59… 58… 57…
“શું કર્યું ન્યૂ યરમાં?”
કાલે આવું કોઈ પૂછશે તો એના જવાબરૂપે અને social media પર ફોટો/વિડીયો મુકવાના પ્રબંધરૂપે હું સહ-પરિવાર એક રેસ્ટોરન્ટમાં ન્યૂ યર પાર્ટી માટે આવી ગયો છું. ડીજેનું મ્યુઝિક ચાલી રહ્યું છે, અને બધા ધીમે ધીમે સ્ક્રીન કે જેના પર કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, તેની નજીક આવી રહ્યાં છે.
2026ની પહેલી સેકન્ડનું એટલું બધું માહાત્મ્ય છે કે કોઈને પણ એ ક્ષણ ચૂકવી નથી… હું પણ મારી 3 વર્ષની દીકરીને ઊંચકીને સ્ક્રીનની નજીક પહોંચી ગયો છું…
30…29…28…
આ બધા વિચારો, અવાજ અને લોકોના ઉત્સાહ વચ્ચે, મારી દીકરી મને કહે છે કે એને બાથરૂમ જવું છે…
આ જે આજુબાજુ માં બધા અને આખા વિશ્વભરમાં લોકો ને જેવું એ નવા વર્ષની પહેલી ક્ષણનું મહત્વ સમજાય છે એવું મહત્વ એને કેવી રીતે સમજાવું? કે આ ક્ષણ ફરી પાછી નહિ આવે.
મેં એને પૂછ્યું “30 સેકન્ડ રાહ જોવાશે?”
એણે હા તો પાડી દીધી, પણ મારા મનમાં એક બીક આવી ગઈ… કે જો એનાથી 30 સેકન્ડ રોકાયું નહિ, તો મારા માટે નવું વર્ષ “યાદગાર” બની જશે…
હું આજુબાજુ જોઉં છું. ફોન હવામાં ઉંચા, ભવિષ્યની યાદોને પહેલાંથી રેકોર્ડ કરતા લોકો એકસાથે કાઉન્ટડાઉનના આંકડા ચીસો પાડીને બોલી રહ્યાં છે. હું કલ્પના કરવાનો પ્રયત્ન કરું છું કે આ બધું મારી દીકરીને કેવું લાગતું હશે!
આપણે બધા મળીને આ એક સેકન્ડને બાકીની બધી સેકન્ડ્સ કરતાં વધારે મહત્વની કેવી રીતે બનાવી દીધી!
ન્યૂ યોર્કમાં નવા વર્ષે બોલ ડ્રોપ જોવા માટે લોકો ૧૮ કલાક પહેલાંથી લાઈનમાં ઊભા રહે છે; કેટલાક તો એડલ્ટ ડાયપર પહેરીને, માત્ર એ એક સેકન્ડ અને નવી શરૂઆતના સાક્ષી બનવા માટે.
15…14…13…
મારા વિચારો અચાનક ઝડપ પકડી લે છે. આ એક સેકન્ડમાં એવું શું બન્યું કે એ આટલી ખાસ બની ગઈ! શું બાકીની સેકન્ડ્સ ક્યારેય એવું વિચારતી નથી કે અમારું પણ કંઈક માહાત્મ્ય હોવું જોઈએ? કદાચ એ જ બાકીની સેકન્ડ્સનું New Year Resolution હશે…
(સુધાંશુ ત્રિવેદી જાન્યુઆરી મહિનાનો ઇતિહાસ અહીં એક વાક્યમાં સમજાવે છે: YouTube)
3…2…1…
રૂમ હર્ષોલ્લાસથી ફાટી પડે છે. વેઠ ઉતારતો હોઉં એમ ફટાફટ આજુબાજુના બે-ત્રણ જણને “હેપ્પી ન્યૂ યર” કહી, હું દીકરીને લઈને પુરુષોના બાથરૂમ તરફ વળું છું. હજી એની દુનિયામાં કયા બાથરૂમમાં જવાય અને કયામાં ના જવાય એવા નિયમો નથી આવ્યા.
બાથરૂમના દરવાજા પાછળથી તાળી, હાસ્ય અને શુભેચ્છાઓનો અવાજ આવે છે. આ અવાજો ધીમા થઈ જાય છે અને એક નાના બાળકને આખરે રાહત મળી એનો જ અવાજ રહે છે.
ત્યાર પછીની સેકન્ડ્સ શાંત છે. કોઈ કાઉન્ટડાઉન નથી, કોઈ ચીસો નથી. સમય બસ એમ જ આગળ વધે છે.
તા.ક. –
મારા માટે નવું વર્ષ આવી રીતે શરૂ થયું અને તમે…
“શું કર્યું ન્યૂ યરમાં?”