ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 697,018 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

My English blog
https://sbjexpressions.wordpress.com/
Join 388 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
ગઈ કાલે પાર્કમાં ચાલતાં વોલીબોલ રમવાના આ ક્ષેત્રની તરફ નજર કેન્દ્રિત થઈ. આમ તો ઘણી વખત ત્યાંથી પસાર થયો છું. કદીક ત્યાં ખેલાડીઓ રમતા હોય તો પણ કદી તેને આમ ગંભીરતાથી જોયું ન હતું. કારણ સ્પષ્ટ છે. આવી રમતો તરફ પહેલેથી દુર્લક્ષ છે.
આપણી આ લાઈન નહીં!
પણ કાલે એને જોઈને વિચારોના ઘોડાપૂર ઊમટી આવ્યા.
વોલીબોલની રમતનો એક સૌથી અગત્યનો નિયમ –
બોલ આપણી તરફ ન રહેવો જોઈએ.
See that ball is not in our court.
બીજી પણ ઘણી રમતોમાં આ નિયમ સૌથી અગત્યનો હોય છે . જેમ કે, ટેનીસ, પીન્ગપોન્ગ વિ. જગતમાં ઠેર ઠેર, વિવિધ પીઠિકાઓ પર આવી જ રમત સર્વવ્યાપી છે. રાજકારણ અને ધર્મકારણની રાજરમતોમાં તો ખાસ! બ્લોગર બહેન શ્રીમતિ પ્રવીણા કડકિયાએ એની પર ઘણો બળાપો પ્રદર્શિત કર્યો છે. આ પોસ્ટ વાંચો.
કઈ પીઠિકા વોલીબોલથી વંચિત છે? સમાજોમાં, શિક્ષણના ક્ષેત્રે, કળા અને સાહિત્યના ક્ષેત્રે. ઘરની ચાર દિવાલોમાં પણ આ રમત બહુ પ્રિય હોય છે ! બીજું તો બધું છોડો – આપણા મનની અંદર પણ સતત તુમૂલ યુદ્ધ સતત ચાલી રહ્યું હોય છે. સતત આવી જ બોલિંગ!
દરેક બાબતમાં બે જ બાજુ –
મારી અને ખોટી!
ચાલ મનવા!
નજર એની પરથી હઠાવી
આ સુંદર હરિયાળીના દૃષ્યને જ
માણ્યા કર ને?!
ઘણી વખત આ પાર્કમાં ચાલવા ગયો છું. આવી ઝાડીઓ, આવું સુંદર ઝરણું અને આવું લીલું છમ્મ ઘાસ ……



મારી જેમ ઘણા લોકો અહીં ચાલવા આવે છે ; પ્રકૃતિનો આનંદ માણે છે; શુદ્ધ હવાની લહેજત લે છે; આરોગ્યમાં અભિવૃદ્ધિ કરે છે.
પણ પાંચ છ સદી પહેલાં અહીં કેવળ પ્રેરી ઘાસનાં મેદાનો હતાં. કદાચ આવાં ….
અને મન એ જમાનામાં સ્વૈર વિહાર કરવા લલચાયું. અહીં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હતી. હજારો બાઇસનોનાં ટોળે ટોળાં અહીં મુક્ત મને મ્હાલતાં હતાં. બાઈસનના શિકારની આ વાત પણ યાદ આવી ગઈ.
લેવિસ અને ક્લાર્ક જ્યારે આવી કોઈ જગ્યાએથી પ્રસાર થયા હશે; ત્યારે અહીં કોન્ક્રિટની તો શું – સાદી કેડી પણ નહીં હોય. ઝાડીઓ કાપીને તેમણે આગળ ધપવાનો રસ્તો બનાવવો પડ્યો હશે.
એમણે શોધી કાઢેલા રસ્તા પરથી, જીવનમાં સમૃદ્ધિ પામવા હજારો અમેરિકનોએ પૂર્વમાંથી પશ્ચિમ તરફ હિજરત કરી હશે!
ઓરેગન ટ્રેલ પણ યાદ આવી ગયો.
કેવો એ જમાનો હશે? એ કાળમાં હજારો માઈલ સુધી પ્રેરીનાં મેદાનો હતાં. ક્યાંક ક્યાંક આવી ઝાડીઓ, ઝરણાં અને નદીઓ હતાં. નેટિવ અમેરિકનો પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જીવતાં હતાં.
રોમે રોમ ઝણઝણી ઊઠ્યાં.
પણ અમેરિકન વસાહતીઓએ એ પ્ર્કૃતિનો ધ્વંસ કરી સંસ્કૃતિ વિકસાવી. અમારા જેવા ડાયોસ્પોરાએ જીવનની નવી તકો માટે ઝઝૂમ્યા અને આર્થિક રીતે સમૃદ્ધ થયા.
પણ એ જમાનાના જીવનમાં
જે સુખ હતું –
તે અત્યારે છે ખરું?
હવે તો…..
એ મરી ગયેલા જીવનની કબર પર આવાં સ્મૃતિ ચિહ્નો જ બાકી રહ્યાં ને?
હવે તો આવા વિડિયો જોઈને જ મન મનાવવું રહ્યું.
ખેર….
જે છે તે આ છે !
થોડાક દિવસ પહેલાં જિમમાં કસરત કરતો હતો, તે વખતે મારી બાજુમાં એક ભાઈ આવ્યા અને કસરત કરવા લાગ્યા. તરત જ મારી નજર એમના પગ તરફ ખેંચાઈ. બાજુમાં તેમની વ્હીલ-ચેર પણ હતી જ ને.
તેમના ચહેરા પર વિષાદ કે હતાશાની કોઈ લાગણી ન હતી. વિગતે વાત કરતાં ખબર પડી કે, તે રમતવીર હતા અને થોડાંક વર્ષ પહેલાં ફૂટ્બોલની રમત રમતાં પગને ઈજા થઈ હતી. એ ઘા રૂઝાવામાં ઘણી વાર થઈ અને ઘુંટણ નીચેનો પગ કપાવી નાંખવો પડ્યો. પણ બેસી રહે તેવો એ જીવ ન હતો. ભલે વ્હીલ ચેર વાપરવી પડે; કસરત શેં છોડાય? દરરોજ જિમમાં આવવાનું જ અને આમ કસરત કરવાની જ.
આ જિંદાદિલી અને લગાવ માટે મેં તેમનું અભિવાદન કર્યું.
તે ભાઈ પણ બહુ ખુશ થઈ ગયા.
આવી જ પ્રેરણાદાયક વાત વલસાડના પરેશ ભાનુશાળીની છે.
જન્મથી જ સાવ નબળા અને ટૂંકા હાથ સાથે જન્મેલ પરેશ માટે ‘કોઈ ભવિષ્ય નથી’ – એમ એના માવતરને ખાતરી હતી. કોઈ શાળા તેને દાખલ કરવા તૈયાર ન હતી. પણ તેની માતાએ ધીરજ ગુમાવ્યા વિના તેને શરૂઆતમાં ઘેર જ શિક્ષણ આપ્યું. તે શિક્ષણના પ્રતાપે તેને એક શાળામાં પ્રવેશ મળ્યો અને અનેક મુશ્કેલીઓ છતાં તે ફાર્મસીનો સ્નાતક બની શક્યો. હવે તો તે વલસાડમાં દવાની દુકાન ચલાવે છે. તેનું લગ્ન પણ થઈ શક્યું છે, અને તે એક બાળકીનો પિતા પણ છે. કુટુંબમાંથી તેને મળેલ અભૂતપૂર્વ પ્રોત્સાહનના પ્રતાપે તેણે જિંદગી સફળ બનાવી છે.
એના જીવન પરથી એક ફિલ્મ પણ બની છે – सिफर – शून्यसे शिखर तक.
આપણને નાની નાની હરકતો માટે ઘણી બધી ફરિયાદો હોય છે. બીજાઓ માટે તો ખાસ! સાવ ક્ષુલ્લક બાબતો માટે જીવ ખાટો થઈ જતો હોય છે. આપણને કુદરતે જે અમૂલ્ય ભેટો આપેલી છે – એ આપણા દિમાગ પર ભાગ્યે જ નજરે ચઢે છે. પણ પણ કાંઈક ન હોય ત્યારે કદાચ આપણને આ બે દાખલાઓ પરથી એનું મૂલ્ય સમજાય.
બીજા લોકોના સબબે પણ, એમના ગુણ કે સારી બાબતો તરફ આપણે ભાગ્યે જ નજર કરતા હોઈએ છીએ. એમની હરકતો અને ખામીઓ જ આપણને મોટા પહાડ જેવી લાગતી હોય છે. આપણે એ બધાંનો ઢોલ સતત પીટતા રહીએ છીએ.
‘ખમીસ’ શિર્ષક વાળી વાત પણ યાદ આવી ગઈ. આ રહી.
જીવન જીવવાની આપણી આવી રીતમાં બદલાવ જરૂરી નથી લાગતો?
ચાલો,
આમ જિંદાદીલીથી
જીવવાની શરૂઆત કરીએ.
લયલા – મજનૂ , શિરીન – ફરહાદ કે સોહિની મહિવાલ અથવા એમના જેવા કોઈ અમર પ્રેમીઓની આ વાત નથી. અરે! કોઈ માનવ યુગલ કે બે જિગરજાન દોસ્તની પણ આ વાત નથી. સાવ અનોખી જોડી! આ જોઈ લો, એમનો અનોખો નજારો.
‘ઓવન‘ નામે હિપોપોટેમસનું એક વર્ષની ઉમરનું બચ્ચું
અને ‘મઝી‘ નામે, ૧૩૦ વર્ષની ઉમરનો મહાકાય કાચબો!
હવે માંડીને એમના અદ્દભુત લગાવની વાત કરીએ.
ઓવન એના જન્મ વખતે કેન્યાની સબાકી નદીમાં બીજા વીસેક જેટલા હિપ્પોના ટોળામાં એની માની સાથે રહેતો હતો. એ એક વર્ષનો હતો, ત્યારે સખત વરસાદના કારણે સબાકી નદીમાં ઘોડાપૂર આવ્યું અને બધા જળઘોડા એમાં તણાઈને દરિયાકિનારે પહોંચી ગયા. ત્યાં ઘણી બધી વનરાજી અને ઘાસનાં મેદાન હતાં અને એમના મૂળ વતન કરતાં ચારો બહ સહેલાઈથી મળી જતો હતો. વળી નદીના પ્રવાહની સામે તરીને મૂળ વતન જવાનું કામ બહુ મુશ્કેલ હતું. આથી આ ટોળું દરિયા કિનારે આવેલા મલિન્ડી ગામમાં જ રોકાઈ ગયું. ગામની વસ્તી માટે એ બધા શિર-દર્દ જેવા બની ગયા. એમને પાછા હાંકવાના બધા પ્રયત્નો નાકામિયાબ રહ્યા. આથી ગ્રામવાસીઓએ આ મહાકાય રંજાડને મને કમને સ્વીકારી લીધી.
૨૬ ડિસેમ્બર – ૨૦૦૪ ના દિવસે એક પ્રચંડ ત્સુનામી આ દરિયાકિનારે ખાબકી. બધા હિપ્પો એમાં તણાઈને મરણ શરણ થયા. પણ આ બચ્ચું નજીકના એક ટાપુ પર તણાઈને બચી ગયું. ગામ લોકોને ખબર પડતાં ‘ઓવન’ નામના સાહસિક નાવિકની સરદારી નીચે ગ્રામજનો એને કિનારે લાવવામાં સફળ થયા. આના કારણે જ એનું નામ પણ ‘ઓવન’ પડી ગયું!
‘કોઈ પ્રાણી સંગ્રહાલય એને સ્વીકારી લે.’ એવા એલાન બાદ મોમ્બાસા શહેરની નજીક આવેલા ‘હોલર પાર્ક’ નામના જંગલી પ્રાણીઓનું સંવર્ધન કરતી સંસ્થાની ડિરેક્ટર ડો. પોલા કહુમ્બુએ આ બીડું ઝડપ્યું. બહુ મુશ્કેલીથી ઓવનને ટ્રકમાં ચઢાવી પાર્કમાં તબદીલ કરવામાં પોલાને સફળતા મળી.
પોતાના ટોળાથી અને ખાસ તો પોતાની માથી વિખૂટા પડવાના કારણે અને આ સ્થળાંતરમાં પડેલી હાલાકીઓના સબબે ત્રસ્ત બનેલો ઓવન ટ્ર્કમાંથી ઊતરતાં જ, ભાગી જવાના પ્રયત્નોમાં દૂર ચરી રહેલા એક મહાકાય કાચબા પાસે પહોંચી ગયો. એને રંજાડનાર માણસો કરતાં કદાચ એને આ કાચબો એની મા જેવો વ્હાલો લાગ્યો હશે!
‘મઝી’ નામનો એ કાચબો આમ તો એકાકી જીવન જીવતો હતો. એને આ નવી બલા ન જ ગમે. પણ ઓવન જેનું નામ! એ તો મઝીને છોડી બીજે ક્યાં ય જવા માંગતો ન હતો. એક રાત અને મઝીએ ધીમે ધીમે ઓવનની સોબત સ્વીકારી લીધી. બસ, એ ઘડી અને આ બન્નેની અનોખી જોડી દિવસ રાત સાથે રહેવા લાગી.
ધીમે ધીમે આ અનોખી જોડીની વાત હોલર પાર્કની બહાર પહોંચી ગઈ. મોમ્બાસાના સ્થાનિક અખબારમાં એમની છબી સાથેના સમાચાર છપાતાં, બહુ થોડા વખતમાં આ ખબર વિશ્વ વ્યાપી બની ગઈ. હવે, હોલર પાર્કમાં મૂલાકાતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધવા માંડી.
આ મિત્રતા આશરે બે એક વર્ષ કાયમ રહી. પછી તો પાર્કમાં રહેતા બીજા હિપ્પોના ટોળામાં ઓવન ભળી ગયો અને મઝી ફરી પાછો એની એકલવાયી જિંદગીમાં ગરકી ગયો.
પણ …
‘પ્રેમની લાગણી
કેવી બળૂકી, વૈશ્વિક અને મહાન હોય છે?’
એનું એક અનોખું આખ્યાન
આ જોડીએ સુવર્ણાક્ષરે લખી દીધું.
સંદર્ભ –
પોલિસ શબ્દ સાંભળીએ એટલે મોટા ભાગે નફરત કે અવજ્ઞા જ પેદા થાય. પણ કાલે પોલિસ માટે સન્માન ઉપજે તેવો એક સુખદ અનુભવ થયો.
ગઈ કાલે સવારના જમણ પછી, દસ માઈલ દૂર આવેલા મારા દીકરાના ઘેર એક કામ સબબે નીકળ્યો હતો. ગાડી માંડ હાઈવે પર ચઢી હશે અને પૈડાનો અવાજ બદલાઈ ગયો. થોડીક સાવધાની રાખી હોત અને પછીના એક્ઝિટ પરથી ગાડી પાછી વાળી હોત, તો આ વાત આગળ ન વધત. પણ એ થોડીક બેકાળજીના પ્રતાપે, માંડ પાંચેક મિનિટ થઈ હશે અને પાછળનું ટાયર ફસકી ગયું. માંડ ગાડી ઊભી રહી શકે, તેટલા પહોળા શોલ્ડર પર ગાડી પાર્ક કરવી પડી.
પેડું બદલી શકું એવી મારી શારીરિક ક્ષમતા તો દસકાથી વિદાય લઈ ચૂકી છે. આથી મદદ માટે દીકરીને ફોન કર્યો. એ વ્યવસ્થા કરવાની ગડમથલમાં હતી; એટલામાં જ ઝબકારા મારતી પોલિસની ગાડી મારી ગાડીની પાછળ આવીને ઊભી રહી ગઈ. સ્વાભાવિક જ મનમાં જૂનો ભય સવાર થઈ ગયો. વળી પાછી આ બીજી મોંકાણ?
પોલિસ તો મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો. મને પૈડું બદલીને ગાડી ચાલુ કરવા આદેશ આપ્યો. મેં તેને મારી મુશ્કેલી સમજાવી. પોલિસ તો એની ગાડી તરફ પાછો ગયો. મને એમ કે, તે મને ટિકિટ આપવાની તૈયારી કરવા ગયો હશે. આ દરમિયાન દીકરી સાથે વાતચીત ચાલુ જ હતી. થોડી વારે મારી નજર રસ્તા તરફ ગઈ. અહો! આશ્ચર્યમ! પોલિસ પાછલું પૈડું કાઢવાની તૈયારી કરી રહ્યો હતો!
મેં તરત પાછળથી સ્પેર પૈડું કાઢીને તેને આપ્યું. માંડ દસેક મિનિટ થઈ હશે, અને મારી ગાડી દોડવા માટે સક્ષમ બની ગઈ. મેં એ સજ્જન પોલિસનો દિલી આભાર માન્યો.
You are my saviour.
અને મારી ગાડી ફરી પૂરપાટ હાઈવે પર દોડવા લાગી.
વાચકને થશે કે, આ તો અમેરિકાની વાત. દેશમાં તો આવું સાવ અસંભવ. લો! ત્યારે અમદાવાદમાં પોલિસે મને ચા પીવડાવી હતી, તે વાત પણ માણી લો!
નવેમ્બર 2003- અમદાવાદ
હું સ્કુટર ઉપર સવાર થઈને ડ્રાઈવ-ઈન વિસ્તાર તરફ જઈ રહ્યો છું. મારું ધ્યાન મારા એક જૂના અને પ્રિય મિત્ર સાથે ગાળેલા યાદગાર સમયની સ્મૃતિઓમાં ખોવાયેલું છે. જુવાનીના એ બિન્ધાસ્ત દિવસો, એ જુસ્સાભરેલી વાતો, એ ઉત્સાહ અને એ નિર્દોષતાનાં સંસ્મરણો ઊભરી રહ્યાં છે. એ મિત્રને આજે ઘણા વરસ પછી મળાશે; એ આનંદ ચિત્તમાં ઉભરી રહ્યો છે. અને ત્યાં જ એક કર્કશ સિસોટી, વાદળોમાંના એ મધુર સપનાંઓ અને સ્વૈરવિહારમાંથી મને અમદાવાદના ડામરના રસ્તાની કાળીડીબાંગ સપાટી પર ખાબકી દે છે.
હવે ભાન થાય છે કે, લાલ સિગ્નલમાં સ્કુટર હંકારી જવાનો અક્ષમ્ય ગુનો હું આચરી બેઠો છું. એ દિવાસ્વપ્નની શું કિમ્મત મારે ચૂકવવી પડશે તેનો અમદાવાદી હિસાબ હવે શરુ થઈ જાય છે! ખાખી પાટલુન અને સફેદ ખમીસ પહેરેલો, એ અમદાવાદી ઠોલો (કે મફતલાલ?) દૃષ્ટિગોચર થાય છે. એ મને રસ્તાની બાજુએ દોરી જાય છે.
સ્કુટર બંધ કરી, હું હવે આવી પડનાર વિપત્તિ માટે પૂર્વતૈયારીઓ કરવા લાગું છું. અમદાવાદની ધરતી ઉપર ઘણા વખત બાદ કરેલ આ ગુના માટે મને મારી જાત ઉપર નફરત પણ પેદા થવા માંડે છે. ‘અમેરિકામાં ત્રણ વરસ રહેવાથી પેદા થયેલી શિસ્તભાવના આટલી ઝડપથી, અમદાવાદી માહોલમાં હું ગુમાવી બેઠો’ – એ માટેનો પશ્ચાત્તાપ પણ ઉભરી આવે છે.
મફતલાલ ડ્રાઈવિન્ગ લાયસન્સ માંગે છે. હું પાટલુનના ડાબા ખિસ્સામાં હાથ નાંખું છું- અને મને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે કે, હું તે ઘેર ભૂલી ગયો છું. મારા હાવભાવ પરથી જ, તેને આ બીજી વાસ્તવિકતાની તરત ખબર પડી જાય છે. મારા મ્લાન વદન ઉપર શિયાળાની એ ઠંડીમાં પણ પસીનો પથરાવા માંડે છે. આ બે અક્ષમ્ય ગુનાઓ માટેની મારી લાચારી સ્વયંસંચાલિત રીતે ઊભરવા માંડે છે. એની વધારાની શી કિમ્મત ચૂકવવી પડશે તેનો અંદાજ લગાવવાના વહેવારુ પ્રયત્નો મારા મનમાં શરુ થઈ જાય છે. ‘હવે શી રીતે આવી પડેલી આ આપત્તિને પહોંચી વળવું?’ – એના વિચારમાં જૂની અમદાવાદી આદત પ્રમાણે સસ્તામાં ‘પતાવટ’ કરવી કે કેમ તે વિકલ્પ પહેલો જ ધ્યાનમાં આવે છે. પણ અમેરિકામાં થયેલા આવા અનુભવથી જાગેલા નવા સંસ્કાર મને એવી પતાવટ કરવામાંથી ખાળે છે.
મારો ગુનો કબુલ કરી હું તેને તેને મારી મજબુરી સમજાવું છું. સાથે મફતલાલજીને નજીકની ચાની કીટલીની રેંકડી પર ચા પીવા આમંત્રું પણ છું; તે કશું બોલ્યા ચાલ્યા વગર મારી સાથે આવે છે. હું ‘કટિંગ’ નહીં પણ, બે આખી ચાનો ઓર્ડર આપું છું. સ્વાભાવિક રીતે મારો હાથ હવે જમણા ખિસાને ફંફોસે છે. અને ત્રીજા સત્યનું રહસ્યોદ્ઘાટન થાય છે કે, હું પૈસાનું પાકિટ પણ ઘેર ભૂલી ગયો છું. ચાલાક મફતલાલને કોઈ કથન વિના આની જાણ પણ થઈ જાય છે. હું ચાનો ઓર્ડર રદ કરવા રેંકડીવાળાને વિનંતી કરું છું.
અને કદી ન બની હોય તેવી ઘટના બને છે, મફતલાલ એને વારે છે. રદ કરેલા ચા બનાવવાના ઓર્ડરને સુધારીને ‘બે કટિંગ બનાવજે’ એમ સૂચના આપે છે. હું વિસ્ફારિત નેત્રે, ‘સ્વપ્નમાં તો નથી ને?’ અથવા ‘ આ ન માની શકાય એવી આ ઘટના સાચી છે કે જૂઠી? ‘ – તેની ખાતરી કરવા મારા પગને ચીમટો ભરી લઉં છું. હસીને મફતલાલ મને કહે છે,” આજે મારા તરફથી ચા પી લો.” હવે અમારી વચ્ચે એક નવા સંબંધની શરુઆત થાય છે. ચાના ઘૂંટડા ગળાની નીચે ઊતારતાં અમે ઘણી બધી વાતો પર ચઢી જઈએ છીએ. એ પણ મારી જેમ શેરો શાયરીનો શોખીન છે.
ચાનો એ મધમીઠો પેગ પૂરો થાય છે. હું એને પુછું છું,” સાહેબ! હવે મારે શું કરવાનું? કઈ કોર્ટમાં ક્યારે હાજર થવાનું? “ એ સજ્જન પોલિસ હાથ હલાવી મને જતો કરે છે. ભવિષ્યમાં સતેજ રહેવાની અને થોડા ઓછા ભુલકણા થવાની સલાહ આપે છે; અને અમે છૂટા પડીએ છીએ.
‘પૂણ્ય પરવાર્યું નથી’ એની મને પ્રતીતિ થઈ જાય છે. ‘આમ પણ બને. ’ એવી મીઠી મુંઝવણ સાથે આ અનન્ય અનુભવ મારા એ જૂના મિત્ર સાથે વાગોળવા હું સ્કુટર ચાલુ કરવા બટન દબાવું છું.
એ સજ્જન પોલિસમેન ઠોલો
કે
હું?
એવા આંતરદર્શનની પણ શરુઆત થઈ ગયેલી છે. પણ એ મનન અને ચિંતનને બ્રેક મારી, બીજા ટ્રાફિક સિગ્નલ આગળ આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટેની સતર્કતાનું એક્સલરેટર દબાવી; હું મિત્રના ઘર તરફ સભાનતા અને પરિતોષની લાગણીઓથી સભર બનીને પ્રયાણ આદરું છું.
જે રીતે ગલ્ફ દેશોમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે – એને માટે આખું વિશ્વ, દરેક જણ ચિંતિત છે. જીવમાં ઊચાટ છે.
ફરીથી લાકડાં અને ચૂલો?
આમ જાત જાતના, કદી ન ઉપજ્યા હોય, તેવા ભય માણસને સતાવી રહ્યાં છે. આ ચંત્યાનું પરમ મિત્ર ડો. અનલ ભટ્ટે રેખાંકન કર્યું છે.
********
આ ચિત્રો સુંદર નથી.
ભયાવહ છે.
આવનાર કાળા ડિબાંગ ભાવિના
ડરામણા એંધાણ છે.
કદાચ એમ બને કે, યુદ્ધ સંકેલાઈ જાય. પણ ધરતીમાના પેટાળમાં તેલ અને ગેસના ભંડાર અખૂટ તો નથી, નથી અને નથી જ. થોડાંક જ દસકા અને ‘મા’ વસૂકી જવાની છે, છે અને છે જ. એ ભાવિની કાળઝાળ, ડરામણી, ભીષણ કલ્પના અહીં કરી હતી. અમેરીકન હાઈવે
ખેર…. આજે તો થોડાક જંપીને મન મનાવી લઈએ – બીજો વિકલ્પ પણ શો છે?
એક આડવાત…
અનલ ભાઈએ કરેલી ‘કોન ટિકી’ ની કલ્પના ગમી ગઈ. એ વિશે અહીં કશું જ નહીં. બહુ લાંબી અને રસ પડી જાય એવી એ સત્યકથા છે. જે વાચકને એ વિશે જાણ ન હોય, તેમને માટે આ માહિતી-
Kon-Tiki expedition

એ સાહસ ભરી યાત્રા જરૂર વાંચજો. એનો એક વિડિયો આ રહ્યો –
કેફ
મસ્તી
નશો
વળગણ….
રઈશ મણિયારની આ અદભૂત ગઝલ વાંચી અને આ ‘શરાબી’ ઝૂમી ઊઠ્યો. કોઈ રસદર્શન કે, અર્થઘટનની જરૂર છે ખરી? જીવવાની ચાવી કે, જડીબુટ્ટી મળી ગઈ હોય, તેને માટે તો એકે એક વિચાર પરમ આનંદ અને શાંતેનો અહેસાસ કરાવી જાય છે. કશું ખાસ લખવાની જરૂર નથી.
પણ, મનમાં ઊઠતા વિચાર-તરંગો શમી જાય અને શાંતિ, શીતળતા અને આનંદ હર ક્ષણને મહેકાવતાં રહે, એ માટે આવો સુભગ સંકેત આત્મસાત બની રહો !
‘એ’ ને જોવા સ્થિરતા પહેલી શરત
ચંદ્રને ચંચળ જળાશયમાં ન શોધ.
સ્વિમીંગ પુલમાં તરવા જેટલી તાકાત તો આ બુઢ્ઢા, દમિયલ ખોળિયામાં નથી. પણ ચાર લેપ ચાલવાનો મહાવરો જરૂર રાખ્યો છે. ચોખ્ખાઈની ચિવટ માટે પડી ગયેલી ટેવના સબબે, પુલની ફર્શ પર કશુંક પડ્યું હોય તો તેને પગથી ધક્કો મારી, ઉપર લાવી, ઊઠાવી લેવાની આદત પણ પડી ગઈ છે.
એક નાનકડા સંતોષનું ક્ષણિક સુખ.
પણ આજે એક ચળકતો, સોનેરી રંગનો સિક્કો દેખાયો. એ ભારેખમ માલ- થોડો જ અન્ય કચરાની જેમ ઉપર તરી આવે? ડુબકી મારીને તેને ઝડપી લેવા પણ કોશિશ કરી. પણ શ્વાસ રોકી રાખવાની ક્ષમતા હવે થોડીજ રહી છે? બેચાર વાર આમ થયું અને આ પ્રયત્ન છોડી દેવો જ પડશે – એમ લાગ્યું. પણ આ ગુજરાતી જીવ સોનેરી સિક્કાને એમને એમ થોડો જ જતો કરે?! હવે પગથી ધક્કો મારી પુલની ફર્શની છીછરી સપાટી સુધી ધકેલી જવાનો પ્રયત્ન શરૂ થયો. એ અમીરી જણ થોડો જ નાનકડા ધક્કાથી જોજન દૂર ખસે?! માંડ એકાદ ફૂટ દૂર જઈ એ તો પાછો તળિયે બેસી જાય.
દસેક ધક્કા પછી, આ પ્રયત્ન પણ છોડી દેવો પડશે – એમ હાયકારો થઈ ગયો! પણ સ્વભાવગત લાલચ અને ખાંખત ફરી ફરીને ઉજાગર થવા લાગ્યાં. ખાસી દસેક મિનિટના ઉધામા પછી, પુલના છેક છેવટના ભાગ સુધી તો એ અમીરને ધકેલી દીધા! હવે તો કામ પતી જશે, એમ લાગ્યું. પણ ફરી પાછી ડૂબકી મારવાની અશક્તિ. હવે પગના પંજાથી એને ઊભી દિવાલ પર સરકાવી, પકડી શકાય એટલી ઊંચાઈ સુધી લાવવાનું અભિયાન ચાલુ કર્યું! એમાંય વળી એની એ જ મોંકાણ. એ તો ચંચળ જીવ. ફરી ફરીને પાછા તળિયે સરકી જાય. આવી મહામૂલી મિલ્કત સરી જાય – એ તો કેમ પોસાય?! જાતજાતના પેંતરા કર્યે જ રાખ્યા.
છેવટે અથાક પરિશ્રમના પ્રતાપે એ જણને એક પગથિયું ઉપર બઢતી આપવામાં સફળતા મળી. પણ એટલે સુધી પણ ડૂબકી શી રીતે મારવી? ફરી પાછી એ જ પગના પંજાની મથામણ – અને એ અમીરને એક વધારે ઊંચા સ્તર સુધી લાવી શકાયો! આ મહાન સાહસના અંતે એ ચમકદાર, દમકદાર સોનેરી સિક્કો ચડ્ડીના ખિસામાં પહોંચી ગયો.
લે! કર વાત. આ સોના મહોર થોડી જ હતી? મોલમાં, બાળકોને વિડિયો ગેમ કે કોઈન મશીનમાં રમાડવા માટેનો આ તો મામૂલી સિક્કો. આવા ઘણા બધા સિક્કા આપીએ તો માંડ એક ડોલર મળે!
આવી મજા પહેલાં પણ માણી હતી. ૧૦ સેન્ટના સિક્કાની અમૂલ્ય સંપદા પ્રાપ્ત થઈ હતી! પણ, બહુ સંપત્તિવાન બની જવાનો ઈરાદો થોડો જ હતો?
મસ મજાની, મનભાવન રમત માત્ર જ.
આ નવરા જણની એ રમતની વાત તો પતી ગઈ. હવે અવલોકન કાળ. આમ તો આ ટાઈમ-પાસ રમત અને લખાણ લાગે. પણ, જરાક ઊંડાણથી વિચાર દોહન કરીએ તો થોડાંક સત્યો ઊભરી આવે છે.
આપણી જીવન-રીત survival માટેની કુદરતી વ્યવસ્થા કરતાં બહુ આગળ નીકળી ગઈ નથી? સંપત્તિ એકઠી કરવાનો ધખારો જ્યારથી શરૂ થયો, ત્યારથી આપણી જઠર ખોરાક માટે જરૂરી કદ કરતાં ઘણી મોટી બની ગઈ છે. અલબત્ત એ કારણે કોઈ પ્રાણીને ન હોય એટલું મોટું પેટ અને એના કારણે આકાર લેતાં દર્દો આપણે જાતે વહોરી લીધાં છે! માત્ર જઠર જ કેમ? તિજોરીઓ, બેન્ક એકાઉન્ટો અને બીજાં ઘણાં પણ ખરાં જ ને?
આ રમત રમનારનો આશય એ ન હતો.
કેવળ મોજ જ મોજ.
આખું આયખું આવી સામાન્ય રસમમાં જીવ્યા બાદ, એ સત્ય સમજાયું છે કે, જીવનનું પાયાનું ધ્યેય – ‘સુખની શોધ’ – ચીલાચાલુ રસમથી બહુ વેગળું જતું રહ્યું છે. એ ભ્રમ ‘જીવન એક રમત છે.‘ એવો ભાવ સેવતા રહેવાથી દૂર થઈ શકે છે. કદાચ સો ડોલર મળ્યા હોત, તો પણ આ આનંદ ઉપલબ્ધ ન થયો હોત. આ ભાવ સદા જાગૃત રહે તે માટે, એ રમત રમવાનો સિક્કો અને એ દસ સેન્ટ ‘સદવિચાર’ ની જેમ આ અવલોકનકારે એના ટેબલની બાજુમાં સાચવી રાખ્યાં છે. આ રહ્યાં ….
બીજી વાત એ પણ ઊભરી આવે છે કે, નિષ્ફળતાથી ડગ્યા વિના પ્રયત્ન સતત જારી રહે, તો મોટા ભાગે ધ્યેયસિદ્ધિ શક્ય બનતી હોય છે. એ આનંદનો અનુભવ કોને નહીં થયો હોય?
ત્રીજી વાત…. સિક્કાને ફર્શ પર સરકાવવા કરતાં પગથિયાની દિવાલ પર ઉપર ચઢાવવાનું કામ બહુ જ કપરું હતું. જીવનમાં પણ ઉપર જવાનું આમ જ બહુ કઠણ નથી હોતું?
છેલ્લે….
આખી ય આ વાત સ્વચ્છતા માટેના આગ્રહના સબબે ઉપજી. જીવનમાં પણ એ આગ્રહ રાખીએ તો ભલે કોઈ સિક્કો, સરપાવ કે બદલો ન મળે. પણ સામાજિક શિસ્તની ભાવના વધારે અને વધારે લોકો અપનાવતા થાય તો પર્યાવરણ કેટલું સુંદર બની રહે?
અસ્તુ.
ईदं अनेन।
બધું કામ પૂર્ણ કરી, હાથ-મોં ધોઈ અમે આનંદભેર કાર્યક્રમમાં ભળવા જતા હતા ત્યારે મેં સૌનો આભાર માન્યો, તો બધા એક સામટું બોલી ઉઠ્યા, ‘સાહેબ, એમાં આભાર શું હોય ? આપણે શિબિરમાં શીખ્યા હતા ને કે સમાજકાર્ય એ તો આપણો ધર્મ છે, આ તો આપણી જ કૉલેજ જ છે, એને સાફ રાખવી તો આપણો ધર્મ જ કહેવાય ને!’
કોલેજનું પરિસર ચોખ્ખું થયું એનો તો આનંદ હતો જ પણ એથીયે વધુ આનંદ હતો વિદ્યાર્થીઓનું અંતર ઊજળું થયું એનો !
રમજાન હસણિયા
સફાઈ અભિયાનની આ પ્રેરક અને આવકારદાયક વાત ‘ ઓપિનિયન’ પર વાંચી અને આનંદ આનંદ થઈ ગયો.
બહુ મોટી મોટી વાતો નહીં. બસ, નાનકડું પાયાનું કામ. કદાચ દેશમાં આવા પાયાના કામોની વધારે જરૂર નથી લાગતી? આવું જ એક અભિયાન બ્લોગર મિત્ર શ્રી. જુગલકિશોર વ્યાસે એમના કાર્ય કાળ દરમિયાન આદર્યું હતું. તેમના જ શબ્દોમાં ….
૧૯૫૬-‘૫૭ આસપાસ જૂનાગઢ પાસેની શાપુર લોકશાળામાં માધ્યમિક (નઈ તાલીમ)માં મારું ભણતર ચાલુ હતું.
તાલીમના ભાગરૂપે જ વિદ્યાવિસ્તાર કાર્યના નેજા નીચે બાજુના ગામ વાડલામાં સાવરણા, ટોપલા, પાવડા વ. લઈને અમે ગ્રામસફાઈ કરવા જતા. આખું ગામ અને પાદર સુધ્ધાં વાળીચોળીને અમે સાફ કરતા. કેટલાંક ઘરોમાંથી તો ઘરનો કચરો પ્રસાદરૂપે બહેનો ફેંકતાં.
આ તાલીમે અમને મોટાભાગનાને જીવનભરની કેટલીય સારી ટેવો આપી છે. શરીરશ્રમ અને સ્વાવલંબન જેવી બાબતો આજીવન રહી. આ બધાં કામો શ્વાસની જેમ જોડાએલાં છે, કરીએ તો.
એ ગામ – વાડલા પછી તો તાલુકામાં બે વાર આદર્શગામ જાહેર થએલું.
સાભાર – શ્રી. નિરંજન મહેતા
દરરોજની માફક આજે પણ એ જ ટાઈમ હતો. દરરોજ ઓફિસે થી લગભગ સાડા સાત આઠ દરમિયાન ત્યાંથી પસાર થવાનું બનતું. બરાબર આ સમયે કેટલાક શ્રમજીવીના બાળકો રસ્તા માં આવતા એક નાના એવા પ્લોટમાં રમતાં.ત્યા એક મોટી ઈમારત બંધાતી હતી. ત્યાં કામ કરતા શ્રમજીવીના બાળકો નિયમિત રીતે ગાડી ગાડી રમતાં. પહેલો છોકરો એન્જિન બનતો. તેનું શર્ટ પકડીને બાકીનાં બધાં ગાડીના ડબ્બા બનતાં અને ગાડી ગાડી રમતાં. ગાડી ચાલી છૂક.. છૂક.. છૂક…!
આજુબાજુ રેતી, કપચી, ઈંટો પડેલી હતી છતાં બાળકો માર્ગ કાઢીને રમત રમી લેતાં હતાં.
મારો એ રોજનો રસ્તો. હું જોતો કે એન્જિન અને ડબ્બા બદલાતાં રહેતાં. દરેકને એન્જિન થવું ગમે. પરંતુ એક નાનો છોકરો જે કાયમ ગાર્ડ નો છેલ્લો ડબ્બો જ બનતો. એક નાની ટૂંકી ચડ્ડી ને હાથમાં લીલો કકડો. ઉઘાડું શરીરને મસ્તીથી છૂક..છૂક… ગાડી રમતો.
મેં કૂતૂહલવશ એ છોકરાને પૂછ્યું : “બેટા તારે એન્જિન નથી બનવું ?”
બધા છોકરાઓ વારાફરતી એન્જિન બનતા હતા.
છોકરાએ ખૂબજ સરળતાથી જવાબ આપ્યો : ના.
‘કેમ ?’ મેં પૂછ્યું.
“હું જો એન્જિન બનું તો બાકીના બધા મારી પાછળ મારું શર્ટ પકડીને ગાડીના ડબ્બા બને. પણ મારી પાસે શર્ટ નથી ને.”
છોકરાના ચહેરા પર ભોળપણ તરવરતું હતું. છોકરો આટલું કહીને ફરી ગાડી ગાડી રમવા જતો રહ્યો. તેના મોં પર આનંદ હતો. છોકરો પુન: પોતાની મસ્તીમાં રમવા લાગ્યો. ગાડી ચાલી છૂક..છૂક..છૂક…!
આ સાંભળીને હું સ્તબ્ધ ! હું ફાટી આંખે છોકરાને જોઈ રહ્યો.
” મારી પાસે શર્ટ નથી ને ”
આ ખૂબ જ સરળતાથી બોલાયેલું વાક્ય જીવનની હતાશા ખંખેરી નાખે છે.
આપણે એ ફરિયાદ કરવાથી ફુરસદ નથી મેળવી શકતા કે… “મારી પાસે ગાડી નથી, બંગલો નથી, જમીન નથી, પૈસા નથી વગેરે “
પોતાના વાલીને “મારે શર્ટ જોઈએ છે . મારે એન્જિન બનવું છે. શર્ટ પહેર્યા વગર હું એન્જિન કેવી રીતે બની શકું ? મારે અત્યારે જ શર્ટ જોઈએ નહીં તો હું જમીશ નહી “. – આવી સામાન્ય ફરિયાદ કરવાને બદલે છોકરાએ વિકલ્પ શોધીને આનંદ લેવાનું ચાલુ રાખ્યું. ગાર્ડનો છેલ્લો ડબ્બો બનીને છેલ્લા રહેવાનું પસંદ કર્યું અને રમતનો આનંદ લીધો.
રમતનો આનંદ મહત્વનો છે.
તમે છેલ્લા છો કે પહેલા એ મહત્વનું નથી.
ગાડીમાં બેઠા છો એ મહત્વનું છે.
જીવનમાં બધાને બધી વસ્તુઓ મળે એ શક્ય જ નથી.
જે છે તેનાથી જીવનને
સુંદર અને મજાનું કેવી રીતે બનાવી શકાય
તેવી સમજણ કેળવવી
એ જ જીવન જીવવાની કળા છે.
વાચકોના પ્રતિભાવ