Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label માનોવિજ્ઞાનની શાખાઓ. Show all posts
Showing posts with label માનોવિજ્ઞાનની શાખાઓ. Show all posts

13 June 2026

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન



પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન (environmental psychology) એ વર્તન અને ભૌતિક પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક શાખા છે. ‘ભૌતિક પર્યાવરણ’ એ શબ્દ દ્વારા ‘કુદરતી’ (un-built or natural) અને ‘માનવનિર્મિત’ (built or man-made) એમ બંને પ્રકારનાં પર્યાવરણનો નિર્દેશ થાય છે. ‘કુદરતી પર્યાવરણ’માં ઘોંઘાટ, વિવિધ હવામાન-તાપમાન, પર્યાવરણનાં ઝેરી તત્વો, પ્રદૂષણ, કુદરતી આપત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે અને ‘માનવનિર્મિત પર્યાવરણ’માં વાહનવ્યવહાર તથા સંદેશા-વ્યવહારનાં સાધનો, બહુમાળી ઇમારતો, કારખાનાં, મિલ, પાવર સ્ટેશનો, અણુવિદ્યુત મથકો, બંધો, પુલ, નહેરો વગેરેનો સમાવેશ થાય છે. ‘વર્તન’ શબ્દ દ્વારા માનવીની પ્રગટ અને પ્રચ્છન્ન ક્રિયાઓ, પ્રત્યક્ષીકરણ, બોધન, વિચાર, લાગણી, આવેગ વગેરેનો નિર્દેશ થાય છે. આ ક્ષેત્રમાં સંશોધન કરનારા મનોવૈજ્ઞાનિકોને ‘પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો, (environmental psychologists) કહેવાય છે.

1970ની આસપાસના સમય દરમિયાન કેટલાક મનોવૈજ્ઞાનિકોએ કુદરતી પર્યાવરણની પરિસ્થિતિઓ જેવી કે ગરમી-ઠંડી, પ્રકાશ, અવકાશ (space), ઘોંઘાટ વગેરેની માનવીના કાર્ય તેમજ કાર્યક્ષમતા ઉપર થતી અસરોને લગતાં સંશોધનો કર્યાં. પ્રોશેન્સ્કી, ઇટ્ટલસન અને રીવલીન (1970), સોમર (1969), કેપ્લન (1972) વગેરે સંશોધકોએ માનવનિર્મિત પર્યાવરણની વર્તન પર થતી અસરોને લગતાં સંશોધનો કર્યાં. બેલ, ફીશર અને લુમિસ (1978) વગેરે સંશોધકોએ પણ કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણ અને વર્તન વચ્ચેના આંતરસંબંધોને લગતા અભ્યાસો કર્યા. આ સંશોધનોના આધારે ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ માનવવર્તન અને કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરે છે’ એવી વ્યાખ્યા પ્રચલિત બની. આ જ સમય દરમિયાન ન્યૂયૉર્ક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન’નો સમાવેશ થયો. આ રીતે મનોવિજ્ઞાનની એક વ્યવસ્થિત શાખા તરીકે 1970માં ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન’નો ઉદભવ થયો.

પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધો અતૂટ એકમો છે. આ શાખામાં પર્યાવરણના ઉદ્દીપકો પ્રત્યેની વ્યક્તિગત પ્રતિક્રિયાઓને નહિ પણ કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણ અને વર્તન વચ્ચેના સમગ્રતાલક્ષી સંબંધ(molar relationship)ના અભ્યાસને મહત્વ અપાય છે. પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધો પારસ્પરિક છે. એટલે કે કુદરતી પર્યાવરણની પરિસ્થિતિઓ માનવીના વર્તન ઉપર સતત અસર કરે છે અને માનવી આ કુદરતી પર્યાવરણનો આધાર લઈને ‘માનવનિર્મિત પર્યાવરણ’નું નિર્માણ કરે છે. આ માનવનિર્મિત પર્યાવરણ માનવીને ઉપયોગી બનવાની સાથે સાથે અનેક સમસ્યાઓ પણ સર્જે છે; જેમ કે વાહનવ્યવહારનાં સાધનો, કારખાનાં, મિલ, પાવર સ્ટેશનો, અણુવિદ્યુતકેન્દ્રો વગેરે દ્વારા ફેલાતું પ્રદૂષણ કુદરતી પર્યાવરણમાં અસંતુલન પેદા કરે છે. આ રીતે પર્યાવરણ અને વર્તન વચ્ચેના આંતરસંબંધો પારસ્પરિક છે અને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આ પારસ્પરિક સંબંધનો અભ્યાસ સમગ્રતાલક્ષી ર્દષ્ટિબિંદુથી કરે છે.

પર્યાવરણ અને વર્તનની પારસ્પરિક અસરો તપાસવા માટેનાં સંશોધનોના કેન્દ્રમાં કોઈક વ્યાવહારિક સમસ્યા હોય છે અને સંશોધનનો હેતુ આ સમસ્યાના નિરાકરણનો હોય છે. તેથી આવાં સંશોધનો મોટેભાગે પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં નહિ પણ વાસ્તવિક-કુદરતી પરિસ્થિતિમાં કરવામાં આવે છે અને તે સંશોધનોનાં પરિણામોનો ઉપયોગ જે તે વ્યાવહારિક સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવે છે. આમ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ અને સિદ્ધાંતો મૂળભૂત રીતે વ્યાવહારિક સંશોધનો(applied research)માંથી નીપજ્યાં છે. ગ્લાસ અને સિંગર (1972), કોહેન તથા અન્ય સંશોધકો (1980) વગેરેએ કરેલાં સંશોધનો દર્શાવે છે કે પ્રયોગશાળામાં કરેલાં સંશોધનો કરતાં વાસ્તવિક-કુદરતી પરિસ્થિતિમાં કરેલાં સંશોધનો વધુ વિશ્વસનીય અને યથાર્થ પરિણામો આપી શકે છે. જોકે પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં કરેલાં સંશોધનોનો હેતુ તો વ્યાવહારિક સમસ્યાના નિરાકરણનો જ હોય છે.

પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધોનો અભ્યાસ કરવા માટે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ જેવી કે સમાજલક્ષી મનોવિજ્ઞાન, વ્યાવહારિક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન વગેરેના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સામાજિક વિજ્ઞાનો જેવાં કે નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સ્થાપત્યકલા વગેરેની માહિતી અને જ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આમ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ આંતર વિદ્યાશાખાકીય (interdisciplinary) છે. આ વિવિધ સિદ્ધાંતોના ઊંડા અભ્યાસ પરથી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન પોતાના સિદ્ધાંતો તારવનારું એવું સારગ્રાહી પદ્ધતિતંત્ર (eclectic methodology) અપનાવે છે.

પર્યાવરણ અને વર્તનના પારસ્પરિક સંબંધના અભ્યાસ માટે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે પ્રયોગ પદ્ધતિ, સહસંબંધ અને વર્ણનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સંશોધન માટે બે રીતોનો ઉપયોગ થાય છે : (1) વ્યક્તિને ખબર હોય કે તેનો અભ્યાસ થઈ રહ્યો છે. આ પ્રકારની પદ્ધતિમાં મુલાકાત અને પ્રશ્નાવલિનો ઉપયોગ થાય છે. 1968માં બાર્કરે જુદા જુદા પરિવેશમાં વર્તનની લાક્ષણિકતાઓ તપાસવા માટેના સંશોધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. (2) વ્યક્તિને ખબર ન હોય કે તે આ સંશોધનનો એક ભાગ છે. 1971માં બીકમને કરેલા મદદરૂપ વર્તન અંગેના સંશોધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

પર્યાવરણની વર્તન ઉપરની અસરોને તપાસવા માટેનો એક અભિગમ પર્યાવરણના ભાર(environmental load)ના સંદર્ભમાં વર્તનને સમજવાનો છે. પર્યાવરણની પરિસ્થિતિઓનું માનવી જે રીતે પ્રત્યક્ષીકરણ કરે છે તે સંદર્ભમાં માનવી પર્યાવરણનો અતિભાર (over load), અલ્પભાર (underload) અથવા અનુકૂળ ભારની સ્થિતિ (optimum level) અનુભવે છે. જો માનવી પોતાની સહનશક્તિ કરતાં વધુ માત્રામાં ભાર અનુભવે તો તે અતિભારની સ્થિતિ કહેવાય. શહેરી જીવનશૈલી, તેમજ ભીડ અને ગીચતાની સમસ્યાઓ પર્યાવરણના અતિભારના સંદર્ભમાં સમજાવી શકાય. જો પર્યાવરણની પરિસ્થિતિઓ માનવીમાં વર્તનની કોઈ ઉત્તેજના જન્માવી શકે નહિ એટલી ઓછી માત્રામાં ભાર હોય ત્યારે અલ્પભાર કહેવાય. માનવીની એકધારી પ્રવૃત્તિ, નીરસ જીવન, અને એકલતાની અસરોને અલ્પભારના સંદર્ભમાં સમજાવી શકાય. અતિભાર માનવીમાં તનાવ (stress) ઉત્પન્ન કરે છે. જ્યારે અલ્પભાર તીવ્ર ચિંતાનો અનુભવ કરાવે છે. આમ આ બંને પરિસ્થિતિઓ માનવી માટે હાનિકારક છે. માનવી જ્યારે પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને વર્તે છે ત્યારે અનુકૂળ ભાર (optimum level) કહેવાય છે. આવી અનુકૂળ ભારની સ્થિતિમાં માનવી કોઈ પ્રકારનો તણાવ કે ચિંતા અનુભવ્યા વિના સાધારણ પ્રતિક્રિયાઓ કરી શકે છે.

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં મુખ્યત્વે
 (1) પર્યાવરણની પરિસ્થિતિઓ અને તેની સાથેની આંતરક્રિયાનાં પાસાંઓ; 
(2) પર્યાવરણનું પ્રત્યક્ષીકરણ અને બોધન; 
(3) વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ જેવી કે ઘોંઘાટ, હવામાન-તાપમાન, કુદરતી આપત્તિઓ, પ્રદૂષણ, વ્યક્તિગત અવકાશ, ભીડ અને ગીચતા વગેરેની વર્તન પર થતી અસરો; 
(4) પર્યાવરણની વાર્તનિક અસરો અને ઇચ્છિત વર્તન નિપજાવવા માટે વાતાવરણની તરેહો, 
(5) બદલાતા પર્યાવરણને લગતાં બોધનો, પ્રત્યક્ષીકરણ અને વર્તન તેમજ 
(6) પર્યાવરણમાં ફેરફાર અને જાળવણી વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુદરતી પર્યાવરણની સમતુલામાં મનુષ્યની દખલગીરીથી પર્યાવરણ દૂષિત બને છે ત્યારે વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ ઉદભવે છે. પર્યાવરણને દૂષિત બનાવવું એટલે પ્રદૂષણ સર્જવું. માનવનિર્મિત પ્રવૃત્તિઓથી ઘોંઘાટ, હવા, પાણી, ભૂમિ વગેરેને લગતાં પ્રદૂષણો અત્યારે ચિંતાનો વિષય બન્યાં છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આ સંદર્ભમાં ઘોંઘાટ, હવામાન-તાપમાન, ભૂમિ, માનવવસ્તી વગેરેનો અભ્યાસ કરે છે.

હવાના પ્રદૂષણ માટે ઘરવપરાશમાં, વ્યાપારી ધોરણે તથા ઉદ્યોગોમાં વપરાતું બળતણ વગેરે જવાબદાર છે. હવામાં ઊડતા રજકણો, મિલો, કારખાનાં, ચૂનાની ભઠ્ઠી, સિરામિકનાં કારખાનાં તેમજ અન્ય અસંખ્ય કારખાનાંઓ જવાબદાર છે. જેના કાર્બનકણો હવામાં ભળે છે, જે સૂર્યપ્રકાશ ઘટાડે છે. માનવી શ્વસનતંત્રના રોગોનો ભોગ બને છે, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય બગડે છે.

જળપ્રદૂષણ માટે ગંદા વસવાટોનું બહાર ફેંકાતું પાણી, રંગ-રસાયણોનાં કારખાનાં, રાસાયણિક ખાતરો તેમજ કારખાનાંઓનાં ગંદાં અને ઝેરી પાણીનો નિકાલ વગેરે જવાબદાર છે. આ બધું ગંદું પાણી જળાશયોનાં સ્વચ્છ પાણીમાં ભળે છે અને તેને દૂષિત કરે છે. આ પાણી પીવામાં આવે એટલે પાચનતંત્રના અને ચામડીના રોગો થાય છે.

ઘોંઘાટ એટલે અરુચિકર, અસહ્ય અને ન ગમતો અવાજ. ઘોંઘાટનું પ્રદૂષણ વિવિધ પ્રકારનાં વાહનો, કારખાનાનાં યંત્રો, જેટ વિમાન વગેરેના અસહ્ય અવાજથી ફેલાય છે. અવાજની તીવ્રતાશક્તિ માપવા માટેના ખાસ એકમને ડેસિબલ (DB) કહેવાય છે. સામાન્ય રીતે 30 DB સુધીનો અવાજ સાંભળવો ગમે છે. આશરે 80 DBનો અવાજ માણસને અકળાવે છે. અને તેથીયે વધારે તીવ્રતાવાળો અવાજ માનવીના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. માનવનિર્મિત પર્યાવરણથી ઘોંઘાટનું પ્રદૂષણ ભયંકર રીતે ફેલાયું છે જે માનવીના સમગ્ર જ્ઞાનતંત્રને અસર કરે છે. કાર્યક્ષમતા ઘટે છે, સાંભળવાની ક્ષમતા ઘટે છે, નિર્ણયશક્તિ ઘટે છે – આ બધું અન્ય મનોદૈહિક બીમારીઓનું કારણ બન્યું છે. આમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે.

ભૂમિપ્રદૂષણ પણ માનવીને અનેક રીતે નુકસાનકારક છે. જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં બિનજરૂરી ફેરફારોથી જમીનની ગુણવત્તા અને ઉપયોગિતા નષ્ટ થાય એવા પ્રદૂષણને ભૂમિ કે જમીનનું પ્રદૂષણ કહેવાય. ભૂમિપ્રદૂષણ માટે વિનાશક વાવાઝોડું, વરસાદનું પાણી, વિનાશક પૂર, હિમપ્રપાત, જ્વાળામુખીનો વિસ્ફોટ વગેરે જેવી કુદરતી ઘટનાઓ તો જવાબદાર છે જ, પણ એથીયે અનેકગણું વધારે માનવનિર્મિત પર્યાવરણ જવાબદાર છે. જેમ કે રસ્તા, રેલમાર્ગ, જળાશયો અને બંધો માટે આડેધડ જમીનનું ખોદકામ, જંતુનાશકો, રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ, આ બધાંથી ભૂમિ-પ્રદૂષણનો વ્યાપ વધતો ગયો છે.

પ્રદૂષણની વિનાશક અસર હવામાન-તાપમાન ઉપર પણ થઈ છે. માનવનિર્મિત પ્રદૂષણને કારણે જ પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. ઋતુચક્ર પણ અનિયમિત બની ગયું છે. 11° સે.થી નીચું અને 32° સે.થી ઊંચું તાપમાન માનવી અને પ્રાણી ઉપર ઘાતક અસરો પેદા કરે છે અને તનાવ સર્જે છે. ઔદ્યોગિક ક્રાન્તિ માટે ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રયાસો પણ વિનાશક સાબિત થયા છે. આ ઉપરાંત પૃથ્વીની આસપાસ અવકાશમાં હાલ ખૂબ જ ઉપગ્રહોનો ભરાવો થઈ ગયો છે. આ ઉપગ્રહોનો ભંગાર તેમજ અવકાશયાત્રીઓએ ઠાલવેલો કચરો અવકાશીય (spatial) પ્રદૂષણ સર્જે છે. માનવવસ્તીમાં થતા ઝડપી વધારાથી ભીડ અને ગીચતા જેવી સમસ્યાઓ સર્જાઈ છે, જેનાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. વિશ્વબૅંકનો 1990નો હેવાલ જણાવે છે કે, ‘વિકાસગામી દેશોના સંપૂર્ણ ગરીબ એવા એક અબજથી પણ વધુ લોકો પર્યાવરણમાં પ્રમાણ બહારનો બગાડ સર્જે છે.’ માનવસંખ્યામાં થતો ઝડપી વધારો માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે પાણી, સેનિટેશન, ખોરાક, ઊર્જા, રહેઠાણ, તેમજ મોકળાશભરી જગ્યાની ભારે ખેંચ અને તંગી સર્જે છે. યુનોના પૉપ્યુલેશન ફંડના વિશ્વ-વસ્તી વિશેના 1990ના હેવાલમાં દર્શાવાયું છે કે ‘પર્યાવરણમાં બગાડ સર્જવા માટે જો કોઈ મહત્ત્વનું જવાબદાર પરિબળ હોય તો તે માનવવસ્તી છે. આપણે જો પર્યાવરણની જાળવણી નહિ કરીએ તો આપણાં બાળકોને ઝેરનો વારસો આપી જવાનો રહેશે.’

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં પણ પર્યાવરણમાં ફેરફાર અને જાળવણી વિશેનો અભ્યાસ તેમજ સૂચનો કરવામાં આવે છે. સંશોધકો વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ અને વ્યક્તિ પોતાના અવકાશનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનો અભ્યાસ કરીને નવી ઇમારતોની તરેહો રચવા માટેનાં સૂચનો કરે છે. ભીડ અને ગીચતા વ્યક્તિમાં ક્યારેક તનાવ (stress) જેવી નકારાત્મક પ્રતિક્રિયાઓ નિપજાવે છે તો કેટલાક સંજોગોમાં હૂંફ અને વ્યક્તિગત આનંદની લાગણી જન્માવે છે. આવી વિવિધ અસરોનો અભ્યાસ મનોવિજ્ઞાનની આ શાખામાં કરવામાં આવે છે. એ રીતે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક રસપ્રદ અને વ્યવહારુ શાખા છે. તેમાં સંશોધનો તેમજ તેના વ્યાવહારિક અમલીકરણને ઘણો અવકાશ છે.

પર્યાવરણને નજર સમક્ષ રાખીને સજીવો અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છેલ્લા એકાદ સૈકા દરમિયાન અસ્તિત્વમાં આવ્યું છે, જે પરિસ્થિતિવિજ્ઞાન (ecology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રે 1968માં આર. જી. બાર્કરે સજીવો (living organism) અને પર્યાવરણના પારસ્પરિક સંબંધને તપાસતાં અનેક સંશોધનો કર્યાં. તેમણે પોતાના આ કાર્યને ‘પરિસ્થિતિવિજ્ઞાનલક્ષી મનોવિજ્ઞાન’ (ecological psychology) એવું નામ આપ્યું. બાર્કરનાં સંશોધનો ‘વર્તન પરિવેશ’(behaviour setting)ને લગતાં છે. આમ 1968માં ‘પરિસ્થિતિવિજ્ઞાનલક્ષી મનોવિજ્ઞાન’નો ઉદભવ થયો અને બાર્કર તેના પ્રણેતા ગણાય. પરંતુ પાછળથી અન્ય મનોવૈજ્ઞાનિકોએ માનવવર્તન અને ભૌતિક પર્યાવરણ (કુદરતી તેમજ માનવનિર્મિત) વચ્ચેના પારસ્પરિક સંબંધના અભ્યાસને મહત્વ આપ્યું, જે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન તરીકે ઓળખાયું.

25 August 2022

શાળાકીય મનોવિજ્ઞાન

શાળાકીય મનોવિજ્ઞાન


શાળાકીય મનોવિજ્ઞાન(school psychology)નો સંબંધ શાળાઓમાં થતા શિક્ષણ સાથે છે અને તે શૈક્ષણિક મનોવિજ્ઞાનની એક પેટા શાખા છે. બાળક નાનું હોય ત્યારે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે, જ્યાં તેને શિક્ષકો વિવિધ વિષયો અંગે શિક્ષણ આપે છે. તે ઉપરાંત તે સહઅભ્યાસક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જેથી તે રમતો, વાદવિવાદો, પ્રદર્શનો, ક્ષેત્ર-મુલાકાતો અંગે શિક્ષણ મેળવે છે. ઉપરાંત શાળાઓમાં એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ હોય છે, જેમાંથી તે પોતાના વ્યક્તિત્વના વિવિધ અંશોનો વિકાસ સાધે છે.

શિક્ષકોએ બાળકોના શારીરિક વિકાસ, ભાવાત્મક વિકાસ, ભાષાવિકાસ તથા વ્યક્તિત્વના વિવિધ અંશોના વિકાસનું જ્ઞાન પણ મેળવવું જરૂરી બને છે, કેમ કે બાળકની શીખવાની શક્તિનો ઘણો આધાર તેના વિવિધ પ્રકારના વિકાસો પર નિર્ભર રહે છે.

શીખવાની પ્રક્રિયા (learning process) એ શાળા મનોવિજ્ઞાનનો કેન્દ્રીય વિષય છે. તેમાં ઉત્પ્રેરણ(motivation)નો ઘણો મોટો હિસ્સો છે. બાળકને જો શીખવાની વસ્તુ અંગે ઉત્પ્રેરણ થાય તો શીખવાની પ્રક્રિયા ત્વરિત બને છે. અન્યથા શિક્ષકના મોટાભાગના પ્રયત્નો વ્યર્થ જાય છે.

શિક્ષકો જ્યારે વિવિધ વિષયો શીખવે છે ત્યારે તે દરેક વિષયની અનેક શિક્ષણપદ્ધતિઓને પ્રયોજી જુએ છે. ઉપરાંત સર્વ વિષયોની શિક્ષણપદ્ધતિઓમાં કેટલાંક સામાન્ય તત્વો હોય છે. આ સર્વની ચકાસણી માટે પરીક્ષાઓ અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ તથા સિદ્ધિ કસોટીઓનો ઉપયોગ થાય છે. આ બધાંમાં આંકડાશાસ્ત્રનો ખૂબ ઉપયોગ થાય છે.

શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિસ્ત પાળતાં શીખવવાનું હોય છે. વળી ઘણા વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રકારની વર્તનસમસ્યાઓ ઊભી થાય છે. તેથી તેમના ઉકેલ માટે શિક્ષકોએ માર્ગદર્શનની વ્યવસ્થા કરવી પડે છે. જ્યારે વિદ્યાર્થી મોટો થઈ કૉલેજમાં જાય છે ત્યારે તેણે ઘણા વિષયો ઝડપથી પોતાની જાતે શીખી લેવા પડે છે, એટલે કે સ્વયંશિક્ષણ દ્વારા ઘણો અભ્યાસ કરવાનો હોય છે.

વિદ્યાર્થીઓના વૈયક્તિક ભેદો (individual differences) જાણવા તથા તેમનું માપન કરવા મનોવૈજ્ઞાનિક માપનનું એક મોટું ક્ષેત્ર ઊભું થયું છે, જેમાં પ્રચુર માત્રામાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. અવયવ પૃથક્કરણ (factor analysis) જેવા આંકડાશાસ્ત્રનો ઉદભવ શાળા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાંથી મહદ્અંશે થયો છે.

ઔપચારિક શિક્ષણ (formal education) સાથે વિદ્યાર્થીઓએ અનૌપચારિક શિક્ષણના અનેક માર્ગ શાળામાં અપનાવવા પડે છે. તે રમતો, ચર્ચાવિવાદો, પ્રદર્શનો, શૈક્ષણિક સ્થળોની મુલાકાતો વગેરેમાં પણ શાળા દરમિયાન ભાગ લે છે. એટલે ઔપચારિક તેમજ અનૌપચારિક (non formal education) એમ બંને પ્રકારનાં શિક્ષણનો સમાવેશ શાળા મનોવિજ્ઞાનમાં થાય છે.

શિક્ષકોની તાલીમી સંસ્થાઓમાં શાળા મનોવિજ્ઞાનની સર્વ બાબતો અંગે શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષકોને તેમનાથી સજ્જ કરવામાં આવે છે. અમેરિકા જેવા પ્રગતિશીલ દેશોમાં શાળા મનોવિજ્ઞાની  (school psychologist)ની નિમણૂક કરેલી હોય છે. તે વિદ્યાર્થીઓના વૈયક્તિક ભેદોનું માપન કરે છે તથા તેમના અભ્યાસની કચાશ તથા વર્તન સમસ્યાઓના નિકાલ માટે માર્ગદર્શન આપે છે.

25 October 2021

પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology)

પ્રાકૃતિક માનવવિજ્ઞાન 
(ecological anthropology) 

પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology) : છેલ્લા સૈકામાં વિકાસ પામેલું વિવિધ સજીવોના સંતુલનના આંતરસંબંધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ રજૂ કરતું વિજ્ઞાન. ‘પ્રકૃતિ’ શબ્દ કુદરત–વાતાવરણ માટે વપરાય છે. આ માટે ગ્રીક શબ્દ ‘Okios’ છે, જેનો અર્થ ‘નિવાસસ્થાન–ઘર’ એવો થાય છે. વનસ્પતિ, જીવજંતુ, પશુ, પંખી, માનવ – એ સૌનું નિવાસસ્થાન પૃથ્વી છે. માનવીની આજુબાજુનું સર્વ કાંઈ વાતાવરણનો ભાગ છે. આ વિશ્વ-વાતાવરણમાં સૌની સહિયારી ભાગીદારી છે. સૌ પરસ્પર અવલંબિત છે. તેમની વચ્ચે એક પ્રકારનું સંતુલન છે. માનવજીવનના વિકાસમાં તે સૌની મોટી અને સક્રિય ભૂમિકા રહી છે. માનવસંસ્કૃતિ અને વિકાસને તેણે પ્રભાવિત કર્યું છે.

1866માં જર્મન વૈજ્ઞાનિક અર્ન્સ્ટ હેકલે ‘Ecology’ શબ્દનો નિર્દેશ કર્યોં. આ વિજ્ઞાન પ્રારંભમાં જંગલ, જીવો અને આબોહવા પૂરતું મર્યાદિત રહ્યું; પરંતુ માનવશાસ્ત્રના વિકાસ પછી માનવ અને પર્યાવરણ સાથેના ગાઢ સંબંધનો સ્વીકાર થયો. જુલિયન સ્ટેવર્ડે 1930માં પ્રાકૃતિક માનવવિજ્ઞાનની રજૂઆત કરી. પર્યાવરણ અને સંસ્કૃતિ જુદાં નથી; પરસ્પરને અસરકર્તા છે તે બાબતનો સ્વીકાર થયો. આ વિજ્ઞાન સર્વ જીવંત પદાર્થોને – જીવોને પોતાના અભ્યાસક્ષેત્રમાં આવરી લે છે. તેમાં નીચેનો અભ્યાસ સમાવેશ પામે છે :

(1) વાતાવરણ સાથેની આંતરક્રિયાઓ અને તેમાંથી ક્રમશ: શિકાર, પશુપાલન, ખેતી અને ટેક્નૉલોજી તથા પરમાણુયુગ સુધીના વિવિધ તબક્કાઓના વિકાસનો અભ્યાસ.

(2) માનવવર્તન સાથે સંકળાયેલા પારસ્પરિક સંબંધો – ઉત્પાદન, ટેક્નૉલોજી, માનવવસ્તી વગેરેનો અભ્યાસ.

(3) સંસ્કૃતિનાં પાસાંઓને અસર કરનારી માનવ-પ્રણાલીઓનો અભ્યાસ.

કુદરતમાં સૌ જીવોમાં ‘માનવપરિબળ’ સૌથી વધુ પ્રભાવશાળી હોઈ પ્રારંભમાં ‘માનવપરિસ્થિતિવિજ્ઞાન’ તરીકે તે શરૂ થયું. માનવશાસ્ત્ર એ માનવીનો સર્વાંગીણ અભ્યાસ કરનારું વિજ્ઞાન હોવાથી માનવવિકાસના તબક્કાઓ, માનવી અને અન્ય જીવોનાં અસ્તિત્વ-જાળવણી, વિકાસ વગેરેને લગતા નિયમો તથા સિદ્ધાંતો તારવવાનું કાર્ય આ વિજ્ઞાને કર્યું છે.

મનુષ્યનું અને તેની આજુબાજુનાં વિવિધ વાતાવરણો અને તેનાં વિવિધ પાસાંઓ સાથેનો – તેનો જગત સાથેનો સંબંધ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. માનવ આ સૌમાં કેન્દ્રસ્થાને છે. તેનો સૌ સાથે પારસ્પરિક સંબંધ છે અને તે આપસઆપસમાં અસરકર્તા પણ છે.



આદિમાનવનું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિને અધીન હતું; પરંતુ ખેતીનો વિકાસ થતાં પ્રકૃતિના શોષણની પ્રક્રિયાનો આરંભ થાય છે અને તે ઔદ્યોગિક વિકાસના સ્તરે ચરમ સીમાએ પહોંચે છે. તેની દૂરગામી અસરો પશુ-પંખી, જીવ-જંતુ, ઝાડ-પાન વગેરે તમામ જીવ-સૃષ્ટિ પર થઈ છે. એ સૌમાંથી નીપજતી આડ અસરો અંતે તો માનવજીવનને જ ઘાતક બને તેવી સ્થિતિ પેદા થતી જાય છે. આજે માનવીની ઉપભોક્તાવાદી વૃત્તિને કારણે વૈશ્વિક પર્યાવરણનાં તત્વોમાં ભારે અસમતુલા ઊભી થતાં વિક્ષેપો પેદા થવાની શરૂઆત થઈ ગઈ છે. પરિણામે સૌ જીવો વચ્ચેની કુદરતી સંવાદિતા–સમતુલા પણ જોખમાતી જાય છે. પર્યાવરણ માનવ અને સૌ જીવોનું પોષક, રક્ષક અને આશ્રયદાતા છે; પરંતુ માનવની શોષણવૃત્તિને પરિણામે વિઘાતક અસરોની શૃંખલા ઊભી થવા માંડી છે. પ્રાકૃતિક સાધનોના કેવળ ઉપભોગના આશયથી ઊભા થયેલા ઉદ્યોગો, રાસાયણિક ખાતરો, વૈજ્ઞાનિક ટેકનિકોનો અવિચારીપણે ઉપયોગ, વસ્તી-વધારો, માનવ-આવશ્યકતાઓમાં બેફામ વૃદ્ધિ, પરમાણુપરીક્ષણો વગેરેને કારણે જમીન, હવા, પાણી, ખોરાક, આકાશ વગેરે પ્રદૂષિત થતાં જાય છે અને તેથી જે અસરો થઈ રહી છે તે ખતરનાક બનતી જાય છે. આમ માનવ અને પર્યાવરણ વચ્ચેની તૂટતી જતી સમતુલાને અનુલક્ષીને સર્વગ્રાહી અધ્યયન કરી, તેમાં કારણભૂત તત્વોનું નિદાન, નિયમન અને નિરાકરણ કરવાનું કાર્ય આ પ્રાકૃતિક માનવવિજ્ઞાનના ફાળે આવ્યું છે અને તેના અભ્યાસનું ક્ષેત્ર વિસ્તરવા સાથે તેનું મહત્વ પણ વધતું જાય છે.

અરવિંદ ભટ્ટ

28 September 2021

ધર્મવિષયક મનોવિજ્ઞાન (psychology of religion)

ધર્મવિષયક મનોવિજ્ઞાન 
(psychology of religion)

ધર્મવિષયક મનોવિજ્ઞાનમાં ધાર્મિક માન્યતાઓ, પ્રથાઓ, પરંપરાઓ અને વ્યવહારોનો વ્યક્તિઓ અને સમૂહોના માનસ અને વર્તન ઉપર કેવો પ્રભાવ પડે છે તેનો અવલોકનનિષ્ઠ (empirical) તથ્યાત્મક (factual) અભ્યાસ કરવામાં આવે છે. મનોવિજ્ઞાનની અન્ય શાખાઓની જેમ ધર્મનું મનોવિજ્ઞાન પણ મનોવિજ્ઞાનની એક શાખા છે. ‘અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિયેશન’ (APA) નામની મનોવિજ્ઞાનીઓની સંસ્થાના એક વિભાગનું નામ ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજિન’ રાખવામાં આવ્યું છે. APAના જુદા જુદા વિભાગોમાં તે તે વિભાગ હેઠળ આવતાં મનોવૈજ્ઞાનિક સંશોધનોને આવરી લેવામાં આવે છે અને તે વિભાગની પ્રવૃત્તિઓનું સંકલન થાય છે.

વીસમી સદીના પૂર્વાર્ધમાં વિલિયમ જેમ્સ, સ્ટેનલી જૉલ તેમજ ગૉર્ડન ઑલપૉર્ટ જેવા અગ્રણી અમેરિકન મનોવિજ્ઞાનીઓએ આ ક્ષેત્રમાં તેમના ગ્રંથો દ્વારા મહત્વનું યોગદાન કર્યું છે, પરંતુ વીસમી સદીના મનોવિજ્ઞાનમાં જે રીતે મનોવિજ્ઞાનની બીજી શાખાઓ વિસ્તરતી ગઈ તે રીતે ધર્મના મનોવિજ્ઞાનનો વિસ્તાર અને વિકાસ થયો નથી. ઉદ્યોગો, શિક્ષણ, વ્યવસાય, માનસ-વિકૃતિઓ આદિ લૌકિક ક્ષેત્રનાં પરિવર્ત્યો(variables)થી પ્રભાવિત એવા માનવવર્તન ઉપર સ્વાભાવિક રીતે જ વધુ સંશોધનો થયાં છે.

ધર્મવિષયક મનોવિજ્ઞાન એક પ્રભાવક મનોવિજ્ઞાન તરીકે મુખ્ય પ્રવાહના મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ કરતાં ઓછું વિકસ્યું છે તેનું એક કારણ એ દર્શાવવામાં આવે છે કે મનોવિજ્ઞાનની બીજી શાખાના વિષયો અવલોકનક્ષમ છે, જ્યારે ધર્મવિષયક માન્યતાઓ, વ્યવહારો, પ્રથાઓ કે પરંપરાઓના વિષયો તરીકે ઈશ્વર, આત્મા, પુનર્જન્મ, કર્મ, પાપ-પુણ્ય વગેરે આવે છે અને આવા વિષયોની સત્યતાનો નિર્ણય કરવાનું મનોવિજ્ઞાન પાસે કોઈ સાધન નથી. તેથી જ મનોવિજ્ઞાનની અન્ય શાખાઓમાં જેવું વિષયગત તેમજ પ્રમાણભૂત જ્ઞાન મળી શકે છે તેવું આ શાખામાં શક્ય નથી તેમ દર્શાવાયું છે. જોકે, ઘણા મનોવિજ્ઞાનીઓ માને છે કે મનોવિજ્ઞાનીઓએ તો વ્યક્તિની માન્યતાઓ (beliefs), તેનું વર્તન, તેનાં મનોવલણો વગેરે કયાં પરિબળોથી પ્રભાવિત થાય છે તેનો જ અભ્યાસ કરવાનો છે. તેથી જો ધર્મ વ્યક્તિનાં અને સમૂહનાં વર્તનોને નિર્ણાયક રીતે પ્રભાવિત કરતો હોય તો ધર્મ પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિની પરિભાષા પ્રમાણે, એક અગત્યનું પરિવર્ત્ય (variable) બને છે અને મનોવિજ્ઞાનીઓએ તેના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ધાર્મિક માન્યતાની સામગ્રી ગમે તે હોય પણ જો તે નિર્ણાયક રીતે વ્યક્તિના કે સમૂહોનાં વર્તન, મનોવલણ વગેરે ઉપર પ્રેરક પ્રભાવ પાડતી હોય તો મનોવિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ કરવો જ જોઈએ. ધર્મ જે કહે છે તેને વૈજ્ઞાનિક સમર્થન નથી તેવું ઘણા મનોવૈજ્ઞાનિકો માનતા હોય છે. પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન તો એ છે કે ધર્મમાં જે કહેવાયું છે તે લોકોને અમુક રીતે વર્તવા પ્રેરે છે કે નહિ ? જો ધર્મ વર્તનનું પ્રેરકબળ હોય તો એ મનોવિજ્ઞાનનો મહત્વનો વિષય બને જ છે.

અલૌકિક તત્વોમાં શ્રદ્ધા એ જ ધર્મનું હાર્દ ગણવામાં આવે છે. તેથી ધાર્મિક વર્તનનું લક્ષ્ય અને ધાર્મિક માન્યતાનો વિષય એ બંનેને તર્કના ક્ષેત્રની બહાર મૂકવામાં આવે છે તેથી ધર્મને બિનતાર્કિક (non-logical) ગણનારાઓ તેના વૈજ્ઞાનિક અભ્યાસને પણ મહત્વ આપતા નથી, પરંતુ ખરેખર તો પ્રશ્ન એ પુછાવો જોઈએ કે શું મનુષ્યનું વર્તન, હંમેશાં વ્યક્તિગત અને સામૂહિક કક્ષાએ તાર્કિકતા(rationality)થી જ પ્રેરાયેલું હોય છે ? ખુદ મનોવૈજ્ઞાનિકો જ માને છે કે લોકો જૂથની સ્વીકૃતિ મેળવવા માટે, જૂથ દ્વારા સ્વઓળખ પ્રાપ્ત કરવા માટે, જૂથ-જોડાણ ટકાવી રાખવા માટે, તેમજ આશ્વાસનની, ટેકાની અને સલામતીની જરૂરિયાત માટે પણ ઘણા પ્રકારનું પ્રબલનકારક અને અનુકૂલન-સાધક વર્તન કરતા હોય છે. લોકોનું ધાર્મિક વર્તન પણ આ જ પ્રેરકો(motives)થી સમજાવી શકાય છે. ધાર્મિક વર્તન પણ રૂઢિ, પરંપરા, વ્યક્તિના સામાજિકીકરણ(socialization)ની તરેહો, સમાજનાં ધોરણોનું વ્યક્તિઓએ કરેલું આંતરિકીકરણ (internalization) વગેરેથી ઉદભવે છે, ટકી રહે છે અને દોરવાય છે. તેથી જ, તાર્કિકતાને આગળ કરીને ધર્મના વૈજ્ઞાનિક અભ્યાસની અવગણના થઈ શકે નહિ. અતાર્કિક પ્રેરકોનો અભ્યાસ કરવાનું મનોવિજ્ઞાનમાં ટાળવામાં આવે તો પછી મનોવૈજ્ઞાનિકો અફવાનું, ટોળાનું, પ્રચારનું, સ્વપ્નોનું, ભ્રમનું અને પૂર્વગ્રહનું મનોવિજ્ઞાન રચી જ ન શકે ! તેનો અર્થ એ નથી કે ધાર્મિકતા એ આ બધા વિષયો જેવી જ અતાર્કિક છે. ખરેખર તો સંશોધનનો મુદ્દો એ હોવો જોઈએ કે વિજ્ઞાન-ટૅકનૉલૉજી આધારિત આધુનિકતાને વરેલા સમાજોમાં શા માટે હજી પણ પવિત્ર ગ્રંથોની અને ગુરુઓની લોકોત્તર તત્વોનો બોધ આપતી વાણીમાં લોકો માની રહ્યા છે ? તેનાં કયાં પ્રેરકબળો છે ? શા માટે લોકો વૈજ્ઞાનિક સમજૂતીઓ ઉપરાંતની અલૌકિક સમજૂતીઓ સ્વીકારવા પ્રેરાય છે ?

લોકો જે માને છે અને જે રીતે વર્તે છે તે માન્યતાના વિષયો કલ્પિત હોય, અસત્ય હોય, અસમર્થિત હોય, ભૂલભરેલા હોય કે તે વર્તનનાં લક્ષ્યો સિદ્ધ થાય તેવાં ન હોય તે અંગેની વાત મનોવિજ્ઞાનીઓએ બાજુએ મૂકીને જ ઘણાં ક્ષેત્રોમાં સંશોધન કરવું જરૂરી બને છે. દા.ત., પૂર્વગ્રહયુક્ત માન્યતાઓ અતાર્કિક હોય છે, સાહિત્ય કે કલાના વિષયો કેવળ કલ્પનાગમ્ય હોય છે, સ્વપ્નોમાં ભાસતા પદાર્થો મિથ્યા હોય છે અને અફવાઓ અસત્ય હોય છે, છતાં પૂર્વગ્રહનો, સાહિત્યકલાનો, સ્વપ્નોનો કે અફવાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ ગંભીરતાથી કરવામાં આવે છે, કારણ કે અવાસ્તવિક, કલ્પિત, અતાર્કિક કે અસત્ય કે અસમર્થિત હોય તેવી બાબતો પણ મનુષ્યના વર્તનને વાસ્તવિક રીતે, વ્યક્તિગત કે સામૂહિક કક્ષાએ પ્રભાવિત કરે જ છે. ધર્મનો પણ દરેક સમાજમાં દરેક ઐતિહાસિક તબક્કે વ્યક્તિઓના અને સમૂહોના માનસ ઉપર વ્યાપક પ્રભાવ પડ્યો છે તે હકીકત છે. તેથી પોતાનો અભ્યાસ તથ્યનિષ્ઠ છે તેવો દાવો કરનારા મનોવિજ્ઞાનીઓ કઈ રીતે આ હકીકતને અવગણી શકે ? મનોવિજ્ઞાનમાં ધર્મવિષયક માન્યતાઓના વિષયોની સત્યતા/અસત્યતા નક્કી કરવાની કોઈ પદ્ધતિ જ નથી. ધર્મનિષ્ઠ વર્તનનાં લક્ષ્યો (જેમ કે મોક્ષ) ખરેખર સિદ્ધ થાય છે કે કેમ તેનો નિશ્ચય કરવાનાં પણ મનોવિજ્ઞાન પાસે કોઈ સાધનો નથી. ધર્મવિષયક અનુભવોનું પ્રામાણ્ય પણ મનોવિજ્ઞાન નિશ્ચિત કરી શકે નહિ. મનોવિજ્ઞાન આવા વિષયો, લક્ષ્યો અને અનુભવોનો કેવળ તથ્યાત્મક અભ્યાસ કરી શકે છે.

ધર્મના અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની જેમ જ ધર્મનો મનોવૈજ્ઞાનિક અવલોકનનિષ્ઠ અભ્યાસ મુખ્યત્વે વર્ણનાત્મક, માપનલક્ષી અને સર્વેક્ષણ સ્વરૂપનો હોય છે. વ્યક્તિની ધાર્મિકતાનાં માપનો માટે મનોવૈજ્ઞાનિક સાધનો (પ્રશ્નાવલિ વગેરે) બનાવવામાં આવે છે અને તેને આધારે વ્યક્તિની ધાર્મિકતાનાં માપનો અને વ્યક્તિના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનાં કે તેનાં મનોવલણોનાં કે તેનાં માનસિક સ્વાસ્થ્ય અંગેનાં માપનો સાથે સહસંબંધ શોધવામાં આવે છે. દા.ત., ઊંચી ધર્મભક્તિવાળા લોકો પ્રમાણમાં વધુ રૂઢિચુસ્ત છે કે ઓછા ઉદાર હોય છે ખરા ? તેઓ વધુ સ્વસ્થ કે ઓછા ચિંતાતુર હોય છે ખરા ? વિવિધ વ્યાવહારિક ક્ષેત્રોમાં તેમનું સમાયોજન કેવું હોય છે ? તેઓ અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવે છે કે કેમ ? તેઓ સમાનતામાં માને છે કે ઈશ્વરસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં ઉચ્ચાવચતા હોય તો તે પણ સ્વીકારી લે છે ? આવા અનેક પ્રશ્નો લઈને મનોવૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે. આવાં સંશોધનોમાં ધર્મના વિષયની સત્યતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવતો જ નથી. જર્મનીની કોલોન (Colongue) યુનિવર્સિટીના વૉલ્ફગાંગ ઝેગોડઝિન્સ્કી અને શિકાગો તેમજ એરિઝોના યુનિવર્સિટીના એન્ડ્ર્યુ ગ્રીલીએ ધર્મ અંગેના 1991ના ઇન્ટરનૅશનલ સર્વે પ્રોગ્રામની માહિતીનું વિશ્લેષણ કર્યું છે. ધર્મવિષયક આ સર્વેક્ષણમાં પશ્ચિમ જર્મની, પૂર્વ જર્મની, હંગેરી, ઇટલી, આયર્લૅન્ડ, નોર્વે, યુ.એસ., ન્યૂઝીલૅન્ડ, ઇઝરાયલ વગેરે સત્તર દેશોના લોકોના નિદર્શ (sample) લેવામાં આવ્યા હતા. નીચેનાં છ વિધાનો પ્રત્યેના નિદર્શમાં સમાવિષ્ટ લોકોના ઉત્તરો ઉપરથી તેમનું પાકા નિરીશ્વરવાદી (નાસ્તિકો), હળવા નિરીશ્વરવાદીઓ અને અતિહળવા નાસ્તિકો એવું વર્ગીકરણ કરવામાં આવ્યું. એ છ વિધાનો આ પ્રમાણે છે :

(1) હું ઈશ્વરમાં માનતો નથી.

(2) ઈશ્વર છે કે કેમ તે હું જાણતો નથી અને તે જાણવા માટેનો કોઈ માર્ગ પણ નથી.

(3) હું વ્યક્તિસ્વરૂપ ઈશ્વરમાં માનતો નથી પણ કોઈક પ્રકારની શક્તિ(power)માં માનું છું.

(4) હું કેટલીક વાર ઈશ્વરમાં માનું છું તો વળી બીજા કેટલાક પ્રસંગે ઈશ્વરમાં માનતો નથી એવું પણ અનુભવું છું.

(5) જ્યારે મને શંકાઓ ઘેરી વળે છે ત્યારે મને જણાય છે કે હું ઈશ્વરમાં માનું છું.

(6) ઈશ્વર ખરેખર અસ્તિત્વમાં છે તે હું જાણું છું અને મારામાં તે અંગે કોઈ શંકા નથી.

આ સર્વેમાં બીજો એક પ્રશ્ન આ પ્રમાણે હતો :

મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ? તેમાં ચાર વિકલ્પો દર્શાવાયા હતા :

(1) હા, ચોક્કસ રીતે માનું છું.

(2) હા, સંભવિત છે, કદાચ તેવું હોય.

(3) ના, કદાચ તેવું સંભવિત નથી.

(4) ના, હું નિશ્ચિત રીતે તેમાં નથી માનતો.

ઉપરનાં પ્રથમ છ વિધાનોમાંથી જે પહેલું વિધાન સ્વીકારે, અને પછીનાં ચાર વિધાનોમાંથી જે છેલ્લું વિધાન સ્વીકારે તો પાકા નાસ્તિકો ગણાય. પહેલાં છ વિધાનોમાં જે બીજો વિકલ્પ સ્વીકારે તે અજ્ઞેયવાદી(agnostic) કે અતિહળવા નાસ્તિકો ગણાય. સંશોધનના પરિણામે જાણવા મળ્યું છે કે જુદા જુદા દેશોમાં અતિહળવા નાસ્તિકોથી માંડીને સંપૂર્ણ નાસ્તિકોની ટકાવારી ખૂબ જ ઓછી છે દા.ત., પશ્ચિમ જર્મનીમાં માંડ પાંચ ટકા પાકા નાસ્તિકો છે અને યુ.એસ.માં અજ્ઞેયવાદીઓ ત્રણ ટકા તો સંપૂર્ણ નિરીશ્વરવાદીઓ તો 0.9 % જ છે ! આવાં ઘણાં તારણોનું વિશ્લેષણ કરતાં વિવેચકોને સમજાયું છે કે વિજ્ઞાન-ટૅકનૉલૉજી આધારિત આધુનિકતાના પ્રભાવ હેઠળ વિવિધ પ્રજાના માનસ ઉપર ધર્મનો પ્રભાવ ઘટતો જશે તેવી ધારણા આવાં સર્વેક્ષણોથી ખોટી પડી છે. જોકે પહેલાંના જેવો જ પ્રજાઓ ઉપર તો ધર્મનો સર્વવ્યાપક પ્રભાવ અકબંધ રહ્યો છે તેમ તો કહી શકાય નહિ, કારણ કે આધુનિક વિજ્ઞાને માનવજાતની જેટલી સમસ્યાઓ ઉકેલી છે તેટલી સમસ્યાઓ પહેલાં કદી પણ કોઈ સાધનોથી કે સંસ્થાઓથી ઉકેલાઈ નથી. જુદા જુદા ધર્મોમાં માનતાં રાષ્ટ્રોએ પણ નિરક્ષરતાનિવારણ કે રોગનાબૂદીથી માંડીને પરમાણુ-પરીક્ષણ સુધીની બાબતોમાં આધુનિક વિજ્ઞાનો ઉપર જ આધાર રાખવો પડે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓએ આધુનિકતાના ઇહલોકવાદી પ્રભાવ હેઠળ ધર્મનો પ્રભાવ તદ્દન ઘટી જશે એમ કહ્યું હતું પણ તેવું હજી સુધી તો બન્યું નથી એમ પણ જણાયું છે. રાજ્યો દ્વારા જો પ્રજાઓ ઉપર ધર્મવિહીનતા બળજબરીથી લાદવામાં આવી ન હોય તો વ્યક્તિઓ સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા મહદ્અંશે ધાર્મિક વર્તનનો અંગીકાર કરી લે છે. જુદાં જુદાં જૂથોની ધાર્મિકતામાં જે તફાવતો જોવા મળે છે, તે જુદા જુદા સામાજિકીકરણને લીધે જણાય છે.

માપનલક્ષી અભિગમ મનોવિજ્ઞાનમાં અત્યંત આવશ્યક છે તે અંગે કોઈ વિવાદ નથી, પણ કેટલાક મનોવિજ્ઞાનીઓને વ્યક્તિઓ ઉપરના ધર્મના પ્રભાવ અંગેનાં તથ્યાત્મક અવલોકનોને બદલે ખુદ ધર્મના સ્વરૂપનાં મનોવૈજ્ઞાનિક સૈદ્ધાન્તિક અર્થઘટનોમાં વધુ રસ છે. આવા મનોવિજ્ઞાનીઓમાં ફ્રૉઇડ, યુંગ, ઇરિક ફ્રૉમ, અબ્રાહમ મેસલો આદિનો સમાવેશ થાય છે. આવા મનોવિજ્ઞાનીઓ કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉઠાવે છે. દા.ત., ધર્મ શું છે ? શું તે એક ભ્રાન્તિ છે ? કોઈક મનોવિકૃતિ છે ? શું તેના વિકલ્પે બીજા કોઈ તંત્રો કે વ્યવહારો તેનું સ્થાન ન લઈ
શકે ? આવા પ્રશ્નો ધર્મો અંગે સૈદ્ધાન્તિક વિચારણાને કેન્દ્રમાં મૂકે છે. દા.ત. ફ્રૉઇડે જેમ સ્વપ્નોનું અર્થઘટન કર્યું તેમ જ ધર્મનું અર્થઘટન કર્યું છે.

વિશ્વના ઉદભવ, સ્વરૂપ અને તેની સંરચના અંગેની ધર્મનિષ્ઠ માન્યતાઓને કૉપરનિકસ, ડાર્વિન અને ફ્રૉઇડે અનેક રીતે આઘાત પહોંચાડ્યો છે. ધર્મની માર્કસે અફીણ સાથે તુલના કરી અને ફ્રૉઇડે ધર્મને માનસિક નબળાઈ કે બીમારી તરીકે સમજાવ્યો છે. પહેલાં મનોદબાણ (obsession) તરીકે, પછી ઇચ્છાતૃપ્તિ તરીકે અને છેલ્લે ભ્રાન્તિ તરીકે તેમજ દમન પામેલી અચેતન સામગ્રીના પુનરાગમન તરીકે ફ્રૉઇડે ધર્મની સમજૂતી આપી છે. વ્યક્તિઓ ધાર્મિક વિધિ અને ક્રિયાકાંડના યંત્રવત્ પુનરાવર્તનથી પોતાના અપરાધભાવ(guilt)ને ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેવું ફ્રૉઇડે સમજાવ્યું છે. આમ, તેમના મતે ધર્મ એક ‘ન્યુરોસિસ’ છે. ફ્રૉઇડ પ્રમાણે જીવનની કઠોર વાસ્તવિકતાનાં દબાણો અને સંઘર્ષોને પહોંચી વળવા માટે પુખ્ત વ્યક્તિઓને પણ પિતાસ્વરૂપ ઈશ્વરની કલ્પનાનો આશ્રય લેવો પડે છે. તેમાંથી તેમને સલામતી અને હૂંફ મળે છે. ફ્રૉઇડ પ્રમાણે ઈશ્વર વગેરે અંગેની ધાર્મિક માન્યતાઓને કોઈ વાસ્તવિક પુરાવાઓનું તાર્કિક સમર્થન નથી મળતું. તેથી જ, તેનો વિષય કેવળ કાલ્પનિક ઇચ્છાતૃપ્તિ તરીકે જ પ્રવર્તે છે. એટલે ધર્મ એક ‘ન્યુરોસિસ’ પ્રકારની માનસિક અવદશા છે તે ભ્રાન્તિની સ્થિતિ છે, તેમાં માનનારાઓ માનવજાતની બાલ્યાવસ્થાના અવશેષો હજી છોડતા નથી. રોમન કૅથલિક ચર્ચે ફ્રૉઇડના મનોવિશ્ર્લેષણનો ભૌતિકવાદ, પ્રકૃતિવાદ, જીવવિજ્ઞાનવાદ, યંત્રવાદ, ઉત્ક્રાંતિવાદ વગેરે જેવાં ચૌદ કારણોસર અસ્વીકાર કર્યો છે. જોકે ઘણા મનોવિજ્ઞાનીઓ ફ્રૉઇડનો ધર્મવિષયક મત આમ પણ સ્વીકારતા નથી. જેમ કે, કાર્લ યુંગ, ઇરિક ફ્રોમ, અબ્રાહમ મેસલો વગેરે. દા.ત., કર્મકાંડ અને ધાર્મિક પ્રવિધિઓ સંપૂર્ણ રીતે અતાર્કિક છે તેવું ફ્રોમ સ્વીકારતા નથી. તે જ રીતે, ફ્રોમ મનોવિશ્ર્લેષણ અને ધર્મ વચ્ચે ફ્રૉઇડે કલ્પેલો આત્યંતિક વિરોધ સ્વીકારતા નથી. આધ્યાત્મિક અનુભવોમાં જે વિષય નિરૂપાયો છે તેની સત્યતા/અસત્યતા નક્કી કરવા માટે મનોવિજ્ઞાન પાસે કોઈ પદ્ધતિ નથી, પણ તેથી આવા અનુભવો કેવળ ભ્રાન્તિ સ્વરૂપના છે કે માનસિક નબળાઈનાં લક્ષણોરૂપ છે તેવું સ્વીકારવા પણ ઘણા મનોવિજ્ઞાનીઓ તૈયાર નથી. વૈયક્તિક ધાર્મિક-આધ્યાત્મિક અનુભવોને પણ વ્યક્તિઓ પોતાની ધર્મ-પરંપરાની પરિભાષામાં વ્યક્ત કરે છે. માનસિક સારવારના ક્ષેત્રે પણ પ્રાર્થના, પૂજા, ભક્તિ, સત્સંગ, ધાર્મિક પ્રસંગોની ઉજવણીઓ વગેરેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. જોકે, વ્યક્તિની ચિંતા ઘટાડવાના એક સાધન તરીકે કે શારીરિક-માનસિક ઉપચારમાં ઉપકારક નીવડે છે માટે જ ધર્મને સ્વીકારવો અને કોઈ પારલૌકિક તત્ત્વ સાથેના અનુસંધાન માટેના પ્રયત્ન કે માર્ગ તરીકે તેનો સ્વીકાર કરવો એ બંને જુદી બાબતો છે. ધર્મનો વિષય ભ્રાન્તિરૂપ હોય તોપણ ધર્મનું મનોવિજ્ઞાન શક્ય છે કારણ કે ભ્રાન્તિનું મનોવિજ્ઞાન શક્ય છે.

ઇતિહાસ, રાજ્યવિષયક સમાજશાસ્ત્ર, સંસ્થાઓનું સમાજશાસ્ત્ર અને સામૂહિક ધાર્મિક વર્તનનું સમાજલક્ષી મનોવિજ્ઞાન – એમ અનેક રીતે ધર્મનો અભ્યાસ થાય છે. મનોવિજ્ઞાનમાં તો ધર્મસંલગ્ન એવી વ્યક્તિગત માનસિક અને વર્તનપરક ઘટનાઓનો જ અભ્યાસ થાય છે. ઐતિહાસિક સંજોગોને અધીન એવાં ધર્મનાં સંસ્થાસ્વરૂપોને લીધે ઉદભવતા સામાજિક સ્થગિતતાના, સંઘર્ષોના, પ્રગતિબાધકતાના અને ધર્મ સાથે જોડાઈ જતી વ્યક્તિની રાજકીય, સામાજિક-સાંસ્કૃતિક સ્વ-ઓળખને લીધે ઉદભવતા રૂઢિચુસ્તતા, ધર્મજડતા અને ટોળાશાહી અસહિષ્ણુતાના પ્રશ્નો તો મુખ્યત્વે સમાજશાસ્ત્રીય પ્રશ્નો છે, મનોવિજ્ઞાનમાં તો ધર્મસંલગ્ન એવી વ્યક્તિ પરત્વે બોધાત્મક, આવેગાત્મક અને વર્તનપરક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે છે. જે તાર્કિક રીતે સિદ્ધ ન હોય અથવા તો તે સિદ્ધ થઈ શકે છે કે કેમ તેને અંગે જાણવાની કોઈ અવલોકનનિષ્ઠ પદ્ધતિઓ ન હોય તેવી ઘણી બાબતોમાં લોકો ઘણાંબધાં મનોવૈજ્ઞાનિક કારણોસર માનતા હોય છે. તેથી બીજાં ક્ષેત્રોની જેમ ધાર્મિક ક્ષેત્રોમાં પણ ધર્માનુસરણના તાર્કિક નહિ પણ મનોવૈજ્ઞાનિક કારણો શોધવામાં આવે છે. ધર્મને અનુસરીને ઊંચી નૈતિક ભૂમિકા સિદ્ધ કરવાના પ્રયત્નોને પ્રબલન મળે અને ધર્મ દ્વારા જુદા જુદા પૂર્વગ્રહો અને વિભાજનવાદી વલણો પોષાય નહિ તેવું વ્યક્તિનું સામાજિકીકરણ ઇષ્ટ છે, એવો મૂલ્ય-નિર્ણય જરૂરી છે. છેલ્લાં દશેક વર્ષમાં આ અંગેના સાહિત્યમાં વ્યૂલ્ફ(Wulff)નું પુસ્તક ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજિન’ (1991) તેમજ પેરગેમેન્ટ- (Pargament)નું પુસ્તક ‘ધ સાઇકૉલોજી ઑવ્ રિલિજસ કૉપિંગ’ (1997) ઘણાં ઉપયોગી નીવડ્યાં છે. એક અગ્રણી સંશોધક અને ચિંતક માઇકિયેલ નીલસન(અમેરિકાની જ્યૉર્જિયાના સધર્ન યુનિવર્સિટીના અધ્યાપક)નું ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજન’ (1994) પણ આ ક્ષેત્રમાં એક આગવું પ્રદાન ગણાય છે. ધર્મ અંગેના સંશોધનલેખો, ‘ધ જર્નલ ઑવ્ ધ સાયન્ટિફિક સ્ટડી ઑવ્ રિલીજન’, ‘રિવ્યૂ ઑવ્ રિલિજસ રિસર્ચ’ તેમજ ‘ઇન્ટરનૅશનલ જર્નલ ઑવ્ સાઇકૉલોજી ઑવ્ રિલિજન’માં પ્રકાશિત થાય છે.

મધુસૂદન બક્ષી