સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રૂબલ

સાભાર – જુગલ કિશોર વ્યાસ, અમદાવાદ

રશિયાના નાણાંકીય ચલણ ‘રૂબલ’ની આ વાત નથી. પણ ભારતની શાન વિશ્વભરમાં વધારનાર એક મહિલાની છે. અત્યંત પ્રતિભાશાળી આ રૂબલની યાત્રા કાશ્મીરથી શરૂ થઈને દુબઇ સુધી પહોંચી છે.
આ ‘રૂબલ’ને દુબાઈ ખાતે 6 ફેબ્રુઆરી 2026ના રોજ દસ લાખ ડોલરનું Global Teacher Prize એનાયત થયું છે. યુનેસ્કોની છત્રછાયામાં Varkey Foundation દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિઓને આ પુરસ્કાર એનાયત થાય છે.

ભારતીય સેનાના એક અધિકારીના ઘેર કાશ્મીરના એક નાના ગામમાં, 8 જુલાઈ 1980ના રોજ રૂબલ જન્મી હતી. બાળપણથી જ રૂબલને ચિત્રકામમાં અભિરુચિ હતી.

તેના શિક્ષણકાળની યાત્રાના અંતે તે Political Scienceમાં સ્નાતક થઈ હતી. પણ તેનો પાયાનો લગાવ તો લલિતકળામાં જ હોવાથી તેણે Slade School of Fine Art, Londonમાં ચિત્ર અને શિલ્પકામની તાલીમ મેળવી હતી. પછી તો તેની કલાયાત્રા સતત આગળ ધપતી રહી છે. અંધેરી, મુંબઈમાં તેનો ડિઝાઈન સ્ટુડિયો છે.

‘મિસાલ મુંબઈ’ નામનો, સ્લમ વિસ્તારોના ઘરોને સુશોભિત કરવાનો પ્રોજેક્ટ તેણે શરૂ કર્યો છે, જેના અંતર્ગત 1,55,000 ઘરોને રંગરોગાન અને ચિત્રકામથી સજાવાયાં છે. આ કામની સાથે સાથે શિક્ષણથી વંચિત સ્લમનાં બાળકોનો વિકાસ પણ સાધી શકાયો છે.

શિક્ષણની આ તરાહ સરાહનીય પુરવાર થઈ છે. 2022માં પ્રકાશિત થયેલ પુસ્તક Slum Queenમાં આ પ્રોજેક્ટને લાગતી વાત તેણે કરી છે. તેણે ‘Rouble Nagi Art Foundation’ની સ્થાપના પણ કરી છે, જેના અંતર્ગત 150થી વધારે પ્રદર્શનો યોજાયાં છે. 2017માં દિલ્હીના રાષ્ટ્રપતિ  ભવનમાં આવેલ મ્યુઝિયમમાં પણ તેના ચિત્રને સ્થાન મળ્યું છે.

તેના અંગત જીવન વિશે – 1999માં તેનાં લગ્ન સાહિલ સમ્રાટ સાથે થયાં હતાં અને તેમને વિવાન નામનો એક પુત્ર છે.

સમાપનમાં ….. આપણે સૌ આવાં રત્નોથી ઊજળાં છીએ.

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Rouble_Nagi
https://www.roublenagi.com/
https://www.gujaratimidday.com/news/international-news/article/mumbai-s-rouble-nagi-educator-transforming-slums-now-awarded-nobel-of-teaching-263057

કિલ્લાનું તાળું – એક અવલોકન

જીમના લોકર રૂમમાં આ તાળું જોવા મળ્યું.

આમ તો એનું નામ એ તાળું બનાવનાર કંપનીનો વેચાણ વધારવાનો એક કીમિયો જ ગણાય.

પણ એ તાળું જોઈને મન વિચારે ચઢી ગયું.

જાતજાતના કિલ્લા! એ લોકર પણ જીમમાં કસરત કરું એ દરમિયાન મારી મતા સાચવી રાખવા માટેનો કામચલાઉ કિલ્લો! આપણા જીવનમાં આવા અનેક કિલ્લા હોય છે. આપણું થોડું ઘણું સાચવી રાખવાના નુસખા. એને બહુ કાળજીથી આવાં તાળાં લગાવી જ  રાખવા પડે ને?! અમુક મતા તો એટલી બધી કિંમતી હોય કે, બહુ તોતિંગ, ખંભાતી તાળાં લગાવવા પડે.

     પણ, આપણી માન્યતાઓ અને વિચારો એ બધાથી અનેક ગણી વિશેષ કિંમતી મતા હોય છે! એને બહુ જડબેસલાક રીતે સાચવી રાખવા આપણે અથાગ ઝઝૂમતા હોઈએ છીએ. એ કિલ્લાઓને લગાવેલ તાળાં આગળ ખંભાતી તાળાની શી વિસાત?! એમને જીવની જેમ જાળવવા આપણે જીવ-સટોસટના સંગ્રામો ખેલીએ છીએ.

બે જ  મત
મારો અને ખોટો!

     આપણી નાનકડી દુનિયા આપણને બહુ વહાલી હોય છે. એની બહાર કેટલું વિશાળ અસ્તિત્વ હાજરાહજૂર હોય છે – એ નિહાળવા આપણી પાસે નજર જ નથી હોતી. 

કેવળ કૂપમંડૂકતા.

એટલું જ નહીં – આપણે બનાવેલા એ કિલ્લામાં આપણે જ કેદ થઈ ગયા છીએ!

  કદીક એ કિલ્લાને લગાવેલા તોતીંગ તાળા જરીક ખોલીને બહાર નજર માંડીએ ત્યારે કૂવાના દેડકા જેવી આપણી એ દુનિયાની ક્ષુદ્રતાનો અહેસાસ આપણને ખચિત થઇ જ જાય – બેશક.

   આ લખનારનો જ નહીં; ઘણા બધા વિચારકોનો પણ આવો જ અભિપ્રાય હોય છે. એ તાળાંઓને તોડી, ફોડી – એ કિલ્લાઓને ધરાશાયી કરી આપણે એક અત્યંત વિશાળ દુનિયાને નિહાળવા કટિબદ્ધ થઈએ તો?  માનનીય કવિ શ્રી. માધવ રામાનુજની આ કવિતા ચપટીક આસ્વાદી જુઓ ને…

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું,
અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……


સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.


આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

   આ કાવ્યનો ભાવ આત્મસાત થાય તો, વિશ્વની વિશાળતાનો-એના સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશની અંદર વિલસી  રહેલી સુંદરતાનો અદભૂત અનુભવ  આપણને કદાચ હાથવગો બની જાય.

એમ પણ બને !

નાળિયેર

અને આ પણ !

દેશમાં તો ૫૦ કે ૧૦૦ રૂપિયામાં મળી જાય, પણ અહીં તો ઉપર વાળું ડબલું જ પોસાય !

ઘાસના રોલ

શિયાળો શરૂ થયા બાદ, અહીં ઘાસના આવા રોલ ઠેર ઠેર જોવા મળે છે. ખેતી કરવામાં ન આવતી હોય, તેવી ખુલ્લી જમીનમાં ઉનાળા દરમિયાન ઊગી ગયેલ ઘાસના આવા રોલ બનાવવામાં આવે છે. તેનો શું ઉપયોગ થતો હશે એની ખબર નથી. નેટ પર તપાસ કરતાં એના ઘણા બધા ઉપયોગ જાણવા મળ્યા. પશુઓના ચારા ખોરાક બનાવવામાં, નવું ઘાસ ઉગાડવા, જમીનનું ધોવાણ અટકાવવા વિ. વિ.

સાવ અવાવરુ પડી રહેલી જમીન પણ ઉપજાઉ બની જાય.

પણ એ તો વહેવારિક વાત થઇ. થોડોક ઊંડો વિચાર કરતાં …

પારકા/ પોતીકા

નેટ પરથી ઉપરોક્ત વિચાર મળ્યો. અને મન વિચારે ચઢી ગયું.

કડવી લાગે તેવી પણ સાચી વાત છે ને? રોજ સાથે રહેતાં સ્વજનો જે પીડા રોજે રોજના વ્યવહારમાં દેતાં હોય છે, તે દૂરનાં નથી દેતાં. સામાન્ય માણસના જીવનમાં મોટા ભાગના શત્રુઓ કોઈક કાળે તેનાં મિત્રો હતાં. સાવ અજાણ્યું જણ કદી આપણું દુશ્મન નથી હોતું .

જો કે અન્ય તો લટકતી સલામ આપીને જ વિદાય લેતાં હોય છે ને ?! કશી આત્મીયતા જ નહીં . આત્મીયતા કડવી હોય તો પણ, મીઠી લાગતી હોય છે . નહીં વારુ ?!

પાયાને પાટો

ડોક્ટરની ઓફિસમાં રાહ જોતો બેઠો હતો, ત્યાં આની પર નજર ખેંચાઈ. દરદીનો ઈલાજ તો થાય ત્યારે ખરો, પણ ટેબલનો ઈલાજ થઇ ગયો હતો!

ટેબલને શી રીતે ઈજા થઇ હશે એ તો રામ જાણે; પણ મારો ઈલાજ થઇ જશે – તેની ખાતરી થઇ ગઈ.

ટપક પેટી – એક અવલોકન

પાર્કમાં ઝાડને ટપક પદ્ધતિથી પાણી પહોંચાડવાની આ નવી રીત જોવા મળી. જૂની રીતમાં એક જ પાઈપથી બધા ઝાડને પાણી પીવડાવાતું હતું. અહીં ટપક પદ્ધતિની પાઈપમાંથી થોડીક મિનિટોમાં બધી પેટીઓમાં પાણી ભરાઈ જાય. એની વધુ વિગતમાં ઊતરવાનો અહીં આશય નથી.
મૂળ વાત ટપક પદ્ધતિની કરવાની છે.

પણ જંગલમાં કે ગામના પાધરમાં ઊછરતાં અબજો વૃક્ષોની માવજત કોણ કરે છે? અમૂક વૃક્ષો તો એટલાં તોતિંંગ કે, છેક ઊંચે ઊગતાં પાનને તો થડ પણ જમીનનું પાણી પહોંચાડી ના શકે. એનાં પાન તો હવામાંથી જ ઝાકળ શોષી લે અને જીવતાં રહે,

ઝાડની જ વાત શું કામ? સંસ્કૃત સમાજમાં જીવતાં આપણે માટે જાતજાતની ‘ટપક’ વ્યવસ્થાઓ છે. પણ કુદરતમાં જીવતાં પ્રાણીઓ, પક્ષીઓ, કે જીવ જંતુઓ ના જીવન સંવર્ધન માટે કઈ ટપક પધ્ધતિ હોય છે?

પથ્થર – એક અવલોકન

પાર્કમાં ચાલતાં બાજુમાં આ પથ્થર પડેલો જોવા મળ્યો. આમ તો એ બીજે ક્યાંક રઝળતો હશે. એને પાર્ક સંચાલકોએ અહીં લાવીને મૂક્યો હશે.  એ જે ખડકનો ભાગ હતો તેની ઉપર  માણસે ક્રૂર રીતે  હથિયાર ચલાવ્યાનાં ઘા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એનો આકાર પણ માણસની તલવાર ચાલી હોવાનો પૂરાવો આપે છે. 

ખેર, આપણી એ અવળચંડાઈને બાજુએ મૂકીને એની પર કાળના પ્રવાહનાં સચવાઈ રહેલાં સગડ તરફ નજર કેન્દ્રિત કરીએ. ‘સગડ’ વિશે એક અવલોકન આ રહ્યું….

 નદી કે સરોવરની તળિયે પડેલી રેતીમાં પાણીનાં વલયો  જમણી બાજુમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ડાબી બાજુએ અલગ અલગ રંગની જુદી જુદી ચીજોનાં અવશેષ કે સગડ પણ આપણે જોઈ શકીએ છીએ. એ ચીજો શી હતી – તે તો કોઈ તજજ્ઞ એનો વિગતે અભ્યાસ અને પૃથક્કરણ કરે તો જ ખબર પડે. પણ જરૂર ત્યાં લાખો વર્ષ પહેલાં કાંઈક હતું. 

સગડ વિશે, સમયના વહેણ વિશે અહીં ઘણું બધું વિચાર્યું / લખ્યું છે. પણ આજની વાત આ રહી….

સામાન્ય રીતે, ચાલતાં ચાલતાં આપણી નજર આજુ બાજુની મોટી મોટી ચીજો પર જ જાય – વૃક્ષો, ઘાસ, તળાવ, નદી, પર્વત વિ. પણ નાની નાની, આ પથ્થર જેવી ક્ષુલ્લક ચીજો પર આપણી નજર ભાગ્યે જ જાય.

  પણ એ પથ્થરનો પણ એક ઈતિહાસ હતો – એનું પણ એક જીવન હતું. આ પથ્થર જ શા માટે? જીવનની આપણી સફરમાં રસ્તે આમ ઘણાં અવશેષો – ઘણાં જીવન રઝળતાં, અટવાતાં, ઠેબે ચઢતાં હોય છે. આપણા જીવનની જેમ એમની પણ કશીક વાત હતી – એ આપણી નજરે ભાગ્યે જ ચઢે છે. 

એ પથ્થર કે એની બાજુમાં સરકતી ખિસકોલી કે કોઈ પક્ષી પણ આ ચાલનાર તરફ ભાગ્યે જ નજર માડતું હશે ને? તીસમારખાંઓની નજરે તો આ અવલોનકાર  પણ ઠેબે ચઢી ગયેલો, અટવાતો, ઠેબે ચઢતો પથ્થર જ ને? 

એ તો એમ જ હોય. દરેક અસ્તિત્વ એના પોતાના હોવાપણામાં જ રમમાણ હોય છે ને?

ચાલો, આપણે પણ વધારે પડતા વિચાર વાયુઓનાં વમળમાં અટવાયા વિના આપણાં હોવાપણામાં જ સધ્યાન બનીએ.

ઈશ્વર –  પરિવર્તન 

પરિવર્તન….
મારો પ્રિય વિષય. ઘણું લખ્યું. લખતા જ રહીએ છતાં એના માટેનો વિષય સતત મળ્યા જ કરે! આજે એ અંગેનો આ વિચાર મળી આવ્યો.

કદાચ માણસે  ઈશ્વરની કલ્પના  સતત પરિવર્તનો જોઈને કરી હશે. આ વિચારે તો પરિવર્તનને જ ઈશ્વર બનાવી દીધો!

સગડ – એક અવલોકન

      આગલા દિવસે વરસાદ પડ્યો હતો, એટલે ગઈકાલે પાર્કમાં ચાલતાં આ ત્રણ સગડ (પગેરાં) જોવાં મળ્યાં.

     પહેલી ટ્રેક્ટરના પૈડાંની છાપ તો કોન્ક્રિટના રસ્તા પર પડી હોવાના કારણે જલદી નીકળી જશે. પણ કાદવમાં પડેલાં બીજાં બે પગલાં હવે પછી સૂર્યના તડકામાં સૂકાઈને સચવાઈ રહેશે.

      આમ તો  આ સાવ સામાન્ય ઘટના છે પણ કોણ જાણે કેમ એણે મનમાં વિચારોનાં ટોળેટોળાં ખડાં કરી દીધાં. આપણે સામાન્ય જીવો આવા સગડ અજાણે જ છોડી જતાં હોઈએ છીએ. એની કોઈ યાદ આપણા દિમાગમાં રહેતી નથી. પણ, અમારા ગામથી પચાસેક માઈલ દૂર આવેલા એક સ્થળમાં કરોડો વર્ષ પહેલાં નદીના પટમાં  ચાલેલા ડાયનોસોરના આવા સગડ હજુ આજે પણ જોવા મળે છે.

પ્રચંડ ધરતીકંપોના કારણે તહસ નહસ થઈ ગયેલી ધરતીના પડનાં આવાં દૃશ્યો પણ એવી કુદરતી ઘટનાનાં સગડ છે.

     પણ કોઈક અસામાન્ય વીરલાઓ અને હીરલાઓને પોતાનાં સગડ કાયમી રીતે સચવાઈ રહે તેવા અભરખા હોય છે! દુનિયાને જીતી લેવાના અભરખાવાળા અમૂક તો બીજાંની સલ્તનતો અને મહાલયોને તહસ નહસ કરી ખંડેરમાં ફેરવી લેવામાં ગૌરવ માણે છે. નાલંદાનાં આ ખંડેર એવા જુલમીઓના સગડ છે. 

         ઘણા માંધાતાઓ પોતાના જીવન બાદ પણ લોકો એમને યાદ કરે – એ માટે પોતાની પ્રતિમાઓ જેવાં સગડ છોડી જતા હોય છે. અથવા એમના અવસાન બાદ એમના પ્રશંસકો આવાં શિલ્પ બનાવી એમની યાદ સાચવી રાખે છે. એ પણ સગડ જ ને?!

અવકાશી પદાર્થો અને ઘટનાઓ વર્ણવતું એક પુસ્તક વાંચતાં પ્રચંડ ધડાકાથી નષ્ટ થઈ જતા તારાઓની વાત વાંચવા મળી.

આપણા સૂર્ય કરતાં અનેક ગણા વિશાળ તારાના નષ્ટ થઈ ગયાના આ સગડ!

અમાપ બ્રહ્માંડની  સરખામણીમાં સાવ રજકણ જેવી પૃથ્વી પર રજકણથી પણ નાના એવા આપણા માનવજીવોની ક્ષુદ્રતા પર હસવું કે રડવું?