Monthly Archives: સપ્ટેમ્બર 2010

વિદ્યાર્થીકાળનો ‘મોટા’નો સંઘર્ષ

મને મારા વડોદરાના કોલેજજીવન કાળનો એક પ્રસંગ યાદ આવે છે. મેટ્રિક તો સારા ઊંચા માર્ક્સથી પાસ થઇ ગયો. પેટલાદ હાઇસ્કૂલમાંથી પાસ થયો હતો અને તેનું ઇનામ પણ મળ્યું હતું. એટલે કોલેજમાં દાખલ થવાનું પ્રભુકૃપાથી બન્યું. જેમની મદથી કોલેજમાં ભણતો હતો તેમની રકમ ઓછામાં ઓછી વપરાય તે મારા માટે ઉત્તમ ગણાય, એવી ભાવના તો તે કાળે પણ જીવંત હતી. વડોદરા કોલેજમાં ભણવાનું તો થયું પણ રહેવું કયાં ? એ એક પ્રશ્ન હતો. ત્યારે (ગુજરાતના પંચમહાલ જિલ્લાના) કાલોલ ગામના એક નાગરભાઇ વડોદરા કોલેજના ‘ફેલો’ થયા હતા. કાલોલ ગામમાં મારુ રહેઠાણ હોવાથી અને જે સમયમાં હું ત્યાં રહેતો હતો ત્યારે ઘણોખરો વખત મારો નાગરવાડામાં જ જતો, તેથી અને જેનું તેનું સોંપેલું કામ આનંદથી કરતો તેથી, મારા પર બધાની હમદર્દી પ્રગટેલી હતી. મેં પેલા ‘ફેલો’ થયેલા ભાઇને વિનંતી કરી કે મને તમારા ઓરડામાં કૃપા કરીને રહેવા દો, હું ઓરડાની વ્યવસ્થાનું બધું કામકાજ સંભાળી લઇશ. તેમણે વિનંતી સ્વીકારી અને ઓરડામાં રહેવાનું નક્કી થયું. એ કાળે તે હૉસ્ટેલનું નામ ‘રેસિડન્સી હૉસ્ટેલ’ હતું. કોલેજથી હૉસ્ટેલ તરફ આવતા જ્યાં મેદાન છે અને ક્રિકેટ રમાય છે, તેની સામે જ આ હૉસ્ટેલ હતી.
હવે રહ્યો માત્ર જમવાનો પ્રશ્ન. એ વખતે હૉસ્ટેલના રસોડે એક માસનું જમવાનું ખર્ચ રૂ।.૨૩-૨૪ આવતું. મારા માટે તેટલું યોગ્યપણે ખર્ચવાની શક્યતા નહોતી. જો કે એટલું ખર્ચ્યું હોત તો મને મદદ કંરનાર વ્યક્તિ પ્રેમથી એટલી રકમ જરૂરથી મોકલત. મેં તો વિચાર્યું કે ઓછામાં ઓછા ખર્ચે પ્રભુકૃપાથી જેટલું નભાવાય તેટલું ઉત્તમ. એટલે મેં તો એક ઉપાય શોધી કાઢ્યો. વડોદરા શહેરની મધ્યમાં માંડવીની પેલી બાજુ ચાંપાનેર દરવાજા બાજુ જતાં ડાબા હાથ તરફ એક વૈષ્ણવની હવેલી આવે છે. એક વાર મારી બાની સાથે નાનપણમાં હૂં ગયેલો, તે મને યાદ હતું. તે મંદિર ખોળી કાઢ્યું. ત્યાંના મુખિયાજીને મળ્યો અને પગે લાગ્યો. મેં કહ્યું કે હું કોલેજમાં રહું છું અને રોજ ભગવાનનો પ્રસાદ જમવો છે, કૃપા કરીને મને રોજ એક પતરાળી આપવાનું કરો તો આપનો મોટો ઉપકાર. તેમણે હા પાડી. એની કિંમત હતી માત્ર દોઢ આનો. ખાવાનું તો તદ્દન ચોખ્ખું, પાછુ ચોખ્ખા ઘીવાળું. રોજ સવારમાં વહેલો કોલેજની હૉસ્ટેલમાંથી નિકળી ફૂટપાથ ઉપર વાંચતો વાંચતો ચાલું. અઢી માઇલ જવાનું અને અઢી માઇલ પાછા આવવાનું. મંદિરે જઇને નાહી લઉં અને પતરાળી જમીને પાછૌ ફરી જઉં. ત્યારે પણ ફૂટપાથ ઉપર વાંચતો વાંચતો ચાલ્યા કરું. આ હતો મારો કાર્યક્રમ. પહેલા સત્રમાં તો આમ પ્રભુકૃપાથી બરાબર ચાલ્યું. પરંતું આ હકીકત મારા આધ્યાત્મિક માં(પ્રભાબા)ના ધ્યાનમાં આવતા મને તેમણે તેમ ન જ કરવા દીધું. તે તેમનો મારા પર કેટલો બધો પ્રેમ !
વળી હૂં હૉસ્ટેલમાં રહેતો હતો ત્યારે તેમાં જે નાગર વિદ્યાર્થીઓ રહેતા હતા, તે બધાનુ એક ચાની ક્લબ હતી. રોજ તેમને માટે હૂં પોતે ચા બનાવતો. બેત્રણ વાર દિવસમાં તે બનાવવાનું થાય.એ જો કંઇ કામ સોંપે તો તે પ્રેમથી કરતો. એ બધા ભાઇઓનો મારા પર ખુબ પ્રેમ હતો.
આજે તો સ્વજનોને પોતાનું કામ કરતા કરતા દિલમાં સુખ ઉપજતું નથી અને કદીક કદીક તો કંટાળો પણ આવે છે. વારંવાર કામ ચીંધવાનું થતા સ્વજનનું મન બળવો પોકારે છે. આ બધા લક્ષણો જીવનના ખમીરના નથી. પ્રભુકૃપાથી અમે જેમ જે રીતે જીવનમાં વર્ત્યા છીએ અને તેમ વર્તવાથી જીવનમાં અમને જે મળ્યું છે, તે તમને પણ મળો એવી અમારી તમારી પરત્વેની દિલની અભિલાષા છે. પરંતું તે કાચાપૅચા અને ઢીલા થવાથી તો કદી નહીં મળી શકે. તમારે બધાને તો ક્યાં પારકાનું કામ કરવા જવાનું છે ? મારે તો ઘણા ઘણા જણનું મારા ભણવાની સાથે કામ કરવાનું થતું.

Categories: પૂજ્ય શ્રી વિષે જાણવા જેવું... | Leave a comment

‘મોટા’નું સ્વરુપ

 તમારો તા.૨૩/૧૧/૧૯૪૮નો કાગળ મળ્યો છે.  માનવીમાં જીજ્ઞાસા,સંકલ્પ એવી વ્રુત્તિઓ કુદરતી પણે છે. જે જે जीवને આ માર્ગની જીજ્ઞાસા જાગેલી છે, તે મિથ્યા થઇ શકતી નથી, કારણકે જેને જે જાતની જીજ્ઞાસા જાગે છે, તે તે જાતની પ્રવ્રુત્તિઓ કર્યા વિના ત્યાં રહી શકતો નથી. જેનો સંકલ્પ જેટલો ઉત્કટ તેટલો તે પ્રાણવાન અને વેગવાન પણ બને છે. આધ્યાત્મિક માર્ગ પરત્વેનું કરેલું કે થયેલુ સાધન जीवને તેની તે જ દશામાં પડી રહેવા દેતુ નથી અને એમ તો સંસારની,વહેવારની કે વ્યાપારની કરેલી પ્રવ્રુત્તિ પણ जीवને તે જેમ હતો તેમને તેમ રહેવા દેતી નથી. સાધનાનો અભ્યાસ જેટલો સતત જીવતો બનતો જાય, તેમ તેમ जीवપણું ઓગળતુ જાય, અને મન જ્ઞાનભક્તિયોગથી પલળવા માંડે.
 પૂજ્યશ્રી સ્વામીજીની સેવા બાબતમા તમે લખ્યુ છે, તે યથાર્થ છે. તેમાં આનાપાઇનો હિસાબ કરવાનો ના હોય.પ્રભુકૃપાથી હું કોઇની કોઇ સાથે સરખામણી કરવામાં યોગ્યપણું જોતો નથી. પ્રત્યેકમાં પ્રકૃતિ-પુરુષ અભેદ્યભાવે છે, તેમ છતા પ્રત્યેકનામાં વિવિધતા રહેલી છે.તેથી, પ્રત્યેકની વિશિષ્ટતા પણ હોવાનો સંભવ. અમુક જ સંપુર્ણ યોગ્ય છે અને સર્વ સમર્થ અને સર્વશ્રેષ્ઠ છે એવુ આધ્યાત્મિક જીવનના ક્ષેત્રમાં હોતુ નથી. વળી મને પોતાને હુ સંત માનતો પણ નથી. કોણ છુ, એ તો પોતે પોતાને સમજી શકે-જો તેવુ અનુભવવાની જ્ઞાનભક્તિ-યોગપુર્વકની મર્યાદામાં તે આવી શક્યો હોય તો. બાકી સ્વજનો અને પ્રેમી ભાવીક जीवो કંઇક ઉપાધિ(પદવી)આપે ખરા. તેવી સંતપણાની જાહેર ઉપાધિ પૂજ્ય શ્રીમનુ સુબેદાર સાહેબે ‘મનને’ની પ્રસ્તાવનામા ભલે આપી હોય,પરંતુ સંતના પાયાના ચેતનપણાની રજ્નીયે રજ હું પોતે તો નથી. હાલ જેવા સ્વરુપે શરીર છે, એના રંગઢંગ ન્યારા ન્યારા છે. વહેવારની રીતિએ એવું તે બિચારુ પરમ સાધુ સંતોના ચેતનપડખામા કેમ કરીને આવી શકે ? आ जीवને તો સ્વાદ આદિ રસ પણ છે. સંતનુ જે ચેતન છે તે ચેતનના દાસનોએ દાસ બનવાનુ પરમ સદ્દભાગ્ય આપણું હો એ જ પ્રાર્થના છે. તેમ ચેતન ચેતનમા કદી પણ હુ ફરક ગણતો નથી.
 મારે કાજે તમે પ્રેમભાવે ખર્ચવાને તૈયાર હો, તે તમારી મારા પ્રત્યેની સદ્દભાવના છે, એ જ મારા ગરીબના જીવનનુ તો પરમ ધન છે. બાકી, તમે જે કઇ કર્યુ છે, તે જીવનના ભાવના ભક્તિના ક્ષેત્રમા વધારે ને વધારે રંગાવાનું થાય અને વધારેમા વધારે તે દીશામા એકરાગપણું પ્રગટે તે જોવાનું અમારુ પણ સદ્દભાગ્ય બને એ તો કોને ના ગમે ? અને ગોદાટી કર્યા કરવીએ તો અમારો પરમ ધર્મ છે. અને “રંગવુ” એ તો અમારો બાપદાદાનો મુળ વ્યવસાય પણ છે. એટલે જે જે પ્રભુકૃપાથી સ્વજનો મળ્યા છે, તેમને ભાવમા ભાવથી રંગાયેલા જોવાનું સદાય દીલમા રહ્યા જ કરે છે.
 જગતમાં અને જીવનમાં પ્રેમભાવે કરેલું હોય કે કઇક કશા અન્યભાવે કરેલું હોય-તે ભાવે અને તે રીતે તે જીવનમાં ઉગતુ જ હોય છે, એવુ વિજ્ઞાનશાસ્ત્ર છે. એટલે પ્રયત્નનુ ફળ તો છે જ.આમ, એ બાબતમા નિશ્વિંતતા સેવવાની હોવા છતાં હદયમા તે માર્ગ પરત્વેની જેટલી ઉત્કટમા ઉત્કટ વ્યાકુળતા પ્રગટે ત્યારે તે માર્ગ પરત્વેનો પ્રયત્ન પણ સહજ સરળ બની જતો હોય કે એવા પ્રકારની સહજ વ્યકુળતા પ્રાપ્ત થતાં પછી પ્રયત્ન કરવા પડતા નથી. એ તો થયા જ કરે છે. એવી ભાવના ભક્તિયુક્ત વ્યાકુળતા જાગતા પુરુષાર્થ તો સહજ સિધ્ધ થઇ જાય છે. જે અંગેની વ્યકુળતા જાગે છે તેના પરત્વેનું તલપાપડપણું અને તાલાવેલી હદયમા જગાડીને એની સાથે આપણા મન,ચિત્ત,પ્રાણ,મતિ,અહમ અને હદય-એ બધાને સદાય તે જોડેલા રખાવે છે.
 કદાચ કોઇ जीवથી તેટલી હદ સુધી ભલે ન જઇ શકાયું તો પણ કોઇ સંત હદયમા એ जीवનો થયેલો રાગ અને તે પણ જો સજીવપણે થયેલો હોય, તો जीवનો તેવો રાગ પણ એ जीवને ઊંચે લઇ જવાને સમર્થ બને છે. કિંતુ એવા રાગના ઉચ્ચ ગતિના પરિણામ जीव કદીક તો આ જન્મના જીવનમા દેખી શકવાને શક્તિ વાળો બનતો નથી. જોકે, એવા जीवના બાહ્યાચરણ ગમે તેવા હોયતો પન તેવો जीव ભાવનાના એત્રમા નવો જન્મ ધારણ કર્યા વિના રહી શકતો નથી.એપણ એટલુ જ સાચુ છે. વધારે તો શું લખું ?
-પૂજ્ય શ્રીમોટા

Categories: પૂ.શ્રીની પત્રપોથી | Leave a comment

પ્રભુના નામ પર

પ્રભુના નામ પર શો, બધો વ્યવહાર ચાલે છે !
બધી સગવડ અમારી તું, જરૂરી પુરી પાડે છે !

પતિતનો તુજ સમો બીજો, ન કો ઉગારનારો છે;
ગરીબનો પક્ષ લેનારો, ખરેખર એકલો તું છે !

ચરણનો એકલો માત્ર, જીવન જેને સહારો છે;
નિરંતર દિલ ભજે તેની પુરી સંભાળ શુ લે છે !

બધે જેમાં અને તેમાં, અમારો આશરો તુ છે;
સતત તુજને ટીકી ટીકી નજર માંડેલી તુજ પર છે !

Categories: પદ્યપ્રસાદી | Leave a comment

જીવતો આશ્રમ-૨

તાત્પર્ય કે આપણી સૌની માનસિક ભૂમિકા ઊંચે આવે તેટલા પ્રમાણમાં જીવતા આશ્રમના મિનારા ઊંચા જણાય. સામાન્ય રીતે આપણા બધા કાર્યોની પાછળ આપણા મનના વિચારો અને વૃત્તિના વલણો મર્યાદિત અને નિમ્નગામી હોય છે. આથી આપણાથી થતા કામો પૂરા થયેલા ભાસે છે, પરંતું એ કામ દ્રારા જે ‘આંતરિક કર્મ’ સધાવું જોઇએ એ બાકી રહે છે. પરિણામે પાયો જ કાચો રહે છે. એટલા માટે શ્રીમોટાએ ઉચ્ચ વિચાર ભાવ વાળી માનસિક ભૂમિકા કેળવવાનું સૂચવ્યું છે.
માનસિક ભૂમિકા ઊંચે લાવી શકવાનો તેઓશ્રીએ આપણને રસ્તો પણ બતાવ્યો છે. આપણે તેઓશ્રીના ‘હદયમાંના હદયથી’ બનવાનો પુરુષાર્થ કરવો જોઇએ. તેઓશ્રીના ‘હદયમાંના’ એટલે તેઓશ્રીનું હદય પૂર્ણ પુરુષોત્તમ બન્યું છે, એવા તત્વમાંના આપણે બનવાનું છે. મતલબ કે આપણે પ્રભુના જ છીએ, આંતરીક અવસ્થા પ્રભુરૂપ છે, એમ સ્વીકારવાનું છે. પરંતુ આ હકીકતને માત્ર મન અને બુધ્ધિથી સ્વીકારીને બેસી રહેવાનું નથી, પરંતુ એના અનુભવ માટે મંથન થવા દેવાનું છે. માટે હદયથી એ મંથન થાય એ જ આવશ્યક છે. આમ, આપણે ‘હદયથી’ તેઓશ્રીના ‘હદયમાંના’ બની રહીએ ત્યારે જ આપણને ‘સાચુ જ્ઞાન’ થાય કે આપણે જેને વળગેલા છીએ એનો હેતુ શો છે. આમ, શ્રીમોટાના હદયરૂપ પરમાત્મા સાથે આપણે ‘હદયથી’ જોડાઇ જઇએ. આમ કરવાથી આપણી ભૂમિકા ઊંચે આવતી જાય. માત્ર શ્રીમોટા સાથે દિલથી વળગી રહેવાથી અને શા માટે વળગ્યા છીએ એનું જ્ઞાન રાખીએ તો માનસિક ભૂમિકા જરૂર ઊંચી આવે. આ રીતે તેઓશ્રીએ માનસિક ભૂમિકા ઊંચે આણવાની ગુરુચાવી આપી છે. આવા પ્રકારના આપણા મંથન અને પુરુષાર્થથી આપણામાંના પ્રાકૃતિક વલણો તથા રાગદ્રેષાદિ પણ જેમ જેમ મોળા પડતા જાય તેમ તેમ આપણામાં સાત્વિક ભૂમિકા ખીલવા માંડે. પરિણામે આપણામાં આકાશભૂમિકા બંધાય.
આથી, શ્રીમોટા લખે છે કે,’જો તે (સ્વજન) સાચેસાચું આકાશ ભૂમિકાનું બની જાય તો તેના દ્રારા પ્રકાશ ફેલાવાનું પ્રભુનિર્મિતકાર્ય કેટકેટલું થઇ શકે ! કેટકેટલું થવાની શકયતાઓ પડેલી છે અને ભરેલી છે ! શ્રીપ્રભુકૃપાથી જે સ્વજન એવી ભૂમિકાવાળાં બને છે, તે જ મારે મન તો સાચો આશ્રમ છે.’
શ્રીમોટા-‘પૂર્ણપુરુષ’ રૂપે પ્રગટ્યા. એ પ્રાગટ્ય જ્ઞાન-પ્રકાશ ફેલાવવાના પ્રભુનિર્મિત કાર્ય માટેનું છે. આવું કાર્ય એ આપણા સૌ મારફત થવાનું છે. આથી, તેઓશ્રીએ આપણને આ પ્રમાણે કેળવવા સૂચવ્યું છે. આપણે સૌ પ્રભુ કાર્યના નિમિત્તો હોવાથી આપણા સૌની જવાબદારી ઘણી મોટી છે. શ્રીમોટાનો જે સ્વજન આવી ભૂમિકાવાળૌ બને એ શ્રીમોટાનો સાચો આશ્રમ છે.
આથી, આપણે સૌએ ઉપર સૂચવ્યા મુજબની ડિઝાઇન પ્રમાણે આપણામાંથી સાચા ‘હરિ:ૐ આશ્રમ’નું નિર્માણ કરવાનું છે.

Categories: હરિ:ૐ આશ્રમ | Leave a comment

સમર્પણ

એને સમર્પતા એવું આઠે કોઠે હદે થશે,
ભાવ આનંદ, એવાનું તે સમ્ર્પવું યોગ્ય છે.

બેળેબેળે સમર્પેલુ, સમર્પેલું ગણાય ના,
એવા સમર્પવામાંથી ફળે જીવન ના કદા.

કર્મયે કરવાનું તે પ્રભુના ભાવ કાજ સૌ,
બીજો ખ્યલ રખેને ત્યાં ના પેસી કો ઘટે જવો.

એવું કર્મ કશું બીજું જે જે કૈ કરતા જ હો,
एને કાજે કરીને સૌ સમરર્પ્યા તે બધું કરો.

બુધ્ધિથી માત્ર કે’વું તે, કે તેવું મન બોલવું,
–કામના ના આપશે યોગ્ય, એવું અર્પેલું આપણું;

જેના સમર્પણે પૂરી ભાવના ઉરની ઊંડી
–તદાકારપણે છે ત્યાં અર્પેલું યોગ્ય તે ચહી.

Categories: પદ્યપ્રસાદી | Leave a comment

આત્મહત્યા કરવા નર્મદાના શરણે !

પુજ્ય શ્રીમોટાનો આ પ્રસંગ સહુ સજનોને પ્રેરણાદાયી થઇ રહે તેમ છે. તે વાંચીયે.
ઘણી-ઘણી દવાઓ કરી પણ મોટા ભાઇને મટ્યુ નહી. આખરે એક દિવસ સૌને વિલાપ કરતા મુકી તેમણે વિદાય લીધી. ઘરનો મુખ્ય માણસ મરણ પામે તેથી સહુને લાગી આવે તે સ્વાભાવિક છે. શ્રીમોટાને માથે આથી મોટી જવાબદારી આવી પડી. અત્યાર સુધી તો શ્રીમોટાને મન એમ હતુ કે મોટાભાઇ સારા થશે એટલે કમાનારા બે જણા થઇશુ અને પછી માંદગીનું દેવું વાળી દેતા વાર નહી લાગે. પણ આ તો ઉલટૂ થયું.
ભાઇ જતા દેવું વાળવાનું પણ માથે આવ્યુ અને ઘરનું ખર્ચ પણ માથે આવ્યું. ‘આ બેવડો બોજો મારાથી કેમ ઉઠાવાશે ?’ એ ફીકરે શ્રીમોટાને ભારે ચિંતામાં નાખી દીધા. એમાથી શ્રીમોટાને ફેકરાનો રોગ થયો. તેને કારણે તેઓ ઠીક-ઠીક મુશ્કેલીમાં મુકાઇ ગયા.
ફેકરાના રોગને કારણે કોઇ વાર શ્રીમોટા ચાલતા-ચાલતા પડી જતા, તો કોઇ વાર શાળામાં ભણાવતા-ભણાવતા ઢળી પડતા. કોઇ વાર કઇ કામે ગયા હોય અને જાહેર રસ્તા પર તેઓ પડી જતા. તેમની પાસે થેલીમા કઇ વસ્તુઓ હોય તો વેરવિખેર થઇ જતી. સદ્દભાગ્યે કોઇ જતા આવતા સ્વજન તેમની દશા જોઇને તેઓ શુધ્ધીમા આવે ત્યા સુધી ઉભા રહેતા અને આ રીતે રક્ષણ મળી રહેતુ.
રોગ મટાડવા માટે ઘણી દેશી તથા વિલાયતી દવાઓ કરી પણ રોગ મટ્યો નહી. છેવટે ફેકરાના રોગથી એટલા બધા કંટાળી ગયા કે તેમણે જિંદગીનો અંત આણવાનું નક્કી કર્યું. તેઓ નર્મદા કીનારે ગયા. નર્મદામૈયા સૌને શરણું આપે છે તો મને શા માટે નહી આપે તેવો વિચાર મનમા કર્યો. ચાલતા ચાલતા તેઓ ગરુડેશ્વર તરફ આગળ વધ્યા. રસ્તામાં એક ઉંચી ભેખડ આવી. તેના પરથી જોયુ તો નર્મદામૈયા ગંભીર રીતે વહી રહ્યા હતા.
શ્રીમોટાએ વિચાર કર્યો, “એક જ ક્ષણમાં નર્મદામા પડીશ અને આ શરીરનો અંત આવી જશે અને શરીર જ નહી રહે પછી ફેકરાનો રોગ ક્યાથી રહેવાનો ?’ પછી તો શ્રીમોટાએ નર્મદાના જળમા કુદકો માર્યો. ધબાક કરતો અવાજ થયો અને શ્રીમોટા જળમાં ઊંડા ઉતરવા લાગ્યા. પણ આ શુ ? શ્રીમોટાના પગ જ્યા નર્મદાના તળને સ્પર્શ્યા ત્યા પાણીનો એક ઉછાળો આવ્યો અને તેઓ ઉચકાયા. પાણીમા અંધકારને બદલે તેમની આસપાસ જાણે જળહળ જ્યોતીનો ભાસ થયો.
શ્રીમોટાએ આત્મહત્યા કરવા માટે જ નદીમા કુદકો માર્યો હતો, પણ કુદરતને એ વાત મંજુર ન હતી. કુદરતે તેમને માતે કોઇ કાર્ય નિર્માણ કર્યુ હતુ, તે થયા વિના એમને ક્યાથી જવા દેવાય ? નર્મદજીના ઉછળતા મોજાએ શ્રીમોટાને કીનારે લાવીને મુકી દીધા. શ્રીમોટા ગયા હતા તો મરવા માતે પણ બચી ગયા ! ખરી રીતે તો આ એક ચમત્કાર જ હતો. પણ આ કેમ બન્યુ તે એ વખતે શ્રીમોટાને સમજાયુ નહી.
ઇશ્વર કેવો દયાળુ છે ? આપણે તેને ભૂલી જઇએ પણ તે આપનને ભૂલતો નથી.

Categories: પૂજ્ય શ્રી વિષે જાણવા જેવું... | Leave a comment

શ્રેય તે વરે

નિંદ્યમા નિંદ્ય હો કર્મ, તેમાંયે શુભ તારવી,

કલ્યાણભાવના પોશ્યા જે કરે, શ્રેય તે વરે.

કર્મ આ સારુ કે ખોટૂં એવુ ત્યા ન વિચરવુ,
શુભ ત્યાં ભાવના પેખી તે રીતે કરવુ રહ્યુ.

વૄત્તિઓ ના થવા દેવી યદ્દાતદ્દાપણે ત્યહીં,
સધાયે હેતુ જે રીતે કરો તે રીત તે પૂરું.

હતું અંધારુ તેથી તો ઘેર શો દિવડો થયો !
ભૂલ્યો’તો હું તને દિએ રાત્રીથી ઓળખી લીધો.

હવે જાણી ગયો છુ કે ઉર શુ આટલુ બધું,
-કોની તે દિવ્ય લીલાથી હીડોળે હીંચકી રહ્યું !

પ્રભુના ગૂઢ હેતુને મૂર્ખ પામર માનવ
-પામી શકે કૈ રીતે ? હૈયે તે જો રહે જડ.

દેખે, છતાં ન દેખે છે પોતાની આસપાસનું,
જણાશે ક્યાંથી એવાને મહત્વ પછી કોઇનું ?

નરી આંખે બધું જોયું જેનું ધ્યન થવાપણું,
એવાને બાંધવાના તે વિચારો કરવા વૄથા.

લૈ તે ભાગ્ય એનું જે એ તો જન્મેલ આ જગે,
આપણે સાચવીશું જો આપણું, યોગ્ય સૌ થશે.

સાચવી સાચવી તે સાચવી શકીશું બધું ?
આપને શું થૈ બેથા કર્તાહર્તાય સર્વનાં ?

ક્ષણ એક પછી કેવું જીતી તે શકીશું ભલા !ી
એની તો જાણ ન કૈ છે,-શું કરો પછી વેતર્યાં !

Categories: પદ્યપ્રસાદી | Leave a comment

‘મોટા’ ઉડતી નજરે…

શ્રી મોટા એટલે કે ચુનીલાલ આશારામ ભાવસારનો જન્મ સાવલી ગામે ઈ. ૧૮૯૮ના સપ્‍ટેમ્બરની ચોથી તારીખે થયો હતો. દાદા ભાઈચંદ ભગતે પૌત્રજન્મની ખુશાલીમાં ગોળધાણા વહેંચ્યા હતા. રંગાટી કાપડની પેઢી ધમધોકાર ચાલતી અને કુટુંબ સમૃદ્ધ હતું. પણ ભાઈચંદના મૃત્યુ પછી પરિસ્થિતિ કથળી. પેઢી અને મકાન છોડી સૌ કાલોલના નાના મકાનમાં રહેવા લાગ્યા. પૂજ્ય વડીલના પર્યાય તરીકે સૌ એમને ‘મોટા‘ કહેતા અને પછી તેઓ ‘મોટા‘ તરીકે વિખ્યાત થયા.

સુખનો સૂરજ આથમી હવે પરિવાર પર દુઃખનો અંધકાર ઘેરાવા લાગ્યો. આઠ વર્ષના ચુનીલાલે પણ કામ કરી પૈસા રળવાનું ચાલુ કરી દીધું. દિલચોરી વિના કામ કરે. નાનો છોકરો માની કેટલાક પૂરતી મજૂરી ન આપે પણ કામમાં કમી ન આવે. નાનપણથી જ પરિશ્રમનો મહિમા અને પ્રામાણિકતાનું ગૌરવ એમના જીવનમાં વણાઈ ગયાં હતાં.

આ જ અરસામાં એમણે અભ્યાસ ચાલુ કર્યો. સમજશક્તિ અને સ્મૃતિ બંને સતેજ હતાં. પણ આગળ અભ્યાસની ફી ભરવાનાં નાણાંની મુશ્કેલી. શાળાના આચાર્ય અને ઇન્સ્પેક્ટરને વાત કરી, શાળાનુ; કામ કરી પૈસા મેળવ્યા અને માત્ર દોઢ વર્ષમાં પછીનાં ચાર વર્ષનો અભ્યાસ પૂરો કર્યો. આગળ ભણવાની ઇચ્છા ખરી પણ પૈસા નહિ. માબાપે પણ ઇચ્છયું કે છોકરો કમાતો થાય તો સારું. અંતે ગોધરાના એક અનાજના વેપરીને ત્યાં નોકરી મળી. વેપારીએ ઘરાકનું ઓછું અનાજ દેવાનો કીમિયો બતાવ્યો પણ અપ્રમાણિકતા નહિ આચરતાં નોકરી ખોવી પડી. સદ્દભાવીઓની સહાનુભૂતિથી તેમણે ઈ. ૧૯૧૯માં સારાં ગુણાંક પ્રાપ્‍ત કરી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એ જ રીતે અનેક અડચણો વેઠતાં કૉલેજશિક્ષણ શરૂ કર્યું. ઈ. ૧૯૨૧માં ગાંધીજીની અસહકારની હાકલ પડી. કૉલેજ છોડી તે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ગાંધીજીના ‘નવજીવન‘ માં કામ કરી ખર્ચ જોગું મેળવતા. પરંતુ દેશપ્રેમનો જુવાળ ઊભરાતો ગયો. તેવામાં ગાંધીજીએ ગ્રામજનો વચ્ચે બેસવાની વાત કરી. વિદ્યાભ્યાસ છોડી હરિજનકાર્યપ્રવૃત્તિમાં જોડાઈ ગયા.

વ્યક્તિજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટેની એમની પ્રવૃત્તિ પણ ચાલુ હતી. નાનપણથી જ એમને ઈશ્વરભક્તિનું અજબ આકર્ષણ હતું. મોટાભાઈનું અવસાન થતાં કૌટુંબિક પરિસ્થિતિ એટલી વણસી અને વધારામાં વાઈનું દરદ લાગું પડ્યું આથી આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. ઊંચેથી નર્મદામાં ભૂસકો માર્યો પરંતુ નદીનાં ઊછળતાં મોજાંઓએ એમને કિનારે પાછા ધકેલી દીધા. જીવનનો નાશ ઈશ્વરને મંજૂર નથી એમ સમજાયું.

બહાર નીકળતાં એક સાધુએ હરિનામરટણની દવા રોગમુક્તિ માટે બતાવી. ઘેર આવ્યા પછી વાઈથી દાદર પરથી ગબડ્યા ત્યારે તે સાધુમહાત્મા હાજરાહજૂર દેખાયા. મોટાએ પ્રભુનામ સ્મરણની સાધના શરૂ કરી. એવામાં એમને બાલયોગી મહારાજ સાથે ભેટો થયો. બાલયોગી મહારાજે ઈશ્વરમાર્ગે જવાની દીક્ષા આપી. અમુક જગ્યા બતાવી ત્યાં આશ્રમ સ્થાપવા સલાહ આપી. આજે ત્યાં ‘હરિ ૐ આશ્રમ‘ વિસ્તાર્યો છે. ઉપાસની મહારાજ સાથે થયેલી મુલાકાત ખૂબ ફળદાયી નીવડી. ઉપાસની મહારાજ અને સાચા ગુરુ કેશવાનંદજીની આકરી કસોટીમાંથી પસાર થઈ ચરમસિદ્ધિને પ્રાપ્‍ત કરી.

જીવન દરમિયાન મોટાએ કરોડો રૂપિ‍યા એકત્ર કર્યા અને વિવિધ કલ્યાણકામોમાં ખર્ચ્યા. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના એ મેરુ હતા. નાતજાત કે ઊંચનીચના ભેદભાવ વગર સર્વજનહિતાય આરંભાયેલી કલ્યાણપ્રવૃત્તિના મહાયજ્ઞના એ ઋત્વિજ હતા. એમનું નિર્દોષ હાસ્ય અને એમની નિખાલસ વાણી સૌ કોઈને હ્રદયના નિર્મલીકરણ તરફ વાળતી. એમના વિપુલ ગદ્ય-પદ્ય લખાણમાં એમણે નિરાડંબરી રીતે વ્યક્તિજીવનના ઘડતરની અતિ મૂલ્યવાન વાતો કરી છે.

આ તેજસ્વી તપસ્વીએ ઈ. ૧૯૭૬ના જુલાઈની તેવીસમીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી.
(thanks gurjari net)

Categories: 'સાભાર' આયાત કરેલું, પૂજ્ય શ્રી વિષે જાણવા જેવું... | Leave a comment

સમાજનું ઋણ ચુકવો

જીવનમાં જે મળેલું છે તે આપણા બાપનું નથી. ભગવાનનું છે. સંસારમાં લોકો એકબીજાના ખપમાં આવે છે તો આપણે પણ આવવું જોઇએ, એ સ્વીકારીને સમાજનું ઋણ અદા કરવું જોઇએ. પિતૃઓનું ઋણ એમના અધુરા રહેલા કાર્યો પુરા કરીને, તેમ જ દેવોનું ઋણ શુધ્ધ ભાવના સેવીને પુરુ કરી શકાય.
એક વખત પૂ.શ્રીમોટાને પૂ.ધુણીવાળાદાદા કહે, ‘અલ્યા ચૂનિયા, તારે માથે દેવું છે.’ મોટા આર્થિક રીતે ગરીબ પણ માથે ખાસ દેવું નહીં. છતાં ગુરુમહારાજ કહે કે દેવું છે. મોટાએ ખુબ વિચાર કર્યો પણ કંઇ સમજાયું નહીં. તેણે કહ્યું, ‘કોઇના પૈસા બાકી નથી. હવે તમે કહો…’ ગુરુમહારાજ કહે કે,’તુ ખાઇ છે કે નહી ? તો રાંધવા માટે કેટલા લાકડા જોઇએ ? તો કેટલા ઝાડ તે બાળી નાખ્યા ? માટે એટલા ઝાડ ઊગાડ.’
ત્યારથી પૂ. શ્રીમોટાએ ઘણા ઝાડ ઉગાડ્યા હતા. એ પણ ઋણ હતું. અને ફળાઉ ઝાડ પણ ઉછેર્યા. એટલે જેટલા આશ્રમ છે ત્યાં એમ કર્યું. કેટલા ફળ ખાઇએ છીએ ! એટલે જે ફળ ખાઇએ છીએ તે બીજાએ આપણા માટે ઉછેરેલા છે. એટલે આવા અનેક પ્રકારના માથે દેવા છે.
આ જ રીતે સમાજનું ઋણ ચૂકવાય. મોટા પાસે પૈસા નહોતા એટલે તેણે સમાજ પાસેથી એકત્રિત કર્યા અને સમાજને આપ્યા. એક પાઇ પણ અંગત કામમાં વાપરી નથી. તેના ભાઇ ખુબ ગરીબ હતા તેને એક પૈસોય આપ્યો નથી. ઉપરાંત તેમણે લખેલા પુસ્તકોના વેચાણમાંથી જે રકમ એકત્રિત થઇ તે પણ સમાજના કામમાં આપી દીધી હતી.
આપણે પણ જો પૂ. શ્રીમોટાને ગુરુ માનતા હોઇએ તો એમનું સમાજને બેઠો કરવાનું કામ આગળ ધપાવીને ગુરુઋણ ચૂકવીએ. અત્યારથી જ ખંત પૂર્વક લાગી જઇએ. આ માર્ગમાં ‘ચાલ્યા કરે છે’ એ ભાવ નહીં ચાલે. કોઇ પણ સંજોગોમાં એવું કંઇક કરો કે ગુરુજી રાજી થાય. એમની ચેતના શક્તિ આપણી સાથે જ છે. એ તો આપણા દ્રારા કાર્ય કરાવવા માગે જ છે. માત્ર નિમિત્ત બનવાની આપણી તત્પરતા જગાડવી પડશે.

Categories: 'મારે સમાજને બેઠો કરવો છે' | Leave a comment

શ્રીબાળયોગી મહારાજ સાથે મિલન

અમદાવાદ શહેરમાંથી મંગળદાસ ટાઉનહોલ તરફ જતા પુલની શરુઆતમાં જમણે હાથે ત્યારે સાધુના કેટલાક રહેઠાણો હતાં. ત્યાં એક બાળયોગી પધાર્યા હતા. તેમની પાસે ઘણા માણસો એકઠા થાય. તે કંઇ ઉપદેશ કે પ્રવચન આપતા નહીં. તેમની અવસ્થા ઉન્મત્ત હતી. રાત્રે સાબરમતી નદીના પાણીમાં ગાંડા હાથીની માફક મસ્તીથી ઉછળતા અને કૂદતા. શ્રીમાટા અને તેઓશ્રી એક બીજાને પરસ્પર ઓળખે નહીં. છતાં તે ત્યાં જે બધા એકઠા થયા હોય તેને કહે કે ‘નડિયાદથી ચૂનીલાલને બોલાવો. એક વખત નડિયાદના નાનુભાઇ કંથારીયા તેમના દર્શને ગયા હશે. તેમણે આ હકીકત સાંભળી. તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે તે મોટાને કહી સંભળાવી. ત્યારે મોટાએ કહ્યું કે ‘મારે સાધુ સાથે શું નિસ્બત ? મારે કંઇ એમની પાસે જવું-કરવું નથી.’ ત્યારે મોટા એમ પણ માનતા કે આ સાધુ લોકો સમાજની ઉપર આર્થિક રીતે ભાર રૂપ છે-They are economic burden on society-એમ દ્રઢ પણે સમજતા. જોકે પછીથી તેનુ મંતવ્ય જ નહીં તે આખા બદલાઇ ગયા.
ઓળખાણ વગર કોઇ સાધુ મોટાને તેનું નામ દઇને શુંકામ બોલાવે ? તેમાં જરૂર કઇક રહસ્ય હોવુ જોઇએ તેવી દલીલ મોટાના મનોમસ્તિષ્કમાં ઘુમરાવા લાગી. આ વિચારે પછી કેડો જ ન મુક્યો. તેથી મોટા અમદાવાદ ગયા. ત્યારે એટલી ગરીબાઇ હતી કે અમદાવાદ જવાના પૈસા પણ ન મળે. ભાડૂ પેલા નાનુભાઇ કંથારીયા પાસેથી મેળવ્યું અને આમ બાળયોગી મહારાજ અને પૂ.શ્રીમોટાનો ભેટો થયો.
પુજય બાળયોગીજી મહારાજ ચોવીસે કલાક જાગતા રહે. બિલકુલ ઊંઘે જ નહીં. ખૂબ મસ્તી કરે. વાંદરાની જેમ કૂદાકૂદ કરે. મોટાને સમજણ પડે નહીં કે આ શું તોફાન કરે છે. પછી એમણે મોટાને ખુબ ખવડાવ્યું. એક જ દિવસની રજા લઇને આવેલા અને પાંચ દિવસ રહ્યા.
અડધા-પોણા કલાકે થાળીઓ આવે. કોઇક વખત ચાંદીની થાળીઓ આવે. અને એટલા બધા મિષ્ટાન્ન કે વાત ન પૂછો. કહે, ‘ખાજા બચ્ચા, બચ્ચા ખા જાવ.’ ગળા સુધી આવી ગયું પછી મોટા કહે, ‘મહારાજ હવે મારાથી નહીં ખવાય.’ ‘નહીં બચ્ચા ખા જાવ.’ ઓછામાં ઓછું બાર-તેર શેર ખવાયું હશે અને છેલ્લે મરચાની ખીચડી આવી. જીભે લ્હાળા ઊઠે છતાં તે પણ મોટાને પરાણે ખવડાવી.
આ વિશે પૂ.શ્રીમોટા કહે છે કે,’ પછી તે રાતે મને કંઇ વિચાર જ ન આવ્યા. ગુરુમહારાજની સાથે ફર્યા કર્યો. હૂંય પણ ઊંઘુ નહીં. એ દોટ મૂકે તો હુંય દોટ મૂકું. એ છલાંગ મારે…સાબરમતીના પાણીમાં આમ થી તેમ પડે અને હાથી જેમ કરે તેવું તોફાન કરે, તો હુંય એમની પાછળ પડું.’
ચાર દિવસ સુધી આમ ચાલ્યું પછી મોટાને ભાન થયું. પણ ગુરુદેવે રજા ન આપી એટલે વધુ એક દિવસ રહ્યાં. આ દિવસો ભાવાવસ્થામાં જ વિત્યા હતા. વધુ રહેવાય તેમ હતું નહીં એટલે મોટાએ મનમાં સંકલ્પ કર્યો કે બાળયોગી મહારાજ પોતે નડિયાદમાં પધારે અને તેઓશ્રી આ બાબતમાં કંઇક શિખવાડે તો શિખવું તો ખરું. પછીથી મોટાને દિક્ષા મળી તે પ્રસંગ જોઇશું. આ પહેલાના સંસારી અવસ્થાના ઘણા પ્રસંગો છે તે પણ ગુરુકૃપાથી બ્લોગમાં લખીશું સાથે હવે પછીના પ્રસંગો પણ માણીશું.

Categories: પૂજ્ય શ્રી વિષે જાણવા જેવું... | Leave a comment

Create a free website or blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો