Search This Blog

Showing posts with label gift. Show all posts
Showing posts with label gift. Show all posts

29/02/2012

અખરોટ-બખરોટ

જીવનમાં કે દુકાનમાં, આજ સુધી મને એક સિગારેટ સિવાય બીજું કાંઇ ખરીદતા આવડ્યું નથી. સિગારેટ લીધા પછી એને લોખંડના દસ્તા વડે તોડવાની હોતી નથી, માટે મને અખરોટ કરતા સિગારેટ વઘુ પૌષ્ટિક અને ગુણકારી લાગે છે. ઘર માટે તેમ જ સંબંધીઓને દેવા માટે હું વૈષ્ણોદેવીથી ત્રણ થેલાં ભરીને અખરોટ લઇ આવ્યો, એમાં તો રામ જાણે હું દધિચી ૠષિના હાડકા ઉપાડી લાવ્યો હોઉં, એમ ઘરનાઓને ઝાટકા વાગ્યા. બહારથી હું ટૅન્શનો સિવાય પણ ઘરમાં કશું લાવી શકું છું, એ વાત માનવામાં ન આવતી હોય તેમ, હકીએ એક અખરોટ હાથમાં ઉપાડીને ગોળગોળ ફેરવીને પહેલો સવાલ પૂછ્‌યો, ‘‘આ સુઉં છે, અસોક...?’’

‘‘એ કીડની છે... બજારમાં મળતી’તી તે લઇ આયો !’’

આપણને ગુસ્સો ન આવે કે, એક તો જીવનમાં પહેલી વાર કોક ચીજ હોંશે હોંશે ખરીદી લાયા હોઇએ, એમાં ય વાઇફો ડાઉટો પાડે ? (અહીં Doubt નું બહુવચન ભૂલમાં ખોટું લખાયું છે, તે સુધારીને ‘ડાઉટોઝ’ વાંચવું !.... ‘વાઇફ’ના બહુવચનને જેમનું તેમ રહેવા દેવું !)

‘‘બવ હારૂં... હવે અમને કિયો કે, એને ભાંઇગવાની કઇ રીતે ?’’

એ ભૂલ મારી હતી કે, ત્રણ મોટા થેલાં ભરીને વૈષ્ણોદેવીથી અખરોટો લેતો આવ્યો, ત્યારે દુકાનવાળાને પૂછવાનું ભૂલી ગયો હતો કે, આને કોરીધાડોક ચાવી જવાની કે, એનું બહારનું પડ તોડીને મહીંથી માણસના બે ફેફસાં જેવું જે નીકળે, એને કચડ-કચડ ચાવી જવાનું ? ઓકે. ઘરમાં કોક તો બુદ્ધિશાળી નીકળે ને ? હકીને જાણકારી હતી કે, અખરોટને તોડીને ખાવાની હોય. નૉર્મલી, જે નજરથી એ મને જોતી હોય છે, એવી એક નજર એણે અખરોટ ઉપર ફેંકી... પણ અખરોટ એ અખરોટ હતી... કોઇ અશોક દવે નહોતી, તે જોતા વ્હેંત તૂટી જાય ! એ ૠષિમુની જેવી નિશ્ચલ હતી. એને કાંઇ ન થયું. ઝનૂનમાં હકી લોખંડનો દસ્તો ઉપાડી લાવી ને મારો બરડો સમજીને એક ઘા ને બે કટકાવાળી કરી....! અંગૂઠા અને આંગળી વચ્ચે અખરોટ દબાવીને એની ઉપર દસ્તો ઝીંકવો, એમાં જોખમ ઘણું છે. ન કરે નારાયણ ને દસ્તો અખરોટને બદલે હકીના અંગૂઠા ઉપર વાગે, તો મોંઘા ભાવનો દસ્તો વળી જાય ! અત્યારે દસ્તા કાંઇ રસ્તામાં પડ્યા છે ? (... કોઇ પંખો ચાલુ કરો !) દસ્તાના ફૌલાદી પ્રહાર છતાં અખરોટના અમે કાંઇ તોડીને ભડાકા કરી ન શક્યા. એ ન તૂટી... તો ય જો કે, હકીએ હ્યૂમર સારી કરી કે, ‘‘અસોક... દસ્તો વરી ગીયો છે, તો એને શીધો કરવા એના માથે આ અખરોટ ઠોકો !’’ સદરહૂ અખરોટ એની માં પર ગઇ હોવી જોઇએ. ગમે તેટલી પછાડી, તોડી કે ઘાઓ માર્યા, એ તૂટી નહિ. બારણાંના મીજાગરાં વચ્ચે અખરોટ મૂકીને અમે બે-ચારજણાએ ખભાના ધક્કા હળીમળીને માર્યા... તો આમે ય, અમારે બારણું તો બદલાવવાનું જ હતું ! (જાણતલ વડિલોએ બારણાને બદલે મકાન બદલાવવાની સલાહ આપી હતી ને આપણને એમ કે ધીરજના ફળ મીઠા હોય છે... કોક દિ’ મકાનને બદલે ઘર બદલાવી શકાશે !) એક તબક્કે તો, આખું ફૅમિલી જીવ પર આવી ગયું. અખરોટ ઉપર લાકડાનું પાટીયું મૂકી, વારાફરતી બધા પાટીયાં ઉપર ઊભા રહ્યા અને એક સાથે ‘વન-ટુ-થ્રી’ બોલીને એની ઉપર કૂદ્યા. પણ રામ રાખે, તેને કોણ ચાખે ? (...ને આવી અખરોટ તો રામે ય ન ચાખે !) પાટીયું એક બાજુ જરી વઘુ ઊંચું થઇ ગયું હશે, તે મહીંથી અખરોટ છટકીને માઇક્રોવૅવ-ઑવન પર અથડાઇ...ઑવનની આરપાર કાણું....!

અખરોટને ડાયનિંગ-ટૅબલ પર મૂકીને હું જોતો હતો, ત્યાં કોક બોલ્યું ય ખરૂં કે, ‘‘પપ્પા, સૉરી તમને ખ્યાલ ન પણ હોય, પણ માણસોને ખાવાની અખરોટો ય આવે છે... એ લેતા આવવી’તી ને....?’’ સાલું, હું ગામ આખાની ફિલમ ઉતારતો હોઉં ને ઘરમાં છોકરાઓ મારી ઉતારે છે... ભલાઇનો જમાનો જ નથી રહ્યો ! પહેલી તૂટતી નહોતી ને હજી ત્રણ થેલાં ભરેલા હતા. ઘૂમકેતુની વાર્તામાં આવે છે તેમ, ‘પડે છે, ત્યારે સઘળું પડે છે... વિનિપાત થઇ જાય છે.’ સૂકા મેવાની દુનિયામાં કહે છે કે, બદામ ખાવાથી બુદ્ધિ આવે છે, પણ અખરોટ ખાવાથી બ’ઇની ઝાલરે ય આવતી નથી, એ સમજાઇ ગયું.

મારા જન્માક્ષરમાં લખ્યું છે કે, શનિ-રવિમાં મારામાં બુદ્ધિ વધે છે. મને વિચાર આવ્યો કે, આમે ય ત્રણ કોથળાં ભરીને તો અમે કાંઇ અખરોટો ખાવાના નથી. રોજ દાળ-શાકમાં નાંખી નાંખીને ખઇએ, સાબુના લાટાને બદલે કપડાં ધોવામાં વાપરી નાંખીએ તો ય તત્તણ થેલાં ક્યાંથી ખૂટે ? દસ-બાર સારી જોઇને કાઢીને છોકરાઓને રમવા આપી કે, મોટા થઇને છોકરાઓ સચિન તેન્ડુલકર બને.

એમ પાછી હકી દાન-ધરમમાં બહુ માને. એણે જ અખરોટનો વહિવટ કરવા માંડ્યો. મુઠ્‌ઠા-મુઠ્‌ઠા ભરીને થોડી આજુબાજુમાં આલવી, થોડી સગાં-સંબંધીઓમાં આલવી ને બાકી વધે એ ગુજરાત રાજ્યના હોમગાડ્‌ર્સને આપી દેવી, જેથી કરફયૂ-બરફ્‌યૂ વખતે પથ્થરબાજી સામે એ લોકો અખરોટબાજીથી આત્મ-રક્ષણ કરી શકે.

પણ મારા મનમાં એક દુષ્ટ વિચાર ઝબકી રહ્યો હતો. આમ તો અખરોટ રઇસોની શાન-ઓ-શૌકત કહેવાય છે. ગેંગેં-પેંપેંનું એમાં કામ નહિ. આવી ચીજો કોઈને ગિફટ આપીએ, તો અખરોટ-સમાજમાં આપણું ય નામ થાય. ૧૯૫૨-ની સાલથી જે જે લોકો મારૂં લોહી પી ગયા છે, તે બધાને પ્લાસ્ટિકના ગોલ્ડન-પૅપરમાં દસ-દસ નંગ વીંટાળીને એમનો હોય કે ન હોય, ‘‘હૅપી-બર્થ-ડે’’ બોલીને ગિફટ તરીકે આપવી. જીવનભર જેમણે મારા દાંત ખાટા કર્યા છે, એ બધાના હવે તો તોડીને બતાવું. ભલે મારી ત્રણ કોથળા ભરેલી મોંઘી અખરોટો વપરાય, પણ વાત ધીંગાણાની આવે, ત્યારે આપણે પૈસા સામે નથી જોતા ! લોહીઓના લોહીઓ વહેવડાવી દઈએ... બીજાના ! અહીં મારૂં ગણિત ‘વકરો એટલો નફો’ વાળું નહિ, પણ ‘ખર્ચો એટલી ખોટ’નું હતું. (કોઇ મારા વખાણ કરો... હું જરા ઢીલો પડી રહ્યો છું !) વળી આપણા દેશમાં એટલું સારૂં છે કે, લીધેલી ગિફટો કોઇ પાછી નથી આલતું.

મારા લિસ્ટ મુજબ, આઠેક ફૅમિલીઓ મરવાના થયા હતા. સ્વાભાવિક છે, એમાંથી અડધા તો મારા સસરાના પરિવારજનો હોય. એમાંથી સસુરજી વગર અખરોટ ખાધે પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા હતા. સાસુજીને દાંતનું ચોકઠું હતું. બન્ને સાળાઓ સાલા લંડન, એટલે આપણે તો અખરોટ મોકલવાના ખર્ચામાં તૂટી જઈએ. વળી, વર્ષો પહેલા મેં એક સાથે એ બન્નેની ‘બૉ’ન પૈણી નાંખી હતી, એટલે વળતા હૂમલા તરીકે એ લોકો મને ‘‘આવા’’ અંજીર-ફંજીર કે લોખંડી ખારેકના કોથળા મોકલાવે તો હું હલવઇ જઉં કે નહિ ? (એ તો જેવા જેના લખ્ખણ, દવે સાહેબ....! જવાબ પૂરો)

પણ શાસ્ત્રોમાં કીઘું છે ને કે, ઉપર સ્વર્ગ-નર્ક જેવું કાંઇ જ નથી... બઘું અહીં જ ભોગવવાનું છે. જેને જેને ઘેર અમારી અખરોટો પહોંચી, એ લોકોએ પણ સામું સૌજન્ય બતાવ્યું.

પહેલા ગીફ્‌ટ-પૅકેટમાં ‘અશોકને સપ્રેમ’ લૅબલ મારીને કોઇકે મારા માટે, લાળીયાવાળો બાબા-શૂટ મોકલાવ્યો. બીજાએ ગયા જન્મનો બદલો લેવા કલ્યાણજી-આણંદજીના ગીતોની સીડી મોકલી. છેલ્લા ૨૩-વર્ષથી મરવા પડેલા સીઘુ કાકાએ ‘શિવામ્બૂની ચમત્કારિક અસરો’ નામનું રંગીન ફોટાવાળું પુસ્તક મોકલી આપ્યું. એક ટીફીનમાંથી થીજી ગયેલી રબડી નીકળી... છેલ્લાએ કાંઈ મોકલાવ્યું નહોતું... એક કવરમાં સંદેશો હતો, ‘‘કૃપા કરી અમારા માટે આવી જ અખરોટના ૨૦-થેલા મંગાવી આપશો... અમારે પણ અમારા સગાંઓને સીધા કરવાના છે !’’

સિક્સર
–જ્યાં પબ્લિસિટી મળે એમ હોય, ત્યાં સ્ત્રી–સ્વાતંત્ર્યના ઝંડા લઇને નીકળી પડતા મહિલા સંગઠનો, ટીવી પ્રોગ્રામોમાં શાહરૂખ ખાનની નાલાયક હરકતો અને ગંદી ભાષાનો કેમ વિરોધ કરતા નથી ? આવા બેશરમોની તો ફિલ્મોનો ય બહિષ્કાર કરવો જોઈએ....!
– કાકા, એમ બગડો એ ન ચાલે. વ્યક્તિપૂજાના દેશમાં શાહરૂખ પૂરા કપડાં કાઢીને ટીવી પર આવશે, તો ય ‘‘ હે હે હે...’’ કરતા હસી કાઢવાનું હોય ! કમ સે કમ શાહરૂખ, ટીવી જોનારાઓ કરતા તો વધુ મરદ નીકળ્યો!

23/11/2011

ગિફ્‌ટમાં ઘોડો...?

દસ્તૂર થઇ ગયો છે કોઇને ત્યાં જઇએ એટલે ખાલી હાથ ન જવાય! કંઇક તો લઇ જ જવું પડે. આ ‘કંઇક’માં હું તો મારા સમ્રાટના બાળકો સિવાય કાંઇ લઇ જતો નથી, એમાં છાપ બગડે છે. ‘આ લ્લે લે... આ તો હાવ ખાલી હાથે આયા..!!!’ એવા ત્રણ આશ્ચર્ય ચિહ્નો એમના ચેહરાઓ ઉપર દેખાય.‘‘આમને એમ પણ ન થાય કે, કોકને ઘેર જઇએ છીએ તો છેવટે છોકરાઓ માટે કંઇક લેતા જઇએ..??’’ એવા બે વધારાના પ્રશ્નાર્થ ચિહ્‌નો અમને પાણી પિરસતી વખતે દેખાય. બીક લાગે કે, પાણી આપણા મોંઢા ઉપર તો નહિ ઢોળે ને? 

ખાલી હાથ નહિ જવાનું આ કલ્ચર હમણાં-હમણાંનું ઊભું થયું છે... મેહમાનો આવે ત્યારે આઇસ્ક્રીમ, ચોકોલેટસ, મીઠાઇ કે અન્ય કોઇ ગિફ્‌ટ હસતા-હસતા સાથે લેતા આવે ને આ લોકો હસતા-હસતા, ‘‘ઓહ... આની શી જરૂર હતી..’’ એવું પાછું હસતા હસતા ખરખરો કરતા હોય, એમ બોલે. આમ તો, ‘આની ‘જ’ જરૂર હતી’ એવું એ લોકો જાણતા હોય છે. 

મહેમાનગતિને આ લોકોએ પૉટલૉગ બનાવી દીધી છે. કોઇએ જમવા બોલાવ્યા હોય, ત્યાં આપણે તો કાંઇક લેતા જ જવાનું.. ભલે પછી એમના ફ્રીજમાં પડયું રહે. હું આવી ગીફ્‌ટ -સ્કૂલનો વિદ્યાર્થી નથી. સાવ મિડલ-ક્લાસનો માણસ હોવાથી મને પોસાતું પણ નથી કોઇના ઘરે ‘ભરેલે’ હાથે જવાનું. તમે કાંઇ પણ લઇ જાઓ, એ મિનિમમ રૂ. ૨૦૦-૩૦૦થી ઓછું તો હોવાનું નથી! જ્યાં જઇએ ત્યાં દર વખતે આવા ૨૦૦-૩૦૦ ના પોસાય, ભ’ઇ... અમારામાં તો બા ખીજાય! એ લોકોએ પણ નાસ્તા-પાણી બનાવ્યા હોય છતાં આપણે કાંઇક ને કાંઇક લઇ શું કામ જવાનું? ઓહ.. કદાચ એ લોકોના ઘરમાં ખૂટી પડે, એવો આપણને ડર હોય...? કદાચ, એમને ઘેર આપણો નાસ્તો આપણે જ લઇ જવાની સીસ્ટમ હોય તો? કદાચ દર વખતની જેમ, એમના ઘરનું બનાવેલું આપણા મ્હોમાં ય પેસે નહિ એવું હોય તો? કે પછી સારા નાસ્તા-પાણી કોને કહેવાય, એ બતાવી આપવા આપણે કંઇક સાથે લેતા જતા હોઇશું? 

.... તારી ભલી થાય ચમના... ત્યાં તું નાસ્તા-પાણી ઉડાડવા નથી જતો... મળવા બે ઘડી હળવા જાય છે, પછી શેના આ બધા ફતૂર માંડયા છે..? પંખો ચાલુ કર ચમના..! 

ઇન ફેક્ટ, ‘ખાલી હાથ’ નહિ જવાનું કારણ એ નથી કે, શિરસ્તો છે માટે લઇ જવું પડે... મનમાં ડર એ હોય છે કે, એ લોકોએ આટલું બઘું બનાવ્યું છે, એટલે સામું આપણે પણ કંઇક ‘વાળી આપવું જોઇએ’’.. હાં, યે બાત હૈ..! અમે તમારૂં ખાઇને બેસી રહીએ એવા નથી.. કે પછી, ‘‘અમે કાંઇ ભૂખાવડાઓ નથી..!’’ એવો ડર પણ બધાના નહિ તો ઘણાના મનમાં હોય છે. ગુજરાતીઓને ખર્ચાનો કે બગાડનો કોઇ વાંધો હોતો નથી. પણ સામસામું બતાઇ આપવાના ઝનૂનો બધાને ઉપડતા હોય છે. ‘આપણે એ લોકોને ત્યાં જમી આયા... હવે સાલાઓને આવવા દો આપણે ઘેર... બઘ્ઘું બતાઇ દેવું છે કે, અમે ય કોઇ ગેંગેં-પેંપે નથી.. અમારા ઘરમાં ય સેવન-કોર્સ ડિનર હોય છે...!’ 

લો કલ્લો બાત...! એક બાજુ સૅવન-કોર્સ ડિનર જમવા જતા હોઇએ ને બીજી બાજુ, સાથે ૨૦૦-૪૦૦ની ગિફ્‌ટ પણ લેતા જવાનું! હું ક્યારેય કોઇના ઘેર આવી કોઇ ગિફ્‌ટ લઇને જતો નથી, જેને જે માનવું હોય તે માને... અફ કોર્સ, મને પણ મારા ઘરે આવતું કોઇ ગિફ્‌ટ લાવે, એ પસંદ ન જ હોય... 

...ને તો ય, એક વાચક બહુ ખુશ થઇને મારા માટે ગિફ્‌ટમાં જીવતેજીવતો ઘોડો લઇને આવ્યા. મારા હાથમાં ઘોડાની ગિફ્‌ટ પેક કરેલી લગામ પકડાવતા બોલ્યા, ‘‘સાવ ખાલી હાથે તો તમારે ત્યાં ન અવાય ને?’’ 

મારી નોકરી બરોબર નહિ ચાલતી હોય ને જરૂર પડે તો શહેરમાં હું ઘોડાગાડી ફેરવીને પેટીયું રળી શકું, એવો કોઇ પવિત્ર હેતુ તો એમનો ન લાગ્યો. દેખાવ ઉપરથી એમણે મને શહેનશાહ અશોક ધારી લીધો હોય એવું મને જોયા પછી બનવા જોગ નથી. ઇતિહાસમાં મારા ૩૯ માર્કસ આવ્યા હતા, એટલે મને મારા પૂરતા ઇતિહાસમાંથી હું એટલું જ શીખ્યો હતો કે ઘોડા ઉપર શહેનશાહો શોભે. મને નજરે જોનારાઓ જાણે છે કે, હું ઘોડા ઉપર તો જાવા દિયો... હિંચકે બેઠેલો ય શોભતો નથી. 

ના-ના કરવા છતાં ગિફ્‌ટનો ઘોડો સ્વીકારવો તો પડયો, તો પણ સવાલ એ ઊભો થયો કે, એને અમારા ચોથે માળે કેવી રીતે લઇ જવો? તાસિર દરેક ઘરની કોઇ નવી વસ્તુ આવે, એટલે જોવાનું બધાને મન થાય. પણ પ્રેક્ટીકલી, ઘોડો કે BMW કાર પણ લીધી હોય, એને ચોથા માળે લઇ ન જવાય... લોકો વાતો કરે! ફ્‌લેટોમાં લોખંડના કબાટો ચઢાવવાના આવે છે, ત્યારે, મજૂરીયાઓ દોરડા બાંધીને બાલ્કની-માર્ગે સિધાવે છે.. આઇ મીન.. ફ્‌લેટની બહારથી બાલ્કનીના રસ્તે દોરડા વડે કબાટને ખેંચીને ઉપર લાવે છે. પણ એમ કાંઇ થોડો ઘોડાને પણ ચારે બાજુથી મુશ્કેટાટ બાંધીને ઉપર ખેંચી લેવાય છે? બીજો સવાલ મારી આખી સોસાયટીને થયો કે, બીજું બઘું તો ઠીક છે, પણ અશોક દવે આ ઘોડો ‘પાર્ક’ ક્યાં કરશે? મને આવો સવાલ ન થયો કારણ કે હું તો મારી ગાડી પણ પાર્કિંગને તબેલો માનીને ગમે ત્યાં પાર્ક કરી દેતો હોઉં છું. (સ્પષ્ટતાઃ ‘ગાડી’ એટલે ઘોડાગાડી નહિ, કાર સમજવાની છે.. સ્પષ્ટતા પૂરી) ફ્‌લેટવાળા તો બધાનો નકરો વિરોધ જ કે, તમે હાથી લાવો કે ઘોડા-ગધેડા લાવો; પાર્કિંગમાં પોદળાં નહિ પાડવા દઇએ, ઘાસના ઢગલે ઢગલા નહિ જોઇએ, અડધી રાત્રે ઘોડા હણહણવા નહિ જોઇએ અને ચોથી શરત તો ભયાનક હતી.. ઘોડાની સાથે ઘોડી લાવવા નહિ દઇએ...! 

હું ય માણસ છું અને મારા ય કેટલાક સપનાં હોઇ શકે છે. પેટ્રોલના આ મોંઘાદાટ જમાનામાં ગાડીને બદલે હું ઘોડો વાપરૂં તો ઓફિસે ઘોડા ઉપર બેસીને જતો હોઉં, ટ્રાફિકના રેડ-સિગ્નલ વખતે શિસ્તબદ્ધ રીતે ઊભો રહી જાઉં, રોંગ-પાર્કિંગમાં એકાદ-બે વખત મારૂં અને ઘોડાનું નામ લખાય, થોડા પૈસા કમાઉં, તો ઘોડાનો ય ડ્રાયવર રાખું, એના મ્હોં પાસે મારા હાથમાં ઘાસનો પૂળો પકડીને ફોટા પડાવું... (આમ પાછો કોકની સાથે ઊભા રહીને ફોટા પડાવું ત્યારે સારા આવે છે!... મારા એકલાના ફોટા સારા નથી આવતા!) 

ગિફ્‌ટમાં ઘોડો આપનારની નિષ્ઠા પ્રત્યે મને ડાઉટ પડયો કે, સાલાએ કોઇ જૂની દાઝો કાઢવા તો મને ઘોડો નહિ આપ્યો હોય ને? ગાય હોય તો દૂધો ય દોહીને પીવાય. મને નોલેજ છે ત્યાં સુધી ઘોડાઓ દૂધ નથી આલતા. પોપટ ગીફ્‌ટમાં આપ્યો હોય તો ઘરમાં કોઇ તો ‘રામરામ’ બોલે! ગિફ્‌ટમાં આવેલો કૂતરો મને ગમે ખરો પણ કહે છે કે, દર અઠવાડિયે એને બ્રિડિંગ કરાવવા કોકને ત્યાં લઇ જવો પડે.... અહીં આપણા જીવો બળે! આપણે ઘરમાં થૂઇ-થપ્પા રમવાના ને ઘોડાને સ્પેશિયલી બહાર લઇ જવાનો?... કોઇ પંખો ચાલુ કરો! એક દોસ્તે મને મસમોટુ વૉલ-પેન્ટીંગ ગિફ્‌ટમાં આપ્યું, એમાં અમારૂં આખુ ફેમિલી ટેન્શનમાં આવી ગયું કે, એ કૃતિ લટકાવવા માટે ભીંત ક્યાંથી લાવવી? આ લોકો ગિફ્‌ટમાં પેઇન્ટિંગોની સાથે ભીંતો નથી આલતા હોતા, એમાં બા ખીજાય કે નહિ? ખાસ પેઇન્ટિંગ મૂકવા માટે અમારે ઘરની બહાર એક ભીંત ચણાવવી પડી... એમ કાંઇ મોંઘા ભાવની ગિફ્‌ટો માળીયે મૂકી દેવાય છે કાંઇ? 

એ તો ત્રણ મહિના પછી એમનો (ગિફ્‌ટમાં ઘોડો આપનારનો) અકળાઇને ફોન આવ્યો ત્યારે ખબર પડી કે લોચો મરાઇ ગયો છે.. મેં વળી જાતના ખર્ચે ટ્રક ભાડે કરીને વૌઠાના મેળામાં એ ઘોડો હજાર રૂપિયામાં વેચી નાંખ્યો, એની એમને ખબર પડી એટલે ગિન્નાયા કે, ‘‘આઠ લાખનો ઘોડો તમને ગિફ્‌ટમાં આપ્યો હતો, એ તમે હજાર રૂપરડીમાં વેચી નાંખ્યો, એ તો હું ચલાવી લઇશ.. પણ.. પણ.. દવે સાહેબ, વૌઠામાં ગધેડાનો મેળો ભરાય છે, ઘોડાઓનો નહિ, એટલી ય તમને ખબર નથી પડતી???’’ 

(એ તો અકળાઇ-અકળાઇને મારા ઓળખિતાઓને ખાનગીમાં કહેતા હતા કે, ‘‘વૌઠાનો બીજો મેળો આવવા દો...બારોબાર અશોક દવેનો સોદો કરી ન નાખું તો મને ફટ્ટ કહેજો..! જેને ઘોડા-ગધેડામાં ય ખબર પડતી ન હોય એને તો...’’)

સિક્સર
I can not, but laughનો ગુજરાતી અનુવાદ શું થાય?