Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label મનોવૈજ્ઞાનિક આર્ટીકલ. Show all posts
Showing posts with label મનોવૈજ્ઞાનિક આર્ટીકલ. Show all posts

18 August 2024

શું દરેક ક્રિયા અને વિચાર પાછળ મનોવિજ્ઞાન છે?

શું દરેક ક્રિયા અને વિચાર પાછળ મનોવિજ્ઞાન છે?


મોટેભાગે (એટલે કે, 99 ટકા) આપણે સૌ પહેલાં મનથી વિચારીએ છીએ અને કોઈ પણ કાર્ય કે વિચારને મનથી કરીએ છીએ, એનો માનસિક નકશો તૈયાર કરવામાં મનનો મોટો ફાળો હોય છે. આપણું શરીર એ મનનો નોકર છે. દાખલા તરીકે, તમારાં હાથમાં પેન છે પણ તમારું મન જાણે છે કે "ક" કેમ લખવો, "ખ" કેમ લખવો. આ સ્મૃતિમાં અકબંધ વસ્તુઓને મન ખોળી કાઢીને કાગળમાં ગોઠવવાં માટે હાથને કમાન્ડ કરે છે, એટલે, હાથ એ પ્રમાણે અક્ષરો, શબ્દો, વાક્યો કરવાં માટે વળે છે. માત્ર, એટલું જ નહીં પરંતુ સમગ્ર વાક્યો અર્થપૂર્ણ બનાવવાનું કામ પણ મન જ કરે છે. આવી નાની વાતથી શરૂ કરી ને જીવનના ગંભીરમાં ગંભીર નિર્ણયો મનથી જ થતાં હોય છે. અત્યારે હું આ ક્વોરાના એક પ્રશ્નનો જવાબ લખું છું ત્યારે પણ મારું મન એમાં પ્રવૃત્ત થયું છે અને મનની કમાંડ મુજબ મારી આંગળીઓ ટાઇપ કરી રહી છે.

મનની શક્તિઓ આકાશ જેટલી વિસ્તૃત અને મહાસાગરથી યે ઊંડી છે. મનનો તાગ મેળવવો એ અત્યંત મુશ્કેલ છે. આમ જોઈએ તો, મન એ મગજની એ ક્ષમતા છે જે વ્યક્તિને વિચારવાની શક્તિ, યાદશક્તિ (મેમરી), નિર્ણયશક્તિ, બુદ્ધિ, ભાવના, સંવેદનશીલતા, એકાગ્રતા, વર્તન, આંતરદૃષ્ટિ આપે છે. સામાન્ય ભાષામાં, મન એ શરીરનો તે ભાગ અથવા પ્રક્રિયા છે જે જાણીતી વસ્તુને સમજવા, વિચારવા અને સમજવા માટે કાર્ય કરે છે. વિચાર એ મનની એક પ્રોડક્ટ છે. આપણે માણસને એનાં વિચારો ને લીધે મહાન ગણતાં હોઈએ તો એ મનને શું કહીશું કે જે આવા વિચારો ને જન્મ આપે છે? અહીંયા, મને એક ફિલ્મ ગીતની પંક્તિઓ યાદ આવે છે: "મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ના કોય; મન ઉજિયારા જબ જગ ફૈલે, જગ ઉજિયારા હોય.." (ફિલ્મ "કાજલ" ના આ સુંદર ગીતમાં, સાચે જ, મનનો બહુ મોટો મહિમા ગાયો છે: "તોરા મન દર્પણ કહેલાયે").

મનના વિવિધ પાસાઓ અને તેની કામગીરી મનોવિજ્ઞાન નામની એક જ્ઞાનની શાખા કરે છે. માનસિક આરોગ્ય અને મનોચિકિત્સા વ્યક્તિના મનની કામગીરીનું વિશ્લેષણ કરે છે. મનોચિકિત્સા નામની એક શાખા મનની અંદર છુપાયેલી જટિલતાઓને સમજવાનુ અને એની સ્થિતિમાં માનસિક અથવા માનસિક સ્વાસ્થ્યમાં વિક્ષેપ પેદા કરે છે એને ઉકેલવાનું કાર્ય કરે છે. બીજી બાજુ, માનસિક આરોગ્ય પુનસ્થાપિત કરવાની રીતનું કામ પણ મનોચિકિત્સા કરે છે.

સિગ્મંડ ફ્રોઇડ નામના મનોવૈજ્ઞાનિકે મનને ત્રણ ભાગોમાં વર્ગીકૃત કર્યું છે:

સભાન મન: તે મનના લગભગ દસમા ભાગનું છે, જેમાં પોતાનાં વિશે અને પર્યાવરણ વિશેની માહિતી (ચેતના) શામેલ છે. દૈનિક કાર્યમાં, કોઈપણ વ્યક્તિ મનના આ ભાગને વ્યવહારમાં મૂકે છે.

અચેતન મન: તે મનનાં આશરે 90 ટકા ભાગનું છે, જેનું કાર્ય વ્યક્તિને ખબર નથી. તે મનના સ્વસ્થ અને આરોગ્યપ્રદ કાર્યોને અસર કરે છે. આપણને આવતાં સપનાંઓ એ આ મનની પ્રોડક્ટ છે. આ ભાગમાં જે કંઈ ચાલે છે એને સપનાથી આકાર દેવાતો હોય છે. એટલે કે એ સપનારૂપે વ્યક્ત થતું હોય છે. આમાં ભૂખ, તરસ, જાતીય ઇચ્છાઓ જેવી કોઈની મૂળવૃત્તિ સંબંધિત ઇચ્છાઓ દબાવવામાં આવે છે. એ કોઈની સાથે વ્યક્ત થતું નથી. એ એક જાતનું આપણે જાતે આપણાં પર કરેલું દમન છે, જે અચેતન મનમાં દબાઈને પડ્યું રહે છે. માણસ મનના આ ભાગનો સભાનપણે ઉપયોગ કરી શકતો નથી. મનનાં આ ભાગમાં દબાયેલી ઇચ્છાઓ નિયંત્રણ શક્તિમાંથી છટકીને પ્રગટ થાય છે. જે પછીથી મનોરોગનું રૂપ ધારણ કરે છે.

અર્ધ-સભાન અથવા પૂર્ણ-સભાન મન: તે મનના સભાન અને અચેતન વચ્ચેનો એક ભાગ છે, જેનો ઉપયોગ જ્યારે વ્યક્તિ ઇચ્છે ત્યારે કરી શકે છે, જેમ કે મેમરીનો તે ભાગ, જેનો ઉપયોગ વ્યક્તિ ઘટનાને યાદ કરવાનો અને યાદ રાખવા માટે કરી શકે છે.

ફ્રોઈડે એ પણ કામ મુજબ મનને ત્રણ મુખ્ય ભાગોમાં વર્ગીકૃત કર્યું છે. એ આ મુજબ છે:

ઇડ (મૂળ પ્રવૃત્તિ) આ આપણી મૂળભૂત ઈચ્છાઓ છે. આ મોટેભાગે આપણી બાયોલોજીકલ જરૂરિયાતો છે. આ ઈચ્છા અતાર્કિક અને બિન-મૌખિક છે અને ચેતનામાં પ્રવેશતી નથી. આપણાં મનનો એક ભાગ છે જે મૂળની ઇચ્છાઓ ધરાવે છે, જેમાં જાતીય ઇચ્છાઓ, આક્રમકતા, ખોરાક, વગેરે નો સમાવેશ થાય છે. જેનાથી ટૂંકાગાળાનો સંતોષ મળે છે અને એ સુખ અને દુઃખનાં સિદ્ધાંત પર આધારિત છે. આ વિભાગની સંતુષ્ટિ માટે આ જૈવિક જરૂરિયાતો પૂર્ણ થાય એ જરૂરી છે. જો એમ ન થાય તો એ વ્યક્તિનું વર્તન એબનોર્મલ બને છે.

ઈગો (અહમ્): આ મનનો સભાન ભાગ છે જે વાસ્તવિક વૃત્તિની ઇચ્છાઓને વાસ્તવિકતા અનુસાર નિયંત્રિત કરે છે. આની અસર સુપરઇગો (અંતિમ અહમ) ની છે. તેનો અડધો હિસ્સો સભાન અને અડધો અભાન રહે છે. તેનું મુખ્ય કાર્ય માણસને તાણ અથવા અસ્વસ્થતાથી બચાવવાનું છે. ફ્રોઇડની માનસિક પુત્રી એના ફ્રોઇડના જણાવ્યા અનુસાર, આ ભાગ દોઢ વર્ષની ઉંમરે ઉત્પન્ન થાય છે, જેનો પુરાવો એ છે કે આ સમયગાળા પછી, બાળક તેના અંગોની ઓળખ કરવાનું શરૂ કરે છે, અને તેનામાં અહંકારભાવ કે સ્વાર્થભાવ વિકસે છે.

સુપર ઇગો (અંતિમ અહમ્): આપણાં મનની આ વસ્તુ સામાજિક અને નૈતિક જરૂરિયાતો અનુસાર ઉદભવે છે અને આપણાં વ્યક્તિત્વ કે અનુભવનો ભાગ બને છે. તેના અભાન ભાગને "અહંકાર-આદર્શ" અને સભાન ભાગને "અંત:કરણ" કે "વિવેકભાન" કહે છે.

ઈગો (અહમ્) નું મુખ્ય કાર્ય વાસ્તવિકતા, બુદ્ધિ, ચેતના, કારણ-શક્તિ, મેમરી-શક્તિ, નિર્ણય-શક્તિ, ઇચ્છા-શક્તિ, અનુકૂલન, એકીકરણને અલગ કરવાની વૃત્તિ વિકસિત કરવાનું છે.

મનુષ્યનું મન સૌથી ઝડપી ગતિ કરે છે. આ જગતમાં હજી સુધી એવી એક પણ વસ્તુ શોધાઈ નથી કે જે મનની ગતિ ને પહોંચી શકે. હકીકતમાં મન એક જ એવી વસ્તુ છે કે જે ભૂતકાળ, ભવિષ્યકાળ માં જઈ શકે છે. આ સુખકારી અને દુઃખકારી એમ બંને છે. કેટલાંક અતીતરાગી (Nostalgic, ભૂતકાળ પ્રત્યેનો પ્રેમ, લગાવવાળા) લોકો વ્યથિત રહે છે, એનું કારણ એમનાં મનની ગતિ છે. આ એમને સુખ અને દુઃખ એમ ઉભય સંવેદનો, લાગણીઓ આપે છે.

અધ્યાત્મિક સ્તરે જોઈએ તો, મનને એક ભૂમિ માનવામાં આવે છે, જેમાં નિર્ધાર અને પસંદગી સતત ઉત્પન્ન થાય છે, અને એ અવિરતપણે ચાલુ જ રહે છે. વિવેકશક્તિનો ઉપયોગ સારા અને ખરાબનો ભેદ પાડવામાં થાય છે. વિવેકમાર્ગ અથવા જ્ઞાનમાર્ગમાં મનને સંયમિત રાખવાની ચેષ્ટા કરવામાં આવે છે, તેનું અંતિમ લક્ષ્ય શૂન્ય છે. ભક્તિના માર્ગમાં, મનને પરિણિત કરવામાં આવે છે, જેની પરાકાષ્ઠા ભગવાનના દર્શનમાં છે. આત્મા અને ઇન્દ્રિયો વચ્ચેના જ્ઞાનને મન કહેવામાં આવે છે.

આમ, આપણે કહી શકીએ કે, આપણી દરેક ક્રિયા અને વિચાર પાછળ મનનું વિજ્ઞાન કામ કરે છે.

અસ્તુ.


દિલીપ ભટ્ટ
વી. ડી. કાણકીયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, 


26 June 2023

મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી.

મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી.




અત્યારના સમયમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ અનેક પ્રકારના બિઝનેસમાં થવા લાગ્યો છે. સમયની સાથે આ પ્રકારના કામમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શિક્ષણ, મૅનેજમૅન્ટ, મેથડ, રમત-ગમત જેવી અનેક જ્ગ્યાઓ પર મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આ વિષયના વિદ્યાર્થીઓ માટે રોજગારીની ભરપૂર તક ઊભી થઈ છે.

આ વાત કદાચ સાંભળવામાં નવી લાગે, પરંતુ હકીકત છે કે આજે કાર ડિઝાઇનિંગથી લઈને ફર્નિચર ડિઝાઇન કરતી કંપનીઓ પણ મનોવૈજ્ઞાનિકોની મદદ લેતી હોય છે. જેના કારણે મનુષ્યનો સ્વભાવ અને પસંદગીના આધારે ડિઝાઇન તૈયાર કરી શકાય. ઉચ્ચસ્તરની કંપનીઓ પણ ગ્રાહકના વ્યવહાર અને તેમની પસંદના આધારે વિજ્ઞાપન તૈયાર કરતી હોય છે. જેની પાછળ કંપનીઓ કરોડો રૃપિયાનો ખર્ચ પણ કરે છે, જ્યારે પણ કોઈ નવી પ્રોડક્ટ બજારમાં લાવવાની હોય તે પહેલાં વિશેષજ્ઞોના સલાહ-સૂચન લેવામાં આવે છે.

નવા જ પડકારો રહેલા છે

સરળ ભાષામાં કહીએ તો મનોવિજ્ઞાન એ જુદી-જુદી પરિસ્થિતિમાં મનુષ્યના મગજમાં ચાલતા વિચારો, ક્રિયા, પ્રતિક્રિયા અને સ્થિતિનું વૈજ્ઞાનિક પ્રકરણ છે. આ વિષયમાં માનસિક સમસ્યાઓ સામે ઝઝૂમતા લોકોની સારવાર દવાઓથી વધુ કાઉન્સિલિંગ દ્વારા કરવામાં આવે છે. આ કામ સરળ નથી. આની સાથે અનેક પ્રકારની સમસ્યા જોડાયેલી છે.

રોજગારમાં વિવિધતા

મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા પછી માસ્ટર ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓનેે આગળ વધવાની અનેક તક મળી રહે છે. જોકે સ્નાતક થયા પછી પણ નોકરીની અનેક તક કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટમાં મળી રહે છે, પરંતુ આ ફિલ્ડમાં સારા કરિયરની આશા રાખનાર વિદ્યાર્થીઓએ કમ સે કમ માસ્ટર ડિગ્રી તો મેેળવવી જ જોઈએ. આ વિષયમાં નિપુણ થયેલા વિદ્યાર્થીઓ માટે સરકારી વિભાગ, શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો, એનજીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ નોકરીની વિશાળ તક રહેલી છે. બી.એડ્.નો કોર્સ મનોવિજ્ઞાનમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ કરે છે તો શિક્ષકની નોકરી માટે તેમની પસંદગીના સ્ત્રોત વધી જાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે થઈને પ્રયાસ કરવાની સાથે-સાથે પ્રબંધક અને કર્મચારીઓ વચ્ચેનો તાલમેલ બનાવી રાખવાનું મહત્ત્વનું કાર્ય આવા જ કુશળ વ્યક્તિઓ કરતા હોય છે. ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમાં માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની નોકરી માટે મનોવૈજ્ઞાનિક ડિગ્રી મેળવેલા યુવાનોને પસંદ કરવામાં આવે છે, કારણ કે આ વિષયમાં નિપુણ થયેલા લોકો બજારના સમીકરણોને સારી રીતે સમજી શકે છે. નામાંકિત કંપનીઓ ઇન્ટરવ્યૂ બોર્ડમાં મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ કરે છે. આ ક્ષેત્રમાં નિપુણ થયેલા યુવાનો માટે ચાઇલ્ડ પ્રોટેક્શન વર્કર, ચાઇલ્ડ સુપરવાઇઝર, રિહેબિલિટેશન સ્પેશિયાલિસ્ટ, બિહેવિયર કાઉન્સેલર જેવી અનેક નોકરીઓના વિકલ્પ છે.

પગારનો દર

શરૃના સમયમાં નિષ્ણાતો ૧૫થી ૨૦ હજાર રૃપિયા પ્રતિમાસ મેળવે છે. જેમ જેમ આ ક્ષેત્રમાં અનુભવ વધે છે તેમ-તેમ વેતનમાં પણ વધારો થતો રહે છે. તો વળી પોતાની સ્વતંત્ર એનજીઓ પણ શરૃ કરી શકાય છે. જેમાં સરકારી મદદ મેળવીને સારી આવક ઊભી કરી શકાય છે.

કેવી વ્યક્તિ આ વિષયમાં રસ લઈ શકે છે?

આ વિષયમાં આગળ વધવાની ઇચ્છા કરતા યુવાનોમાં સતર્કતાની સાથે નાનામાં નાની વાતોની ઓળખવાની આવડત હોવી જરૃરી છે, કારણ કે આ આવડતના ઉપયોગથી બીજાની માનસિકતાની માહિતી મેળવી તેમને યોગ્ય મદદ કરી શકાય છે. જે વ્યક્તિ આ રોગથી પીડાતો હોય તેની સાથે સારી અને સરળ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતા ખૂબ જ જરૃરી છે. દર્દીની સમસ્યાને શાંતિથી સાંભળી તેના નિરાકરણની જાણકારી આપવાની આવડત હોવી પણ જરૃરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કામ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ કે યુવાનમાં પોતાના કામ પ્રત્યે સન્માન અને ધગશ બંને ખૂબ જ જરૃરી છે.

નિષ્ણાતોના મુખ્ય ક્ષેત્ર

  • ક્લિનિકલ સાઇકોલોજી
ગંભીર રૃપે બીમાર હોય તેવા માનસિક દર્દીનો ઉપચાર કરવામાં આવે છે. આમાં પીડિત વ્યક્તિનું માત્ર કાઉન્સેલિંગ કરવાથી કામ ચાલતંુ નથી. તેની સાથે અનેક પ્રકારની માનસિક દવાઓ પણ આપવી પડે છે. ત્યારે જ દર્દીની સારવાર શક્ય બને છે.

  • ક્રિમિનલ સાઇકોલોજી
અપરાધકર્તાઓ સાથે જોડાયેલી પોલીસ તપાસ માટે ગુનેગારોની માનસિક્તા સમજવા માટે આ વિષયમાં જાણીતા હોય તેવા મનોવૈજ્ઞાનિકની મદદ લેવામાં આવે છે.

  • માનવ સંસાધન પ્રબંધક પર આધારિત મનોવિજ્ઞાન
સરકારી અને ખાનગી કંપનીઓમાં નોકરી માટેના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા દરમિયાન મનોવૈજ્ઞાનિકની નીતિના આધારે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. માટે જ એચ.આર. સાથે જોડાયેલી નોકરીમાં કુશળ મનોવૈજ્ઞાનિકોની જરૃર રહે છે.

  • કરિયર કાઉન્સેલર
પોતાના રસના આધારે કારકિર્દી સાથે જોડાયેલા પ્રશ્નોના હલ માટે આ નિષ્ણાતોની સલાહ અને સૂચન લેવામાં આવે છે.એટલું જ નહીં, આજે સ્પોટ્ર્સ સાઇકોલોજી, ઇન્ડસ્ટ્રિયલ સાઇકોલોજીમાં નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવે છે. કાયદાકીય બાબતોમાં સમાધાન કરાવાથી લઈને ડિપ્રેશન સાથે જોડાયેલી અનેક બાબતોમાં સંબંધિત નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. દિન-પ્રતિદિન નિષ્ણાતોની ઉપયોગિતા અને મહત્ત્વ વધી રહ્યું છે.

મનોવિજ્ઞાન વિષય થોડો અઘરો જરૃર છે, પરંતુ આ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા યુવાનોએ ક્યારેય બેકારીનો ભોગ બનવું પડતું નથી. તેમની માટે નોકરીના એક બે નહીં, પરંતુ અઢળક વિકલ્પ રહેલા છે

30 May 2023

એરિક એરિક્સન

એરિક એરિક્સન


એરિક્સન, એરિક ઓમબર્જર (Homberger) (જ. 1902, જર્મની; અ. 1994) : જાણીતા અમેરિકન મનોવિશ્લેષક. મનોવિશ્લેષણ દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ માનવવિદ્યાઓ, ઇતિહાસ તથા મનોવિજ્ઞાનના વિકાસ માટે કરવાની પહેલ તેમણે કરી હતી; જેને લીધે વર્તનલક્ષી વિદ્યાઓ તથા સમાજવિદ્યાઓના ક્ષેત્રમાં તેમનો વિશેષ પ્રભાવ દેખાય છે. ઔપચારિક ઉચ્ચ શિક્ષણથી વિમુખ રહેલા એરિક્સન જાણીતા મનોવિશ્લેષક ફ્રૉઇડના આમંત્રણથી વિયેનાની એક શાળામાં કલા, ઇતિહાસ અને ભૂગોળના શિક્ષક તરીકે 1927માં જોડાયા હતા. તે દરમિયાન વિયેના સાયકૉઍનૅલિટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. 1930માં તેમનો પ્રથમ શોધનિબંધ પ્રકાશિત થયો. વિયેનાની આ સંસ્થાએ 1933માં તેમને માનાર્હ સભ્યપદ પ્રદાન કર્યું. તે વર્ષે સ્નાતકની પદવી મેળવી તેઓ અમેરિકા ગયા. થોડોક સમય બૉસ્ટન ખાતે બાળમનોવિશ્લેષકનો વ્યવસાય કર્યા પછી તેમણે હાર્વર્ડ (1934-35, 1960-70), યેલ (1936-39) તથા યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા અને સાનફ્રાન્સિસ્કો(1939-50)માં સેવા આપી. 1950માં મૅસેચ્યૂસેટ્સ ખાતેના ઑસ્ટેન રિમ્સ સેન્ટરમાં જોડાયા. 1970માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ‘પ્રોફેસર ઇમેરિટસ’ નિમાયા.

બૌદ્ધિક સ્વસ્થતા ધરાવતી વ્યક્તિમાં અહમ્ અથવા બોધાવસ્થા રચનાત્મક બનીને કેવી રીતે ક્રિયાશીલ બનતી હોય છે તેનો તેમણે સર્વગ્રાહી અભ્યાસ કર્યો હતો. માણસની અંગત લાગણીઓને મહત્વ આપતાં માનવવિકાસના જટિલ પ્રશ્નો અંગેના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતો અને બીજી તરફ વ્યક્તિના મનોભાવ પર પ્રભાવ પાડતી વ્યાપક સામાજિક અસરોને જોડવાનું કાર્ય કર્યું. તે મનોવિશ્લેષણના ક્ષેત્રમાં તેમનું મુખ્ય પ્રદાન છે. તરુણાવસ્થામાં વ્યક્તિત્વના વિકાસમાં કુટુંબનું તથા શાળાનું વાતાવરણ, સાંસ્કૃતિક મૂલ્યો તથા સમાજના આદર્શો જેવી બાબતો સવિશેષ અસર કરતી હોય છે. આ બાબતના તેઓ જોરદાર હિમાયતી છે. નીરોગી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ મનોવિશ્લેષક છે. તાદાત્મ્ય, તાદાત્મ્યને લગતી કટોકટી, મનોવૈજ્ઞાનિક શૂન્યાવકાશ જેવા ખ્યાલો સચોટ રીતે પ્રસ્તુત કરવાનું કાર્ય તેમણે કર્યું છે. વ્યક્તિત્વનો વિકાસ સાધવાના હેતુથી દરેક સમાજ પોતાની સંસ્થાઓ તથા સંગઠનો ઊભાં કરે છે, તેમ છતાં સમાન સમસ્યાઓના નિરાકરણ માટે તેના દ્વારા જે ઉકેલ શોધાય છે તેમાં ઘણી ભિન્નતા હોય છે, એમ તેમનું કહેવું છે.

તેમના પ્રકાશિત ગ્રંથોમાં ‘ચાઇલ્ડહૂડ ઍન્ડ સોસાયટી’ (1950), ‘યંગ મૅન લ્યૂથર’ (1958); ‘ઇન્સાઇટ ઍન્ડ રિસપોન્સ’ (નિબંધસંગ્રહ) (1964); ‘યુથ ઍન્ડ ક્રાઇસિસ’ (1968), ‘ગાંધી’ઝ ટ્રુથ ઑન્ ધ ઓરિજિન્સ ઑવ્ મિલિટન્ટ નૉનવાયૉલન્સ’ (1970); ‘લાઇફ હિસ્ટરી ઍન્ડ ધ હિસ્ટોરિકલ મુવમેન્ટ’ (નિબંધસંગ્રહ); ‘ટોટઝ ઍન્ડ રિઝન્સ’ (1977) તથા ‘ધ લાઇફ સાઇકલ કમ્પ્લિટેડ : અ રિવ્યૂ’ (1982) વિશેષ ઉલ્લેખનીય છે.

‘ચાઇલ્ડહૂડ ઍન્ડ સોસાયટી’ ગ્રંથમાં તેમણે વ્યક્તિત્વ, વ્યક્તિત્વની કટોકટી તથા મનોલૈંગિક સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે. તેમના મંતવ્ય અનુસાર વ્યક્તિ અનેક પ્રકારની કટોકટી તથા માનસિક તાણમાંથી પસાર થતી હોય છે; જેમાંથી સહીસલામત બહાર નીકળવા માટે આત્મવિશ્વાસ, આત્મશક્તિ, પહેલવૃત્તિ, કાર્યદક્ષતા, ઉત્પાદકતા, નીતિમત્તા તથા સ્વીકાર્યતાના ગુણ કેળવવા જોઈએ. ‘યંગ મૅન લ્યૂથર’માં માર્ટિન લ્યૂથર કિંગ પોતાના વ્યક્તિત્વની કટોકટી સાથે કેવી રીતે સંવાદિતા પ્રસ્થાપિત કરે છે તેનું તેમણે મનોવિશ્લેષણ કર્યું છે. ‘ગાંધી’ઝ ટ્રુથ….’માં તે મહાત્મા ગાંધીના વ્યક્તિગત વિકાસની ચર્ચા કરે છે તથા ભારતની અહિંસક ચળવળમાં ગાંધીજીના નેતૃત્વ સાથે તેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.

પોતાના વિચારો પ્રસ્તુત કરવાની તેમની આગવી સૂઝ અને શૈલી પ્રત્યે સામાન્ય માણસોમાં રુચિ પેદા કરવામાં તેઓ સફળ થયા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

07 August 2022

એલન એસ. કૌફમેન

એલન એસ. કૌફમેન

એલન એસ. કૌફમેન (જન્મ એપ્રિલ 1944) એક અમેરિકન મનોવિજ્ઞાની અને લેખક છે, જે બુદ્ધિ પરીક્ષણ પરના તેમના કાર્ય માટે જાણીતા છે.


પ્રારંભિક જીવન અને કારકિર્દી

એલન એસ. કૌફમેનો જન્મ બ્રુકલિનમાં થયો હતો અને તેનો ઉછેર લોંગ આઇલેન્ડ પર થયો હતો, કૌફમેને ઇ.સ. 1965માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી સ્નાતકની પદવી મેળવી હતી; ઇ.સ.1967માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી  અને પીએચ.ડી. ઇ.સ.1970 માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી (રોબર્ટ એલ. થોર્ન્ડાઇક માર્ગદર્શન હેઠળ)પદવી મેળવી હતી, તેઓ માનોભૌતિકી (સાયકોમેટ્રિક્સ)માં વિશેષતા ધરાવતા હતા.

નદીન એલ. કૌફમેન

તેમણે ઇ.સ.1964 થી મનોવૈજ્ઞાનિક નદીન એલ. કૌફમેન સાથે લગ્ન કર્યા હતા. ઇ.સ. 1968 થી ઇ.સ. 1974 દરમિયાન ધ સાયકોલોજિકલ કોર્પોરેશનમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવી હતી, તેમણે બાળકો માટેના  વેકસ્લર ઇન્ટેલિજન્સ સ્કેલ (WISC) ના સંશોધન પર ડેવિડ વેકસ્લર સાથે નજીકથી કામ કર્યું હતું અને સુધારેલ સંસ્કરણ (WISC-R) માટે માનાંકીકરણની દેખરેખ રાખી હતી. . તેમણે ડોરોથિયા મેકકાર્થી સાથે બાળકોની ક્ષમતાઓના મેકકાર્થી સ્કેલના વિકાસ અને માનકીકરણમાં પણ સહયોગ આપ્યો હતો. યેલ યુનિવર્સિટીમાં હોદ્દો સંભાળતા  પહેલા તેમણે યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા (1974–1979) અને યુનિવર્સિટી ઓફ અલાબામા (1984–1995) ખાતે હોદ્દા સાંભળ્યો હતો.

બંને ઇ.સ. 1997 થી સ્કૂલ ઓફ મેડિસિનમાં યેલ યુનિવર્સિટીના ચાઇલ્ડ સ્ટડી સેન્ટરમાં કામ કરે છે.

કોફમેન બુદ્ધિકસોટીનો વિકાસ

જ્યારે કૌફમેન અને તેની પત્નીએ દેખરેખ ઇ.સ.1978-79માં યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયામાં તેમણી સંશોધન ટીમે કામ કરતી હતી ત્યારે બાળકો માટે મૂળ કોફમેન એસેસમેન્ટ બેટરી (K-ABC) અને અન્ય ઘણી મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક કસોટીઓ વિકસાવી હતી, જેમાં.....

કોફમેન ટેસ્ટ ઓફ એજ્યુકેશનલ એચિવમેન્ટ (K- TEA/NU), 

કૌફમેન બ્રિફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ (K-BIT), અને બંનેની બીજી આવૃત્તિઓ (KTEA-II અને KBIT-2). 

પ્રારંભિક શૈક્ષણિક અને ભાષા કૌશલ્યનો કોફમેન સર્વે (K-SEALS) અને પ્રારંભિક સ્ક્રીનીંગ પ્રોફાઇલ્સની જ્ઞાનાત્મક/ભાષા પ્રોફાઇલ પૂર્વશાળાના સ્તર પર આધારિત છે. 

કૌફમેન એડોલેશન  એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ (KAIT), 

કોફમેન શોર્ટ ન્યુરોસાયકોલોજિકલ એસેસમેન્ટ પ્રોસિજર (K-SNAP), અને 

કોફમેન ફંક્શનલ એકેડેમિક સ્કીલ્સ ટેસ્ટ (K-FAST) પુખ્ત વયના જીવનકાળ સુધી વિસ્તરે છે.

2004/2005માં, કૌફમેનના પરીક્ષણોની સુધારેલી આવૃત્તિઓ પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં KABC-II, KTEA-II અને KBIT-2નો સમાવેશ થાય છે. KABC-II PASS અને CHC બંને બુદ્ધિના સિદ્ધાંતોને એકીકૃત કરે છે.

કોફમેનના પરીક્ષણોની ઝાંખી

કોફમેન બ્રિફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ (KBIT) એ શાબ્દિક (શબ્દભંડોળ પેટાકસોટી) અને અશાબ્દિક  (મેટ્રિસિસ પેટાકસોટી) બુદ્ધિકસોટીનું સંક્ષિપ્ત રૂપ છે , જે વ્યક્તિગત રીતે સંચાલિત માપ છે. તેનો ઉપયોગ 4-90 વર્ષની વયના લોકો માટે થઈ શકે છે અને તેનું સંચાલન કરવામાં 15-30 મિનિટનો સમય લાગે છે. તે ચિકિત્સાત્મક, શૈક્ષણિક, વ્યાવસાયિક અને સંશોધન સમાયોજન સહિત વિવિધ સમાયોજનમાં ઉપયોગી થઈ શકે છે. મૂળ KBIT 1990 માં પ્રકાશિત થઈ હતી, જ્યારે બીજી આવૃત્તિ (KBIT-2) 2004 માં પ્રકાશિત થઈ હતી.

KBIT-2 ત્રણ પ્રાપ્તાંક (સ્કોર્સ) માપન  કરે છે: શાબ્દિક , આશાબ્દિક અને સયુક્ત બુદ્ધિનું માપન કરે છે. સૈદ્ધાંતિક રીતે શાબ્દિક પેટા કસોટી  સ્ફટિકીકૃત ક્ષમતાને માપે છે અને આશાબ્દિક પેટા કસોટી પ્રવાહી તર્કને માપે છે.

KBIT-2 નો મૌખિક ભાગ વર્બલ નોલેજ અને રિડલ્સ બે પેટા કસોટીનો બનેલો છે. આ વ્યક્તિના શબ્દ જ્ઞાન, મૌખિક ખ્યાલની રચના, તર્ક ક્ષમતા અને સામાન્ય માહિતીની શ્રેણીને માપવા દ્વારા મૌખિક, શાળા સંબંધિત કુશળતાને માપે છે. બિન-મૌખિક ભાગ મેટ્રિસીસ સબટેસ્ટનો બનેલો છે અને સંબંધોને સમજવાની ક્ષમતા અને સંપૂર્ણ દ્રશ્ય સામ્યતાઓનું મૂલ્યાંકન કરીને નવી સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાને માપે છે.

કોફમેન ટેસ્ટ ઓફ એજ્યુકેશનલ એચિવમેન્ટ (KTEA)

KTEA 4 વર્ષ 6 મહિના - 25 વર્ષ (વ્યાપક સ્વરૂપ) અને 4 વર્ષ 6 મહિના - 90+ (સંક્ષિપ્ત સ્વરૂપ) ની વયના લોકો માટે શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યક્તિગત રીતે સંચાલિત માપ પ્રદાન કરે છે. ટેસ્ટનો ઉપયોગ વ્યક્તિની શક્તિઓ અને નબળાઈઓને ત્રણ મુખ્ય ડોમેન્સમાં ઓળખવા માટે કરી શકાય છે: ગણિત, લેખિત ભાષા અને બોલાતી ભાષા. તેનો ઉપયોગ વ્યાપક મનોવૈજ્ઞાનિક, શૈક્ષણિક મનોવિજ્ઞાન  અથવા ન્યુરોસાયકોલોજિકલ ટેસ્ટ બેટરીના ભાગ રૂપે પણ થઈ શકે છે જે વ્યક્તિઓની કુલ કામગીરીની સમજને વધારી શકે છે.

વર્તમાન આવૃત્તિ 2004 માં પ્રકાશિત કરવામાં આવી હતી. તેના પ્રકાશનથી તે શિક્ષણમાં શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું માપ બની ગયું છે. પરીક્ષણને સંચાલિત કરવામાં 15-80 મિનિટની વચ્ચેનો સમય લાગે છે અને ત્યાં બે વૈકલ્પિક સ્વરૂપો છે જે તેનો ઉપયોગ પ્રગતિ અથવા હસ્તક્ષેપના પ્રતિભાવને મોનિટર કરવા માટે સક્ષમ બનાવે છે.

કોમ્પ્રિહેન્સિવ ફોર્મમાં 4 ડોમેન કમ્પોઝિટ, 4 વાંચન-સંબંધિત કમ્પોઝિટ, અલગ સબટેસ્ટ સ્કોર્સ ઉપરાંત એકંદર વ્યાપક સિદ્ધિ સંયુક્તમાં જૂથબદ્ધ 14 સબટેસ્ટનો સમાવેશ થાય છે.

સંક્ષિપ્ત ફોર્મ એ અભ્યાસક્રમ-આધારિત સાધન છે જે વ્યાપક સ્વરૂપ તરીકે સમાન ત્રણ મુખ્ય સિદ્ધિ ડોમેન્સમાં ધોરણ-સંદર્ભિત મૂલ્યાંકન પ્રદાન કરે છે. વ્યાપક ફોર્મ સાથે કોઈ સામગ્રી ઓવરલેપ નથી, તેનો ઉપયોગ પુનઃપરીક્ષણ માટે થઈ શકે છે અને તેમાં નીચેના પેટા કસોટીનો સમાવેશ થાય છે:

  • વાંચન - શબ્દ ઓળખ અને વાંચન સમજ
  • ગણિત - ગણતરી અને એપ્લિકેશન સમસ્યાઓ
  • લેખિત અભિવ્યક્તિ - લેખિત ભાષા અને જોડણી.

સંક્ષિપ્ત ફોર્મ બેટરી કમ્પોઝિટ તેમજ વાંચન, ગણિત અને જોડણીમાં સબટેસ્ટ સ્કોર પ્રદાન કરે છે.

અન્ય સંશોધકો પર પ્રભાવ

વ્યાપકપણે શિક્ષક અને માર્ગદર્શક, તેમજ સંશોધક તરીકે ઓળખાતા, જ્યોર્જિયા યુનિવર્સિટીમાં ડોક્ટરલ વિદ્યાર્થીઓની કૌફમેનની કેડર પણ આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવશાળી બની છે. કૌફમેને અન્યો વચ્ચે, સેસિલ આર. રેનોલ્ડ્સ, રેન્ડી ડબલ્યુ. કેમ્ફોસ, બ્રુસ બ્રેકન, સ્ટીવ મેકકેલમ, જેક એ. નાગલીરી અને પેટી હેરિસનને માર્ગદર્શન આપ્યું હતું, જેમાંથી તમામ મોટી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બન્યા હતા અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કેટલાક મનોવૈજ્ઞાનિક પરીક્ષણોના લેખકો બન્યા હતા. અમેરિકા ઉપરાંત, કૌફમેને તેની પત્ની, નદીન સાથે, તોશિનોરી ઇશિકુમા અને સૂ-બેક મૂન સહિત અલાબામા યુનિવર્સિટીમાં વિદેશી ડોક્ટરલ વિદ્યાર્થીઓની દેખરેખ રાખી હતી, જેઓ પોતાના દેશોમાં પ્રભાવશાળી પ્રોફેસરો બન્યા હતા અને અનુક્રમે જાપાની અને કોરિયન બાળકો માટે K-ABC નો અનુવાદ અને દત્તક લીધો હતો.

20 July 2022

કેમ વધી રહી છે વિશ્વભરમાં મનોવૈજ્ઞાનિકોની માંગ

કેમ વધી રહી છે વિશ્વભરમાં મનોવૈજ્ઞાનિકોની માંગ 


         છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં મનોવૈજ્ઞાનિકો (Psychologists)ની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. કોરોના (corona)મહામારીના કારણે લોકોમાં માનસિક સમસ્યાઓ વધી રહી છે. પરંતુ દવા અને શિક્ષણ સિવાય, ઉદ્યોગ (Industries), રમતગમત, રાજકારણ, મનોરંજન વગેરે જેવા ઘણા ક્ષેત્રોમાં મનોવૈજ્ઞાનિક નિષ્ણાતોની માંગ અને ભરતીમાં જબરદસ્ત વધારો થયો છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં મનોવિજ્ઞાન (Psychology)ને એટલું મહત્વ આપવામાં આવતું નથી જેટલું મળવું જોઈએ. કોવિડ-19 મહામારી (corona pandemic)ના કારણે લોકોના શારીરિક સ્વાસ્થ્ય (physical health)ને જ અસર નથી થઈ, પરંતુ તેને ઘણી માનસિક (mental health) આડઅસર પણ કરી છે. શું આ જ કારણ છે કે, આખી દુનિયામાં મનોવૈજ્ઞાનિકોની માંગ વધી રહી છે કે પછી વિશ્વમાં ઝડપથી વધતી જતી માનસિક સમસ્યાઓનું કારણ છે.

જે મહામારીના કારણે બહાર આવી છે અથવા તો આજનું આધુનિક જીવન જ એવી સ્થિતિમાં છે કે જ્યાં દિવસે દિવસે અનિશ્ચિતતા વધી રહી છે. સત્ય એ છે કે, તાજેતરના વર્ષોમાં વિશ્વમાં મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા ઘણી વધી રહી છે. અને મનોવૈજ્ઞાનિકો પણ વિશ્વના ઘણા ક્ષેત્રોમાં દખલ કરી રહ્યા છે. તેનું કારણ આ ટ્રેન્ડમાં જ દેખાય છે.

ઘણા વિસ્તારોમાં ઝડપથી વધી રહી છે માંગ

મનોવિજ્ઞાન નિષ્ણાતો હવે ઘણી મોટી ભૂમિકામાં દેખાઈ રહ્યા છે અને તે પણ સરકાર, મીડિયા, રાજકારણ, કોર્પોરેટ જગત, ફેક્ટરીઓ, ફિલ્મ સેટ્સ, ટેક સ્ટાર્ટઅપ્સ જેવી ઘણી જગ્યાએ. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન માટેના એક લેખમાં, સાયકોલોજિસ્ટ અને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ જસ્ટિન એન્ડરસન, જેમણે કોલેજના ઘણા વિદ્યાર્થીઓ, બિઝનેસમેન અને ઓલિમ્પિક એથ્લેટ્સ સાથે કામ કર્યું છે, તે કહે છે કે પરંપરાગત રમતવીરો પણ સાયકોથેરાપ્યુટિક સલાહ લેવા લાગ્યા છે.

વિસ્તરી રહ્યો છે મનોવિજ્ઞાનનો વ્યાપ

વિશ્વભરના ઘણા ઉદ્યોગોમાં તણાવ ઘટાડવાના મહત્વને માન્યતા આપવામાં આવી રહી છે. આ સાથે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે આ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. હવે મનોવૈજ્ઞાનિક તાલીમ ઘણી રીતે સક્ષમતા પર ભાર મૂકે છે જેની ઉદ્યોગોમાં માંગ વધી રહી છે. આ ઉપરાંત, ડેટા વિશ્લેષણથી બહુ-શિસ્ત કાર્યકારી ટીમો બનાવવા જેવા કાર્યો પણ તેમના કાર્યક્ષેત્રમાં આવવા લાગ્યા છે. એ દિવસો ગયા જ્યારે મનોવિજ્ઞાન માત્ર તબીબી માધ્યમથી જ સુલભ હતું. હવે શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.



ઇક્વિટી, વિવિધતા અને સમાવેશ (EDI)

જે ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકોની સૌથી વધુ માંગ છે તે છે “સમાનતા, વિવિધતા અને સમાવેશ” એટલે કે “ઇક્વિટી, ડાઈવર્સિટી અને ઈન્ક્લૂજન” (EDI). છેલ્લા પાંચથી છ વર્ષમાં વિવિધ સંસ્થાઓમાં EDIની ભૂમિકામાં 71 ટકાનો વધારો થયો છે. તે બધામાં મનોવૈજ્ઞાનિકો નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ સાથેની કુશળતા ખૂબ મૂલ્યવાન સાબિત થઈ છે.

ઓફિસના વાતાવરણને સમજવું જરૂરી

ફ્લોરિડામાં સ્થિત ઔદ્યોગિક અને સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક ડૉ. કિઝી પાર્ક્સ માને છે કે ઓફિસના વાતાવરણમાં ટીમો કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, ઓફિસ પોલિટિક્સ અને વ્યક્તિત્વના પાત્રની અસરો શું છે તે સમજવું હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સંસ્થાઓ પણ પ્રક્રિયાઓ પર વધુ ધ્યાન આપી રહી છે. EDIના મહત્વને જોતાં, મનોવૈજ્ઞાનિકોની માંગ વધી છે કારણ કે આ વિષય પરની નિપુણતા સાથે, તેઓ આ નિષ્ણાત સંસ્થાઓ અને સંસ્થાઓને અન્ય ઘણી રીતે મદદ પણ કરી શકે છે. જેના કારણે કર્મચારીઓના સ્તરમાં ઘણો વધારો થઈ શકે છે.


જાહેર જીવનમાં પણ

અમેરિકામાં મનોવૈજ્ઞાનિકો પણ જાહેર જીવનમાં નવી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. ઓબામાથી લઈને બિડેન વહીવટીતંત્ર સુધી વિવિધ સલાહકાર પદો પર મનોવૈજ્ઞાનિકોની નિમણૂક કરવામાં આવી છે. તે જ સમયે, સિન્થિયા એન ટેલ્સ જેવા મનોવૈજ્ઞાનિકોને કોસ્ટા રિકામાં યુએસ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં યુએસ કોંગ્રેસમાં મનોવૈજ્ઞાનિકોની સંખ્યા પણ વધી છે.

મોટી ટેક કંપનીઓ પણ પાછળ નથી

આજે મનોવૈજ્ઞાનિકો ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે જેમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક જેવી મોટી ટેક કંપનીઓ મનોવૈજ્ઞાનિકોની ભરતી કરી રહી છે. તે જ સમયે, મનોવિજ્ઞાનની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો નવા સ્ટાર્ટ-અપ્સમાં વધુ દેખાય છે. ટેક કંપનીઓ તેમના ઉત્પાદનોની લોકપ્રિયતા ચકાસવા, તેમને લોકપ્રિય બનાવવા અને લોકોની માંગને સમજવા માટે મનોવૈજ્ઞાનિકોની ભરતી કરી રહી છે.

અને મનોરંજન પણ

આ સિવાય મનોરંજનમાં પણ મનોવૈજ્ઞાનિકોની માંગ વધી રહી છે. મીડિયા, દસ્તાવેજી ફિલ્મ નિર્માતાઓ વગેરે મનોવૈજ્ઞાનિકોને તેમના સ્પેશિયલાઇઝેશન પ્રોગ્રામ્સ અને પ્રોજેક્ટ્સમાં લાવી રહ્યા છે. મનોવિજ્ઞાન પૃષ્ઠભૂમિને મનોરંજનમાં પણ ઉપયોગી માનવામાં આવે છે, સ્ક્રિપ્ટ રાઇટિંગથી લઈને અભિનેતાઓ સુધી. નિર્માતાઓએ તેમના કલાકારોના માનસિક સ્વાસ્થ્ય માટે વધુ મનોવૈજ્ઞાનિક સમર્થન માંગવાનું શરૂ કર્યું છે.


Published by:Riya Upadhay                                                 First published: January 09, 2022, 10:37 IST

10 July 2022

ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ - પરિવારના સભ્યને માનસિક હેરાન કરવાની વિકૃતિ

ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ - પરિવારના સભ્યને માનસિક હેરાન કરવાની વિકૃતિ

કુટુંબની અંગત અને ખૂબ નજીકની વ્યક્તિને દુઃખી અને ટોર્ચર કરવાની વિકૃતિ: ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ કેસ સ્ટડી


સાંભળી ને નવીન લાગે કે શું કોઈ વ્યક્તિ પોતાની અંગત અને ગમતી વ્યક્તિને પણ દુઃખી કરી ટોર્ચર કરી શકે? જવાબ છે હા..જેને મનોવિજ્ઞાનની ભાષામાં ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન માં એક કેસ સ્ટડીનું વિશ્લેષણ પુરોહિત અમી દ્વારા કરવામાં આવ્યું. કેસ 90 વર્ષના દાદા દ્વારા તેના 63 વર્ષના પુત્ર પર સતત ટોર્ચર, દવાઓ પણ જરૂરિયાત મુજબ પૂર્ણ ન કરવા દેવાની માનસિકતા, ત્યાં સુધી કે તે પુત્રની પત્ની પર નજર બગાડી માટે તેઓ 10 વર્ષ પેલા ઘર છોડી જતા રહ્યા, તેમના દીકરાને બે સંતાન એક દીકરી એક દીકરો, દાદા દીકરાના દીકરા પાસે પોતાના પિતાને માર મારવા લાલચ આપે. 63 વર્ષના પિતાને પોતાના બાળકો અત્યાચાર કરે દીકરી પાપાને પકડી રાખે અને દાદા મારે. પ્રેમ લાગણીનો છાંટો ઘરમાં નહીં બસ એકબીજાને પીડે, ઘરમાં કંકાસ ભર્યું જ વાતાવરણ જેમાં ઘરના સભ્યો આ સિન્ડ્રોમથી પીડાતા હતા. દાદા અને દાદી સ્ટોકહોલ્મ સિન્ડ્રોમની સાથે સ્કીઝોઆઇડ પર્સનાલિટીના રોગી છે તેજ બાબતો દીકરા અને પૌત્રોમાં વારસાગત ઉતરેલી જોવા મળેલ.


શુ છે સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ?

એક એવી માનસિક સ્થિતી નું નામ છે કે જેમાં અંગત વ્યક્તિ અથવા ઘણી વખત કોઈનું અપહરણ કરેલ હોય તેવી વ્યક્તિ સાથે એક પ્રકારનો સહાનુભૂતિ ભર્યો આવેગ વિકસે છે. આ માનસિક જોડાણ ઘણા દિવસો અઠવાડિયાઓ કે વર્ષો દરમિયાન વિકસે છે. તે એક સંપૂર્ણ ભાવનાત્મક પ્રતિભાવ છે. એક રીતે જોઇએ તો આ પ્રકારની માનસિક પ્રતિક્રિયા ત્યારે જ ઉદભવે છે કે જ્યારે અપહરણ કરનાર પીડિત કે પીડિતા પર સીધી હિંસા ન કરે ઉપરાંત તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જેને લીધે પરિણામે બંધક ના મનમાં આવા આવેગો ઉદ્દભવે છે.

આ એક તીવ્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જેમાં પીડિતને તેમના ત્રાસ આપનારાઓ પ્રત્યે સહાનુભૂતિ જન્મે છે. તે કોઈ ન્યુરોલોજીકલ રોગ નથી.

ડોમેસ્ટિક સ્ટોકહોમ સિન્ડ્રોમ

આ પ્રકારના સિન્ડ્રોમમાં ઘરેલુ હિંસાનો સમાવેશ કરી શકાય.જેમ કે ઘરેલુ હિંસા કોઈ પતિ તેની પત્નીને પ્રેમ કરે છે. છતાં પણ તેનું શોષણ, માર મારવો કે માનસિક ટોર્ચરીંગ જેવા નિષેધાત્મક વર્તન દાખવે છે. જેમાં તેની પત્ની પણ તેના સામે કોઈ પગલાં લેવા કે સામે આક્રમકતા દેખાડવાના બદલે તેના પર સહાનુભૂતિની લાગણી રાખે છે. તે એવું માને છે કે પોતે પણ તેને ચાહે છે અને હંમેશા તેની સાથે જ રહેવાનું છે.

શારીરિક શોષણના પણ ઘણા કિસ્સાઓ બહાર આવે છે અને તેની વિરુદ્ધ ઘણા હુલ્લડો પણ થાય છે. છતાં બધા જ કિસ્સાઓને આવો વેગ મળી શકતો નથી. ક્યારેક નાના બાળકો કે બાળકી પર કે પછી વૃદ્ધ પર પણ આવા વર્તન થતા હોય છે. ત્યારે તેને પોતે જ છુપાવી રાખે છે અથવા તો તેઓને ગુપ્ત રાખવા માટે માનસિક દબાણ આપીને કહેવામાં આવે છે.

પરિવારમાં સિન્ડ્રોમ હોય તો તે આસપાસના વાતાવરણમાં પણ ઘણું નુકસાનકારક નીવડી શકે છે. તેની આસપાસના વાતાવરણના લોકો હિંસા વિશે તો જાણે છે પરંતુ કંઈ કરી શકતા નથી. કારણ કે પીડિત જ પોતાને પીડિત માનતો નથી.ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ આક્રમક ગુનેગાર પર સંપૂર્ણપણે નિર્ભર હોય ત્યારે પણ આ પ્રકારની બધી પ્રક્રિયાઓ તેના પક્ષમાં સ્વીકારી લે છે. આ પ્રકારની માનસિકતા સ્ત્રીઓમાં વઘુ જોવા મળે છે. એક અન્ય કેસ મનોવિજ્ઞાન ભવનમાં આવેલ જેમાં પત્ની પોતાના પતિને ખુબ જ પ્રેમ કરે પણ ટોન્ટ દરેક વાતમાં માર્યા કરે. હજારવાર પતી દ્વારા માફી માંગવામાં આવેલ છતાં જૂની વાતોની ટકટક સતત ચાલુ જ રાખે જેને કારણે તેમનું દાંમ્પત્ય જીવન બરાબર ચાલે નહીં. દાંમ્પત્ય જીવનમાં ફેરફાર આવ્યો તો પત્નીને બીજી શઁકા જાગી કે જરૂર ક્યાંક અફેર છે. આમ જ શંકા અને આ સિન્ડ્રોમને કારણે અનહદ પ્રેમ હોવા છતાં આ પતિપત્ની દુઃખી છે.


કારણો 

  • પીડિતો પ્રત્યે ની વફાદારી
  • માનસિક બંધન,
  • ક્યારેક ધમકી,શારીરિક અને માનસિક શોષણ
  • દબાણમાં જરૂરિયાતો પૂર્ણ કરવા અતિશય દબાણ.
  • પોતાના સ્વભાવની વાસ્તવિકતા જાણ્યા પછી અપરાધ ભાવને કારણે આવું વર્તન ઉદ્દભવે. – પરિવારમાં વારસાગત લક્ષણોને કારણે

દૂર રહેવાની કે સર્વાઇવલ યુક્તિઓ

  • ઘરેલુ હિંસા અને આવા સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓ ઘરેલુ ઘેલછાના સારા હેતુઓને જાણી-સમજી ઘરમાં શાંતિમય,પ્રેમ,પ્રોત્સાહન વગેરે જેવા વર્તનો કરી પોતાની લાગણીઓને જાગૃત કરી શકે.
  • જ્યારે પુરુષ-આક્રમણ કરનાર સારા મૂડમાં હોય ત્યારે તેની પત્ની તેના આ વર્તનો વિશે જાગૃત કરવા માટે તેમજ તેને સુધારવા માટેના પ્રયત્નો કરી શકે.
  • પ્રિયજન કે મિત્રની મદદ લઈ શકે.
  • મનોચિકિત્સકની મદદ લઈ શકાય.
સ્ત્રોત :- OOT ઈન્ડિયા 

05 March 2022

આક્રમક વર્તન (aggressive behaviour)

આક્રમક વર્તન (aggressive behaviour)

આક્રમક વર્તન (aggressive behaviour) : કોઈ વસ્તુ કે વ્યક્તિને ઇરાદાપૂર્વક ઈજા, હાનિ કે નુકસાન કરનારું વર્તન. સમાજમાં આવા આક્રમક વર્તનનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી આજના સમાજવિજ્ઞાનીઓને માટે એ ચિંતાનો વિષય બની ગયું છે.

આક્રમક વર્તન સહજવૃત્તિ તરીકે : કેટલાક અભ્યાસીઓ માને છે કે આક્રમક રીતે વર્તવાની જન્મજાત સહજવૃત્તિ માણસમાં પડેલી હોય છે. સિગ્મંડ ફ્રૉઇડ(1856–1939)ના મત મુજબ માનવવર્તનનું સંચાલન બે મૂળભૂત સહજવૃત્તિઓ દ્વારા થાય છે : (1) જીવનવૃત્તિ (eros) અને (2) વિનાશવૃત્તિ (thantos), જીવનવૃત્તિથી પ્રેરાઈને માનવી પોતાની જાતને તથા અન્ય વ્યક્તિઓને પ્રેમ કરે છે. આ જ વૃત્તિને લીધે તે પોતાને અને પોતાની જાતિને ટકાવી રાખવા ઝઝૂમે છે. વિનાશવૃત્તિથી પ્રેરાઈને વ્યક્તિ મૃત્યુ ઇચ્છે છે, પોતાની ઉત્પત્તિ જેમાંથી થઈ છે તેવી અચેતન અવસ્થા તરફ જવાની ઝંખના કરે છે. ફ્રૉઇડે બતાવ્યું છે કે આ બંને પરસ્પરવિરોધી વૃત્તિઓ વચ્ચે સતત આંતરયુદ્ધ ચાલતું રહે છે. જ્યારે વિનાશવૃત્તિનું પ્રાબલ્ય થાય ત્યારે તે આક્રમક વર્તનના સ્વરૂપમાં બહાર આવે છે. વિનાશવૃત્તિ બીજા તરફ વળે તો ‘પરપીડન’ અને પોતાના તરફ વળે તો આત્મહત્યા સુધીનું ‘આત્મપીડન’ કરતું વર્તન જોવા મળે છે. પ્રાણીવર્તનનો અભ્યાસ કરનારા (ethologist) વૈજ્ઞાનિકોએ પણ આક્રમક વર્તનના ખુલાસા માટે સહજવૃત્તિવાદનું સમર્થન કર્યું છે. ઑસ્ટ્રિયન પ્રાણીવર્તનશાસ્ત્રી કૉનરાડ લોરેન્ઝે (1966) પોતાના અભ્યાસો દ્વારા બતાવ્યું છે કે માનવીમાં પણ અન્ય પ્રાણીઓની જેમ જ આક્રમક વર્તનની જન્મજાત સહજવૃત્તિ રહેલી છે. આ સહજવૃત્તિનો ઉદ્દેશ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો છે. પોતાનું, પોતાના શિશુઓનું અને પોતાના વિસ્તાર કે સરહદનું જતન અને સંરક્ષણ કરવા માટે પ્રાણીઓ આક્રમક વર્તન કરે છે. લોરેન્ઝના મતે પ્રાણીઓ અને મનુષ્યનાં આક્રમક વર્તનમાં ભેદ એ છે કે મોટાભાગનાં પ્રાણીઓમાં આક્રમક વર્તનની બાબતમાં જન્મગત નિરોધ (inborn inhibition) હોય છે, અને તેથી પ્રાણીઓ પોતાનું મૃત્યુ થાય ત્યાં સુધી લડતાં નથી કે પોતાની જાતિનાં અન્ય પ્રાણીને હણતાં પણ નથી. લડાઈની ચરમ સીમાએ બેમાંથી કોઈ એક પ્રાણી ‘શરણાગતિ’ સ્વીકારી લે છે. કમભાગ્યે માનવીમાં બીજાં પ્રાણીઓની જેમ આક્રમક વર્તનની બાબતમાં ‘જન્મગત નિરોધ’નો વિકાસ થયેલો નથી અને તેથી પોતાની જાતિના જ બીજા સભ્યને હણી નાખવાની ક્રૂરતા માનવીમાં જોવા મળે છે. પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓમાં માનવી આ ર્દષ્ટિએ વધુ ખતરનાક પ્રાણી છે.

આક્રમક વર્તનનો જૈવિક આધાર : આક્રમક વર્તનના જૈવિક આધાર વિશે પણ નોંધપાત્ર સંશોધનો થયાં છે. એક પ્રયોગમાં બિલાડીના હાયપોથૅલેમસના અમુક ચોક્કસ વિસ્તારને વીજાગ્ર (electrode) દ્વારા ઉદ્દીપ્ત કરવામાં આવ્યો તો બિલાડી ફૂંફાડા મારવા લાગી, તેની રુંવાટી ઊભી થઈ ગઈ, કીકીઓ પહોળી થઈ ગઈ અને પાંજરામાંના ઉંદર પર તેણે જોરદાર હુમલો કર્યો. આથી વિરુદ્ધ અધશ્ચેતક(hypothalamus)ના બીજા વિસ્તારને ઉદ્દીપ્ત કરવામાં આવ્યો તો આવાં કોઈ ચિહ્નો જોવા મળ્યાં નહિ. આનો અર્થ એ કે મજ્જાતંત્રમાંનાં અર્ધશ્ચેતકના અમુક ચોક્કસ વિસ્તારમાં આક્રમક વર્તન માટેનાં કોઈ કેન્દ્રો હોવાં જોઈએ. ડી. સ્મિથ, એમ. કિંગ અને બી. હોએબેલે (197૦) એક પ્રયોગમાં ઉંદરોનાં બે જૂથ લીધાં. એક જૂથમાં જંગલી હિંસક ઉંદરો હતા અને બીજા જૂથમાં શાંત ઉંદરો હતા. આ સંશોધકોએ શાંત ઉંદરડાઓના મગજના મજ્જાકોષમાં કાર્બાહોલ કે નિયોસ્ટિગમાઇન નામનું રસાયણ નિક્ષિપ્ત કર્યું તો તે ઉંદરડાઓ હિંસક બની ગયા અને એથી વિરુદ્ધ હિંસક ઉંદરડાઓના મગજના મજ્જાકોષોમાં મિથાઇલ ઍટ્રોપિન રસાયણ નિક્ષિપ્ત કર્યું તો તે ઉંદરડાઓ શાંત થઈ ગયા. આ અભ્યાસ આક્રમક વર્તન પાછળ કોઈક પ્રકારનાં જૈવ રાસાયણિક તત્ત્વો હોવાં જોઈએ તેવો નિર્દેશ કરે છે. જોકે ઉચ્ચ કક્ષાનાં સસ્તન પ્રાણીઓમાં આક્રમક વર્તનનું નિયમન અધશ્ચેતકનાં કેન્દ્રો કરતાં ‘મસ્તિષ્ક બાહ્યાવરણ’ (cortex) દ્વારા થતું હોય એ વધારે શક્ય છે. વાનરો પરના પ્રયોગોમાં એવું જોવા મળ્યું છે કે વાનરના અધશ્ચેતકનો ઉદ્દીપ્ત કરવામાં આવે તો વર્ચસ્ના ક્રમમાં પોતાનાથી ઊતરતા વાનર પર તે હુમલો કરે છે, પરંતુ માદા વાનરને તે સતાવતો નથી. વર્ચસ્ ક્રમમાં સાવ નીચું સ્થાન ધરાવતા વાનરના અધશ્ચેતકનો ઉદ્દીપ્ત કરવામાં આવે તો તે ટૂંટિયું વાળીને બેસી રહે છે અને તાબેદાર વર્તન કરે છે. આનો અર્થ એ થયો કે ઉચ્ચ કક્ષાનાં સસ્તન પ્રાણીઓમાં અધશ્ચેતકનાં કેન્દ્રોના ઉદ્દીપનથી સ્વયંસંચાલિત રીતે આક્રમક વર્તન ઉદભવતું નથી. અધશ્ચેતક ‘મસ્તિષ્ક બાહ્યાવરણ’ને સંદેશો મોકલે છે કે તેનાં ‘આક્રમક વર્તન માટેનાં કેન્દ્રો’ (aggressive centres) સક્રિય થઈ ગયાં છે. મસ્તિષ્ક બાહ્યાવરણ સમય અને સંજોગો જોઈ કયા પ્રકારનો પ્રતિભાવ ઉચિત ગણાશે તે નક્કી કરે છે અને તે મુજબનું વર્તન જોવા મળે છે. માનવીના આક્રમક વર્તનમાં તેનું ‘બોધન’ (cognitive control) મહત્વની ભૂમિકા ભજવે છે. મગજને કે મસ્તિષ્ક બાહ્યાવરણને ઈજા પહોંચી હોય તો વ્યક્તિ પોતાના બોધન પરનું નિયંત્રણ ગુમાવે છે અને આક્રમક વર્તન કરી બેસે છે. યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસ(યુ. એસ.)ના ટાવર પરથી આડેધડ ગોળીબાર કરીને 14 જેટલી વ્યક્તિઓને ઠાર કરનાર ચાર્લ્સ વ્હિટમૅનનો કિસ્સો મનોવિજ્ઞાનના સાહિત્યમાં જાણીતો છે. આ વ્યક્તિના પોસ્ટમૉર્ટમ રિપૉર્ટમાં જોવા મળ્યું હતું કે અધશ્ચેતક પાસેના ઍમિગ્ડૅલા નામના પ્રદેશમાં તેને ટ્યૂમર(ગાંઠ) હતું. એવા પણ પુરાવા છે કે બંને બાજુના ઍમિગ્ડૅલા પિંડનું જો ઉચ્છેદન કરવામાં આવે તો ઉગ્ર અને આક્રમક પ્રાણી નમ્ર અને નિષ્ક્રિય બની જાય છે અને જો તે વિભાગનું ઉદ્દીપન કરવામાં આવે તો શાંત અને નમ્ર પ્રાણી ઉગ્ર અને આક્રમક બની જાય છે. અત્યંત આક્રમક વર્તન કરનારી વ્યક્તિઓના કેટલાક કિસ્સાઓમાં એક વધારાનું y-રંગસૂત્ર પણ જોવા મળ્યું છે. કેટલાકમાં, વાઇના દર્દીમાં હોય છે તેવી ઈ. ઈ. જી.(મગજના તરંગોનો ગ્રાફ)ની વિકૃત ભાત પણ જોવા મળે છે. માર્ક અને ઇરવિન(197૦)ના એક અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે જેઓ વારેવારે હિંસક અને આક્રમક વર્તન કરે છે તેઓમાં મજ્જાતંત્રીય ક્ષતિઓ(neurological defects)નું પ્રમાણ વધારે હોય છે. કે, મોયરે (1975) આથી જ આક્રમક વર્તનને નાથવા માટે ‘મસ્તિષ્ક શસ્ત્રક્રિયા (brain surgey)નો ઉપાય સૂચવ્યો છે. આક્રમક વર્તન માટેના જૈવિક આધારના આવા નોંધપાત્ર પુરાવાઓ હોવા છતાં સર્વસાધારણ માનવીઓના આક્રમક વર્તનમાં તો તેમનો કયા પ્રકારના સામાજિક પર્યાવરણમાં ઉછેર થયો છે અને આક્રમક વર્તનના સમયે કઈ પરિસ્થિતિ છે તે બે બાબતો જ વધારે મહત્વની જણાઈ છે.

હતાશા-આક્રમણ પરિકલ્પના : ઈ. સ. 1939માં જે. ડોલાર્ડ, એલ. ડૂબ, એન. મિલર, ઓ. મોવરર અને આર. સિયર્સ નામના અમેરિકાની યેલ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોના એક જૂથે આક્રમક વર્તનની સમજૂતી આપવા માટે એક રસપ્રદ પરિકલ્પનાની રજૂઆત કરી. સમાજવિજ્ઞાનના સાહિત્યમાં આ પરિકલ્પના ‘હતાશા-આક્રમણ સિદ્ધાંત’ તરીકે પ્રસિદ્ધ છે. આ પરિકલ્પનામાં (1) હતાશા આક્રમક વર્તન તરફ દોરી જાય છે અને (2) આક્રમક વર્તન પાછળ હતાશા હંમેશાં કારણરૂપ હોય છે એવું સૂચવવામાં આવ્યું હતું. 1941માં આર. બાર્કર, ટી. ડેમ્બો અને કે. લેવિને કરેલા એક પ્રયોગમાં આ પરિકલ્પનાની પોકળતા બહાર આવી ગઈ. આ વિજ્ઞાનીઓના પ્રયોગમાં ત્રણથી ચાર વર્ષનાં ત્રીસેક જેટલાં બાળકોને એક ઓરડામાં સરસ મઝાનાં રમકડાં સાથે રમવા દીધાં. બીજા દિવસે બાળકોને આ જ ઓરડામાં લાવવામાં આવ્યાં. પરંતુ ઓરડામાં જાળીનું એક પાર્ટિશન એવી રીતે ગોઠવી દેવામાં આવ્યું કે બાળકો રમકડાં જોઈ શકે પરંતુ તેની સાથે રમી શકે નહિ. આ પરિસ્થિતિમાં બાળકો હતાશા અનુભવે એ સ્વાભાવિક છે. આવાં હતાશ થયેલાં બાળકોમાંથી કેટલાંકે આક્રમક વર્તન કર્યું; પરંતુ ત્રીસે ત્રીસ બાળકોમાં આક્રમક વર્તન જોવા મળ્યું નહોતું. હતાશા આક્રમક વર્તન તરફ દોરી જાય છે એ વાત બધા કિસ્સાઓમાં સાચી નથી. હતાશા થાય એટલે માણસ મનસા, વાચા, કર્મણા આક્રમક વર્તન તરફ વળી જતો નથી. હતાશાની પરિસ્થિતિમાં તે ઉદાસીન બને છે, ખિન્નતા અનુભવે છે, દિવાસ્વપ્નોમાં સરી પડે છે, કે પોતાની જાતને વિમુખ પણ કરી લે છે. આ જ રીતે બધા જ આક્રમક વ્યવહારોના મૂળમાં હતાશા હોતી નથી. પંજાબી યુવકો હતાશાને લીધે નહિ પણ ધર્મઝનૂનના લીધે આતંકવાદીઓ બન્યા છે. ડોલાર્ડ અને તેમના સાથીઓની હતાશા-આક્રમણ પરિકલ્પના સરળ, રસપ્રદ અને આકર્ષક છે, પરંતુ યથાર્થ નથી અને તેથી હાલના મનોવૈજ્ઞાનિકો એમાં સુધારો કરીને એમ કહે છે કે (1) હતાશા કેટલીક વાર આક્રમક વર્તન તરફ દોરી જાય છે અને (2) આક્રમક વર્તન પાછળનાં અનેક કારણોમાં હતાશા એક કારણ છે.

આક્રમક વર્તન એક શીખેલા પ્રતિભાવ તરીકે : આક્રમક વર્તનની સમજૂતીમાં ‘સામાજિક શિક્ષણ સિદ્ધાંત’(social learning theory)નું અનોખું સ્થાન છે. આ સિદ્ધાંત દ્વારા એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે આક્રમક વર્તન પણ અન્ય પ્રકારના સામાજિક વર્તનની જેમ એક શીખેલો પ્રતિભાવ જ છે. આક્રમક વર્તન નિરીક્ષણ (observation) અને અનુકરણ (imitation) દ્વારા શિખાય છે અને આ પ્રકારના વર્તનને જેટલા પ્રમાણમાં બદલો, પુરસ્કાર કે પ્રબલન (reward or reinforcement) મળે તેટલા પ્રમાણમાં તે ર્દઢ થાય છે. સામાજિક શિક્ષણ સિદ્ધાંતના પ્રણેતા અને પુરસ્કર્તા આલ્બર્ટ બાન્ડુરાએ (1973) એમ બતાવ્યું છે કે અણગમતા અનુભવો આપણા સૌમાં આવેગશીલ ઉત્તેજના કે ઉશ્કેરાટ પેદા કરે છે. આ આવેગશીલ ઉત્તેજનામાંથી એક પ્રકારની તાણ (tension) જન્મે છે અને આવી તાણની પળે જ વ્યક્તિ આક્રમક વર્તન કરી બેસે છે. ખાસ કરીને ભૂતકાળમાં જે વ્યક્તિઓની તાણ આક્રમક વર્તનથી ઓછી થઈ હોય તેઓ તાણ ઓછી કરવા ફરી એક વાર આક્રમક વર્તનનો આશ્રય લે છે. આક્રમક વર્તનમાં નિરીક્ષણ અને અનુકરણ પણ ભાગ ભજવે છે. એક અભ્યાસમાં પૂર્વ-પ્રાથમિક શાળાનાં બાળકોને પુખ્ત વયની વ્યક્તિઓ એક ફુલાવેલા ઢીંગલા પ્રત્યે કેવા વિવિધ પ્રકારના આક્રમક પ્રતિભાવો કરે છે તે દેખાડવામાં આવ્યું. મોટેરાંઓએ ઢીંગલાને પછાડવાના, ફેંકવાના, લાત મારવાના, હથોડી વડે ટીપવાના એમ જાતજાતના આક્રમક વ્યવહારો કર્યા હતા. આ પછી બાળકોને પણ આ ઢીંગલા સાથે રમવાની તક આપવામાં આવી ત્યારે તેમણે પણ મોટેરાંઓની જેમ જ અદ્દલ એવા જ આક્રમક વ્યવહારો કર્યા હતા. મોટેરાંઓ બાળકોને વર્તનનો નમૂનો (model) પૂરો પાડે છે. માતાપિતા, મિત્રો, સગાંસંબંધીઓ, સિનેમાના નટો અને ટી. વી.ના લોકપ્રિય કલાકારો પાસેથી બાળકો આક્રમક વર્તનના પાઠ ભણે છે. સમૂહ માધ્યમો (mass media) પર દર્શાવાતાં આક્રમક ર્દશ્યોના સામાજિક ગર્ભિતાર્થો પર ધ્યાન નહિ અપાય તો સમાજ વધુ ને વધુ આક્રમક બનતો જશે. અભ્યાસો દર્શાવે છે કે અમેરિકન બાળકો ટી. વી. પરની મારામારી અને ધડાધડની સીરિયલો જોઈ જોઈને વધુ ને વધુ હિંસક અને આક્રમક વર્તન કરતાં થઈ ગયાં છે. એક અભ્યાસમાં 8થી 9 વર્ષનાં 8૦૦ બાળકોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં જોવા મળ્યું કે જે બાળકો હિંસક ર્દશ્યોવાળા કાર્યક્રમો કે ફિલ્મો જોવાનું વધુ પસંદ કરતાં હતાં તેઓ આવા કાર્યક્રમો કે ફિલ્મો પસંદ ન કરનાર બાળકો કરતાં આંતરવૈયક્તિક સંબંધોમાં વધુ આક્રમણખોર હતાં. દશ વર્ષ પછી એમાંથી 4૦૦ બાળકોને આક્રમક મૂલ્યાંકન કસોટી આપતાં જણાયું કે 8-9 વર્ષની વયે જેમણે ટી. વી. પર હિંસક ર્દશ્યો વધુ જોયાં હતાં તેમનામાં 19 વર્ષની વયે પણ આક્રમકતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ હતું. અભ્યાસો એમ પણ બતાવે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ આક્રમકતાનું અનુકરણ ઓછું કરે છે, કારણ કે સમાજમાં છોકરીઓને આક્રમક વર્તન માટે પ્રબલન પૂરું પાડવામાં આવતું નથી.

આક્રમક વર્તન અને સંસ્કૃતિ : માર્ગારેટ મીડ આદિ સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રીઓએ દર્શાવ્યું છે કે જે સંસ્કૃતિઓમાં આક્રમક વર્તનને પ્રોત્સાહન આપવામાં આવતું નથી તે સંસ્કૃતિઓમાં આક્રમક વર્તનનું નજીવું પ્રમાણ જોવા મળે છે અને જે સંસ્કૃતિઓમાં આક્રમક વર્તનને પ્રોત્સાહન આપવામાં આવે છે તે સંસ્કૃતિઓમાં મોટા પ્રમાણમાં આક્રમક વર્તનો જોવા મળે છે. પ્રશાંત મહાસાગરના ન્યૂગિની ટાપુ પરના આરપેશ લોકો સ્વભાવે શાંત અને સૌમ્ય છે. તેમનામાં મહત્વાકાંક્ષા જેવું ખાસ કંઈ જોવા મળતું નથી. નેતાપદ માટે પણ કોઈ પડાપડી કરતું નથી. તેમની સંસ્કૃતિમાં આક્રમક વર્તનને યોગ્ય વર્તન ગણવામાં આવતું નથી. આથી આરપેશ પ્રજામાં આક્રમક વર્તનનું પ્રમાણ નહિવત્ છે, જ્યારે આ જ ટાપુ પરની મુન્ડુગોમર પ્રજા ‘વેરની વસૂલાત’માં માનનારી છે. આ પ્રજામાં પુરુષો તો શું, સ્ત્રીઓ પણ મૃદુ કે કોમળ સ્વભાવની નથી. મુન્ડુગોમરની સંસ્કૃતિમાં આક્રમક વર્તનને સતત પ્રોત્સાહન મળે છે. ગુજરાતના પાસે પાસે આવેલા બે જિલ્લા સાબરકાંઠા અને મહેસાણા વચ્ચે કેવળ સાબરમતી નદી જ છે; છતાં સાબરકાંઠાના લોકો પ્રમાણમાં સૌમ્ય અને શાંત છે, જ્યારે મહેસાણા જિલ્લાના લોકો મુકાબલે ઉગ્ર અને આક્રમક લાગે. આ બે જિલ્લાઓની પેટા-સંસ્કૃતિ વચ્ચેનો તફાવત એનું કારણ હોય એ સંભવિત છે.

આક્રમક વર્તનને માટે જવાબદાર ઉપર્યુક્ત ઘટકો ઉપરાંત અસહ્ય ગરમી, અત્યંત શારીરિક ઉત્તેજના, ત્રાસજનક ઘોંઘાટ, મતિભ્રમ (delusion), ભીડ અને અંધારા જેવા ઘટકો માનવીના આક્રમક વર્તનને વધારે એવા પુરાવાઓ પણ મળ્યા છે. વ્યામોહ (paranoia) નામની તીવ્ર માનસિક વિકૃતિનો ભોગ બનેલ શાળાના એક આચાર્યે ત્રાસના મતિભ્રમ (delusion of persecution)થી પ્રેરાઈને શાળાના બૉર્ડના સાતેય સભ્યોને ગોળીથી ઉડાવી દીધા. આચાર્યમાં એવી ભ્રાંત માન્યતા ર્દઢ થયેલી હતી કે શાળાના બૉર્ડના સભ્યો પોતાના દુશ્મન છે અને પોતાને હેરાન કરવા કાવતરું કરી રહ્યા છે. શારીરિક અને શાબ્દિક હુમલાઓથી પણ આક્રમક વર્તનનું પ્રમાણ વધે છે. સામા જૂથની વ્યક્તિઓ કોઈક રીતે પોતાને કે પોતાના જૂથને ઈજા કે હાનિ પહોંચાડવાની છે એવા અંદેશાને કારણે પણ વ્યક્તિઓ આક્રમક વર્તન કરી બેસે છે. આક્રમક વ્યવહાર આક્રમક વર્તનને જન્મ આપે છે (aggression breeds aggression). એરિક ફ્રૉમ એમ માને છે કે આધુનિક સમાજમાં થતાં શોષણો અને વ્યક્તિનો સાધન તરીકે થતો ઉપયોગ વ્યક્તિને આક્રમક બનાવે છે. એ રીતે આક્રમક વર્તનનાં ઉદગમસ્થાનો અનેક છે અને ભિન્ન ભિન્ન પ્રકારની પરિસ્થિતિઓની તેના પર અસરો થાય છે.

આક્રમક વર્તનનું નિયમન : આક્રમક વર્તનના નિયમન માટે (1) ભાવવિરેચન (catharsis) અને (2) સજા કે સજાની ધમકીની પ્રયુક્તિઓ પ્રચલિત છે. આક્રમક વૃત્તિઓ પ્રમાણમાં ઓછી હાનિકારક રીતે અભિવ્યક્ત થાય તો તેને ભાવવિરેચન કહેવામાં આવે છે. જેમ કે રમતના મેદાનમાં કે મુક્કાબાજીની રિંગમાં ખેલાડીઓને આક્રમક વૃત્તિઓ વ્યક્ત કરવાની તક મળે છે. એક વખત આવેગનો ઊભરો ઠાલવવાની તક મળી જાય એટલે ભાવવિરેચન થાય છે. ભાવવિરેચનના કારણે આક્રમક વર્તન ઘટી જાય છે, એવી માન્યતા જનસમુદાયમાં અને કેટલાક વૈજ્ઞાનિકોમાં પણ જોવા મળે છે. પરંતુ આ બાબતનાં જે પ્રાયોગિક અધ્યયનો થયાં છે તેમાંનાં કેટલાંકમાં વિરુદ્ધ પુરાવાઓ પણ મળ્યા છે. આક્રમક વર્તન વ્યક્ત કરવાની તક મળે તો તેથી આક્રમક વર્તન ઘટતું નથી, ઊલટું વ્યક્તિ વધુ આક્રમક વર્તન કરવા પ્રેરાય છે. સજા કે સજાની ધમકીથી આક્રમક વર્તનનું નિયમન થાય છે તે ખ્યાલ અનેક પ્રસંગોમાં ખોટો પુરવાર થયો છે. શિસ્તના કડક કોરડાથી થોડા સમય પૂરતો ફેર જણાય, પરંતુ આક્રમક વર્તનની અયોગ્યતા વિશેની વિવેકબુદ્ધિ વ્યક્તિમાં ઊગે નહિ ત્યાં સુધી શિસ્તનો કે સજાનો કોરડો કેવળ બાહ્યોપચાર બની રહે છે.

આક્રમક વર્તનના નિયમન માટે વિસંવાદી પ્રતિભાવો(incompatible responses)ની પ્રયુક્તિનો ઉપયોગ કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે. આપણામાં કહેવત છે કે ‘હસવું અને લોટ ફાકવો’ એ બે બાબતો સાથે બની શકે નહિ, કારણ આ બે પ્રવૃત્તિઓ સંવાદી નહિ પણ વિસંવાદી છે. આ જ રીતે આક્રમક વર્તનનું નિયમન કરવા માટે તેનાથી વિસંવાદી હોય તેવી કોઈ પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ. જેમ કે આક્રમક વર્તનની પરિસ્થિતિમાં તેનાથી વિસંવાદી એવી રમૂજ, વિનોદ કે હાસ્યની સ્થિતિ ઉત્પન્ન કરીએ તો આક્રમક વર્તનની માત્રામાં ઘટાડો કરી શકાય. ચારે બાજુ તનાવ (tension) હોય તેવા નાજુક સમયે એક નાનકડી સમયોચિત રમૂજ પણ વાતાવરણને હળવું બનાવી શકે છે. દ. આફ્રિકાના ગોરાઓ ગાંધીજી પર ગુસ્સે થયા હતા તે વખતે સુપરિન્ટેન્ડન્ટ ઍલેક્ઝાંડરે ટોળાને ‘ચાલો, આપણે ગાંધીને પેલા આમલીના ઝાડે ફાંસીએ લટકાવીએ’ એવી મતલબનું ગીત ગવડાવીને ગાંધીજીને સહીસલામત સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા હતા. ગાંધીજીએ પોતાની આત્મકથામાં આ પ્રસંગ સુંદર રીતે વર્ણવ્યો છે. સુપરિન્ટેન્ડન્ટ ઍલેક્ઝાંડરે વિનોદથી ટોળાને વશ રાખ્યું હતું. વિનોદ અને મનોરંજન આક્રમક વર્તનનાં મારણો છે, જો એનો કુશળતાપૂર્વક ઉપયોગ કરતાં આવડે તો.

મનોવૈજ્ઞાનિકો માને છે કે બાળકો હોય કે મોટેરાંઓ કેટલીક વાર તો પોતાના તરફ ધ્યાન ખેંચાય માટે જ આક્રમક વર્તન કરતાં હોય છે. પોતાના તરફ લોકોનું ધ્યાન ખેંચાય એ જ એમને મન મોટો પુરસ્કાર હોય છે. હવે આક્રમક વર્તનને જે રીતે પુરસ્કાર મળે છે તેવી રીતે ‘બિનઆક્રમક વર્તન’ને પણ પુરસ્કાર મળવાનું શરૂ થાય તો લોકો આક્રમક વર્તનને બદલે બિનઆક્રમક વર્તનનો આશ્રય લેતા થાય. બીજા શબ્દોમાં, આક્રમક વર્તનને પ્રબલન મળે છે માટે આક્રમક વર્તન થાય છે તો બિનઆક્રમક વર્તનને પ્રબલન મળે તો બિનઆક્રમક વર્તન થાય. પ્રૉલ બ્રાઉન અને રોજર ઇલીટે (1965) શિશુશાળામાં આ પરિકલ્પનાની ચકાસણી કરી જોઈ છે. શાળાના શિક્ષકોને બાળકો જો આક્રમક વર્તન કરે તો તેની અવગણના કરવાનું અને પરસ્પર સહકારનું વિધાયક વર્તન કરે તો તેના પર ખાસ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું. આને લીધે થોડાંક જ અઠવાડિયાંમાં વર્ગમાં બાળકોના આક્રમક વર્તનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

જોએલ ડવીટ્ઝ (1952) નામના અભ્યાસીએ બતાવ્યું છે કે જો બાળકોને ‘રચનાત્મક વર્તન’ માટે પુરસ્કૃત કર્યાં હોય તો હતાશાની પળોમાં પણ તેઓ આક્રમક વર્તન કરતાં નથી. રમતમાં કે જીવનમાં જીતવું એ એક બાબત છે; પરંતુ જીતવું એ સર્વસ્વ નથી. પરસ્પર સમભાવ, સહાનુભૂતિ અને એકબીજાં પ્રત્યેની સહિષ્ણુતાના વર્તનના નમૂનાઓ બાળકોને જોવા મળે તો આક્રમક વર્તન ઘટવાની સંભાવના છે. પરંતુ ચારે બાજુ સત્તા અને સંપત્તિ, ધન અને પદ માટેની ગળાકાપ હરીફાઈ ચાલતી હોય અને બાળકો, કિશોરો અને નવી પેઢીને આ જ વર્તનનમૂનાઓ જોવા મળતા હોય તો આક્રમક વર્તન ઘટવાની આશા રાખવી વ્યર્થ છે.

નટવરલાલ શાહ

02 November 2021

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે

 

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે



માનસિક વિકૃતિનો સહુથી ખતરનાક ચહેરો મર્ડર અને પછી આવે છે આપઘાત અને રેપ. આ બધું ટેન્શન, ડીપ્રેશન અને માનસિક વિકૃતિઓની ઉપજ છે. આજકાલ આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ મોટાભાગના આત્મહત્યાનું કારણ પણ માનસિક તાણ હોવાનું નજરે પડે છે. આજે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તાણ જન્મવાનું કારણ કેવું હશે ,તેમની મનોવ્યથા કેટલી દુઃખ કારક હશે? આ વિકૃતિઓનો જન્મ બાળપણ થી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આજના વર્કિંગ પેરેન્ટસના વ્યસ્ત જીવનમાં બાળકોને અપાતો સમય ઓછો થતો જાય છે. આવા સમયમાં બાળકો પોતાના વિચારોમાં કેદ થતા જાય છે અને આ ગુંગણામણ અને એકલતા તેમના મગજમાં વિકૃતિઓને અને ડીપ્રેશનને જન્મ આપે છે.

હાલ NBC ( એન બી સી )ન્યુઝ ચેનલમાં ન્યુઝ સાંભળતાં મનમાં એક ઊંડી ટીસ ઉભરી આવી, કેલીફોર્નીયાના સેન હોઝેમાં રહેતા ૫૯ વર્ષના મૂળ બાંગ્લાદેશી ગોલામ રાબી અને તેમના ૫૭ વર્ષના વાઈફ સમીમાં રાબીનું ગન શોટ દ્વારા મર્ડર થયું. અને તે પણ તેમના જ બે પુત્રો દ્વારા, જેમાં એક ૧૭ વર્ષનો અને બીજો ૨૨ વર્ષનો હસીબ બિન ગોલાર્બી બંનેએ ભેગા મળીને આ અધમ કૃત્ય કર્યું હતું. તેઓ પોતે બાંગ્લાદેશ થી ત્રીસ વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા હતા. કેટલીય મહેનતથી પોતાનું ઘર વસાવીને બાળકોને સારી લાઈફ આપવા પ્રયત્નશીલ રહ્યા હતા.

તેમના કુટુંબીજનો નું કહેવું હતું કે તેઓને આજ કપલે અહી અમેરિકા બોલાવીને રહેવાની અને કામ માટે મદદ કરી હતી. તેમને ઓળખતા મિત્રો અને સગાવહાલાનું કહેવું છે કે કદી આ પેરેન્ટ્સને તેમના બંને દીકરાઓ સાથે લડતાં ઝગડતાં નથી જોયા. હંમેશા દીકરાઓ પણ તેમના પેરેન્ટ્સ સાથે પ્રેમથી વર્તતા હતા.

તો પછી આમ થવાનું શું કારણ હશે? હજુ આ પ્રશ્ન નો જવાબ મળ્યો નથી . વધારે આશ્ચર્ય અને દુઃખ ત્યારે થયું કે પોલીસની કસ્ટડી દરમિયાન મોટા દીકરાએ સાવ ઠંડે કલેજે શાંતિથી જવાબ આપ્યો ” સોરી માય ફસ્ટ કિલ વોઝ ક્લ્મ્ઝી ” તેના ચહેરા ઉપટ ગીલ્ટનું નામોનિશાન જોવા મળ્યું નહોતું .

૨૨ અને ૧૭ વર્ષના બે બાળકોને પ્રેમાળ માતા પિતા તરફ એવો તે કેવો ગુસ્સો કે નફરત થયા હશે કે આટલા હીન શબ્દો તેમના ખૂન કર્યા પછી બોલી રહ્યા છે. આ માનસિક વિકૃતિ સિવાય બીજું શું હોઈ શકે ?

ક્યારેક લાગે છે કે માત્ર બાળકોને લકઝરીયસ લાઈફ આપવાથી કે ઉચ્ચ શિક્ષણ આપવાથી પેરેન્ટ્સનું કામ પૂરું નથી થઇ જતું. બાળકોને તેમના બચપણથી લઇ યુવાની સુધી પુરતો સમય આપવો અત્યંત જરૂરી બની રહે છે. તેમની બાળ હઠને જાણવા સમજવાની પણ બહુ જરૂરી છે. કેટલીક વખત શિસ્તના નામે તેમની સાથે થતી સખતાઈ પણ માનસિક વિકૃતિઓને જન્મ આપે છે. અને તેના વિપરીત પરિણામે બાળક જડ અને લાગણીવિહીન બનતો જાય છે.

એક સર્વે મુજબ અમેરિકમાં ૯.૫ ટકા લોકો ડીપ્રેશન થી પીડાય છે જેમાં ૪૦ મિલિયન પીપલ જે ૧૮ થી મોટી ઉંમરના લોકોમાં એન્કઝાઈટી ડીસઓર્ડર નામની માનસિક બીમારીનો ભોગ બનેલા જાણવા મળ્યું છે. આ બીમારી ૧૦ થી ૨૫ ટકા વુમન અને ૫ થી ૧૨ ટકા મેન માં જોવા મળી છે. આ બીમારી ઉંમર સાથે વધતી જાય છે.

આજે અમેરિકામાં ૪ % ટકા લોકો આપઘાત કરે છે અને આપઘાત કરનાર ૬0% લોકો ડિપ્રેસન અથવા અન્ય મૂડ ડિસઓર્ડરથી પીડાતા હોવાનું અનુમાન કરાય છે. આમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા નોધપાત્ર હોય છે. આ અવસ્થામાં બાળક ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. તેમના વધતો જતો અભ્યાસક્ર સાથે એક્સ્ટ્રા એક્ટીવીટીનો બેવડો બોજ તેના ઉપર પડે છે ,ત્યારે થાક અને તાણ અને એકલતા તેમને અવળે માર્ગે દોરે છે. આ બધાનું મૂળ કારણ આપણી હંમેશા પ્રથમ રહેવાની અભિલાષા. જેના પરિણામે બાળકો ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.

મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન દર્દીની વર્તણૂક અને માનસિક સ્થિતિ કસોટીને આધારે થાય છે. આ બિમારી વધારે કરીને સમય 20થી 30 વર્ષની વચ્ચેની ઉંમરનો છે, આગળ જતા તેમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ . આ મોટાભાગે જન્મજાત કે ભૂતકાળ નાં કડવા અનુભવોને આધારે ઉદ્ભવે છે. દર્દીઓને એન્ટીડિપ્રેસન્ટ ની દવાઓ આપી સારવાર કરવામાં આવે છે. આ પ્રકારનું ડીપ્રેશન ભોગવતા દર્દીઓ કાયમ શંકાનો ભોગ બનતા હોય છે જે છેક આપઘાતનું કારણ પણ બની જાય છે .

કોઈ પણ પ્રકારના ડીપ્રેશન થી દૂર રહેવા માટે મેડીટેશન,યોગા,કસરત અને ગમતી રૂચી પ્રમાણેની એક્ટીવીટી રામબાણ ઉપાય છે. સારી ક્વોલીટી ઘરાવતા પુસ્તકો દવા કરતા પણ વધુ અસરકારક પુરવાર થયા છે. આજના આધુનિક જમાનામાં જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે.

રેખા વિનોદ પટેલ (યુએસએ)

21 August 2021

બૉડી ડિસમોર્ફિક ડિસઓર્ડર

 બૉડી ડિસમોર્ફિક ડિસઓર્ડર


અત્યારે જેટલું ફેસનું ઈમ્પોર્ટન્સ વધી રહ્યું છે તે જોતા ટેકનોલોજી કંપનીએ ફેસ ઍપ બહાર પાડ્યું છે. લોકો આ માટે ક્રેઝી થઈ ચૂકયા છે. દરેકને પોતાના ચહેરાનું ભવિષ્ય જોવાનું ગમે. આમાં તો ઍપથી ચહેરો ઘરડો જોઈ શકાય છે પણ ઘણીવાર રીયલ લાઈફમાં કેટલાક લોકોને એવી માનસિક વિકૃતિ થાય છે કે જેમાં ઈમેજીનેશનમાં પોતાના જ ચહેરાની બીક લાગે અને એમાં કંઈક ગરબડ થઈ રહી છે એવું થયા કરે.

૨૨ વર્ષની દીકરી શિવાંગી માટે મીનાબહેને સાયકોલોજસ્ટ સાથે વાત શરૂ કરી. ‘શિવાંગીના ચાર મહિના પછી મેરેજ છે. એને એવું લાગે છે કે મારુ નાક ધીરે ધીરે જમણી બાજુ વળી રહ્યું છે. જાણે ચહેરો આખો ધીરે ધીરે થોડો ચેન્જ થઈ રહ્યો છે.’મીનાબહેન આગળ બોલ્યા, ‘હા, થોડી ગભરામણ થાય અમે મેરેજની તૈયારીની વાત શરૂ રીએ તો શિવાંગી તરત જ સ્ટ્રેસ્ડ આઉટ થઈ જાય. આમ તો બંનેએ એકબીજાને પસંદ કરેલા છે. એના હસબન્ડનું નામ જય છે બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ જ નથી પણ શિવાંગીને એવી બીક લાગે છે કે મારો ચહેરો વિકૃત થઈ રહ્યો છે. બસ ચિંતા કર્યા જ કરે છે અને રડ્યા કરે છે.’ ‘આની શરૂઆત ક્યારથી થઈ ?’ એવા પ્રશ્નના જવાબમાં શિવાંગી બોલી, ‘સર એકાદ વર્ષ પહેલા એક વખત અમે કોફી પીવા સાથે ગયા હતા. એ વખતે મજાકમાં જયએ મને એવું કહ્યું કે તારું નાક બુચુ અને વળેલુ છે. તારી કમ્પેરમાં હું ભલે ડાર્ક સ્ક્રીનનો રહ્યો પણ વધારે પરફેકટ ફેસવાળો છું. આપણા સાથે મેરેજના ફોટા સારા નહીં આવે.’ જોકે એ પ્યોર મસ્તી જ કરતો હતો છતાં કોણ જાણે કેમ મારા મનમાં એ વાત ઘર કરી ગઈ. શિવાંગીને પોતાના ચહેરામાં કંઈક ગરબડ છે તેવી ભ્રમણા ઊભી થઈ છે. આખો દિવસ અરિસાની સામેથી ખસતી જ નથી બીજી બધી રીતે એનું વર્તન નોર્મલ છે સિવાય કે થોડી ગભરામણ અને ચિંતા. આ સમસ્યાને ‘બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર’ કહેવાય છે.

ગભગ ૧૫ થી ૩૦ વર્ષના એજ ગ્રૂપની છોકરીઓમાં આ ડિસઓર્ડર થતો વધારે જોવા મળે છે. મોટા ભાગના અનમેરિડ હોય ત્યારથી જ સમસ્યા શરૂ થઈ જાય છે. આશરે ૭૦ થી ૯૦ ટકા લોકોમાં એંઝાયટી કે ડિપ્રેશન જેવી સમસ્યા સાથે જોવા મળે છે. ક્યારેક પોતાના ચહેરાને કે શરીરના અસરગ્રસ્ત ભાગોને કેટલાક સતત અરિસામાં જુએ છે તો ક્યારેક સદંતર એવોઈડ કરે છે. મેકઅપ કરીને ચહેરાની ઈમેજીન્ડ એબ્નોર્માલિટીને છુપાવવા પણ પ્રયાસ કરે છે. સામાજિક પ્રસંગોમાં જવાનું પણ ટાળે છે. કોઈક પોતાના દેખાવ વિશે ટીકા કરશે તેવો સતત ભય પણ રહે છે. શિવાંગીને પ્લાસ્ટિક સર્જીરીની નહીં પણ મનોચિકિત્સાની જરૂર હતી. ત્રણેક મહિના તેને ‘સાયકોથેરપી’ આપવામાં આવી. પોતાના દેખાવ વિશે આત્મવિશ્વાસ અને નિર્ભયતાની લાગણી મજબૂત થવા લાગી. જયને પણ પોતાની ભૂમિકા કેવી રીતે ઉપયોગી થાય તેનું કાઉન્સેલિંગ થયું. શિવાંગીના મનમાં ‘ઈમેજીન્ડ એબ્નોર્માલિટી’ ના વિચારો ઓલમોસ્ટ જતા રહ્યા છે.

નવગુજરાત સમય > ઉત્સવી ભીમાણી(સાયકોલોજી)

05 August 2021

બાળકોની જાતીય સતામણી કરવાની વિકૃત માનસિક બીમારી પીડોફિલિયા

 

બાળકોની જાતીય સતામણી કરવાની વિકૃત માનસિક બીમારી પીડોફિલિયા


શું તમે તાજેતરમાં જ રિલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ ‘શિવાય’ તથા વિદ્યા બાલનની ફિલ્મ ‘કહાની ૨’ જોઈ છે? શું આ બન્ને ફિલ્મોમાં તમને કંઈ સામ્ય દેખાયું? જો ન જોઈ હોય તો તમને જણાવી દઈએ કે આ બન્ને ફિલ્મોમાં બાળકોના જાતીય શોષણની વાત કરવામાં આવી છે. જ્યાં ‘શિવાય’માં દુનિયાભરમાં ચાલતા ચાઇલ્ડ-ટ્રાફિકિંગ એટલે કે નાદાન બાળકોનું અપહરણ કરીને તેમને દેહવ્યવસાયમાં ધકેલી દેતા ગુનેગારોની વાત કરવામાં આવી હતી ત્યાં જ ‘કહાની ૨’માં ઘરઆંગણે કોઈ અત્યંત નિકટના સ્વજન દ્વારા બાળકના શારીરિક શોષણનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. જેમને સેક્સ એટલે શું, જાતીય આવેગો એટલે શુંથી લઈને કેટલીક વાર તો ગુપ્તાંગો એટલે શું એ પણ ન ખબર હોય તેવાં બાળકોને પોતાની વાસનાનો શિકાર બનાવતા આવા લોકોને મનોવિજ્ઞાનમાં પીડોફાઇલ્સ તરીકે ઓળખે છે, જ્યારે તેમની માનસિકતા માટે પીડોફિલિયા જેવો શબ્દ વાપરવામાં આવે છે. શું આવા લોકો નરાધમો હોય છે, માનસિક રીતે વિકૃત હોય છે કે પછી મારા તમારા જેવા સામાન્ય માણસો જ હોય છે જેમના જાતીય આવેગો અવળી દિશામાં ફંટાઈ ગયા હોય છે? ચાલો આજે આ માનસિક રોગ તથા એના રોગીઓની માનસિકતાને સમજવાનો પ્રયાસ કરીએ.

પીડોફિલિયા એટલે શું?

આ સવાલનો જવાબ આપતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજન ભોસલે કહે છે, ‘જેવી રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી ગુનેગાર હોતી નથી એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી પીડોફાઇલ પણ હોતી નથી; પરંતુ કેટલીક વાર જીવનમાં અમુક ઘટનાઓ એવી આકાર લે છે જે સેક્સની બાબતમાં વ્યક્તિનો રસ વિજાતીય કે સજાતીય બન્ને પ્રકારની વ્યક્તિઓમાંથી હટાવીને અમુક ચોક્કસ પરિસ્થિતિઓ, ક્રિયાઓ કે વસ્તુઓ પર કેન્દ્રિત કરી નાખે છે. આવી વસ્તુઓ કે ક્રિયાઓમાં સ્ત્રીના પગ કે સ્તનથી માંડીને માથાની વિગ, નાનાં બાળકો કે મૃતદેહો સુધી શેનો સમાવેશ થઈ જાય એ કંઈ કહી શકાય નહીં. સામાન્ય માણસોને મન આવી પસંદગીવાળા લોકો વિકૃત હોય છે, પરંતુ મનોવિજ્ઞાન આ માનસિકતાને પૅરાફિલિયા તરીકે ઓળખે છે. પીડોફિલિયા પણ પૅરાફિલિયાનો આવો જ એક પ્રકાર છે જેમાં વ્યક્તિને સેક્સ માટે જરૂરી ઉત્તેજનાનો અનુભવ બાળકો દ્વારા જ મળે છે. તેથી આવા લોકો બાળકો સાથે સેક્સની કલ્પના કરીને, નાનાં બાળકોના અશ્લીલ ફોટો કે વિડિયો જોઈને અથવા વાસ્તવમાં તેમની સાથે સેક્સ્યુઅલ ઍક્ટિવિટી કરીને પોતાના જાતીય આવેગોને સંતોષવાનો પ્રયત્ન કરે છે. આવા લોકો માનસિક રીતે વિકૃત હોય છે કે નહીં અથવા તેમની જાતીય પસંદગીને સારી ગણવી કે ખરાબ એ એક ચર્ચાનો વિષય હોઈ શકે, પરંતુ તેમની આ પ્રકારની વૃત્તિ બાળકો માટે તથા તેમના ભવિષ્ય માટે જોખમી હોવાથી કાયદાની દ્રષ્ટિએ આ એક ભયંકર અપરાધ છે જેની સામે દુનિયાના દરેક દેશના બંધારણમાં સખત જોગવાઈ કરવામાં આવી છે.’

એક ચોંકાવનારો કિસ્સો

પોતાની વાતને સમજાવતાં ડૉ. રાજન ભોસલે માણસનું મન ક્યારેક કેવું વિચિત્ર રીતે કામ કરતું હોય છે એનું સચોટ દૃક્ટાંત આપતાં કહે છે, ‘મારી પાસે એક રાજસ્થાની છોકરાનો કિસ્સો આવ્યો હતો. એ છોકરાઓના પિતાની બાજુનો પરિવાર ખૂબ બહોળો હતો, જેમની રાજસ્થાનમાં અનેક રૂમોવાળી મોટી હવેલી હતી. દર ઉનાળુ વેકેશનમાં બધાં ભાઈબહેન પોતાનાં બાળકોને લઈને એ હવેલીમાં રજાની મજા માણવા જતાં. તે કાકા-ફોઈનાં સંતાનોમાં આ છોકરો સૌથી મોટો એટલે સામાન્ય રીતે દરેક પરિવારમાં થતું હોય એમ વડીલો નાનાં ભાઈબહેનને સંભાળવાની જવાબદારી આ છોકરાને સોંપતા. ક્યારેક તેને પૈસા આપી બધાને બહાર આઇસક્રીમ ખાવા લઈ જવાનું કહેતા, ક્યારેક બધા માટે ચૉકલેટ લઈ આવવાનું કહેતા તો વળી ક્યારેક હવેલીના કોઈ એકાદ રૂમમાં બધાં બાળકોને રમાડવાનું કહેતા. બારથી ૧૩ વર્ષની ઉંમરે આવા જ એક ઉનાળુ વેકેશનમાં આ છોકરો પોતાનાં નાનાં ભાઈબહેનો સાથે એક રૂમમાં રમી રહ્યો હતો. એવામાં રમતાં-રમતાં તેણે પોતાના કોઈ એકાદ ભાઈ કે બહેનને પોતાના ખોળામાં બેસાડ્યાં અને અચાનક તે બાળકના શરીરના સુંવાળા સ્પર્શથી, તેના શરીરની હૂંફાળી ઉષ્માથી આ છોકરાને જાતીય ઉત્તેજનાનો અનુભવ થયો. જાતીય ઉત્તેજનાનો એ તેના જીવનનો સૌથી પહેલો અનુભવ હતો જે તેને ખૂબ ગમી ગયો. તેથી તેણે એ બાળકના શરીર સાથે પોતાનું શરીર ઘસવા માંડ્યું. બાળક પણ નાદાન હતું. તેને પણ કશું સમજાયું નથી. તેણે પણ મોટા ભાઈની આ ક્રિયાને રમતનો એક ભાગ ગણીને સ્વીકારી લીધી. ત્યાર બાદ આ તેનો નિત્યક્રમ બની ગયો. વેકેશન પૂરું થયા બાદ તે પાછો આવ્યો ત્યારે પણ તેના મનમાં એ જ વિચારો ફર્યા કરતા, જેને યાદ કરવાથી તેને વારંવાર ઉત્તેજના અને સ્ખલનનો આનંદ મળતો. તેનું મન એ અનુભવમાં એવું અટવાઈ ગયું કે મોટા થયા બાદ પણ જેટલી વાર તેના મનમાં સેક્સનો વિચાર આવતો એટલી વાર તેને હવેલીનાં એ જ દૃશ્યો દેખાયા કરતાં, જેને પગલે પોતાની ઉંમરની છોકરીઓ પ્રત્યે આકર્ષાવાના સ્થાને તેને બાળકો પ્રત્યે આકર્ષણ થતું રહેતું. તેથી તે પોતાની આસપાસના છોકરાઓ સાથે મૈત્રી કરીને, ચૉકલેટ અને રમકડાં જેવી ગિફ્ટ્સ આપીને તેમને પોતાના ખોળામાં બેસાડવા માંડ્યો અને પીડોફાઇલ બની ગયો.’

ડૉ. રાજન ભોસલે કહે છે, ‘સમાજની દ્રષ્ટિએ કે કાયદાની દ્રષ્ટિએ આ છોકરાનું કૃત્ય ચોક્કસ સજાને લાયક છે, પરંતુ એનું બીજ તેના જીવનમાં ઘટેલી એક ઘટના સાથે જોડાયેલું છે. માત્ર પીડોફિલિયા જ નહીં, પૅરાફિલિયાના મોટા ભાગના કિસ્સા બાળપણમાં અને એમાં પણ ખાસ કરીને કિશોરાવસ્થામાં ઘટેલી આવી જ કોઈ એકાદ ઘટના કે દુર્ઘટનાનું પરિણામ હોય છે કારણ કે આ ઉંમરે બાળકના શરીરનાં હૉર્મોન્સની ગતિવિધિ વધી જાય છે. એવામાં આવી કોઈ ઘટના તેમની સાથે ઘટે તો તેના જાતીય આવેગો ખોટી દિશામાં ફંટાઈ જવાની શક્યતા રહે છે.’

પીડોફિલિયા શા માટે સ્વીકાર્ય નથી?

ડૉ. રાજન ભોસલે આ વિશે કહે છે, ‘અલબત્ત, આ પૃથક્કરણનો અર્થ એવો પણ નથી કે તેઓ જે કરે છે એ સ્વીકાર્ય છે. આવા કિસ્સાઓનો ઇતિહાસ તપાસીએ તો તેમાંના મોટા ભાગના પોતે પણ બાળપણમાં આ પ્રકારના જાતીય શોષણનો શિકાર બનેલા હોય છે. તેથી ક્યારેક બદલાની ભાવનાથી તો ક્યારેક આ પ્રકારની પ્રવૃત્તિઓ ગમી જવાથી તેઓ મોટા થયા બાદ પીડોફાઇલ બની ગયા હોય છે.

એટલું જ નહીં, કેટલાક પીડોફાઇલ્સ તો પોતાના બચાવમાં એવું પણ કહેતા સાંભળવા મળે છે કે તેઓ જે કરે છે એ બાળકોની સહમતીથી કરે છે, તેમના શિકાર બાળકોને પણ આવી પ્રવૃત્તિઓ ગમતી હોવાથી કરે છે. જોકે જેમ કોઈ બાળક ગમે એટલું હોશિયાર કેમ ન હોય, ક્લાસમાં હંમેશાં પહેલા નંબરે આવતું કેમ ન હોય; પણ જ્યાં સુધી તે ૧૮ વર્ષનું નથી થતું ત્યાં સુધી આપણે તેને મતદાન કરવાનો અધિકાર આપતા નથી એવી જ રીતે નાદાન બાળકોની સહમતીનો કોઈ અર્થ નથી. આ જ કારણ છે કે દુનિયાના ઘણા દેશો આજે બે વયસ્કો વચ્ચે બંધાતા સમલૈંગિક સંબંધોને સ્વીકૃતિ આપે છે, પરંતુ દુનિયાના દરેક દેશમાં પીડોફિલિયા એક અક્ષમ્ય અપરાધ માનવામાં આવે છે.’

બાળકો પર થતો માનસિક અત્યાચાર

ડૉ. રાજન ભોસલેની વાતમાં સૂર પુરાવતાં મલાડ અને દહિસર ખાતેના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘જાતીય શોષણનો ભોગ બનતાં બાળકોનું બાળપણ અતિશય સ્ટ્રેસમાં ગુજરે છે. બહુ નાનાં હોય તો પોતાની સાથે જે થઈ રહ્યું છે એ સાચું છે કે ખોટું એ તેમને સમજાતું નથી તેથી તેઓ પારાવાર મૂંઝવણ અને અકળામણનો અનુભવ કરે છે. જો બાળક થોડું મોટું અને સમજદાર હોય તો પોતાની જાતને અપમાન અને સામેવાળી વ્યક્તિને ઘૃણાની ભાવનાથી જોવા લાગે છે. આ માનસિક દ્વંદ્વ અને કશમકશ તેમને ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો શિકાર બનાવી શકે છે. સંશોધનો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે બાળપણમાં આવી સતામણીનો ભોગ બનેલાં બાળકો સામાન્ય બાળકોની સરખામણીમાં નવગણા આત્મઘાતી હોય છે. એટલું જ નહીં, મોટા થયા બાદ પણ સામાન્ય માણસોની સરખામણીમાં તેઓ ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, ન્યુરોસિસ અથવા સાઇકોસિસ તરીકે ઓળખાતી માનસિક બીમારીઓનો શિકાર બનવાની સંભાવના વીસગણી વધી જાય છે.’

તેમને ઓળખવાની કોઈ રીત ખરી?

દુર્ભાગ્યની વાત એ છે કે આવા માણસોને ઓળખવા અત્યંત મુશ્કેલ હોય છે. આ મુદ્દાને વિગતવાર સમજાવતાં અંધેરીના જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘એક બહુ પ્રચલિત ગેરમાન્યતા એ છે કે આ એવા લોકો હોય છે જેઓ નાનાં બાળકોને ફસાવવા સ્કૂલો અને કૉલેજોની બહાર હાથમાં કૅન્ડી અને ચૉકલેટ્સ લઈને ફરતા હોય છે; પરંતુ હકીકત તો એ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ કાકા, મામા, માસા, ફુઆ, સાવકો બાપ વગેરે જેવા ઘરના જ કોઈ અત્યંત નિકટના સ્વજન હોય છે અથવા ઘરે કામ કરતા વર્ષો જૂના નોકર કે નોકરાણી હોય છે. હા, નોકરાણી પણ. પીડોફાઇલ્સ ફક્ત પુરુષો જ હોય છે એ માન્યતા પણ એટલી જ ખોટી છે. અનેક પીડોફાઇલ્સનો ભૂતકાળ તપાસતાં તેઓ બાળપણમાં પોતાના જ ઘરની કોઈ મહિલા કે પછી આસપાસની કોઈ આન્ટી દ્વારા બાળપણમાં શારીરિક શોષણનો ભોગ બન્યા હોવાનું નોંધાયું છે. આ જ કારણ છે કે પીડોફિલિયાના દસમાંથી નવ કિસ્સા બહાર આવતા જ નથી અને લોકો ભીનું સંકેલી લે છે અથવા ચુપકીદી જાળવી રાખવા મજબૂર બની જાય છે. વળી બાળક નાનું હોવાથી જાતભાતની કલ્પના પણ કરતું હોવાથી ઘણી વાર પરિવારજનો તેની વાત પર વિશ્વાસ ન કરતા હોવાનું પણ જોવા મળે છે.’

ડૉ. રાજન ભોસલે કહે છે, ‘પીડોફાઇલ્સ માટે એક બીજી પ્રચલિત માન્યતા એવી પણ છે કે તેઓ સ્વભાવે અત્યંત અંતમુર્ખી હોય છે અને ગુપ્તાવાસ જેવું જીવન વ્યતીત કરતા હોય છે; પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સારામાં સારા ઘરના અત્યંત સજ્જન, સંસ્કારી, સફળ અને સ્વભાવે અત્યંત મળતાવડા લોકોમાં પણ આ પ્રકારની વૃત્તિ હોઈ શકે છે. આ તેમના વ્યક્તિત્વની છૂપી બાજુ હોય છે જેને તેઓ અત્યંત સિફતથી લોકોની નજરોથી છુપાડી રાખે છે. વળી તેઓ બાળકોને ડરાવી-ધમકાવીને પોતાની વાત મનાવવામાં અથવા તેમની સાથે મૈત્રી કરીને આ પ્રકારની પ્રવૃત્તિ તેમની વચ્ચેની સીક્રેટ ગેમ હોવાનું મનાવી લેવામાં પણ પાવરધા હોય છે.’

આવું તેઓ શા માટે કરે છે?

આ સવાલનો કોઈ ચોક્કસ જવાબ નથી. છતાં પોતાના વર્ષોના અનુભવના આધારે ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘મહદંશે આવી વૃત્તિ પાછળ વ્યક્તિનાં સામાજિક, આર્થિક અને માનસિક કારણો જ જવાબદાર હોય છે. સાથે બાળપણના અનુભવો પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. કેટલીક વાર આ પ્રકારની પ્રવૃત્તિ બે પિતરાઈઓ વચ્ચે રમત સ્વરૂપે પણ શરૂ થતી હોય છે જે આગળ જતાં તેમની વૃત્તિ બની જાય છે તો કેટલીક વાર વિજાતીય શારીરિક સંબંધોમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ કોઈ પોતાની સેક્સ્યુઅલિટીને પડકારી ન શકે એ માટે બાળકોને પોતાની હવસનો શિકાર બનાવતી હોય છે. એટલું જ નહીં, કેટલાક દેશોમાં એઇડ્સ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી વયસ્કોની સરખામણીમાં બાળકોને પ્રમાણમાં વધુ સુરક્ષિત માનીને તેમને વેશ્યાવ્યવસાયમાં ધકેલી દેવામાં આવે છે.’

આનો ઉપાય શું?

ભૂતકાળમાં પીડોફિલિયાથી પીડાતી વ્યક્તિઓનાં વૃષણો કાઢીને તેમને નપુંસક બનાવી દેવાના અથવા કેમિકલ કૅસ્ટ્રેશન તરીકે ઓળખાતી પદ્ધતિમાં તેમને ઍન્ટિ-એન્ટ્રોજન ઇન્જેક્શન્સ આપી તેમના શારીરિક આવેગોને દબાવી દેવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ એનાથી બાળકો સાથે થતા આ દુરાચાર પર પ્રતિબંધ મૂકવામાં કોઈ ખાસ સફળતા મળી નથી. તેથી હવેનું મનોવિજ્ઞાન સાઇકોથેરપી તથા કાઉન્સેલિંગના માધ્યમથી તેમની માનસિકતાને યોગ્ય દિશામાં વાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે હવેના સમયમાં આ દૂષણનું પ્રમાણ એટલું વધી ગયું છે અને બીજી બાજુ આવા લોકો સામેથી ડૉક્ટર પાસે સારવાર માટે ભાગ્યે જ આવતા હોવાથી બાળકોને જ આ બાબત માટે સભાન કરવાનું આવશ્યક બની ગયું છે. આ જ કારણ છે કે સામાન્ય ડૉક્ટરોથી લઈને સાઇકોલૉજિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ વગેરે સૌકોઈ અર્લી ચાઇલ્ડ સેક્સ-એજ્યુકેશન પર ભાર મૂકવા લાગ્યા છે.

મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

27 July 2021

માનસિક બીમારી

 

માનસિક બીમારી

માનસિક બિમારીના લક્ષણો શું છે?

માનસિક વિકૃતિ કે વર્તનજન્ય વિચારને વિચારોમાં ખેલેલ, મૂડ, અથવા વર્તન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જે સાંસ્કૃતિક માન્યતાઓ અને ધોરણોથી બહાર રાખવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તકલીફ અને વ્યક્તિગત બાબતો સાથે તેના લક્ષણો સંકળાયેલા જોવા મળે છે.

કલ્પના સાથે સમસ્યાઓ
  • ધ્યાન કેન્દ્રીત સમસ્યા અને સરળતાથી વ્યગ્રતા.
  • માહિતી યાદ રાખી શકો નહિં.
  • ધીમી માહિતી પ્રક્રિયાઓ અથવા ગેરસમજ.
  • સમસ્યાઓ ઉકેલવા માટેની વધારે મહેનત ન લાગે છે.

વિચારવા સાથે સમસ્યાઓ
  • વિચારોની ગતી વધી જાય અથવા એકદમ ઘટી જાય છે.
  • એક વિષય પરથી અન્ય વિષય પર વિચારો કોઈપણ અર્થ વિના ચાલ્યા કરે.
  • નવા શબ્દો અથવા ધ્વનિનો ઉપયોગ કરે જે શબ્દકોષમાં પણ ના મળે.
  • તેમના વિચારો, ક્રિયાઓ અને બાહ્ય પ્રભાવ હેઠળ શક્ય નથી.

દ્રષ્ટિકોણ સાથે સમસ્યાઓ
  • પ્રત્યક્ષ વિસંગતતાઓ છે: અસામાન્ય તેજસ્વી રંગો કે અશિષ્ટ અવાજો.
  • ભેદી અવાજો સાંભળે છે. કોઈ પણ આસપાસ ન હોય તો પણ પોતાની રીતે બોલ્યા કરે અને હસ્યા કરે છે.
  • જુના નિરાકરણ પણ તેમને વિચિત્ર રીતે નવા લાગે છે.
  • ટીવી, રેડિયો, અથવા જાહેર પરિવહન પર રહેલા ગુપ્ત સદંશાઓમાં માને છે.

લાગણીઓ સાથે સમસ્યાઓ
  • પોતાને નાલાયક, નિરાશાજનક, અને લાચાર અનુભવે.
  • સામાન્ય બાબતોમાં પોતાને દોષિત અનુભવે.
  • મૃત્યુ અથવા આત્મહત્યાના નકારાત્મક વિચારો.
  • દરેક બાબતોમાંથી રસરુચી અને આનંદ ગુમાવી બેસે.
  • પોતાની ક્ષમતાઓ, પ્રતિભા, સંપત્તિ, દેખાવ વિશે વધુ આત્મવિશ્વાસ અને ગર્વ.
  • વધારે ઊર્જા અને થોડી ઊંઘની જરૂર છે.
  • મોટાભાગનો સમય અણગમામાં રહે અને સરળતાથી ઉશ્કેરાઈ જવું.
  • કોઈપણ કારણ વિના વર્તનમાં અચાનક બદલાવ આવવો.
  • ઉત્તેજિત, અભિમાની, વધુ પડતો આત્મવિશ્વાસ અને અન્ય માટે નિરાશા.
  • માટાભાગના સમય વધારે ચકોર અને સાવચેત.
  • બેચેન, બીકણ, અને રોજિંદી ઘટનાઓ અંગે ચિંતા અનુભવે છે.
  • ભયને કારણે સામાન્ય પ્રવૃતિઓ પણ અવગણે (બસ પકડવી, કરિયાણાની ખરીદી લેવાની) ને કારણે પ્રવૃત્તિઓ અવગણે છે.
  • આસપાસ લોકો વચ્ચે પણ અસુરક્ષા અનુભવે.
  • ધાર્મિક અથવા વારંવાર વર્તણૂક કરવા ફરજ પડવી.
  • ચિંતાગ્રસ્ત, ક્ષતિગ્રસ્ત યાદદાસ્ત અથવા ભૂતકાળમાં ઘટનાઓના સ્વપ્ન.

સામાજિક સમસ્યાઓ
  • થોડા જ નજીકના મિત્રો છે.
  • બેચેન અને સામાજિક પરિસ્થિતિમાં દ્વિધામાં
  • બોલાવામાં અથવા શારીરિક રીતે આક્રમક.
  • સુમેળવિનાના સંબંધો, વધારે પડતા આદરણીય.
  • સાથે મળીને રહેવું અઘરુ.
  • અન્ય લોકોને સાખી શકતા નથી.
  • અસામાન્ય રીતે શંકાશીલ

કામ સાથે સમસ્યાઓ
  • બરતરફ અથવા વારંવાર કામ છોડી દેવું.
  • સામાન્ય દબાણ અને અપેક્ષાઓથી સરળતાથી ઉશ્કેરાઈ કે અણગમો કરે છે.
  • કામ, સ્કૂલ, અથવા ઘર પર અન્ય લોકો સાથે ન મળી શકે.
  • ધ્યાન કેન્દ્રિત નથી અથવા અસરકારક રીતે કામ કરી શકે છે.

ઘર સમસ્યાઓ
  • 'અન્યની જરૂરિયાતોને સમજતા નથી.
  • વધારે પડતું મુંઝીપણું અથવા ઘરની અપેક્ષાઓ
  • ઘરકામ પણ યોગ્ય રીતે ન કરી શકે.
  • ઉશ્કેરાટમાં દલીલો અને પરિવાર સાથે ઝઘડા, નિષ્ક્રિય અથવા સક્રિય રીતે.

સ્વદરકાર સાથે સમસ્યા
  • સ્વચ્છતા અથવા દેખાવની કાળજી નહિં લે
  • પૂરતું ખાતા નથી , અથવા વધારે ખાય છે.
  • ઊંઘ નથી લેતા અથવા અતિશય ઊંઘ લે અથવા દિવસ સમય ઊંઘ લે.
  • શારીરિક સ્વાસ્થ્ય માટે થોડું અથવા કોઈ ધ્યાન આપે નહિ.

શારીરિક લક્ષણો સાથે સમસ્યા
  • ન સમજાય તેવા સતત શારીરિક લક્ષણો
  • વારંવાર માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો
  • એક જ સમયે ઘણી બધી શારીરિક સમસ્યાઓ

આદતો સાથે સમસ્યાઓ
  • અતિશય બેકાબૂ બનેલી કોઈપણ આદત કે અને દખલવાળી દૈનિક પ્રવૃત્તિઓ.
  • દારુ અથવા / અને ડ્રગ્સની આદત
  • આગ લગાવવાની બેકાબુ ઈચ્છા
  • બેકાબુ જુગાર
  • અસયંમિત ખરીદી

બાળકોમાં સમસ્યાઓ
  • દારૂ અને / અથવા ડ્રગ્સની આદત
  • દૈનિક સમસ્યાઓ અને પ્રવૃત્તિઓનો સામનો કરવાની અક્ષમતા
  • ઉંઘ અને / અથવા ખાવાની આદતમાં ફેરફાર
  • વધુ પડતી શારીરિક સમસ્યાઓની ફરિયાદો
  • દાદાગીરી, શાળાએ ન જવું, ચોરી, અથવા મિલકત નુકસાન
  • વજન વધવાની વધુ પડતી બીક
  • લાંબા સમય સુધી નકારાત્મક વલણ, સસ્તા ખોરાકની માંગ અને મોતના વિચાર
  • વારંવાર અદમ્ય ગુસ્સો
  • શાળાકાર્યના દેખાવમાં બદલાવ
  • મજબૂત પ્રયત્નો છતાં ખરાબ દેખાવ
  • વધુ પડતી ચિંતા અથવા ઉશ્કેરાટ
  • અતિપ્રવૃત્તિ
  • નિરંતર સ્વપ્ન