Posted on ઓક્ટોબર 7, 2011 by KrunalC
10થી પણ વધારે વર્ષોની મારી કારકિર્દીએ મને અમુક બોધપાઠો શિખવ્યા છે. આજે આ બોધપાઠોને અહીં મૂકી રહ્યો છું.
-
જે માણસ જીવનમાં ખૂબ વિચારી વિચારીને ડગલા ભરે છે એ માણસ ફક્ત બાંધ્યુ અથવા સંતુષ્ટ જીવન જીવી શકે છે પણ ક્યારેય દંતકથા સમાન સફળતા નથી પામી શકતો.
-
જીવનમાં સફળતા પામવા માટે મહેનત કરવી જરૂરી છે પણ તમે મહેનત કરતા રહેશો તો તમે સફળતા પામશો જ એ જરૂરી નથી.
-
પરફેક્ટ નોકરી કે પછી પરફેક્ટ કંપની આ બધા માત્ર ભ્રામક શબ્દો છે અને વાસ્તવિકતા ક્યારેય નથી હોતી.
-
જો તમે નોકરી કરતા હો તો તમે તમારા કામને ચાહો પણ જ્યાં નોકરી કરો છે એ કંપનીને ચાહવાની ભૂલ ક્યારેય ના કરવી. જે કંપનીને કર્મચારીઓ પોતાની મહેનત થકી વર્ષો વર્ષ તગડો નફો રળી આપે છે એ જ કંપની ખરાબ સમયમાં 2-3 મહિના પણ કર્મચારીઓને સાચવી નથી શકતી.
-
ક્યારેય એવું ના વિચારવું કે તમે જ્યાં કામ કરો છો એ કંપની તમારા ક્રાંતિકારી વિચારોથી અભિભૂત થઇ જશે અને તમારા વિચારોને અપનાવી લેશે. ક્યારેય કંપની, ત્યાંના કર્મચારીઓ અને નિયમોને બદલવા માટે એક હદથી વધૂ મહેનત ના કરવી. તમને ફાવે તો એ કંપનીમાં રહેવું નહીં તો ટાટા બાય બાય કરી લેવું વધારે સારુ.
-
તમે કોઇ જગ્યાએ કાર્યરત હો અથવા તો તમે પોતાનો ધંધો કરતા હો પણ જો સવારે પથારીમાં ઉઠતાવેંત એવો વિચાર આવે કે યાર આ ક્યાં સવાર પડી, ફરી સવાર પડી અને ફરી કામે જવું પડશે તો સમજી જવું કે તમે યોગ્ય જગ્યાએ કામ નથી કરી રહ્યા.
-
જ્યારે 2500 રૂપિયાની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે 5000 રૂપિયામાં એકદમ પરફેક્ટ જીંદગી દેખાતી હતી અને આજે લાખોમાં કમાવા છતા પણ એ પરફેક્ટ જીંદગી હજી થોડી દૂર દેખાય છે. ટૂંકમાં માણસની રૂપિયાની ભૂખ ક્યારેય ભાંગતી નથી (અને મારા ખ્યાલથી આ ભૂખ ભાંગે નહીં તો જ સારુ)
-
તમારી આંખો અને કાન હંમેશા ખુલ્લા રાખવા. બીજાઓએ કરેલી ભૂલોને જોઇને તેમાંથી શીખવાની વૃત્તિ રાખવી. સૂચનો જે પણ આવે એને સાંભળવા જરૂર પણ એનો અમલ કરવો કે નહીં એ આપણે નક્કી કરવું. સ્ટીવ જોબ્સે કહ્યું હતુ ને કે stay hungry, stay foolish.
-
તમે જે કામ કરો છો તે કામને અને જ્યાં કામ કરો છો એ કંપનીને હંમેશા ઇમાનદાર રહો. આ એક વાતનો અમલ તમને જીવનમાં ઘણે આગળ સુધી લઇ જશે. તમે જ્યાં કામ કરતા હશો એ કોઇ પરફેક્ટ કંપની નહીં જ હોય પણ એના લીધે તમે તમારા કામ સાથે બેઇમાની ના કરશો.
Filed under: રોજનીશી | Tagged: કંપની, કારકિર્દી, નોકરી, બોધપાઠ | 7 Comments »
Posted on ડિસેમ્બર 14, 2010 by KrunalC
NRI માણસ માટે Recharge થવા માટે સૌથી ઉત્તમ સ્થાન ક્યુ હોય? મારો જવાબ છે ઇન્ડિયા. વર્ષ દરમ્યાન ગમે તેટલા મનગમતા અને સારા સ્થળોમાં વેકેશન કરો પણ માદરેવતન જેવું કશું ના હોય. ઇન્ડિયામાં સગા સંબંધીઓને અને મિત્રોને મળવાની, ખાવા પીવાની, હરવા ફરવાની, મોજ મઝા કરવાની અને ડોલરના ત્રાસથી છૂટીને ડોલરમાં કરેલી કમાણીને રૂપિયામાં વાપરવાની મજા અનેરી છે. આ મારા માનવુ છે.
છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે હું દિવાળીમાં અમદાવાદ વેકેશન કરવા ગયો છું પણ આ વખતે પહેલી વાર NRI season એટલે કે ડિસેમ્બરમાં ઇન્ડિયા જઇ રહ્યો છું. દર વખતે લગભગ 3-4 અઠવાડિયા માટે ઇન્ડિયા આવુ છું પણ આ વખતે માત્ર 10 દિવસના સમય માટે ઇન્ડિયા આવવાનું સુખ સાંપડ્યું છે. પણ 10 દિવસ તો 10 દિવસ આ મજાને છોડી શકાય એમ નથી. 17મી ડિસેમ્બરે 8:45 વાગ્યે મુંબઇ પહોંચીશ અને 27મી તારીખે લગભગ આ જ સમયે વિમાનમાં પૂરાઇને ઉડતો ઉડતો સિંગાપોર ચાંગી એરપોર્ટ પર મારા પગ ઘસડતો ઘસડતો પાછો આવી જઇશ. ચાંગી એરપોર્ટ પર જે રીતે પગ ઘસડતો હું પાછો આવુ છું દર વખતે એ જોઇ ખરેખર મને મારી દયા આવતી હોય છે. પણ ડોલર આગળ રૂપિયા કાયમ હારી જાય છે. એ વખતે કાયમ એમ લાગ્યા કરતુ હોય છે કે પાછલી જીંદગી સારી બનાવવાની લ્હાયમાં હું મારા આજને કુરબાન કરતો રહુ છું. જે પણ હોય પણ ધીરે ધીરે આ વિચાર વમળ અને ઇમોશનલ અત્યાચાર ઠંડો પડતો જાય છે અને ફરીથી જીવનની ઘરેડમાં આવી જતો હોઉ છું. કદાચ આનું જ નામ જીંદગી છે. જે છે એની કદર નથી હોતી અને જે નથી એની પાછળ દુ:ખી થતા હોઇએ છીએ.
આ વખતે પાછા આવીને એક નવી ચેલેન્જ લેવાની છે અને એ છે મારા અન્નદાતા બદલવાની 🙂 (એટલે કે નોકરી બદલવાની). યોકોગાવા કે જેણે મને 4.5 વર્ષ સહન કર્યો (જો કે હકીકત જે લખ્યું એનાથી વિરુધ્ધ છે :)) એને બાય બાય કરવાનું ફરમાન આપી દીધું છે અને નવા વર્ષથી નવા અન્નદાતા સાથે શ્રી ગણેશ કરવાના છે. એટલે આ વખતે ઇન્ડિયામાં બરાબર બેટરી ચાર્જ કરવાની છે એટલે આવીને તરત નવી ચેલેન્જને ન્યાય આપી શકાય. નોકરીમાં બદલાવ સાથે જીંદગીમાં પણ થોડો બદલાવ આવશે જે જરૂરી હતો.
તો પછી પાછા આવીને ઇન્ડિયામાં થયેલા અનૂભવો વિશે રોજનીશીમાં “ઇન્ડિયા ડાયરી” વિભાગમાં બીજા પાના ઉમેરીશ.
Filed under: રોજનીશી | Tagged: ઇન્ડિયા, ચાંગી એરપોર્ટ, નોકરી, યોકોગાવા, વેકેશન, સિંગાપોર, NRI | 7 Comments »
Posted on માર્ચ 2, 2010 by KrunalC
યોકોગાવામાં મને કામ કરતા કરતા લગભગ ચાર વર્ષ પૂરા થવા આવ્યા. ગઇ કાલે મને કંપની તરફથી ત્રણ વર્ષથી વધૂ સમય માટે કંપનીની સેવા કરવા માટે પ્રમાણપત્ર અને 100 ડોલર આપવામાં આવ્યા. આજ સુધી કોઇ કંપનીમાં મેં 2-3 વર્ષથી વધારે કામ નથી કર્યું પણ યોકોગાવાએ મારો આ રેકોર્ડ તોડાવી દીધો. સમયાંતરે મને યોકોગાવાને તિલાંજલી આપવાની તીવ્ર ઇચ્છાઓ જાગી હતી પણ એક યા બીજા કારણોસર એમ સંભવ ના થઇ શક્યું. (યોકોગાવાના નસીબ અને મારું કદાચ ખરાબ નસીબ:) ) હું યોકોગાવા ના છોડી શક્યો એનું મુખ્ય એક કારણ આર્થિક મંદી રહ્યું અને બીજું કારણ એ પણ છે કે સિંગાપોરના જોબ માર્કેટમાં માલામાલ કરી દે એવી નોકરીઓ બહુ નથી અને જે છે એમાં મજૂરી વધારે છે. વળી અમુક નોકરીઓમાં હું ત્યાં સેટ થઇ શકું એમ નથી. હજી પણ બીજા છ મહિના મારાથી નોકરી બદલી શકાય એમ નથી એટલે અત્યારે તો થોડા સમય માટે અઠે દ્વારકા 🙂 ગયા અઠવાડિયે કંપનીના કોમ્યુનિકેશન સેશન દરમ્યાન એવા પણ લોકોને સમ્માનિત કરવામાં આવ્યા જેઓ 25-30 વર્ષથી યોકોગાવાની સેવામાં લાગેલા છે. જાપાનમાં તો એવું છે કે તમે કોઇ પણ કંપનીમાં એક વખત જોડાઓ એટલે આખી જીંદગી એજ કંપનીમાં નોકરી કરવાની. મને લાગે છે કે જાપાનમાં placement agency કે જોબ કન્સલટન્ટ જેવું કંઇ હશે જ નહીં.
હું એ વિચારી રહ્યો છું કે મારે આ માટે સમ્માન માટે ખુશ થવું જોઇએ કે દુ:ખી? મને સારુ લાગવા કરતા દુ:ખની લાગણી વધારે થાય છે. યોકોગાવાની જોબે મને જીવનમાં અમુક વસ્તુઓ આપી છે તો અમુક વસ્તુઓથી વંચિત પણ રાખ્યો છે (જેનો ખરખરો અત્યારે નથી કરવો.) 2011માં હું કંઇક ક્રાંતિકારી પગલા લેવાનું વિચારી રહ્યો છું. જોઇએ શું થાય છે બાકી તો હરિ ઇચ્છા બળવાન.
Filed under: રોજનીશી | Tagged: નોકરી, યોકોગાવા, વફાદારી | 7 Comments »
Posted on જૂન 30, 2009 by KrunalC
આજે મારા જૂના ઇમેઇલ મેસેજોમાં ખાંખા ખોળા કરતા મને એક મેઇલમાંથી નીચેનું કાર્ટૂન મળ્યું.
આ કાર્ટૂન આજથી 2-3 વર્ષ પહેલા તેજીના જમાનામાં ખૂબ સૂચક હતું. આપણા બાપ દાદાના જમાનામાં જ્યારે પેઢીઓ ચાલતી હતી એ જમાનામાં Loyality એટલે કે વફાદારી શબ્દની બહુ કિંમત હતી. જે પેઢીમાં નોકરી ચાલુ કરી હોય એ જ પેઢીમાંથી લોકો નિવૃત્ત પણ થતા હતા. પણ હવે જમાનો બદલાઇ ગયો છે. આજે નથી પેઢીઓ રહી કે નથી વફાદારી રહી. આજના જમાના પ્રમાણે મની સેન્ટ્રિક થવામાં જ સારપ છે કારણ કે વફાદારી આજકાલ કોઇ નથી જોતું.
હું અહીં સિંગાપોરમાં જાપાનીઝ કંપનીમાં કામ કરું છું અને જાપાનીઝ કલ્ચરમાં લોયાલિટી પૈસા કરતા વધારે અગત્યની છે. અહીં મેં જેટલા પણ જાપાનીઝ લોકો સાથે કામ કર્યું એ બધાં લગભગ ગ્રેજ્યુએટ થઇને કંપનીમાં જોડાયેલા છે અને 15-20-25 વર્ષથી આ જ કંપનીમાં લાગેલા છે. જાપાનીઝ કલ્ચરમાં નોકરી બદલવી એ સારુ નથી ગણાતુ. મને એમ થાય કે એક જ કંપનીમાં 20 – 25 વર્ષ કઇ રીતે નિકાળી શકાય? મને તો કોઇ પણ કંપનીમાં 2-3 વર્ષ થાય એટલે ચળ ઉપડવા લાગે છે. મારી હાલની નોકરીમાં મને 3 વર્ષ ઉપર થઇ ગયા અને જોબ બદલવાની તીવ્ર ખુજલી ઉપડી છે પણ આ મંદીના જમાનામાં નોકરીઓ ક્યાં છે? એટલે ઘરે બેસવા કરતા ઓફિસે બેસવાનું યોગ્ય સમજીને દિવસો કાપી રહ્યો છું.
જાપાનમાં લગભગ લોકો નોકરીઓ નથી બદલતા એ જાણીને મને વિચાર આવે છે કે ત્યાં કોઇ જોબ કન્સલ્ટન્ટનો ધંધો હશે જ નહીં?
કોઇક વખત એમ વિચાર થાય કે આ કાર્ટૂનનું પ્રિન્ટ આઉટ લઇને ડેસ્ક પર બોસને દેખાય એ રીતે લગાઉં. પણ આ વિચારનો અમલ આ મંદીના જમાનામાં કરવો ભારે પડે એમ છે.
Filed under: ટાઇમપાસ, રોજનીશી | Tagged: કાર્ટૂન, જાપાન, નોકરી, મની, લોયાલિટી | 6 Comments »