Daily Archives: જૂન 23, 2008

છેલ્લી પ્રાર્થના -ઝવેરચંદ મેઘાણી

હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું,જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ,તાત!ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભઊંચા આપણા આશામિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા

Categories: પ્રાર્થના, લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 1 ટીકા

એક જ દે ચિનગારી, મહાનલ !

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

-હરિહર ભટ્ટ

Categories: પ્રાર્થના, લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 1 ટીકા

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહ્ લાદ ભરતે.

કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.

પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
– મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા !
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !

– સ્નેહરશ્મિ

Permalink Comments (1)

Categories: પ્રાર્થના, સ્તુતી | ટૅગ્સ: | 1 ટીકા

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી’તી
આજે મંદિરીયામાં આવ્યા મોરી મા
વણઝારી ઝૂલણા ઝૂલતી’તી

માએ પહેલે પગથીયે પગ મૂક્યો
માની પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ બીજે પગથીયે પગ મૂક્યો
માના ગોઠણ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માના સાથળ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ચોથે પગથીયે પગ મૂક્યો
માના કેડ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો
માની છાતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો
માની ડોક સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ સાતમે પગથીયે પગ મૂક્યો
માનો સર્વો સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

Categories: ગરબા, લોકપ્રિય ગીતો | ટૅગ્સ: | 1 ટીકા

Create a free website or blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો