Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label વાદ અને સિદ્ધાંત. Show all posts
Showing posts with label વાદ અને સિદ્ધાંત. Show all posts

29 July 2022

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત - એડવર્ડ થોર્નડાઈક

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત - એડવર્ડ થોર્નડાઈક



પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન
Trial and Error - Theory of Learning :



પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એડવર્ડ એલ.થોર્નડાઈક ( 1874 – 1949 ) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા છે . તેણે બિલાડી , ઉંદર અને અન્ય પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો હતો . તેમણે ઈ.સ. 1899 થી 1939 સુધી કોલંબિયા યુનિવર્સિટીની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી .

થોર્નડાઈકનો બિલાડી પરનો પ્રયોગ :



          થોર્નડાઈકે એક ભૂખી બિલાડીને કોયડા પેટીમાં પૂરી . આ કોયડા પેટીને માત્ર એક માર્ગ હતો કે જેમાંથી બિલાડી બહાર આવી શકે . પેટીની રચના વિશિષ્ટ પ્રકારની હતી . બિલાડી પેટીના બારણાની કડી અમુક દિશામાં ફેરવે તો બારણું ખૂલી શકે . બિલાડી બહાર નીકળવાના ચોક્કસ પ્રયત્નો કરે તે માટે પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક રાખવામાં આવ્યો . પેટીની બહાર રહેલ ખોરાકની વાસ , ભૂખી બિલાડીને બહાર નીકળવા માટે પ્રેરણારૂપ બની રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી . બિલાડી કોયડાપેટીની બહાર નીકળવા પ્રયત્નો કરવા લાગી , બિલાડીએ અનેક પ્રયત્નો કર્યા , જે અસ્તવ્યસ્ત હતા . આ પ્રયત્નો દરમિયાન અચાનક જ બિલાડીથી બારણાની કડીંખૂલી ગઈ . આ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી ત્યારે પણ બિલાડી ભૂખી જ હતી . આ સમયે બિલાડીને બહાર નીકળવામાં લાગેલો સમય પ્રથમ પ્રયત્ન કરતાં ઓછો હતો . ફરીથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા થોર્નડાઈકે જોયું કે , પછીના દરેક પ્રયત્નોમાં બિલાડી દ્વારા કરાતાં દિશાવિહીન પ્રયાસોમાં તથા તેને બહાર આવવામાં લાગેલ સમયમાં ઘટાડો નોંધાયો છેવટે બિલાડી પ્રથમ પ્રયત્ન જ કોયડા પેટીમાંથી બહાર આવતા શીખી શકી.


પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન પ્રક્રિયાને નીચેનાં સોપાનો દ્વારા વર્ણવી શકાય .
  1. ઇરણ : પ્રસ્તુત પ્રયોગમાં બિલાડી ભૂખી હતી . અને ખોરાકની વાસ દ્વારા તેને પ્રેરિત કરવામાં આવી .
  2. ધ્યેય : બિલાડી માટે કોયડા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવવો આ બાબત અંતિમ ધ્યેય હતું .
  3. સમસ્યારૂપ પરિસ્થિતિ : બિલાડી સમક્ષ કોયડા પેટી એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી . પેટીમાંથી બહાર આવવું એ સમસ્યાના ઉકેલ દ્વારા બિલાડી ખોરાકરૂપ ધ્યેય પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી .
  4. દિશાવિહીન પ્રયત્નો : ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગથી અજાણ બિલાડી બહાર આવવા માટેના અસ્તવ્યસ્ત પ્રયત્નો કરતી હતી .
  5. સાચા માર્ગની પસંદગી : અનેક અસ્તવ્યસ્ત પ્રયત્નો પૈકી ખોટા માર્ગો ત્યજી દેવામાં આવે છે અને સાચી દિશાના પ્રયત્નો જાળવી રાખવા પ્રયત્ન કરાય છે .
  6. અધ્યયન : અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે છે કે જેના દ્વારા કોઈ પણ ભૂલ વગર ધ્યેય પ્રાપ્તિ થઈ શકે .

પોતાના દષ્ટિબિંદુને સ્પષ્ટ કરવા થોર્નડાઈક જણાવે છે “ The cat does not look over the situation much less think it over and then decide what to do . It bursts out at once into the activities . helped by instincts and experiences . "

અધ્યયનના નિયમો :


વિવિધ પ્રયોગોના અંતે થોર્નડાઈકે અધ્યયન પ્રક્રિયા વિશે નીચેના નિયમો આપવામાં પ્રયત્ન કર્યો .

1. તત્પરતાનો નિયમ :

નિયમમાં થોર્નડાઈક અધ્યેતા માટે ( Conduction unit ) શબ્દનો ઉપયોગ કરે છે . તેના જણાવ્યા અનુસાર ,
  • જયારે અધ્યેતા ( વહન - એકમ ) શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ આપવું સંતોષપ્રદ બને છે .
  • જયારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર ન હોય ત્યારે શિક્ષણ આપવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે .
  • જ્યારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ ન આપવું તે બાબત પણ અધ્યયનને નિષ્ફળ બનાવે છે . 
 તેમના મતે જ્યારે બાળક શિક્ષણ મેળવવા ઉત્સુક હોય ત્યારે અચૂક શીખવવું જોઈએ . આ સમયે ઓછા પ્રયત્ન બાળક ઝડપથી શીખી શકે છે . શિક્ષક દ્વારા આ તકનો લાભ લેવાવો જોઈએ , તેમ જ બાળક શીખવા માટે પ્રેરાય તેવી અધ્યયન પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ .


2. અસરનો નિયમ :

થોર્નડાઈકના મતે અધ્યયન ત્યારે જ સાચા અર્થમાં શક્ય બને છે જયારે અધ્યયનમાંથી આનંદ અને સંતોષની લાગણી જન્મે . થોર્નડાઈકે પોતાના શબ્દોમાં આ જ વાત આ પ્રમાણે રજૂ કરેલ છે . “ When a modifiable connection between stimulus and response is made and is accompanied or followed by a satisfying state of affairs , that connection's strength is increased , when made and accompanied or followed by an annoying state of affairs , its strength is decreased . '

બાળક માટે એવી પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ કે જેના કારણે બાળક અસંતોષ કે દુઃખની લાગણી ન અનુભવે . અસંતોષ કે દુઃખદ પરિસ્થિતિ અધ્યયન પ્રક્રિયાને અવરોધે છે .

થોર્નડાઈકનો આ નિયમ અધ્યયન પ્રક્રિયામાં બદલો અને શિક્ષાની અસર સમજાવે છે . બાળકને પૂરો પડાયેલ બદલો તેને નવું શીખવા માટેની પ્રેરણા પૂરી પાડે છે . જ્યારે શિક્ષા બાળકને અધ્યયન માટે હતોત્સાહ કરે છે.


3. પુનરાવર્તનનો નિયમઃ ( The law of exercise )

પુનરાવર્તનનો નિયમ અધ્યયનપ્રક્રિયામાં મહાવરાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે . પુનરાવર્તનને કારણે ઉદ્દીપક પ્રતિચાર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બને છે . પુનરાવર્તનના નિયમના બે પેટાનિયમો છે .

  1. ઉપયોગનો નિયમ : ઉત્તેજક અને પ્રતિચારનું જોડાણ તેના વારંવારના ઉપયોગને કારણે વધુ સુદઢ થાય છે . વારંવાર ઉપયોગમાં લેવાતી બાબતો સરળતાથી યાદ રહે છે . ટાઇપ શીખનાર વ્યક્તિ , વાહન ચલાવતાં શીખનાર વ્યક્તિને મહાવરાની જરૂર પડે છે . વારંવાર તે ક્રિયા કરવાથી વધુ સારું અધ્યયન થઈ શકે છે .
  2. અનુપયોગનો નિયમઃ થોડો સમય સુધી ઉપયોગમાં ન લેવાનાર બાબત ભૂલાઈ જાય છે એટલે કે ઉત્તેજક – પ્રતિચારનું જોડાણ નબળું પડે છે . ઘણા સમય સુધી ઉપયોગમાં ન લેવાતો ફોન નંબર ભૂલાઈ જાય છે . બાળકે એક સમયે મોઢે કરેલ કાવ્ય જો ફરી ફરીને તેની પાસે બોલાવવામાં ન આવે તો બાળક તે કાવ્ય ભૂલી જાય છે .
આમ પુનરાવર્તનનો નિયમ મહાવરાને મહત્ત્વ આપે છે . બાળકને જરૂરી કૌશલ્યો શીખવવા માટે પુનરાવર્તનની જરૂર પડે છે .

4. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થઃ

શિક્ષણનાં ક્ષેત્રમાં થોર્નડાઈકના પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનું પ્રદાન ઘણું છે . વિવિધ શોધ એ પ્રયત્ન અને ભૂલનું જ પરિણામ છે .

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના ફલિતાર્થ નીચે મુજબ છે .
  1. શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્ત્વ સમજી લેવું જોઈએ . શિક્ષકે વિદ્યાર્થીઓને વિષયવસ્તુની ઉપયોગિતા સમજાવી તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ .
  2. બાળકની શીખવાની ઇચ્છા , પરિપક્વતા વગેરે બાબતોને સમજીને અધ્યયન માટેના પ્રયત્નો કરાવવા જોઈએ .
  3. થોર્નડાઈકના મતે માત્ર મહાવરો પૂરો પાડવાથી અધ્યયન શક્ય બનતું નથી . મહાવરાની સાથે સાથે બાળકને તેનાં પરિણામ / પ્રગતિ વિશેની માહિતી પૂરી પાડવાથી બાળક વધુ શીખવા માટે પ્રેરાય છે . અધ્યયન પ્રક્રિયાને વેગ મળે છે .
  4. શિક્ષકે બાળકને સમગ્ર અધ્યયન પરિસ્થિતિની સમજ આપવી જોઇએ . તેમ જ વિવિધ વિષયમુદ્દાની સમગ્ર સમજ આપી તેમાં રહેલ સામ્ય અને તફાવત સમજાવવો જોઈએ .
  5. બાળકોને જરૂરી બદલો પૂરો પાડવો જોઈએ .
  6. નવા વિષયમુદ્દાની શરૂઆત સમયે તેને બાળકના પૂર્વજ્ઞાન સાથે ખસેડવાથી શિક્ષણ સંક્રમણનો લાભ મળે છે .
ટૂંકમાં , થોર્નડાઈકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો નિયમ સમગ્ર અધ્યયન પ્રક્રિયામાં પ્રેરણા , બદલો અને મહાવરાનું મહત્ત્વ દર્શાવે છે.

04 November 2021

આંતરસૂઝ દ્વારા અધ્યયન-કોહલર

આંતરસૂઝ દ્વારા અધ્યયન - કોહલર
Theory of Insightful learning - 

Kohler





પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનના ફરજિયાત એકાંતવાસના ફલસ્વરૂપે કોહલર, કોફકા અને વર્ધીમર જેવા જર્મન મનોવૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો :

‘ Gestalt ' એ જર્મન શબ્દ છે જેનો અર્થ “ Organised whole ' કે સમગ્રતા ' કરી શકાય . સમગ્રતા પર ભાવ મૂકવાને કારણે આ મનોવૈજ્ઞાનિકો સમગ્રતાવાદીઓ તરીકે ઓળખાયા. તેઓના મતે અધ્યયન પ્રક્રિયા એ માત્ર દેવનું અધ્યયન કે ઉત્તેજક - પ્રતિચારનું જોડાણ નથી. અધ્યયનને તેઓ માત્ર અધ્યયન તરીકે કે પ્રયત્ન અને ભૂલ તરીકે જોવાને બદલે હેતુપૂર્વકની સર્જનાત્મક કામગીરી તરીકે જુએ છે. સમગ્રતાવાદ અનુસાર અધ્યયન એક પ્રક્રિયા છે, જેમાં પ્રાણી ક્રિયા પ્રતિક્રિયા કરે છે, આદાનપ્રદાન કરે છે અને તેના આધારે પ્રતિચારો આપે છે. તેઓના મતે જ્ઞાન ટુકડે ટુકડે નહિ પરંતુ સમગ્ર રીતે અપાવું જોઈએ. નવા જ્ઞાન સાથે હંમેશા જૂના જ્ઞાનનો સંદર્ભ લેવો જોઇએ. અધ્યયન કરનાર હંમેશા સમગ્ર પરિસ્થિતિને જુએ છે અને વિવિધ સંબંધોને ચકાસે છે. તેનાં આધારે બુદ્ધિપૂર્વક નિર્ણય લે છે. પ્રાણી હંમેશાં કોઇ ચોક્કસ ઉત્તેજકને પ્રતિચાર આપતું નથી. પરંતુ; યોગ્ય સંબંધ કે અનુબંધને પ્રતિચાર આપે છે. સમગ્રતાવાદ આંતરસૂઝ શબ્દ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દર્શન અને પ્રતિચાર આપવામાં બુદ્ધિ જેવાં તત્ત્વનો ઉપયોગ આ બાબત સમજાવવા પ્રયત્ન કરે છે.


આંતરસૂઝ દ્વારા અધ્યયનને મનોવિજ્ઞાનીઓ બોધાત્મક શિક્ષણ ( Cognitive Learning ) ના એક પ્રકાર તરીકે ઓળખાવે છે. બોધાત્મક શિક્ષણ એટલે ઘટનાના અનુભવને કારણે કોંઈપણ દેખીતા પ્રબલન વગર પ્રાણી ઘટનામાંના નવા સંબંધો કે સાહચર્યો શીખે. તે પર્યાવરણમાંથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતી માહિતીની પ્રક્રિયાકરણની રીતમાં અનુભવને પરિણામે પ્રગટ પ્રબલન વિના, જયારે ફેરફાર થાય છે ત્યારે તેને બોધાત્મક શિક્ષણ કહે છે.


" આંતરસૂઝ એટલે સાધન અને સાધ્ય વચ્ચેનો પરસ્પર સંબંધ સમજવો તે. આંતરસૂઝ એટલે સમગ્ર પરિસ્થિતિના જુદા જુદા ભાગો વચ્ચેનો આંતરસંબંધ સમજવો તે. આંતરસૂઝયુક્ત શિક્ષણ એટલે એવું શિક્ષણ જેમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણના પુર્નસંગઠનનો સમાવેશ થાય છે અને લાંબા સમય સુધી કોઇ પ્રગતિ વિના એકાએક સમસ્યાનો ઉકેલ જડી આવે છે. "


આંતરસૂઝ એ એવી પ્રક્રિયા છે કે જેના વડે સમસ્યાના મૂળભૂત સ્વરૂપમાં અંદર ડોકિયું કરીએ છીએ અને તેની મદદથી ઉકેલ શોધીએ છીએ. આવા ઉકેલો અચાનક મળે ત્યારે તેને અંતઃસૂઝનો ઝબકારો કહેવાય છે.


કોહલરનો ચિમ્પાન્ઝી પર પ્રયોગ :




એક પ્રયોગમાં કોહલરે ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂર્યો અને પાંજરાની બહાર કેળું રહે તે રીતે એક દોરીનો છેડો પાંજરાની નજીક રાખી દોરીના બીજા છેડે કેળું બાંધવામાં આવ્યું. થોડીક વિચારણા બાદ તેણે દોરી ખેંચી કેળું મેળવ્યું.

અન્ય એક પ્રયોગમાં ચિમ્પાન્ઝી સુલતાનને પાંજરામાં પૂર્યા બાદ પાંજરાની છત પર એક કેળું લટકાવ્યું. એક ખોખું મૂકવામાં આવ્યું હતું. સુલતાને કેળું મેળવવા કૂદકા માર્યા, પરંતુ તેને સફળતા મળી નહીં. અચાનક તેની નજર ખોખા પર પડી. તેણે ખોખાનો ઉપયોગ કરી છત પર લટકતું કેળું મેળવ્યું. આથી આગળ વધી કોહલરે કેળું વધુ ઊંચે લટકાવ્યું કે જેથી સુલતાનને તે કેળું મેળવવા એકથી વધુ ખોખાનો ઉપયોગ કરવો પડે. સુલતાનને આ પ્રયોગમાં પણ કેળું મેળવવામાં સફળતા મળી.

બીજા એક પ્રયોગમાં કોહલરે સુલતાનના પાંજરાની બહાર થોડે દૂર એક કેળું મૂક્યું. પાંજરામાં એકબીજામાં ભરાવી શકાય તેવી બે લાકડી મૂકવામાં આવી. સુલતાને બંને લાકડી કે કેળું મેળવવાના પ્રયત્નો કરી જોયા, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી. તે લાકડી વડે રમવા લાગ્યો . અચાનક તેને ઉકેલ જડી આવ્યો. બંને લાકડી જોડી સુલતાને પાંજરાથી દૂર રહેલું કેળું મેળવ્યું.


પ્રયોગોના આધારના કોહલરે કરેલા આંતરસૂઝ દ્વારા અધ્યયનનાં નીચેનાં લક્ષણો તારવી શકાય.

  1. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનો સહારો લેવામાં આવે છે. નવી પરિસ્થિતિમાં આ અનુભવો કામે લગાડી સમસ્યાનો ઉકેલ મેળવાય છે.
  2. બુદ્ધિશાળી પ્રાણી આ પ્રકારે અધ્યયન કરી શકે છે. પ્રાણી જેમ વધુ બુદ્ધિશાળી તેમ તેનામાં આંતરસૂઝનું પ્રમાણ વધુ.
  3. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સમાયેલ છે તેમ કહી શકાય. પરંતુ, આ પ્રયત્ન અને ભૂલ આંતરસૂઝ દ્વારા અધ્યયનનું અંતિમ સોપાન નથી.
  4. આંતરસૂઝ દ્વારા અધ્યયન માટે પ્રાણી સમક્ષ સમગ્ર અને સ્પષ્ટ પરિસ્થિતિ હોવી જરૂરી છે. પરિસ્થિતિનું અપૂરતું દર્શન આંતરસૂઝને અવરોધે છે.
  5. આંતરસૂઝ દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવ્યા બાદ મહાવરો જરૂરી છે.
આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનું નવીન સંયોજન વિચારવામાં આવે છે. વિષયવસ્તુનું નવીન સંયોજન અને અર્થઘટન વ્યક્તિને અચાનક સમસ્યાનો ઉકેલ મેળવી આપે છે. વ્યક્તિ " આહ " સાથે સફળતાનો આનંદ મેળવે છે.


આંતરસૂઝ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થ :
  1. આંતરસૂઝ દ્વારા અધ્યયન પ્રતિચારોમાં યાંત્રિકતાને સ્થાન અપાતું નથી. આ સિદ્ધાંત અધ્યયનને હેતુપૂર્વકની પ્રક્રિયા તરીકે નિહાળે છે.
  2. બાળકનામાં આંતરસૂઝ વિકસાવવા માટે તેની સમક્ષ સમગ્ર પરિસ્થિતિ હોવી જોઈએ. બાળકની જિજ્ઞાસા વધે તે માટેના પ્રયત્નો શિક્ષક દ્વારા કરાવા જોઈએ.
  3. શિક્ષણ હેતુકેન્દ્રી છે અને તેથી તેની ઉપયોગિતા બાળકને સમજાવવી જોઈએ.
  4. " સમગ્રતા તરફથી વિભાગો તરફ " " સંશ્લેષણ તરફથી વિશ્લેષણ તરફ " જેવાં શિક્ષણનાં સૂત્રોને ધ્યાનમાં રાખી તે પ્રમાણેની શિક્ષણ પદ્ધતિઓ શિક્ષક દ્વારા પસંદ કરાવી જોઈએ. આ ઉપરાંત સમસ્યા ઉકેલ પદ્ધતિ પણ બાળકમાં આંતરસૂઝ વિકસાવવામાં ઉપયોગી બની શકે.
  5. “ જ્ઞાન અખંડ છે ” આ બાબતનો અનુભવ કરાવવા શિક્ષકે હંમેશા નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. વિવિધ વિષયો અને પેટામુદા સાથેના અનુબંધ દ્વારા જ આ અનુભવ બાળકને થઈ શકે. પરંતુ, તે માટે શિક્ષકપણે ઘણી તૈયારી હોવી જરૂરી છે.
  6. આંતરસૂઝનો આધાર અધ્યયન પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ પર રહેલો છે, તેથી શિક્ષણ પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણને સ્થાન અપાવું જોઈએ.

22 October 2021

એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ- ડેવિડ ઓસુબેલ

એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ- ડેવિડ ઓસુબેલ


એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ મુદ્દાઓ :

  • એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ
  • ધ્યેયો
  • ધારણાઓ ( Assumptions ) :
  • એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સંરચના
  • સોપાન 1 : એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
  • સોપાન 2 : અધ્યયન વસ્તુની રજૂઆત
  • સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.
  • શિક્ષકની ભૂમિકા
  • પ્રતિચારના નિયમો / મૂલ્યાંકન

આ અધ્યાપન મોડેલ ડેવિડ ઓસુબેલે રજૂ કરેલ છે . તે જ્ઞાનાત્મકવાદી મનોવિજ્ઞાની છે. તેણે અધ્યેતાના અધ્યયનમાં તેના પૂર્વજ્ઞાનનું મહત્ત્વ સ્વીકાર્યું. એટલે કે અધ્યયનને પૂર્વજ્ઞાન સાથે જોડી તેને અર્થપૂર્ણ બનાવવા ઉપર ભાર મૂકવો. આ માટે તેણે એડવાન્સ ઓર્ગેનાઈઝર અધ્યયન મોડેલ રજૂ કર્યું.


અધ્યેતા ત્યારે જ અધ્યયન કરે છે કે જયારે તે નવું જ્ઞાન કે નવી માહિતીને પોતાને જરૂરી એવા માળખામાં ગોઠવી શકે છે અને પછી પોતાના મનમાં પૂર્વજ્ઞાનના પડેલા જ્ઞાન માળખા સાથે આ નવા માળખાનું સંયોજન થાય છે. આમ, અધ્યતા જ્ઞાનનું માળખું રચવાનું પહેલું કામ કરે છે, તેથી આને એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ કહેવામાં આવ્યું.
  • ધ્યેયો
વિદ્યાર્થીને નવું વિષયવસ્તુ પ્રાપ્ત કરવામાં મદદ કરવી . શિક્ષક માહિતી રજૂ કરે છે. વિદ્યાર્થી માહિતી ગ્રહણ કરે છે. એડવાન્સ ઓર્ગેનાઈઝર વિદ્યાર્થીને માહિતી અંતર્ગત કરવામાં મદદ કરે છે.

વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ કરવી. અર્થાત્ વ્યક્તિ પાસેના કોઈપણ સમયે ચોક્કસ વિષય અંગેના જ્ઞાનને સંગઠિત, સ્પષ્ટ અને સ્થિર બનાવવું. જ્ઞાનાત્મક સંરચના એ નવા અધ્યયન વરતુની સક્ષમ અર્થપૂર્ણતા, પ્રાપ્તિ અને ધારણ પર અસર કરનારું મુખ્ય પરિબળ છે. નવી વસ્તુ અસરકારક રીતે રજૂ કરવા માટે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનની સ્થિરતા અને સ્પષ્ટતા વધારવી જોઈએ. આથી વિદ્યાર્થીની જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ બનાવવાથી તેની પ્રાપ્તિ અને ધારણને મદદ મળે છે.
  • ધારણાઓ ( Assumptions ) :
નવું જ્ઞાન આપતાં પહેલાં વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનની સ્થિરતા અને સ્પષ્ટતા વધારવી જરૂરી છે.
ગ્રહણશીલ અધ્યયન એ ગોખણિયું અધ્યયન નથી. અધ્યયન વસ્તુની અર્થપૂર્ણતા અધ્યયન વસ્તુ અને અધ્યેતા એમ બન્ને પર આધાર રાખે છે.
અધ્યયન વસ્તુ બિનચક્રિય અને રૂપાંતરક્ષમ હોય તેમજ અધ્યેતા પાસે સંબંધિત પૂર્વજ્ઞાન હોય ત્યારે અધ્યયન વસ્તુ અર્થપૂર્ણ ગણાય.
અર્થપૂર્ણ અધ્યયનમાં વિષયવસ્તુની સ્વીકૃતિ નિષ્ક્રિય રીતે થતી નથી. અધ્યેતા અધ્યયન વસ્તુને વિવિધ દૃષ્ટિબિંદુથી જોઈને; જૂના અને નવા વસ્તુઓની સમાનતા અને ભિન્નતા અંગે સમાધાન કરીને; નવા વસ્તુને પોતાની જ્ઞાનાત્મક સંરચનાના સંદર્ભમાં રૂપાંતર કરીને; એમ વિવિધ ક્રિયાઓ દ્વારા સક્રિય રહીને અધ્યયન કરે છે . પરંતુ આ આપોઆપ થતું નથી. નિગમનાત્મક અધ્યયન માટે એવી અધ્યાપન યોજનાનો ઉપયોગ કરવો જોઈએ જે આવી સક્રિય માનસિક ક્રિયાઓને મદદ કરે.
  • સંરચના : એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સંરચના


એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સમગ્ર પ્રવૃત્તિઓનાં ત્રણ સોપાનો છે.


સોપાન -1 : એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
સોપાન 2 : અધ્યયન વસ્તુની રજૂઆત
સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.


આ ત્રણ સોપાનોની ચર્ચા “ શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત ” ના શિક્ષણ માટે એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડલના ઉપયોગના સંદર્ભમાં કરવામાં આવી છે.

  • સોપાન 1 :   એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
અધ્યેતા જ્ઞાનનું માળખું રચે છે અર્થાત વિષયવસ્તુ (જ્ઞાન) ના હેતુઓના સ્પષ્ટીકરણો આપે છે, ત્યારબાદ એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત કરે છે અને છેલ્લે અધ્યેતાના પૂર્વજ્ઞાન માળખાને સક્રિય કરી અનુભવને જાગૃત કરે છે.



એટલે કે અધ્યાપન પહેલા વિષયવસ્તુના હેતુઓ સ્પષ્ટ કરવાથી અધ્યતાનું અધ્યયન ઝડપથી અર્થપૂર્ણ બની શકે છે. એટલે કે જ્ઞાનના માળખામાં પ્રથમ બાબત છે જ્ઞાન (પાઠ) ના ઉદેશો સ્પષ્ટ છે કે આ ઉદ્દેશો, ધ્યેયો કે હેતુઓ જ્ઞાનની આસપાસ ગુંથાયેલા હશે. વળી આ હેતુ સરળ અને અસંદિગ્ધ ભાષામાં કરવા જોઇએ. વળી વિષયવસ્તુના કયા મુદ્દા સાથે સંકળાયેલા છે તેનો સંદર્ભ પ્રગટ કરનારા હોવા જોઈએ.


આમ, હેતુઓની રચના કર્યા પછી આ હેતુઓને સિદ્ધ કરવા માટેની જરૂરી પ્રવૃત્તિઓની યાદી બનાવવી જોઈએ. આ જવાબદારી અધ્યેતા ઉપર છોડી શકાય.


  • સોપાન 2 :  અધ્યયન વસ્તુની રજૂઆત

આ સોપાને અધ્યયન વિષયવસ્તુની રજૂઆત અંગે વિચારણા કરવાની હોય છે. એટલે કે શિક્ષકે જ્ઞાનાત્મક વર્ગ વ્યવહાર અંગે વિચારણા કરવાની હોય છે. ટુંકમાં, આ નવું વિષયવસ્તુ અધ્યેતાના મસ્તિષ્કમાં અનુકૂળ માળખારૂપે ગોઠવાય એ જરૂરી છે. આ માટે શિક્ષક વિવિધ પ્રયુક્તિઓ અજમાવી શકે, પ્રવિધિઓ અજમાવી શકે, ટૂંકમાં, આ સોપાને અધ્યાપન વિધિ અંગે આયોજન કરવાનું રહે છે. એ દ્રષ્ટિએ શૈક્ષણિક ઉપકરણો અંગે પણ વિચારણા થવી જોઈએ.


અધ્યાપકની ફરજ છે કે તે વિષયવસ્તુને એવા સરળ અને સળંગ ક્રમમાં રજૂ કરે કે જેથી અધ્યેતા નવું જ્ઞાન માળખું સરળતાથી રચી શકે.

  • સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.
જ્ઞાનનું નવું માળખું અને પૂર્વજ્ઞાનના માળખા વચ્ચે સંયોજનની વિધિ આ તબક્કે કરવાની થાય છે. આથી શિક્ષક નવા જ્ઞાન માળખાને વધુ સ્પષ્ટ, સ્વચ્છ અને સ્થિર કરે છે ( સ્થિર એટલે દઢ ) અહીં તે જ્ઞાન માળખાને પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજિત કરવાના કૌશલોને વિકસાવવા મથે છે. એટલે કે વિવેચનાત્મક વિચાર કૌશલ વિકસાવે છે; રૂપાંતરણ કૌશલ વિકસાવે છે. જ્ઞાન અને અનુભવનું અભિસંધાન કૌશલ કેળવે છે.

આ અધ્યાપન પ્રતિમાનમાં અધ્યેતા નવી માહિતી મેળવનાર નવું જ્ઞાન ધારણ કરનારની ભૂમિકામાં છે, જયારે શિક્ષક જ્ઞાન માળખાની રચનામાં અને તેના પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજન કરવામાં માર્ગદર્શક, સહાયકની ભૂમિકા ભજવે છે. આ માટે તે જ્ઞાનનું વર્ગીકરણ કરી તેમાંથી સંકલ્પના, તથ્યો અને સિદ્ધાંતોને તારવે છે. ત્યારબાદ તેમની ક્રમિક રજૂઆતની યોજના ઘડે છે, સીકરણો માટે જરૂરી ઉદાહરણ, દ્રષ્ટાંતો શોધી એકઠાં કરે છે. પછી જ્ઞાનની ક્રમિક ગોઠવણી કરે છે અને છેવટે પૂર્વાનુભવ જોડે નવા જ્ઞાનને સાંકળવા સક્રિય બને છે.

જયારે અધ્યેતા રજૂ થતા જ્ઞાનને પોતાની રીતે ગ્રહણ કરી માળખાગત કરે છે. માળખામાં સુધારો - વધારો કરે છે અને પછી પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજે છે.
  • શિક્ષકની ભૂમિકા
શિક્ષકની ભૂમિકા - એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડલના અમલ દરમિયાન શિક્ષક નીચેનાં કાર્યો કરે છે. :

  1. તે નક્કી કરે છે કે કયા ખ્યાલ, સિદ્ધાંત કે ઘટના સાથે નવા અધ્યયન વસ્તુને જોડવું.
  2. અધ્યયન વસ્તુની ક્રમિક ગોઠવણી કરે છે .
  3. અધ્યયન વસ્તુ રજૂ કરે છે.
  4. પ્રવર્તમાન જ્ઞાન અને નવા અધ્યયન વસ્તુ વચ્ચેની ભિન્નતા, સંઘર્ષ અને સમાનતા રજૂ કરે છે.
  5. નવા અધ્યયન વસ્તુનું અધ્યેતાના વ્યક્તિગત અનુભવના સંદર્ભમાં રૂપાંતર કરે છે.

સામાજિક તંત્ર

સમગ્ર મૉડલના અમલ દરમિયાન એકંદરે શિક્ષક વધુ પ્રભાવી છે. પ્રથમ બે સોપાનો દરમિયાન શિક્ષક રજૂઆત કરે છે. અર્થાત શિક્ષક વધુ સક્રિય છે. આંતરક્રિયા ઓછી છે. ત્રીજા સોપાન દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા વધે છે. આ તબક્કે વિદ્યાર્થી પ્રશ્નો પૂછીને કે વિવેચન કરીને શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા શરૂ કરે છે.

  • પ્રતિચારના નિયમો / મૂલ્યાંકન

વિદ્યાર્થીમાં અધ્યયન વસ્તુનો અર્થ સ્પષ્ટ કરવા, પ્રવર્તમાન જ્ઞાન સાથેના તફાવતનું સમાધાન કરવા, પોતાના અનુભવો સાથે સંબંધિતતા સ્થાપવા, અને વિવેચનાત્મક અભિગમ વિકસાવવાના સંદર્ભમાં વિદ્યાર્થીને પૂછેલા પ્રશ્નોના સંદર્ભમાં વિદ્યાર્થીઓની ક્રિયાઓને સ્વીકૃતિ કે અસ્વીકૃતિ આપવામાં આવે છે. અધ્યયન વસ્તુનો અર્થ સમજવા વિદ્યાર્થી પ્રશ્નો પૂછે છે. જો વિદ્યાર્થી પ્રશ્ન ન પૂછે તો તેને માટે શિક્ષક દ્વારા પ્રેરિત કરવામાં આવે છે.

16 October 2021

હર્બટેની સ્મૃતિસ્તરનું પ્રતિમાન

હર્બટેની સ્મૃતિસ્તરનું પ્રતિમાન




સ્મૃતિ સ્તરનું અધ્યાપન મોડલ સમજાવનાર હર્બટ છે માટે તેને હર્બાડિયન મૉડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે સ્મૃતિ સ્તરનું મૉડલ આ મુજબ સમજાવ્યું છે.


કેન્દ્રબિંદુ / હેતુ :

  • હકીકતોને યાદ રાખવા પર ભાર આપવો અને નિખ લિખિત ક્ષમતાઓનો વિકાસ કરવો.
  • માનસિક કાર્યની તાલીમ
  • હકીકતો વિશેનું જ્ઞાન પ્રદાન કરવું.
  • શીખેલી હકીકતોનું ધારણ કરવું.
  • શીખેલી હકીકતોને પુનઃ સ્મરણમાં લાવવું અને પુનઃ ૨જૂ કરવું.

સંરચના : હર્બાટે સ્મૃતિ સ્તરના અધ્યાપનને પાંચ સોપાનોમાં વિભાજિત કર્યું હતું હે હર્બાટેની પંચપદી તરીકે પ્રચલિત બન્યું. શિક્ષક આ પાંચ સોપાનોને અનુસરીને વર્ગમાં સ્મૃતિ સ્તરનું અધ્યાપન માટે વાતાવરણ સર્જી શકે. આ સોપાનો આ મુજબ છે.


1. તૈયારી અને હેતુકથન

વિષયાભિમુખ એ સૌ પ્રથમ સોપાન છે. આ સોપાને શિક્ષક અધ્યતાઓને કેટલાક પ્રશ્નો પૂછે છે અને તેમનું પૂર્વજ્ઞાન જાણવા પ્રયત્ન કરે છે. તે સાથે જ કેટલાક એવા પ્રશ્નો પણ પૂછે છે જેથી અધ્યેતાઓ નવા જ્ઞાન માટે જિજ્ઞાસુ બને. ત્યારબાદ શિક્ષક અધ્યેતાઓને ધીમે ધીમે શીખવાના મુખ્ય મુદ્દા તરફ લઈ જાય છે. એકવાર અધ્યેતાઓના મનમાં શીખવાના વિષયવસ્તુ અંગે સ્પષ્ટતા થઈ જાય પછી શિક્ષક તેમને વિષયાંગ જણાવે છે અને ચાક ફલક પર નોંધે છે.


2. રજૂઆત :

આ સોપાને શિક્ષક અધ્યેતાઓ સમક્ષ નવું વિષયવસ્તુ રજૂ કરે છે. આ રજૂઆત સમયે શિક્ષક અધ્યેતાઓની માનસિક પ્રવૃત્તિને ઉત્તેજે છે. શિક્ષક પ્રયત્ન કરે છે કે મોટાભાગની હકીકતો તે અધ્યેતાઓ પાસેથી પ્રાપ્ત કરે જેથી પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે એક સેતુ રચાય. શિક્ષક મુખ્ય મુદ્દાથી જરા પણ વિચલિત થતા નથી. આ સોપાને જેનું મૂલ્યાંકન થઈ શકે તેવું જ્ઞાન શિક્ષક અધ્યેતાઓને આપે છે.

3. તુલના અને જોડાણ :

આ સોપાન શિક્ષક તુલના થકી બે વિષયો, હકીકતો કે ઘટનાઓ વચ્ચે સંબંધ ઊભો કરે છે. આમ કરવાથી અધ્યેતાઓના મનમાં અધ્યયન સામગ્રી પર જાય છે તથા કાયમી ધોરણે અધ્યેતાના મનમાં તે અંકાય જાય છે.


4. સામાન્યીકરણ :

વિષયવસ્તુની પ્રાથિમક માહિતી પૂરી પાડ્યા પછી શિક્ષક અધ્યેતાઓને વિચારવાની તક આપે છે. તે કે કેવી રીતે પ્રાપ્ત હકીકતો અને માહિતીના આધારે નવા નિયમો અને સિદ્ધાંતો રચી શકાય. આ સોપાને અધ્યેતાઓ ભવિષ્યમાં વાસ્તવિક જીવનમાં ઉપયોગી બને તેવા નિયમો અને સિદ્ધાંતો રચે છે.


5. ઉપયોગ :

આ હર્બટની પંચપદીનું અંતિમ સોપાન છે. આ સોપાને અધ્યેતાઓ શીખેલા જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરે છે. વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવાથી અધ્યેતા તારવેલા નિયમો કે સિદ્ધાંતોની ચકાસણી કરી લે છે અને વિષયવસ્તુ આજીવન યાદ રાખી શીખવે લે છે.

સામાજિક પ્રણાલી :

સ્મૃતિ સ્તરનાં અધ્યાપનમાં શિક્ષક તેમના અધ્યેતાઓ પર હાવી થતો જોવા મળે છે. અધ્યેતાઓને લગભગ કોઇપણ પ્રકારની સ્વતંત્રતા મળતી હોતી નથી. તેઓ પોતાની જાતને રજૂ કરી શકતા નથી. આના પરિણામે અધ્યેતાઓ માત્ર નિષ્ક્રિય શ્રોતા બની જાય છે. અહીં તમામ પ્રવૃત્તિઓ શિક્ષક દ્વારા હાથ ધરાય છે અને અધ્યેતાઓએ તે આદર્શ ગણી સ્વીકારવાની હોય છે. અહીં શિક્ષક પ્રથમ અને અધ્યેતા દ્વિતીય સ્થાન ધરાવે છે તેમ કહી શકાય. શિક્ષકનું કાર્ય વિષયવસ્તુની રજૂઆત કરવાનું, અધ્યતાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનું અને પ્રેરણા આપવાનું છે.

સહાયક મૂલ્યાંકન પ્રણાલી :

સ્મૃતિ સ્તરમાં તેના નામ પ્રમાણે સ્મૃતિ પર જ ભાર આપવામાં આવે છે. જેથી આ સ્તરના અધ્યાપનના મૂલ્યાંકનમાં મૌખિક અને લેખિત એમ બંને પ્રકારની પરીક્ષાઓને સ્થાન છે. તેમાં વસ્તુલક્ષી કે નિબંધ પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે. અધ્યેતાઓ કેટલા સાચા ઉત્તરો આપે છે તે મહત્ત્વનું હોય છે.