પેલી અ અકસ્માતનો અ વાળી પોસ્ટ પછી એમ તો બ બકરીનો બ કે બ બહેરાશનો બ આવવો જોઇતો હતો પણ આવ્યો છે સીધો મ. એટલે કંઇક વચ્ચેની મ મેમરીલોસ નો મ ? ના. એવું નથી. આ તો લાંબી વાર્તા છે, પણ આ બ્લોગની પરંપરા જાળવી રાખવા માટે આપણે તેને ટૂંકમાં જ લખીશું, એટલે લોકો TLDR કરીને જતા ન રહે.
એમાં થયું એવું કે જુલાઇ પત્યો એટલે મારું બે મહિનાનું વેકેશન પણ પત્યું અને ૩ ઓગસ્ટથી ફરીથી ઓફિસ શરૂ થવાની હતી. એના દુ:ખમાં એક બી.આર.એમ. કરવી જ પડે તો જ મઝા આવે એવું મને લોકોએ કહ્યું અને લોકોની વાત તો અમે માની લઇએ છીએ. ૩ ઓગસ્ટની આ બીઆરએમમાં આ ૩૦૦ કિમીનો સરસ અને થોડો ચડાણ વાળો રસ્તો હતો. મુંબઈથી ખોડાલા (વાયા મનોર ફાટા) અને ત્યાંથી ઈગતપુરી અને ત્યાંથી મુંબઈ પાછા આવવાનું હતું. લગભગ મોટાભાગના રસ્તા પર આ પહેલા સાઇકલિંગ અથવા ડ્રાઇવિંગ કરેલું હતું એટલે ખબર હતીકે રસ્તો સારો છે. શરૂઆત ધીમેથી કરી કારણે વરસાદ હજુ આવતો હતો. મનોર પહોંચ્યો અને કંટ્રોલ પોઇન્ટ પર સ્ટેમ્પ વગેરે કરીને જમણી બાજુ વળીને હાઇવે વગરના સરસ રસ્તા પર આવી ગયો. લગભગ ક્યાંય ટ્રાફિક નહી. સરસ વરસાદ, રસ્તો અને આજુ-બાજુ વહેતા ઝરણાં અને નાના ધોધ. હા, એક ઘટના બની. ખોડાલા ગામ પહોંચતા પહેલા અમારા વોલિયન્ટરની ગાડી અને મારું હેન્ડલબાર અડી ગયું કારણકે ડાબી બાજુ ખાડો આવ્યો અને હું જોયા વગર જમણે વળ્યો. આરામથી પડ્યો અને કપડાં ખરાબ થયા. બીજું કંઇ થયું નહી અને આરામથી ખાડા ધરાવતા રસ્તા પર આવી ગયો અને પછી ઇગતપુરી અને રાત્રે ફરી આરામથી જોડે વરસાદ લેતો મુંબઈ આવ્યો.
હવે તમને એમ થશે કે મગજ અને આ ફાલતુ રાઇડનો શું સંબંધ? એક મિનિટ શાંતિ રાખો. આવશે. બધું જ આવશે.
હવે, રાઇડ પૂરી કરી ઘરે આવ્યો લગભગ ૧ વાગે. ટેક્સીમાં જ આવ્યો. તેના પછી સાયકલ સાફ કરી અને કપડાં સાફ કર્યાં. કારણ કે, સવાર સુધીમાં તો ક્યારેય ન ધોવાય તેવા થઇ જાય અને ઘરમાં પ્રવેશ બંધી થઇ જાય. એટલે, આવું બધુ કરવું પડે. ચૂપચાપ સૂઇ ગયો. રવિવારે આરામ કર્યો. સોમવારથી ઓફિસ શરૂ થતી હતી. કામ શરૂ કર્યું અને સાંજે થોડા કિમી ઇન્ડોર સાયકલ ચલાવી. ઓલ રાઇટ. મંગળવારે મને થોડો થાક લાગ્યો. મને એમ કે ઘણાં દિવસ પછી ઇન્ડોર સાયકલ ચલાવી હોય એટલે આવું થાય. સાંજે ફરી સાયકલ ચલાવી પણ સાયકલમાંથી ઉતરવા માટે પગ ઊંચો થાય જ નહી. કેમ ભાઇ, આટલો બધો થાક? કોકીને બોલાવી મારો ભારે પગ ઉતાર્યો અને પછી આરામ કર્યો. લેપટોપ પર લોગ-ઇન કરવા ગયો તો પાસવર્ડ યાદ આવે જ નહી અને વાંરવાર ખોટો પડે. આવું તો પહેલી વાર થયું. મને યાદ આવ્યું કે ઘણી વાર કી-બોર્ડ મસ્તી કરતું હોય એટલે લેપટોપના કી-બોર્ડથી પ્રયત્ન કર્યો. પછી માંડ માંડ યાદ આવ્યો ખરો. કોફી પીવા બેઠો તો હવે હાથ ઊંચો ન થાય, તો પણ કોફી તો પીવી પડે. હવે આવ્યો બુધવાર અને લગભગ આખો દિવસ આરામ કર્યો. કોકીએ નોંધ લીધી કે જે માણસ ફટાફટ જમતો હતો એ આજે બહુ વાર લગાડે છે. છેવટે, ગુરૂવારે અમે અમારા નજીકના ડોક્ટર પાસે બતાવવા ગયા અને તેને કહ્યું કે ભાઇલોગ આ તો પેરેલિસિસ (બક્ષી વાળું પુસ્તક નહી, ખરેખરમાં) લાગે છે. સીધા ઉપડો, મોટી હોસ્પિટલમાં.
હવે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં એડમિટ થયા અને ત્યાં થયું સીટી સ્કેન અને એમ.આર.આઇ. વગેરે. આ MRI મશીન બહુ જબરું. મને તો મસ્ત ઊંઘ આવી ગઇ. મઝા આવી. પણ, હજુ તો શરૂઆત હતી. ડિપોઝીટના પૈસા ભરવાના હતા. મને એકેય પિન યાદ આવે જ નહી. ખબર નહી, લોકોએ શું કર્યું. રિનિતે અને કવિને બધુ સંભાળ્યું અને મને રાત્રે ૧૨ વાગે ઓપરેશનમાં લઇ જતા હતા એવું કંઇક યાદ છે. જાગ્યો ત્યારે તો ઓપરેશન થઇ ગયું હતું અને હું હતો આઈ.સી.યુ.માં. હજુ પણ ૩-૪ દિવસ રહેવાનું હતું ધીમે-ધીમે થોડી વધુ યાદશક્તિ અને શક્તિ આવી પણ બે દિવસ માત્ર જ્યુસ પીવાનો અને મઝા કરવાની. શેની મઝા? હવે ખબર પડે કે પેલા બે મહિના પહેલાના એક્સિડેન્ટે બધો દાટ વાળ્યો છે. આ વસ્તુને સબડ્યુરલ હેમાટોમા કે પછી બીજું કંઇક કહેવાય છે (જોઇ લેજો, વિકિપીડિયા પર, સીધી લિંક નથી આપતો!). ધીમે-ધીમે કોકી-કવિન આવતા થયા અને પછી બરોબર થયા પછી સામાન્ય રૂમમાં અમે મોકલવામાં આવ્યો. લોકો મળવા આવતા ગયા અને મારા સાાયકલિંગ એડવેન્ચરના પ્લાનિંગ ઉપરનો પડદો ખૂલવાની જગ્યાએ ઢંકાતો ગયો. વાત તો બરાબર છે, અહીં સાયકલિંગ એ એડવેન્ચર છે. મોટાભાગે એટલે જ હું નાની રાઇડમાં બહાર જતો નથી અને ઘરે જ ચલાવું છું. ભારત અને હવે તો ક્યાંય પણ ક્યારે શું થાય એ કહેવાય નહી.
જે હોય તે, અઠવાડિયું થયું અને સૌથી કંટાળાજનક પ્રક્રિયા ઇન્સ્યોરન્શનું એપ્રૂવલ. ૧૦ મિનિટની જગ્યાએ ૫ કલાક થયા અને રાત્રે ૧.૩૦ વાગે હું અને કવિન ઘરે આવ્યા. આ આખી મગજમારીમાં કોકી-કવિને બહુ સાથ આપ્યો એટલે તેમને બંનેને એક-એક નવી કાર્બન સાઇકલ (કે પછી કાર્બન વ્હીલ્સ જોઇતા હોય તો તે) અપાવીશ એવું નક્કી કર્યું. પછી યાદ આવ્યું કે, અલ્યા સાઇકલ નથી ચલાવવાની. એટલે, બીજું કંઇક મીશોમાંથી અપાવી દઇશ.
હવે શું? હજુ બીજી સર્જરી બાકી છે. પાછો સાજો-તાજો થઇને એની પોસ્ટ લખીશ. ઓફિસ તો ઘરે આવી તરત શરૂ કરી. વર્ક-ફ્રોમ-હોમનો આ હજુ પણ ફાયદો છે. ગાડી ક્યારે ચલાવવા મળશે તે ડોક્ટરને પૂછ્યું તો હસતા હતા. સાયકલિંગ-રનિંગ ક્યારે કરી શકીશ તો જ્યોતિશી જેવો જવાબ આપ્યો એટલે મને ખબર પડીકે હજુ વાર છે. ત્યાં સુધી, સાવધાન રહેજો, સતર્ક રહેજો.
નોંધ: મારા ઓપરેશન પછીના ફોટા મૂકવા જેવા નથી. હજુ વાળ આવવાના બાકી છે અને થોડા ઘણાં આવ્યા છે, એ પણ બીજી સર્જરીમાં ઉડાવી દેવામાં આવશે એ નક્કી છે.















































