પ્રથમ રાત્રિ – રમેશ પારેખ
(વસંતતિલકા)
વંધ્યા અવાવરુડિબાંગ હથેળીઓમાં
કેવી રીતે અવતર્યાં ગુલમ્હોર વૃક્ષો
આ એ જ હાથ બટકી પડતા હતા તે
લીલાચટાક બસ આજ લીલાચટાક
ભૂલેચૂકેય કરું સ્પર્શ હું કાંકરીને
તો કાંકરીય ટહુકો થઈ જાય આજ.
સીધાં ચઢાણ ચડવા મથતી ન હોય
એ રીત ઊપડતી પાંપણ માંડ તારી
સામે મને (હું પણ ઢાળ જ હોઉં તેમ)
સ્પર્શે અને લપસી જાય સલજ્જ દૃષ્ટિ
ચોમેર ચંદ્ર સુખપાંચમનો પ્રકાશે
આખ્ખાય રોમવનને ભરતો ઉજાસે
ઊભો ઊભો હું નવજાત બની જઉં ને
મૂકી શરીર અળગું સરકી જઉં, ને…
– રમેશ પારેખ
શીર્ષક એટલે કવિતાનો ઉંબરો…’પ્રથમ રાત્રિ’ શીર્ષક વાંચતાવેંત સુખપાંચમનો ચંદ્ર આપણા રોમવનને ઉજાસથી છલકાવી દે… ખરું ને? જે હથેળીઓ આજદિનપર્યંત સ્પર્શસુખથી વંચિત હતી, એમાં લગ્નજીવનની પ્રથમ રાત્રિએ ગુલમહોરનાં વૃક્ષો અવતર્યાં છે. વંધ્યા અને અવતર્યાં- કવિએ વિશેષણ અને ક્રિયાપદનો જે સુમેળ કર્યો છે એ તરફ ધ્યાન દેવાનું ચૂકાય નહીં. પ્રેમ માણસને પારસમણિ બનાવી દે છે. આજની રાત એવી રાત છે કે ભૂલથી કાંકરીને સ્પર્શ કરી દેવાય તો એય ટહુકા કરી ગાતી થઈ જાય. એક તરફ આવેશ એની પરાકાષ્ઠાએ છે, તો બીજી તરફ લાજ પણ ચરમસીમાએ છે. પત્નીની નજર જાણે સીધો પહાડ કેમ ન ચડવાનો હોય, એમ માંડ માંડ ઊઠે છે અને પતિ ઢાળ હોય એમ તારામૈત્રક સધાવાની બીજી જ પળે સડેડાટ લપસી પણ જાય છે. મનપાંચમના મેળાનું ગાન ગાનાર કવિએ અહીં સુખપાંચમના ચંદ્રનો પ્રકાશ રેલાવ્યો છે. કવિએ સુખપાંચમના સ્થાને મુખપાંચમનો ચંદ્ર કહ્યું હોત તોય સૉનેટની લાલિમા કદાચ યથાવત્ રહેત. અદ્વૈતમાંથી દ્વૈત પામવાની આ પળે કાવ્યનાયક નવજાત બાળસહજ નિર્દોષતાથી….


Mita GM said,
October 1, 2026 @ 1:12 PM
Waaah
ધીરૂ said,
October 1, 2026 @ 2:11 PM
‘પ્રથમ રાત્રી’ : સુંદર સંવેદનાની રચના, પણ અંતે અર્થસાતત્યનો પ્રશ્ન
‘પ્રથમ રાત્રી’ અત્યંત સંવેદનશીલ વિષયને સ્પર્શતી કવિતા છે. શરૂઆતથી મધ્ય સુધી કવિએ સ્પર્શ, લજ્જા, દેહ અને પ્રકૃતિને એકબીજામાં ભેળવીને કેટલીક તાજી અને સુંદર કલ્પનાઓ રચી છે.
“વંધ્યા અવાવરુ ડિબાંગ હથેળીઓમાં
કેવી રીતે અવતર્યાં ગુલમ્હોર વૃક્ષો”
અહીં અત્યાર સુધી સ્પર્શવિહોણી રહેલી હથેળીઓમાં અચાનક ગુલમ્હોરનાં વૃક્ષો ઊગી નીકળવાની કલ્પના પ્રણયના આગમનને ખૂબ જ સજીવ રીતે વ્યક્ત કરે છે. શુષ્કતામાંથી લીલાશ તરફનું આ પરિવર્તન માત્ર સુંદર ઉપમા નથી, તેમાં દેહની નવી જાગૃતિ પણ અનુભવાય છે.
“ભૂલેચૂકેય કરું સ્પર્શ હું કાંકરીને
તો કાંકરીય ટહુકો થઈ જાય આજ.”
અહીં સ્પર્શની તીવ્રતા એટલી વધારી દેવામાં આવી છે કે નિર્જીવ કાંકરી પણ ‘ટહુકો’ બની જાય છે. કલ્પના અણધારી છે અને તેથી કાવ્યાત્મક અસર ઊભી કરે છે.
તે જ રીતે,
“સીધાં ચઢાણ ચડવા મથતી ન હોય
એ રીત ઊપડતી પાંપણ માંડ તારી”
અને
“સામે મને… સ્પર્શે અને લપસી જાય સલજ્જ દૃષ્ટિ”
માં પાંપણ, નજર, ઢાળ અને લજ્જાને દેહની ભાષા સાથે જોડવાનો પ્રયત્ન સફળ છે. અહીં કવિ કહેતા કરતાં બતાવે છે, અને આ કવિતાની મોટી સિદ્ધિ છે.
પરંતુ અંતિમ બે પંક્તિઓમાં કવિતા જે ઊંચાઈએ પહોંચી છે, ત્યાંથી તેનો અર્થ થોડો અસ્પષ્ટ થઈ જાય છે:
“ઊભો ઊભો હું નવજાત બની જઉં ને
મૂકી શરીર અળગું સરકી જઉં, ને…”
‘નવજાત બની જવું’ને જો પુનર્જન્મ, અહંનું વિસર્જન અથવા પ્રેમમાં સંપૂર્ણ પરિવર્તન તરીકે વાંચીએ તો કલ્પનામાં સંભાવના છે. તેથી તેને સીધું અતાર્કિક કહેવું યોગ્ય નથી. પરંતુ કવિતામાં આ અર્થ માટે પૂરતી પૂર્વભૂમિકા તૈયાર થતી નથી. અત્યાર સુધી આખી રચના દેહના સ્પર્શ અને મિલનની દિશામાં આગળ વધી રહી છે; અચાનક ‘નવજાત’ અને પછી ‘શરીર અળગું મૂકી સરકી જવું’ વાચકને બીજી જ દિશામાં લઈ જાય છે.
ખાસ કરીને ‘શરીર અળગું મૂકવું’ મુશ્કેલી ઊભી કરે છે. જો આ દેહાતીત અનુભવ અથવા આત્મવિસર્જનનું રૂપક હોય તો કવિએ એ પરિવર્તન માટે કોઈ સંકેત અગાઉ આપવો જરૂરી હતો. અન્યથા જે ક્ષણે દેહ અને મનની નિકટતા પરાકાષ્ઠાએ પહોંચવાની અપેક્ષા ઊભી થઈ છે, ત્યાં દેહથી જ અલગ થઈ જવાની વાત અગાઉના સમગ્ર સંવેદનાત્મક પ્રવાહને ઢીલો પાડે છે.
અને અંતે રહેલું “ને…” પણ અહીં વિશેષ અસર ઊભી કરતું નથી. અધૂરો વિરામ ત્યારે જ શક્તિશાળી બને જ્યારે વાચકને લાગે કે કહેવાનું બાકી નથી, પરંતુ અનુભૂતિ એટલી મોટી છે કે શબ્દ ત્યાં અટકી ગયા છે. અહીં એવો અનુભવ થવાને બદલે પંક્તિ અધૂરી રહી ગઈ હોય એવો ભાસ થવાની શક્યતા વધારે છે.
આથી કવિતાની સમસ્યા તેની કલ્પનાશક્તિના અભાવની નથી—ઊલટું, પૂર્વાર્ધમાં કવિએ ઘણી તાજી કલ્પનાઓ આપી છે. સમસ્યા એ છે કે અંતિમ રૂપક માટે અગાઉની અનુભૂતિમાંથી પૂરતો અર્થસેતુ બનાવાયો નથી.
કવિતાનો પૂર્વાર્ધ દેહને ધીમે ધીમે જાગતો, સ્પર્શથી બદલાતો અને પ્રેમમાં ભીંજાતો બતાવે છે; અંતે એ જ દેહને અળગો મૂકી દેવામાં આવે છે. આ પરિવર્તન જો ‘મિલન પછીના પુનર્જન્મ’નો અર્થ ધરાવે છે, તો એ અદ્ભુત બની શકે; પરંતુ કવિતામાં એ અર્થ પૂરતી સ્પષ્ટતા અને સંવેદનાત્મક તૈયારી સાથે પ્રગટ થતો નથી.
અટલે આ કવિતાની મુખ્ય ખામી કલ્પનાની અછત નહીં, પરંતુ અંતિમ કલ્પનાને અગાઉની સંવેદના સાથે સંપૂર્ણ રીતે સાંકળી ન શકવાની છે. શરૂઆત અને મધ્યમાં કવિ વાચકને જે ભીનાશ અને દેહસંવેદના સુધી લઈ જાય છે, અંતે એ જ અનુભૂતિને વધુ ઊંડી કરવાની જગ્યાએ કવિતા અચાનક દેહાતીત અર્થ તરફ વળી જાય છે. અહીં થોડું વધુ પુનર્વિચાર અને સ્વ-વિવેચન આખી રચનાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી શક્યું હોત
Varij Luhar said,
October 1, 2026 @ 6:39 PM
વાહ.. ખૂબ સરસ
Kishor Ahya said,
October 1, 2026 @ 6:41 PM
વર્ષોના વર્ષો સુધી કોઈના માટે જીવનમાં જે સાચવ્યું હોય એને એ આપી દેવાનું ટાણું આવે, એ છે લગ્નની પ્રથમ રાત્રી! તેરા તુજ કો અર્પણ! એ ટાણે મનોભાવ કેવા બદલાય છે એ વર્ણવતું સોનેટ એટલે શ્રી રમેશ પારેખનું ‘પ્રથમ રાત્રી.’
“ચોમેર ચંદ્ર સુખપાંચમનો પ્રકાશે
આખ્ખાય રોમવનને ભરતો ઉજાસે”
વાહ!
“ઊભો ઊભો હું નવજાત બની જઉં ને
મૂકી શરીર અળગું સરકી જઉં, ને…”
વાહ! પ્રથમ રાત્રિનું આવું સુમધુર વર્ણન ભાગ્યેજ જોવા મળે. કવિ કહે છે ઊભો ઊભો હું નવજાત બાળક બની શરીર મૂકી અળગું સરકી જાઉં ને..જ્યારે બે વ્યક્તિઓ એક બીજાને હૈયું આપી દે છે ત્યારે હૈયા સાથે આપમેળે સમગ્ર શરીરનો ભાર પણ વહી જતો હોય છે અને વ્યક્તિનો જાણે નવો જન્મ થતો હોય એમ વ્યક્તિ નવજાત બની જાય છે . બે શરીર સાથે બે આત્માઓ મળતા બે આત્મા એક બની જાય છે. શરીર નો ભાર ન રહેતા શરીર જાણે અળગું પડી ગયું તેમ લાગે છે ને સરકી જાઉં, ને..( ને ..પછી નવજતની જેમ વીંટળાય જાવ છું) (એક બની જાવ છું) વાહ! જૂના સમયમાં સો પુત્રો ભવ : અને સો મો પુત્ર તારો ભરથાર બને એવા આશીર્વાદ અપાતા. ભરથારમાં જ્યારે પુત્ર દેખાય એ જ સફળ સંસાર. અહીં આ જ અર્થ છે. સોનેટની આંગળની બંને પંક્તિઓ પણ બહુ સુંદર અર્થ વ્યક્ત કરે છે. ખૂબ મજાનું કાવ્ય છે ,પ્રથમ રાત્રી, મિલનની રાત્રીને કવિએ જે શબ્દોથી વર્ણવી છે એ અદ્દભુત છે! શ્રી વિવેકભાઈએ સરસ સૉનેટની પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Rakesh Thaker તરંગ said,
October 1, 2026 @ 7:35 PM
વાહ મનમોહક અને મનભાવક…અભિભૂત કરે એવી અંતર્નિહિત લાગણીની મદભર છતાં લજ્જિત આવેગો નું શાલભંજિકા જેવું લાવણ્યમય પ્રથમ રાત્રિનું અદ્ભુત વર્ણન
રાકેશ ઠાકર તરંગ
પૃથા મહેતા-સોની said,
October 1, 2026 @ 8:06 PM
સીધાં ચઢાણ-ઢાળ- સ્પર્શી લપસતી જાય સલજ્જ દ્રષ્ટિ … આ શબ્દશૃંગાર રોચક છે!
જે ઈંગિત છે કાવ્ય છે!
રમેશ પારેખની જેમ જ- અનન્ય !
જાનકી અધ્યારુ said,
October 1, 2026 @ 8:55 PM
કેટલીક કવિતાઓ સીધી હૃદયમાં ઊતરીને અનુભવાતી હોય છે. ❤️
‘પ્રથમ રાત્રિ’માં રમેશ પારેખે પ્રેમ, લજ્જા, સ્પર્શ અને સમર્પણની જે ક્ષણને શબ્દોમાં કંડારી છે, એ ખરેખર અદભુત છે.
‘વંધ્યા હથેળીઓમાં ગુલમહોરનાં વૃક્ષો અવતર્યાં’ — આ એક જ પંક્તિ જાણે આખા પ્રેમનું રૂપક બની જાય છે. અને કાંકરીને સ્પર્શતાં ‘ટહુકો’ થઈ જવાની કલ્પના તો કવિની કલમની જાદુઈ પરાકાષ્ઠા છે.
આખી રચનામાં આવેશ છે, પણ અશ્લીલતા નહીં; લાજ છે, પણ સંકોચ નહીં; અને પ્રેમ છે, જે અંતે માણસને પોતાનાથી જ પરિચિત કરાવે છે.
‘ઊભો ઊભો હું નવજાત બની જઉં…’ — કદાચ પ્રેમની સૌથી નિર્દોષ વ્યાખ્યા આથી સુંદર બીજી શું હોય?
રમેશ પારેખની કવિતા એટલે શબ્દોમાં વસેલું એક આખું વન અને આ સોનેટ તો એ વનમાં ખીલેલો એક સુગંધિત ગુલમહોર. 🌸✨
Suresh Parmar said,
October 5, 2026 @ 12:07 PM
ખૂબ સરસ ગીત🌹🙏
જિજ્ઞા વોરા said,
October 5, 2026 @ 1:07 PM
ઉત્કટ આવેગોની કેવી સૌમ્ય રજૂઆત… અને અણધાર્યો અંત.. ર. પા. એટલે ર. પા.!
Kishor Barot said,
October 5, 2026 @ 1:15 PM
હ્નદયને ઝંકૃત કરતી કવિતા.
વાહ, રમેશ.
હરીશ દાસાણી.મુંબઈ said,
October 5, 2026 @ 2:16 PM
રમેશ પારેખ કંઈ વિશિષ્ટ વાત લાવે જ.
કવિએ દૈહિક પ્રેમથી શરૂ કરી
અંતે દેહથી અળગા થઈ જવાની
સિદ્ધ દશા મેળવી.
Harihar Shukla said,
October 5, 2026 @ 4:02 PM
વાહ, કવિના નામ વગર પણ કવિ ઓળખાઈ જાય એવી કવિતા.
Geeta Pandya said,
October 5, 2026 @ 7:26 PM
વાહ, રમેશ! સંવેદના સભર રચના!
Geeta Pandya said,
October 5, 2026 @ 7:26 PM
વાહ, રમેશ! સંવેદના સભર રચના! ખૂબ સરસ
વિવેક said,
October 6, 2026 @ 12:20 PM
જાનકી અધ્યારુ, કિશોર આહ્યા તેમજ હરીશ દાસાણીની ટિપ્પણી જનાબ ધીરૂભાઈને જ્યાં અટકી પડ્યા હતા ત્યાંથી આગળ વધવામાં (જો વધવાની ઇચ્છા હોય તો!) મદદરૂપ થઈ શકે એમ છે… સમય ફાળવીને વિશદ ટિપ્પણી કરનાર સહૃદય દોસ્તોનો સવિશેષ આભાર!
તમામ પ્રતિભાવકોનો દિલથી ખૂબ ખૂબ આભાર…
Jigisha Desai said,
October 6, 2026 @ 2:29 PM
વાહ…ખૂબસરસ કાવ્ય ‘પ્રથમ રાત્રિ’નું ગુલમ્હોરથી લઈને નવજાત સુધીનું સંવેદન…આહ્લાદક
jyoti Patel said,
October 10, 2026 @ 9:02 AM
A breathtaking sonnet matched with an equally beautiful aaswad👏