નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
ગની દહીંવાલા

શબ્દ (ઝૂલણા-સૉનેટ) – જગદીશ જોષી

શબ્દને યોનિ છે, શબ્દને શિશ્ન છે
શબ્દને સ્તન અને છાતીએ વાળ છે

સમૂહમાં શબ્દ છે, શબ્દ છે એકલો
શબ્દ છે સૌમ્ય ને શબ્દ વિકરાળ છે

શબ્દ તો શરીર ને શબ્દ તો પ્રાણ છે
શબ્દ તો રેતી ને શબ્દ તો વ્હાણ છે.

શબ્દને પાંજરે પંખી બોલ્યા કરે
એક બીજું સદા અર્થ કરડ્યા કરે

અર્થ સબડ્યા કરે: શબ્દમાં શબ્દ તો
બાળ નાનો થઈ કાલું બબડ્યા કરે

બાણશૈયા પરે શબ્દ તો ભીષ્મ છે
શબ્દ રાધા અને શબ્દ તો કૃષ્ણ છે

શબ્દ ઇશુ અને શબ્દ તો બુદ્ધ છે
શબ્દ ઉત્તર અને શબ્દ તો પ્રશ્ન છે.

– જગદીશ જોષી

ઇટલીમાં સૉનેટ લખાવું શરૂ થયું ત્યારે ચૌદ પંક્તિઓ અષ્ટક-ષટકના સ્વરૂપમાં (પેટ્રાર્કન) લખાતું. એ અંગ્રેજીમાં આવ્યું ચતુષક-યુગ્મક (શેક્સપિરિઅન) સ્વરૂપે. મિલ્ટને ચૌદેચૌદ પંક્તિઓને સુગ્રથિત કરીને સૉનેટને નવો ઘાટ આપ્યો. ગુજરાતીઓએ કોઈ એક સ્વરૂપ કે પ્રાસવ્યવસ્થા પસંદ કરવાના બદલે યદૃચ્છા વિહાર કરવાનું રાખ્યું. જગદીશ જોષીનું આ સૉનેટ તો ગઝલસદૃશ કૃતિ છે. એમણે સાત યુગ્મક આપ્યા છે, પણ પ્રાસના મામલે મળે ત્યાં મેળવી લઈ બાકીના ભગવાનભરોસે છોડ્યા હોવાથી કૃતિમાં એકસૂત્રતા જળવાતી નથી.

પ્રસ્તુત રચના શબ્દનું મહિમાગાન છે. મોટાભાગની કડીઓમાં વિરોધાભાસી શબ્દોની યાદી આપીને કવિ શબ્દનો અમાપ વ્યાપ સ્થાપિત કરવાબો પ્રયત્ન કર્યો છે, પણ એમાં નાવીન્ય નથી. કદાચ એમણે અચંબિત કરે એવા શબ્દો પસંદ કર્યા છે. યથાકથિત સૉનેટનો ઉઘાડ ચોંકાવનારો છે. ચોંકાવવાના ઈરાદાથી જ લખાયો પણ જણાય છે. કારણ એ સમયે ઘણા કવિઓએ વાચકોને અચંબિત કરવા માટે યૌનક્રિયાના ઉઘાડા આલેખનને ખપમાં લીધું હતું. કદાચિત તેઓ નવી કવિતા અને નવી અભિવ્યક્તિની શોધમાં હતા. પણ અહીં શબ્દને યોનિ-શિશ્ન-સ્તન-છાતીના વાળ કહીને કવિ શું સિદ્ધ કરી શક્યા છે એ સમજાતું નથી. શબ્દ શરીર છે અને શબ્દ જ પ્રાણ પણ છે. શબ્દ વહાણ પણ છે, પણ આ વહાણ હંકારવું સહેલું નથી, કારણ એ પાણીમાં નહીં, રેતીમાં તરાવવાનું છે. સમૂહ-એકલગાન, સૌમ્યતા-વિકરાળતા એ પણ શબ્દના જાણીતા આયામ છે. એક તરફ એવા કવિઓ છે, જે શબ્દોના અર્થના પાંજરામાં કેદ રહીને બોલ્યે રાખે છે, તો બીજી તરફ અર્થને અતિક્રમીને આગળ વધતા સર્જકો પણ છે. અહીં સુધી તો બરાબર, પણ ભીષ્મ-રાધા-કૃષ્ણ-ઈશુ અને બુદ્ધના પ્રતીકોથી કવિ કોઈ ઊંચું નિશાન તાકી શક્યા હોય એવું લાગતું નથી. સરવાળે, એક સમર્થ સર્જકની ડાબા હાથની સરજત ગણી આવી કવિતાઓને હાંસિયામાં મૂકી શકાય એમ મારું માનવું છે.

11 Comments »

  1. Vrajesh Mistri said,

    September 24, 2026 @ 11:41 AM

    વિરલ

  2. મહેશ સોની said,

    September 24, 2026 @ 1:36 PM

    પહેલી બે પંક્તિઓ વિશે મંતવ્ય આપવાનું જણાવ્યું છે. આ બે પંક્તિઓ ફક્ત વાણી વિલાસ કે શબ્દ વિલાસ સિવાય કંઈ નથી.

  3. jagdip nanavati said,

    September 24, 2026 @ 2:24 PM

    અરુચિકર……

  4. Kishor Ahya said,

    September 24, 2026 @ 9:04 PM

    સાધુ સંતો જીવનના રહસ્યો😘🎉ઃ પામવા મૌનનું મહત્વ સમજાવે છે જ્યારે અહીં કવિ શ્રી જગદીશ જોશી શબ્દ ચાલીસાના પાઠ ભણાવે છે. ચ, નના લાઈત્ઝુ ક😂હે છે જીવનમાં વિપરીત/વિરુદ્ધ દિશા જીવનની સહજ દિશા માટે જરૂરી હોય છે. શબ્દ ને કારણે મૌનનું મહત્વ છે મૌનને કારણે શબ્દનું મહત્વ છે. કવિ અહીં શબ્દનો એવો મહિમા ગાન કરે છે કે એક પલ્લામાં શબ્દ ,બીજા પલ્લામાં દુનિયા અને બંને બરાબર! જગતમાં સૌથી મહત્વનું ગણાતા શરીર સુખના અવયવોને પણ કવિએ શબ્દ બરાબર ગણ્યા છે! “શબ્દને યોનિ છે, શબ્દને શિશ્ન છે શબ્દને સ્તન અને છાતીએ વાળ છે””આગળની પંક્તિઓમાં કવિએ પરસ્પર વિરોધી હોય તેવી બાબતોને પણ કવિએ શબ્દ બરાબર ગણી છે.

    થોડું ચિંતન કરીએ તો શબ્દ ન હોત તો મનુષ્ય ક્યાં હોત? મનુષ્ય એક પેઢીએ મેળવેલું જ્ઞાન બીજી પેઢોને શબ્દ દ્વારા આપી શકે છે, જ્યારે પશુ પક્ષી પાસે ભાષા નથી તેથી એ જેમના તેમ છે. ભાષા વિનાના મનુષ્યની કલ્પના કરીએ તો મનુષ્ય પણ પશુ પક્ષી જેવી જ સ્થિતિ ધરાવતો હોત! તેથી કવિએ શબ્દનું જે મહિમા ગાન કર્યું છે તે બરાબર જ છે, પણ ગઝલનું મૂલ્યાંકન કરીએ તો જે પ્રતીકો મૂક્યા છે તે તોલી ન શકાય એવા છે, જેથી અશોભન લાગે છે. કવિનું કહેવાનું છે કે રાધા કૃષ્ણ, ભીષ્મ ,ઈશુ કે બુદ્ધ શબ્દ ને કારણે જ છે. એ વાત સાચી છે કે તેમનું જ્ઞાન શબ્દ વિના શક્ય ન બન્યું હોત પરંતુ જ્ઞાની પુરુષ એ અવસ્થાએ હોય છે ત્યાં શબ્દો નથી હોતા પણ મૌન હોય છે.શ્રી વિવેકભાઈએ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  5. Jayesh Bhatt said,

    September 25, 2026 @ 10:03 AM

    આપશ્રી ની વાત સાથે સહમત છુ

  6. વિવેક said,

    September 25, 2026 @ 10:35 AM

    તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભારી છું…

    @કિશોર આહ્યા: દર વખતની પેઠે સવિસ્તર ટિપ્પણી કરવા બદલ આભાર… મહાપુરુષોના જ્ઞાનનો પ્રસ્તાર શબ્દના સહારા વિના જે તે સમયે પણ થઈ ન શક્યો હોત અને આપણા સુધી તો એ પહોંચી શક્યું જ ન હોત. એ વાત એકદમ બરાબર. મારા મનમાં આ વાત ઊગી જ નહોતી… આ માટે સવિશેષ ઓશિંગણ છું… પણ સૉનેટ આ વિચારનું યથોચિત વહન કરી શક્યું નથી એનોય સ્વીકાર કરવો રહ્યો…

    મળતા રહીશું, શબ્દોના રસ્તે…

  7. Chetna Bhatt said,

    September 26, 2026 @ 10:42 AM

    આમ જોઈએ તો કઈ ખાસ નથી હાસિયા માં હોવી જોઈએ તો અહીંયા શું કરે છે??
    મને આમાં અહંબ્રહ્માસમી જેવી ફીલિંગ આવી..૧૦૦% શરૂઆત માં આજકાલ ધ્યાન ખેચવા જેમ શરીરના અંગ દેખાડવામાં આવે છે એમ અહીંયા શબ્દો નો પ્રયોગ થયો છે..
    પણ શબ્દ* ની જગ્યા એ હું* મૂકતા જ..
    બધે જ હું છું ને બધું જ હું છું
    ઈશ્વર પણ હું છું ને,
    હું જ ઈશ્વર છું..!
    એવી ભાવના દેખાય છે .

  8. JIGNA RATHOD said,

    September 28, 2026 @ 11:26 AM

    આપની સમજૂતી સાથે સહમત છું. ગઝલ માં નાવીન્ય નથી લાગી રહ્યું

  9. Suresh Parmar said,

    September 28, 2026 @ 1:01 PM

    👍🌹🙏

  10. Amin Kanchan said,

    September 28, 2026 @ 2:00 PM

    શબ્દનું અદભૂત મહિમા- વ્યક્ત કર્યો –

  11. Devendra Shah said,

    September 28, 2026 @ 6:12 PM

    🙏🙏 મને તો શબ્દ ઉપરનું આખું કાવ્ય ગમ્યું, આભાર, પ્રણામ.🙏🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment