Search This Blog

Showing posts with label kum kum. Show all posts
Showing posts with label kum kum. Show all posts

13/01/2017

ફિલ્મ  : 'હાય મેરા દિલ' ('૬૮)
નિર્માતા  : મનોહર ખન્ના
દિગ્દર્શક  : વેદ-મદન
સંગીત  : ઉષા ખન્ના
ગીતકારો  : આનંદ બક્ષી, એસ.એચ. બિહારી, પી.એલ. સંતોષી
રનિંગ ટાઈમ  : ૧૫-રીલ્સ
કલાકારો  : કિશોર કુમાર, કુમકુમ (ડબલ રોલ), આઈ.એસ. જોહર, મજનૂ, મદન પુરી, રાજ મેહરા, પ્રેમ ચોપરા, લક્ષ્મી છાયા, પરવિન પૉલ



ગીતો
૧. જાનેમન જાનેમન તુમ દિનરાત મેરે સાથ ઈ.... મન્ના ડે - ઉષા ખન્ના
૨. દુનિયા કહેતી મુઝ કો પાગલ... બસ કયામત ... કિશોર કુમાર
૩. મચલ ગયા, મચલ ગયા, હાય મેરા દિલ, .... લતા મંગેશકર
૪. ઈજાઝત હો તો મૈં કુછ આપ સે ગુસ્તાખીયાં કર લૂં... કિશોર કુમાર
૫. જબ સે મૈં હો ગઈ યંગ, દિલ કરને લગા હૈ તંગ.... રફી-ઉષા ખન્ના
૬. અલખ નિરંજન બમબમ ભોલેનાથ, કાહે જીયા કી બાત.. મન્ના ડે

ઈન ફેક્ટ, આ '૬૮-ની સાલનો તબક્કો અત્યંત ફાલતુ ફિલ્મોના નિર્માણ માટે વગોવાયો હતો. એક બાજુ, શંકર-જયકિશન, નૌશાદ, મદન મોહન, રોશન, રવિ, કલ્યાણજી-આણંદજી, સલિલ ચૌધરી કે ખય્યામ જેવા દિગ્ગજો પડી ભાંગ્યા હતા - સિવાય કે દાદા બર્મને પોતાનું શહૂર મરતા સુધી ગુમાવ્યું નહોતું. તો બીજી બાજાુ લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રાહુલદેવ બર્મનનો સૂરજ દોમદોમ તપવા માંડયો હતો.

'
૬૯-માં રાજેશ ખન્નાની 'આરાધના' આવી એમાં ખન્ના, રાહુલદેવ અને કિશોર... ત્રણે ત્સુનામીની જેમ હિંદી ફિલ્મનગર ઉપર ફરી વળ્યા, એમાં સૌથી મોટો ભોગ પેલા સંગીતકારો ઉપરાંત મુહમ્મદ રફીનો લેવાયો. સંગીતકારો જ નહિ, હીરોલોગ પણ હવે રફીને બદલે કિશોર માંગવા માંડયા. આવા વાવાઝોડાંમાં ટકી ગઈ પેડર રોડના પ્રભુકુંજની બે બહેનો, લતા મંગેશકર અને આશા ભોંસલે. સુમન કલ્યાણપુરે ય ફેંકાવા બરોબર જ હતી. તમે જોઈ શકો છો નીચેની યાદીમાં કે, ફિલ્મોની કે સંગીતની ગુણવત્તા માપવા જઈએ તો આમાંની કઈ અને કેટલી ફિલ્મો આવે એમ છે?

'
હાય મેરા દિલ' મોટા ભાગે તો અશોક ટૉકીઝમાં પડયું હતું, છતાં હું શ્યોર નથી, પણ અશોકની પાછળ રૂપમમાં ધર્મેન્દ્ર-તનૂજાનું 'ઇજ્જત', બાજુની રીગલ ટૉકીઝમાં શમ્મી કપૂર-રાજશ્રીનું 'બ્રહ્મચારી', લક્ષ્મીમાં શશી કપૂર-બબિતાનું 'હસિના માન જાયેગી', સ્ટેશન સામેની અલંકાર ટોકીઝમાં સુનિલ દત્ત-નૂતન-સંજીવ કુમારનું 'ગૌરી', લાઇટ હાઉસમાં જોય મુકર્જી-મીરા જોગલેકરનું 'એક કલી મુસ્કાઇ', નૉવૅલ્ટીમાં દેવ આનંદ-વૈજ્યંતિમાલાનું 'દુનિયા', રૂપાલીમાં કિશોર કુમાર-તનૂજાનું 'દો દૂની ચાર', રીલિફમાં માલા સિન્હા-વિશ્વજીતનું 'દો કલીયાં', એલ.એન.માં વહિદા રહેમાન-ધર્મેન્દ્રનું 'બાઝી', પ્રકાશ ટોકીઝમાં શશી કપૂર-નંદાનું 'જુઆરી', કૃષ્ણમાં સુનિલ દત્તે પોતાના ભાઈ સોમ દત્તને હીરો બનાવવા ઉતારેલું 'મન કા મીત', જે વિનોદ ખન્ના અને લીના ચંદાવરકરની પહેલી ફિલ્મ હતી. આ સમયગાળો એવો હતો કે, દેવ આનંદની જેમ આશા પારેખ જ નહિ, ખુદ શંકર-જયકિશને ય પતી ગયેલા અને માટે જ એ લોકોની ફિલ્મ 'કહીં ઓર ચલ' અમદાવાદમાં ક્યારે આવી અને કયા સિનેમામાં આવી, એનીય કોઈને ખબર રહી નથી.

કૉમેડી સાચું પૂછો તો હિંદી ફિલ્મોમાં હતી જ નહિ. કિશોર કુમાર પાસે રીતસરનાં વાંદરાવેડાં કરાવીને દિગ્દર્શકો એમ માનતા કે, પોતે અદ્ભુત કોમેડી ફિલ્મ બનાવી છે. 'હાય મેરા દિલ'માં તો ઈન્દ્રસેન (આઈ.એસ.) જોહર અને મજનૂની પુરાણી જોડીને બફૂનરી કરવા ઉપાડી લાવ્યા છે. આજે કપિલ શર્મા જેવા અદ્ભુત શોમાં પણ લેવાદેવા વગરના પુરૂષોને સ્ત્રી-પાત્રો આપી જુગુપ્સા ઊભી કરાવે છે.

એને બદલે સાચી સ્ત્રીઓ જ લઈ આવો ને? ત્યારે આઈ.એસ. જોહરને ય દરેક ફિલ્મમાં સ્ત્રી-પાત્ર ભજવવાનું વળગણ હતું. હૉલીવૂડના કોમેડિયન બૉબ હોપની 'એ રોડ ટુ...' સીરિઝની કૉપી કરીને જોહર પણ પોતાની સાથે મજનૂ, મેહમુદ, રાજીન્દરનાથ કે કિશોર કુમારને લઈને જ ફિલ્મો બનાવતો. બસ, એમાં ખૂટતું તત્ત્વ એક જ હતું, કૉમેડી.

પ્રસ્તુત ફિલ્મ 'હાય મેરા દિલ' જેવું છીછરૂં નામ વાંચીને જ જોવાનું મન ન થાય. નહિ તો ભારતની એક માત્ર સ્ત્રી-સંગીતકાર જેણે આટલા દસકાઓ સુધી ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ વચમાં ગણીગાંઠી ફિલ્મોને બાદ કરતા બહેને પણ જમાનાની ડીમાન્ડ પ્રમાણે વેઠ જ ઉતારી છે. મારા મતે, ઉષાનું સર્વોત્તમ સંગીત સાયરા બાનુ-જૉય મુકર્જીની ફિલ્મ 'આઓ પ્યાર કરે'માં હતું.

'
મેરી દાસ્તાં મુઝે હી, મેરા દિલ સુના કે રોયે...' 'તમન્નાઓં કો ખીલને દો', 'તુમ અકેલે તો કભી બાગ મેં જાયા ન કરો...' જેવા કર્ણપ્રિય ગીતો એણે બનાવ્યા હતા. અમદાવાદમાં મારી સાથેની મુલાકાતમાં ઉષા ખન્નાએ ગર્વભેર જણાવ્યું હતું કે, હિંદી ફિલ્મોમાં શંકર-જયકિશનથી ઉત્તમ બીજા કોઈ સંગીતકાર નથી. ખુદ એના સંગીતમાં ય એસ.જે.ની ભરપુર છાયા હતી. એ બન્ને જેટલી જ વૉયલીનનો ઉપયોગ ઉષાએ પોતાની ફિલ્મોમાં કર્યો હતો, પણ એવી ધૂનો ક્યાંથી લાવવી? યસ. મૂકેશને અનેક ગીતોમાં ઉષાએ ઉજળો કરી બતાવ્યો છે.

મોટે ભાગે તો આ ફિલ્મ 'હાય મેરા દિલ' ઉષાએ જ નિર્માણ કરી હતી. પ્રોડયુસર તરીકે એના પિતા મનોહર ખન્ના છે. એ જમાનામાં કોઈની પાસે ૫૦-૬૦ લાખ રૂપિયા આવ્યા હોય, એટલે સીધો ફિલ્મ બનાવવા મંડી પડે અને મોટા ભાગે તો કાંઈ ગૂમાવે ય નહિ. આપણા પ્રેક્ષકો કમ-સે-કમ પેલાનો ખર્ચો કાઢી આપતા.

ખર્ચો કાઢવાની બદદાનત ફિલ્મના વિલન રાજ મેહરાને ઉપડે છે. એના સહાયક મદન પુરીનો સાથ લઈને... હિંદી ફિલ્મોમાં બીજું તો શું લૂટવાનું હોય... કરોડોં કી જાયદાદ...! એ જાયદાદ લૂંટવા માટે મદન પુરી હીરોઇન કુમકુમને પરણવા માંગે છે, પણ કુમ્મી તો ઘનચક્કર કિશોરને દિલ દઈ બેઠી છે (એટલે તો ફિલ્મનું નામ, 'હાય મેરા દિલ' રાખ્યું છે!) સવાલ એ થાય કે, કિશોર જેવા પરફેક્ટ કૉમેડીયન પાસેથી કામ લેવાનું કોઈનું ગજું નહોતું? બધાએ એની પાસે વાંદરાવેડાં જ કરાવ્યા? નહિ તો બિમલ રૉયે ફિલ્મ 'દો દૂની ચાર'માં કે મહેમૂદે 'પડોસન'માં કેવું ઢાંસુ કામ લીધું છે?

કામ આપવામાં કુમકુમ પણ કમ નહોતી. એનો સેક્સી દેખાવ અને એને ફિટ થતું શરીર જોવા ખાસ સિનેમા જનારો વર્ગ હતો. એ બેમિસાલ ડાન્સર હતી અને કોઈ પણ પ્રકારના નૃત્યમાં તેના લચકદાર શરીરને કારણે માત્ર ફ્રન્ટ-બેન્ચર્સ જ નહિ, બાલ્કનીના પ્રેક્ષકો ય મૂંગા મૂંગા વાઇફની હાજરી સહન કરીને આંખોના છાના ખૂણે કુમકુમને જોયે રાખતા. લતાએ ગાવા છતાં તદ્દન નિમ્ન કક્ષાનું બનેલું ગીત 'મચલ ગયા હાય મેરા દિલ...' ઉપર કુમકુમે જે ડાન્સ કર્યો છે, તે માની ન શકાય એવો કઠિન અને ખૂબસુરત છે. આવા અઘરા નૃત્યમાં પણ તેણે એકે ય સ્ટેપ રીપિટ નથી કર્યો. કુમ્મીની આ જ માસ્ટરી હતી કે, વાહિયાત લાગતા ફૂટપાથીયા ગીતોને એના ડાન્સમાં 'ક્લાસિક' ટચ આપતી.

બદનસીબી ખરી કે, હેલન અને વૈજ્યંતિમાલાની ઉપસ્થિતિમાં કુમ્મીને એટલી કદરદાની ન મળી જેની એ હક્કદાર હતી. એ સમયના બે મશહૂર ડાન્સ-ડાયરેક્ટરો પી.એલ. રાજ અને બદ્રીપ્રસાદે કુમકુમ પાસે આજ સુધીની હિંદી ફિલ્મોમાં આવેલા કોઈ પણ ડાન્સની બરોબરી કરી શકે, એવા નૃત્યો કરાવ્યા છે.

ફિલ્મ તો ધારણા મુજબ ફાલતુ છે જ, પણ ઘરમાં દીકરીને ડાન્સનો શોખ હોય તો આ ફિલ્મના કુમકુમના ડાન્સ બતાવવા જેવા છે, જે કોઈ હેલન કે વૈજ્યંતિથી ઉતરતા નથી. મૂળ બનારસના મુસ્લિમ પરિવારની દીકરી ઝેબુન્નિસા હિંદી ફિલ્મોમાં આવતા વ્હેંત છવાઈ ગઈ. એ એની (કે પેલા બાલ્કનીવાળા પ્રેક્ષકોની) કમનસીબી કે જેટલી અને જ્યાં ચાલવી જોઈતી હતી, ત્યાં ન ચાલી. પણ કિશોર કુમારનો શૂટ બધી ફિલ્મોમાં ચાલ્યો.

આ કદીય ન સમજાય એવી પઝલ છે. કિશોર કઇ કમાણી ઉપર લગભગ બધી ફિલ્મોમાં કાળો શૂટ પહેરીને ફરતો હતો?... અને એ ય ઘરમાં પણ! કાં તો પછી ફૂલોવાળી મોટી ડીઝાઈનના બુશકોટ પહેરે. હીરોઇનને બાગમાં મળવા પણ એ શૂટ પહેરીને જાય. આ ફિલ્મના એના એક સોલો ગીત, 'બસ કયામત હો ગઇ...'માં કુમકુમ સાથે બગીચામાં એ હાથમાં તલવાર અને રાજશાહી પોષાક પહેરીને શેને માટે આવે છે, એ સમજવું કઠિન છે. એને લોકો પાગલ માનતા અથવા એ એવું મનાવવા દેતો. 'બાપ રે બાપ'ની એની હીરોઇન ચાંદ ઉસ્માની કિશોરની ગેરહાજરીમાં એલફેલ બોલતી હશે. 

કિશોરને ખબર પડી, પછી શું કર્યું, જાણો છો? એણે જાહેરમાં કહી દીધું કે, ચાંદ ઉસ્માનીના માથામાં તો ઢગલા ભરીને જૂઓ પડી છે...' 'પિયા પિયા પિયા મેરા જીયા પુકારે...' ગીતના ચિત્રાંકન વખતે ઘોડાગાડીમાં કિશોર પોતાની ટોપી ઉસ્માનીને પહેરાવી પાછી પણ લઈ લે છે. કહે છે કે, એ ટોપી પાછી લીધી, ત્યારે ખબર પડી કે, ટૉપીમાં હજારો જૂઓ પડી હતી.' બસ, ચાંદ ઉસ્માનીની કરિયર ત્યાં જ ખતમ.

કોઈ હીરો એની સાથે કામ કરવા એ પછી તૈયાર ન થયો. કિશોરની મૂછો ય હેરત પમાડે એવી હતી. દિલ્હીની પાર્લામેન્ટ-કટ એની મૂછો કાયમ ચીતરેલી રહેતી. દરેક ફિલ્મમાં મૂછો તો એ જ કટની હોય છતાં અસલી રાખવાને બદલે ચીતરેલી મૂછો કેમ રાખતો હશે? એટલે સુધી કે, એના સ્ટેજ શૉમાં પણ મૂછો તો ચીતરેલી જ હોય! એ જમાનાની ફિલ્મોમાં હીરો માટે કોરિયોગ્રાફરો નહોતા, એટલે હીરોને આવડે એવા હાથ-પગ હલાવીને ડાન્સ કરતા.

અશોક કુમાર ચાલતી વખતે બન્ને હાથની આંટી મારતા ચાલે, એમ કિશોર એ જ અદાથી ગાતા ગાતા દોડે. કિશોરને તમે કોઈ પણ એક ગીતમાં બાગમાં ગાતો જોયો હોય તો સમજી લો કે, બધી ફિલ્મોમાં જોયો છે. જાતે જ હાથ-પગ હલાવવાના હોવાથી બધા હીરો બેવકૂફ લાગતા, સિવાય કે શમ્મી કપૂર, જે ડાન્સ-ડાયરેક્ટર વગર જ પોતાની મરજી મુજબના, છતાં પરફેક્ટ સ્ટેપ્સ લેતો.

પ્રેમ ચોપરા હજી નવોનવો ફિલ્મોમાં આવ્યો હતો. મુંબઇના 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'માં એ નોકરી ય કરતો અને ત્યાંથી ગાવલી મારીને શૂટિંગ પણ કરી આવતો. એ અહીં કિશોરનો જીગરી દોસ્ત બને છે. વિલન રાજ મેહરા 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં પુલીસ-સુપ્રીન્ટેન્ડેન્ટ બને છે.

અવાજ મધુરો અને ચોખ્ખો હતો. ટાલ પૂરેપૂરી છતાં દેખાવડો પણ ખરો. એને ભાગ્યે જ મુખ્ય વિલનના રોલ મળતા. મદન પુરીનો તો એ જમાનો હતો કે, જે નિર્માતાઓને પ્રાણ પોસાતો નહતો, એે બધા મદન પુરીને બૂક કરે અને એમાં અગણિત ફિલ્મો આવી ગઇ. એક્ટર બેશક ખૂબ સારો.

કદરૂપો હોવાને કારણે ખલનાયક તરીકે ઘણો જામ્યો. લક્ષ્મી છાયા દેખાવડી તો ઘણી હતી, પણ હીરોઇનની સાઇડ-કીકના રોલમાં એ કાયમ માટે સાઇડમાં જ રહી. એ વધારે જાણિતી થઈ, 'મેરા ગાંવ, મેરા દેશ'ના 'માર દિયા જાય, કે છોડ દિયા જાય' ગીતથી. પણ એ પછી આ ગુજરાતી નાગરની છોકરીનું રહસ્યમય મૃત્યુ થયું અને લોકો ધારણા કરતા વહેલા ભૂલી ગયા.

મારી ધારણા ખોટી હોઈ શકે છે, પણ આ ફિલ્મના દિગ્દર્શકો વેદ અને મદન સંગીતકારો પણ હતા (આ ફિલ્મના નહિ!). જો કે, જે ઢબની આ ફિલ્મ બનાવી છે, એ જોતા એમની પાસેથી કોઈ ઊજળી ફિલ્મની અપેક્ષા રખાય એવું ય નથી.

મુહમ્મદ રફીને વેડફવા માટે જ આ ફિલ્મના એક ગીત માટે લાવવામાં આવ્યા હશે. બાકી મન્ના ડે ના બે ગીતો છતાં ઉષાના પ્રિય ગાયક મૂકેશની ગૈરહાજરી કઠે છે.

05/08/2016

'મેમસાહિબ' ('૫૬)

ફિલ્મ : 'મેમસાહિબ' ('૫૬)
નિર્માતા-દિગ્દર્શક : આર.સી. તલવાર
સંગીત : મદન મોહન
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ
કલાકારો : મીના કુમારી, શમ્મી કપૂર, કિશોર કુમાર, કુમકુમ, પ્રતિમાદેવી, શિવરાજ, જ્ઞાની, મેહમુદ, મીસ માયાદાસ, ઓમપ્રકાશ, મુન્નાબાઇ, રણધિર અને રાધેશ્યામ.




ગીતો
૧. ચુન્ની મુન્ની મુનિયા આઓ દિખાયે જી... આશા ભોંસલે
૨. હમારી ગલી આના, અચ્છા જી... આશા-તલત મેહમુદ
૩. પ્યારકી ઘડીયાં ગીનગીન દેખતે હૈં સપને... આશા ભોંસલે
૪. કહેતા હૈ દિલ તુમ હો મેરે લિયે... આશા-તલત મેહમુદ
૫. ઈશ્ક એક ઝહેર હી સહિ, ફિર ભી પિયે જાતા હૈ... આશા ભોંસલે
૬. દિલ દિલ સે મિલાકર દેખો, નઝરોં મેં સમાકર... આશા ભોંસલે
૭. દિલ દિલ સે મિલાકર દેખો, નઝરોં મેં સમાકર... કિશોર કુમાર

પહેલી આંચકી તો મીના કુમારી સાથે શમ્મી કપૂરને જોઇને લાગે, બીજી શમ્મી સાથે કિશોર કુમારને જોઇને લાગે... ત્રીજી, એ ત્રણેને એક ફિલ્મમાં સાથે જોઇને લાગે. આ કયા પ્રકારનું કૉમ્બિનેશન ? ધૂમઘાં તોફાની શમ્મી-કિશોર સાથે દયાની દેવી મીના કુમારી ? આપણે તો આવી કોઇ ફિલ્મ બની છે, તે ય નહોતા જાણતા. બસ, રેડિયો સીલોન પર મદન મોહનના સંગીતમાં તલત-આશાનું ‘કહેતા હૈ દિલ તુમ હો મેરે લિયે, હાં મેરે લિયે..’ને કારણે ‘મેમ સાહિબ’ નામની કોઇ ફિલ્મ હશે, એવો અંદાજ લગાવતા હતા. પણ જોયા પછી તો ફિલ્મ સારી અને ઘણી જુદી લાગી. શમ્મી કપૂર, કિશોર કુમાર કે મીના કુમારીના ચાહક હો અને સીડી મંગાવીને જોશો તો પૈસા પડી જાય એવા નથી. પણ, સંગીત મદન મોહનનું અને લતા મંગેશકરનું એકે ય ગીત નહિ ? એ તો ઠીક, પણ આશા ભોંસલેને એ જમાનામાં હીરોઇનને પ્લેબેક આપવાના ગીતો તો અમથા ય બનતા નહોતા. હોય તો ય, બહુ ફાલતુ ફિલ્મની ફાલતુ હીરોઇનના ગીતો આશાને મળ્યા હોય, ત્યારે અહીં આ ફિલ્મ ‘મેમસાહિબ’માં મદન મોહને આશાને સ્વયં મીના કુમારી માટે ગવડાવ્યું છે અને કિશોરના એક સોલોને બાદ કરતા તમામ ગીતોમાં આશા મૌજુદ !... જરૂર દાલ મેં કુછ... કાલા નહિ. દાલ મેં કુછ આશા હૈ !

એ વાત પછી જુદી થઇ કે, મદન મોહન આટલા ગ્રેટ સંગીતકાર હોવા છતાં, ઈવન લતા મંગેશકરના જ ગીતો હોય તો પણ ગીતોની સફળતાનો સ્ટ્રાઇક-રેટ બહુ સામાન્ય એટલે કે નીચા સ્તરે રહેતો, ત્યારે આ ફિલ્મમાં તો અન્ય સંગીતકારોની જેમ મદન મોહન પણ કિશોરના કંઠનો કોઇ સફળ ઉપયોગ કરી શક્યા નહિ. તલતના બહુ ચાહક હો, તો ‘કહેતા હૈ દિલ તુમ હો મેરે લિયે...’ એ આશા સાથેનું યુગલગીત અને કિશોર-આશાના અલગ-અલગ સોલોમાં ગવાયેલું ‘દિલ દિલ સે મિલાકર દેખો, નઝરોં મેં સમાકર દેખો...’ સાંભળ્યા હોય ખરા... ગમ્યા હોય, એવું તો હું બોલ્યો ય નથી ! એ સિવાય આ ફિલ્મનું આપણે નામ પણ સાંભળ્યું નહોતું. મદન મોહનને ગાવાનો શોખ તો ઘણો હતો અને ફિલ્મમાં સંગીત પોતાનું હોય પછી છોડે ? આ ફિલ્મમાં પણ ભજનના એક-બે મુક્તકો એ પોતે ગાય છે.... અને સારૂં જ ગાય છે ! બજારમાં મળતી સીડી-માં મદન મોહને ‘નૈના બરસે રીમઝીમ રીમઝીમ..’ જેવા ૭-૮ લતાએ ગાયેલા ગીતો સાંભળી શકાય છે.
* * *
શમ્મી કપૂર હિંદી ફિલ્મોમાં આવ્યો, એમાં કપૂર-ખાનદાનની કોઇ કમાલ નહોતી. તમામ કપૂરોને જાતમેહનત અને જાત-નસીબથી આગળ આવવાનું હતું, એ ધોરણે શમ્મીની પ્રારંભની તમામે તમામ ૧૯ ફિલ્મો સુપરફ્લૉપ નિવડી હતી, તેમાંની એક આ. પ્રેક્ષકોથી માંડીને નિર્માતાઓ આક્ષેપ એવો કરતા કે, શમ્મી એના મોટા ભાઇ રાજ કપૂરની નકલ માત્ર કરે છે !

બેવકૂફો વાત કરતા હોય ત્યાં સમજદારે ચૂપ રહેવું જોઇએ,પણ હું અહીં ચૂપ નહિ રહું... મૈં ચૂપ નહિ રહુંગા...! એ વાત સોળે આના સાચી (ભ'ઇ, આ 'આના' એટલે શું, એ નવી પેઢીનો કોઇ વાચક તમને પૂછે તો જરા સમજાવી દેજો ને ! હું નહિ પહોંચી વળું !) કે, દેખાવમાં (એ તમામ ફિલ્મોમાં મૂછો રાખવાને કારણે શમ્મી આબેહૂબ રાજ કપૂર જેવો લાગતો હતો, પણ એ વાત તદ્દન બોગસ કે, શમ્મીએ એક પણ ફિલ્મના એક પણ દ્રશ્યમાં રાજ કપૂરની (કે અન્ય કોઇની) નામ પૂરતી ય નકલ કરી હોય. અરે, એ પોતે ક્યાં કોઇથી કમ ‘ઍક્ટર’ હતો, તે નકલબાજી મારવી પડે ! બસ, નસીબનો અભાગીયો ચોક્કસ હતો, કે આવી એ બધી ફિલ્મો તદ્દન ફ્લૉપ ગઇ. (શશી કપૂરની પણ એ જ કહાણી છે ને ?)

પણ જ્યાં ‘દિલ દે કે દેખો’ આવી અને નાસિર હુસેને શમ્મીની મૂછો ઉતરાવી નાંખી અને સીરિયસને બદલે કપડેલત્તે કે સ્ટાઇલમાં હૉલીવૂડના ઍલ્વિસ પ્રેસલી બ્રાન્ડનો દેખાવ કરાવી દીધો, ત્યારથી ગાડીએ સ્પીડ પકડી. આ ફિલ્મ એટલી હદે હિટ ગઇ કે, અચાનક શમ્મી બધાને ગમવા માંડયો અને એમાં ય ‘તુમ સા નહિ દેખા’ અને ‘જંગલી’ જેવી શમ્મી-બ્રાન્ડની ફિલ્મોમાં એણે જંગલી-જાનવર રૂપ ધારણ કર્યું, પછી બોલબોલા ચારેકોર થવા માંડી.

સાચા અર્થમાં એ એ સમયનો સુપરસ્ટાર બની ગયો. શમ્મી કપૂરને પ્લેબૅક તલત મેહમુદે આપ્યું છે. મુહમ્મદ રફીના ચાહકોને જરા ગળે નહિ ઉતરે, પણ શમ્મી-રફી આટલા સીમેન્ટછાપ દોસ્તો હતા, છતાં શમ્મી માટે પહેલું ગીત તલત મેહમુદે ગાયું હતું. તલત તો આમે ય ભારે મીઠડો ગાયક હતો. એ એની કમનસીબી કે મૂકેશ, મન્ના ડે કે હેમંતની માફક સંગીતકારોએ તલતને પણ ગરજ પૂરતો જ લીધો.

જોકે મદન મોહન તલતનો ચુસ્ત ચાહક હતો. એની સાબિતી ઓમપ્રકાશે બનાવેલી ફિલ્મ ‘જહાનઆરા’ના બે-ત્રણ ગીતો તલત પાસે ગવડાવ્યા, (‘તેરી આંખ કે આંસુ પી જાઉં, ઐસી મેરી તકદીર કહાં...’, ‘ફિર વો હી શામ, વો હી ગમ વો હી તન્હાઇ હૈ...’ અને ‘અય સનમ આજ યે કસમ ખાયેં’ (લતા સાથે) ‘મૈં’ તેરી નઝર કા સુરૂર હું... એમાં ઓમપ્રકાશ સાથે ઝગડો થઇ ગયો હતો, જે કેવળ રફીનો અવાજ લેવા માંગતા હતા. પણ મદન મોહને ફિલ્મ છોડી દેવાની ધમકી આપી, એટલે તલતના ગીતો આવ્યા. જો કે, રફીના બે ગીતો ‘કિસી કી યાદ મેં દુનિયા કો હૈ ભુલાયે હુએ...’ અને ‘બાદ મુદ્દત કે યે ઘડી આઇ...’ (સુમન કલ્યાણપુર સાથે... રાગ ‘છાયાનટ’)ના એટલા જ મશહૂર થયા.

યસ. આંચકો લાગે એવી વાત એ પણ છે કે, શમ્મી કપૂરે આ ફિલ્મમાં નેગેટીવ - એટલે કે, એન્ટી હીરોનો રોલ કર્યો છે. એનાથી વધુ આંચકો અને આશ્ચર્ય એ વાતનું ય ખરૂં કે, કિશોર કુમાર અહીં સીરિયસ રહ્યો છે, એણે બ્રહ્મચારીનો ગંભીર રોલ કર્યો છે. તેમ છતાં ય ફિલ્મ આખી લાઇટ (હળવી) બની છે. મદન મોહનના ગીતો ભલે ઉપડયા નહિ, પણ અહીંના એક પછી એક બધા ગીતો સાંભળો તો કાનને પસંદ પડી જાય, એવા મીઠા તો બેશક બન્યા છે.

નવાઇઓ ચોક્કસ લાગે, પણ આ ફિલ્મમાં એક જુદી જ મીના કુમારી છે. પેલું રોનાધોના કે કપાળ ઉપર મોટો ચાંદલો અને માથે ઘુંઘટ-ફૂંઘટ કશું નહિ. એને બદલે (એ જમાના પૂરતી) એકદમ મૉડર્ન મીના અહીં આવી છે. પોણીયા પાટલૂન, ઉપર શર્ટ અને બ્લેઝર અને હેરસ્ટાઇલ (આપણને તો હસવું આવે એવી) ઈંગ્લિશ.

ફિલ્મ તો ચોક્કસપણે એ જમાનાની અન્ય ફિલ્મો કરતા વધુ મૌજીલી બનાવી છે; કૉમેડી નહિ પણ હળવી. અલબત્ત, ફિલ્મની વાર્તા ગળે ઉતરે એવી તો નથી જ અને બ્રહ્મચર્ય વિશેની કિશોરની દલિલો હાસ્યાસ્પદ અને લંબાણપૂર્વકની છે. જો કે, ફિલ્મ બનાવનારે ફિલ્મ સરળતાથી બનાવી છે, વાર્તાને પણ સરળ બનાવીને, એટલે જોવાની ચીઢ ચઢતી નથી.

કિશોરનું સગપણ મીના કુમારી સાથે નાનપણમાં થઇ ગયું હોય છે, પણ મીના મોટી થતા સુધીમાં બિલકુલ મૉડર્ન અને આઝાદ ખયાલોવાળી તોફાની યુવતી બને છે, જ્યારે કિશોર બ્રહ્મચારીના આશ્રમમાં જઇને વર્ષો સુધી યોગસાધના કરીને સમાજમાં પાછો એટલા માટે આવે છે કે, સમગ્ર ભૂમિતટને એ આધ્યાત્મિક બનાવવા માંગે છે.

આ બાજુ, કરોડપતિ મીના કુમારી જાતે જ છાપામાં લગ્નવિષયક જા.ખ. આપીને ઉમેદવારોને બોલાવે છે, જેમાંના એક ઉમેદવાર તરીકે કૉમેડિયન મેહમુદ થોડીવાર માટે આવીને પણ ધૂમ મચાવે છે અને બીજો શમ્મી કપૂર (શિથિલ ચરીત્રની કુમકુમનો પ્રેમી હોવા છતાં) પણ ઉમેદવારી નોંધાવે છે, માત્ર મીનાની કરોડોની મિલ્કત હડપ કરવા માટે ! ઈન્ટરવ્યૂમાં એ બદતમીઝી કરતો હોવા છતાં મીનાને પસંદ પડી જાય છે અને મીના એના પાલક કાકા-કાકી (જ્ઞાની અને મુન્નાબાઇ)ને મેળવે છે. આ બાજુ કિશોર પણ મીનાને પરણવા આવી ચઢે છે-ઑફિશિયલી, પણ એના બ્રહ્મચર્યના વિચારો ભલે હવે પૂરા થયા હોવા છતાં સ્ત્રીને એ પુરૂષની દાસી સમજે છે અને મીના સાથેના ઈન્ટરવ્યૂમાં કહે પણ છે કે, મારી સાથે લગ્ન કર્યા પછી મારી દાસી બનીને તારે રહેવાનું છે. પેલી આ બધું-ઑબ્વિયસલી હસી કાઢે છે અને કિશોરની મશ્કરી કરે જાય છે.

એક તબક્કે કિશોર નજર સામે મીના-શમ્મીને પ્રેમના ગીતો ગાતા વીંટળાયેલા જુએ છે અને નારાજ પણ થાય છે, છતાં મીનાની એને ય લત પડી જાય છે. આ બાજુ, મીનાની દોલત હડપવા ખાતર જ એની સાથે લગ્ન કરવા માંગતા શમ્મીને એક આંચકો લાગે છે કે, વસીયતનામા મુજબ, મીના સાથે કિશોરના જ લગ્ન થઇ શકે. અગર મીના બીજા કોઇને (શમ્મીને પણ) પરણે, તો મીનાની બધી મિલ્કત કિશોરને જ મળે. ફિલ્મના અંતે તો સત્યનો વિજય થાય છે અને શમ્મી કપૂરની હાર થાય છે.

શમ્મી કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, કિશોર દાનું પ્લેબૅક મેળવવાનો એને કદી અવસર જ મળ્યો નહિ. એક માત્ર ‘સાત સહેલીયાં ખડી ખડી..’માં કિશોરના કંઠે શમ્મી પરદા પર ગાય છે. એક વ્યક્તિ તરીકે શમ્મીએ કિશોર દાના ભરપેટ વખાણ કર્યા છે. આ ફિલ્મ ‘મેમસાહિબ’માં શમ્મી બેહદ દેખાવડો લાગે છે... એટલો કે, ઈવન ‘જંગલી’ અને એ પછીની ય કોઇ ફિલ્મમાં એ આટલો હૅન્ડસમ નથી લાગ્યો... શરીર ભરાવાને કારણે ! અહીં તો એ પરફેક્ટ-ટૅન જેવા બૉડી અને ઈવન આજે ય અલ્ટ્રા-મૉડર્ન લાગે એવા પરફેક્ટ કપડાં સાથે નિહાયત ખૂબસુરત લાગે છે.

કિશોર કુમાર ભાગ્યે જ કોઇ ફિલ્માં મૂછ વગરનો જોવા મળ્યો છે, પણ એની દરેક ફિલ્મ ધ્યાનથી જોશો તો દરેક ફિલ્મમાં એણે ચીતરેલી કે ચોંટાડેલી મૂછો લગાવી છે. આનું કારણ તો કોને ખબર હોય ? એ ગમે તે હોય, પણ એના જમાનાની ઑલમોસ્ટ તમામ અભિનેત્રીઓ જાહેરમાં કહી ચૂકી છે કે, બીજા હીરોની સરખામણીમાં અમને કિશોર સાથે કામ કરવાની સૌથી વધુ મઝા આવી છે.

અફ કૉર્સ, નૂતન અને નંદાને બાદ કરતા એકે ય હીરોઇન દૂધે ધોયેલી નહોતી. એમને પ્રેમમાં પાડવી કોઇપણ હીરો માટે ડાબા હાથનો ખેલ હતો ને એમાં ય મીના કુમારીના કારનામા તો છેલ્લે છેલ્લે ગુલઝાર અને સાવનકુમાર ટાક સુધી ફેલાયેલા છે, છતાં મીના અને કિશોર વચ્ચે કોઇ મજાક મસ્તી સાંભળી નથી. કુમકુમ કાયમની ‘બી’ગ્રેડની ઍક્ટ્રેસ બની રહી. મૂળ એ બનારસના ગરીબ મુસ્લિમ ઘરાનાની છોકરી. નામ એનું ‘ઝેબુન્નિસા’(બીજી એક માહિતી મુજબ, એનું નામ ‘મેહરૂન્નિસા’ જાણવા મળ્યું છે.) અને એની માસી મુંબઇની ફિલ્મોમાં કોઇ સામાન્ય અભિનેત્રી હતી. એણે કુમકુમને ફિલ્મ ‘શીશા’માં એક ડાન્સ પૂરતું કામ અપાવ્યું, એ ફિલ્મ જોયા પછી ગુરૂદત્તે કુમકુમને ફિલ્મ 'આરપાર'માં એક નૃત્યગીત આપ્યું.... શમશાદ બેગમનું ‘કભી આર કભી પાર લાગા તીર-એ-નઝર’, પછી ગુરૂદત્તે એમની ‘મી. એન્ડ મીસિસ ’૫૫, પ્યાસા અને સી.આઇ.ડી.માં પણ કુમકુમને લીધી. યોગ્ય ઠેકાણે ભરાયેલા શરીરને કારણે દેખાવમાં તો ભારોભાર સૅક્સી હતી.

એમાં મેહબુબખાન પૂરા પાગલ થઇ ગયા અને ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં એને અચ્છો રોલ આપ્યો અને ‘સન ઑફ ઈન્ડિયા’માં હીરોઇન બનાવી. ખાનસાહેબે સીટ ખાલી કરી, એટલે સાધના-રાજેન્દ્રવાળી ફિલ્મ ‘આરઝૂ’ના નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગરે કુમકુમને ખૂબ નજીક બોલાવી લીધી અને એમની લગભગ બધી ફિલ્મોમાં કામ આપ્યું. કિરણ કુમાર જેમાં હીરો હતો, એવી ફિલ્મ ‘જલતે બદન’માં પણ સાગરે એને હીરોઇન બનાવી. બધા પ્રયાસો નિષ્ફળ ગયા, એટલે જે કામમાં એ માહિર હતી, તે નૃત્ય અને એમાં ય ખાસ કરીને ફિલ્મોમાં આવતા ફૂટપાથ-નૃત્યોમાં કુમકુમે મહારત હાંસલ કરી.

શમ્મી કપૂર-રાજકુમારની ફિલ્મ ‘ઉજાલા’માં આવા એના બે ફૂટપાથીયા ગીતોએ આજ સુધી ધૂમ મચાવી રાખી છે, ‘તેરા જલવા જીસને દેખા, વો તેરા હો ગયા’ અને ‘ઓ મોરા નાદાન બાલમા ન જાને જી કી બાત’. આજે તો એ ઘણી વૃધ્ધ થઇ ચૂકી છે, પણ એનો એક દીકરો હિંદી ફિલ્મનિર્માણ સાથે સક્રીય છે. કુમકુમે ઝાહિદઅલી અબ્રાર સાથે લગ્ન કર્યા પછી સઉદી અરેબિયા સ્થાયી થઇ, પણ ઈ.સ. ૨૦૦૪માં પાછી આવીને પોતાની માતૃભાષા ભોજપુરીમાં એક મૅગેઝીન કાઢ્યું. હાલમાં એ મુંબઇ-પોતાના ફ્લૅટમાં રહે છે.

‘
ઈશ્ક એક ઝહેર સહિ, ફિર ફી પીયે જાતા હૂં...’ મુજરો ફિલ્મમાં ગાનાર ઍક્ટ્રેસ મીસ માયા દાસ છે. સુંદરતા, ફિગર અને નૃત્યની પરિપૂર્ણ આવડત છતાં આવી અનેક માયાદાસ પછીની ફિલ્મોમાં ચાલી કેમ નહિ, એ સવાલ છે. આ છોકરી ય સ્વરૂપવાન, શરીરે ચુસ્ત અને શાસ્ત્રોક્ત નૃત્યની જાણકારીવાળી હોવા છતાં, એમના નામે બીજી કોઇ ફિલ્મ લખાઇ હોય તો ય ખબર નથી.

રાજન કપૂરને તમે નામથી ઓળખતા નથી, પણ ભાગ્યે જ કોઇ એવી ફિલ્મ હશે, જેમાં એને તમે ન જોયો હોય ! આ ફિલ્મમાં વસીયતનામાનો સૉલિસિટર બને છે. મેહરબાનુ (જેનો ઉલ્લેખ ફિલ્મ ‘તુમ સે અચ્છા કૌન હૈ’માં કર્યો હતો, તે કદરૂપી ડોસી) અહીં કિશોરની માં બનતી પ્રતિમાદેવી પાસે લગ્નનો હરખ કરવા આવે છે.

ફિલ્મ જોવાય તો ય કોઇ લૉસ નથી અને... ન જોવાય તો......