વહાલી બેન પીન્કી ,
તને આજ ના જન્મદિવસ ના ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ અને શુભ કામના .આજે તે યથા શક્તિ શ્રી ઠાકોરજી ને લાડ લડાવ્યા જ હશે .અને કદાચ તારી તબિયત સારી ન હોવા ના લીધે તન થી ભલે દૂર પણ મન થી તો એની નજીક જ હોઈશ એવો મને વિશ્વાસ છે . ને સાચું કહું તો જ્યાં તન છે ત્યાં આપણે નહી પણ જ્યાં આપણું મન છે ત્યાં આપણે છીએ .શરીર ના સારુ હોય તો સેવા માં ના પહોચી શકીએ પણ મન તો જરૂર પ્રભુ માં રહે .ને આપણો પ્રભુ એટલો ક્રૂર છે કે આપણી પાસે એવા સમયે પણ સેવા ની આશા રાખે .પ્રભુ તો ખુબ દયાળુ છે .રાઈ જેટલી સેવા ને પણ મેરુ સમાન માને છે પણ એ ભાવ પૂર્વક ,પ્રેમ પૂર્વક કરી હોય તો .બાકી તો તન ક્યાંય અને મન ક્યાંય હોય તો સેવા કે સ્મરણ કશાય માં આનંદ નથી આવતો .અને આપણા માર્ગ માં સેવા પ્રભુ ના સુખ નો વિચાર કરી ને કરવાની છે .જો તારું શરીર સારુ નથી તો પ્રભુ ને સુખ થાય એવી સેવા ક્યાંથી કરીશ ?એટલે જીવ નહી બાળવા નો પ્રભુ ની જેવી મરજી એમ માની સ્મરણ કર્યા કરવાનું અને યોગ્ય રીતે દવા લઇ શરીર ની સાર સાંભળ લઇ તાજા મજા થઇ પ્રસન્ન ચિતે પાછુ સેવા માં લાગી જવાનું .બરાબર ને !એક વૈષ્ણવ ની વાર્તા માં આવે છે કે એક શેઠ હતા .તે ઘર માં સેવા કરતા હતા પણ એમનું ચિત ઘોડા વેચવા માં હતું .વહુ ભગવદીય હતી .સસરા ના મન ની વાત જાણતી હતી .એવા માં કોઈ પરિચિત વ્યક્તિ શેઠ ને મળવા આવ્યા .શેઠ ને ન જોતા વહુ ને પૂછ્યું કે શેઠ ક્યાં છે તો વહુ એ જવાબ આપ્યો કે સસરાજી તો ઘોડા વેચવા ગયા છે .પેલા ભાઈ તો પાછા ગયા .પણ એમના ગયા પછી સેવા થી પરવારી શેઠ બહાર આવ્યા અને વહુ ને પૂછ્યું કે તમે પેલા ભાઈ જે મને મળવા આવેલા તેમને ખોટું કેમ કહ્યું હું તો સેવા માં જ હતો .ત્યારે વહુ એ કહ્યું કે સસરાજી તમે તન થી સેવા માં હતા પણ તમારું મન તો ઘોડા ના વિચારો કરતુ હતું .એટલે મે એમ કહ્યું .ત્યારે શેઠ ને પોતાની ભૂલ સમજાણી અને વહુ ને આશિર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા તને ધન્ય છે ગૃહ કાર્ય કરતા પણ તારું ચિત પ્રભુ માં છે .તારા ઉપર શ્રી ઠાકોરજી ની પૂર્ણ કૃપા છે .અને હવે હું પણ સાવધાનતા થી મન ને પ્રભુ માંપરોવી રાખવા ની કોશિશ કરીશ .
બીજું દ્રષ્ટાંત જનાબાઈ નું છે મુખ માં પ્રભુ નું નામ અને હાથ માં કામ .જનાબાઈ પ્રભુ ભક્ત હતા .એ છાણા થાપતા જાય અને વિઠ્ઠલ ના નામ નો જપ કરતા જાય .એક દિવસ કોઈ એમના છાણા ચોરી ગયું .તેઓ રાજા પાસે ગયા અને ફરિયાદ કરી તો રાજા કહે કે છાણા તમારા છે એની સાબિતી શું ?ત્યારે જના બાઈ બોલ્યા કે મારા છાણા માંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વની સંભળાશે .રાજા એ કાન પાસે છાણા લઇ ને જોયું તો સાચે જ એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વની સંભાળતો હતો .રાજા જનાબાઈ ના પગ માં પડ્યો અને કહ્યું કે ધન્ય છે તમારી પ્રભુ ભક્તિ ને અને તમારા પ્રભુ પ્રત્યે ના પ્રેમ અને અટલ વિશ્વાસ ને .
ચાલ હવે સુઈ જાજે .સત્સંગ માં આનંદ આવ્યો ને !વૈષ્ણવે તો બસ હરિ કરે સો ખરી એવા અટલ વિશ્વાસ સાથે જીવવાનું હોય છે .પુષ્ટિ માર્ગ માં સાધન પણ શ્રીજી ની સેવા અને ફળ પણ સેવા . હવે જલ્દી જલ્દી સાજી થઇ ને લાલા ને લાડ લડાવવા તૈયાર થઇ જા .
શ્રી ઠાકોરજી આપણ ને સૌને એમના ચરણ માં રતિ ગતિ અને મતી આપે એવી વિનંતી.
લી . મોટી બેન ના શુભાશિષ .ઘર માં સર્વે ને અમારા સૌ ના વંદન સહીત ભગવદ સ્મરણ .
સર્વે વૈષ્ણવો ને અમારા પરિવાર ના જય શ્રી કૃષ્ણ .