(39) એક વિજોગણનું વરસાદી ગીત

વેરણ આ વરસાદે વ્હાલ એવું વાવ્યું,
ને પછી કાંટો કોળ્યો એવો તે કેળ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

છાપરેથી નેવે ને પાછલી પછીતે,
પછી વહેતું નસનસમાં કેવું તે ઘેન;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

ઉંબરે ઉભીને નિત નેજવે નિહાળું,
ત્યાં તો વાગે એવી આ રેલમછેલ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

વેરણ તે વીજળી સબ સબ સબૂકે,
ને તૂટે કમખાની કસો મારી કવેળ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

ગામને પાદર તે ઓલો મોરલો ગેહૂકે,
ને સીમમાં પોકારે વરણાગી ઢેલ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

કાંબિયું ભરેલ હાથે મેંદીનાં થાપણાં,
ને હૈયે તે છલકે હેતભરી આ હેલ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

ઓસરીથી મેડીએ ને મેડીએથી ઢોલિયે,
જંપે જરીયે ના જાગતલ આ નેણ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

આવતાં જો નિરખું તો લાપસી ધરાવું,
કે માડી રાખજે તું મારું એક વેણ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

વરણાગી વરસાદે વ્હાલ એવું વાવ્યું,
ને પછી કાંટો કોળ્યો કેવો તે કેળ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

નોંધ: હજુ તો જેનાં હાથની મહેંદી પણ નથી ભૂંસાઈ એવી નવોઢાને વરસાદ વેરણ લાગે છે કારણકે એનો પિયુ પરદેશ છે. પિયુએ આવવાનું કહેણ તો મોકલાવ્યું છે પણ હજુ તેની પધરામણી થઈ નથી. વ્યાકુળ એવી નાયિકા રાત્રે ઉંઘી પણ નથી શકતી. વીજળીનાં સબાકા ને કામદેવનાં બાણ એને પરેશાન કરે છે. જો પિયુનાં દર્શન થાય તો માતાજીને લાપસી ધરાવવાની મનોકામના પણ એ વ્યક્ત કરે છે. વિરહવેદનાથી પીડાતી આ ગ્રામ્યનારીની વ્યથાને અહીં ગીતરૂપે રજુ કરવાનો પ્રયાસ મેં કર્યો છે.

This entry was posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક. Bookmark the permalink.

2 Responses to (39) એક વિજોગણનું વરસાદી ગીત

  1. Bharat Gadhavi's avatar Bharat Gadhavi says:

    વાહ…..દેસાઈ સાહેબ વાહ્…. ભાવ ગીત માંય તમે તો મેદાન મારી ગયા…..અદભુત રચના…..!!!!!

    • આભાર ભરતભાઈ. આ ભાવગીત, જેમ મારી સાથે ઘણીવાર બન્યું છે તેમ, ફક્ત દસ જ મિનિટમાં રચાઈ ગયું હતું. અને તે પણ રાત્રે બે થી ત્રણના ગાળામાં.

Leave a Reply