દિવાલ ઉપર તસવીર બનીને ગોઠવાઈ ગયેલી ‘મા’ હવે નિઃશબ્દ છે, સવાર સવારમાં એના ખાંસવાનો અવાજ હવે મને ઊંઘમાંથી જગાડતો નથી; ને છતાંય મારી ઊંઘ હવે વહેલી ઊડી જાય છે?!
રસોડામાં વખત કવખતે થતો વાસણોનો અવાજ પણ હવે બંધ થઈ ગયો છે,
ને સાથે જ બંધ થઈ ગઈ છે મને પીરસાતી ભાવતી વાનગીઓ પણ ;
ગમે તેટલાં થાકોડા છતાંપણ જમાડતી વખતે નેહભરીને નિહાળતી એ આંખો હવે ક્યાં?
એના વ્યક્તિત્વના કેટકેટલાં પાસા, કેટકેટલાં રંગો ને કેટકેટલી છટાઓ !
દરેક એકમેકથી ભિન્ન ને છતાંય સંલગ્ન….!
હવે તો એજ યાદોને વાગોળ્યા કરવાની આ શેષ રહેલી જિંદગીભર.
બેસણામાં એક વડીલ ડોશી પ્રેમપૂર્વક કહી ગઈ હતી,
“તારી મા જિદ્દી, ખડ્ડુસ, વરણાગી ને શોખીન હતી;”
હવે દીવાલ પરની એ તસવીરને પૂછવાનું મન થાય છે, “હેં મા, ખરેખર?”
એના કમરામાં અગરબત્તીની સુવાસ મધ્યે જગજીતની ‘હે રામ’ ની વાગતી ધૂનમાં
એનો જવાબ મને નથી મળતો- નથી જ મળવાનો;
ને મને ખબર છે હું આમ જ એની નિઃશબ્દ તસવીરને પૂછતો રહેવાનો, પૂછતો રહેવાનો.
* તા. ૧૩-૦૯-૨૦૧૩ ને શુક્રવારના દુર્ગાષ્ટમીના પવિત્ર દિને મને છોડીને સદાયને માટે આધ્યશક્તિરૂપ પરમ તેજમાં વિલીન થઈ ગયેલ મારી ‘મા’ ને શબ્દાન્જલિ સ્વરૂપે…. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ….









