દેખ કબીરા રોય – લલિત ત્રિવેદી
જરકશ ભોગવિલાસને દેખ કબીરા રોય
લલિતિયા લિબાસને દેખ કબીરા રોય!
અબરખિયા ઉલ્લાસને દેખ કબીરા રોય!
ઝાકમઝોળ આવાસને દેખ કબીરા રોય!
હંસા, ક્યાં એ બેસણાં ક્યાં મનસરની પાળ
પાણી પાણી પ્યાસને દેખ કબીરા રોય!
ઈ ગાઉના ગાઉ ને ઈ પાણાની સેજ
રાસ ભયા વનવાસને દેખ કબીરા રોય!
ક્યાં પરસાદી થૈ ગયેલાં ભૂખ તરસ ને તાપ
મનરંજનના દાસને દેખ કબીરા રોય!
ક્યાં રે એ તલ્લીન ને ક્યાં રે રાગાધીન
તેં ખોયા અભિયાસને દેખ કબીરા રોય!
લલિત ત્રિવેદી
ગઈકાલે આપણે એક ગરબા-ગઝલનો આસ્વાદ કર્યો.. આજે એક દોહા-ગઝલ માણીએ. કબીરના પદમાંથી ’देख कबीरा रोया’ ઉધાર લઈને કવિએ એને ગઝલની રદીફ તરીકે સ્થાપી છે. જરકશી જામા અને ભોગવિલાસની જિંદગીને જોઈને ભીતરનો કબીર વ્યથિત છે. આપણો ઉલ્લસ પણ અબરખ જેવો છે, ચમકીલો પણ બરડ અને ભંગુર. આપણા શાસ્ત્રોમાં જીવને હંસનું પ્રતીક આપવામાં આવ્યું છે. હંસ અને માનસરોવર વચ્ચેનો અવિનાભાવી સંબંધ પણ જાણીતો છે. પણ કવિ લાવ્યા છે મનસરની પાળ… માનસરોવરના ઇંગિતને જાળવી રાખીને મનના સરોવરને કવિએ હાથ ઝાલ્યું છે. સદૈવ અતૃપ્ત રહેતી તરસ-તૃષ્ણાને દેખીને માંહ્યલો રડી રહ્યો છે એ શેર હાંસિલે ગઝલ કહી શકાય. બાકીના શેર ખોલવાનું કામ લયસ્તરોના સક્ષમ વાચકવર્ગ માટે બાકી રાખું છું…


લતા હિરાણી said,
September 17, 2026 @ 10:23 AM
ગમી આ ગઝલ.
કવિ લલિત ત્રિવેદી રહસ્યના પરદાઓ યથાવત રાખે છે.
અગમની વાણી એમના શબ્દોમાં પામી શકાય છે.
વાહ…
લતા હિરાણી
Lalit Trivedi said,
September 17, 2026 @ 11:59 AM
ખૂબ ખૂબ આભાર
Kishor Ahya said,
September 17, 2026 @ 5:57 PM
સંત કબીરદાસજીના પ્રખ્યાત દુહા પૈકીનો એક દુહો “ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય” પરથી કવિ શ્રી લલિત ત્રિવેદીએ સરસ રદિફ દેખ કબીરા રોય રચી સરસ ગઝલ બનાવી છે .સમગ્ર રચના આજકાલ જોવા મળતી મનુષ્યની જીવન શૈલી પર જબરો કટાક્ષ છે. દેખ કબીરા રોય આધ્યાત્મિક ભાવવાળી ઊંડાણ ધરાવતી સરસ ગઝલ છે .
‘ગાઉના ગાઉ ને ઈ પાણાની સેજ
રાસ ભયા વનવાસને દેખ કબીરા રોય!”
હિન્દુ સંસ્કૃતિમાં ૭૫ ઉંમર પછી વનવાસ એટલે કે વનમાં રહેવું અને ઈશ્વર ભક્તિ કરવી એવી રસમ છે એ સંદર્ભમાં આ દુહો છે. ગાઉના ગાઉ એ ગામઠી શબ્દ છે. એક સ્થળ થી બીજા સ્થળનું અંતર માપવા માટે પહેલા ઉપયોગ થતો હતો (લગભગ ૨ માઇલ એટલે ગાઉ થાય) દૂર દૂર રહેવાનું અને પથ્થર ની પથારી કરી સૂવાનું, આ વનવાસ . રાસ ભયા વનવાસને દેખ કબીરા રોય! કવિ કહે છે, હવે તો વનવાસ (વનવાસની ઉંમર) બધાંને માફક આવી ગઈ છે. (વનવાસ હવે ક્યાં છે?) દેખ, કબીરા રોયા.
“ક્યાં પરસાદી થૈ ગયેલાં ભૂખ તરસ ને તાપ
મનરંજનના દાસને દેખ કબીરા રોય!”
ભક્તિ કરવી એટલે પ્રભુની શરણાગતી સ્વીકારી જીવન પ્રભુને સમર્પિત કરી દેવું. ભલે, ભૂખ તરસ ને તાપ પણ સહન કરવા પડે, તેની જગ્યાએ આજે મનુષ્ય મનોરંજન માણવામાં જીવન વ્યય કરી દે છે, એ જોઈ કબીરા રોયા.
“ક્યાં રે એ તલ્લીન ને ક્યાં રે રાગાધીન
તેં ખોયા અભિયાસને દેખ કબીરા રોય!”
કવિ અહીં રિયાઝ વિશે કહે છે , કવિ રિયાઝને અભ્યાસ કહે છે .જુદાજુદા રાગમાં તલ્લીન થઈ રાગમય બની જવું, ( ભક્તિ ભાવ ભર્યા ભજનોના રાગમા લિન થઈ જવાતું) આ અભ્યાસ મનુષ્યે ખોયોં છે, જે જોઈ કબીરજી રડી પડ્યા.
મનુષ્યમાં રહેલી ભોગવિલાસમાં જીવી લેવાની ઇચ્છાથી ઇશ્વર પ્રાપ્તિની ઇચ્છા દૂર દૂરની ઇચ્છા બની જાય છે, જેથી ઇશ્વર પ્રાપ્તિ માટે ઝાકમઝોળ આવાસ ને ભોગવિલાસથી દૂર રહેવા
શીખવતી મજાની રચના છે .શ્રી વિવેકભાઈએ સરસ ગઝલ પસંદ કરી સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
લયસ્તરો – Layastaro.com » એક સોરઠા ગઝલ – સોલિડ મહેતા said,
September 18, 2026 @ 9:56 AM
[…] કાલે આપણે દોહા ગઝલ જોઈ. આજે એક સોરઠા ગઝલ જોઈએ. બંને દ્વિદલ […]
Varij Luhar said,
September 18, 2026 @ 2:00 PM
વાહ ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ
Lalit Trivedi said,
September 18, 2026 @ 2:03 PM
ખૂબ ખૂબ આભાર, કિશોરભાઈ.
Dinesh Dongre said,
September 21, 2026 @ 11:33 AM
ખૂબ સુંદર પ્રયોગ લલિતભાઈ, અભિનંદન.
Shailesh Gadhavi said,
September 21, 2026 @ 8:06 PM
વાહહ
ramesh maru said,
September 24, 2026 @ 1:11 PM
વાહ 👌🏻👌🏻
સરસ.
ગમી.
મનીષા આર. દુધાત, મનમંદિર said,
September 28, 2026 @ 9:57 AM
સંત કબીરદાસજી ના પગલે ચાલવાનો જાણે સુંદર પ્રયાસ… ગઝલને સમજવામાં થોડી કસરત કરવી પડી પણ સમજ્યા પછી ગઝલની ઉત્તમતાનો અહો આનંદ….. ખૂબ ખૂબ શુભેરછાઓ