ભચાઉ ગામમાં જેનાબહેનના હૈયામાં પણ એ જ વિચારના પડઘા પડતા હોય છે. જેમનાં માબાપને ભૂકંપ ભરખી ગયો છે એવા પોતાનાં ભત્રીજા ને બે ભત્રીજીની સંભાળ અત્યારે તો એ રાખે છે. લશ્કરનાં સૈનિકોએ બાંધી આપેલા પ્રમાણમાં સાફસૂથરા તંબૂમાં એમને રહેઠાણ મળી ગયું છે તે માટે કિસ્મતનો પાસ માને છે. જ્યારે બીજાં કેટલાય તો પોતાના અંધાધૂંધ ગામની ગેમેક્સીન ને ગંડવાડથી ગંધાતી, પાણીની ખાલી કોથળીઓથી છવાયેલી શેરીઓમાં બાવરાં બનીને આથડે છે અને જે કાંઇ રાહત-સામગ્રી મણે તેની ઝૂંટાઝૂંટ કરે છે, પણ આ તંબૂમાંથી નીકળીને કોઇક નિવાસમાં જેનાબહેન જ્યારે જશે ત્યારે, અગાઉ એક છાપરા હેઠળ ટાયર-મરામત કરીને રોટલો રડનાર એમનાં ત્રણ બાળકોનો બાપ કાસમ આ બધાંનો ગુજારો કેમ કરીને કરી શકશે? “કાલનો તો હું વિચાર જ નથી કરતી,” જેનાબહેન કહે છે, “અત્યારે તો પરવરદિગારનો પાડ માનું છું કે અમારે માથે કાંઇક છાપરું તો છે અને છોકરાં ખેતરમાં રમે છે.”
હા, કહે છે કે કાસમનો ભાઇ હાસમ, તેની બીબી નસીમ અને આ ચાર બાળકોનું સુખી કુટુંબ હતું. વાસણની ફેરી કરીને હાસમ ઘર ચલાવતો. એનો ધંધોપણ સારો ચાલતો. પોતાની બચતમાંથી 40,000 રૂ. ચૂકવીને એણે બે ઓરડીનું પાકું ધર હજી બે મહિના પર જ લીધું હતું. આઠ વરસના અસીફ ને છ વરસના નજીરને એ નોશાળે પણ મોકલતો હતો. ધરતીમાતાએ પડખું બદલ્યું તે સવારે છોકરા બેય નિશાળે ગણિતના વર્ગમાં. વર્ગના ઓરડાઓ તૂટી પડતા જોઇને એ ત્યાંથી ભાગી છૂટેલા ને ખુલ્લી પણ થરથરતી જમીન પર લેટી પડેલા. ચાર વરસની નજમા અને બે વરસની શબનમ ઘેર મા પાસે હતી. રોજની જેમ ગામની ફેરી હાસમે હજી માંડ શરૂ કરી હતી, એક શેરીયે તેણે હજી વટાવી નહોતી. ત્યાં ફેરી કાયમ માટે પૂરી થઇ ગઇ.
અસીફ ને તેનો નાનો ભાઇ નિશાળેથી આવ્યા ત્યારે પાડોશીએ મળીને એમની માતાને ભંગાર હેઠળથી હમણાં જ કાઢેલી હતી. અસીફ તેની વાત કરે છે ને એની આંખમાં આંસુ ઊભરાય છે. “એના માથામાંથી ખૂબ લોહી નીકળતું હતું. મેં પૂછયું કે, તને બહુ દુ:ખે છે, અમ્મા? એ માંડ માંડ બોલી કે, લૂગડાનો કટકો લાવીને ઘા પર ઢાંકી દે. બસ પછી એ બોલતી બંધ થઇ ગઇ. કોઇએ મને કહ્યું કે એ મરી ગઇ.”
તે પછી છોકરો પોતાના બાપને ગોતવા લાગ્યો. વાસણની લારી પર પડેલું એનું શરીર મળી આવ્યું, એના માથા ને ગળા ઉપર શિલાઓના ટુકડા પડેલા હતા. રાત પડે છે ને નાના નાના આંચકાઓ તંબૂને ધ્રુજાવે છે ત્યારે એ ચાર અનાથ બાળકો જેના બહેનને જકડીને વળગી પડે છે. રોજ રાતે નજમા રડ્યા કરે છે: ” મારી અમ્માને પાછી લઇ આવો! મને મારી અમ્મા આપો!”

પ્રતિસાદ આપો