Search This Blog

Showing posts with label madhu bala. Show all posts
Showing posts with label madhu bala. Show all posts

09/12/2016

મુગલ-એ-આઝમ ભાગ-૨.



(ગયા અંકથી ચાલુ)
વાર્તા મુજબ  : શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબરને એમના પછી હિંદુસ્તાન ઉપર હુકુમત ચલાવવા એક પુત્રની જરૂર હતી, જે ન હોવાથી એ ઉઘાડા પગે ચાલતા હઝરત શેખ સલિમુદ્દીન ચિશ્તીની દરગાહ પર મન્નત માંગવા જાય છે. ફિલ્મનો આટલો મોટો અને સન્માન્નીય હીરો હોવા છતાં પૃથ્વીરાજ કપૂરને ઉનાળાની બપોરના ધગધગતા રણમાં ખુલ્લા પગે ચાલવાનું હોવાથી એમના પગ દાઝી જતા અને પગે ફોડલાં પડી જતા હતા. આવા મહાન કલાકારનો જુસ્સો ભાંગી ન પડે, એ માટે કે.આસિફ પણ એમની સાથે સાથે (કૅમેરાની ફ્રેઇમની બહાર) ઉઘાડા પગે ચાલ્યા હતા.

એક દાસી (જીલ્લોબાઇ) એમને સારા સમાચાર આપે છે, એના બદલામાં ખુશ થઇને અકબરે જીંદગીમાં એક વાર એ જે માંગશે, તે આપવામાં આવશે-નું વચન આપે છે. હિંદુસ્તાનના તખ્ત પર રાજ કરનાર પુત્ર શક્તિશાળી હોવો જોઇએ, એ ધોરણે અકબર એના આ કુચ્છંદે ચઢી ગયેલા પુત્ર સલિમને હિમ્મત અને શિસ્ત શીખવવા યુધ્ધમાં મોકલે છે. ૧૪ વર્ષ પછી સલિમ નશામાં ધૂર્ત અને સ્વચ્છંદી બનીને પાછો આવે છે, ત્યારે એનું સ્વાગત શાહી થાય છે. સલિમ શાહીદરબારની નૃત્યાંગના નાદિરાને જોઈને મોહી પડે છે. બન્ને પ્રેમમાં પડે છે, એનાથી અજાણ અકબર નાદિરાને 'અનારકલી'નો ખિતાબ અતા કરે છે.

નાદિરાનું નામ અનારકલી (દાડમની કલી) રાખવામાં આવે છે. પણ રાજદરબારની સીનિયર ડાન્સર 'બહાર' (નિગાર સુલતાના) આ બન્નેને પ્રેમ કરતા જોઈ જાય છે અને અકબરના કાન ભંભેરે છે, જેથી અનારકલીને મૌત અને પોતાને હિંદુસ્તાનની મલિકા બનવા મળે. અકબરને જાણ થતા એ અનારકલીની ધરપકડ કરાવે છે, જેથી ઘૂંઘવાયેલો સલિમ પિતા સામે યુધ્ધ છેડે છે અને હારી જાય છે.

અકબર એની સજાના બદલામાં એ વખતે સંતાડી રાખેલી અનારકલીને સોંપી દેવા અને પોતાનો છુટકારો મેળવવાની સ્કીમ જાહેર કરે છે. અનારકલી સલિમને બચાવવા જાતે જ શહેનશાહ પાસે પકડાઈ જાય છે, જેને જીવતી દિવાલમાં ચણાવી દેવાની સજા મળે છે. મૂળ વાર્તામાં નાટકીય ફેરફાર કરીને ફિલ્મનો સુખદ અંત લાવવા આ ફિલ્મમાં અનારકલીને જેલમાંથી ભૂગર્ભ રસ્તે સદા ય ને માટે દેશની બહાર ઇરાન મોકલી દેવામાં આવે છે, જેની બેહાશ બનાવવામાં આવેલા સલિમને કદી જાણ થતી નથી.

આ રીતે અકબરી-ઇન્સાફ અને વર્ષો પહેલા અનારકલીની માં ને આપેલા વચનને પૂરૂં કરવાની અકબરી-નેમ પણ જળવાઈ રહે છે. સાહિત્યના શોખિનો નહિ, જાણકારો માટે ફિલ્મનો સાચો હીરો ગીતકાર શકીલ બદાયૂની છે. મને જે કાંઈ સમજ પડે છે, એ ઉપરથી હું એમ કહી શકું છું કે,

હિંદી ફિલ્મોમાં પરફૅક્ટ શાયરો માત્ર બે જ. પહેલે નંબરે સાહિર લુધિયાનવી અને બીજે શકીલ બદાયૂની. શકીલ 'ફિલ્મી' ગીતો આબાદ લખી શક્તા. ફિલ્મી એટલે સાર્વત્રિક ચાલે એવા નહિ, જે તે ફિલ્મની વાર્તા સાથે સંકળાઈ શકે, એ ફિલ્મી. એમાં ય આ ફિલ્મમાં તો મોટી કમાલો કરી છે. 'અંજામ-એ-મુહબ્બત ક્યા કહીએ, લય બઢને લગી અરમાનોં કી...' ઉત્તર પ્રદેશના બદાયૂનમાં તા. ૩ ઓગસ્ટ, ૧૯૧૩માં જન્મેલા શકીલ મોટા ભાગના શાયરોની જેમ નિશાળના ઠોઠીયા કે અભણ નહોતા... બાકાયદા ગ્રૅજ્યુએટ હતા.

એમના વાલિદ (પિતા) મૌલાના હોવાથી શકીલને ઉર્દુ, ફારસી અને અરબીનું પૂરતું જ્ઞાન હતું પણ એથી ય વધુ પોતાના રાજ્ય યુ.પી.ની દેશી બોલીઓ ભોજપુરી, પૂરબી, મગધી અને અવધી ઉપર એમનો મીઠડો કાબુ હતો. ફિલ્મ 'ગંગા-જમુના'નું 'નૈન લડજઇ હૈ તો મનવામાં કસક હુઇ બેકરી' પૂરબી ભાષનું હતું.

નૌશાદ અને એ.આર.કારદારે શકીલને એક મુશાયરામાં સાંભળીને પોતાની ફિલ્મો માટે પસંદ કરી લીધા, એમાં ટુનટુન (ઉમાદેવી) અને શકીલનો પ્રારંભ ફિલ્મ 'દર્દ'ના 'અફસાના લિખ રહી હૂં, દિલે બેકરાર કા...'થી થયો. મુંબઇમાં ૨૦ ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ ગુજરી ગયેલા શકીલ બદાયૂનીએ નૌશાદ ઉપરાંત સચિનદેવ બર્મન, રવિ, સરદાર મલિક, સી. રામચંદ્ર, ગુલામ મુહમ્મદ, અલ્લારખા કુરેશી અને હેમંતકુમાર ઉપરાંત થોડા સંગીતકારો માટે ગીતો લખ્યા છે.

અલબત્ત, 'મુગલ-એ-આઝમ'માં શકીલે લખેલા તમામ ગીતોમાં ચમત્કૃતિઓ આવે રાખે છે. 'ઐસે મેં જો પાયલ તૂટ ગઈ ફિર અય મેરે હમદમ ક્યા હોગા ?', 'હૈ વક્તે-રૂખ્સત ગલે લગા લો, ખતાએં ભી આજ બખ્શ ડાલો, બિછડનેવાલા કા દિલ ન તોડો, જરા મુહબ્બત સે કામ લેલો', 'જીયે તો મગર ઝીંદગાની પે રોયે', 'હૈ વક્તે-મદદ આઇય બિગડી કો બના લે, પોશિદા નહિ આપ સે ઇસ દિલ કે ફસાને, ઝખ્મોં સે ભરા હૈ કિસી મજબુર કા સીના'... વાહ શકીલભાઇ... અદબ સાથે સલામ ! (પોશિદા એટલે 'જાણ બહાર')

આ ગ્રેટ ફિલ્મ વિશેની નાનીનાની માહિતીઓ ઉપરે ય એક આખી ફિલ્મ બને એવું છે.

(
૧) મુંબઇના મરાઠા મંદિર (સિનેમાનું નામ છે, કોઈ જે-શી-ક્રસ્ણવાળા મંદિરનું નહિ !)માં તા. ૫ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ રોડ ઉપર મિનિમમ એક લાખની ભીડ વચ્ચે આ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો, ત્યારે ફિલ્મની પ્રિન્ટના ઍલ્યુમિનિયમના ગોળ ડબ્બા શણગારેલા હાથીની અંબાડી ઉપર મૂકીને બ્યુગલ અને શેહનાઇઓથી વાજતે-ગાજતે લાવવામાં આવ્યા હતા.

પ્રિમિયર શોના આમંત્રણો શાહી ફરમાન લાગે એવા (સ્ક્રોલ) ગોળ પિંડલા વાળેલા અને ઉર્દુમાં લખેલા શાહી-ખતની જેમ મોકલવામાં આવ્યા હતા. સિનેમાનું ફોયર એટલે કે લોબી કોઈ મોગલ શહેનશાહના મહેલ જેવી દરબારી બનાવવામાં આવી હતી. મરાઠા મંદિરની બહાર પૃથ્વીરાજ કપૂરનું ૪૦ ફૂટ ઊંચું કટ-આઉટ પોસ્ટર મૂકવામાં આવ્યું હતું.

ફિલ્મમાં વપરાયેલ અસલી શીશમહલનો પૂરો સેટ અહીં સિનેમા સુધી લાવવામાં આવ્યો હતો જેથી ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો એ પણ જોઈ શકે. લગ્નો કરવામાં પણ મહારથ હાંસિલ કરનાર કે.આસિફે આ ફિલ્મ બનતી વેળા જ દિલીપ કુમારની સગી બહેન અખ્તર સાથે પ્રેમમાં પડી લગ્ન કરી લીધા હોવાથી દિલીપે એ બન્નેને માફ કર્યા નહોતા અને દિલીપ પ્રીમિયરમાં આવ્યો નહતો.

(
૨) એ જમાનામાં એક નવી ફિલ્મ રીલિઝ થાય, એટલે કોઈ ચોક્સ ટૅરીટરી (દા.ત. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના તમામ થીયેટરો)માં ફિલ્મ રીલિઝ કરવાના પ્રોડયુસરને ₹ ૩થી ૪ લાખ મળતા. 'મુગલે-આઝમ' માટે કે.આસિફે ડિસ્ટ્રિબ્યુટરો પાસે ₹ સાત લાખની જંગી રકમ માંગી... એ વાત તો ભૂલાઈ ગઈ અને આસિફને સાતને બદલે પૂરા સત્તર લાખ એકએક ટેરેટરીના મળ્યા. આટલી જંગી રકમ ત્યાં સુધીની કોઈ હિંદી ફિલ્મને મળી નહોતી.

(
૩) ફિલ્મ રિલિઝ થવાના આગલે દિવસે મરાઠા મંદિરની બહાર ઍડવાન્સ બુકિંગ માટે લગભગ એક લાખ લોકો આવી ગયા હતા. દરેક ટિકીટ મેળવનાર ભાગ્યશાળીને ટીકીટની સાથે ફિલ્મની ટેકસ્ટ, ફોટોગ્રાફ્સ અને નાની મોટી માહિતીઓનું એક ડોકેટ ભેટ આપવામાં આવ્યું હતું.

(
૪) 'મુગલ-એ-આઝમ' પછી કે પહેલાની બીજી કોઈ પણ ફિલ્મ કરતા આ ફિલ્મની કમાણી અથવા સૌથી વધુ ચાલવાનો રૅકોર્ડ ધરાવે છે. અંગ્રેજી અખબાર 'ધી હિંદુ'ના જણાવ્યા મુજબ, હાલના મલ્ટિપ્લૅક્સ થીયેટરોની ટિકીટોના મનગમતા ભાવ પછી ફિલ્મો ૧૦૦-કરોડ કે ૩૦૦ કરોડ કરે અને એક સાથે શહેરના ૪૦-૫૦ થીયેટરોમાં રીલિઝ થાય,

તો બન્ને સમયની સરખામણીમાં હજી પણ 'મુગલ-એ-આઝમ'ને કોઈ ફિલ્મ હંફાવી શકી નથી. મલ્ટિપ્લૅક્સ થીયેટરવાળાઓને ખુદ સરકારે જ ઑફિશિયલ 'બ્લેક' કરવાની છુટ આપી છે ! બન્ને સમયની વસ્તી, રિલીઝ થયેલા થીયેટરોની સંખ્યા તથા ફૂગાવા વગેરેના ગુણાંકો સરખાવ્યા પછી આ ફિલ્મને કોઈ પાછળ રાખી શક્યું નથી.

(
૫) ફિલ્મને કલર બનાવવાનું નક્કી થયું, ત્યારે સાઉન્ડટ્રૅકને પણ નવેસરથી બનાવવામાં આવ્યો, જેમાં ગાયકોના કંઠ એના એ જ રાખીને સંગીતકારો પાસે લાઈવ ઓરકેસ્ટ્રા ફરી વગાડીને ડૉલ્બી-સાઉન્ડમાં રૅકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.

(
૬) વિખ્યાત ઇતિહાસશાસ્ત્રી ઍલેક્સ વોન ટ્રન્ઝલમૅનના લખવા મુજબ, અસલી સલિમ ૧૮ વર્ષની ઉંમરે ચિક્કાર દારૂડીયો હતો અને અફીણ વિના એને ચાલતુ નહિ. ફિલ્મમાં બતાવ્યા મુજબનો સલિમ રોમેન્ટિક નહિ, પણ પોતાના માણસો મરી જાય ત્યાં સુધી મારીને એમના ઉપર ઢોરજુલમ આચરતો. સલિમે તેના પિતાને પણ નહોતા છોડયા અને એમને ઉથલાવવા અકબરના દોસ્ત અબુ-અલ-ફઝલને મારી નંખાવ્યો હતો.

(
૭) વાસ્તવમાં અનારકલી નામની કોઈ વ્યક્તિ પેદા થઇ હતી કે કેમ, એ મોટો કોયડો છે. શેહજાદા સલિમમાંથી શહેનશાહ બનેલા જહાંગિરે પાકિસ્તાનના લાહૌરમાં અનારકલીના નામની એક કબર ઇ.સ. ૧૬૧૫માં ચણાવી છે, જેની ઉપર પોતાના પ્રેમનો સંદેશો પર્શિયનમાં લખ્યો છે કે, 'મારી પ્રેમાળ પત્નીનો ચેહરો હું એકવાર મારી હથેળીમાં લઇ શકું તો કયામત સુધી હું અલ્લાહનો આભારી રહીશ.'

૧૮મી સદીના ઇતિહાસકાર અબ્દુલ્લા ચુગતાઇએ લખ્યા મુજબ, આ કબર અનારકલીની હતી જ નહિ, પણ જહાંગિરની પ્રેમાળ પત્ની સાહિબ-એ-જમાલ બેગમની હતી. ઇતિહાસકાર ઇમ્તિયાઝઅલી 'તાજ'ના જણાવ્યા મુજબ, અનારકલી અકબરની એક બાંદી હતી, જેને રખાત વધુ કહેવાય. એ અનારકલીને સલિમ સાથે આંખ મીંચકારતા અકબર જોઈ ગયેલા, એમાં એને જીવતી ચણાવી દેવાનો હુક્મ આપ્યો હતો.

(
૮) જોધાબાઈ જન્માષ્ટમીએ બાળકૃષ્ણને હિંચકો નાંખે છે, એ મૂર્તિ શુધ્ધ સોનાની હતી. બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મમાં માટીની મૂર્તિ મૂકી શકાઈ હોત, પણ આસિફના કહેવા મુજબ, દુર્ગા ખોટે હિંદુ હોવાથી ઝૂલો ઝુલાવતી વખતે શુધ્ધ સોનાની મૂર્તિ જોઇને એમને ભાવ પણ એવા જ માતૃતુલ્ય આવે. એક દ્રષ્યમાં ફ્લોર પર મૂકેલા કેમેરામાં સામે વિરાટ દરવાજામાંથી સલિમ ચાલતો આવે છે, એમાં આસિફે જીદ કરીને સલિમની મોજડી એ જમાનામાં (આજની કિંમતે ગણીએ તો) ₹ એક લાખની મોજડી પહેરી હતી. નૌશાદ અને ખુદ દિલીપ કુમારે હસી પડીને પૂછ્યું, 'આ તો નકરૂં પાગલપન છે.

કેમેરામાં ક્યાં આટલી મોંઘી મોજડી દેખાવાની છે ? આસિફે જવાબ પણ શહેનશાહને છાજે એવો આપ્યો હતો કે, 'યુસુફ (દિલીપ) આટલી મોંઘી મોજડી પહેરશે, તો સલિમ બનશે ને ? આવી મોજડી પહેર્યા પછી એની ચાલમાં શેહજાદો દેખાશે... નહિ તો યુસુફને સ્લિપર પહેરાવી જુઓ અને પછી એની ચાલ કેવી આવશે, એ જુઓ !''

મૂળ ફિલ્મમાં સલિમે એ જ મોંઘી મોજડી પહેરી છે, જે આપણે જોવા ઇચ્છીએ તો ય એની કિંમત સમજાય એમ નથી ! યુધ્ધ ભૂમિ પર સફળતાના ઝંડા ગાડીને શેહજાદો સલીમ ૧૪ વર્ષે પાછો આવે છે, એના પૂરબહાર ઉમંગમાં માતા જોધાબાઈ ખુશીઓથી મહેલમાં મોતીઓ લૂટાવે છે, એ મોતીઓ કોઈ કાચના નકરા ટુકડાં નહોતા... 'સાચા મોતી' હતા. આસિફનું કહેવું હતું, રાજમહલની સંગેમરમરની ફર્શ પર જે અવાજ સાચા મોતીઓ વેરાવાનો આવે, તે કાચના ટુકડાઓમાં ન આવે.

(
૧૦) કૈદખાનાની જંઝીરોથી જકડાયેલી અનારકલીને આસિફે અસલી લોખંડી વજનદાર સાંકળો પહેરાવી હતી, વાસ્તવિક્તા લાવવા ! હૃદયમાં કાણું હોવાથી અમથી ય બિમાર મધુબાલા માટે આટલું વજન શૂટિંગમાં રોજેરોજ ઉચકવું વસમું હતું ને તો ય એણે કોઈ ફરિયાદ નહોતી કરી.

(
૧૧) કરીમુદ્દીન આસિફ મુંબઇના ભીંડી બજારની ફુટપાથ ઉપર કોહવાયેલા લાકડાના પાટીયાંની બનેલી લારી જેવી દુકાનમાં દરજીનો ધંધો કરતો હતો, એ દરમ્યાન (આમ તો ખાસ કાંઈ ભણેલો ન હોવા છતાં) એના વાંચવામાં ઇતિહાસકાર ઇમ્યિયાઝઅલી 'તાજ' લિખિત 'મુગલે-એ-આઝમ' પરનું 'નાટક' વાંચવામાં આવ્યું. વાત હશે ૧૯૪૨-ની ! અને તરત જ એના ઉપર ફિલ્મ બનાવવાનો નિર્ણય લઇ લીધો. અલબત્ત, આ જ વખતે એણે પૃથ્વીરાજ કપૂર, સુરૈયા અને દુર્ગા ખોટેને લઇને ખૂબ સફળ ફિલ્મ 'ફૂલ' બનાવી દીધી હતી.

'
મુગલે-એ-આઝમ' બનાવવા માટે અનારકલી તરીકે નરગીસ અને શહેનશાહ અકબર તરીકે દીપડાં જેવી ખૂંખાર પણ ચમકતી આંખોવાળા ચંદ્રમોહનને પસંદ કરી લીધો હતો. શેહજાદા સલિમનો રોલ સપ્રૂને અપાયો હતો. આ દરમ્યાન ચંદ્રમોહનનું અવસાન થઇ જતા આસિફે આ પ્રોજેક્ટ અભેરાઇએ ચઢાવી દીધો અને નવરા બેસી રહેવું ન પડે એ માટે દિલીપકુમાર અને મધુબાલાને લઇને એણે ફિલ્મ 'હલચલ' બનાવી, જેનો પેલો ફેમસ કિસ્સો બધાને મોંઢે છે કે, દરેક વાતમાં પોતાની હુકુમત ચલાવવા કુખ્યાત બનેલા દિલીપ કુમારે અહીં પણ માથાફરેલ પરંતુ યશસ્વી સંગીતકાર સજ્જાદ હુસેનની ધૂનમાં બે-ત્રણ વખત ફેરફારો કરવાના સૂચનો કર્યા.

(
દિલીપ કરે એ સૂચન ન હોય, હૂક્મ હોય !) અકળાયેલા સજ્જાદે બધાની વચ્ચે સંભળાવી દીધું, 'યુસુફ, હું તને ઍક્ટિંગ શીખવવા આવું ત્યારે તું મને સંગીત શીખવવા આવજે... ત્યાં સુધી મારા કામમાં ટાંગ અડાડીશ નહિ !' સમસમી ગયેલા દિલીપકુમારે ફરિયાદ સીધી કે.આસિફને કરી, જેણે ચોખ્ખો જવાબ આપ્યો, 'એની વાત તો સાચી જ છે ને ? એ તારા કામમાં ક્યાં માથું મારવા આવે છે ?' ગીન્નાયેલા દિલીપે સીધી ફિલ્મ છોડી દેવાની ધમકી આપી. કે.આસિફે નવા કોઈ હાવભાવ લાવ્યા વિના કહી દીધું, 'તારી મરજી.' ફિર ક્યા...? દિલીપે પોતાની મરજી છુપાવી દીધી.

(
૧૨) ૧૯૬૦માં રીલિઝ થયેલી આ ફિલ્મનું પહેલું શૂટિંગ ૧૯૪૬માં શરૂ થઇ ગયું હતું, પણ સંજોગો ઉપરાંત આસિફની કામ કરવાની મંથર ગતિને કારણે ફિલ્મ નિર્માણ આટલું લાંબુ ચાલ્યું. એ દરમ્યાન વાસ્તવિક જીવનમાં મધુબાલા-દિલીપકુમાર વચ્ચેનો પ્રેમ અને કાયમી તિરાડ શામેલ હતા. મોટા ભાગના શૂટિંગ દરમ્યાન મધુ-દિલીપ વચ્ચે બોલવાના સંબંધો રહ્યા નહોતા.

(
૧૩) અત્યારે દેશના ઔદ્યોગિક ફલક ઉપર રતન તાતા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે કૉલ્ડ-વૉર ચાલી રહી છે, તે સાયરસ શાપુરજી પેલોનજી મિસ્ત્રીનો સુપુત્ર થાય. અલબત્ત, જરા મૂંઝવણમાં પડી જવાય એવી વાત એ છે કે, એક બાજુ ૧૯૬૦માં રીલિઝ થયેલી ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ને ₹ ૧.૫ કરોડનું ફાયનાન્સ શાપુરજી પેલોનજીએ કર્યું હતું અને અત્યારે ઠેઠ ઇ.સ. ૨૦૧૬ની સાલમાં ય નામ તો શાપુરજી પેલોનજીનું જ વંચાયા કરે છે, તો શું એ '૬૦-વાળા શાપુરજી (એ વખતે મિનિમમ ૨૫ વર્ષની ઉંમરના ગણીએ તો) અત્યારે હયાત છે ? સૉરી... નો ! ઇન ફૅક્ટ, એ વખતના શાપુરજી અને આજના શાપુરજી વચ્ચે પોતા-દાદાનો સંબંધ છે - નામ ભલે બન્નેના શાપુરજી રહ્યા !

(
૧૪) અનારકલીનો કિરદાર અગાઉ સુરૈયાને સોંપાયો હતો, પણ મધુબાલાને ત્યાં સુધી કોઈ અર્થપૂર્ણ રોલ મળ્યો ન હોવાથી, યેનકેન પ્રકારેણ આસિફને સમજાવીને એ રોલ પોતે લીધો. એવી જ રીતે, નાના સલિમનો રોલ ધી ગ્રેટ તબલાંનવાઝ ઉસ્તાદ ઝાકીર હુસેનને સોંપાયો હતો, જે કોઈ કારણવશ કોમેડિયન આગાના મરહૂમ પુત્ર જલાલ આગાને આપી દેવાયો હતો. જ્હોની વૉકરનો નગણ્ય રોલ આ ફિલ્મમાં એક પાવૈયાનો છે, જે માંડ આઠ-દસ સેકંડ માટે પરદા ઉપર આવે છે.

(
૧૫) હૉલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મો 'એ બ્રિજ ઓન ધ રિવર ક્વાઇ', 'ડો. ઝીવાગો', અને 'લૉરેન્સ ઓફ અરેબીયા' જેવી સુંદર ફિલ્મો બનાવનાર સર ડૅવિડ લિને મુંબઇમાં 'મુગલ-એ-આઝમ'ના સૅટની મુલાકાત લીધી, ત્યારે શીશમહલનો સૅટ બનાવવો શક્ય જ નથી, એવું કહી દીધું હતું,

બૅલ્જીયમના કાચ પરથી ફિરોઝાબાદના કારીગરોએ બનાવેલા આ સેટમાં લાઇટના રીફ્લૅકશન્સ આવી જતા હતા, પણ ફિલ્મના સિનેમેટોગ્રાફર આર.ડી.માથુરે કાચ ઉપર મીણ ચોપડીને  એ 'ગ્લેર' ઓછા કરી દઇને શૂટિંગ ખૂબ સફળતાથી કરાવ્યું હતું.

(
૧૬) મૂળ ફિલ્મ ૫ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ અને પ્રોસેસ કરેલું એનું રંગીન વર્ઝન ૧૨ નવેમ્બર, ૨૦૦૪ના રોજ રીલિઝ થયું હતું. નવાઇ નહિ પણ આઘાતની વાત છે કે, ફિલ્મ રંગીન થયા પછી માર્કેટમાં આ જ ફિલ્મની બ્લૅક-એન્ડ-વ્હાઇટ ડીવીડી ભાગ્યે જ મળે છે અને જે મળે છે તે બાકીની તમામ ડીવીડીઓ કરતા ચાર-પાંચ ગણા ભાવે વેચાય છે. અફ કોર્સ, ફિલ્મ જોવાનો અસલી મજો તો કાળાધોળામાં જ આવે છે.

(
૧૭) આખેઆખી બ્લૅક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ રંગીન બનાવવામાં આવી હોય, એ વિશ્વનો આ સૌથી પહેલો કિસ્સો હતો.

અગાઉ હૉલીવૂડની ફિલ્મો રંગીન બની હતી, પણ એ હોમ-વીડિયો પૂરતી જ !
(ત્રીજો ભાગ આવતા અંકે)

19/09/2015

'મહેલોં કે ખ્વાબ' ('૬૦)

કિશોરકુમાર સાથે પ્રદીપકુમાર...? ટુલીપના ફૂલ સાથે તેલનું પૂમડું...??

ફિલ્મ : 'મહેલોં કે ખ્વાબ' ('૬૦)
નિર્માતા : મધુબાલા
દિગ્દર્શક : મુહાફિઝ હૈદર
સંગીત : એસ. મોહિંદર
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
થીયેટર : ખબર નથી
કલાકારો : મધુબાલા, કિશોરકુમાર, પ્રદીપકુમાર, ચંચલ, પ્રાણ, કે.એન. સિંઘ, સુલોચના ચેટર્જી, લીલા ચીટણીસ, રામ અવતાર, ખટાના, બાલમ, રાશિદ ખાન, પરવિન પૉલ, હારૂન રવિકાંત, ઉમા દત્ત, સતીષ બત્રા, અનુપ શર્મા, કક્કુ અને ઓમપ્રકાશ.

ગીતો
૧. ઈસ દુનિયા મેં સબ સે અચ્છી ચીજ હૈ ક્યા ? આશા-ગીતા દત્ત
૨. યે હૈ જીવન કી રેલ, છક પક છક પક કિશોરકુમાર
૩. ગર તુમ બુરા ન માનો તો મૈં તુમ સે પ્યાર કરું આશા-સુબિર સેન
૪. પિયો પિયો, નજર પિલાતી હૈ જીયો જીયો આશા ભોંસલે
૫. કમલા, રઝીયા યા મીસ મેરી, યા હો કિશોર-આશા-મહેન્દ્ર કપૂર
૬. લો જી બુઝ ગઈ બીજલી પ્યાર કી કિશોર કુમાર
૭. અય જાને જીગર, ઘુટઘુટ કે અગર રાતેં હો બશર કિશોર-આશા
ગીત ૧, ૨, ૩ : રાજા મેંહદીઅલીખાન : ૪, ૫, ૬ આનંદ બક્ષી અને ૭ રાહિલ ગોરખપુરી

મધુબાલા એવું નામ હતું કે એના મૃત્યુના આજે ૪૫ વર્ષ પછી ય એને કંઈ થઈ જાય તો છાતી આપણી ફાટી પડે ! એને તો 'કંઈ' થઈ ગયું હોવાના સમાચારે ય સાંભળવા ન ગમે. (જન્મ તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૩૩-દિલ્હી (વેલેન્ટાઈન્સ ડે) અને મૃત્યુ તા. ૨૩ ફેબુ્રઆરી, ૧૯૬૯-મુંબઈ) મને દરેક વાચક માટે આજે ય માન છે કે, બધા જ મધુને અદબપૂર્વક 'મધુભાભી' કહીને બોલાવે છે...! આમ તો એનું સાચું નામ 'મુમતાઝજહાન બેગમ' હતું. મુમતાઝમાંથી એને 'મધુબાલા' નામ આપનાર નિર્માતા-નિર્દેષક કેદાર શર્મા હતા. ઘણા માને છે કે, ન્યુ થીયેટર્સની માલકીન દેવિકા રાણીએ આ નામ આપ્યું હતું. આપણે એ મામલામાં પડવું નથી. તમે બધા એને 'મધુભાભી' કહો છો, એ બરોબર છે. જય અંબે. પણ એ આ ફિલ્મ હતી, જેના શૂટિંગ વખતે એને અચાનક ચક્કર આવ્યા. પડી ગઈ. લોહીની ઊલટી થઈ. હૉસ્પિટલમાં દાખલ કરી પછી ખબર પડી કે એના હૃદયમાં કદી ન પૂરાય એવું કાણું જન્મથી હતું, જે એને બહુ વર્ષો જીવવા નહિ દે. આને પરિણામે, ફિલ્મના અનેક દ્રષ્યો મધુની બહેન ચંચલે એને બદલે આપ્યા છે. શૂટિંગ પૂરું કરવા આ રસ્તો બધા દિગ્દર્શકોને અપનાવવો પડતો હોય છે, કે કોઈ કલાકાર ચાલુ શૂટિંગે ગૂજરી જાય કે ફિલ્મ છોડીને જતો રહે, તો એના ડમીને દૂરના દ્રષ્યોમાં ઊભો રાખીને શૂટિંગ આટોપી લેવાય છે.

મધુબાલાનું ધગધગતું રૂપ એની આસમાની ઊંચાઈઓવાળી એક્ટિંગને ખાઈ ગયું. અભિનેત્રી તરીકે (હિરોઈન તો ખરી જ) એ ચોક્કસપણે નરગીસ, નૂતન કે વૈજ્યંતિમાલાની બરોબરીમાં ઊભી રહી શકે, પણ છોકરી માર ખાઈ ગઈ, એના પિતા અતાઉલ્લાહખાનની આવડત વગરની હુંશિયારીઓથી. પૈસાની લાલચે ડોહાએ આડેધડ અને ફાલતુ ફિલ્મો ય સાઈન કરાવે રાખી. નોબત ત્યાં સુધી આવી કે, એનું રૂપ અને અભિનય એક બાજુએ રહ્યો, પણ ફિલ્મો એવી ફ્લોપ જતી કે, મુંબઈના નિર્માતાઓ અને ઈવન, પ્રેક્ષકોમાં ય મધુબાલાની છાપ 'બોક્સ-ઓફિસ પોઈઝન'ની પડી ગઈ. એની ફિલ્મોમાં કાગડા ઊડતા હોય !

અફ કૉર્સ, આ ફિલ્મો 'મહેલોં કે ખ્વાબ'ની સ્ટારકાસ્ટ જલ્દી ગળે ઉતરે એવી લાગતી તો નથી. દિલીપકુમાર અને પ્રેમનાથથી છુટા પડયા પછી મધુબાલાનું ચક્કર એક સાથે પ્રદીપકુમાર, કિશોરકુમાર અને ભારત ભૂષણ સાથે ચાલતું હતું. શુદ્ધ ચરિત્રના મામલે મધુની જેમ આ ત્રણમાંથી એકેય સીધા નહોતા ને એ ત્રણેય જાણતા હતા કે, મધુ આપણને ત્રણેયને મામુ બનાવે છે. ત્રણેએ મધુપિતા અતાઉલ્લાહખાન પાસે ઓફિશીયલી માંગા નાખ્યા હતા. અતાઉલ્લાહને બસ, એક જ ધૂન ચઢી ગઈ હતી કે, મ્યુનિ.ના વર્ગ-૪ના કર્મચારી સાથે મધુને પરણાવીશ, પણ દિલીપકુમારને તો હરગીઝ નજીક નહિ આવવા દઉં. પેલી જીવલેણ બિમારીના ઓપરેશન માટે લંડન જતા પહેલા અતાઉલ્લાહે કિશોરને પૂછી પણ જોયું, ''તું જાણે છે, એ કદાચ પાછી ન પણ આવે... છતાં તારે એની સાથે લગ્ન કરવા હોય તો ઈસ્લામ કબુલી લે. મધુ તારી છે.'' ને કિશોર મુસલમાન બની ગયો. ફ્લાઈટ ઉપડતા પહેલા કિશોરે અતાઉલ્લાહને કીધેલી એક વાત બહુ ઢીલો પાડતી ગઈ, ''મારે મધુના શરીર સાથે નહિ, આત્મા સાથે લગ્ન કરવાના છે. એ પાછી ન આવે, તો પણ કહેવાશે તો મિસીસ કિશોરકુમાર...!'' એ વાત જુદી છે કે, કિશોરે નામનો જ ઈસ્લામ કબુલ કર્યો હતો, બાકી મધુ સાથેના લગ્ન પછી ય એ ચુસ્ત હિન્દુ બ્રાહ્મણ જ રહ્યો હતો.

એટલે નવાઈ નહિ, આંચકો લાગે કે મધુબાલા તો ઠીક છે. અતાઉલ્લાહે મધુના બંને પ્રેમીઓને એક જ ફિલ્મમાં ભેગા કયા ઈરાદાથી કર્યા હશે ? એ ત્રણેની બાઓ ય ખીજાઈ નહિ હોય ? ફિલ્મમાં સાથે એની બહેન ચંચલ પણ છે. મધુને કોઈ ૭-૮ બહેનો હતી ને બધી હિન્દુઓને પરણી. એકાદ અપવાદ બનતા સુધી છે. જોકે ફિલ્મના પોસ્ટરોમાં ઓમપ્રકાશ કે પ્રાણ છે... પ્રદીપકુમારને નીગ્લેક્ટ કરવામાં આવ્યો છે. મધુબાલાએ એના ફાધરની સાથે 'મધુબાલા પિક્ચર્સ (પ્રા) લિ.,'ના નામથી કંપની શરૂ કરી હતી અને ત્રણ ફિલ્મો ઉતારી હતી. પહેલી '૫૫-માં ફિલ્મ 'નાતા'. એમાં ય સંગીતકાર આ જ (એસ. મોહિંદર) રાખીને હીરો તરીકે રોતડા અભિ ભટ્ટાચાર્યને લીધો હતો. 'ઈસ બેવફા જહાં કા, દસ્તુર હૈ પુરાના...' ઉપરાંત લતાના મુહમ્મદ રફી વગેરે સાથે મળીને આઠેક ગીતો હતા, પણ સરદારજી કોઈ ધૂમ મચાવી શક્યા નહિ, છતાંય આ ફિલ્મમાં એમને રીપિટ કર્યા. કોઈ દમ નહિ. હા, ગીતો એવા સામાન્ય પણ નથી, પણ રેડિયો સીલોન કે વિવિધ ભારતીમાં ગીતો વગાડવા માટે 'ખાસ' શું કરવું જોઈએ, એની ખબર હોવા છતાં અતોઉલ્લો પઠ્ઠો જ નીકળ્યો. એટલે 'નાતા' અને આજની ફિલ્મ 'મહેલોં કે ખ્વાબ'ના ગીતો સારા હોવા છતાં ખુદ આપણે ય સાંભળ્યા નથી.

મધુબાલાએ પ્રોડયુસ કરેલી ત્રીજી ફિલ્મનો તો વર્લ્ડ-રેકોર્ડ છે. આ એક જ ફિલ્મ 'પઠાણ'માં ૯-સંગીતકારો ને સાત ગીતો ! ફકીર મુહમ્મદ, જીમ્મી, અસર, (લાલા અસર સત્તારમાંના એક) શમ્ભુ, દત્તરાજ, રાજભૂષણ, ડેવિડ, શ્યામબાબુ અને બ્રીજભૂષણ (જેની સાથે મધુબાલાની બહેને પરણીને હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો.) આ બધો ગરબડગોટાળો આપણને કાંઈ ખબર પડે એવો નથી કે, આ ફિલ્મ 'પઠાણ મા હિરોઈન તો આપણી મુમતાઝને લીધી હતી, પણ હીરો તરીકે મધુબાલાના ભૂ.પૂ. પ્રેમી (એટલે કે ભૂતપૂર્વ પ્રેમી) પ્રેમનાથને લીધો હતો.

કિશોરકુમાર માટે આપણને આપણી ઉપર દયા આવે કે, એક તો એ બહુ ઓછી ફિલ્મોમાં ગાતો અને એમાંય થોડાક અપવાદોને બાદ કરતા કોઈ સંગીતકાર એની પાસે એવું કામ લઈ ન શક્યો જે ચિરંજીવ રહે. સરદાર મોહિંદરસિંઘે (અટક 'સરના') આમ તો, ફિલ્મ 'શીરીં-ફરહાદ'માં લતા મંગેશકર પાસે ગવડાવેલું. 'ગૂઝરા હુઆ ઝમાના, આતા નહિ દુબારા, હાફીઝ ખુદા તુમ્હારા' (જે ગીત રસ્તામાં સાંભળીને ઝૂમી ઉઠેલી મધુબાલા એટલી હદે ખુશ થઈ ગઈ કે, ગાડી સીધી એસ. મોહિંદરના ઘરે લેવડાવી અને ત્યાં જ પોતાની ફિલ્મ 'નાતા'નું સંગીત આપી દીધું. એસ. મોહિંદરે રાજ કપૂર માટે મુહમ્મદ રફી પાસે પ્લેબેક અપાવીને ફિલ્મ 'પાપી'માં ગવડાવેલું 'તેરા કામ હૈ જલના પરવાને, ચાહે શમ્મા જલે યા ના જલે' સિવાય મૂકેશના ય ફક્ત પાગલ ચાહકોએ જ સાંભળ્યા હોય એવા સારા ખૂબ પ્રિય બે ગીતો ફિલ્મ 'જય ભવાની'માં ગવડાવ્યા હતા. એક સોલો, 'યહાઁ રાત કિસી કી રોતે કટે, યા ચૈન સે સોતે સોતે કટે' અને લતા સાથેનું ડયુએટ, 'શમા સે કોઈ કહે દે, કે તેરે રહેતે રહેતે, અંધેરા હો રહા...' (ફિલ્મના ગુજરાતી ક્રિશ્ચિયન હીરો મનહર દેસાઈ ઉપર આ ગીતો ફિલ્માયા હતા.) યસ. રહી પાસે કિશોરકુમાર જેવું યોડેલિંગ આ એસ. મોહિંદરે જ ફિલ્મ 'રીપોર્ટર રાજુ'ના 'ગુસ્સા ફુઝુલ હૈ...' ગીતમાં કરાવ્યું હતું, જે ફીરોઝ ખાન ઉપર ફિલ્માયું હતું. પણ આ ફિલ્મમાં પણ કિશોર હાજરાહુજુર હોવા છતાં સરદારજી એકેય ગીત મશહૂર બનાવી ન શક્યા. અહીં ટ્રેનના એક દ્રષ્યમાં કિશોર સાયગલ/પંકજ મલિકે ગાયેલું 'છુપો ના, છુપો ના છુપો ના, ઓ પ્યારી સજનીયા...' ગુનગુનાવે છે, એ સાંભળ્યા પછી વાત ગળે ઉતરી જાય કે, કિશોરની મીઠાશ કોઈથી કમ નહોતી.

આમ જોવા જઈએ તો મધુની સાથે એના પ્રેમીઓને જ ખુદ અતાઉલ્લાહે હીરો બનાવ્યા, એમ દિલીપકુમાર માટે પ્લેબેક હરદમ મુહમ્મદ રફીનું જ હોય, છતાં ફિલ્મ 'સંગીના'માં રફીને બદલે કિશોરને પોતાના પ્લેબેકમાં લીધો, એનાથી લિસોટો મોટો પડેલો જોવા મળ્યો. પોતાની પ્રેમિકાને પરણી જનાર કિશોર સાથે દિલીપને આમ તો બોલવાના ય સંબંધો નહોતા, પણ કોક વાતે રફી-દિલીપને આડું પડયું, એમાં રફી ઊભા ઊભા જ્વલિત થઈ જાય, એવું દિલીપે કર્યું અને પ્લેબેક કિશોરનું લીધું. એક વખત રફીનો ખરાબ સમય શરૂ થયો, એટલે દગો બધાએ કરવા માંડયો. નહિ તો આટલો વહેલો હાર્ટ-એટેક આવવા જેટલી એમની ઉંમર નહોતી. છેલ્લા દિવસોમાં ઘણી તાણો અનુભવી હશે. ગૂજર્યા ત્યારે ફક્ત ૫૬-વર્ષના હતા. યસ. બધાના ગળામાં તો વાત નહિ ઉતરે, પણ રફી સાહેબ અને કિશોરકુમાર વચ્ચે દુશ્મનોએ ઝગડો કરાવવાના અનેક પ્રયત્નો કર્યા, પણ બંને વચ્ચે બંને ગૂજર્યા ત્યાં સુધી કોઈ નાનકડી વાતનું ય દુઃખ કે વેરઝેર નહોતા. રફી ગૂજરી ગયા, ત્યારે નજરે જોનારાઓ એટલે સુધી કહે છે કે, રડયા તો બધા હતા... પણ સાચું રડનારા બે જ દેખાતા હતા, એક શમ્મી કપૂર અને બીજો કિશોરકુમાર.

સરપ્રાઈઝીંગલી નહિ, શોકિંગલી... ફિલ્મના ટાઈટલ્સમાં ગાયકોમાં આશા ભોંસલે, ગીતા દત્ત અને સુબિર સેનના નામો છે, પણ કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂરના નામો જ નથી !

ફિલ્મનો દિગ્દર્શક મુહાફિઝ હૈદર આપણા માટે તો નવો હતો. સંવાદો ય એણે લખ્યાં છે. ફિલ્મની શરૂઆત મુંબઈના કમાલ સ્ટુડિયોમાં વાસ્તવિક શૂટિંગથી થાય છે. સ્ટુડિયોનું રોજબરોજનું વાતાવરણ કેવું નિરસ હોય છે અને ફિલ્મી દુનિયાની ચમકદમકથી હીરો-હિરોઈન બનવા આવેલાઓને લીલા ચીટણીસ જાણે પોતાની જ સ્ટોરી કહેતી હોય, એવી સલાહ મધુબાલા અને ચંચલને આપે છે. લીલાબાઈ આ જ સ્ટુડિયોમાં ઘરડી નોકરાણી છે. એ બંને બહેનોને ફિલ્મોથી દૂર રહેવાની સલાહ આપે છે... એક જમાનામાં આ જ સ્ટુડિયોમાં એક હિરોઈન તરીકે એનો દબદબો હતો ને આજે ધિક્કારથી સ્ટુડિયોનો મેનેજર એને, ''એ ય બુઢીયા... ચલ દૂર હટ...!''ની બૂમ પાડીને ધૂત્કારી કાઢે છે. પ્રાણ એ જમાનામાં ચારે બાજુથી જામ્યો હતો. સમજો ને, લગભગ દરેક ચોથી ફિલ્મમાં એ હોય જ. મને એની ચાલ અને પરફેક્ટ સ્ટિચિંગના કપડાં ખૂબ ગમતા. પ્રદીપકુમાર કરતા સારા કપડાં પ્રાણ પહેરતો. આપણે દર વખતે પ્રદીપકુમાર, ભારત ભૂષણ કે વિશ્વજીત અને મનોજકુમારો જેવાને એક્ટર તરીકે સહેજ પણ પસંદ નથી કરતા, પણ પર્સનલ લાઈફમાં એ લોકો ઘણા દેખાવડા અને ખૂબસુરત પર્સનાલિટીવાળા હતા. પ્રદીપકુમારના લમણાં ઉપર સરસ મજાના ખૂણીયા પડતા. આ લોકોને જૂના 'ફિલ્મફેર'ના અંકોમાં રંગીન ફોટાઓમાં જુઓ તો અંજાઈ જવાય એવી પર્સનાલિટી પડતી... બસ, એક્ટિંગમાં ધોધમાર માર ખાઈ ગયા.

અહીં ચોકડી ઊંધી પાડવામાં આવી છે. કિશોરની સાથે હિરોઈન મધુબાલા હોવી જોઈએ, એને બદલે એની સગી બહેન ચંચલને લીધી છે, તો મધુબાલાની સામે હીરો પ્રદીપકુમાર છે.

ઓકે. એ સમયની ઓલમોસ્ટ તમામ ફિલ્મો વાહિયાત હતી, એમ આ પણ હતી છતાંય, કિશોરને કારણે ફિલ્મ જોવી ગમે રાખે છે. વચમાં વચમાં તો ખડખડાટ હસવું ય આવી જાય છે. ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદ ઓમપ્રકાશને ખૌફનાક વાર્તા સંભળાવીને ડરાવે છે, એનો મૂળ સર્જક કિશોર છે. એ આ ફિલ્મની શરૂઆતના ટ્રેન દ્રષ્યમાં પેલા 'તીસરી મંઝિલ'વાળા જાડીયા રામવતારને એવી જ મિમિક્રીવાળી વાર્તા કહીને ડરાવે છે.

બાકી આ ફિલ્મની વાર્તા કહેતા મને જ નહિ, કોઈને આવડે તેમ નથી. આને જો વાર્તા કહેવાતી હોય તો મોહનચોટીને અમિતાભ બચ્ચન કહેવાય. છતાં, વાર્તાના અંશો કહેવાનો હું પ્રયત્ન કરું છું. મને સાચવી લેવો. મધુબાલા અને ચંચલ ગરીબ ઘરની છોકરીઓ મુંબઈના કમાલ સ્ટુડિયોમાં એકસ્ટ્રા તરીકે કામ કરે છે, પણ સપના હિરોઈન બનવાના જુએ છે. ક્યાંકથી એ લોકોને રૃા. ૧૫ હજાર મળી જાય છે. એટલે લહેર કરવા ટ્રેનમાં પઠાણકોટ જાય છે, પણ તે પહેલા મારવાડી સેઠ (ખટાના)ની દુકાનમાંથી કિંમતી ઝવેરાત ચોરી લે છે. ટ્રેનમાં કિશોર મળી જતા ચંચલ એના પ્રેમમાં પડી જાય છે, પણ પ્રાણ અને કે.એન. સિંઘ પણ ટ્રેનમાં છે. ગઠીયો પ્રાણ ઘરેણાવાળી એ બેગ ચોરવાના વલખાં મારે છે ને છુપો પોલીસ ઈન્સ્પેક્ટર વોચ રાખે છે. આ બધા પઠાણકોટમાં ઓમપ્રકાશની હોટેલમાં ઉતરે છે. મધુને કોક સેઠના ડ્રાઈવર પ્રદીપકુમાર સાથે પ્રેમ થઈ જાય છે. (આમાંનું કશું હજી મારા ગળે ઉતરતું નથી... તમારે ઉતર્યું હોય તો, કમ-સે-કમ એક ગુજરાતી ફિલ્મ બનાવવા જેટલા બુદ્ધિમાન તો તમે કહેવાઓ. બસ, પછી વાર્તા પૂરી કરતા પહેલા ચારેય પ્રેમીઓને પૈણાવવા તો પડે ને ?