Search This Blog

Showing posts with label om puri. Show all posts
Showing posts with label om puri. Show all posts

09/03/2018

ફિલ્મ : 'આક્રોશ'(૮૦)


ફિલ્મ : 'આક્રોશ'(૮૦) 
નિર્માતા :  એન.એફ.ડી.સી.,
દિગ્દર્શક અને કેમેરા : ગોવિદ નિહાલાણી
સંગીત :  અજીત વર્મણ
ગીતો : વસંતદવે
રનિંગ ટાઈમ : ૮- રીલ્સ-૧૪૪-મિનિટસ
થીયેટર :  એડવાન્સ (અમદાવાદ)
કલાકારો : નસિરુદ્દીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટીલ, અમરીશપુરી, અરવિંદ દેશપાંડે, ડો.મોહનઅગાશે, રિમા લાગુ, નાના પળશીકર, ભાગ્યશ્રી કોટણિસ, અચ્યૂત પોતદાર, મહેશ એલકુંચવર, દીપક શિરકે.           

ગીતો
૧...કાન્હા રે ....વંદના ખાંડેકર       
૨...સાંસોં મેં દર્દ.... મધુરી પુરંદરે
૩...તૂ ઐસા કૈસા મર્દ...મધુરી પુરંદરે

આ લખનાર ઉપર ફિલ્મો પૂરતો ચપટીકે ભરોસો હોય તો તાબડતોડ ૧૯૮૦-ની ફિલ્મ 'આક્રોશ'ની ડીવીડી મંગાવીને જોઈ જ લો. આર્ટ ફિલ્મોના નામ પર નામના ટેચ્ચકાં ચઢાવવાની હોબી હોય તો તો આ ફિલ્મ આર્ટ ફિલ્મ નહિ, આલ્ફ્રેડ હિચકોકના લેવલનું થ્રિલર ગણી લેજો તમને તમારા ઉપર માન થઈ જશે કે, અદભુત ફિલ્મો જોવામાં તમારો ટેસ્ટ ઊંચો છે!

૧૯૮૦ના એ દાયકો-દોઢ દાયકો એવો હતો કે ભારોભર સર્જકતાથી ભરેલા કેટલાક ફિલ્મ દિગ્દર્શકો પાસે ઉત્તમ ફિલ્મો બનાવવાનો કાચો અને પાકો-બન્ને માલસામાન તો પડયો હતો, પણ આવી ફિલ્મ બનાવવા કોઈ નિર્માતા તો તૈયાર થવો જોઈએ! પૈસા કયાંથી કાઢવા?લેબલ આર્ટ ફિલ્મનું લાગ્યું હોય એટલે એક ગેરન્ટી તો ફિલ્મ સિનેમા સુધી પહોંચે એ પહેલા જ મળી જાય કે બધું મળીને બસ્સો પ્રક્ષકો ય આ ફિલ્મ જોવા નહિ આવે, એટલે પૈસા રોકયા પછી ય કમાવી લેવાની વાત ભૂલી જવાની.

બસ.. જેમને મેં આવી સુંદર ફિલ્મ જોવા માટે ઉશ્કેર્યા છે, એ આ પછીનો ફકરો ટેકનિકલ મુદો હોવાથી વાંચતા વાંચતા ઊડાડી દેશો તો ચાલશે... સિવાય કે, ફિલ્મનિર્માણની વાતોમાં થોડો ઘણો રસ હોય!

કયારેક ભારત સરકારમાં બુધ્ધિમાન અને કલાપારખુ લોકો ય આવી જાય છે, એમ સરકારની મેહરબાનીથી દેશમાં રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમની સ્થાપના થઈ અને કોર્પોરેશનને ય દરજ્જો ફિલ્મ ઉધોગનો જ અપાયો. પૈસાને અભાવે ઉત્તમ અને હેતુલક્ષી ફિલ્મોના નિર્માણ અટકી ન પડે માટે સરકારે જ આ કોર્પોરેશન દ્વારા આવી ફિલ્મોને નાણાં ઉપરાંત ફિલ્મ નિર્માણ અને દેશના થીયેટરો સુધી આવી ફિલ્મો પહોચે(ડિસ્ટ્રીબ્યુશન)ની જવાબદારી લીધી .

ફિલ્મફેર ના હોનહાર પારસી તંત્રી બી.કે.કરંજીયા એના ચેરમેન બન્યા. (એ પછી તો આ ફિલ્મનો હીરો ઓમપુરી અને 'શોલે' વાળા રમેશ સિપ્પીએ પણ વહિવટ હાથમાં લીધો. આ બધાને વિશ્વાસ હતો કે, દેશની પ્રજાને જે ઉત્તમ ફિલ્મો જોવા મળવી જોઈએ, એનું નિર્માણ કરવા માટે સત્યજાત રે, બુધ્ધદેવ દાસગુપ્તા, શ્યામ બનેગલ, સુધીર મીશ્રા, ગોવિંદ નિહાલાણી, વિજયા મહેતા, કેતન મેહતા, બાસુ ચેટર્જી, મૃણાલ સેન, અમોલ પાલેકર, અર્પણા સેન અને રજત કપૂર જેવા સર્જકો આપણી પાસે છે જ. બસ. બાકી, ''અમર, અકબર એન્થની'' જેવી કમર્શિયલ ફિલ્મો બનાવનાર અને કમાનારા નિર્માતા- દિગ્દર્શકોને તો પ્રેક્ષકો અને પૈસા મળી જ રહે છે.. આવી 'પેરેલલ-સિનેમા'નો કોઈ હાથ પકડે, તો કુછ બાત બને ..બસ આવી ફિલ્મ હતી, 'આક્રોશ' જેને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમે દત્તક લીધી અને દેશભરમાં રીલીઝ કરી.

ચલો. ટેકનિકલ માહિતી પૂરી થઈ.હવે વાંચવાનું શરુ કરો.

ધેટસ ફાઈન.. પહેલા કોઈ સસ્પેન્સ તોડયા વિના ફિલ્મની વાર્તાનો અંશ કહી દઉં, જેથી ઝીણકો તો ઝીણકો ખ્યાલ આવે કે તમે શું જોવાના છો!

સત્યઘટના ઉપર આ ફિલ્મની પટકથા વિજય તેન્ડુલકરે લખી છે, જેમની અગાઉ 'અર્ધ સત્ય' અને નિશાંત પણ આપણા જેવા દર્શકો માટે સુંદર ફિલ્મ બની હતી.

એક તદ્દન ટચુકડા ગામમા વસ્તી ગરીબ આદિવાસીઓની છે, બાકી ગણ્યાગાંઠયા શિક્ષિતોમાં એક ડોકટર, એક સરકારી વકીલ, એક પોલીસ-અધિકારી અને રાજકીય નેતાઓ તો હોય જ! અહીં ગરીબી અને નિરક્ષરતાએ માઝા મૂકી છે, એનો લાભ પેલા શિક્ષિત વગદારો લીધે રાખે છે. એમાં એક અભણ અને ગરીબ આદિવાસી ભીખુ લહાણ્યાને પોતાની પત્ની નાગીનું ખૂન કરવાના આરોપસર જેલમાં ધકેલી દેવાય છે. આમ તો ખૂનનો કેસ કિલયર-કટ છે, છતાં કાયદા પોતાનો વકીલ રોકી ન શકનાર લહાણ્યાને સરકાર તરફથી બચાવ પક્ષનો એક તદ્દન નવો વકીલ ભાસ્કર કુલકર્ણી (નસિરુદ્દીન શાહ) આપવામાં આવે છે.

કમનસીબે, આ ઘટનાથી પૂર્ણપણે ડઘાઈ ગયેલો લહાણ્યા કોઈની પાસે બોલતો નથી-પોતાના વકીલ પાસે પણ નહિ, જેને તો એ પણ ખબર નથી કે, લહાણ્યો પત્નીની હત્યા બદલ જેલમાં છે, પણ થયું હતું શું? ગામલોકો કે લહાણ્યાનો ખખડી ગયેલો દારુડીયો અશકત બાપ (નાના પળશીકર) કે ઘટનાથી હેબતાઈ જઈને મૂંગી થઈ ગયેલી અને લહાણ્યાના ચાર-છ મહિનાના સંતાનને રાખતી એની બહેન(ભાગ્યશ્રી કોટણીસ) વકીલને કાંઈ કહેતા નથી.

વકીલ ભારે અકળાય છે કે કોઈ કશું બોલે.. નાનકડી ય કોઈ માહિતી આપે તો એ કેસમાં થોડોય આગળ વધી શકે, એની સાથે વાત કરી શકે, એવી એક જ વ્યક્તિ છે, સરકારી વકીલ અમરીશ પૂરી. (જેના જૂનિયર તરીકે ભાસ્કરે કામ કર્યું હતું અને કાયદાકીય નહિ,સામાજીક હૂંફ એકલો અમરીશ પૂરી આપી શકે છે) પણ સલાહ આપે છે કે, તારી કરિયરનો આ સૌથી પહેલો કેસ જ ફાલતું છે. તારુ હારીને બદનામ થવું તય છે.

તું ખસી જા. પણ ભાસ્કર પોતે તદ્દન ગરીબ હોવા છતાં એ મૂંઝાય છે પોતાની બેબસીથી કે,ભલે હારી જઉં.. આ કેસમાં કંઈક તો મળવું જોઈએ!એ લહાણ્યાના બાપને મળવા એના ઝૂંપડે જાય છે, જયાં સખ્ત ગભરાયેલો એનો બાપ, બહેન કે બે-ચાર ગરીબ આદિવાસીઓ સહાનૂભૂતિમાં એકાદ હાવભાવ આપે છે... એથી વિશેશ કાંઇ નહિં.

નાગીનો મૃતદેહ જંગલમાં એક અવાવરુ કૂવામાંથી મળી આવ્યો હોવાનો નાનકડો પ્રેસ -રીપૉર્ટ ઘરમાં જ નાનકડું પ્રેસ ધરાવતાં યુવા તંત્રીએ છાપ્યો હતો, તેને મળવા ભાસ્કર જાય છે,જે ખીજાઈને એને પાછો કાઢે છે. અલબત્ત,એ તંત્રીને પણ અંધારી રાત્રે ભાસ્કરની નજર સામે ગામના નાનકડા રસ્તા ઉપર ગૂંડાઓ સખ્ત માર મારીને લોહીલૂહાણ કરી મૂકે છે, પણ માર ખાઈને એ કાંઈ બોલ્યા વિના ડઘાયેલો ઘેર જતો રહે છે.

ભાસ્કર ઉપરે ય ગામના અંધારા રસ્તે હૂમલો થાય છે ને અદાલતમાં એ  પોલીસ-રક્ષણ માંગે છે, જે મળે છે. અદાલતમાં, નાગીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા ડોકટર (અરવિંદ દેશપાંડે)ને ક્રોસ કરે છે, પણ  ડોકટર ય આ સીસ્ટમ સાથે મળેલો હોવાથી વકીલ કરતા વઘુ ચાલાક પુરવાર  થાય છે. પોલીસ-રક્ષણ હોવા છતાં એક અંધારી રાત્રે ભાસ્કરના એક રુમના  મકાનનું કોક બારણું ખટખટાવે છે.

ડરના માર્યા એ ન છુટકે બારણું ખોલે  છે, જયાં લહાણ્યા ઝૂંપડા પાસે ભાસ્કરની સહાનૂભૂતિ આપવા મળેલો પેલો સમાજ સેવક ગભરાયેલો આવે છે ને ગુપચુપ વાત કરે છે, કે લહાણ્યાએ પત્ની  નાગીનું ખૂન નથી કર્યું, બલ્કે પેલા ચાર દુષ્ટોએ સામુહિક બળાત્કાર કરીને  એને મારી નાંખી છે. રીકવેસ્ટ કરીને ભાસ્કર પ્રૂફ માંગે છે,એ તો  પેલા પાસે હોય નહિ, પણ બીજે દિવસે એ સમાજસેવકનું ખૂન થઈ જાય છે.

હવે લહાણ્યાને બચાવવાનો કોઈ માર્ગ ન રહેતા હતાશ થયેલો ભાસ્કર બે-ત્રણ વખત જેલમાં લહાણ્યાને મળે છે, જે ડઘાઈને માત્ર એની સામે જોયે રાખે છે, બોલતો કાંઈ નથી. દરમિયાનમાં પેલા બળાત્કારીઓની નજર લહાણ્યાની યુવાન બહેન ઉપર ય છે. આવનારી આફતો જોઈને એની બહેન લહાણ્યાના વૃધ્ધ બાપ અને બાળકને લઈને જંગલમાં ભાગે છે. જયાં ડોસો ગૂજરી જાય છે. ભાસ્કર નૈતિકતાના આધાર પર લહાણ્યાને એના સ્વર્ગસ્થ બાપના અંતિમ સંસ્કાર કરવા દેવા અદાલત પાસે મંજૂરી માંગે છે, જે મળે છે.

ગામના છેવાડે એના અંતિમ સંસ્કાર થતા હોય છે, જયાં દોરડાથી મુશ્કેરાટ બાંધેલા લહાણ્યાની નજર, એના બહેન પર છીછરી નજર માંડીને ઊભેલા મુકાદમ ઉપર પડે છે.પોતાની ગેરહાજરીમાં હવે શું થઈ શકે, એનાં ખૌફમાં લહાણ્યો અંતિમ સંસ્કાર પત્યા પછી પોલીસ-પકડ છોડાવીને બાજુમાં ઊભેલા ગ્રામવાસીની કૂહાડી લઈ પોતાની સગી બહેનનું ગળું કાપી નાંખે છે.. અને આકાશમાં જોતા જોતાં ચિત્કારે રાખે છે... ચિત્કારે રાખે છે..!

આ એનો આક્રોશ ! ભારતના ન્યાયતંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને લાચાર ગરીબોની નિ:સહાય હાલતની એક સત્યઘટના ઉપરથી આ ફિલ્મ બની છે.નવાઈ લાગી શકે, પણ પૂરી ફિલ્મ નાગી એટલે કે ભિખ્ખુ લહાણ્યાની પત્ની સ્મિતા ઉપર છે. જે સ્ક્રીનપર માંડ ૩-૪ મિનિટ આવે છે. ઓમ પૂરી હીરો છે, પણ એને પૂરી ફિલ્મ માં એક ઉદગાર પણ કાઢવાનો આવતો નથી. નસિરુદ્દીન શાહ ભારતમાં શ્રેષ્ઠ અભિનેતાઓ પૈકીનો એક છે, તેની સાબિતી આવી ફિલ્મોમાં એણે અનેકવાર આપી છે. ફિલ્મના ઓલમોસ્ટ દરેક દ્રશ્યમાં એની ઉપસ્થિતી અને જરુરતે છે જ.

અભિનયના આ સુરમાએ પૂરી ફિલ્મમાં અનેકવિધ ચેષ્ટાઓ દ્વારા એના કિરદારને વાસ્તવિક બનાવવાનો જે પ્રયાસ કર્યો છે, તે સલામેબલ છે. યસ. સ્મિતા પાટીલ અને ઓમ પૂરી વચ્ચેના સહશયનના દ્રષ્યો એટલી હદે બોલ્ડ લેવાયા છે કે ફિલ્મ ઘરના સંતાનો સાથે જોતા હો તો ડોહા કે દીકરા - બેમાંથી એકે અંદર જતા રહેવું પડે.

સુંદરતા જોવી ગમતી હોય તો સ્વ. રિમા લાગુનું આ ફિલ્મનું લાવણી-નૃત્ય મન ભરીને જોવું ગમે એવું છે. રિમા યુવાનીમાં મરાઠી ફિલ્મોની સામ્રાજ્ઞી હતી. (એનું સાચું નામ 'નયન ભડભડે' હતું... ના, સ્પેલિંગ-મિસ્ટેક કોઈ નથી... પુરૂષોનેપણ ફાળે જતા આ નામની સાથેની અટકે 'ભડભડે' મરાઠીઓમાં આશ્ચર્ય આપનારી નથી. આવી સુંદર હીરોઈને ગુજરાતી નાટકોમાં ય કામ કર્યું હતું.)

હિંદી-ટીવી સીરિયલ 'નામકરણ'નું શૂટિંગ પતાવીને ઘેર ગયેલી રિમાને અચાનક કાર્ડિયાક-એરેસ્ટનો હુમલો આવ્યો હતો અને 'કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં રાત્રે ૨.૪૫ વાગે એનું અવસાન થયું હતું. એણે પોતાના પતિ વિવેક લાગૂ સાથે છૂટાછેડા લીધા હતા.'

જેનાથી વધુ સ્વાભાવિક ચરીત્ર અભિનેતા કન્હૈયાલાલને બાદ કરતા (થોડે અંશે એ.કે.હંગલ) હિંદી ફિલ્મોમાં કોઈ થયો નથી, તે નાના પળશીકર મૂળ તો બોમ્બે ટોકીઝની પેદાશ કહેવાય, જેણે ઇ.સ. ૧૯૩૫માં લીલા ચીટણીસ સાથે ફિલ્મ 'ધૂંઆધાર'માં પહેલીવાર કામ કર્યું હતું. બી.આર.ચોપરાએ ૧૯૬૦માં બનાવેલી ફિલ્મ 'કાનૂન'માં માત્ર એનો કિરદાર નહિ, સાહજીક અભિનયની જાણકારો પ્રશંસા કરતા આજે ય અન્ય કોઈ મિસાલ હાથમાં લેતા નથી.

પ્રખ્યાત અખબાર 'ધી હિંદુ'એ નાના માટે લખ્યું હતું, 'ફિલ્મના સૅકન્ડ-હાફનો અસલી સ્ટાર નાના છે, જે પાત્રમાં એટલી સ્વાભાવિકતાથી સમાઈ જાય છે કે, પ્રેક્ષકોને સહાનુભૂતિ થાય કે, એક ફાલતુ ઘરફોડ ચોર પોતાના બીજા કોઈ વાંક વગર શેઠ ધનિરામના ખૂન માટે લેવાદેવા વગરનો ફસાઈ જાય છે. આ ફિલ્મ માટે, આપણી બારમાસી રોતડાઓની ક્લબના કાયમી પ્રેસિડૅન્ટ નાના પળશીકરને 'શ્રેષ્ઠ સહાયક અભિનેતા'નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

એ કાંઈ પણ કર્યા વિના ય ઝૂંપડામાં રહેતો બારમાસી ગરીબ જ લાગે. રાજકપૂરથી આવી ભૂલ કેમ થઇ ગયેલી એ તો ખબર નથી કે, 'શ્રી ૪૨૦'માં રાજે એને કરોડપતિનો રોલ આપ્યો હતો. આ માણસ કોઈ કાળે ય કરોડપતિ લાગે જ નહિ.' ફિલ્મ 'તિરંગા'માં 'જાની' રાજકુમાર જેને પ્રલયનાથ ગુંડાસ્વામીને બદલે 'ગૅન્ડાસ્વામી' કહીને બોલાવે છે, તે મરાઠી કલાકાર દીપક શિરકે અહીં રાક્ષસી ગુંડાના પાત્રમાં છે.

ડૉક્ટર બનતા અરવિંદ દેશપાંડે જાણિતી ટીવી અને હિંદી ફિલ્મોની હવે ભૂલાયેલી ચરીત્ર અભિનેત્રી સુલભા દેશપાંડેના સ્વર્ગસ્થ પતિ હતા. ફિલ્મ જુની હોવાથી યુવાન દેખાતા આ ફિલ્મના ફોરેસ્ટ-કોન્ટ્રાક્ટર અચ્યૂત પોતદારને તમે ફિલ્મ 'રંગીલા'માં ઊર્મિલા માતોંડકરના પિતાના રોલમાં જોયા છે. તો ડૉ. મોહન અગાશે નાના પાટેકરની ફિલ્મ 'અબ તક છપ્પન'માં નાનાના ટેકેદાર નિવૃત્ત પોલીસ-કમિશનરના રોલમાં હતા.

એ સેકાયટ્રીના ડોક્ટર છે અને ઉત્પલ દત્ત એમને ફિલ્મોમાં લઇ આવ્યા હતા.બહુ ઓછાને ખબર હશે કે, 'મુગૅમ્બો ખુશ હુઆ' ફેઇમ વિલન અમરીશ પુરી મહાન ગાયક કુંદનલાલ સેહગલના સગા કાકાના દીકરા થાય, એટલે કે, અમરીશના મોટા ભાઈઓ મદનપુરી, અને ચમન પુરી પણ સેહગલના તદ્દન નજીકના ભાઈઓ થાય. હજી એક ચોથો ભાઈ છે, હરિશ પુરી, જે ફિલ્મોમાં આવ્યો નથી. ભાગ્યે જ કોઈને થાય 'માયલોડિસપ્લાસ્ટિક સીન્ડ્રોમ' નામના કૅન્સરને કારણે મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં અમરિશ પુરીનું  અવસાન થયું હતું.

'આક્રોશ'ની હીરોઈન સ્મિતા પાટિલ વિશે તો લખાય એટલું ઓછું પડે, એવી સશક્ત આ અભિનેત્રી નાનકડી ઉંમરે ગૂજરી ગઈ. અગાઉથી પરિણિત રાજ બબ્બર સાથે ઘર માંડીને સ્મિતાએ મીડિયાથી માંડીને એના ફૅન્સને ખૂબ નારાજ કર્યા હતા.

રાજની પ્રથમ પત્ની નાદિરા બબ્બર સ્વયં સ્ટેજ અને ફિલ્મોની કલાકાર છે. અલબત્ત, શશિ કપૂરના કહેવા મુજબ, હિંદી ફિલ્મોમાં કોઈ આર્ટ ફિલ્મ, પૅરેલલ ફિલ્મ કે કમર્શિયલ ફિલ્મો હોતી નથી... કાં સારી ફિલ્મ હોય ને કાં બેકાર. આ કૉલમમાં અગાઉ 'કલયુગ, જૂનુન, અર્ધ સત્ય, ભૂમિકા કે 'જાગતે રહો' જેવી સારી ફિલ્મો વિશે લખાયું છે, એમાં આજની 'આક્રોશ' અમને વધુ ગમી.     

03/03/2018

'ગોધૂલિ'(૭૭)


ફિલ્મ : 'ગોધૂલિ'(૭૭)          
નિર્માતા    :  વૅન્કટૅશ-ચંદુલાલ જૈન
દિગ્દર્શક    :  ગીરિશ કર્નાડ-બી.વી. કારન્ત
સંગીત    :  ભાસ્કર ચંદાવરકર
ગીતો    :  સૂર્યભાનુ ગુપ્ત
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ - ૧૩૩ મિનિટ્સ
થીયેટર    :  ઍડવાન્સ (અમદાવાદ)
કલાકારો    : કુલભૂષણ ખરબંદા, નસિરૂદ્દિન શાહ, પૉલા લિન્ડસે, ઓમ પુરી, શેષાચાર.          

ગીતો
૧.એક થી માં પૂણ્યકોટિ હૈ ઉસી કી યે કથા...    મુહમ્મદ રફી-દિલરાજ કૌર   
૨.કોઉ એક તારા બજાયે બદન ઉસ પાર જી...    દિલરાજ કૌર-ઉષા મંગેશકર         

'
ગોધૂલિ' જેવી સુંદર ફિલ્મ જોવા મળે, એ પણ આપણું ભાગ્ય કહેવાય. અમને યાદ છે, અમદાવાદની ઍડવાન્સ સિનેમામાં આ ફિલ્મ જોઇને બહાર નીકળ્યા પછી અમે ૨૦-૨૫ મિનિટ બોલી શક્યા નહોતા. કોઇ બોલાવે, એ ય પસંદ નહોતું. ફિલ્મે અમારી ઉપર જે છાપ છોડી હતી, તેમાં અમારે હજી વધારે રહેવું હતું. મનને ગમે એવો આઘાત આ ફિલ્મે આપ્યો હતો કે, 'આવી સુંદર ફિલ્મ આવા વિષય પર બની શકે ખરી ?' એ જમાનો અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, જીતેન્દ્ર કે ધર્મેન્દ્રોનો હતો, એમાં એ વખતે ભાગ્યે જ જાણીતા નસિરૂદ્દીન શાહ કે કુલભૂષણ ખરબંદાની ફિલ્મ જોવા ય કોણ જાય ? કંઇ બાકી રહી જતું હોય એમ જાણીતી તો જાવા દિયો... નામની જે હીરોઇન હતી, તે અમેરિકન પૉલા લિન્ડસે ધોયળી હતી અને ફિલ્મમાં એને જોયે રાખીએ, એવો કોઇ ગ્લેમરસ રોલ નહોતો.

ફિલ્મમાં તો ગીતો જ બે હતા, જેમાંનું એક મુહમ્મદ રફીએ ગૌમાતાની આરતીસ્વરૂપે ગાયું હતું. અધૂરામાં પૂરૂં, 'ગોધૂલિ' એટલે શું, એની ય ભાગ્યે કોઇને ખબર હતી. હિંદઓના લગ્નની કંકોત્રીમાં 'ગોધૂલિક સમય' આપ્યો હોય છે, એટલે એવો સમય જ્યારે ગામના પાદરેથી ગાયોનું વિશાળ ધણ ગામમાં પાછું ફરતું હોય, ત્યારે એક બાજુ સૂર્યાસ્ત થતો હોય અને ધૂળીયા માર્ગ ઉપર ગાયોના ધણથી ધૂળના ગોટેગોટા ઊડતા હોય, એ સમયને 'ગોધૂલિક સમય' કહેવાય.

આ ફિલ્મ પાછળ આટલા ઓળઘોળ થઇ જવાનું કારણ એની અદભુત વિષયવસ્તુ હતી કે, આવા સબ્જૅક્ટ ઉપરે ય ફિલ્મ બને ખરી ? ભારતની આટલી પંચરંગી વસ્તીમાં કેવળ હિંદુઓ ગાયને માતાસ્વરૂપ ગણે છે, એટલે એની કત્લ તો વિચારી શકાય નહિ. ફિલ્મની સાચુકલી હીરોઇન ગણો તો ગૌમાતા છે.

કર્ણાટકના એક તદ્દન ખોબા જેટલા અશિક્ષિત ગામમાં પૂજારી કહો કે શિક્ષક કહો કે મુખીયા કહો, એ નસિરૂદ્દીન શાહ છે, જેના એક અવાજ ઉપર ગામ આખું થંભી જાય. એ ગામમાં પીડબલ્યુડીવાળા પાદરેથી એવી જગ્યાએ રસ્તો બનાવવા માંગે છે, જે ગોચરની જમીન પરથી પસાર થાય છે અને જ્યાં ગાયના વાછરડાને વાઘના હુમલાથી બચાવવા જતા જમીનદારનો યુવાન પુત્ર જીવ ખોઇ બેસે છે, એની સમાધિ હતી. વિકાસ માટે એ રસ્તો બનાવવો જરૂરી તો હતો, પણ ગામલોકોની આસ્થા એમાં સમાયેલી હતી. એ જમીનનો માલિક કુલભૂષણ ખરબંદા અમેરિકા એની અમેરિકન પત્ની સાથે રહેતો હોય છે. બાળપણની દોસ્તીના દાવે પૂજારી વૅન્કટેશ (નસિરૂદ્દીન) આ જમીન બચાવી લેવા કુલભૂષણને ભારત બોલાવે છે. કુલભૂષણ એની ગ્રામ્યમાતા અને  ૩૦-૪૦ પૂણ્યકોટી ગાયોને જોઇને રાજી તો થાય છે, પણ પૂરા ગામને કે નસિરને અમેરિકન ભાભી મંજૂર નથી.

સદનસીબે, ધોળી બધાના હૃદય જીતી લે છે, કેવળ હિંદી શીખીને નહિ, હિંદુઓના રિવાજોને પણ માથે ચઢાવીને. અલબત્ત, નસિર ઉપરાંત ગામમાં કોક ને કોક આ ધોળી માટે વાંકુ પડતું રહે છે તે એટલે સુધી કે, ધોળીયાઓ ગૌમાંસ (બીફ) ખાતા હોય ને આવી આ પણ એક દિવસ ઘરની ગાયોને વેચીને કતલખાને મોકલી દેશે, એવો હાઉ ઊભો કરવામાં આવે છે-અલબત્ત, ઈરાદાપૂર્વક નહિ, ગ્રામ્ય અંધશ્રધ્ધાને કારણે. પંડિત (નસિરૂદ્દીન)ના હિંદુ ધર્મને લગતા મોટા ભાગના ફરમાનો કુલભૂષણ મને-કમને માથે ચઢાવે છે, ધોળી પણ ! છતાં ય, બધાને ક્યાંકને ક્યાંક વાંકુ પડતું રહે છે એટલે સુધી કે, ધોળી ઘરની ઘરડી ગાયને વેચી દેતા વાત આખી વણસે છે અને ક્રોધિત થયેલો કુલભૂષણ અને તેની પત્નીને નિર્વંશ થવાનો 'શ્રાપ' આપે છે.

આ સમયે પ્રસૂતા ધોળી પહેલી વાર મગજ પરનો કાબુ ગૂમાવીને પોતાના જ ઘરની પૂણ્યકોટિ ગાયને મારી નંખાવીને ઈરાદાપૂર્વક એનું માંસ ખાય છે. શહેર ગયેલો પંડિત કુલભૂષણ પાછો આવીને ચોકાવનારૂં દ્રશ્ય જુએ છે. આખું ગામ ક્રોધિત ગ્રામજન ઓમ પુરીની આગેવાનીમાં ભેગું થઇને ધોળીને મારવા જાય છે, જે રાયફલ ફોડીને પોતાનો વધુ ગુસ્સો જાહેર કરે છે.

કુલભૂષણ પત્નીનો દોષ કબૂલીને પંચાયત નક્કી કરે તે સજા ભોગવવા તૈયાર થાય છે અને મોટા નુકસાનો ભોગવીને પણ પંચોનો ચૂકાદો શિરોમાન્ય ગણે છે. બીજી બાજુ, એની પત્નીને પુત્ર પેદા થવા છતાં માતાનું કે અન્ય કોઇ દૂધ પીવડાવી શકાતું નથી. ભારે ગુસ્સા અને લાચારીમાં એ લોકો ગામ છોડવા તૈયાર થાય છે, પણ બે દિવસથી ભૂખ્યું એમનું બાળક દૂધ વિના ટટળે છે, ત્યારે એક ગ્રામ્યજન સલાહ આપે છે કે, ગામની પૂણ્યકોટી ગાય બાળકને દૂધ પીવડાવી શકશે.

બન્ને મા-બાપ બાળકને ગાય પાસે લઇ જાય છે, પણ પંડિત આડો ફાટે છે કે, ગાયની કતલ કરતા પહેલા વિચાર નહોતો આવ્યો ? એ ધરાહાર ના પાડે છે પણ ઓમ પુરી અને અન્ય ગ્રામ્યજનોની સમજાવટથી એ મંજૂરી આપે છે ને બાળ ગાયના આંચળમાંથી દૂધ પીએ છે. પંડિત સાથે સમાધાન તો સહર્ષ થાય છે પણ એ વિનંતી કરે છે કે, કુલભૂષણે વેચી દીધેલી ગાયો પાછી લાવી ગામની પવિત્રતાને બરકરાર રાખે.

પત્નીની કંઇક નારાજગી છતાં હાંફળો-ફાંફળો કુલભૂષણ પોતાની ગાયો પાછી લાવવા સેંકડો ગાયોને લઇ જતા વેપારીને પોતાની ગાયો પાછી આપવા વિનંતી કરે છે, જેનો સ્વીકાર થાય છે. કુલભૂષણ એ સેંકડો ગાયોમાંથી પોતાની ગાયોને ઓળખી શકતો નથી... હવે બહુ મોડું થઇ ગયું, એમ જાણે ગાયો કહેતી હોય, એમ ગોધૂલિક સમયે એક પણ ગાય પાછી લીધા વિના કુલભૂષણ પાછો ફરે છે.

'૭૦-ના દશકમાં આ પ્રકારની 'આર્ટ' ફિલ્મોનું મોજું શરૂ થયું હતું, જેમાં પદ્મશ્રી અને પદ્મભૂષણ ગીરિશ કર્નાડે નિશાન્ત, મન્થન, સ્વામી, મનપસંદ અને પુકાર જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી આ જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતાએ હિંદુઓ, આરએસએસ અને ભાજપ વિરૂધ્ધ ઉઘાડેછોગ બોલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ય ઉગ્ર ટીકાઓ કરવાનું ચાલુ રાખ્યું છે.

બાબરી મસ્જીદધ્વંસની વિરૂધ્ધ એ ઘણું આકરૂં બોલ્યો હતો અને ઇ.સ. ૨૦૧૫માં બૅન્ગાલૂરૂ ઍરપૉર્ટને મુસ્લિમ શાસક ટીપુ સુલતાનનું નામ અપાવવાની હઠ પકડી હતી, જેને પંદરમી સદીમાં કર્ણાટકના આદ્યસ્થાપક કૅમ્પે ગોવડાનું નામ અપાયું છે. ગીરિશ પોતાની બદમાશીઓ માટે પણ બદનામ થયો, જ્યારે એણે રવીન્દ્રનાથ ટાગોરને તદ્દન સામાન્ય અને બીજા દરજ્જાના કવિ કહ્યાં, એ તો ઠીક, ગીરિશે તો એવું પણ જાહેરમાં કીધું છે કે, ટાગોરના નાટકો સહન ન થાય એવા ફાલતુ હતા.

૧૯૮૦માં રમેશ સિપ્પીએ બનાવેલી 'શાન' ફિલ્મમાં 'શોલે'ના ગબ્બરસિંહ જેવા ખલનાયક બનાવવામાં સિપ્પી અને ખરબંદા બે ય નિષ્ફળ ગયા પણ મહેશ ભટ્ટે આત્મકથાનકસમી બનાવેલી ફિલ્મ 'અર્થ'માં કુલભાઇ સ્મિતા પાટીલ અને શબાના આઝમી સામે સહેજ પણ નબળો પડયો નહતો. 'એક ચાદર મૈલી સી' એની સફળ ફિલ્મ હતી. અલબત્ત, એ કોઇ હીરો-મટીરિયલ નહતો, એટલે શ્યામ બેનેગલ કે ગોવિંદ નિહાલાણી જેવા પૅરેલલ ફિલ્મ સર્જકોની ફિલ્મોમાં એ આવતો-જતો રહ્યો.

શશિ કપૂરે બનાવેલી 'જૂનુન' અને 'કલયુગ' જેવી પૅરેલલ ફિલ્મોમાં એ આમથી તેમ ચમકતો રહ્યો, પણ કોઇ ધારદાર રોલ મળ્યા નહિ.

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ૧૬ ઑગસ્ટ, ૧૯૪૯ના રોજ જન્મેલા નસિરૂદ્દીનને કુલભૂષણથી ઊલટો અનુભવ થયો. મૂળ તો એ સ્ટેજનો કલાકાર એટલે આવી આર્ટ કે પૅરેલલ સિનેમા એને કાંઇ વધુ પડતી ફાવી ગઇ. બાકીની જેને કમર્શિયલ સિનેમા કહેવાય છે, એને એ ધિક્કારતો અને ઑફરો આવે તો ય ના પાડી દેતો. દેખિતું છે, હીરો હો તો પણ આર્ટ-ફિલ્મોમાંથી તમને રીક્ષા ચલાવવા જેટલા પૈસા બે-પાંચ વર્ષે મળે (મોટા ભાગે તો ના જ મળે... નિર્માતાઓ ય ડૂબ્યા હોય ને ?), પણ ઘર ચલાવવાના પૈસા ન મળે. પૈસેટકે ખાંગા થઇ જતા પહેલા નસિરે કમર્શિયલ ફિલ્મોમાં કામ કરવાનું સ્વીકાર્યું અને પેલી 'ઓયે ઓયે....' બ્રાન્ડની ગુલામી, ત્રિદેવ અને વિશ્વાત્મા જેવી ફિલ્મો પકડવા માંડી, ત્યારે કાંઇ બે પૈસા કમાતો થયો. 'સારાભાઇ વિ. સારાભાઇ'ની વૅબ-સીરિઝમાં અદ્ભૂત ઍક્ટિંગ કરનાર ગુજરાતી દીના પાઠકની મોટી દીકરી રત્ના પાઠક સાથે નસિરે બીજા લગ્ન કર્યા છે. રત્નાની નાની બહેન સુપ્રિયા પાઠકે પંકજ કપૂર સાથે લગ્ન કર્યા છે. એમ તો નસિરે અંજલિ પૈંગણકર નામની હીરોઇન સાથે પણ લગ્ન કર્યા હતા. આ બંને બહેનોના પિતા દરજીકામ કરતા અને ખાસ તો રાજેશ ખન્નાના કપડાં સિવતા.

એની આપણને સર્વોત્તમ લાગેલી ફિલ્મ 'ઍ વૅન્સ ડૅ' ખૂબ સફળ થઇ.

વર્ષો પહેલા પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી અને 'હા. હું હિંદુ છું અને હિંદુ હોવાનું મને ગર્વ છે' કહેનાર વિલન ઓમ પુરી મરતા પહેલા અનેક વિવાદો છંછેડતો ગયો હતો. એ ઉઘાડેછોગ પાકિસ્તાનીઓની તરફેણ કરવા લાગ્યો, ત્યાંની ઘણી ફિલ્મોમાં એણે કામ કર્યું.

ઓમે પાકિસ્તાની ફિલ્મો ઉપરાંત બ્રિટન અને હૉલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને 'ઑબીઈ'નો ઇંગ્લિશ ઍવૉર્ડ જીત્યો. પહેલા સીમા કપૂર નામની સી-ગ્રેડની ઍક્ટ્રેસ સાથે પરણ્યો પણ સ્વભાવની વિચિત્રતાઓને લીધે છ જ મહિનામાં છુટાછેડા આપીને દુનિયા સાથે છુટાછેડા લઇ લીધા. મોઢા પર શીળીના ચાઠાંવાળો ઓમ પુરી સ્ત્રીઓના મામલે નસીબદાર એટલા માટે નીકળ્યો કે ઉર્દુ લેખક શાહિદ લતિફની દીકરી સીમા સાહની સાથે, કૉસ્ચ્યૂમ-ડીઝાઇનર માલા ડે સાથે, અને ગોવિંદ દેશપાંડેની બહેન જ્યોતિ દેશપાંડે સાથે સગાઇઓ કરી મ્હેલ્યા પછી સીમા કપૂર અને નંદિતા પુરીને પરણ્યો હતો.. (આ મામલામાં લકી ઓમ પુરી કહેવાય કે એની ફીયાન્સીઓ....?) આપણને બધાને એ ગમ્યો હતો ફિલ્મ 'અર્ધ સત્ય'માં. પુરી અંબાલા-હરિયાણામાં ૧૮ ઑકટોબર, ૧૯૫૦ના રોજ જન્મ્યો હતો અને અનેક વિવાદો ઊભા કરીને ૬ઠ્ઠી જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ મુંબઇમાં અવસાન પામ્યો.

કમનસીબે '૭૦-નો આ દાયકો એવો હતો કે આપણા જમાનામાં શંકર-જયકિશન, નૌશાદ, મદન મોહન કે રવિ કે કલ્યાણજી-આણંદજીના ફૂલફૉર્સમાં વળતા પાણી હતા, એમાં આ ફિલ્મ 'ગોધૂલિ'માં કર્ણાટકના સંગીતકાર ભાસ્કર ચંદાવરકરને આ ફિલ્મના બે ગીતો બનાવવાના આવ્યા, એમાં ય ભોપાળું.

અમથી ય આવી પૅરેલલ ફિલ્મોમાં વનરાજ ભાટીયા કે લૂઇ બૅન્કસ જેવા સંગીતકારોને એકએકબબ્બે ગીતો બનાવવા મળતા અને એ ય નિષ્ફળ જતા. અલબત્ત, વનરાજ પાસેથી થોડી તો થોડી સારી ધૂનો મળી છે.

(એક સ્પષ્ટતા : અગાઉના કોક લેખમાં હીરોઇન નિવેદિતાને ડાન્સર મધુમતિની બહેન ગણાવી હતી, તે શરતચૂકથી લખાયું છે. મધુમતિની બહેન વૈશાલી હતી)