એક સોરઠા ગઝલ – સોલિડ મહેતા
આંખવગા આકાશમાં સૂરજ સળગે સાત
કોણે માંડી વાત પ્રીત્યું તારી સામ્ભરે
અડળક પડળક ડૂસકાં આંખમતીને તીર
ખળખળ થાતાં નીર છાતી સોંપટ નીતરે
ગોઝારો આ વાયરો વેરે ઠંડી આગ
જાણે કાળી નાગ મારગ વચ્ચે આન્તરે
અડવડતા આ જીવને કોણે બાંધ્યા આમ
શું થાશે હે રામ! શ્વાસ વગરના આશરે
સ્નેહલ તારા દેશથી આવે ઊડી રેત
આળોટે થઈ પ્રેત મારા ઘરને ઉમ્બરે
કોરા મોરા કાગળે ભાષા કચ્ચરઘાણ
શબ્દો મ્હોર્યા વ્હાણ ઘાટ અજાસો નાંગરે
વેરણ કાળી રાતમાં શમણે વાળ્યો દાટ
જોઉં તારી વાટ સોલિડગઢને કાંગરે
– સોલિડ મહેતા
ગઈ કાલે આપણે દોહા ગઝલ જોઈ. આજે એક સોરઠા ગઝલ જોઈએ. બંને દ્વિદલ માત્રામેળી છંદ છે. દોહા કે દોહરાની બંને કડીઓમાં પહેલા ચરણમાં ૧૩ અને બીજા ચરણમાં ૧૧ એમ કુલ ૨૪ માત્રા હોય છે. સોરઠામાંય માત્રા તો એટલી જ રહે છે, પણ પહેલા ચરણમાં ૧૧ અને બીજામાં ૧૩ –એમ માત્રાની ઉલટસૂલટ થાય છે. દોહાનું બંધારણ દાદા દાદા દાલદા, દાદા દાદા ગાલ જ્યારે સોરઠાનું બંધારણ દાદા દાદા ગાલ, દાદા દાદા દાલદા. દોહામાં બીજા અને ચોથા ચરણ વચ્ચે પ્રાસમેળ સર્જાય જ્યારે, સોરઠામાં પહેલા અને ત્રીજા ચરણ વચ્ચે પ્રાસસાંકળી રચાય. ઘણા કવિઓ સોરઠામાં ઉપરોક્ત રચના પ્રમાણે પહેલા-ત્રીજાના સ્થાને બીજા-ત્રીજા ચરણ વચ્ચે પણ પ્રાસ મેળવે છે. કવિએ આ કૃતિને સોરઠા ગઝલ એવું શીર્ષક આપ્યું હોવાથી કૃતિમાં સોરઠા અને ગઝલ –ઉભયના સંસ્કાર સમાવિષ્ટ હોવા ઘટે. કોઈપણ પ્રકારની ફ્યુઝન-પોએટ્રીનો પ્રયોગ ત્યારે જ સફળ બને જ્યારે ભાવકને બંનેની સહોપસ્થિતિ અનુભવાય. અહીં ભાવકને જે હમરદીફ-હમકાફિયા પ્રકારની ગઝલાનુભૂતિ થાય છે, એમાં મત્લાની અનુપસ્થિતિ ખટકે છે. બીજું, આ રચના શુદ્ધ સોરઠામાં લખાઈ નથી. દેખીતી રીતે જ અહીં દરેક શેરના ઉલા મિસરામાં દોહા છંદ (૧૩ વત્તા ૧૧) અને બીજા મિસરામાં સોરઠા છંદ (૧૧ વત્તા ૧૩) પ્રયોજાયો છે. વિનોદ જોશીની એક રચનામાં આ પ્રકારની મિશ્ર છંદરચના જોવા મળે છે:
સોળ વરસની સુંદરી, રુમઝુમ કરતું રૂપ,
મારે મખમલ ફૂંક, પડખે જઈને પ્રેમથી.
સોલિડ મહેતાની આ સોરઠા ગઝલને પણ મિશ્રછંદ ગઝલ કહી શકાય. મત્લાની ગેરહાજરી છે, પણ આંખમતીના તીર અને સોલિડગઢની વચ્ચે ગઝલિયતના અનેકાનેક પ્રમાણ મળી આવે છે એ આપણું સદભાગ્ય.


Kishor Ahya said,
September 18, 2026 @ 6:58 PM
સોરઠા ગઝલમાં સોરઠી દુહાનો લય પણ જોવા મળે છે. કોઈ તહેવાર નિમિતે ખાસ કરીને જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે હોળી સામે દોહા ગાનારા દુહાની રમઝટ બોલાવે છે હે..કરીને લલકારતા દુહામાં ગઝલના શબ્દો મૂકીને લલકારી શકાય તેવી મજાની ગઝલ બની છે.લગભગ દરેક શેર પ્રિય સાથેના વિયોગથી ઉદ્દભવતુ દર્દ દર્શાવે છે.
“સ્નેહલ તારા દેશથી આવે ઊડી રેત
આળોટે થઈ પ્રેત મારા ઘરને ઉમ્બરે”
વાહ! ગઝલનાં શબ્દો ભાષા મનને મોહી લે તેવા છે. અંતિમ મક્તાનો શેર પણ મજાનો છે. આસ્વાદ આપતા શ્રી વિવેકભાઈએ સોરઠા ગઝલ વિશે સરસ સમજાવ્યું છે.
🌹🌹🌹🌹
Shailesh Gadhavi said,
September 21, 2026 @ 8:05 PM
બહુ સરસ ગઝલ અને વિવેચન..
Amin Kanchan said,
September 22, 2026 @ 1:30 PM
સરસ સોરઠી ગઝલ –
ramesh maru said,
September 24, 2026 @ 1:17 PM
વાહ 👌🏻👌🏻
મનીષા આર. દુધાત said,
September 28, 2026 @ 10:04 AM
નવતર પ્રયોગની સોરઠા ગઝલ વાંચીને ખૂબ આનંદ થયો અને ગઝલના સામાન્ય સ્વરૂપ કરતા વિશેષ અલગ દિશામાં ધ્યાન કેન્દ્રિત થયું… સોરઠની સંસ્કૃતિ જાણે સચિત્ર હૃદયમાં ઉજાગર થઈ… અભિનંદન..