Daily Archives: જૂન 19, 2008

જય જય જય ગરવી ગુજરાત

જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત
આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

Categories: લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 1 ટીકા

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

Categories: ગઝલ | ટૅગ્સ: | 1 ટીકા

નયનને બંધ રાખીને

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.

Categories: ગઝલ | ટૅગ્સ: | 1 ટીકા

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

Categories: ગઝલ | ટૅગ્સ: | 1 ટીકા

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જુઠી વાણી વિશે જો દુ:ખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાએ સંગતે રહેજે.

સ્હેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાએ ભલાઇની મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે,
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું?
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.

વફાઇ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે.

બાળાશંકર કંથારિયા

Categories: લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

નૈયા ઝુકાવી મેંતો જોજે ડુબી જાય ના

નૈયા ઝુકાવી મેંતો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો…
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો…
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે

Categories: પ્રાર્થના, લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 1 ટીકા

દીકરીતો પારકી થાપણ કહેવાય

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

Categories: દિકરી વિદાય, લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 1 ટીકા

પાંદડુ લીલું ને રંગ રાતો

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

Categories: લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

નાનપણથી લાડકોડથી ઉછેરીને મોટી કરેલી દિકરીને મોટી થતા જ કાયમ માટે વિદાય આપી દેવી તે પ્રસંગ દરેક આંખોને રડાવી જાય છે,છતા સમાજનો આજ સિરસ્તો છે.આ ગીતમાં દિકરી વિદાયનો પ્રસંગા રડાવી જાય છે.-યોગેશ કવીશ્વર

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

Categories: દિકરી વિદાય, લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

Create a free website or blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો