ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!
– નેહા પુરોહિત

રંગ કોના છે, રાગ કોના છે – હરિકૃષ્ણ પાઠક

રંગ કોના છે, રાગ કોના છે?
આ ફટાણાં ને ફાગ કોનાં છે?

ફાટ ને ફૂટ સૌ ફરેબી છે;
લૂંટમાં લાગ-ભાગ કોના છે?

અલ્પમતને અપાર તોષીને
દૂધ પાયેલ નાગ કોના છે?

હાંડીઓ ઝૂલતી હવાલાની,
તળિયાં એનાં અતાગ કોનાં છે?

રામનું નામ શુક નથી લેતા,
ને સતત રટે છે કાગ, કોના છે?

સત્યને ઠેર ઠેર ઠમઠોર્યું;
ઠેકા—ઠૈયા ને ઠાગ કોના છે?

જંગલો ને વનો ઉજાડીને
ખીલવ્યા છે એ બાગ કોના છે?

ઢોરની ચાર્ય પણ ચરી ચાલ્યા;
જાંગલે તેડ્યા જાગ કોના છે?

દેશ આખાને દોદળો કીધો,
કાળજે દીધા દાગ કોના છે?

– હરિકૃષ્ણ પાઠક

શાસકપક્ષ કોઈ પણ હોય, રાજકારણ કાયમ સ્વકારણ બનીને જ રહી જાય છે. સમય સમયાંતરે કવિઓ પ્રજાસત્તાકને સ્વસત્તાક બનાવી બેઠેલા ભ્રષ્ટાચારીઓનો ઉધડો લેતા રહે છે. નવેનવ શેર નાની પણ ધારદાર છરી જેવા. કવિ એવા સવાલો કરે છે જેના જવાબ બધા જ જાણે છે, પણ તોય આ સવાલો અનિવાર્ય છે. કારણ કે આવા સવાલ જ લોકશાહીનો પ્રાણવાયુ છે. પોપટ ભલેને રામનામ જપવાના બદલે કાગડાનું નામ લે, પણ આપણે સવાલો પૂછવાનું બંધ કરી દઈશું તો આપણાં જંગલો-વનોને ઉજાડીને નિભ્ભર રાજકારણીઓ પોતાના બાગ ખીલવવાનું બંધ નહીં કરે. (કાગવાળા શેરમાં ‘રટે’નો સાંકડો ઉચ્ચાર કરી એને એક ગુરુ તરીકે સ્વીકારવાનું સહેજ કઠિન થઈ પડે છે.)

15 Comments »

  1. Harihar Shukla said,

    August 21, 2026 @ 10:11 AM

    રામનું નામ શુક નથી લેતા
    ને સતત રટે છે કાગ, કોના છે?

    કાગડાઓ રામનું નામ લેવા માંડે અને પોપટ એ લેવાનું છોડી દે એ બીના જ પૂરી શંકાસ્પદ. કાગડાનો તો નહીં પણ હવે પોપટનો પણ કેવી રીતે વિશ્વાસ કરવો? બધા શેર મોજ કરાવે છે.

  2. Harihar Shukla said,

    August 21, 2026 @ 1:20 PM

    રામનું નામ શુક નથી લેતા,
    ને સતત રટે છે કાગ, કોના છે?

    કાગડાઓ રામનું નામ લે અને પોપટ એ લેતા જ ન હોય એય કેવી વિડંબણા? શંકા તો કાગડા પર જ નહીં પણ પોપટ પર થાય છે! નરી મોજ અને બધા જ શેરમાં.

  3. Yogesh Samani said,

    August 21, 2026 @ 3:31 PM

    સશક્ત ગઝલ.

  4. Kishor Ahya said,

    August 21, 2026 @ 6:33 PM

    સરકારી હોદાઓ પરથી જે સેવા નિવૃત્ત થયા હોય એમને સરકારી કામકાજની અપાર વહીવટી જાણકારી હોય એ સ્વભાવિક જ છે. તેમની ક્લમે લખાયેલ આ છંદબદ્ધ ગઝલ ઘણું બધું કહી જાય છે! સરકારી હોદો હોવા છતાં નિરાભિમાની વ્યક્તિત્વના ધણી શ્રી હરિકૃષ્ણ પાઠકે સાહિત્યની ખૂબ સેવાઓ કરી છે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ પ્રદાન કરી છે.

    પ્રસ્તુત ગઝલમાં તેમણે કેટલાક રાજકીય વ્યંગો કર્યા છે, મોટાભાગે સમજી શકાય તેવા છે.. એકાદ બે રૂઢિ જાણીતા રૂઢિ પ્રયોગો પણ છે.

    ‘ઠેકા—ઠૈયા ઠાગ’. ઠેકા—ઠૈયા અને ઠાગ એટલે ઠેકાણું.
    ગઝલની પંક્તિ નીચે મુજબ છે

    સત્યને ઠેર ઠેર ઠમઠોર્યું;
    ઠેકા—ઠૈયા ને ઠાગ કોના છે?

    કવિ કહે છે સત્ય જાણવા બહુ કોશિશો કરી.આ ઠેકાઓના ઠેકાણા કોના છે?

    ‘બીજું જાંગલે તેડ્યા જાગ’ આ રૂઢિ પ્રયોગનો અર્થ જાતે મુસીબત વહોરવી એવો થાય છે. કહેવાય છે જાંગલો નામનું એક પક્ષીવીક રાક્ષસની ગુફા પાસે જાય છે જાગ નામના રાક્ષસ ને પોતાની સાથે વનમાં તેડી લાવે છે. તે પછી રાક્ષસ વનનો નાશ કરે છે અને જાંગલો નામના આ પક્ષીનો.પણ નાશ કરે છે. ગઝલની પંક્તિ નીચે મુજબ છે.

    “ઢોરની ચાર્ય પણ ચરી ચાલ્યા;
    જાંગલે તેડ્યા જાગ કોના છે?”

    કવિ કહે છે યોગ્ય ન હોય તેવા લોકોને સતા સોંપવામા આવે ત્યારે જાંગલોની જે દશા થઈ તેવું બનતું હોય છે.
    લોકશાહી ટકાવવા માટે પ્રજાની જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે. પ્રજામાં જાગૃતિ વધે એ માટે કવિએ સમગ્ર
    ગઝલની પંક્તિઓમાં વેધક પ્રશ્નો પૂછ્યા છે.

    ‘રંગ કોના છે, રાગ કોના છે’ કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકની સરસ રચના છે.
    શ્રી વિવેકભાઈએ સરસ આસ્વાદ આપી ગઝલની સરસ પસંદગી કરી છે.

    🌹🌹🌹🌹

  5. વિવેક said,

    August 22, 2026 @ 12:06 PM

    સમય ફાળવીને ટિપ્પણી કરનાર મિત્રોનો આભાર… વિશેષ સમાલોચના બદલ સ્જ્રી કિશિર આહ્યાનો ખાસમખાસ આભારી છું… જાંગલે તેડ્યા જાગ – આ જાણકારી માટે વિશેષ આભારી… મનેય કંઈ નવું જાણવા મળ્યું..

  6. શૈલેષ પંડયા નિશેષ said,

    August 24, 2026 @ 11:04 AM

    અદ્ભુત… અદ્ભુત…

  7. શૈલેષ પંડયા નિશેષ said,

    August 24, 2026 @ 11:05 AM

    અદ્ભુત…

  8. ramesh maru said,

    August 24, 2026 @ 11:36 AM

    👌🏻👌🏻

  9. Devendra Shah said,

    August 24, 2026 @ 11:53 AM

    🙏🙏 પ્રભુ, સરસ, આભાર, પ્રણામ.🙏🙏

  10. kamlesh shukla said,

    August 24, 2026 @ 12:03 PM

    સચોટ અને ધારદાર ગઝલ.
    મજા આવી ગઈ.

  11. kamlesh shukla said,

    August 24, 2026 @ 12:06 PM

    સચોટ અને ધારદાર ગઝલ.
    કવિ શ્રી વિવેકભાઈ એ ઉમદા ગઝલની પસંદગી કરી છે, મજા આવી ગઈ.

  12. જિજ્ઞા વોરા said,

    August 24, 2026 @ 12:54 PM

    કાનને ગમે તેવી કવિતા…. પાઠક સાહેબની ચેતનાને વંદન🙏

  13. શ્યામ ઠાકોર said,

    August 25, 2026 @ 6:05 PM

    સરસ રચના

  14. Vrajesh Mistri said,

    August 25, 2026 @ 7:08 PM

    વાહ…. રામનું નામ…

  15. jyoti Patel said,

    August 25, 2026 @ 9:53 PM

    A powerful mirror to politics!
    Thoughtful choice vivekbhai for selecting a bold, politically charged ghazal.👏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment