હું હતો... કાલે તારો ય વારો આવશે. આ સ્ત્રીને હજી તેં મારા જેટલી ઓળખી નથી. એને પુરુષો બદલવાની આદત પડી ગઈ છે. તારી એને જરૂરત છે ત્યાં સુધી જ તું વિશ્વોત્તમ પુરુષ... જરૂરત પતી ગઈ ને એને નવો મળી ગયો પછી તને એવા રસ્તે ફેંકી દેશે, જ્યાંથી પાછા આવવા તને રીક્ષા ય નહિ મળે !’’

બસ.. એક્ઝેટ, આ જ વિષયવસ્તુ ઉપર શ્યામ બેનેગલે અદ્‌ભુત ફિલ્મ બનાવી હતી, ‘ભૂમિકા’. ઉપરની વાત જેવો અનુભવ તમને સાડા આઠ ટકા પણ થયો હોય તો આ ફિલ્મ જોઈ લેવા જેવી છે... (અને તમે એવી સ્ત્રી હો તો તો ખાસ જો જો... નવા પુરુષને મિત્ર બનાવવાની તરકીબો ફિલ્મની હિરોઇન ઉષા (સ્મિતા પાટિલ) તમને ૧૪૫ મિનિટમાં શીખવી દેશે. વિષયવસ્તુ ૭૦- ૮૦ વર્ષ પહેલાના ભારતની છે, પણ સ્ત્રીઓની આ ઇતર પ્રવૃત્તિ તો રામાયણ- મહાભારતના વખતથી ચાલી આવે છે અને જો ઇ.સ. ૨૦૧૨ના આ ડીસેમ્બરની ૧૨મી તારીખે સમગ્ર પૃથ્વીનો વિનાશ નક્કી જ હોય અને નવી પૃથ્વી બનાવવાના ઓર્ડરો અપાઈ ગયા હોય તો ત્યારે પણ સ્ત્રીઓ આવી જ રહેવાની. કોઈ પંખો ચાલુ કરો !

ઇન ફૅક્ટ શ્યામ બેનેગલે આ ફિલ્મ ’૪૦ના દાયકાની મરાઠી સ્ટેજ અને ફિલ્મ અભિનેત્રી હંસા વાડકરની મરાઠી આત્મકથા ઉપરથી બનાવી છે. આમ તો દરેક ફિલ્મની શરુઆતમાં બધા નિર્માતાઓ પાટિયું મારી દેતા હોય છે કે, મતલબ આ ફિલ્મના કોઈ પણ પાત્રો કે ઘટના સાથે હાલમાં જીવિત કે મૃત્યુ પામેલ કોઈ વ્યક્તિ ઉપરથી આ ફિલ્મ બનાવવામાં આવી નથી. જો કોઈને એમ લાગતું હોય તો તે એક સંયોગમાત્ર છે.’ એવું આ ફિલ્મના ટાઇટલ્સમાં ય લખવામાં આવ્યું છે. પણ મરાઠી સાહિત્ય અને ફિલ્મો સાથે સંકળાયેલા જાણકારોના મતે, હંસા વાડકરે એના ફિલ્મી જીવન દરમ્યાન ફિલ્મ ‘નવરંગ’વાળા વ્હી. શાંતરામે એને પ્રેમજાળમાં ફસાવીને એને લૂંટી લીધી હોવાની આડકતરી સાબિતીઓ આત્મકથામાં આપી છે.

મતલબ, કદાચ સાચું પણ હોય તો ય, વ્હી. તો કારણ વગરના ભરાઈ ગયા ને ? હંસા પરિણીત હોવા છતાં કોઈ એક પુરુષની થઈને રહી નહોતી. (ને નિખાલસતાપૂર્વક આત્મકથામાં એનો એકરાર પણ કર્યો છે.) ફિલ્મ બનાવવામાં શ્યામ બેનેગલે ઘ્યાન એ રાખ્યું છે કે, હંસાના લફરાબાજ જીવનમાં આવેલા અનેક પુરુષો (અમોલ પાલેકર, અનંત નાગ, અમરીશ પુરી કે નસીરૂદ્દીન શાહ)ને કે ખુદ હંસાને શ્યામે દોષિત ઠરાવ્યા નથી. દોષિત કોણ છે અથવા દોષિત કહેવાય કે નહિ, એ તર્કબુદ્ધિ શ્યામે પ્રેક્ષકો ઉપર છોડી છે. એમણે પોતાનો ઓપિનિયન ક્યાંય નથી આપ્યો કે, ‘‘જુઓ, ભોલીભાલી સ્મિતા પાટિલનો સેક્સ માટે ઉપયોગ કરીને અમરીશે કેવી છોડી દીધી ? કે પછી આટઆટલા પુરુષો બદલતી સ્મિતા આમ જુઓ તો હીરોઇન નહિ, વેશ્યા જ કહેવાય ને ? એવો કોઈ ઇશારો શ્યામે નથી કર્યો. એમણે દર્શકોની બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખ્યો છે કે, નક્કી તમે જ કરો કે, સેક્સના મામલે અસલી ગુન્હેગાર કોણ, પુરુષ કે સ્ત્રી... ? કે પછી, બેમાંથી કોઈ નહિ !!!’’

અલબત્ત, સ્ત્રી હીરોઇનના સ્થાને હોય કે, શાકવાળી- દૂધવાળીને સ્થાને હોય, એની મરજી વિના જગતનો સહુથી નઠારો પુરુષ પણ એક ઇંચ આગળ વધી શકતો નથી, એવી સમજ અવ્યક્તપણે આ ફિલ્મમાં શ્યામે આપી જ છે. આત્મકથામાં મોટા ભાગે તો પોતાનું ઢાંકીને બીજા ઉપર દોષારોપણ કરવાનું હોય છે અથવા સો કોલ્ડ નિખાલસતા બતાવવા લેખકો પોતાના દુર્ગુણો એ રીતે બતાવશે જે અવ્યક્તપણે એમનો ગુણ સાબિત થાય જેમ કે... ‘‘... ‘‘કબૂલ કરું છું કે મારી લોકપ્રિયતાથી પ્રેરાઈને અનેક સ્ત્રીઓએ મારી નજીક આવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું સુખી દાંપત્યજીવનનો પુરસ્કર્તા હોવાથી દરેકને હું વિનયપૂર્વક ના પાડી દેતો, તો કેટલીકે મને નપુંસક અને કાયર કીધો.. તો હા ભ’ઇ, મર્દાનગી પરસ્ત્રી સાથે સંબંધો બાંધવાથી જ મપાતી હોય તો હું ચોક્કસ નપુંસક છું... મારી પત્નીનો આવો મત નથી, તેથી સુખી છું.’’ વાચકોનું ઘ્યાન ખેંચવા અને પોતાના પ્રત્યે સહાનુભૂતિ મેળવવા ઉપરાંત એક આદર્શ પુરુષની છાપ પ્રસ્થાપિત કરવા લેખકો આવી કહેવાતી નિખાલસતા બતાવતા હોય છે, એવી નિખાલસતા હંસા વાડેકરે ક્યાંય બતાવી નથી. એના ફિલ્મી અને અંગત જીવનમાં આવેલા તમામ પુરુષોમાંથી કોઈએ ‘એને’ ફસાવી છે, એવું હંસીએ ક્યાંય વ્યક્ત કે અવ્યક્તપણે કીઘું નથી. પોતે સંજોગોનો શિકાર બનીને પરપુરૂષો સાથે દેહસંબંધ બાંધતી હતી, એવું ય એણે કીઘું નથી. અવારનવાર પુરૂષો બદલતા રહેવામાં એનો ચોખ્ખો હેતુ એ ચોક્કસ દેખાઈ આવે છે કે, અલ્ટિમેટલી એને લાઇફમાં શાંતિ જોઈતી હતી, ઠરીઠામ થવું હતું, એ પુરુષના દેહની ભૂખી નહોતી, પુરુષ આપી શકે એ સ્ટેટસ, હૂંફ અને શાંતિની ભૂખી હતી.

નાઉ જસ્ટ થિન્ક ઓફ ઇટ... આટલો બધો વિયર્ડ લાગે એવો રોલ તો સ્મિતા પાટિલ સિવાય બીજી કોણ કરી શકવાની હતી ? કોઈ નહિ ને ?

સ્મિતા પાટિલ શ્યામ બેનેગલની શોધ છે, પૂનાની ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટમાં એક્ટિંગ શીખીને આવેલી સ્મિતાને શ્યામે પહેલી વાર ‘ચરણદાસ ચોર’માં ચમકાવી, આપણે તો, ‘હેંએએએએ...’ બોલી નાખીએ કે, ’૫૫માં જન્મીને ’૮૬માં ગુજરી ગયેલી સ્મિતા પાટિલે આટલા ટૂંકા ગાળામાં ૭૫ હિંદી ફિલ્મોમાં કામ કરી લીઘું હતું. ’૭૦નો એ દાયકો શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાણી, બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય, ગિરીશ કર્નાડ જેવા સર્જકોને કારણે ‘પૅરેલલ સિનેમા’ તરીકે ઓળખાયો. બાકી આપણે કાયમ જોતા હોઈએ, એને એ લોકો ‘મેઇનસ્ટ્રીમ સિનેમા’ તરીકે ઓળખે, સાવ સાદી ભાષામાં આર્ટ ફિલ્મ અને કમર્શિયલ ફિલ્મ કહેવાય, તો શશી કપૂરે જુદી અને વાસ્તવિક વ્યાખ્યા આપી હતી કે, હિંદી ફિલ્મોમાં આર્ટ કે કમર્શિયલ ફિલ્મ જેવું કાંઈ હોતું જ નથી.. કાં તો સારી ફિલ્મ કહેવાય ને કાં તો નબળી ફિલ્મ... બસ ! તો અવળચંડા આઇ.એસ. જોહરે એની મજાક પ્રમાણે જરા ગમ્મત પડે એવી વ્યાખ્યા આપી હતી કે, ‘ભારતમાં બે પ્રકારની ફિલ્મો બને છે... એક ખરાબ ફિલ્મ અને બીજી... બહુ ખરાબ ફિલ્મ.’

આ જે શ્યામ, ગોવિંદ કે ગીરિશ બનાવતા, એ ફિલ્મોમાં શિક્ષિત વર્ગના દર્શકો માટે એક ચીજ સારી બનતી કે, એમાં ફિલ્મ કે એની વાર્તાને મહત્ત્વ અપાય. એ લોકો માટે અમિતાભ બચ્ચન કે ઓમ પુરી વચ્ચે કોઈ ભેદ નહતો, પાત્ર અગત્યનું હતું. સૌથી મોટી વાત એ હતી કે, આ પેરેલલ સિનેમાના દિગ્દર્શકો સત્યજીત રે કે મૃણાલ સેનો બનાવતા એવી દંભી ફિલ્મો ય બનાવતા નહોતા, જેમાં રજૂઆત પ્રેક્ષકોને મુંઝવવા માટે મોટું કામ કરતી. શિક્ષિત ઘરોનો એક પાછો દંભી વર્ગ આપણે ત્યાં અત્યારે ય ખરો કે, જેમાં સમજ ન પડે, એવી સો-કોલ્ડ કલાત્મક ફિલ્મના ઉછળી ઉછળીને વખાણ કરવાના. સરકારોમાં તો અમથી ય લાંબી બુદ્ધિ હોય નહિ, એટલે આવી ફિલ્મો કે એના બનાવનારાઓને નેશનલ એવોર્ડ આપી દેવાના. આપણા ડ્રોઇંગરૂમવાળાઓ ખુશ ! આખી દુનિયામાં અનેક એવોર્ડ જીતી લાવનારી ઇંગ્લિશ ફિલ્મ જોતી વખતે આપણા ભાઈઓ અડધી ફિલ્મે તો તૌબા પોકારી ગયેલા... એકી કરીને પાછા આવવાની ય હિંમત નહોતી ચાલતી,પણ બહાનુ બહુ કામમાં આવતું માટે ફિલ્મમાં બેસી રહેનાર કરતા એકી કરવા જતો વર્ગ બહુ મોટો હતો.. સવાલ એટલો જ હતો કે, આવો મૂઢ માર ખાઈને આવનારા આપણા ગુજ્જુભાઈઓ બહાર પાછા આ ફિલ્મ વિશે બહુ મોટી મોટી વાતો કરે, જાણે ખૂબ અંજાયા હોય !

સદ્‌નસીબે, ગોવિંદ નિહલાણી (અર્ધ સત્ય) કે શ્યામ બેનેગલોએ એવી ફિલ્મો બનાવી જે ભલે મનોરંજક નહોતી, પણ દંભ વગરની અર્થપૂર્ણ ફિલ્મો હોવાના કારણે સામાન્ય પ્રેક્ષકોને ય થિયેટરો સુધી ખેંચી લાવતી. આ લોકોના એક્ટરોની પાછી ટીમ નક્કી જ હોય. સ્મિતા પાટિલ ન હોય તો શબાના આઝમી, બાકી બધી ફિલ્મોમાં નસીરૂદ્દીન શાહ, ઓમ પુરી, ડો. મોહન અગાશે, સાઘુ મેહર, અમરીશપુરી, કુલભુષણ ખરબંદા, અનંત નાગ કે સવિતા બજાજ હોય જ. ’૭૦ના દાયકાની આ ફિલ્મો ‘મંથન’, ‘ભૂમિકા’, ‘આક્રોશ’, ‘ચક્ર’, ‘ચિદમ્બરમ’, ‘મિર્ચ મસાલા’, ‘નિશાંત’, ‘ગમન’ ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’, ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ’’, ‘બાઝાર’, ‘અર્થ’ અને ‘મંડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી સ્મિતાએ અમિતાભ બચ્ચન સાથે ‘નમકહલાલ’ જેવી અનેક કમર્શિયલ ફિલ્મોમાં ય પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી દીધી. આવી ફિલ્મોમાં શબાના આઝમી ય નૅક-એન્ડ-નૅક જતી હતી, તો સ્વાભાવિક છે, સ્મિતા એને બધે નડતી હોય... ફિર ક્યા ? પોલિટિક્સ અને છીછરી ગેઇમ્સ રમીને શબાનાએ સ્મિતાનો કાંટો ફિલ્મોમાંથી કઢાવી નાંખ્યો. શબાના પાસે બૅકિંગ કેટલું મોટું, એ તમે ક્યાં નથી જાણતા ?

મુંબઈમાં પહેલી વાર ટી.વી. આવ્યું ત્યારે મુંબઈ દૂરદર્શન પર બે નામો બહુ ગાજેલા. એક લુકુ સાન્યાલ અને બીજી સ્મિતા પાટીલ. આ લુકુ એટલે ન્યુ થિયેટર્સની ફિલ્મોના જાણીતા હીરો અને છેલ્લે છેલ્લે રાજેશ ખન્નાની ફિલ્મ ‘આરાધના’માં શર્મિલા ટાગોરના પિતા બનતા પહાડી સાન્યાલની દીકરી. કમનસીબે આજના ફિલ્મ સ્ટાર પ્રતીક બબ્બરને જન્મ આપ્યાના બે જ સપ્તાહમાં સ્મિતા ગુજરી ગઈ.

અમોલ પાલેકર તો બધે બેસ્ટ જ હોય, એમાં મેં નવું શું કીઘું ? કેટલો સાહજીક એક્ટર હતો એ ! એને કોઈ પણ રોલ આપો એ અમોલ પાલેકર સહેજ પણ નહિ લાગે.. જે તે રોલ કર્યો હશે એ પાત્ર લાગશે. કમનસીબે આટલી સુંદર ફિલ્મો આપ્યા પછી એને નિર્માતા- દિગ્દર્શક બનવાની ઘૂન ચઢી ગઈ કે ઍક્ટર અમોલને એણે ભૂંસી નાખ્યો. શશી કપૂરની ફિલ્મ ‘‘કલયુગ’’માં એનો દુશ્મન બનતો અનંત નાગ પણ અહીં ટૂંકા રોલમાં છે. પણ કહી દીઘું ને કે આ બધા બેનેગલો કે નિહલાણીઓની ફિલ્મોમાં સ્ટાર્સનું કોઈ મહત્ત્વ ન હોય, પાત્રનું મહત્ત્વ હોય, એટલે ‘ભૂમિકા’માં નસીરૂદ્દીન જેવો વર્લ્ડ-ક્લાસ હીરો એક એક્સ્ટ્રાની જેમ થોડી વાર માટે જ આવે છે. ઓમ પુરી તો ક્યારે આવીને જતો રહે છે તે ફક્ત એક દ્રષ્યને કારણે ખબર ન પડે. ફિલ્મના શુટિંગમાં જુલ્મી રાજા બને છે. જૂના જમાનાનો અપ્રસિદ્ધ અને બદનામ ગાયક જી.એમ. દુરાની પણ બાળપણની સ્મિતાને શાસ્ત્રીય ગાયકી શીખવાડતા ગુરૂ તરીકે એક દ્રષ્ય માટે આવી જાય છે. ફિલ્મના સંગીતમાં વનરાજ ભાટિયાને ફિલ્મ પ્રમાણે સંગીત આપવું પડે એમ હોવાથી ખાસ કોઈ નોંધપાત્ર કામ થયું નથી.

હવે તો આ બધી ફિલ્મો આપણને જોયે પણ ૩૫- ૪૦ વર્ષો થઈ ગયા અને એ વખતે પણ ‘ભૂમિકા’ ગમી હતી... હવે તો વધારે ગમશે.. ‘મેચ્યોર’ પણ વધારે થયા છીએ ને ?