Daily Archives: જૂન 16, 2008

હે કરુણાના કરનાર તારી, કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનાર તારી, કરુણાનો કોઈ પાર નથી;
હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી;
મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા;
મારી ભૂલોના ભૂલનારા….તારી

હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
અવળી સવળી કરનારા….તારી

હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;
વિષનું અમૃત કરનારા….તારી

કંઈ છોરુ કછોરું થાયે, પણ માવતર તું કહેવાય;
શીતળ છાયાના દેનાર….તારી

મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો;
મારી નાવના ખેલનારા….તારી

છે જીવન મારું ઉદાસી પ્રભુ શરણે લે અવિનાશી;
મારા દિલમાંયે રમનારા….તારી

Categories: ભજન | ટૅગ્સ: , | 1 ટીકા

હરિ તારાં છે હજાર નામ! કયે નામે લખવી કંકોતરી?

હરિ તારાં છે હજાર નામ! કયે નામે લખવી કંકોતરી?
રોજ રોજ બદલે મુકામ કયે ગામે લખવી કંકોતરી?

મથુરામાં મોહન તું, ગોકુળ ગોવાળિયો,
દ્વારિકાનો રાય રણછોડ…..કયે

કોઈ સીતારામ કહે, કહે રાધેશ્યામ કહે,
કોઈ કહે નંદનો કિશોર…..કયે

ભક્તોની રાખી ટેક, રૂપ ધર્યાં તે અનેક,
અંતે તો એકનો એક…..કયે

ભક્તો તારા અપાર ગણતાં ન આવે પાર,
પહોંચે ન પૂરો વિચાર…..કયે

નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો,
મીંરાનો ગિરિધર ગોપાળ…..કયે

Categories: ભજન | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

હેતે હરિરસ પીજીએ….

હેતે હરિરસ પીજીએ….

કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર;
કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર.
હેતે હરિરસ પીજીએ….
સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ;
રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર
હેતે હરિરસ પીજીએ….
કેના છોરુ ને કેના વાછરું કેના માય ને બાપ?
અઁતકાળે જાવુ એકલુ , હાઁ રે સાથે પુણ્ય ને પાપ્.
હેતે હરિરસ પીજીએ….
માળી વિણે રુડાં ફુલડાં રે કળીઓ કરે છે વિચાર;
આજનો દિવસ રળિયામણો હાં રે કાલ આપણ શિરઘાત.
હેતે હરિરસ પીજીએ….
થયા તે ત સર્વે જશે રે, નથી કાયા રહેનાર;
મરનારને તમે શું રે રુઓ? હાં રે રોનાર નથી રહેનાર.
હેતે હરિરસ પીજીએ….
દાસ ‘ધીરો’ રમે રંગમાં રે રમે દિવસ ને રાત;
હું અને મારું મિથ્યા કરો , હાં રે રમો પ્રભુ સંગાથ.
હેતે હરિરસ પીજીએ….
ભજન – ધીરા ભગત

Categories: ભજન | ટૅગ્સ: | 1 ટીકા

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે…. – વીજળીને ચમકારે

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય… – વીજળીને ચમકારે

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત – વીજળીને ચમકારે

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ. – વીજળીને ચમકારે

Categories: ભજન | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

Categories: ભજન | ટૅગ્સ: | 1 ટીકા

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી…

Categories: ભજન | ટૅગ્સ: | 1 ટીકા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

Categories: ભજન | ટૅગ્સ: , | 1 ટીકા

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે

નિરખને ગગનમાં….

શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી

નિરખને ગગનમાં….

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે

નિરખને ગગનમાં….

બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો

નિરખને ગગનમાં….

અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

Categories: ભજન | ટૅગ્સ: | 1 ટીકા

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત

Categories: ભજન | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

નાગર નંદજીના લાલ !

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
.. નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
.. નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
.. નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
.. નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
.. નાગર નંદજીના લાલ !

Categories: કૃષ્ણગીત | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

Blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો