ભારતીય સિને જગતમાં બારીકાઇથી સંશોધન કરનાર સુરતના હરીશ રઘુવંશીને ફિલ્મ ભારતીય ફિલ્મ ઇતિહાસકાર કહી શકાય. “મુકેશ ગીત કોષ”, “ ગુજરાતી ફિલ્મ ગીતકોષ” “ઇન્હેં ન ભૂલના” તેમજ “જબ દિલ હી ટૂટ ગયા” જેવા પુસ્તકો પ્રદાન કરનાર આ ગુજરાતી પાસેથી પ્રેરણા લેવા જેવી છે. “શબ્દ કોષ” વિશે આપણને ખબર જ છે કે કેટલી સચોટતા અને કાળજી લઇને તેને પ્રકાશિત કરવામાં આવે છે. આ રીતેના “ગીત કોષ” બહાર પાડનાર ગીતપ્રેમી, સંગીતપ્રેમી એટલે હરીશ રઘુવંશી.
1964-1965માં એક સંગીતપ્રેમી તરીકે રેડિયો સાંભળનાર આ મહાશયને જુના ગીતોનો જબરો શોખ જાગ્યો. શરુઆતમાં જુના ગીતો સાંભળવા મળે કે તરત જ તેનું લખાણ હરીશભાઇ તેમની ડાયરીમાં ટપકાવી લેતા. આ બધામા મુકેશજી ના ગીતોનુ સ્થાન મહત્વ હતું. શોખ વધતો ગયો. સન 1979માંજ તેઓની મુલાકાત કાનપુરના હરમંદિરસિંહ સાથે થઇ. બન્નેનો શોખ મળતો હતો તેમજ સંગીતના ક્ષેત્રમાં જાણકાર એવા હરમંદિરસિંહને મળીને હરીશભાઇના ઉત્સાહમાં વધારો થયો અને કઇક નવુ કાર્ય પાર પાડવાનું તેમને નક્કી કર્યુ. મુકેશજી અને તેમના ગીતો પ્રિય હોવાથી શરુઆત મુકેશના ગીતોથી જ કરવામાં આવી. મુકેશના ગીતોનો અણમોલ ખજાનો પુસ્તકના સ્વરૂપે બહાર પાડવાનું તેઓએ વિચાર્યુ. આ સમયે કહેવાતું કે મુકેશે 1000 ગીતો ગાયેલાં.. આ વિશે માહિતી મેળવવા કોશિશ ચાલુ રહી, પુસ્તકો ખરીદ્યા, વાંચ્યા..પરંતુ 400 થી 500 ગીતો સિવાય કાંઇ ન મળ્યુ. 1200 થી 1500 ગીતોની પ્રાપ્ત થશે તેવી ધારણા રાખીને આ પુસ્તક બનાવીશ તેવી ધારણા ખોટી સાબિત થઇ. તેમ છતાં હાર માન્યા વગર હરીશભાઇએ પ્રયાસ ચાલુ રાખ્યો. કોઇ ગીતની એકાદ-બે કડી યાદ હોય પરંતુ આખું ગીત ઉપલ્બધ ન હોય તેવાં ગીતોને મેળવવા હરીશભાઇએ રેડિયોનો સંપર્ક સાધ્યો. તેઓની ફરમાઇશના આ પ્રકારના ગીતો રેડિયો પર વગાડવામાં આવતા. કેટલાક ગીતો માટે ખુદ થીયેટરમાં જઇને રેકોર્ડીંગ કરેલું છે. “મહેંદી લગે મેરે હાથ કી”નું ગીત “આપને યુ હી દિલ્લગી કી થી” રેડિયો પર મળી શકે તેમ ન હતુ, તેથી થીયેટરમાં રેકોર્ડીંગ કરવું પડયું. પુરી લગન સાથે જો કોઇ કામ પૂરુ પાડવું હોય તો કોણ રોકી શકે છે ??? આ રીતે મિત્ર, રેડિયો, થીયેટર તેમના સાથી તેમજ સહકાર પુરવાર થયાં.
5 વર્ષની સખત મહેનત બાદ સન 1985માં ભારતમાં સૌ પ્રથમ વાર “મુકેશ ગીત કોષ” 992 ગીત સાથે પ્રકાશિત થયું. આ સમયે આખા ભારતમાં આવો કોઇ ગીત કોષ ઉપલ્બધ ન હતો જેમાં આ રીતે પુરેપુરાં ગીતો મળી રહે. કે જેમાં ગીતકાર, સંગીતકાર કે વર્ષની માહિતી હોય. આ પુસ્તકની વધારે માહિતી આપું એ પહેલા પુસ્તકની પ્રાથમિક જાણકારી ….
Mukesh Geet Kosh (March 1985)
Covering – Full text of 992 Songs with respective credits
Published – Hindi
Pages – 672 pgs along with some rare photos
Price – Rs 650/-
5 વર્ષની સખત મહેનત બાદ “મુકેશ ગીત કોષ” લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ગીત-સંગીતકારની માહિતી સિવાય આ કોષમાં કેટલીઅ સૂચીઓ સહિત શ્રી રામચરિત્રમાનસ પણ આપવામાં આવ્યુ , દરેક ફિલ્મી તેમજ અફિલ્મી ગીતોનો તેમજ જુદી જુદી ભાષાઓના દરેક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો. કયા ફિલ્મી કલાકાર માટે મુકેશએ ગીત આપ્યુ છે તે સહિતની માહિતીનો આ ગીતકોષમાં સમાવેશ કરવામાં આવ્યો .
આ જ રીતેની મહેનત આજની તારીખમાં પણ ચાલું છે. કોઇને થશે આટલો મોટો ગીતકોષ બહાર પાડયા પછી પણ આ રીતેની મહેનત ?? જવાબ છે “હા”. 1979-1985ના સમયગાળા દરમ્યાન પ્રાપ્ત ન થઇ શક્યા હોય તેવાં ગીતો પર હરીશભાઇ કામ કરી રહ્યા છે. દરેક ગીત પ્રાપ્ત નહી થઇ શકવાના કારણ હતા.. એ સમયે ભારતમાં એવું કોઇ પુસ્તક ન હતું જેમાંથી એટલિસ્ટ ગીતોની મહિતી મળી શકે. અમુક ફિલ્મો એવી હોય છે જે બની છે, પરંતુ તેના માટે ગવાયેલ ગીતો આજે પણ માત્ર રેકોર્ડ થઇને રહી ગયા હોય, પાછળથી ખબર પડે કે આ તો મુકેશનું ગીત છે કે કોઇ એક ચોક્કસ ગીતકાર-સંગીતકારનું છે. આ ઉપરાંત એ જમાનામાં એટલી બધી સુવિધા ઉપલ્બધ ન હતી જેટલી આજના જમાનામાં છે. રેડિયોએ ઉત્તમ માધ્યમ હતુ…પ્રસારણ માટે. આજે ગમે તે ગીતનું નામ નેટના સર્ચમાં ટાઇપ કરો કે તે વિશેની માહિતી તરત મળી રહે છે. આવાં જ કેટલાક કારણોસર અમુક ગીતોનો સમાવેશ “મુકેશ ગીત કોષ” કરવામાં નોહ્તો આવ્યો, જે ગીતો પ્રાપ્ત નથી થઇ શક્યા એવાં જ ગીતોનો એક અદભૂત “ગીત કોષ” નજીકના ભવિષ્યમાં જોવા મળશે. 
આ સિવાય રસપ્રદ વાત એ છે કે “મુકેશ ગીત કોષ”ની જેમ જ હરીશ રઘુવંશીએ “ગુજરાતી ફિલ્મ ગીત કોષ” જેવું પુસ્તક પણ પ્રદાન કર્યુ છે. આજે આપણને અચાનક 20-25 ગુજરાતી ફિલ્મના નામ પુછવામાં આવે તો વિચારવું પડે..(જવાબ આપી શકાય પણ “અ” જેવા ઉદગાર આવે જ) આવામાં આ રીતેનો “ગુજરાતી ફિલ્મ ગીત કોષ” પ્રકાશિત કરવું એ ધન્યવાદને પાત્ર છે. આ બે પુસ્તકો સિવાય “ઇન્હેં ન ભૂલના” તેમજ મિત્ર હરમંદિર સાથે મળીને “જબ દિલ હી ટૂટ ગયા” પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે.
ગુજરાતી ફિલ્મ કોષ વિશેના સંશોધન વિશે પણ વાત કરવી છે પણ એ ફરી ક્યારેક… !
