Archive for જુલાઇ, 2011

h1

યુવાની

30/07/2011

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

ચાપલાવેડા વગાડે છે યુવાની,
લાજ-લજ્જાને ભગાડે છે યુવાની.

મન મસાણે જાય, ચસ્કે જીભ ચોટે,
પ્યાસ બીજામાં જગાડે છે યુવાની.

બાટલીના સંગમાં એવો ઘુમાવે,
ઉકરડો અંગે લગાડે છે યુવાની.

ભટકે છે શેખચલ્લી-શો બનીને,
ગાદલાં તોડી જગાડે છે યુવાની.

ત્યાં અટકચાળે જ ચંપલ ખાય ‘સાગર’,
થોબડો ખુદનો બગાડે છે યુવાની.

– ‘સાગર’ રામોલિયા

h1

ગુંદરની જેમ…

24/07/2011

રહે દૂર ગુંદરની જેમ ન ચોટ,
દૂર રહીશ તો જશે તને ન ખોટ.

બનતો નહિ પાડો, ખાવાની રીતે ખા,
બાપનું ગણીને બધું અન્ન ન બોટ.

રહીશ ડગલે ડગલે છેતરાતો,
સંસારે તારા જેવો ગણાશે ન ભોટ.

ઝાંઝવા પાછળ મૃગ ભાગે એ ખરું,
તું ઝાંઝવું બનીને મૂકીશ ન દોટ.

બલા છે ‘સાગર’ ખરી રાજકારણી,
પણ ભિખારી બનીને માગે ન વોટ.

– ‘સાગર’ રામોલિયા

h1

વિટંબણા

17/07/2011

કોઈને ઝૂંપડી કોઈને મહેલ છે,
આવું બધું દાદાગીરીએ કરેલ છે.

રંગ ન જવાની પ્રભુ ગેરેન્ટી આપે,
તોયે પાવડરથી ઘર ભરેલ છે.

ઈચ્છા હોય તો ભાઈ દોડીને આવજો,
મૃત્યુની અહીં હરરાજી રાખેલ છે.

હવે હડકવાની રસી પણ મળે,
માનવડંખની દવા ક્યાં બનેલ છે.

‘સાગર’ અટવાયો એ વિટંબણામાં,
મારું આ મન આજ કેમ ભમેલ છે?

‘સાગર’ રામોલિયા

h1

ઝંખના (મુકતકો)

10/07/2011

(૧)
પવનની જેમ ફરફરે ઝંખના,
વરસાદીબુંદે ઝરમરે ઝંખના.
‘સાગર’ તને મળીને શીખ્યો એટલું,
વિરહમાં દિલે ઘર કરે ઝંખના.
(૨)
ઝંખનામાં તરફડું, યાદ કરું તને,
હાલતાં-ચાલતાં પડું, યાદ કરું તને.
‘સાગર’ આટલેથી કેમ કરી અટકે?
ઝંખનાના નીરે રડું, યાદ કરું તને.
– ‘સાગર’ રામોલિયા
h1

એક આદમી

03/07/2011


વિધિના વિધાને બેઠો એક આદમી,
પછી પડી જાય હેઠો એક આદમી.

એમના માટે તો નહોતી કોઈ બારી,
તોયે ક્યાંથી આવી પેઠો એક આદમી.

ચાલે નીતિ પ્રમાણે કુદરતચક્ર,
રાખતો કદી ન નેઠો એક આદમી.

ચખાય જાય જુલમી દુનિયામાં તો,
પાપથી થૈ જાય એઠો એક આદમી.

રોકવા છતાંયે ‘સાગર’ ન રોકાયો,
પનારે પડેલો વેઠો એક આદમી.

– ‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો