Search This Blog

Showing posts with label biography. Show all posts
Showing posts with label biography. Show all posts

20/09/2017

સાચું હૅરિટેજ તો અમારૂં ખાડીયા છે

જાપાનના વડાપ્રધાન અમદાવાદ આવ્યા, ત્યારે મોદીએ માણેક ચોકનું રાત્રિબજાર કે અમારૂં ખાડીયા બતાવ્યું હોત, તો જાપાનમાં, ખાડીયું, કેવી રીતે બનાવવું, એના સપનાંમાં એ જાપાનની બુલેટ ટ્રેનોને ભૂલી ગયા હોત !

કોઈ મજાક વગર પણ કહીએ તો ખાડીયા કેવળ અમદાવાદની જ નહિ, પૂરા ગુજરાતની શાન છે. બ્રિટિશ વડાપ્રધાનને ય પૂછવું પડયું હતું કે, what is this khadia ? દેશનો ઇતિહાસ લખવા બેસો ને એમાં ગુજરાત આવે ત્યારે અમદાવાદથી ય પહેલા ખાડીયાને યાદ કરવું પડે. આજે અમેરિકા- ઇંગ્લેન્ડમાં ય ગુજરાતીઓમાં સૌથી વધારે ખાડીયાવાળા રહે છે.

ખાડીયાની સર્વોચ્ચ સિધ્ધિ એ છે કે, છાપામાં છેલ્લે પાને આવતી બેસણાંની જા.ખ.માં સ્વર્ગસ્થના સરનામાંમાં ખાડીયાની કોઈ પોળનું સરનામું છે કે નહિ, એટલું જ વાંચી લેવાનું. પછી એ જોવાની જરૂર નહિ કે સ્વર્ગસ્થ વીરમતીબેન કે એમના ફૅમિલીને તો આપણે ઓળખતા નથી, પણ સરનામામાં 'મોટો સુથારવાડો' છપાયું છે, એટલે બેસણું ભરચક થઈ જવાનું. લગભગ '૮૦ કે '૯૦ પછી તો ખાડીયાના જૂના વાસીઓ તો બોપલ, પ્રહલાદનગર કે મણીનગર રહેવા ચાલ્યા ગયા અને સારા પ્રસંગે ન જાઓ તો ચાલે, પણ બેસણામાં જવાનું હોય તો અમારા ખાડીયાવાળા કોઈને ટ્રાફિક, અંતર કે તબિયત ન નડે. એવા તો અનેક બેસણાં હશે, જેમાં બેસણે આવનાર તો સ્વર્ગસ્થને નામથી ય ઓળખાતો ય ન હોય ! બસ, સ્વર્ગસ્થ ખાડીયાનો હોવો જોઇએ.

જૂનું અમદાવાદ જ હતું ય કેવડું ? પૂરા શહેરમાં માંડ ૧૭-૧૮ સિનેમાઓ. ચેતના, યમુના, મૈસૂર કાફે, મદ્રાસી બ્રાહ્મણીયા હોટલ અને સારી બે જ ઍર કન્ડિશન્ડ હૉટલોમાં રીલિફ સિનેમાની બાજુમાં ર્ક્વાલિટી અને એની સામે 'નીરો'ઝ' ગાડી તો બહુ દૂરની વાત છે કે પૂરા શહેરમાં બધું મળીને ૨૦-૨૫ કારો માંડ હતી, ત્યાં સ્કૂટરો તો હજી આવ્યા ય નહોતા. બ્રાન્ડ ન્યુ વૅસ્પા રૂ.૩,૦૦૦/- માં અને લૅમ્બ્રેટા એનાથી ય એકાદ હજાર ઓછામાં.
લોકો થોડા થોડા પૈસા ભેગા કરીને ત્રણ હજારનું વૅસ્પા છ હજારમાં વેચતા ને ઘણું કમાયા. ખાડીયા ચાર રસ્તે ઘોડાગાડીનું સ્ટૅન્ડ હતું, રોહિત હોટલ પાસે તો એવું બીજું સ્ટૅન્ડ ભદ્રકાળીના મંદિરની સામે પ્રેમાભાઈ હૉલ પાસે. એની સામે એસ.ટી.બસ સ્ટેશન હતું એ તો કોઈ માનશે ય નહિ ! જગતભરની સૌ પ્રથમ ડબલ-ડેક્ર મૂતરડી ગાંધી રોડના ફર્નાન્ડીઝ બ્રીજ ઉપર હતી.

(ઉપર જઈ આવીને એક આંટો નીચે ય મારવાનો, એવું નહિ... પણ નીચે માણેક ચોકમાં આવનારાઓને ઉપર ધક્કો ખાવો ન પડે કે ત્યાં સુધી રહેવાય પણ નહિ, માટે આવી સગવડ કરવામાં આવી હતી. રસ્તો બતાવનારા ય માપ મૂતરડીનું જલે,''અહીંથી સીધા જશો,એટલે બે મૂતરડી આવશે-એક નાની, એક મોટી'... ઊહું.. ફૂટપાથવાળી નહિ ગણવાની ! બસ, સામે છેલ્લી આવે ત્યાં તમારૂં લાલ દરવાજા આવી જશે.''

એ જમાનામાં 'જહાં શૌચ, વહી શૌચાલય'જેવા પાટીયાં નહોતા માર્યા. આજે પાટીયાં બધે છે, પણ શૌચાલય એકે ય નથી.

અમે તો અડધી જીંદગી ખાડીયામાં કાઢી, પણ યાદ નથી કે કોઈ પોળ પોળ વચ્ચે નાનકડો ય ઝગડો થયો હોય, મારામારી તો બહુ દૂરની વાત છે.પોળોના નામ સાથે એના અર્થને કોઈ લેવાદેવા નહિ. અમારી ખત્રી પોળમાં એકે ય ખત્રી રહેતો નહતો. અમારી ખત્રી પોળમાં એકે ય ખત્રી રહેતો નહતો. વેરાઈ પાડામાં વેરાઈ માતાનું વાહન પાડો હતો કે નહી, તેની તો ખબર નથી પણ સામે પાડા પોળમાં ભલે શરીરે જોરદાર હોય, તો પણ પાડો કોઈ રહેતો નહતો.

એની જેમ મામુ નાયકની પોળ ભૌગોલિક દ્રષ્ટિએ ખાડિયાની ન કહેવાય, પણ એ બન્નેની વચ્ચે ઘુસી ગયેલી રાજા મેહતાની પોળવાળા ય પોતાને ખાડીયાવાળા માનતા. આ બાજુ ધોબીની પોળ અને દેસાઈની પોળ ખાડીયાના નાક-કાન ગણાતા. જેઠાભાઈની પોળ નાની કઈ રીતે, એ તો કોઈને ખબર નથી. પણ 'નાના' નહિ, 'નાની' જેઠાભાઇની પોળ છે. જેઠાભાઇની જાતિ બદલી નાંખી.

ગોટીની શેરીમાં ગોટી ક્યાંથી આવી અને પોળ હોવા છતાં આધાર-કાર્ડમાં 'શેરી' કઈ કમાણી ઉપર લખવું પડતું, એ તો એના જૂના રહેવાસીઓને આજે ય ખબર નથી. અમૃતલાલની પોળ કોઈ અમૃતલાલે બનાવી હશે એવું નથી, ત્યાં કોઈ અમૃતલાલ રહેતા હશે અને હિસાબ- કિતાબ ચોખ્ખો રાખતા હશે, એટલે નામ કુર્બાન !

એવા જ કોઈ શેઠ મણિયા શાહ હશે, એટલે એમના નામે પોળ, પણ સોનીના ખાંચામાં તો સોનીઓ રીતસર રહેતા હતા. પણ સ્વ.તારક મહેતા રહેતા, એ ઝૂમખીની ખડકીવાળી આ ઝૂમખી કોણ ? અર્જુનલાલની ખડકી એક ખડકી જેવડી જ પોળ. પિપળા શેરીમાં કોઈ દસેક હજાર વર્ષ પહેલા પિપળો હશે પણ કવિશ્વરની પોળમાં કવિ એકે ય નહતો, એટલે પોળ ઘણી સન્માનપાત્ર બની.

લોકો એમાં જવાની હિમ્મતો કરી શકતા કે, કોઈનું કાંઈ (ગઝલ, કવિતા, અછાંદસ કે હાઈકુ) સાંભળવું નહિ પડે. સામા ગુંડાઓ સિવાય કદી કોઈને નહિ નડેલો 'ટેંગલા દાદા' પણ બાલા હનુમાનની પેદાશ. સેવકાની વાડીમાં સુંદર દાદા, શ્રીરામજીની શેરીના ભરત દાદા અને ભાણસદાવ્રતની પોળના કમલ દાદા. આટઆટલા દાદાઓ છતાં પૂરા ખાડીયામાં એમની કોઈ બીક નહિ.. હા, બહારના ગુંડામવાલીઓ એમને કારણે ડરતા.

ને આ ચારે ય ને કારણે કોઇ ગુંડો ખાડીયામાં આવી નહતો શકતો. ગોલવાડને કારણે કૌમી રમખાણોમાં પૂરૂં ખાડીયા સલામત રહેતું, એવી ગોલાઓની ધાક. મૂળ કોઈ જૈન શ્રેષ્ઠી 'ફતા શાહ'ના નામનું અપભ્રંશ કરીને 'પતાસાની પોળ' થઈ ગયું. હિંગળોક જોશીની પોળ નામ પડતા તો પડી ગયું પણ એ પછી પૂરા ગુજરાતમાં કોઈ જાશીએ પોતાના દીકરાનું નામ 'હિંગળોક' પાડયું નથી.

કોઠારી પોળમાં તો અમારૂં રીસેપ્શન યોજાયું હોવાથી અત્યારે એ યાદ કરતા ફફડી જવાય છે. સારંગપુર ખાડીયાના પહેલા ખોળાનું કહેવાય, એટલે લાખીયાની પોળના માનપાન પૂરા ખાડીયામાં ખરા. તળીયાની પોળલાંબી થઈથઈને સારંગપુરની ય બહાર નીકળવા જતી હતી, પણ ખાડીયાવાળાઓએ રોકી લીધી.

પાડો નામનું જાનવર હોય છે, પણ પહોળો પાડો હોઈ શકે, પણ લાંબો પાડો અને એની ય પોળ તો ખાડીયાના જુડવા ભાઈ રાયપુરમાં જોવા મળે. એક રેકોર્ડ મોટા અને નાના સુથારવાડાને નામે પણ છે કે, પૂરા શહેરમાં બિલકુલ સામસામે બે પોળો પડતી હોય, એવો તો પૂરા શહેરનો આ એક જ દાખલો છે. શોભારામ સુરતીની પોળના સાઈબાબાના મંદિરમાં દર ગુરૂવારે મોટા અંબાજી જેટલી ભીડ ભક્તોની થતી.

આજે જેના વગર ગુજરાતભરની સ્ત્રીઓને ચાલતું નથી. તે પાણી-પુરીની ગુજરાતભરમાં શરૂઆત ખાડીયામાં થઇ હતી. ફાફડા- જલેબી પણ પૂરા ગુજરાતને ખાડીયાએ આપ્યા. ગાંધી રોડ પર ખત્રી પોળને નાકે વિદ્યારામ નામનો ભૈયો અને ધોબીની પોળને નાકે મોટી લારીવાળો ભૈયો ખૂબ વખણાતો.

જેઠાભાઈની પોળ સામે હીરાલાલ નામના સિંધીના બરફના ગોળા એ જમાનાના ખાડીયાવાસીઓ હજી ભૂલ્યા નથી. ગોળો ત્રણ પૈસાનો હોય ને એની ઉપર આઇસક્રીમની ચમચી અડાડે તો પાંચ પૈસાનો. પૂરા ખાડીયાને શાકભાજી જમાડવાની જવાબદારી 'છન્નુભૈયા'ની હતી.

વનિતા વિશ્રામ અને રા.બ.રણછોડ ગર્લ્સ સ્કૂલની છોકરીઓને જેઠાભાઈની પોળની સામે લારી લઈને ઊભા રહેતા વાડીલાલ(વાડીયો)ના ખારા, ખાટાં અને તીખા આંબોળીયા બહુ ભાવતા. આ લખનારની મમ્મીએ ગોટીની શેરીને નાકે હરિરામની દુકાનેથી તેલ લાવવાનું કહ્યું, ત્યારે રૂ.૨.૪૦ પૈસે તેલ મળતું, પણ યાદ છે કે, તેલના ભાવ રૂ.૨.૫૦ થઈ ગયા, ત્યારે પૂરા ખાડીયાની ગૃહિણીઓએ બુમરાણ મચાવી દીધી હતી. અમદાવાદના સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડ કે વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ રમવા આવે તો ૧ અથવા ૧/એ લાલ બસમાં બેસીને લાલ દરવાજા જવાનું અને ત્યાંથી સ્ટેડિયમ પહોંચવા આખા લાલ દરવાજે દોરડાં બાંધતા, જેથી લાઈનસર બધા જઈ શકે. ગાંધી રોડ પરની મોડેલ ટૉકીઝમાં મહાન ગાયક કે.એલ.સાયગલની ફિલ્મ 'શાહજહાં' આવી ત્યારે સાયગલ સાહેબ ચાલતા ખાડીયાનો આંટો મારવા નીકળ્યા હતા.

શ્રી મહાદેવજીના ખાડીયા જેટલી સંખ્યામાં મંદિરો બીજે ક્યાંય નથી. એ વખતના જૈનો પતાસાની પોળની સામે આવેલા જૈન દેરાસરથી સંતોષ માનતા, પણ રોજ સાંજે ખરી ભીડ સારંગપુરના રણછોડજીના મંદિરે થતી. દર્શન કરી લીધા પછી બે ઘડી એના ઓટલે બેસવાનો પરમ આનંદ આવતો, તો ઘણા કાકાઓ એ ઓટલે બેસીને કાકીઓ જોઈને રાજી થતા.

તોફાનો રમખાણો માટે ખાડીયાને પહેલેથી જ બદનામ કરવામાં આવતું, પણ ખાડીયા હંમેશા પ્રજાના હક્ક માટે લડયું છે, એ બહુ ઓછાને ખબર હશે. રાયપુરમાં અંગ્રેજ અમલદારની કાર ઉપર સુથળી-બોમ્બ ફેંકનાર પણ ખાડીયાવાસી જ હતા.

હૅરિટૅજનો સાચો દરજ્જો તો ખાડીયાને આપવો જોઈએ... સુઉં કિયો છો ?

સિક્સર
જાપાનના વડાપ્રધાને દર અઠવાડીયે અમદાવાદ આવવું જોઈએ... ખાડીયા, બોપલ,  પ્રહલાદનગર, સેટેલાઈટ, બાપુનગર કે ચમનપુરા જેવા સેંકડો વિસ્તારોના રસ્તા તો સુધરી જાય !

30/06/2017

ચાંદ પર ડાઘ ચલેગા, શર્ટ પર નહિ !

મને જેમણે પર્સનલી જોયો છે, એ બધાને ખબર છે, મારૂં કોઇ શર્ટ ડાઘ વિનાનું ન હોય. ચા, દાળ–શાક સ્યાહિ કે કાંઇ નહિ તો છેવટે છીંકના છાંટા ય ઊડે ખરા, જેને ગુજરાતીમાં કહે છે ને કે, ‘ઊડીને આંખે વળગે’ એવા. પણ મારી આંખે નહિ, મને જોનારાની આંખે ! ઝાડના થડ પર મંકોડા ચઢ્યા હોય, એવું શર્ટ એ છીંટાને કારણે લાગે. પી શકાય એવા કોઇ પણ પ્રવાહીનો શર્ટ ઉપર એકાદો ડાઘ તો હોય જ. (ચરીત્રનો ડાઘ હજી સુધી તો સ્ત્રીઓની કૃપાથી પડ્યો નથી ! જય અંબે)

એવું નથી કે, બજારમાં આવા ડાઘવાળા શર્ટો ય મળે છે ને હું ચાઈજોઈને એવા શર્ટો લઇ આવતો હોઉં. કૃષ્ણ વૃંદાવનમાં હોય તો ગોકુળથી પણ ગોપીઓને એ દેખાય, એમ મારા કોઇ પણ શર્ટ–ઝભ્ભા ઉપર દૂરથી દેખાય એવો એકાદો ડાઘ તો હોય જ. આપણે જેને બતાવવા ન માંગતા હોઇએ, એ બધીઓની પહેલી નજર એના ઉપર પડે. ઘણી મિલ્કતો પોતાની હોવા છતાં માલિક કરતાં બીજાની આંખે ઝાઝી વસી જતી હોય છે, એમ મારા ડાઘ ઉપર મારા કરતાં બીજાઓનું ધ્યાન વધારે જાય છે. અર્થાત્, ડાઘ વાઇફ જેવા હોય છે... આપણા કરતાં બીજાઓ બહુ જો જો કરતા હોય ! (કેટલાક વાઇફો ડાઘ જેવી હોય છે... એને ય બીજાઓ બહુ જો જો કરતા હોય ! આ તો એક વાત થાય છે.)

આપણે તો મારા શર્ટના ડાઘની વાત કરતા હતા. આવા શર્ટો પહેરીને સમાજને હું કોઇ નવી ફેશન આપવા માંગતો નથી. પણ ગમે તેટલું સાચવું, ખાસ કરીને નવા શર્ટ ઉપર મારાથી ડાઘો પડી જ જાય છે. આજકાલ તો નવું શર્ટ રૂ. ૨–૩ હજારમાં આવે છે અને ડાઘવાળા શર્ટ બજારમાં મળતા નથી કે, એમાં ડાઘની સાઇઝ પ્રમાણે આપણને એટલું ડિસકાઉન્ટ કાપી આપે. શર્ટ નવું હોય કે જૂનું, ડાઘ હંમેશા નવાનક્કોર હોવાનો. ડાઘ ૫૦–ઉપર પહોંચેલા પરિણિત માણસ જેવો હોય. એને પોતાના આકાર, રંગ કે સાઇઝ પર કાબુ હોતો નથી. એ તો અમીબાથી માંડીને મૅક્સિમમ એક લિસોટા જેટલો હોય. ફરક એટલો કે, ડાઘવાળું શર્ટ કાઢીને ફેંકી દેવાય છે... ભારતીય સંવિધાન મુજબ, પરિણિત પુરૂષને આવી જાહોજલાલી હોતી નથી.

એવું નથી કે, હું સાચવતો નથી. ચા કરતાં મારૂં ધ્યાન હવે પછી પડનારા ડાઘ ઉપર વધુ હોય છે. મોટાઓ કહી ગયા છે કે, બહુ સાચવવા જવામાં જ શર્ટ કે જીવન ઉપર ડાઘ પડી જતા હોય છે. આપણા કરતાં બેફિકરાઓ સારા અને આજ કારણે દારૂને જગતનું સર્વોત્તમ પીણું કહેવામાં આવે છે. બીજા કોઇ પણ પીણાંનો શર્ટ પર ડાઘ પડી શકે, દારૂનો ડાઘ પડતો ક્યાંય જોયો ? (સૂંઘ્યો હોય તો ખબર નથી !) દારૂનો ડાઘ બહુ બહુ તો જીંદગી ઉપર પડે અને એવા ડાઘને તો ભગવાને ય ધોઇ શકતા નથી. હું આ કારણે આગ્રહ કરતો હોઉં છું કે, હોટલમાં જઇને સમ્ભાર પીવા કરતાં ઘેર બેસીને દારૂ પીવો સારો... શર્ટ તો ન બગડે ! સામ્ભારનો ડાઘ પડે, શરાબનો નહિ. સુઉં કિયો છો ? રોજ રાત્રે ‘પૅગ’ મારનારાઓના કપડાં જોઇ લેજો. એક પણ ડાઘો ન મળે. અને ઘરમાં હોય એટલા ફૅમિલી મૅમ્બરોને લઇને હોટલમાં જમવા ઊપડેલાઓને જોજો. શર્ટ તો જાવા દિયો, એના કૉલર ઉપર દાલ મખની કે પાલક–પનીરનો લીલો ડાઘો પડ્યો હોય. ઘડીભર આપણે હેબતાઇ જઇએ કે મોંઢાને બદલે આવડો આ ગળેથી ખાતો હશે ? આ જ કારણે દારૂનો ડાઘ ન પડે, કારણ કે, પાલક–પનીર કરતાં દારૂ મોંઘો છે. કોઇ એવો બગાડ ન થવા દે. શરાબને રકાબીમાં કઢીને કે ચાની માફક ફૂંકી ફૂંકીને ન પીવાય. ચાર–પાંચ પૅગ ચઢાવેલાને ‘ચઢ્યા’ પછી આખો રૂમ હાલી જાય, એવો એ ઘુમ્મર–ઘુમ્મર થાતો હોય પણ ગ્લાસમાંથી એક ટીપું ય હેઠું પડવા નહિ દે. એક ટીપું વેડફાય, એ ય ૨૫–૫૦નું પડે. કોઇ પંખો ચાલુ કરો. દારૂનો ડાઘ શર્ટ ઉપર ભલે ન પડે, પણ જીંદગી ઉપર મોટો પડે છે, એવી સૌરાષ્ટ્રના ડાયરાના મારા લાડકા ગાયક–કલાકારશ્રી માયાભાઈ આહિરે એમની આહિર–કમ્યૂનિટી માટે અદ્ભૂત વાત કરી. ‘ગરવી રે ગુજરાતમાં આહિર વટ છે તમારો...’ અને આ વટ એટલા માટે છે કે, માયાભાઈએ એમની પૂરી કૉમને આહવાહન આપ્યું છે કે, દુનિયાભરનો એક પણ આહિર વ્યસની ન હોવો જોઇએ... દારૂ તો બહુ દૂરની વાત છે.

રોજ મને ચા આપતા પહેલાં મારી પત્ની અને વહુ એક રકાબી ચાલે એટલું ટુંકુ ભાષણ નિયમિત આપે છે, ‘‘જો જો, હાચવજો... શર્ટ પર ચા ઢોળાય નંઇ... અટાણે પે’લી વાર જ પેર્યું છે !’’ કેમ જાણે ચા માટે ખાસ હું શરીર પર ટુવાલ વીંટીને બેસું, તો વાંધો નહિ. એ લોકોને તો ટુવાલ પરના ડાઘા ય ન ગમે. જો કે, આમાં ગમવાની વાત ક્યાં આવી, પણ એ બન્નેની એ ફરિયાદ પણ છે કે, હું તો ટુવાલ ઉપર ડાઘા પાડીને નહાઈને બહાર નીકળું છું... કેમ જાણે ચાનો કપ હું બાથરૂમમાં લઇ જઇને પીતો હોઉં !

હું સહમત થાઉં છું કે, ગમે તેવી કાળજી રાખું, મારાથી ડાઘ રોકી શકાતા નથી. એ પડે જ ! મને કોઇ માનસિક અસ્થિરતા હશે, એવી શંકાથી મારા સસુરજી મને કાયમ શીખવાડતા, ‘‘જો બેટા, ચાયું પીતા વખતે નજરૂં દિવાલની કોર નંઇ રાખવાની. પીતા પીતા છત પર તો કોઇ’દિ નંઈ જોવાનું. હલહલ નંઇ કરવાનું. મૂછો ઊંચી લેવાની અને ધિયાન ફક્ત અડાળી (રકાબી)માં જ રાખવાનું. એમ ચાયું શેની ઢોળાય...?’’ એમની સલાહ પૂરી થાય, એ પહેલા જ મને છીંક આવી ને મોંમાંથી ચાનો ફૂવારો એમના શર્ટ ઉપર છૂટ્યો...!

કહે છે કે, વિજ્ઞાને આટલી તરક્કી કરી, પણ હજી સુધી શર્ટ પરના ડાઘા દૂર કરી શકે, એવું કોઇ દ્રાવણ શોધાયું નથી. સાબુથી માંડીને જાતજાતના નૂસખાઓની જાહેરાતો ટીવી કે છાપામાં આવે ખે, પણ ખિસ્સામાં ભરાવેલી બૉલપૅનનો આ મોટો વાદળી ડાઘો કાઢી બતાવો, લિયો હાલો ! ૧૬–વર્ષની સુંદર છોકરીના ચહેરા ઉપર કાળો તલ હોય, એ આમ તો ડાઘ જ કહેવાય ને ? કવિઓ તો એમાં ય ખુશ, ભલે ને પેલી કાળી ધબ્બ હોય ! આ તમારા કાળા રંગમાં તમારો ય વાંક નથી... ઈશ્વર તલ બનાવવા ગયો ને સ્યાહિ ઢોળાઇ ગઇ ! આવું આવું લખે એટલે પેલી તલ કઢાવવા માંગતી હોય તો ય ન કઢાવે ને બીજા બે ચોંટાડતી આવે ! તારી ભલી થાય ચમના, તલ પણ ડાઘનું કાયમી સ્વરૂપ છે. એ હવે ન નીકળે.

હું કોઇ પાર્ટી કે રીસૅપ્શનોમાં જઉં છું, ત્યાં જમવાનું પહેલા પતાવી લઉં છું. જે કામ માટે આવ્યા હોઇએ, ઐ પહેલું પતાવી લેવું, એ મારો સિદ્ધાંત કારણ... જમતી વખતે ડાઘ તો પડવાનો છે, એટલે પાર્ટી–શાર્ટી શરૂ થાય ને કોઇ જુએ એના કરતાં જતા રહેવું વધુ ફિફાયત પડે. તો ય, જો કે નાનપણમાં મા–બાપે શીખવ્યું હતું કે, આપણા ગુણો સમાજને બતાવવા, આપણી બેવકૂફો નહિ ! એટલે, જમતી વખતે પડેલા ડાઘને કોઇ જુએ નહિ, એ માટે મારા હાથ ઢાંકીને છુપાવું છું. કાળું ધન અને કાળો ડાઘ છુપાવવાની ચીજો છે. એ વાત જુદી છે કે, કાળા ધનને પકડવા સરકાર પોલિસ મોકલે છે....

ને એમાં ય, જેની પાસે સૌથી વધુ બ્લૅક–મની પકડાય, એમાં સમાજ અને સરકારમાં એની ઇજ્જત અને ડીમાન્ડ વધે છે. જેના ઝભ્ભા ઉપર સૌથી વધારે ડાઘા હોય એનો તો દરજીઓ ય ભાવ પૂછતા નથી ને ડાઘ કાઢીને રફૂ કરી આપવાની ના પાડે છે. ઢીંચણથી ફાટેલાં જીન્સ પાટલૂનો પહેરવાની ફેશન શરૂ થઇ છે એટલે મને આશા બંધાણી છે કે, કોક ’દિ સોનાનો સૂરજ ઊગશે અને મારા દેશના જુવાનીયાઓ ઢીંચણથી શરૂ કરીને થાપા ઉપર – બધે ડાઘાડૂઘીવાળા પૅન્ટ પહેરવાના શરૂ કરશે.

ડાઘની એક જ સિદ્ધિ છે કે... એ હોય આપણો, પણ આપણે જોવો પડતો નથી, ને બીજાઓને જોયા વિના રહેવાતું નથી.

સિક્સર
પારંપરિક રદ્દીફ–કાફિયાને સી.ઍલ. પર ઉતારી દઇને એકદમ યુવા ગઝલકાર તેજસ દવેએ અમદાવાદી ખાડીયાની બોલ ચાલ – પરંપરાના ફ્રૅશ રદ્દીફ–કાફિયા કેવા મિલાવ્યા છે.... વાઉં !
ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા સમજી લેજે,
છીદ્ર પડેલી હોડી તરતી એ... આ મૂકી, તારાથી જે થાય એ કરી લે,

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા–
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય એ કરી લે.

17/05/2017

આવું અમદાવાદ તમે જોયું હતું ?

‘જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’ આવું સ્કૂલમાં અમને શીખવાડવામાં આવતું ને અમે એવું સમજતા ય ખરા કે, સસલા એટલે કે, નવા ફ્લૅટ માટે અરજી કરનારાઓ બહુ વિફર્યા હશે ને કૂતરાઓ.... એટલે કે, એ જમાનાના બિલ્ડરોની પાછળ બચકાં ભરવા દોડ્યા હશે, કૂતરાં ભાગ્યા હશે, એ જોઇને મેયર આઇ મીન, શહેનશાહ એહમદશાહે અહીં શહેર બનાવવાનું નક્કી કર્યું હશે.

પણ ઇતિહાસ ગવાહ છે કે, એક વાર અહીં અમદાવાદ બનાવી લીધા પછી બાદશાહ પોતે ય અઠવાડીયું રોકાયા નથી. ‘આ શહેર રોકાવા જેવું નહિ... રોકાણ કરવા જેવું ખરૂં !’

બસ. એ દિવસથી આજ સુધી શહેરના બિલ્ડરો બાદશાહોની માફક રહ્યાં છે. એમાંના કેટલાક બાદશાહોએ હાઉસિંગ બોર્ડમાં જોડાઇને જે મળ્યું
, તેનાથી સંતોષ માન્યો. બાદશાહના સુબાઓને ‘મ્યુનિસિપલ કોર્પોરેટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એહમદશાહે પોતાના નામની ક્યાંય તખ્તી મૂકાવી નથી, પણ જીવનભર અમદાવાદ એમને યાદ કરતું રહે, એ માટે શહેરભરમાં શાહી ધારાસભ્યોએ પોતાના નામો જડાવીને બાંકડા મૂકાવ્યા છે. (અમારા ‘નેટવર્ક’વાળા સ્વ. ગુ.છો.શાહ હયાત હોત તો આજે લખત, ‘કોના બાપની દિવાળી ?’) 

અમદાવાદની સ્થાપના ઈ.સ. ૧૪૧૧માં થઇ હતી
, એટલે આજે એ ઑલમોસ્ટ ૬૧૬ વર્ષનું થયું. એ વખતે શહેરની વસ્તી માંડ કોઇ હજાર – બે હજારની હશે. આજે શહેરમાં રીક્ષો દોડતી હોવા છતાં ૭૦ લાખની વસ્તી થઇ છે. રીક્ષા અને બાઇકવાળાઓ પ્રયત્નો પૂરા કરે છે કે, આટલા નાના શહેરમાં આટલી મોટી વસ્તી ન હોવી જોઇએ, એટલે કે એ લોકો વસ્તી ઓછી કરી આપવાના યથાશક્તિ પ્રયાસો કરે છે. કહે છે કે, આ વસ્તી ઓછી કરી આપવાના મામલે તો તેઓ શહેરભરના ડોક્ટરો – વકીલો કરતાં ય આગળ નીકળી ગયા છે. 

મને ૧૯૬૦
– પછીનું અમદાવાદ યાદ છે. અને એ એટલા માટે કે સરદાર પટેલ સ્ટેડિયમ પર ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાની ટીમો ત્રણ દિવસની મેચ રમવા આવી હોય ત્યારે લાલ દરવાજે આખા બસ સ્ટેશન પર લાઇનમાં ઊભા રહેવા માટે દોરડાં બાંધ્યા હોય, જેથી સ્ટેડિયમ સુધી બસમાં જઇ શકાય. એ વખતે રીક્ષાઓ હતી પણ એમને પોષવાની જાહોજલાલી અમારા લોકો પાસે નહિ. ભદ્રના કિલ્લાથી આગળ અમદાવાદ એવું કાંઇ વિકસ્યું ય નહોતું. આજે ય ફાંકા મારનારા મળી રહેશે, ‘‘એ જમાનામાં ફાધરની સૂઝ કેટલી ઊંચી કે, અહીં ગુજરાત કોલેજની આજુબાજુ તો જંગલ હતું. સાપ – વીંછીઓ નીકળે, છતાં ફાધરે અહીં બંગલો બાંધ્યો... ! કેટલામાં ખબર છે ? ફક્ત રૂ. આઠ હજારમાં આટલો મોટો બંગલો...!’’

એનો સીધો અર્થ અમે એવો કાઢતા કે
, ડોહાને એ જમાનામાં માણસો રહે છે, એ ભદ્રના કિલ્લાની અંદરની વસ્તીવાળા બોલાવતા નહિ હોય... ગામની બહાર કાઢ્યા હશે...! એ વખતનું અમદાવાદ કિલ્લોમાં જેટલું સમાય એટલું હતું. નવરંગપુરા, નારણપુરા કે પાલડી જેવા વિસ્તારો આજના જેવા સમૃદ્ધ વિસ્તારો નહોતા. નાનકડા ગામો હતા. ખાડીયાથી પાલડી જવું હોય તો આજે જેમ પાટણ – મહેસાણા જવાનું થાય, એમ કહેવાતું, ‘‘બહારગામ જઇ આવીએ છીએ...!’’

અમદાવાદમાં અત્યારના ભદ્રકાળીના મંદિરની સામે એસ.ટી.નું બસ સ્ટેન્ડ હતું અને એની સામે ઘોડાગાડીઓ ઊભી રાખવાનું
‘પાર્કિંગ’ . કઇ ઘોડાગાડી કેટલા વાગે ઊપડશે, એની પૂછપરછ કરવા લોકો એસ.ટી. સ્ટેન્ડે પૂછવા જતાં. ઘણી વાર એસ.ટી.ની બસો કરતાં ઘોડાગાડીઓ વધારે ઝડપી પહોંચાડતી, એટલે એસ.ટી.નું માન આટલું અને આવું હતું.

આજની જનરેશને ઘોડાગાડી જ ન જોઇ હોય
, પણ એક ઘોડાની પાછળ ચાની નાનકડી કીટલીની સાઇઝનું બોક્સ હોય, જેમાં ચાર પેસેન્જરો બેસે. હું નાનો અને મોટો થઇશ તો ચોક્કસ ઘોડાગાડીવાળો થઇશ, એવા સપના સાથે હું ઘોડાગાડીવાળાની બાજુમાં બેસતો. ઘોડાને ચાબૂક પડતી જોવાની મઝા આવતી. ગાડીવાનની બાજુમાં બેસવાનો આનંદે ય કોઇ ઓર હતો. જયપુરના મહારાજા શહેરનો નજારો કરવા નીકળ્યા હોય, એવું હું એકલો માનતો. પેસેન્જરનું બોક્સ આજે તો બીક લાગે એવું. મહીં ચાર જણા બેસવાના હોય, એમાંના પહેલા બેએ પહેલા ચઢી જઇને ગાડીવાનની પાછળની સીટ પર બેસી જવાનું અને બાકીના બે પાછળ બેસે. એ તો આધાર પાછળ બેસનારાના વજન ઉપર હતો કે, આગળથી ઘોડો ચાર પગે હવામાં અધ્ધર થઇ જાય છે કે નહિ !

શહેરમાં હોટેલ
– ફોટેલ જેવું તો નામનું જ. ગાંધી રોડ ઉપર ચંદ્ર વિલાસ, એની સામે પૂર્ણિમા, રીલિફ રોડ ઉપર ચેતના અને યમુના, રીલિફ ટોકીઝની બાજુમાં ગુજરાતની પહેલી એરકન્ડિશન્ડ હોટેલ (આજની જેમ એ જમાનામાં પણ પ્રજાને હોટલ અને રેસ્ટરાં વચ્ચેના ફરકની ખબર નહોતી.) ‘ક્વૉલિટી’, એની બરોબર સામે ‘નીરો’ઝ, જેમાં શહેરમાં પહેલીવાર જ્યુક – બોક્સ આવેલું. એમાં પચ્ચીસ પૈસાનો સિક્કો નાંખો એટલે આરપાર દેખાય એવા પ્લાસ્ટિકના બોક્સમાં એક રેકર્ડ નીકળતી દેખાય અને એની મેળે ડાયલ પર ગોઠવાઇ જાય ને મનગમતું ગીત વાગે. ભદ્રકાળી મંદિરની બાજુમાં આવેલી કોર્ટની સામે ઑલ્ડ મદ્રાસી બ્રાહ્મણીયા હોટલ આવેલી, જેમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર મસાલા કે સાદા ઢોંસા મળતા. મસાલાનો ૨૫ ન.પૈ.માં મળતો અને સાદો ૧૫ ન.પૈ.માં . (ન. પૈ. એટલે નયા પૈસા.)

બાકી મોટી જાહોજલાલી ઘીકાંટા ઉપર આવેલી સિનેમાઓની હતી. ફિલ્મ જોયા વિના પાછા જ આવવું ન પડે
, એટલી મોટી સંખ્યામાં થીયેટરો.... નોવેલ્ટી, એલ.એન..., લક્ષ્મી લાઇટ હાઉસ, પ્રકાશ, મધુરમ અને ઘીકાંટા પહેલા પાછા વળી જો તો આ બાજુ રીગલ, બાજુમાં અશોક (જે પૂરા શહેરનું આજે એક માત્ર જૂનું થીયેટર છે, જે ચાલુ છે.) એની સામે કૃષ્ણ, એની સામે રૂપમ, ગાંધી રોડ ઉપર આવો તો ય ફિલ્મ જોય વિના પાછા જવું ન પડે. શરૂઆત ફુવારા પાસે આવેલી સેન્ટ્રલ અને પ્રતાપ ટોકીઝથી થાય. સહેજ આગળ જાઓ તો સિનેમા ‘ડી ફ્રાન્સ, પછી મોડેલ ટોકીઝ અને છેલ્લે જેના જીવનમાં એક પણ ઇંગ્લિશ  ફિલ્મ આવી નથી છતાં નામ એનું ‘ઇંગ્લિશ ટોકીઝ’. સ્ટેશનની સામે અલંકાર સિનેમા હતું. બહુ દૂર જાઓ તો સારંગપુર કેરીપીઠાની સામે રોઝી ટોકીઝ, ગોમતીપુરમાં ઉષા...

લાલ દરવાજે રૂપાલી અને આશ્રમ રોડ ઉપર નટરાજતો બહુ વર્ષો પછી આવ્યા
, એટલે કે શિવ, શ્રી કે દિપાલી ટોકીઝના પ્રસવ પણ નહોતા થયા. ટીકીટના દર એક રૂપિયાવાળી લોઅર સ્ટોલ્સ, ૧.૨૦માં અપર અને ૧.૪૦માં બાલ્કની.

યસ
, માણેકચોક આજના જેવું જ ઝળહળતું હતું, પણ ત્યાં ભાજીપાઉં કે ઢોંસા – ફોસા તો બહુ પછી આવ્યા. મૂળ તો ત્યાં ભેળ, પાણીપુરી અને ગાંઠીયા – જલેબીનો જ વેપાર. ઠંડામાં આઇસક્રીમ કરતાં કૂલ્ફી વધુ વેચાય. આજના છોકરાઓને મજ્જા પડી જાય પોળોના નામ સાંભળવાની. પાડા પોળ તો ખરી પણ લાંબા પાડાની પોળ એટલે શું પાછું ? નામ પાછું મોટા જેઠાભાઇની પોળ નહિ... સાદા જેઠાભાઇની પોળ, પણ સાઇઝથી વેતરી કઢાયેલી નાની જેઠાભાઇની પોળ ખરી. શેરી શબ્દ તો કાઠીયાવાડનો. અમારામાંથી જેને ઇંગ્લિશ બોલીને પ્રભાવ પાડવો હોય તે ‘ગોટીની શેરી’ને ઉંધી કરી નાંખે, એટલે ‘રીશેનીટીગો...’ જેવું ઇંગ્લિશ નામ સંભળાય. ગાંધી રોડની જે ખત્રી પોળમાં હું રહેતો, ત્યાં આખી પોળમાં એકે ય ‘ખત્રી’ નહિ. ધોબીની પોળમાં એકે ય ધોબી નહિ અને દરજીના ખાંચામાં એકે ય દરજી નહિ. જૈનોની બહુમતીને કારણે મૂળ નામ ‘દોશી વાડાની પોળ’ હતી, પણ ગામ આખાએ એને ‘ડોસીવાડો’ બનાવી દીધેલો.

નવાઇ ભલે લાગવા દો
, પણ નવું નક્કોર વેસ્પા કે લેમ્બ્રેટા સ્કૂટર રૂ. ૨૫૦૦/–માં મળતું અને અનેક લોકો છ–છ હજારમાં વેસ્પા વેચીને ખૂબ કમાયા. મોટર–બાઇકમાં ‘રોયલ એન્ફીલ્ડ’ અને ‘જાવા’ જ મળે. કાર ફક્ત બે જ હતી, એમ્બેસેડર અને ફિયાટ. બહુ વર્ષો પછી ટચૂકડી ‘સ્ટાન્ડર્ડ – હેરલ્ડ’ આવી.

મસ્તમજાની વાત હતી ફેશનની. છોકરાઓ ઢીંચણથી નીચે લેંઘા જેવું પહોળું થાય
, એવું ‘બેલ–બોટમ’ પેન્ટ પહેરતા અને છોકરીઓ કમરથી સર્કસના તંબુની માફક ગોળ ફેલાયેલું ફ્રોક પહેરે. ધોતીયાદાસો તો પોળોના નાકે નાકે જોવા મળે. છોકરીઓ આખું અઠવાડિયું માથામાં ખચાખચ તેલો નાંખતી અને રવિવારે વાળ ધોઇ નાંખે. (ત્યાં સુધી પુરુષોએ એમનામાં જોવાનું શું ?)

યસ. શહેરના જોવાલાયક સ્થળોમાં કાંકરીયું તળાવ પહેલું આવે કારણ કે બીજું કાંઇ હતું પણ નહિ. એક જમાનામાં કાંકરીયામાં મગર (ક્રોકોડાઇલ) હતા અને રાત્રે કાંકરીયાની પાળે સૂતેલા કોક ગરીબને મગર ઊંડા પાણીમાં ખેંચી ગયો
, ત્યાર પછી મગરો કાઢી નાંખવામાં આવ્યા.

લોકો કહે છે કે
, એ મગરો પછી રાજકારણમાં જોડાઇ ગયેલા અને આજ સુધી ગરીબોને ઊંડા પાણીમાં ખેંચી જઇને લોહી ચૂસી લે છે.

સિક્સર
– પુસ્તકમેળામાં શું લીધું ? 
– બસ. ૨૦ – ૨૫ સેલ્ફીઓ લીધી.

19/04/2017

ઓરખાણ પઇડીઇઇઇ...?

એમણે રસ્તા વચ્ચે મને ઊભો રાખી મારો ખભો હલાવીને ભારે ઉમળકાથી પૂછ્યું, 'દાદુ, ઓળખાણ પડી ?' મેં હા જ પાડી દીધી હોય, એવા અંદાજથી એ ચાલુ ય પડી ગયા, 'બોલો સેઠ... આ યોગી આદિત્યનાથનું શું લાગે છે ?'

ભ'ઇ દેખાવમાં માયાવતી જેવા લાગતા હતા, એટલે ડરના માર્યા મેં એમની આંખોમાં જોઇને જવાબ ન આપ્યો. મને કોઈ પુરૂષ અડીને વાત કરે, તે સહન ન થાય. સ્ત્રીઓ માટે આપણું મોટું મન, પણ દેખાવમાં સ્માર્ટ હોય અને માથે ચીકણું-ચીકણું તેલ નાંખેલી તો ન જ હોવી જોઇએ.

'મને નથી પડી...' મેં રસ વગરનો જવાબ આપ્યો.

'હા બ્બૉસ હા... હવે તમે મોટા માણસ બની ગયા... અમારા જેવાની ઓળખાણો ક્યાંથી પડે ?'

'મોટો માણસ હું બેશક છું અને એ બનવામાં મેં ૪૪ વર્ષ ખર્ચ્યા છે... હવે, બોલો છો કે હું જઉં ?'

'ઓહ દાદુ... આમ મજાક ના કરો... હજી મને ન ઓળખ્યો ? આપણી વચ્ચે કેટલો જૂનો સંબંધ...?'

'ઓ હાઆઆ... યાદ આવ્યું ...! આપણે સાબરમતી જૅલમાં સાથે હતા... કાચા કામના કેદીઓ તરીકે... રાઈટ ? તમારો બિલ્લા નં. ૪૫૬... ને મારો -'

'બાપુ... આવી ઊડાવવાની...? તમારી ખબર નથી, પણ હું તો જૅલમાં ગયો નથી...'

એમની ઓળખાણ પાડીને ય કોઈ ફાયદો થાય એવું લાગતું નહોતું. પણ મને કે તમને આવા 'ઓળખાણ પડી ?' વાળા રોજ કેટલા ચોંટે છે ?' શોપિંગ-મોલ, કોઈ સ્ટેજ-શોના પ્રોગ્રામ કે મૅરેજના રીસેપ્શનોમાં આવા કેટલાને સંભાળવાના ?' ચીડાઈ જવાય એવી વાત એ હોય છે કે, એ પાછા ઝટ ફોડ ન પાડે કે, એ કોણ છે ! આપણે રસ્તા વચ્ચે ઓરલ-ટૅસ્ટ આપવા ઊભા હોઇએ, એમ એક સવાલમાં આપણને ફૅઇલ કરીને બીજો પૂછે, 'ચાલો યાદ કરાવું... સાહેબ, યાદ છે '૯૫-ની સાલમાં આશ્રમ રોડ પર નટરાજની નીચે એક છોકરીએ તમારા ઉપર ખીજાઈને ચંપલ કાઢ્યું હતું ?... યાદ છે, બૉસ ?

'એ ચંપલ મને નહિ... તને માર્યું હતું, રાજીયા...!'

'કરેક્ટ... હવે કેવું યાદ આવી ગયું, દાદુ ? તમારી વાત સાચી છે. એ મને જ મારવા ગઇ'તી. સીધી રીતે ઓળખાણ પાડો એવા તમે નથી. મેં ભૂલમાં એ છોકરીને મારી કઝિન સમજીને ખભો ખેંચીને બોલાવી હતી ને એ બીજી નીકળી. ખીજાઈને ચંપલ કાઢ્યું, પણ દાદુ, તમે વચ્ચે પડીને એને સમજાવી કે, સાચ્ચે જ મારી કઝિન એના જેવી લાગતી'તી, માટે ભૂલ થઇ ગઈ...તમે મને બચાવ્યો હતો, દાદુ !

'ઓહ... તું ભૂલમાં પેલીને કઝિન સમજી બેસે એટલો ભોળો નહતો અને બીજું... મને તો ખોટું બોલવાની આદત છે, એમાં મારી વાત એ માની ગઈ -'

કોણ, ક્યારે અને ક્યાં આપણી ઓળખાણ પાડવા આવી જશે, તે ગૂગલમાં શોધી શકાતું નથી. છતાં, એક ડૉક્ટર અને બીજો પોલીસવાળો આપણને મળે અને પૂછે, 'કેમ દેખાતા નથી ? ઓળખાણ તો પડી ને ?' ત્યારે ગભરાહટમાં મેં પહેરેલા કપડાં ઢીલાં થવા લાગે છે. આમ તો આ પર્સનલ વાત છે અને હું વાચકો સાથે શૅર ન કરૂં, પણ નજીકના દોસ્તો મને 'દાદુ' કહે છે, એમાં મારી કોઈ કમાલ નથી. આ ઉપનામ મેં કે કોઈએ રાખ્યું નહોતું, પણ આખી જુવાની ખાડિયામાં ગઇ અને ત્યાં એકબીજાને નામ સિવાય બીજી કોઈપણ પધ્ધતિથી બોલાવવાનો રિવાજ ચાલે. માની લો કે, નામ 'પરેશ', તો એને પરીયો-બરીયો કહે, એ તો બહુ સારૂં કહેવાય. એને બદલે પરીયાની વાત નીકળે, એટલે યારદોસ્તો આમ વાત કરે, 'બે, સુઉં વાત કરે છે ? પરીયો...? યૂ મીન, પરીયો-જેની બેન ધોબીની પોળના પેલા લંગડા સાથે ભાગી ગઈ'તી એ ?'

એ લંગડો ખરેખર કોઈ લંગડો ન હોય, પણ એને 'લાલીયા' ને બદલે 'લંગડો' કહેવાથી વાતમાં જરા વધારે વજન પડે.

મેં ખાડિયા છોડયું અને લેખક બનવાને કારણે અનેક લોકોને મળવાનું થવા માંડયું, એમાં નામો યાદ રાખવાના પ્રોબ્લેમ થાય ! મને નામો યાદ નથી રહેતા, પણ ખાડિયાની તહેઝીબ મુજબ, એકબીજાને એના અસલી નામને બદલે 'ગુરૂ, બૉસ, પાર્ટી, લેંચુ, દાદુ, ટીંચર, ભીડ કે ટણપા' કહીને બોલાવાય. આમ ગુરૂ કે બૉસ કહીને બોલાવાય પણ, 'ઓ ગુરૂ... આ જરા આપણી સાયકલમાં હવા ભરાઈ લાય ને !' મને નામ યાદ ન રહે ને પેલાને ખોટું ન લાગે એટલે એને જોતાવ્હેંત, 'આઓ દાદુ...' કહીને બોલાવું, એમાં એ ખુશ તો થાય જ, પણ એ સમજી એવું બેસે કે, હું એને એકલાને 'દાદુ' કહું છું, પરિણામે એને બીજું કોક મળ્યું હોય ત્યારે પેલો-એ બીજા કોકને કહે, 'તમે ત્યારે અશોક દવેને કે'જો ને, 'દાદુ મળ્યા'તા...!' એટલે ઓળખી જશે.'

તારી ભલી થાય ચમના. હું ગામમાં આવા બીજા પચ્ચાસને 'દાદુ' કહું છું, એમાં લોકોએ મને 'દાદુ' બનાવી દીધો છે. આમાં કોઇની પાસે આત્મહત્યા કરાવવાનું ઝનૂન ફોન ઉપાડયા પછી ઉપડે, 'કોણ દાદુ...? અરે બૉસ, હું દાદુ બોલું છું... તમને એક ખાસ મૅસેજ આલવાનો છે કે, બુધવારે પેલો ટીંચર મળ્યો'તો...ના ઓળખ્યો ? પેલો તરૂણ ટીંચરીયો... પિત્તળના પવાલામાં વોડકા પીતો'તો, એ...! મને કહે, 'દાદુને કહેજો ટીંચર અને ભીડ તમારે ત્યાં ગુરૂવાર આવશે, બૉસ !''

'આઆઆ...આ 'ભીડ' કોણ ?' મેં તો ટીંચરને ય નહતો ઓળખ્યો, પણ કદાચ ક્લ્યૂ મળે, એટલે 'ભીડ' માટે પૂછી જોયું.

'શું દાદુ તમે ય તે...! અરે ભીડ એટલે માણેક ચૉકમાં ગાંઠીયાવાળાને ટોપી પહેરાઈને પૈસા આલ્યા વિના ભાગ્યો'તો ને ગાંઠીયાવાળો તાવેથો લઇને બી.ડી.કોલેજ સુધી નો'તો દોડયો... એ ભીડ ! બીજી ઓળખાણ આલું... આ 'ભીડ' એટલે, પેલી મસ્ત માલ દીપિકાનો ભ'ઇ, યાર !'
સાલું ડરના માર્યા પહેલા તો એ યાદ કરી લીધું કે, હું જેને પરણીને લાયો'તો, એનું નામ તો દીપિકા નહોતું ને ? એ જમાનો ને એ ધગધગતી ઉંમર એવી હતી કે, ખાડિયાની પોળે-પોળે આપણું એકાદ સાસરૂં તો મળી આવે, ભલે એ બધીઓના ફાધરોને રાજી રાખી શકાય એમ ન હોવાથી હું ખાડિયા બહારનીને પરણ્યોહતો... ખાડિયા બહારની લાવવાનું કારણ એ કે, ખાડિયા બહાર પાછી આપણી છાપ સારી...!

એટલું ખરૂં કે, ખાડિયા છોડે આજે ૩૦-૩૫ વર્ષ થયાપછી પણ પાર્ટીના અસલી નામથી બોલાવો તો હજી ય કોઇ ન ઓળખે. એ તો ડીઝલ, ખેંપટ કે ખમણ કહીને યાદ કરો એટલે નામ પૂછવાની ય જરૂર ન રહે. પાર્ટી એની જન્મકુંડળી નહિ, પોળ-કુંડળી સાથે યાદ આવી જાય...

છતાં એ બધી ભીડ, ગુરૂઓ કે બૉસો એકબીજાને આજે ય મળે ત્યારે એકબીજાને મળવાનો આનંદ અમિતાભ, સચિન કે નરેન્દ્ર મોદીને મળવા કરતા 'ડબ્બલ' હોય... સુઊં કિયો છો, ખાડિયાના ગ્રીનકાર્ડવાળાઓ ?

સિક્સર
શહેરના રસ્તાઓ કોઈ ૪-૫ ફૂટ તો જાવા દિયો, આવનારા બસ્સો વર્ષમાં બબ્બે ઈંચ પણ પહોળા થવાના નથી અને RTO વાળા રોજના નવા પાંચસો વાહનો શહેરના રસ્તાઓ ઉપર મૂકાવે છે. લોકો વાહનો ચલાવશે ક્યાં ?
-
આજે નહિ તો કાલે... ભારતભરમાં સાયકલો જ પાછી આવવાની છે.