Archive for સપ્ટેમ્બર, 2012

h1

ફૂલોની દુનિયા (મુકતકો) part 1

30/09/2012
(૧)
આનંદમાં લહેરાય છે ફૂલોની દુનિયા,
મંદ-મંદ હસી જાય છે ફૂલોની દુનિયા.
‘સાગર’ આ ફૂલોને દુ:ખની ક્યાં ખબર!
નિત નવા પ્રેમે રોપાય છે ફૂલોની દુનિયા.
(૨)
સૂર-સૂરમાં મિલાવે તાલ ફૂલોની દુનિયા.
કણ-કણમાં ફેલાવે વ્હાલ ફૂલોની દુનિયા.
‘સાગર’ આ દુનિયાની જુઓ વિશાળતા,
આ જગમાં માલામાલ ફૂલોની દુનિયા.
 

– ‘સાગર’ રામોલિયા

h1

મીરાં અને હું (ગીત)

22/09/2012

મીરાંને મળ્યો કા’ન, મને અક્ષર મળ્યા,

બંને ધરતાં ધ્યાન, મને અક્ષર મળ્યા.

 

        મીરાં કા’નની પ્રેમદીવાની,

                હું દીવાનો અક્ષરનો;

        બંનેનો તો એક જ ભાવ,

                આનંદ મળે જીવતરનો,

બંને કરીએ ગાન, મને અક્ષર મળ્યા,

મીરાંને મળ્યો કા’ન, મને અક્ષર મળ્યા.

 

        કા’નનાં ગુણ ગાવામાં મીરાં,

                શુદ્ધબુદ્ધ પણ ગુમાવે;

        હું પણ બનું કલ્પનામાં મસ્ત,

                અક્ષરો જ નજરે આવે,

એ વિના જગ વેરાન, મને અક્ષર મળ્યા,

મીરાંને મળ્યો કા’ન, મને અક્ષર મળ્યા.

 

– ‘સાગર’ રામોલિયા

h1

વૃક્ષોને ન કાપો (ગીત)

16/09/2012

(રાગ : યહ દેશ હૈ વીર જવાનો કા)

http://www.youtube.com/watch?v=iPcpKRyZ8_o&feature=plcp

 

હે….. હે….. હે હે હે

આ વૃક્ષો પૃથ્વીની શોભા છે,

કુદરતની રૂડી આભા છે,

આ વૃક્ષોને લોકો…

આ વૃક્ષોને લોકો ન કાપો,

પાણી, ખાતર, રક્ષણ આપો.

 

હે….. હે….. હે હે હે

એ મસ્ત બનીને ઝૂમે છે,

હવાને કેવાં ચૂમે છે,

એ વાદળને નજીક…

એ વાદળને નજીક ખેંચે છે,

ખુશી દુનિયામાં વહેંચે છે.

 

હે….. હે….. હે હે હે

પક્ષીને ઝૂલાવે ઝૂલાથી,

સુગંધ ફેલાવે ફૂલોથી,

એ આપે છે ઠંડક…

એ આપે છે ઠંડક દુનિયાને,

આનંદ મળે છે રુદિયાને.

 

હે….. હે….. હે હે હે

કુદરતનો મિજાજ છે એ,

સંગીતનો રૂડો સાઝ છે એ,

એ રોજ નવાં…

એ રોજ નવાં ગીતો ગાય છે,

સૂરીલી સરગમ છેડાય છે.

 

હે….. હે….. હે હે હે

દુનિયાનાં રક્ષણહાર છે એ,

જીવોનાં તારણહાર છે એ,

એ વૃક્ષોને કદીયે…

એ વૃક્ષોને કદીયે ન કપાય,

દેવોની જેમ પૂજા કરાય.

 

‘સાગર’ રામોલિયા

h1

ચાંદરડું (કાવ્ય)

10/09/2012

એક ચાંદરડું બારીમાંથી ઘરને અજવાળી ગયું,

હું મથ્યો સૂરજ થવા, તોયે ઘરમાં અંધારું થયું.

*

ટમટમતો તારલિયો નાનો, રોજ મારગ ચીંધે,

આગળ વધવા તત્પર થયો, અનેક નજરું વીંધે.

*

પવનની લહેરખી એક, ઘણું બધું ઉડાડી ગઈ,

મેં ફૂંક મારી તણખલાને, મારી જ બૂરી વલે થઈ.

*

એક અંગારો આગનો નાનો, કેવી આગ લગાડી ગયો,

કામ ન આવ્યો હું ક્યાંય, બળી-બળીને ભલે રાખ થયો.

*

પાણીનું બુંદ નાનકડું, તરસમાં કરાવે હાશકારો,

હું ‘સાગર’ ભલેને થયો, સ્વાદ મારો રહ્યો ખૂબ ખારો.

*

– ‘સાગર’ રામોલિયા

 

 

 

h1

નેતા આવ્યા! (રમૂજ કાવ્ય)

02/09/2012

રસ્તાઓ પૂરા કરો બંધ, નેતા આવ્યા!

સુરક્ષાનો કરો પ્રબંધ, નેતા આવ્યા!

*

બસોના રુટ અટકાવો, નેતા આવ્યા!

મુસાફરોને રઝડાવો, નેતા આવ્યા!

*

મેદની ઉપાડી લાવો, નેતા આવ્યા!

ભૂખે-તરસે તડપાવો, નેતા આવ્યા!

*

વિકાસનાં થશે ભાષણ, નેતા આવ્યા!

લોકો કરશે ગણગણ, નેતા આવ્યા!

*

પેકેજથી મલકશે મુખ, નેતા આવ્યા!

હકીકતથી થશે દુ:ખ, નેતા આવ્યા!

*

માનો, આખી છે સરકાર, નેતા આવ્યા!

ભલેને લાગે તીક્ષ્ણ ધાર, નેતા આવ્યા!

*

‘સાગર’ નેતા ઈ તો નેતા, નેતા આવ્યા!

ભલેને ગમે-તેવું કહેતા, નેતા આવ્યા!

*

– (નોંધ : આ રચના રમૂજ માટે લખેલ છે. માથે ન ઓઢવું.)

– ‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો